પિન કોડ - 101 - 11 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 11

પિન કોડ - 101

પ્રકરણ-11

આશુ પટેલ

નતાશાથી છૂટા પડીને સાહિલે વિલેપાર્લે સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ પરથી ચર્ચગેટ-બોરીવલી સ્લો ટ્રેન પકડી. નતાશાને તેના પોતાના માટે જેટલી ચિંતા નહોતી એથી વધુ ચિંતા સાહિલને નતાશા માટે થઇ રહી હતી. હજી ગઇકાલ સુધી સાહિલને નતાશા વિશે વિચાર પણ નહોતો આવતો. કોલેજમાંથી છૂટા પડ્યા પછી નતાશા સાઉથ આફ્રિકા જતી રહી હતી અને સાહિલ પોતાની દુનિયામાં ખોવાઇ ગયો હતો. સાહિલ સોશિયલ મીડિયાથી દૂર જ રહેતો હતો એટલે તે ફેસબુક કે વોટ્સએપથી પણ નતાશાના સંપર્કમાં નહોતો. કોલેજમાં ભણતી વખતે નતાશા તેની બહુ સારી ફ્રેન્ડ હતી પણ ઘણા દોસ્તોની દોસ્તી કોલેજ સાથે પૂરી થઇ જતી હોય છે અને દોસ્તો પોતપોતાની દુનિયામાં ગોઠવાઇ જતા હોય છે. ખાસ તો એક શહેરમાં ના રહેતા હોય એવા દોસ્તોના કિસ્સામાં એવું બનતું હોય છે. નતાશા અને સાહિલના કિસ્સામાં તો બંને એક દેશમાં પણ નહોતા રહેતા. એટલે બન્ને વચ્ચે કોઇ સંપર્ક રહ્યો નહોતો, પણ કાલે સમય અને સંજોગોએ બેયને મુંબઇમાં ભેગા કરી દીધા એ પછી થોડા કલાકોમાં બન્ને અગાઉ હતા એથી પણ અનેક ગણા વધુ નજીક આવી ગયા હતા. સંજોગો જેમ ઘણી વાર નજીકના માણસોને દૂર કરી દેતા હોય છે એમ ક્યારેક દૂરના માણસોને નજીક લાવી દેતા હોય છે અથવા નજીકના માણસોને વધુ નજીક લાવી દેતા હોય છે. અત્યાર સુધી તો સાહિલને માત્ર પોતાના પૂરતી જ ચિંતા હતી પણ હવે તેના પર નતાશાની ચિંતા હાવી થઇ ગઇ હતી.
સાહિલને ગઇ રાતનો સમય યાદ આવી ગયો, નતાશાએ તેને આવેગથી ચુંબન કરી લીધું હતું એ યાદ આવી ગયું. વર્ષો સુધી સાથે ભણવા છતાં સાહિલે ક્યારેય નતાશાને પ્રેયસી તરીકે જોઇ જ નહોતી. નતાશા તેના માટે એક ફ્રેન્ડ હતી, બહુ જ સારી અને નજીકની ફ્રેન્ડ. જેની સાથે કોઇ પણ વાત કરી શકાય, કોઇ પણ મૂંઝવણ વિશે તેની સલાહ લઇ શકાય એવી ફ્રેન્ડ. તેણે હંમેશાં નતાશાને ઉત્સાહથી ઉછળતી જ જોઇ હતી, જેને દુનિયાની કોઇ ફિકર નહોતી. સાહિલને ક્યારેક નતાશાની મીઠી ઇર્ષા પણ થઇ આવતી. તે નતાશાને કહેતો પણ ખરો કે જિંદગી તો તારા જેવી હોવી જોઇએ. કોઇ વાતનું ટેન્શન નહીં. તે જ્યારે આવું કહે ત્યારે નતાશા હસી પડતી અને કહેતી કે ‘ટેન્શન લેને કા નહીં દેને કા!’
