GENESIS Kishor Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

GENESIS

જે’નિસિસ - ઉત્પત્તિ (૧૯૮૬)

માનવ સંબંધના તાણાવાણા

કિશોર શાહઃસંગોઇ

મૃણાલ સેન ફિલ્મ જગતના મોટા ગજાના દિગ્દર્શક. એમની ભુવન સોમ તો ભૂલાય જ નહીં. મૃણાલ સેન દ્વારા નિર્મિત આ ફિલ્મ ઇન્ડો-ફ્રાન્સ અને બેલ્જીયમના સહયોગથી બની છે. ફિલ્મનું શિર્ષક અંગ્રેજી છે એટલે એવી છાપ ઊભી થાય કે ફિલ્મ અંગ્રેજીમાં હશે. અંગ્રેજી ટાઇટલ ધરાવતી આ ફિલ્મ હિન્દીમાં છે. ખંડેરો વચ્ચે વસીને પથ્થર જેવા જડ થઇ ગયેલા મનુષ્યના મનની આંટીઘૂટીનું ચિત્રણ આ ફિલ્મમાં સુંદર ઉપસ્યું છે. સ્ત્રી અને પુરૂષ વચ્ચેના સંબંધોના તાંતણાં ક્યારેક ગુંચવાય તો કયારેક એમાંથી કોઇ વસ્ત્ર પણ વણાય. ક્યારેક તાંતણાંઓમાં ગાંઠ આવતાં વણાયેલા કાપડમાં પણ ગાંઠ ઉપસી આવે. આ ફિલ્મ સેલ્યુલોઇડ પર કંડારેલું માનવ મનનું કાવ્ય છે. આ ફિલ્મ કૅન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રજુ થઇ હતી.

નિર્માણ : મૃણાલ સેન.

કલાકાર : શબાના આઝમી-નસીરૂદ્દીન શાહ-ઓમ પુરી-એમ.કે. રાયના

સંગીત : રવિશંકર

રાજસ્થાનના કોઇક પ્રદેશમાં સતત દુકાળ પડ્યા કરે છે. ધરતી ફાટીને ચોસલાં થઇ ગઇ છે. ભૂખની ભૂતાવળનું રાજ છે. આવા સંજોગોમાં ઇશ્વર પોતાનો ‘‘દૂત’’ મોકલે છે. ચળકતી મોજડી અને ઊંચા વસ્ત્રોમાં સજ્જ. ઇશ્વરના આ દૂત સાથે છે એનો મહેતાજી. મહેતાજી કોરા કાગળ પર આખા ગામની વસ્તીના અંગૂઠાની છાપ લઇ લે છે. લોકો હમેશની જેમ કંગાળ થઇ જાય છે. આ ગામમાં પીવાનું પાણી પણ એને જ મળે જેણે શાહુકારના ચોપડામાં અંગૂઠો લગાડ્યો હોય. શાહૂકારના કૂવા પર બે માણસો કોશ ખેંચે અને ગામના અન્ય માણસો પીવાના પાણી માટે ઘડા લઇ લાઇનમાં ઊભા રહે. ક્રોધ અને રોષમાં બે જણ કંગાલીયતનું આ વાતાવરણ છોડીને એમના ગામથી દૂર દૂર ઉજ્જડ ગામમાં ચાલ્યા જાય છે. કોઇક જમાનામાં આ વેરાન ઉજ્જડ ગામના સ્થાને ધબકતું ગામ હતું. ભગવાનના શ્રાપથી એ ગામ ઉજ્જડ થઇ ગયું હતું. આ ઉજ્જડ ગામના ખંડેરોમાં બન્ને વસવાટ કરે છે. એમાંનો એક ખેડૂત (નસીરૂદ્દીન શાહ) છે અને એક વણકર (ઓમ પુરી). ખેડૂત ઉજ્જડ જમીનને ખોદી ખેતી લાયક બનાવવાનો ઉદ્યમ કરે છે. વણકર શાલ વણે છે. વણકરની આ શાલ અને કાપડ લેવા શહેરથી એક વેપારી ઊંટ પર આવે છે. તૈયાર કપડાના બદલામાં વેપારી એમને વસ્ત્રો વણવા માટેના દોરા, અનાજ, બીજ અને જીવન જરૂરીયાતની વસ્તુઓ આપે છે. આ વહેવાર પૈસાનો નહીં પણ સામાનની અદલી-બદલીનો છે. ખંડેરો વચ્ચે રહીને બન્નેના હૃદય કઠોર થઇ ગયા છે.

