લગ જા ગલે Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ જા ગલે

લગ જા ગલે...

અમદાવાદના રીવર ફ્રન્ટ પર ઉનાળાની સંધ્યાના સમયે મંદ-મંદ વાસંતી વાયરો વહી રહ્યો છે. બપોરે અમદાવાદી તડકામાં તપેલો આ પવન હવે ઠંડો પડવા પ્રયાસ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એકતરફ સાબરમતી નદીના વહેણ વહી રહ્યા છે તો બીજી તરફ રીવર ફ્રન્ટ પર સંધ્યા સમયે ચાલવા નીકળેલા માણસોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આવા સમયે રીવર ફ્રન્ટના કોઈ એક બાંકડા પર ૨૦ કે ૨૧ વર્ષીય નવયુવાન બેઠો છે. સ્થિર અને ગંભીરમુદ્રામાં બેઠેલો આ યુવાન ભૂતકાળના કોઈ ગમગીન પ્રસંગને યાદ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તેના લાંબા થઇ ગયેલા વાળ પવનના લીધે વિખરાઈ ગયા છે. શ્વેતવર્ણ ચેહરો લાલ બની જવા પર આવ્યો છે. ચેહરા પરની હલકી દાઢી તેના આંસુઓથી થોડી થોડી ભીંજાઈ રહી છે. ઉનાળાની સંધ્યાનો હલકો ગરમ પવન તેને તેના ભૂતકાળમાં લઇ જાય છે.

“હું તને છેલ્લીવાર કહું છું શરદ, શ્વેતા કોઈ સારી છોકરી નથી. એ ફક્ત તારા ભોળપણનો ફાયદો ઉઠાવી રહી છે.” કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા શરદને તેની સારી મિત્ર અને ક્લાસ ટોપર સંધ્યાએ કહ્યું. કોલેજ છૂટ્યા બાદ બંને કોલેજથી નીકળીને પોતપોતાના હોસ્ટેલ તરફ જઈ રહ્યા હતા. ગુલાબી કલરની લેડીબર્ડ સાયકલ પકડીને સંધ્યા શરદ સાથે રસ્તાની એક બાજુએ ચાલી રહી હતી. સંધ્યાએ બ્લુ કલરના ફલાવરની ભાત ધરાવતા સલવાર-કમીઝ પહેરેલા હતા. માથામાં કદાચ એકાદ લીટર કોપરેલ તેલ નાખીને ચોટલો ગૂંથેલો હતો તથા કાળી ફ્રેમના જાડા કાંચવાળા ચશ્માં પહેરેલા હતા.

“એવું કઈ નથી સંધ્યા, એ બસ થોડી અલગ છે. જેમ તું તારા પ્રકારની છોકરી છો એમ એ પણ એના પ્રકારની છોકરી છે. આપણે એકબીજાની પસંદ-નાપસંદનો આદર કરવો જોઈએ.” ખિસ્સામાં હાથ નાખીને ચાલતા શરદે કહ્યું. તેણે આછા પીળા રંગનો લાંબી બાંયનો શર્ટ તથા મહેંદી કલરનું ટ્રાઉઝર પહેરેલું હતું. તેના વાળ હંમેશાની માફક ખુબ વધી ગયેલા છતાં તેને પાંથી પાડીને ઓળેલા હતા અને સંધ્યા જેવા જ કાળા કલરની ફ્રેમવાળા જાડા કાંચના ચશ્માં પહેર્યા હતા.

“એને પણ તારી પસંદ-નાપસંદનો આદર કરતા આવડવું જોઈએ ને.? પણ એને એવું કશું નથી આવડતું. જો આવડતું હોત તો તને તારા કપડાની સ્ટાઈલ, તારી હેરસ્ટાઈલ અને ચશ્માં વિષે આવી કોઈ કોમેન્ટ ના કરી હોત.” સંધ્યાએ થોડા આવેશયુક્ત સ્વરમાં કહ્યું. ત્યારબાદ રસ્તો ઓળંગતી વખતે બંને થોડીવાર મૌન બની ગયા.

