કેન્સર
જ્યોતિ ભટ્ટ
"પપ્પા- જુઓને દી મારે છે."
"ના હોં પપ્પા, એ જુઠું બોલે છે."
"મને જૂઠો કહ્યો, એં...એં...હું તો 'મી'ને કહી દેવાનો."
"જો અલ્પેશ, મારું મગજ ઠેકાણે નથી. તું ડાહ્યો છે ને તો તોફાન ન કરીશ હો?"
"પણ પા!
તમે હસતા કેમ નથી."
"બેટા! મને આજ કયાંય ગમતું નથી."
"પા! મને રમાડોને!"
"ના,જા દી ! પાસે રમ"
"દી તો મને જૂઠો કહે છે. "
"નહી કહે જા, અને જો સાંભળ કાલે દાદાને ઓપરેશન કરાવવાનું છે એટલે સવાર થી જ ડાહ્યો થઈને રહેજે, હોં?"
આમ કહેતાં કહેતાં સત્યેનની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
નાનો અલ્પેશ એટલું જરૂર સમજી ગયો કે દાદાને કંઈક થયું છે તેથી પપ્પા આજે મને રમાડવાના મૂડમાં નથી.
તેથી હકારમાં ડોક હલાવી દોડીને પરસાળમાં બેસીને ઘરકામ (લેસન) કરતી દીદી પાસે જઈ, ત્યાં બેસી રમતમાં મશગૂલ બની ગયો.
સત્યેન ઑફિસેથી આવે કે તુરત જ નાનો અલ્પેશ તેમના ખોળામાં બેસી જતો. સત્યેન તેની સાથે થોડી કાલીઘેલી વાતો કરી કપડાં બદલી તેને રમાડતો, આરતીને તેના ઘરકામમાં મદદ કરતો અને આમ બંને બાળકો સાથે બે કલાક ગાળે ત્યાં મંજૂષા ડાઈનીંગ ટેબલ પર બધાની થાળીઓ પીરસતી અને સૌ પછી સાથે જ જમવા બેસી જતા. આ હતો નિત્યકમ અને આ હતો તેમનો નાનકડો પરિવાર.
સત્યેનનો ચહેરો ગમગીન હતો. મંજૂષા રસોઈમાં પ઼વૃત્ત હતી. દરરોજ ઑફિસેથી આવી, બાળકોને રમાડી, આરતીને ઘરકામમાં મદદ કરી સમય રહે તો મંજૂષાને પણ રસોઈમાં મદદ કરનાર સત્યેન આજે ડોઈગરૂમમાં પડેલી ઈઝીચેરમાં શરીર લંબાવીને બેઠો હતો. તેની નિત્ય હસતી આંખોમાં આજે ઉદાસી હતી. તેનો ચહેરો ગમગીન હતો. રસોઈઘરમાં બેઠેલી મંજૂષા પણ કંઈ બોલતી ન હતી. બંનેના ચહેરા પર એક ન સમજાય એવો ભાર હતો. ઝટપટ લેસન પતાવી આરતી મૂંગી મૂંગી મમ્મીને ઘરકામમાં મદદ કરવા લાગી. આજે અલપેશ સાથે તોફાન -મસ્તી કરવા તેને યોગ્ય ન લાગ્યા. મમ્મીના ચહેરા પરના ભારે આજે આરતીને પણ મૌન બનાવી દીધી. રસોઈ પતતાં જ બધું ડાઈનીંગ ટેબલ પર મંજૂષા ગોઠવવા લાગી. દરરોજ ઉત્સાહથી કામ કરતી મંજૂષાની ચાલમાં આજે ભાર હતો. તેના મોં પર વિષાદ તરવરતો હતો. અને ભારેખમ વાતાવરણ વચ્ચે બધા ડાઈનીંગ ટેબલ પર પોતપાતોના સ્થાને ગોઠવાઈ ગયા. થાળીઓ પીરસાઈ, સૌ ચૂપચાપ જમવા લાગ્યા. રોજ હસતું, કિલ્લોલતું ટેબલ આજે નીરવ ને સૂનકાર હતું. આ નીરવતા સૌને અકળાવતી હતી. વાતાવરણનો ભાર ન સમજનાર નાનો અલ્પેશ પણ આજે મૌન હતો. સ્તયેનના ચહેરા પરની ગમગીની સૌને મૂંગા રહેવા પ઼ેરતી હતી. ચૂપચાપ ઝટપટ પેટને ભાડું ચૂકવતા હોય તેમ સત્યેન ને મંજૂષા જમીને ઊભા થયા.નાનો અલ્પેશ ને આરતી પણ ધીમે ધીમે જમી પરવાયૉ. આજના જમણમાં નહોતો આનંદ કે નહોતો ઉત્સાહ.
