“તું મને ભૂલી જા પવન. હું મનથી કોઈને મારો માની ચુકી છું”, આરતીએ પવનને કહ્યું, “આમેય પવન અને આરતીનો સંબંધ પ્રકૃતિમાં પણ કંઈક એવો જ છે, પવનના આવવાથી આરતીની જ્યોત બુઝાઈ જાય છે.આપણે દોસ્ત હતા અને રહીશું. મેં આપણા બંને માટે એનાથી વધારે કશું વિચાર્યું નથી”
“મને કશો વાંધો નથી આરતી. મને એ પણ ખ્યાલ છે કે તું મને નહિ, સોહમને પ્રેમ કરે છે. પણ મારો તારા પ્રત્યેનો પ્રેમ ભલે એકતરફી હોય, મારી ખુશી તારી ખુશીમાં જ છે. મને કોઈ જ વાંધો નથી. મારા માટે હું તારી સમક્ષ મારા પ્રેમનો પ્રસ્તાવ મુકુ એ જ મોટી વાત છે, તારી હા કે ના થી મને ફરક નથી પડતો. વાત એ છે કે હું તને પ્રેમ કરું છું, અઢળક કરું છું, કદાચ સોહમ કરતા પણ વધારે. આજે આપણી આ છેલ્લી મુલાકાત છે, એને યાદગાર બનાવવા માટે તને એક જ વાત કહીશ, કે માત્ર વધુ પડતો પવન જ આરતીની જ્યોત બુઝાવી નાખે છે, પરંતુ એ જ્યોતને સળગવા માટે પણ માફકસરના પવનની જરૂર હોય છે. તને જરૂર હશે ત્યાં હું ચોક્કસ આવીશ, મારો નંબર એ જ રહેશે”
આમ કહીને પવન ત્યાંથી રવાના થઇ ગયો. જતી વખતે એણે આરતી તરફ પાછળ ફરીને પણ જોયું નહિ.આરતીના મનમાં પવને કહેલા શબ્દો પડઘાની માફક દસ્તક આપતા રહ્યા. થોડી વાર ઉભી રહ્યા પછી આરતી પણ ત્યાથી રવાના થઇ અને પોતાના મનના માણીગર સોહમને મળવા માટે નક્કી કરેલી જગ્યાએ પહોચી.
સોહમ ત્યાં જ આરતીની રાહ જોઇને ઉભો હતો.
“આટલું બધું મોડું હોય મેડમ?”, સોહમે આરતીને ટોણો માર્યો.
“એ તો પવન.....”, આરતી આગળ બોલવા જતા અટકી.
“શું પવન? એણે પાછું શું કર્યું?”, સોહમને ગુસ્સો આવ્યો કારણ કે એ જાણતો હતો કે પવન આરતીને એકતરફી પ્રેમ કરે છે.
“અરે આખી વાત તો સાંભળ! પવનમાં મારો દુપટ્ટો ઉડી ગયો હતો એટલે રીક્ષાવાળા ભાઈએ છેક આગળથી યુ ટર્ન લીધો અને પછી એ દુપટ્ટો નજીકની ઝાડીમાંથી મળ્યો એમાં લેટ થઇ ગયું”, આરતીએ પવનને મળ્યાની વાત સોહમથી છુપાવી અને દુપટ્ટો બતાવ્યો, “આ જો! મારો ફેવરીટ દુપટ્ટો ફાટી ગયો”, કહીને અણગમો વ્યક્ત કર્યો.
“અરે એમાં શું છે? હમણાં જ બજાર જઈએ અને સેઈમ આવો જ દુપટ્ટો નવો લઇ લઈએ”, સોહમ આરતીને દુખી નહતો જોઈ શકતો. હંમેશા એને ખુશ રાખવા જ મથતો. બંને વચ્ચે ગજબનો પ્રેમ હતો.