“સંધ્યા મને એવું લાગી રહ્યું છે કે તું અમારી દોસ્તીના લીધે અકળામણ અનુભવી રહી છો.” રસ્તો ઓળંગ્યા બાદ શરદે કહ્યું. તેનું અડધુપડધું વિધાન તેની બાજુમાં આવીને ઉભેલી એકટીવાના હોર્નમાં સમાઈ ગયું. એકટીવા પર પોતાના વાંકડિયા વાળને ખુલ્લા રાખીને શ્વેતા આવી હતી. તેણે નારંગી રંગનું સ્લીવલેસ ટોપ અને જીન્સની કેપ્રી પહેરેલી હતી.

“શરદ ચલ હું તને ડ્રોપ કરી દઉં.?” શ્વેતાએ થોડી કાલીઘેલી ભાષામાં બોલતાં કહ્યું.

“શ્યોર, આમ પણ ચાલતા ચાલતા ખુબ ગરમી લાગી રહી છે.” શરદે સંધ્યાની સામે પણ ન જોયું અને શ્વેતાની એકટીવા પાછળ બેસી ગયો ત્યારબાદ સંધ્યાને બાય કહ્યા વગર જ બંને ત્યાંથી નીકળી ગયા.

“અકળામણ...હું શેની અકળામણ અનુભવું.? એને હવે જે કરવું હોય એ કરે હું એને કઈ પણ નથી કહેવાની.!” સંધ્યા એકલી એકલી બકવા લાગી. તેનું નાક ગુસ્સાના લીધે લાલ બનેલું કે રડવાના લીધે એ કહેવું મુશ્કેલ હતું.

શ્વેતાની એકટીવા પાછળ બેઠા બેઠા શરદ એ જ સવારે શ્વેતા દ્વારા કહેવાયેલી વાત યાદ કરવા લાગ્યો.

‘શરદ તું કઈ નાનો નથી. આ જૂની ફેશનના કપડા, આ બાલમંદિરમાં ભણતા બાળક જેવી હેર સ્ટાઈલ અને આ જાડા કાંચના ચશ્માં તને સ્યુટ નથી કરતા. હવે થોડો મેચ્યોર થા અને પોતાનો લૂક પણ ચેન્જ કર.’ શ્વેતા સાથે સવારે કેન્ટીનમાં થયેલી મુલાકાતના શબ્દો શરદના કાને ગુંજવા લાગ્યા હતા. મનોમન તેણે સાંજે શ્વેતાને સાથે લઈને કશુંક નવું ટ્રાય કરવા માટે સાથે બહાર જવાનો પ્લાન પણ કરી નાખ્યો.

એ દિવસે શ્વેતા શરદને હોસ્ટેલ ડ્રોપ કરવાના બદલે મોલમાં લઇ ગઈ. ત્યાં બંનેએ સિનેમા હોલમાં મુવી જોયું અને કોફી શોપમાં બહુ બધી વાતો કરી એ પણ શરદના ખર્ચે.!

બીજા દિવસે શરદ જયારે કોલેજમાં આવ્યો ત્યારે તેના ક્લાસની ઘણીબધી છોકરીઓ આશ્ચર્ય સાથે મો ખુલ્લું રાખીને તેને તાકી રહી. સામાન્ય રીતે સાદા પહેરવેશમાં રહેતો શરદ આજે ટૂંકી બાંયનું ટી-શર્ટ અને જીન્સ પહેરીને આવ્યો હતો. તેણે પહેરેલા કપડા પણ બ્રાન્ડેડ જણાઈ આવતા હતા. તેણે પોતાના વાળ ટૂંકા સ્પાઇસ કટ કપાવી રાખ્યા હતા અને નંબરવાળા ચશ્માની જગ્યાએ રેય બેનના બ્રાન્ડેડ ગોગલ્સ પહેરેલા હતા. શરદના ઘણાબધા મિત્રો પણ શરદમાં આવેલા આ બદલાવના લીધે દિગ્મૂઢ બની ગયેલા હતા.

“શું વાત છે શરદ. આજે સુરજ કઈ દિશામાં ઉગ્યો છે.?” શરદને તેના એક મિત્રએ પૂછ્યું.

“કઈ નહિ બસ યાર મારે હવે કોલેજલાઈફને એન્જોય કરવી છે.” શરદે ફાંકડી ફટકાબાજી કરતા કહ્યું.

“પણ અચાનક આવો બદલાવ આવ્યો કોના લીધે.?” એ મિત્રએ પૂછ્યું.

“એ તો શ્વેતા સાથેની દોસ્તીનો કમાલ છે. યાર મારી એ દોસ્ત ખુબ સારી છે. એક જ દિવસમાં તેણે મારામાં આટલો બધો બદલાવ લાવી દીધો.”