અલ્પેશ વારંવાર મંજૂષા તરફ જોઈ લેતો હતો. મંજૂષાની આંખોમાં કંઈક ન સમજાય તેવી કરુણતા હતી. પણ તે સમજી શકવા તે સમથઁ ન હતો. બાળસહજ કુતૂહલતાથી તેણે પૂછયું : "મી! ઓપરેશન એટલે શું?"
"બેટા! તું એ સમજવા માટે હજી ઘણો નાનો છે" - મંજૂષાએ પ઼ત્યુત્તર આપ્યો.
"ના મી કહેને! અલ્પેશ પોતાની જીદ પર અક્કડ રહ્યો."
"તું મોટો થઈશ ને પછી સમજાવીશ."
"મી! દાદાને ઓપરેશન કેમ કરાવવાનું છે?"
"તેમને ગાંઠ થઈ છે ને માટે."
"ગાંઠ? ગાંઠ એટલે શું?"
"જો, અલ્પેશ! દાદાની તબિયત સારી નથી એટલે તારા પાને કયાંય ગમતું નથી. માટે બોલબોલ નહી કરવાનું." મંજૂષાએ વાતને ટૂંકાવતા કહ્યું.
"મી! દાદા અહી કયારે આવશે?"
"તેમને દવાખાનામાંથી રજા આપેને ત્યારે."
"દવાખાનેથી રજા લેવી પડે? મી! તું પાને કહેને કે ચિટૄઠી લખી આપે. દીને તો ઘણીવાર લખી આપે છે."
"અલ્પેશ ! જો દી સૂવાની તૈયારી કરે છે, તું પણ સૂઈ જા,જા"
મમ્મી જવાબ નહીં આપે તે કંટાળેલી છે તેમ સમજતાં નાના અલ્પેશને વાર ન લાગી અને તે બેડરૂમમાં આરતી પાસે પહોંચી ગયો. બંનેભાઈ-બહેન થોડીવારમાં તો ઊંઘી પણ ગયા,પણ સત્યેનની આંખમાં ઊંઘ ન હતી. મંજૂષાએ સત્યેનને ઘણું સમજાવ્યો, ચિંતા ન કરવા માટે ય કહ્યું પણ ઓપરેશન અને તેય પાછું ગાંઠનું તે કેટલું ગંભીર કહેવાય તે બંને સારી રીતે સમજતા હતિ. વળી આ તો રાજરોગ હતો. જીવાદોરી થોડી લંબાવી શકાય ખરી પણ રોગ મટાડી તો ન જ શકાય. વળી ઓપરેશન શબ્દ ભારેખમ ત્યારે જ લાગે જયારે તે. પોતાની અંગત વ્યકિતનું હોય.
અલ્પેશ ને આરતી તો કયારનાય ઊંઘી ગયા હતા. સત્યેન અને મંજૂષા બેડરૂમમાં જઈ ડબલબેડ પર આડા પડયા. સત્યેન પડયો પડયો આમતેમ પાસાં ઘસતો રહ્યો પણ મંજૂષાને તો કયાંય ચેન નહોતું. તેણે ઊભા થઈ કબાટમાંથી એક નોવેલ લીધી અને સૂતાં સૂતાં જ તે નોવેલનાં પાનાં ફેરવતી રહી. નોવેલમાંની નાયિકા પોતે જ હોય તેમ તેને લાગ્યું. પાનાં ફરતાં રહ્યાં પાને પાને ભૂતકાળ ઊકેલાતો રહ્યો, ઊલેચાતો રહ્યો.
આરતી એ સમયે ઘણી નાની હતી. અલ્પેશનો તો એ સમયે જન્મ પણ નહોતો થયો. સત્યેન-મંજૂષાના બાગમાં આરતી નામનું ફૂલ મઘમઘતું હતું. પ્યારના અમીસિંચનથી ફૂલ વિકસતું હતું. તેની બાળ સુલભ લીલાએ સત્યેન-મંજૂષા ખુશ હતાં. તેની પા પા પગલી, તેની કાલીઘેલી બોલીથી બંને આનંદિત બનતાઃ હતા, દિવસો આનંદથી પસાર થતાં હતા અને અચાનક.....