“સારું ચલ, થેન્ક યુ, આઈ લવ યુ”, આરતી એમ કહીને સોહમની પાછળ બાઈક પર બેઠી. બાઈક ધીમી ગતિમાં છે.
“શું લાગે છે સોહમ? તારા અને મારા ઘરે બધા માનશે?”, આરતીના અવાજમાં ચિંતા હતી.
“કેમ ન માને? માનશે જ ને! એમાં તું શું કામ આટલું બધું ટેન્શન લે છે?”, સોહમ એની ચિંતા પારખી ગયો એટલે જ હળવા મુડમાં કહ્યું.
“મારા મમ્મી પપ્પાનો તો વાંધો નથી, પણ મારા દાદા આ માટે રાજી નહિ થાય એમ લાગે છે. મારા મોટા ભાઈના કેસમાં પણ આવું જ થયેલું. દાદાની ‘ના’ના લીધે જ એમણે સમાજમાં અરેંજ મેરેજ કર્યા હતા.
“હવે એ તો બધું ભગવાનના હાથમાં છે આરતી. આપણે હમણાં સાથે છીએ તો ફિર યે સમય કા ઝાયઝા લિયા જાયે મેડમ, પ્લીઝ”, સોહમે દેવાનંદના અંદાઝમાં કહ્યું.
“હા હવે, તું તો સાવ પાગલ છે યાર”, આરતી ખીલી ઉઠી.
દુપટ્ટો લઈને એ બંને કેફેમાં ગયા. બંનેએ પોતપોતાની ફેવરીટ કેપેચીનો ઓર્ડર કરી અને વાતે ચડ્યા.
“આજે હું ઘરે પૂછવાનોછું આપણા વિષે”, સોહમે ઘટસ્ફોટ કર્યો.
“શું વાત છે? ખરેખર?”, આરતીને આશ્ચર્ય થયું.
“હા”
“અરે યાર મારી તો જીભ જ સુકાઈ જાય છે પપ્પાની સામે”, આરતીએ ડર વ્યક્ત કર્યો.
“શું કરીએ? એક ચાન્સ તો લેવો જ પડશે ને?”
“હા એ તો છે જ”
“સર યોર ટુ કેપેચીનોઝ”, વેઈટરે આવીને એમની વાતોમાં ખલેલ પાડી.
“થેન્ક્સ”, કહીને સોહમે ડીલીવરી લીધી.
“આપણે બંને આજે ઘરે કહીશું, જોઈએ શું જવાબ આવે છે”, સોહમે કેપેચીનોનો એક સીપ લઈને કહ્યું.
“મારી પણ એ જ ઈચ્છા છે, કારણ કે મારા દાદાએ અને મમ્મી પપ્પાએ યોગ્ય છોકરાઓ શોધવાનું ચાલુ કરી દીધું છે. એમની વાતો મેં ચોરીછુપી સાંભળી છે”
“તો આપણે વાર નહિ કરીએ, આજે સાંજે પૂછી જ લેવું પડશે”
“હા ડન! હું હિંમત કરીને આજે તો પૂછી જ લઈશ ઘરે”, આરતીએ આત્મવિશ્વાસથી કહ્યું.
“તો વાત નક્કી રહી”, સોહમે નિર્ણયાત્મક થઈને કહ્યું.
આ પછી કેપેચીનોનો કપ પૂરો થયો ત્યાં સુધી બંનેમાંથી કોઈ બોલ્યું નહિ.
બહાર નીકળી, સોહમ આરતીને એના ઘરથી થોડે દુર ઉતારીને પોતાના ઘર તરફ બાઈક હંકારી ગયો. આરતી મનમાં ગણવટ કરતી કરતી અને કહેવાના વાક્યો ગોઠવતી ગોઠવતી ઘર તરફ ચલાયમાન થઇ.
“મમ્મી એક વાત હતી”, સાંજે જમવાનું પતાવીને વાસણ ઘસતી વેળા આરતીએ થોથવાતી જીભે એની મમ્મીને કહ્યું.