એક દિવસ ખેતર માટે જમીન ખોદતાં ખેડૂતને એક મનુષ્યની ખોપરી મળે છે. એ ખોપરી ઘરે લાવે છે. બન્ને જણ ખોપરીને લાકડી પર ખોડીને એની સાથે વાતે વળગે છે. વણકર : તું હૈ કૌન ? આદમી હૈ યા ઔરત ? ખેડૂત : અરે કોઇ ભી હો હમે ક્યા ? તું જો ભી હૈ, અબ હૈ નહીં. વણકર : અચ્છા, કીસને મારા ? ખેડૂત : ચમકતી જૂતીવાલે ને. વણકર : લેકીન યે ભી તો ચમકતી જૂતીવાલા હો સકતા હૈ. મરને કે બાદ સભી એક જૈસે દિખતે હૈ. બન્ને જણ રામરામ મહારાજ, મહારાજ જય હો ઘોષ કરીને ખોપરીને પગે લાગે છે. વણકર : મહારાજ, પહેચાના નહીં ? ખેડૂત : યે બુનકર, મૈં કિસાન. વણકર : મહારાજ, યાદ હૈ ? હમને પાની માંગા થા. આપને કહા થા પહલે અંગૂઠા લગાઓ. ખેડૂત : ઇસે ઝમીં પે ક્યોં બિઠા રખ્ખા હૈ ? સિંહાસન પે બિઠાઓ ! વણકર : યહાં આઇએ મહારાજ. બન્ને ખોપરીને એક આસન પર બેસાડે છે. ખેડૂત : પાની પીયેંગે મહારાજ ? ખોપરી વતી વણકર : ‘‘હાં, પીઉંગા.’’ ખેડૂત : અભી લાયા મહારાજ. ખોપરી : ‘‘જલદી લાઓ.’’ ખેડૂત : અભી લાયા મહારાજ. ખોપરીઃ ‘‘પીલાઓ’’ ખેડૂત : પાની પીને સે પહેલે અંગૂઠા લગાઇએગા મહારાજ. વણકર : અરે ક્યોં મજાક કર રહા હૈ બેચારે કે સાથ. પીલા દે, પ્યાસા હૈ. ખેડૂત : ના, યે ચાહે જીતને અંગૂઠે લગવાલે ઓર હમ એક ભી નહીં ? અંગૂઠા લગાઇએ મહારાજ. વણકર : અરે, તો ફિર ઇન મેં ઓર હમ મેં ક્યા ફર્ક હુઆ ? પીલા દે, પીલા દે. બહોત પ્યાસા હૈ. પીલા, પીલા. બન્ને ખોપરીને પાણી પીવડાવે છે. વણકર : નહેલા ભી દે બેચારે કો. પતા નહીં કબ સે નહાયા નહીં. બન્ને ખોપરીને નવડાવે છે. વણકર : લીજીએ મહારાજ, ચમક ગયે. ખેડૂત : અચ્છા લગા મહારાજ ? વણકર : ઠંડ પડ ગઇ મહારાજ ? ખેડૂત : યે તો કૂછ બોલ હી નહીં રહા હૈ. વણકર : બોલ નહીં રહા હૈ ? અભી બોલેંગે. યે દેખ. બોલના તો પડેગા મહારાજ. વણકર ખોપરી જમીન પર પછાડીને તોડી નાખે છે. ત્યાં જ આકાશમાં વિમાનની ઘરઘરાટી સંભળાય છે. બન્ને પોતાની હકૂમતના આ ગામ પરથી ઉડવા માટે આકાશ તરફ વિમાનને પથ્થર મારે છે.