“ધ્યાન રાખજે દોસ્ત તારી ફેશન બદલતા બદલતા એ ક્યાંક તને બદલી ન નાખે.”

“એવું કશું નથી અને તું પ્લીઝ જા અહીંથી.” શરદે ગુસ્સામાં પેલાને ત્યાંથી ભગાડી મુક્યો. પછી માથાના વાળમાં આંગળા ફેરવતા ફેરવતા શ્વેતાને શોધવા લાગ્યો.

બીજી તરફ ક્લાસમાં સંધ્યા પાસે તેની બહેનપણીઓ ભેગી થઇ ગયેલી.

“સંધ્યા એ ખોટા માર્ગે છે. ઘરેથી પુસ્તકો અને ટ્યુશન ફીસના નામે પૈસા મંગાવે છે અને પેલી શ્વેતા પાછળ ઉડાડે છે. એને ફક્ત તું જ પાછો વાળી શકીશ.” સંધ્યાને તેની એક બહેનપણીએ કહ્યું.

“એ ખોટા માર્ગે છે એ હું જાણું છું પણ જ્યાં સુધી એને ઠોકર નહિ વાગે ને ત્યાં સુધી હું પણ કઈ કરી શકું એમ નથી કારણ કે ત્યાં સુધી એ મારી કોઈપણ વાત માનવાનો નથી.” સંધ્યાએ કહ્યું.

કોલેજલાઈફ ત્યારબાદ આમ જ વીતવા લાગી. કોલેજ દરમ્યાન ઘણાબધા છોકરાઓથી ઘેરાયેલી રહેતી શ્વેતા કોલેજ પછીના સમયમાં શરદ સાથે ફરતી. બંને દરરોજ ક્યાંકને ક્યાંક જતા. ક્યારેક કોઈ કોફી શોપમાં તો ક્યારેક કોઈ સિનેમાગૃહમાં દરેક જગ્યાએ પૈસા હમેશા શરદ જ ચૂકવતો. મહીને એકાદીવાર તે શ્વેતાને મોંઘીદાટ ગીફ્ટસ આપતો તો ક્યારેક બંને કોઈ મોટી હોટેલમાં ડેટ્સ પર જતા.

“એ શરદ પોતાને શ્વેતાનો બોયફ્રેન્ડ સમજે છે. દર મહીને તેને મોંઘી મોંઘી ગિફ્ટ આપે અને ડેટ પર લઇ જાય. ખરેખર તો વાત એવી છે કે શ્વેતાનું ઘણા છોકરાઓ સાથે ચક્કર ચાલે છે. શરદ તો એના માટે ફક્ત ટાઇમ પાસ છે. એને પાછો વાળ નહીતર એ છોકરાની લાઈફ બરબાદ થઇ જશે.” સંધ્યાની એક ખાસ મિત્ર શરદની હાલત જોઈ તેના પર અફસોસ વ્યક્ત કરતી અને સંધ્યાને પણ કહેતી.

“હું શરદની સારી દોસ્ત હતી અને આજે પણ મને શરદની ચિંતા છે પણ અત્યારે એને કશું કહીશ તો એને એમ લાગશે કે હું પેલીથી બળી રહી છું એટલે આવું કહું છું. એક સારો વખત આવવા દે પછી જ બધું બરાબર થઇ શકશે.” સંધ્યા તેને હમેશા આવો જ કંઈક ઉત્તર આપતી.

કોલેજકાળ દરમ્યાન શરદ ભણવામાં ધ્યાન આપવાને બદલે શ્વેતા પર વધુ ધ્યાન આપતો. તેને ફરવા લઇ જવી, તેને હમેશા ખુશ રાખવી અને તેના માટે સમય આપવો એ બધી શરદની પ્રાયોરીટીસ હતી. ભણવાનું તેના માટે જાણે જરાય મહત્વનું નહતું. આવી પરિસ્થિતિમાં શરદે દરેક પરીક્ષાની ઓછામાં ઓછી એક ATKT તો ભેગી કરેલી જ. બીજીતરફ સંધ્યાને હવે ભણવા સિવાય કશાયમાં રસ નહતો. તે દરેક સેમેસ્ટરમાં ટોપ કરવા લાગી. શ્વેતા ભલે છેલબટાઉ અને રખડેલ છોકરી હતી, ભણવામાં ધ્યાન પણ ન આપતી પરંતુ તે પરીક્ષાઓમાં કોઈને કોઈ જુગાડ કરીને કે ચીટીંગ કરીને હમેશા પાસ થઇ જતી.