“બોલ ને બેટા!”, તપેલીને કુચાથી ઘસતા ઘસતા આરતીની મમ્મીએ કહ્યું.
“પણ તું ગુસ્સે નહિ થાય તો જ કહું”, આરતી ધીમે ધીમે આગળ વધી રહી હતી.
“એવું તે શું છે?”, તપેલી પર કુચો ઘસવાની ઝડપ ઓછી થઇ, એની મમ્મીએ સ્ત્રીસહજ ભાવે આરતી તરફ શંકાથી જોયું.
“ખબર નથી પડતી તું મને શું કહીશ”, આરતી હજીયે પહેલીઓ બુઝાવી રહી હતી.
“ઓ છોકરી! તું હેરાન ન કરીશ અને જે હોય તે મને જલ્દી કહે. આમ રમત ના કર”, કુચાની ગતિ થંભી અને તપેલી બાજુમાં મુકાઈ.
“હું સો..હ...મ નામના છો..કરાને પ્રેમ કરું છું, એ મારી સાથે કો..લે..જમાં છે”, આરતીએ તુટક તુટક શબ્દોમાં બધું કહી દીધું.
જવાબમાં એની મમ્મીએ તપેલી થોડી જોરથી જમીન પર અફળાવી અને કહ્યું, “બધા વાસણ ઘસીને તરત અમારા રૂમમાં આવ, પછી વાત કરીએ”
‘અમારા રૂમ’થી એમનો મતલબ હતો, એમનો અને એમના પતિ એટલે કે આરતીના પપ્પાનો રૂમ! હવે પપ્પાનો સામનો થશે એ વાત વિચારીને જ આરતી કાંપી ઉઠી. ફટાફટ જેમતેમ બધા વાસણ પુરા કરી, ‘જે થશે એ જોયું જશે’વાળી હિંમત દાખવી આરતી એના મમ્મી-પપ્પાના રૂમમાં પ્રવેશી.
“તને ખબર છે ને કુંતલના કેસમાં શું થયું હતું?”, પપ્પાએ આરતીના ડરને પારખીને સૌમ્ય ભાષામાં એના મોટા ભાઈ કુંતલ વિષે યાદ અપાવતા કહ્યું.
“પણ હવે તો દાદાની વિચારસરણી બદલાઈ હશે ને?”, આરતીમાં થોડી હિંમત આવી.
“મને નાથી લાગતું બેટા! અને સાચું કહું તો મને પણ લવમેરેજમાં વિશ્વાસ નથી બેસતો”, એની મમ્મીએ કહ્યું.
“કેમ ના થઇ શકે અને કેમ ન કરાય? એક કારણ તો કહો”, આરતી ચિડાઈને બોલી.
“નવો સમાજ, અજાણ્યો પરિવાર અને જો છેલ્લે આ બધામાં સેટ ન થવાયું તો છેલ્લે છૂટાછેડાની વાત આવે. પોતાના સમાજમાં બદનામી થાય એ તો અલગ અને ઉપરથી ફરી તને તારા માટે કોઈ છોકરો ન મળે એ નફામાં”, એની મમ્મીએ પોતાનો વ્યાજબી ડર રજુ કર્યો.
“તેમ છતાં જો તારી જીદ હોય અને તને લાગતું જ હોય કે દાદા માનશે તો ઠીક છે, નહિ તો આ વાત પર આજે જ પૂર્ણવિરામ મૂકી દેજે”, એના પપ્પાએ નિર્ણયાત્મક અવાજે કહ્યું.
આખો કાફલો દાદાજીના રૂમ તરફ ગયો. દાદા તે દિવસના વર્તમાનપત્રની પૂર્તિ વાંચી રહ્યા હતા.
“પપ્પા! અંદર આવીએ?”, આરતીના પપ્પાએ પૂછ્યું.