એક દિવસ આરતીને તાવ આવ્યો. તાવ પણ કેવો... ...ધાણી ફૂટે તેવો,ઊતરવાનું નામ લેતો જ નહોતો.
સત્યેન એ સમયે ઑફિસના ઑડિટકામે બહાર ગયો હતો. મંજૂષા તો ગભરાઈ ગઈ. દવા, ઇજેકશન,પિસ્કીપશનની થપ્પી પર થપ્પી વધતી ગઈ. આરતીની આંખો ફરતાં કાળાં કૂંડાળાં રચાતાં ગયા. થોડું ચાલતાં તેને હાંફ ચડવા લાગ્યો. ઉધરસે ધીમે ધીમે ઘર કયુઁ. તાવ, થાક અને બ્લડમાં ઈસોનોફેલીઆના વધતાં જતાં ટકા.
ફૂલ જેવી આરતી કરમાવા લાગી. મંજૂષા રાત-દિવસ બેચેન રહેવા લાગી. આરતીને અચાનક આ શું થઈ ગયું? આરતી કયારેક કાન પાછળ મંજૂષાનો હાથ લઈ જઈ કહેતી, "મી! મને અહી દુ:ખે છે."
મંજૂષા ગભરાઈ ગઈ, અકળાઈ ગઈ, મૂંઝાઈ ગઈ. પોતાનો હાથ આરતીના કાન પાછળ લઈ જતાં તે ભાગ તેને ઊપસેલો લાગ્યો. ફરી ડૉકટરની એપોઈન્ટમેન્ટ, પ઼ીસ્કીપ્શન અને ડૉકટરના નિદાનનું ફરફરિયું... ...આ ગાંઠ ટી.બી.નક છે. આનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે નહિતર જંતુઓ શરીરમાં ફેલાતાં વાર નહી લાગે.
મંજૂષાની નજર સામે ઈજેકશનની સિરિજો અને ગ્લુકોઝના બાટલા તરવરવા લાગ્યા. સત્યેનને કોલ કરીને વાત કરતા "તું ઘટતું કરીલે, મારાથી નહીં આવી શકાય." સાંભળીને મંજૂષા અધમૂઈ-શી થઈ ગઈ. અચાનક જ ઈશ્વરે હિંમત આપી હોય તેમ ઓપરેશનનો નિણઁય લઈ લીધો. આરતીને દાખલ કરતામાં તો ત્રણ ચાર દિવસ વીતી ગયા. બિચારી મંજૂષા એકલી કેમ કરીને પહોંચી વળે? એક બાજુ આરતીની લથડતી જતી તબિયત, એક બાજુ કોઈ વડિલની હાજરી નહી, પૈસાની ખેંચ અને સત્યેનની ગેરહાજરી. આમ મંજૂષાની ગભરામણ વધી ગઈ. તેની છાતી પરની ભીંસ વધતી ચાલી. આરતી વારંવાર મંજૂષાનો હાથ પકડી કાન પાછળ લઈ જતી અને રડયા કરતી. એક વાર તો રડતાં રડતાં તે બેભાન થઈ ગઈ, ટેમ્પરેચર પણ વધતું ગયું અને શરીર પાછું ઘડીકવારમાં ટાઢુંબોળ થઈ ગયું. આમે ય આરતીને દાખલ કરવાનો નિણઁય તો મંજૂષાએ લઈ જ લીધો હતો, તેમાં આરતીની બેભાન અવસ્થાએ તેમાં પ઼ાણ પૂયૉ પૂયૉ.
બેભાન આરતીને મંજૂષા ડૉકટર પાસે લઈ ગઈ. તેને ઈમરજન્સી વોડઁમાં દાખલ કરવામાં આવી. મોડું કરવા બદલ ડૉકટર ગુસ્સે થયા પણ અત્યારે એટલું ય ધ્યાનમાં લેવાનો સમય ન હતો. મજૂંષા સામે નસેઁ એક ફોમઁ ધયુઁ જેમાં 'વાલીની મંજૂરીની સહી' કરવાની હતી. બિ...ચા...રી મંજૂષા...થરકતા, ધૂજતા હાથે તેણે ફોમઁમાં સહી કરી.