સવારે ઊંટ સવાર વેપારી વણેલા વસ્ત્રો લેવા આવે છે. ઉન અને વસ્ત્રોના બદલે અનાજ અને ઘાસલેટ આપે છે. એ રાતે ચિક્કાર વરસાદ પડે છે. ખેડૂત ખુશ થઇ નાચે છે. સવારે ખંડેરોમાં એને એક સ્ત્રી (શબાના આઝમી) નજરે પડે છે. એના હાથમાં

ં મોટું પોટલું અને એક ફાનસ (કંડીલ) છે. ખેડૂત એને પૂછે છે -એ કોણ છે ? ક્યાંથી આવી છે ? શું જોઇએ છે ? સ્ત્રી જવાબ નથી આપતી. ખેડૂત વણકરને ઉઠાડી સ્ત્રીના આગમનની ખબર આપે છે. ફરી પૂછપરછ શરૂ થાય છે. સ્ત્રી બેહોશ થઇ ઢળી પડે છે. બન્ને

સ્ત્રીને હોશમાં લાવે છે. એનું શું કરવું એ બાબતની ચર્ચા બન્ને વચ્ચે થાય છે. બન્નેને સ્ત્રીનું હોવું ગમે છે પણ એને આશરો આપવાની પહેલ કોણ કરે ? એમના હૃદયમાં સ્ત્રી પ્રત્યે પ્રેમની સરવાણી ફૂટે છે. તેઓ સ્ત્રીને રાત્રે સુવાની રજા આપે છે. સ્ત્રીને આશરો ન આપવાના નિર્ણયને તેઓ પ્રથમ પાપનું કૃત્ય ગણે છે. સવારે સ્ત્રી ક્યાંક ચાલી જાય છે. ખેડૂત સ્ત્રીએ ઓઢેલા ધાબળાને સુંઘી સ્ત્રીની સુગંધ લેવાનો પ્રયાસ કરે છે. આમ પ્રેમની પ્રથમ શરૂઆત થાય છે. કેટલીયે શોધખોળ પછી સ્ત્રી સ્મશાનમાં મળે છે. ફરી પૂછપરછ થાય છે. સ્ત્રી એની આપવીતી જણાવે છે. એક સમયે એના ગામમાં વિનાશક પૂર આવ્યું. પૂર પછી રોગચાળો ફાટી નીકળ્યો. મરણનું સામ્રાજ્ય ફેલાયું. રોગચાળામાં એનો પતિ મરી ગયો. એ પછી બે દિવસે એનું બાળક પણ મરી ગયું. એ ન મરી. જગત પર એને ઘૃણા થઇ. એ એકલી નીકળી પડી દૂર દૂર અને અહીં આવી પહોંચી. તેઓ સ્ત્રીને પૂછે છે કે એ કઇ દિશામાંથી આવી ? દિશાશૂન્ય સ્ત્રી એમને સામે પૂછે છે તમે ?

ખેડૂત અને વણકર જંગલમાં બળતણ લેવા ગયા છે ત્યારે વેપારી આવે છે. સ્ત્રીના સૂકાતા વસ્ત્રો અને ફાનસ જોઇ નવાઇ પામે છે. એ સ્ત્રીને મળે છે. અનાજ સાથે ખાવાનું તેલ પણ આપે છે. વર્ષો પછી બન્નેને સરખું જમવાનું મળે છે. ત્રણેય જણ ખેતરમાં મહેનત કરે છે. સ્ત્રી રેંટીયા પર દોરા પણ કાંતે છે. સ્ત્રી એમને પૈસાનું મહત્વ આડકતરી રીતે સમજાવે છે. એક દિવસ બન્ને મેળામાં જાય છે. મેળામાં વણકરના બનાવેલા ધાબળા વેચાતા હોય છે. એનો ભાવ જોઇને તેઓ નવાઇ પામે છે. એમને વેપારીની નફાખોરીનો ખ્યાલ આવે છે. રાત્રે પાછા વળતી વખતે બન્ને દિશા ભૂલી જાય છે. પણ જ્યારે ઉજ્જડ ગામમાં પહોંચે છે ત્યારે એમનું સ્વાગત કરવા સ્ત્રી ઊભી હોય છે. બન્ને રાજી રાજી થઇ જાય છે. વેપારી ફરી આવે છે ત્યારે ભાવની રકઝક થાય છે. વેપારી એમને મોંઘવારીનો ડર દેખાડે છે. રકઝક વધતાં વેપારી રાશનના સીધા ઉપરાંત રોકડા પૈસા પણ આપે છે. ત્રણેય આનંદમાં ડૂબી જાય છે. એમના આનંદ સાથે બન્નેને એક પ્રશ્ન પણ થાય છે કે વેપારીની મુલાકાતો આજકાલ વધી ગઇ છે.