“આવોને! એમાં પૂછવાનું શું? અને કેમ આજે ત્રણેય સાથે? જરૂર કશીક વાત હશે”
“ઉમ્મ્મ.. હા વાત તો છે જ”, આરતીના પપ્પાએ કહ્યું અને આરતીના ધબકારાએ સુપરસોનિક ગતિ પકડી.
“હા તો બોલો”, દાદાનો મૂડ જરા સારો હતો એટલે આરતીને આશા જન્મી.
જેમ જેમ આરતીના પપ્પા વાત કહી રહ્યા હતા તેમ તેમ દાદાના ચહેરાની રેખાઓ થોડી તંગ થતી જતી હતી.
“આવું આપણી કોઈ પેઢીએ કર્યું નથી અને મારા જીવતા સુધી આગામી પેઢીમાં પણ થશે નહિ”, દાદાએ પોતાનો આખરી નિર્ણય સંભળાવ્યો.
થોડી વાર શાંતિ છવાઈ રહી. પછી બધા પોતપોતાના રૂમમાં ગયા. આરતી ઓશિકા પર ચહેરો દાબીને ઘણું રડી. અડધો કલાક બાદ સ્વસ્થ થઇ આં બધું જ સોહમને કહેવાનું નક્કી કરીને ફોન કર્યો.
“હા બોલ”, સોહમે એક જ રિંગે ફોન ઉપાડતાવેંત કહ્યું, જાણે એ રાહ જ જોઇને બેઠો હતો!
“મેં કીધું હતું ને તને? કે નહિ માને.”, એક જ વાક્યમાં આરતીએ સોહમને બધું કહી દીધું.
બંને સુમસામ રાત્રીના અંધારિયા રસ્તાની માફક શાંત થઇ ગયા.
“તને શું કહ્યું ઘરેથી? તું પણ આજે પૂછવાનો હતો ને?”, આરતીએ મૌન તોડ્યું.
“મારા ઘરે તો કોઈને વાંધો નથી. પણ જો તારા ઘરનાની સંમતિ હોય તો જ એવું કહે છે પપ્પા”, સોહમે કહ્યું.
“તો હવે શું કરીએ આપણે બંને? આ વાતચીતને છેલ્લી વાતચીત ગણી લેવી પડશે”, આરતીએ રડમસ અવાજે કહ્યું.
સોહમે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, “હવે તો એક જ રસ્તો છે. આપણે બંને ભાગીને લગ્ન કરી લઈએ”
“પાગલ થઇ ગયો છું? મારી નાખશે પપ્પા મને!!”, આરતીનું ત્વરિત રીએક્શન આવ્યું.
“તો પછી આના સિવાય આપણે બંને એકબીજાના થવાનો બીજો કોઈ રસ્તો નથી”, સોહમ પોતાના નિર્ણય પર અડગ હોય તેમ લાગ્યું.
“એ પછી તારા અને મારા પરિવાર પર આખો સમાજ માછલા ધોશે એ વિષે વિચાર્યું છે?”, આરતી કોઈ પણ હિસાબે આવું કરવાનું સપનેય વિચારી નહતી રહી.
“તો પછી આ આપણી અંતિમ વાત છે એવું માની લે આરતી! કારણ કે તારો પરિવાર આપણા લગ્નની પરવાનગી તો આપવાથી રહ્યો”, સોહમ જરા ઢીલો પડ્યો.
“ના, મારે તારાથી છુટા નથી પડવું સોહમ!”, આરતી લગભગ રડી ગઈ.
“બીજો કોઈ જ રસ્તો નથી મારી પાસે”, સોહમે કહ્યું.
“હું એ વિષે વિચારીને કહું”, આરતીએ આટલું કહીને ફોન મુક્યો.
સોહમે પણ ફરીથી ફોન ન કરીને આરતીને થોડો સમય વિચારવા માટે એકલી છોડી દેવાનું નક્કી કર્યું.