પણ તે જ નતાશા તેની મહત્ત્વાકાંક્ષા અને એના કારણે સર્જાયેલા સંજોગોને કારણે કઠિન દિવસો પસાર કરી રહી હતી. નતાશા વિશે વિચારતાં-વિચારતાં સાહિલના મનમાં તેના માટે અનુકંપા જાગી કે, અબજોપતિ પિતાની દીકરી હોવા છતાં નતાશા કેવા મુશ્કેલીભર્યા દિવસોનો સામનો કરી રહી છે. મુંબઇ જેવા શહેરમાં કોઇ છોકરો સંઘર્ષ કરતો હોય અને તેની પાસે રહેવાની વ્યવસ્થા ન હોય તો તે એક વાર કોઇ સ્ટેશન પર પણ રાત વિતાવી નાખે. સાહિલે મુંબઇમાં એવી રીતે રેલવે સ્ટેશનોમાં ઘણી રાતો વીતાવી હતી. પણ કોઇ છોકરી એ રીતે સંઘર્ષ ના કરી શકે. સાહિલને સમજાતું હતું કે નતાશા ભલે ઉપરથી મજાક કરતી હોય પણ તે પોતેય સ્થિતિની ગંભીરતા સમજતી હતી.
સાહિલના મનમાં સતત નતાશાના જ વિચારો ચાલી રહ્યા હતા. કાલ સુધી સાહિલની જિંદગીમાં તેના અનોખા વાહનોની કલ્પનાને સાકાર કરવા સિવાય બીજી કોઇ વાતનું મહત્ત્વ નહોતું, પણ ગઇ સાંજે જુહુ બીચ પર નતાશાને મળ્યા પછી નતાશાએ તેના દિલોદિમાગ પર કબ્જો લઇ લીધો હતો. સાહિલને ફરી વાર નતાશાના હોઠોનો સ્પર્શ યાદ આવ્યો અને તેના શરીરમાં એક ઝણઝણાટી ફેલાઇ ગઇ. એ ક્ષણે સાહિલને સમજાયું કે તેને માત્ર એક દોસ્ત તરીકે નતાશાની ચિંતા નહોતી સતાવી રહી, પણ તે નતાશાના પ્રેમમાં પડી ગયો છે!
‘પ્લેટફોર્મ નંબર દો પર આઇ હુઇ લોકલ ચર્ચગેટ કે લીયે ધીમી લોકલ હૈ, યે લોકલ સભી સ્થાનકો પર રૂકેગી.’ સાહિલના કાને એનાઉન્સમેન્ટ પડ્યું અને તે સફાળો વિચારોમાંથી બહાર આવી ગયો. વિચારોમાં ને વિચારોમાં ટ્રેન ક્યારે બોરીવલી સ્ટેશન પર પહોંચી ગઇ એનું તેને ભાન જ રહ્યું નહોતું. તે ઝટકા સાથે ઊભો થઇને ટ્રેનમાંથી ઊતરી ગયો.
બોરીવલી સ્ટેશનની બહાર નીકળીને તેણે આજુબાજુના ગેસ્ટ હાઉસીસમાં તપાસ કરી. પણ નતાશાને માટે તેને કોઇ ગેસ્ટ હાઉસ યોગ્ય ના લાગ્યું. નતાશા જે કુટુંબમાંથી આવતી હતી એ જોતાં તેને આવા ગેસ્ટ હાઉસમાં ના ફાવે એ વિચાર અત્યારે મહત્ત્વનો નહોતો. પરંતુ, નતાશા શું બીજી કોઈ પણ છોકરીને આખા ગેસ્ટ હાઉસમાં બીજા બધા પુરુષોની વચ્ચે એકલા રહેવામાં મૂંઝવણ થાય એવું સાહિલને લાગ્યું. અત્યારે તે પહેલી વાર એ દૃષ્ટિએ બધા ગેસ્ટ હાઉસીસ જોઇ રહ્યો હતો. નતાશાને આવી જગ્યામાં રાખવી એ તેને યોગ્ય ના લાગ્યું એટલે તે બોરીવલી સ્ટેશનથી થોડે દૂર એક સારી હોટલમાં તપાસ કરવા ગયો, પણ રૂમનું એક દિવસનું ભાડુ સાંભળીને તે ડઘાઇ ગયો.
તેને વિચાર આવ્યો કે તે ફ્લેટ પર જઇને રાહુલને સમજાવે કે ‘નતાશા મોડી રાતે કોઇનું ધ્યાન ના પડે એમ ફ્લેટમાં આવશે અને પછી બે-ચાર દિવસમાં બીજી કોઇ વ્યવસ્થા ના થાય ત્યાં સુધી ફ્લેટની બહાર પણ નહીં નીકળે. આ બે-ચાર દિવસ પૂરતુ સંભાળી લે, પ્લીઝ.’ પણ રાહુલે સવારે જે રીતે એલ્ટિમેટમ આપ્યું હતું એ યાદ આવ્યું એ સાથે તેણે એ વિચાર ખંખેરી નાખવો પડ્યો.