એક રાત્રે બન્નેને ઝાંઝરનો ઝણકાર સંભળાય છે. બન્ને ઊઠીને બહાર આવે છે. વણકર : યે ક્યા હુઆ ? ખેડૂત : ક્યોં, તુમ્હે કયા હુઆ ? વણકર : મુઝે લગા વહાં કોઇ ચલ રહા થા. ખેડૂત : હં, મુઝે ભી ઐસા લગા. વણકર : તુઝે ભી ઐસા લગા ? મુઝે લગા કોઇ પાયલ પહનકર યહાં સે વહાં તક ઔર વહાં સે યહાં તક ચલ રહા હૈ. ખેડૂત : હાં, વહાં સે વહાં તક મૈનેં ભી સુના. વણકર : કહીં હમ સપના તો નહીં દેખ રહે થે ? ખેડૂત : મૈં તો જાગા હુઆ થા. વણકર : જાગા હુઆ તો મૈં ભી થા. ખેડૂત : ઇધર ઉધર ઢુંઢેં. યા ઉસે આવાઝ દેં. શાયદ જાગ રહી હો. વણકર : ઉસે ક્યોં ? ખેડૂત : હો સકતા હૈ, વો બહાર નીકલી હો. વણકર : લેકીન હમ તો પાયલ કી આવાઝ સુન રહે થે. ખેડૂત : હાં. વણકર : હમ સપના દેખ રહે થે. ખેડૂત : સપના ? વણકર : હો. ખેડૂત : પર હમ તો જાગે હુએ થે. વણકર : હાં, જાગે હુએ ભી તો સપના દેખે જા સકતા હૈ. ખેડૂત : જાગતે હુએ સપને ? વણકર : હાં, સપનોં કે લીયે નીંદ સે જ્યાદા પૈસે કી જરૂરત હોતી હૈ. ખેડૂત : ઓર વો અબ હમારે પાસ હૈ. વણકર : હં, ઓર ક્યા ? ખેડૂત : હમ સપને ખરીદ સક્તે હૈ... પૈસે સે...

બીજા દિવસે બન્ને ગામડામાં ભરાતી બજારમાં જાય છે. ખિસ્સામાં પૈસા છે. વણકર સ્ત્રીને લગતા વસ્ત્રો ખરીદે છે. ખેડૂત મહેંદીની બાટલી ખરીદે છે. સ્ત્રીને વસ્ત્રો આપી શણગાર્યા બાદ બન્ને સ્ત્રી સાથે સંતાકૂકડી રમે છે. સ્ત્રી મોર-મોરનીના નૃત્યનું લોકગીત ગણગણે છે. બીજા દિવસે કૂવામાંથી કોસથી પાણી સીંચીને વણકર સ્ત્રીને છાલક મારે છે. પછી બન્ને મસ્તીએ ચઢે છે. મસ્તીમાં એકમેકના આલીંગનમાં સમાઇ જાય છે. ખેડૂત દૂરથી આ જૂએ છે. એના મનમાં ઇર્ષા અને માલીકીભાવ જાગે છે. ખેડૂતને જોતાં વણકર અને સ્ત્રી સ્તબ્ધ બની જાય છે. ખીન્ન ખેડૂતનો અભિગમ રૂક્ષ થઇ જાય છે. એ મહેંદીના રંગની બાટલી તોડી નાખે છે. ખેડૂત પૂછે છે કે વણકર એના માટે શું લાવ્યો ? સ્ત્રી વાતને વાળતાં કહે છે કે તમે આપસમાં વાત સંતાડો છો એ યોગ્ય નથી. બન્ને જૂઠનો અને વાત સંતાડવાનો એકરાર કરી હૃદય હળવું કરે છે. ત્રણેય એક થઇ જાય છે. ખેડૂત અને વણકરની બધી જ જ્રૂરીયાતો સ્ત્રી સંતોષેે છે.