મંજૂષાના હાથમાંથી વોડઁબોય આવીને રડતી,કકળતી,તડપતી આરતીને જાણે કે ઝૂંટવીને લઈ ગયો. ઑપરેશન-થિયેટર બહાર રડતી આરતીનું આક઼ંદ, એનો વલવલાટ સંભળાતો અને થોડીવારમાં તો એનેસ્થેશિયાની અસર તળે બધું જ શાંત થઈ ગયું. એકાદ કલાક બાદ ઓપરેશન-થિયેટરનું બારણું ખૂલ્યું. એનેસ્થેશિયાની અસર તળે ઘેનમાં ડૂબેલી,પાટાપિંડી કરેલી આરતીને મંજૂષાના હાથમાં સોંપવામાં આવી.
ઘેન ઊતરતાં જ ઊછળતી, રડતી,કકળતી આરતીને મંજૂષાએ માંડ માંડ સાચવી. લાંબા ગાળાની ટ઼ીટમેન્ટ બાદ આરતી સ્વસ્થ તો થઈ ગઈ પણ પેલું ફોમઁ મંજૂષાની આંખો સામે સતત તરવરતું રહ્યું. મંજૂષાની આંખો ફરતાં કાળાં કૂંડાળાં રચાવા લાગ્યા. કયારેક કયારેક ચક્કર ચડવાની જે ફરિયાદ હતી તે હવે કાયમની થઈ ગઈ. માથાનો દુ:ખાવો પણ હંમેશનો થઈ ગયો. પણ સત્યેને આ બધું ચિંતા માં ખપાવી ત્યાં જ પૂણઁવિરામ મૂકી દીધું.
પુસ્તકના પાનાં ફરતાં બંધ થયાં. મંજૂષાની આંખો બીડાઈ ન બીડાઈ તે પહેલાં જ સત્યેન ઊભો થઈ નિત્યકામમાં પરોવાઈ ગયો. તેના બાપુજીની ગાંઠનું ઓપરેશન હોવાથી તેણે બધાને ટપોટપ ઊઠાડયા. મંજૂષા નહાઈ ધોઈ. બંને સમયની રસોઈ કરવામાં પ઼વૃત્ત બની. સત્યેન વ્યગૄ ચિત્તે આંટા મારવા લાગ્યો. બાળકો જમી, તૈયાર થઈ સ્કૂલે જવા રવાના થયા અને સત્યેન-મંજૂષા હાંફળા-ફાંફળા, ઉતાવળમાં, વ્યગ્રતામાં રવાના થયા હોસ્પિટલ તરફ.
હોસ્પિટલ, ગ્લુકોઝના બાટલા, ઈજેકશનની સિરિજો, ઓકિસજન, અને મંજૂષા અકળાઈ ગઇ, મૂંઝાઈ ગઈ. સસરાની તબિયતની ચિંતા, નજર સામે જ તરવરતો ભૂતકાળ...બગડતી જતી તબિયત અને સત્યેનની મંજૂષાની માંદગી તરફની બેદરકારી...આ બધું તાજું થવા લાગ્યું. તેણે 'પરમિશન ફોમઁ' પર નજર કરી, જેમાં સહી હતી મિ. સત્યેન શમૉની.
હા, પિતાની માંદગી, પિતાના ઓપરેશન સમયે સત્યેન આકળ વિકળ થયા કરતો હતો. 'પરમિશન ફોમઁ'માં દસ્કત તરીકે સહી કરવા પણ તત્પર હતો.
મંજૂષાની આંખ સામે અંધારા આવ્યાં, માથામાં જોરદાર સણકો આવ્યો અને શરીરનું બેલેન્સ જાળવે તે પહેલાં તો 'ધડામ' અવાજ સાથે તે ત્યાં જ ઢળી પડી.
એ જ દવાખાનું, એ જ ડૉકટર અને જેણે તેના સસરાનું ઓપરેશન સફળ રીતે પાર પાડયું તે જ ડૉકટર પાસે તેને ઓપરેશન ટેબલ પર લઈ જવામાં આવી અને નિદાન થયું...મગજનું કેન્સર' !......
નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ : jyotibala411@yahoo.com
મોબાઈલ નંબર – 9898504843