સમયને પાંખો આવી ગઈ. કોલેજનો છેલ્લો દિવસ હવે આંગળીના વેઢે ગણી શકાય એટલાં દિવસ જ દુર હતો. આવા એક સમયે શરદે શ્વેતાને પ્રપોસ કરવાનું વિચાર્યું. કેન્ટીનમાં જ્યાં દરરોજ ઘણાબધા છોકરાઓથી ઘેરાઈને શ્વેતા ટોળટપ્પા મારતી ત્યાં શરદ ગુલાબનું ફૂલ લઈને પહોંચી ગયો.

“શ્વેતા હું તને ખુબ પ્રેમ કરું છું, હું તને ચાહું છું. શું તું મારી લાઈફ પાર્ટનર બનવાનું પસંદ કરીશ.?” શ્વેતાથી એક-બે કદમ દુર ઘૂંટણ પર બેસી બંને હાથ વડે ગુલાબ પકડીને શરદે કહ્યું. શ્વેતા તરફથી કોઈ જવાબ મળે એ પહેલા આજુબાજુના છોકરાઓ જોરજોરથી હસવા લાગ્યા. ‘લે આવી ગયો તારો કાર્ટુન’ કોઈ એક એ કોમેન્ટ કરી પણ શ્વેતાએ હાથ વડે ઈશારો કરતા આગળ કોઈ કશું ન બોલ્યું.

“શરદ તું મારો બાબુ, મારું ટેડીબેર છો.” શ્વેતા મહાપરાણે હસવાનું રોકીને બોલી રહી હતી. “પણ એનો મતલબ એ નથી કે તું મારા લાઈફ પાર્ટનર બનવાને લાયક છો.”

“શ્વેતા આપણે આપણી કોલેજ લાઈફ એક સાથે પસાર કરેલી છે. આપણે એકબીજા સાથે આટલા ખુશ છીએ તો પછી તને વાંધો શેનો છે.?” શરદની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા અને ગળે ડૂમો બાજી ગયો હોવા છતાં પોતાના પગ ઉપર ઉભા થઈને તે આટલું બોલ્યો.

“તે આવું માની જ કેમ લીધું શરદ. આપણે ફક્ત સારા મિત્રો હતા. બિલીવ મી આપણી વચ્ચે એનાથી વધુ કઈ જ નહતું અને આ લવ શવ માય ફૂટ. તારા જેવાની સાથે તો હું એમાં કદીય ના પડું.!” આટલું કહીને શ્વેતાએ શરદના હાથમાં રહેલું ગુલાબ ઝૂંટવીને નીચે ફેંકી દીધું ત્યારબાદ ત્યાંથી જવા લાગી. તેના જ ગ્રુપના એક છોકરાએ એ ગુલાબ પર પગ મુકીને તેને કચડી નાખ્યું

આજે જ સવારે બનેલી આ ઘટનાએ શરદને અંદરથી હલબલાવી મુક્યો હતો. તેના આંસુઓ થમવાનું નામ નહતા લેતા. જેના સપનાઓ તે આજ દિવસ સુધી જીવતો આવેલો એ વ્યક્તિએ એક જ ઝાટકે તેને પોતાની લાઇફમાંથી બહાર તગેડી મુક્યો. આવી પરિસ્થિતિમાં તેણે એક મોટો નિર્ણય લઇ લીધો. તે બાંકડા ઉપરથી ઉભો થયો અને ધીમે-ધીમે રીવર ફ્રન્ટની રેલીંગ તરફ જવા લાગ્યો. રેલીંગ પાસે પહોંચીને તેણે પોતાના બંને હાથ રેલીંગના પાઈપ ઉપર રાખ્યા. રીવર ફ્રન્ટની રેલીંગ કુદી નદીમાં પડીને તે આત્મહત્યા કરવા માંગતો હતો.

“થોભી જા શરદ, એકવાર મારી વાત સાંભળી લે.!” શરદે જેવો કુદકો મારવા પ્રયાસ કર્યો ત્યાંજ પાછળથી કોઈકનો અવાજ સાંભળતા તે થોભી ગયો. તેણે પાછળ વળીને જોયું તો ત્યાં સંધ્યા ઉભેલી હતી.