આરતીનું મગજ ઊંડા વિચારોમાં હતું. એકના એક વિચારોએ એના મનમાં વાવાઝોડું સર્જ્યું હતું.
આ વાતને ત્રણ ચાર દિવસ થઇ ગયા. ઘરમાં આરતી સિવાયના તમામ લોકો આ વાતને ભૂલી ગયા હતા.
પાંચમા દિવસે સાંજે ડીનર પૂરું કર્યા પછી આરતીના દાદાએ અચાનક ઘરના તમામ સભ્યોને પોતાના રૂમમાં બોલાવ્યા. એમ કહીને કે મારે તમારા બધા સાથે એક વાત કરવાની છે.
આરતી, એના મમ્મી પપ્પા, એના ભાઈ ભાભી બધા મનમાં દાદા કઈ વાત કરી શકે એ વિષેના અવનવા વિચારો સાથે એમના રૂમમાં પ્રવેશ્યા.
“મેં ઘણું વિચાર્યું અને અંતે એક નિર્ણય પર પહોચ્યો છું”
આરતીને આ બધી વાતોમાં રસ નહતો. એના મનમાં ચાર પાંચ દિવસ પહેલાના દાદા યાદ આવી જતા અને નફરત થવા લાગતી.
“હા બોલો પપ્પા”, આરતીના પપ્પાએ કહ્યું.
“આપણી આરતીના લગ્ન એ જ્યાં કહે છે ત્યાં કરી આપીએ તો?”
પહેલા તો આરતી આ સાંભળીને ખુશ થવું કે આશ્ચર્ય પામવું એ વિચારી રહી હતી અને આવી જ હાલત એના પરિવારના સભ્યોની પણ હતી.
“કેમ આમ અચાનક આવો નિર્ણય પપ્પા?”, આરતીની મમ્મીએ પૂછ્યું.
“બસ, આજે મને સમજાઈ ગયું છે, એટલા માટે”, દાદાએ કહ્યું.
“પણ કેવી રીતે દાદા? તમે તો....”, આરતીએ કહ્યું.
“હા, હું અત્યાર સુધી ના પાડતો જ હતો અને જીવત ત્યાં સુધી પાડત જ, જો મને આજે એસટીમાં પેલો છોકરો ન મળ્યો હોત”
“કયો છોકરો?”, આરતીના પપ્પા પણ બાકીના સભ્યોની જેમ અસમંજસમાં હતા.
“હું અને ચંપક આજે બસમાં નજીકના ગામમાં જતા હતા. એટલે સ્વાભાવિક છે કે હું અને ચંપક બંને સાથે જ બેસીએ સીટમાં”
“હા બરાબર”, આરતીએ કહ્યું.
“અમે બેઠા પછી એક છોકરો જેણે બેગ લટકાવેલી હતી અને કાનમાં પેલું શું કહેવાય?”
“હેડફોન દાદા”, આરતીના ભાઈએ કહ્યું.
“હા, એ ભરાવેલું હતું. ચંપકે મને આજની પેઢીની આ આદતો વિષે લેકચર આપવાનું ચાલુ કર્યું ત્યાં એ છોકરો અમારી સીટની બાજુમાં આવીને ઉભો રહ્યો અને બેમાંથી એક સીટ ખાલી કરવા કહ્યું”
“કેમ?”, થોડા ગુસ્સાની લાગણી સાથે આરતીએ પૂછ્યું.
“મેં પણ એમ જ પૂછ્યું કે એ કેમ આવું કહે છે? અને પછી અમારી આગળની સીટમાં એક જ જણ હતું તો ત્યાં બેસવા કહ્યું”
“પછી એ માન્યો?”
“ના. એની જીદ હતી કે અમારા બંનેમાંથી એક જણ આગળની સીટ પર જાય અને એ પોતે મારી કે ચંપક બંનેમાંથી કોઈ એકની જગ્યા પર બેસે”
“કેવો નાલાયક કહેવાય!”, આરતીએ કહ્યું.