એક રાતે ખેડૂત સ્ત્રીના શયન ખંડમાં આવે છે. એ બન્ને એક થઇ જાય છે. એક દિવસ સ્ત્રી બળતણનો ભારો ઊંચકી થાકી જાય છે. વણકર પ્રેમથી એના ખભે હાથ મૂકે છે. સ્ત્રી એનો મૂક સ્વીકાર કરીને એની પાછળ જાય છે. રાત્રે તાપણામાં ખોપરી સળગાવેલી છે. વણકર કહે છે : મૂદરેં કે દેસમેં હમારા રાજ હોગા. સ્ત્રી આશંકા વ્યક્ત કરે છે કે બન્ને આપસમાં લડશે. એણે લોકોને લડતા જોયા છે.

એક દિવસ ઊંચા ખંડેર પર ઊભો વેપારી દૂરબીનથી આસપાસના પ્રદેશનું નિરિક્ષણ કરે છે. એ બન્ને પાસે આવે છે. વેપારી : તુમ લોગોંને તો કમાલ હી કર દીયા. વિશ્વાસ નહીં હોતા. યે ભગવાન કી મહેરબાની થી કી વો ઓરત યહાં આયી. ઉસને તુમ લોગોં કો પૂરી તરહ બદલ દીયા. તુમ ભી તો ઉસે રાની કી તરહ રખતે હો ! ઠીક કહા ન મૈંને. ઓર અબ ઉસ રાની કે લીએ ઝૂલા. અગર મૈં પૂછું રાજા કૌન હૈ ? તુમ ? યા તુમ ? ચલો આપસ મેં હી તય કર લો. જરા સોચો વો ઉસકે બુને હુએ કપડે પહેનકર તુમ્હારે દરવાજે સે નીકલતી હૈ. ઓર ઇસ ઝૂલે પર ઝૂલતી હૈ. વો ઝૂલા જો તુુમ લોગોં ને મીલકર બનાયા..... વેરનું બીજ વવાતાં ખેડૂત ગુસ્સે થઇ ઝૂલો તોડી નાખે છે. વેપારી ચાલ્યો જાય છે.

ત્રણેયની મહેનત ફળી છે. ખેતરમાં પાક લહેરાઇ રહ્યો છે. સ્ત્રી ભાથું લઇ આવે છે. ત્રણેય ખુશ છે. રાતે વણકર ખેડૂતને સ્ત્રીના મકાનમાં જતો જૂએ છે. કશીક તોડફોડ થાય છે. સ્ત્રી ત્યાં નથી. મશાલ પેટાવી, બન્ને સ્ત્રીને શોધે છે. સ્ત્રી મળે છે. સ્ત્રી : ક્યા ચાહીએ તુમ્હે ? ક્યોં આયે હો યહાં ? બોલો, જવાબ દો. વણકર : ઢુંઢ રહે થે તુમ્હે. સ્ત્રી : પતા નહીં. ક્યા હો ગયા હૈ તુમ દોનોં કો. સબકુછ ઇતના બદલ ગયા હૈ. એક દૂસરે પે ભરોસા નહીં. એક દૂસરે સે જૂઠ બોલને લગે હો. કુછ ભી પહલે જૈસા નહીં. મુઝસે નહીં દેખા જાતા. ડર લગતા હૈ મુઝે. નિશબ્દતાના વાતાવરણમાં મશાલ બળતી રહે છે.