“મને ખબર હતી સંધ્યા તું આવીશ જ. તારી વાત ન માનીને મેં બહુ મોટી ભૂલ કરી દીધેલી. તું એક જ મારી સાચી દોસ્ત છો. તું એક જ મારો સાચો પ્રેમ છો.” સંધ્યા નજીક આવી એટલે શરદ તેને ગળે વળગીને જોર જોરથી રડવા લાગ્યો.

“રડી લે શરદ જેટલું રડવું હોય એટલું રડી લે. મને એ વાતનો હમેશા અફસોસ રહેશે કે તને મારી લાગણીઓની ખબર હતી છતાં તે પેલી સાથે સંબંધ રાખવાનું વધારે ઉચિત સમજ્યું.” સંધ્યાએ કહ્યું. ત્યારબાદ બંને આલિંગનમાંથી છુટ્ટા પડ્યા અને બાંકડા પર બેઠા.

“શરદ હમેશા પ્રેમમાં કશું લેવાની નહિ પરંતુ દેવાની ભાવના હોવી જોઈએ. એ છોકરીએ તને કદી પ્રેમ નહતો કર્યો. ફક્ત અને ફક્ત તારો ઉપયોગ કર્યો હતો. એને જો તારાથી ખરેખર પ્રેમ હોત તો એ તું જેવો છે એવો તને પસંદ કરી લેત. તારામાં કોઈ બદલાવની અપેક્ષા ન રાખત.” સંધ્યાએ કહ્યું. શરદ નીચું મોઢું રાખીને બધું સાંભળી રહ્યો હતો.

“આ વાત તે પહેલા કીધી હોત તો હું ઘણુબધું બચાવી શક્યો હોત.” શરદ નીચુ માથું રાખીને બોલ્યો.

“શરદ તને ઠોકર વાગ્યા સિવાય પાછો વાળવો શક્ય જ નહતો. તું એના પ્રેમમાં ગળાડૂબ હતો, આંધળો થઇ ગયેલો હતો અને પાગલ પણ. જો કે સાચું કહું તો હજુ પણ તારી પાસે સમય છે. માટે જાગ્યા ત્યારથી સવાર એ હિસાબે મહેનત કરવા લાગ. ફાઈનલ એકઝામ્સ માટે દિલ દઈને તૈયારીઓ કર. એનામાં હું પણ તારો સાથ આપીશ. તારી જૂની ATKT સોલ્વ કરવામાં પણ હું તને મદદ કરીશ.” સંધ્યાએ કહ્યું.

“સંધ્યા તું ફરી મારી દોસ્ત બનીશ.?”

“હમમ હું વિચારીશ, પણ એના માટે મને મારો શરદ પાછો જોઇશે આ શ્વેતાનો પુંછડો મને નહિ ચાલે.!”

બીજા દિવસે ફરી એ શરદ પાછો આવી ગયો જે ત્રણ વર્ષ પહેલા ક્યાંક ખોવાઈ ગયો હતો. સાદા પહેરવેશમાં પાંથી ઓળેલા વાળ અને જાડા કાંચવાળી ફ્રેમના ચશ્માં પહેરીને શરદ સીધો લાઈબ્રેરીમાં જતો રહ્યો. ફાઈનલ વર્ષના ફાઈનલ સેમેસ્ટરની ફાઈનલ એકઝામ્સ માટે શરદે સારી એવી મેહનત કરી સારા માર્કસે પાસ થયો અને સંધ્યાની મદદથી બીજી બધી ATKT પણ સોલ્વ કરી લીધી.

પરીક્ષાના રિઝલ્ટના દિવસે શરદ સંધ્યાને રીવર ફ્રન્ટ પર લઇ ગયો.

“સંધ્યા હું તને ખુબ પ્રેમ કરું છું, હું તને ચાહું છું. શું તું મારી લાઈફ પાર્ટનર બનવાનું પસંદ કરીશ.?” ફરી એકવાર ઘૂંટણ પર બેસી હાથમાં ગુલાબ પકડીને શરદે સંધ્યાને પ્રપોસ કર્યું. સંધ્યાએ તે ગુલાબ પોતાના હાથમાં લઇ પ્રપોસલ એક્સેપ્ટ કરતા હકારમાં માથું ધુણાવ્યું. બંને ત્યારબાદ એક ગાઢ આલિંગનમાં જકડાઇ ગયા.