બહુ વિચાર્યા પછી રાહુલે નક્કી કર્યું કે આજની રાતે તે નતાશાની સાથે બોરીવલીના કોઇ ગેસ્ટ હાઉસમાં રહેશે. જો કે એમાં પણ જોખમ હતું. મુંબઇનાં ઘણાં પ્રેમી યુગલો મુંબઇના ગેસ્ટ હાઉસનો ઉપયોગ જે રીતે કરતાં હોય છે એના કારણે પરિણીત ના હોય એવા યુગલ માટે રૂમ મેળવવાનું મુશ્કેલ હતું. વળી તેને યાદ આવ્યું કે રાહુલની એક ગેસ્ટ હાઉસમાં ઓળખાણ હતી અને નતાશાથી છુટકારો મેળવવા રાહુલ એટલી મદદ તો કરશે જ.
સાહિલ રાતની ચિંતા કરતો-કરતો ફ્લેટ પર પહોંચ્યો. તેણે ડોરબેલ દબાવી અને રાહુલે દરવાજો ખોલ્યો એ સાથે રાહુલે પહેલો સવાલ કર્યો, ‘તારી ફ્રેન્ડની વ્યવસ્થા કરી આવ્યોને!’
* * *
નતાશા પૃથ્વી થિયેટરના કેફેટેરિયામાં પહોંચી. જેમણે તેને મળવા બોલાવી હતી તે નાટ્ય દિગ્દર્શક અહર્નિશ ચેટર્જી એક યુવતી સાથે વાત કરી રહ્યા હતા. તેમણે નતાશાને આવેલી જોઇ એટલે ઇશારો કર્યો કે બીજા ટેબલ પર બેસ, હું થોડી વારમાં આ મીટિંગ પતાવું છું. અહર્નિશ ચેટર્જી જેની સાથે બેઠા હતા તે યુવતીએ પણ નતાશા સામે ઔપચારિક સ્મિત કર્યું. તે પણ નતાશાની જેમ પોતાનું સ્થાન બનાવવા માટે ઘણા સમયથી સંઘર્ષ કરી રહી હતી.
અહર્નિશ ચેટર્જીની ઈમેજ બહુ સારી હતી. તે સખત બનીને કલાકારો પાસેથી કામ કઢાવતા, પણ તેઓ ક્યારેય કોઈ કલાકારનું કોઇ પણ રીતે શોષણ કરતા નહોતા. નતાશાએ અહર્નિશ ચેટર્જીના બે નાટકમાં અભિનય કર્યો હતો અને તેનો અનુભવ પણ સારો રહ્યો હતો.
નતાશા થોડે દૂર એક ટેબલ પર બેઠી. એ સમય પર બધી જગ્યા ભરાયેલી નહોતી. બાકી સાંજનો સમય હોત તો પૃથ્વી થિયેટરના કેફેટેરિયામાં બેસવાની જગ્યા મળવી મુશ્કેલ હોત. નતાશા જેવા, અભિનય માટે તક મેળવવા સંઘર્ષ કરતા, ઘણા કલાકારોથી માંડીને જાણીતા નાટ્ય દિગ્દર્શક અહર્નિશ ચેટર્જી સુધીના લોકો માટે પૃથ્વી થિયેટરનું કેફેટેરિયા ઓફિસની ગરજ સારતું હતું.
પેલી યુવતી સાથે વાત પૂરી કરીને અહર્નિશ ચેટર્જીએ નતાશાને તેમના ટેબલ પર આવવા ઇશારો કર્યો. નતાશા તેમની સામે ગોઠવાઈ એટલે તેમણે હાય-હેલ્લો પછી સીધી કામની વાત કરતાં નતાશાને કહ્યું, ‘હું એક લો બજેટ ફિલ્મ બનાવી રહ્યો છું. એમાં મુંબઇમાં રહીને હિરોઇન બનવા માટે સંઘર્ષ કરતી ચાર છોકરીઓની વાત છે. એ ફિલ્મમાં ખરેખર હિરોઇન બનવા માટે મુંબઇમાં સંઘર્ષ કરી રહી હોય એવી છોકરીઓને મારે સાઇન કરવી છે. એમાં એક રોલ તને આપવાનું હું વિચારી રહ્યો છું.’
નતાશા ઉત્સાહથી ઊછળી પડી. ‘થેન્ક્સ અ લોટ સર!’ તેણે કહ્યું.
‘યુ આર વેલકમ.’ અહર્નિશ ચેટર્જીએ કહ્યું.
જો કે એ પછી અહર્નિશ ચેટર્જીએ જે શબ્દો કહ્યા એના કારણે નતાશાને લાગ્યું કે તેના પગ તળેથી ધરતી સરકી રહી છે!

(ક્રમશ:)