પાક લણાય છે. કોઇ એકમેક સાથે નજર મેળવી શક્તું નથી. લણાયેલી જુવારના સાંઠાનો ભારો સ્ત્રીને માથે મૂકાય છે. ખંડેર સુધી પહોંચતાં સ્ત્રી થાકી પડે છે. ભારો પડી જાય છે. સ્ત્રી કહે છે કે થોડા દિવસ એ ભારે કામ નહીં કરી શકે. રાત્રે એમના ગામ પરથી વિમાન પસાર થાય છે. કોઇ એનો પ્રતિકાર નથી કરતું. બન્નેને ખબર પડે છે કે સ્ત્રી સગર્ભા છે. વણકર : સુનો, સચસચ બતા કી યે, યે બચ્ચા કિસકા હૈ ? સ્ત્રી : નહીં બતાઉંગી. વણકર : તો ઓર કૌન બતાયેગા ? બતાતી ક્યોં નહીં ? ખેડૂત સંવાદ સાંભળે છે. એ સ્ત્રી પાસે જાય છે. ખેડૂત : મૈં સો નહીં સકા રાતભર. સુન યે બચ્ચા મેરા હી હૈ ન ? બતા ? સ્ત્રી નિસ્પૃહતાથી દોરાઓને સરખાં વીંટાળતાં કહે છે : મુઝ સે ક્યોં પૂછતે હો ? ખેડૂત : તો ઓર કીસ સે પૂછું ? સ્ત્રી : અપને આપ સે. અપને દોસ્ત સે. ખેડૂત : દોસ્ત ! કૈસા દોસ્ત ? કહાં હૈ દોસ્ત ? કૌન હૈ દોસ્ત મેરા ? હાં, બડા સાથ નિભાયા તૂને ! ઠગેદાની કીયા હૈ મેરે સાથ યહાં. વણકર : ઠગી ! ક્યા ઠગી કી હૈ મૈંને ? ખેડૂત : તુઝે માલૂમ થા કી યે ઓરત મેરી હૈ. ફિર ભી તું.... વણકર : તું ક્યા ? મતલબ ક્યા હૈ તેરા ? ખેડૂત : મતલબ યે હૈ કિ અબ સંભાલ ઇસ ઓરત કો. છિનાલ કહીં કી. વણકર : તું હી સંભાલ. તબ તો બડા કહે રહા થા આસરા દેતેં હૈં. અબ ભૂગત. ખેડૂત : મુઝે નહીં ભૂગતના. ભાડ મેં જાયે યે ઓર સાથ મેં ઇસ કા હરામી પીલ્લા. રખ લે, રખ લે તું ઇસે. વણકર મૈં ક્યોં રખું ? મેરા હૈ જો રખું ? અગર તેરા નહીં હૈ...... એટલામાં વેપારીના ઊંટની ઘંટડીનો ઝણકાર સંભળાય છે. બન્ને વેપારીને ગામમાંથી જતો જૂએ છે.

સ્ત્રી પાસે જવાબ મેળવવા બન્ને આતુર છે. સ્ત્રી : અગર તુમ જાન જાઓગે કી ઇસકા બાપ કૌન હૈ, તો ક્યા ફર્ક પડેગા ? ખેડૂત : ફર્ક પડતા હૈ. વણકર : હમ જાન જાયેંગે કી ઇસ પર કીસકા હક્ક હૈ. સ્ત્રી : હક્ક ! મૈં નહીં જાનતી કી કીસકા હક્ક હૈ ઇસ પે. બસ યહી જાનતી હું કી તુમ દોનોં ભલે લોગ થે. અચ્છા સલુક કીયા મેરે સાથ. મૈંને દોનોં કો અપનાયા. ક્યોં કી દોનોં કો મેરી જરૂરત થી. હમ તીનોં મીલ કર એક થે. ઓર અબ તુમ હક્ક જતાના ચાહતે હો ? માલિક બન બૈઠે હો. સો મૈંને જાના કી તુમ્હારા દુશ્મન બહાર નહીં, તુમ્હારે અંદર હૈ. ચાહે મુઝે દોષી ઠહેરાઓ, ચાહે એક-દૂસરે કો. નહીં અપનાતે ઇસે તો ના સહી. યે બચ્ચા મેરા હૈ. રાત્રે સ્ત્રી ફાનસ પ્રગટાવીને ઘરના ટોડલા જેવા દેખાતા પથ્થર પર મૂકે છે. ફાનસનો પ્રકાશ અંધકારમાં પ્રસરે છે.