“મેં પણ એ જ કહ્યું. તો એણે ન ઉઠવાનું કારણ મને પૂછ્યું. તો મેં કહ્યું હું ચંપકને ઓળખું છું તો સફરમાં વાતચીત થાય એટલે અમે બંને સાથે બેઠા છીએ. શું છે કે ઓળખીતું બાજુમાં હોય તો આખી સફર સારી રહે. કંટાળી ન જાઓ”
“બરાબર છે, પછી શું થયું?”, આરતીના ભાભીએ પૂછ્યું.
“પછી એણે જે કહ્યું એ વાત જ મારા આ નિર્ણયનું કારણ છે”
“શું કહ્યું એણે દાદા?”, આરતીએ તત્પરતાથી પૂછ્યું.
“એણે મને કહ્યું કે જો આટલી ટૂંકી સફરમાં પણ તમે ઓળખીતા માણસ સાથે બેસવાનું પસંદ કરો તો તમારી આરતીએ તો આખી જીવન સફર ખેડવાની છે. એમાં એને એના ઓળખીતા વ્યક્તિ સાથે બેસવા દેવામાં તમને કેમ વાંધો છે!”
બધા અને ખાસ કરીને આરતી આ સાંભળીને સ્તબ્ધ થઇ ગઈ. એના મનમાં બધું ધીમે ધીમે ક્લીયર થવા લાગ્યું.
“એનું નામ પવન હતું દાદા?”, આરતીએ તરત પૂછ્યું.
“હા, એ જ નામ હતું. તારો મિત્ર છે?”
આરતીને શું જવાબ આપવો એ ખબર નહતી પડી રહી એટલે માત્ર એણે હકારમાં માથું ધુણાવ્યું અને પોતાના રૂમમાં જવા લાગી.
“અરે! દાદાને થેન્ક્સ તો કહેતી જા”, એના પપ્પાએ પોતાની દીકરીની ખુશીમાં સહભાગી થવા માટે કહ્યું.
“પછી કહું છું, પહેલા એક અગત્યનું કામ પતાવી લઉં”, એ જતા જતા, લગભગ દોડતા દોડતા જ બોલી.
પોતાના રૂમમાં જઈને એણે તરત પવનને ફોન લગાવ્યો. એક રીંગ પૂરી થઇ ગઈ, પવને ફોન ન ઉપાડ્યો. આરતીએ ફરીથી ફોન કર્યો,
“હલો”, પવને ફોન ઉપાડ્યો.
“તું સાચું કહેતો હતો પવન. માત્ર વધુ પડતો પવન જ આરતીની જ્યોત બુઝાવી નાખે છે, પરંતુ એ જ્યોતને સળગવા માટે પણ માફકસરના પવનની જરૂર હોય છે. તારા મારા પ્રત્યેના પ્રેમને આજે દિલથી સલામ કરું છું. સોહમ કરતા બેશક તું જ મને વધુ પ્રેમ કરે છે એ તે આજે સાબિત કર્યું. કારણ કે તારા માટે મારી ખુશીથી વધુ કંઈ જ નથી.”
“સારું સારું હવે ચાંપલી, બંધ થા. આ વાત અહી જ પૂરી. સોહમને બિલકુલ ના કહેતી આ વિષે.”
“હા ચોક્કસ. અને હજી એક વાત”
“બોલ”
“એકતરફી પ્રેમ પણ એક સંબધ હોય છે જેની આજે મને ખાતરી થઇ ગઈ. થેન્ક્સ અ લોટ પવન. શબ્દો નથી મારી પાસે”
“મિત્રો રહીશું. મને કોઈ જ વસવસો નથી”
“હવે તારા માટે હું છોકરી શોધીશ”
“તારા જેવી જ શોધજે”
“ચોક્કસ"