સવારે સ્ત્રી ઘરમાં નથી. પાળિયાઓની વચ્ચે બન્ને સામસામે આવી જાય છે. લોહી તરસ્યા થઇ એકમેકનો જીવ લેવા લડાઇ કરે છે. લડાઇ ચાલતી હોય છે ત્યાં જ કાંઇક અવાજો આવે છે. તેઓ જૂએ છે. ઊંટની એક વણઝાર દૂર જતી દેખાય છે. બીજી તરફ વેપારી કેટલાક ઊંટ સવારો સાથે એમની નજીક આવે છે. વેપારી પીસ્તોલની ધાકે બન્નેને અંકુશમાં લે છે. વેપારીના માણસો બન્નેને બાંધી દે છે. ત્યાં જ ખંડેરોમાં સુરંગ ફૂટવાના ધડાકા થાય છે. ખંડેરો ધ્વસ્ત થઇ જાય છે. મોટા મહાકાય યંત્રો-બુલડોઝરો ગામની હસ્તી ભૂસી નાખે છે. ભગવાનના શ્રાપથી ઉજ્જડ-વેરાન થયેલું ગામ માણસના શાપથી તદ્દન ભૂસાઇ જાય છે.

અન્ય બાબતો : શાહુકાર ત્રણ ગડી વળાય એવો લાંબો ચોપડો રાખે છે. કલમ અને ખડિયા ઉપરાંત અંગૂઠાની છાપ લેવા શાહીનું પેડ પણ છે. કૂવામાંથી માણસો કોશ દ્વારા પાણી ખેંચે છે. ચામડાની મશક વપરાય છે. જમવા માટે માટીની તાંસળી વપરાય છે.

મૃણાલ સેન મોટા ગજાના ડિરેકટર છે. આ ફિલ્મ માટે હું કહીશ કે તેઓ કુશળ વણકર છે. એમણે પાતળી કથાના દોર દ્વારા માનવ-મનના તાણાવાણા સુંદર રીતે વણ્યા છે. આ તાણાવાણામાં ફિલ્મના બધા જ પાસાંની સુરેખ ભાત ઉપસી આવે છે. જેમ કે કથા-ઍડીટીંગ-બેકગ્રાઉન્ડ સંગીત-ડિરેકશન-અભિનય વગેરે. પંડિત રવિશંકરનું સંગીત છે. ફિલ્મના બેકગ્રાઉન્ડ સંગીતમાં સીતાર અને રાવણહથ્થાનો સારો ઉપયોગ થયો છે. પક્ષીઓના અવાજની ઇફેક્ટો પણ સુંદર અપાઇ છે. જાણે આપણે ત્યાંના વાતાવરણમાં જ હોઇએ. ઉજ્જડ ગામનો સેટ નથી, ખંડેરો કુદરતી છે. દિવસના શોટમાં નેચરલ લાઇટનો ઉપયોગ સુંદર થયો છે. કેટલીયે ફ્રેમો ૧/૪-૩/૪ના પરિમાણમાં શોભે છે. ફ્રેમીંગ પણ ઉત્તમ છે. ટાઇટલમાં અન્ય ક્રેડીટો અપાઇ નથી એનો રંજ રહ્યા કરે. તદ્દન ધૂળિયા લાગતા ખંડેરોમાં અન્ય રંગોને યોગ્ય રીતે ઉપસાવવા મુશ્કેલ કામ છે. મેળા અને બજારના દૃશ્યો જ રંગની રંગત લાવે છે. પટકથા સુરેખ છે. પાત્રોના સંવાદો એમના વલણ ઉપસાવે છે. એમનો અભિનય અને સંવાદોની રજુઆત ફિલ્મને ઊંચાઇ બક્ષે છે. આ ફિલ્મમાં ખાસ વાત એ છે કે એકેય પાત્રોને નામ નથી. તેઓનું કામ જ એમની ઓળખ છે. આ પ્રકારની ફિલ્મોમાં કેટલાક પ્રશ્નો ગોપિત રહે છે. દર્શકે એના મનોજગત પ્રમાણે ઉત્તરો ગોઠવવાના હોય છે. અન્ય ફિલ્મોની જેમ ખાધુ-પીધું ને રાજ કીધું નથી હોતું. જેમ કે કોઇને પ્રશ્ન ઊઠે કે સ્ત્રીનું શું થયું ? વણકર અને ખેડૂતનું શું થયું ? આ બધા પ્રશ્નોના જવાબ દર્શકે પોતાની રીતે, પોતાના મનોજગત પ્રમાણે મંથન કરી, વિચારીને સમજવાના હોય છે.

જગતમાં મનુષ્ય બે જાતોમાં વહેંચાયેલો છે. પુરૂષ અને સ્ત્રી. આ બન્ને જાતો પોતપોતાનું મનોજગત ધરાવે છે. આ મનોજગત સાથે પરંપરાથી ચાલ્યા આવતા સામાજીક રીતરીવાજો પણ સંકળાયેલા છે. જેમ કે પતિ હોય તો પત્ની પર એનો માલીકી ભાવ જાગે. સ્ત્રી પત્ની ન પણ હોય છતાં માલીકી ભાવ તો પુરૂષમાં સહજ રીતે વણાયેલો જ હોય છે. એ જ રીતે સ્ત્રી પત્ની ન હોવા છતાં એનાથી થનાર બાળક્નો પિતા કોણ ? આ પ્રશ્ન પરંપરાથી સમાજમાં ઘૂંટાયા કરતો રહ્યો છે. સ્ત્રીની સહનશીલતા અને સમર્પણ આપણી પરંપરાના અંશ છે. માણસના મનનું વલણ અકળ છે. એ ક્યારેક રીઝે તો ક્યારેક રૂઠે. બધું જ એની સગવડતા પ્રમાણે ઇચ્છતો હોય છે. કઠોર વાતાવરણમાં રહીને જંગલી જેવા માનવીઓના હૃદયમાં પ્રેમની સરવાણી ફૂટે, કોઇ સ્ત્રીને ચાહવા લાગે અને જવાબદારી માથે આવતાં જ ફરી કઠોર થઇ, પીઠ દેખાડવી એ તો સામાન્ય માનવ સ્વભાવ છે. સ્ત્રી અને પુરૂષના માનવસ્વભાવની કેટકેટલીયે છાયાઓ આ ફિલ્મમાં ઉપસે છે. માનવ સ્વભાવનું આ ઊંડાણ ચારેય કલાકારોના અભિનયે સુંદર રીતે ઉપસાવ્યું છે. આ કોલમના વાચકો સંવાદો દ્વારા આ માનવ સ્વભાવના ઊંડાણ સુધી પહોંચી શકશે. આ ફિલ્મમાં ત્રણેય પાત્રો ઉત્પત્તિ સાથે સંબંધ ધરાવે છે. ખેડૂત અનાજની ઉત્પત્તિ, વણકર કાપડની ઉત્પત્તિ અને સ્ત્રી મનુષ્યની ઉત્પત્તિ. એમની ઉત્પત્તિની કળાનો લાભ લે છે એક વેપારી જે ધનની ઉત્પત્તિ સાથે સંબંધ ધરાવે છે. આ જગતના બધા જ જીવો જે‘નિસિસ એટલે ઉત્પત્તિ સાથે સંબંધ ધરાવે છે. ઉત્પત્તિના પ્રકારો અલગ અલગ હોઇ શકે પણ લક્ષ્ય તો એક જ હોય છે. ઉત્પત્તિના સજર્ક મૃણાલ સેનને સલામ.

-કિશોર શાહ kishorshah9999@gmail.com