બાળપણનો પ્રેમ Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળપણનો પ્રેમ

બાળપણનો પ્રેમ

હું તને એટલે નથી ચાહતો કે તું દુનિયાની સહુથી ખુબસુરત સ્ત્રી છો પણ તારી હાજરી માત્ર મને દુનિયાનો સૌથી હેન્ડસમ પુરુષ હોવાની પ્રતીતિ કરાવે છે એટલે આપોઆપ હું તને ચાહવા લાગુ છું. મારી માતાએ મને જન્મ આપ્યો, લાલન પાલન કર્યું પણ તે પળે પળ મારી સાથે રહી મારા જીવનનું ઘડતર કર્યું.

કદાચ હું નાસ્તિક હોત, તો તને જ મારી દેવી માનત. અને આસ્તિક છું તો તને દિલના મંદિરમાં આરૂઢ કરી છે.

તું મને ગમે છે કારણ કે તું કોઈ પણ શર્ત વિના મને ચાહે છે. અતિ આનંદમાં આવી હું નાચવા લાગુ છું તો તું મારી સાથે નાચવા લાગે છે અને જો કોઈ કારણસર પીડા અનુભવું છું તો તું મારી આંખોમાંથી આંસુ લૂછે છે. મારા દિલને બહેલાવવા માટેના દરેક પ્રયત્ન કરે છે. તને ત્યાં સુધી ચેન નથી પડતું જ્યાં સુધી મારા ચહેરા પર મુસ્કાન ન આવે.

તું જીવનના દરેક રંગથી પૂર્ણ છો છતાં તે મારી દરેક અપૂર્ણતાને ચાહી છે. અને તે મારી દરેક અપૂર્ણતામાંથી ખૂબી પ્રગટે તેવા સભાન પ્રયત્નો કર્યા છે. તારી સાથે ગાળેલ પળો મારી અપૂર્ણતાને ભરી મને છલોછલ સંપૂર્ણતામાં રૂપાંતરિત કરે છે. અને મારા દિલના આનંદના ઝરણાં ફૂટે છે.

હું કદાચ તને પ્રેમ કરું છું, આ દુનિયામાં તું અને તું જ મારી એક માત્ર સખી છો. હું જેટલો મારી પાસે નથી હોતો, ઇવન મારી પત્ની પાસે નથી હોતો તેનાથી વધારે તારી પાસે હોઉં છું. તું મારી એકલતાને આનંદના મેળામાં ફેરવી દે છે. મારી એકલતા દૂર કરી તું મારી જીવનપળોને ગુલાબના ફૂલોની માફક મઘમઘાવી આપે છે.

વિધાતાએ મારા શું લેખ લખ્યા હશે તેની મને ખબર નથી? પણ તે મારા જીવનમાંથી દરેક ખરાબ પળોને મારાથી દૂર રાખી છે. ક્યારેક તે મારી સાથે હસવામાં સાથ ન આપ્યો હોય તેવું બની શકે પણ તે મારી પાંપણમાંથી સરકતા દરેક અશ્રુ બિંદુઓને મલકાવ્યા છે.

મારા પર સહેજ પણ વિપત્તિ પડે ત્યારે તે એ ક્ષણોને સંપત્તિમાં ફેરવી નાખી છે. આજે લોકો પળે પળ તિરસ્કારનો હિસાબ રાખે છે ત્યારે તે મને દરેક માણસોને ચાહતા શીખવ્યું, અને માણસ જ નહિ, પશુ પંખી, ઝાડ પાન, અરે કુદરતની એક એક વસ્તુને ચાહતા શીખવ્યું.

આજ દુનિયાની પ્રત્યેક આંખોમાંથી ફેલાતા તિરસ્કારને નિર્મૂળ કરવા માત્ર તારી અમી ભરી વ્હાલની નજરો મને બસ થઇ પડે છે. મારા રોમે રોમમાં તારી અમીભરી દ્રષ્ટિ ગજબની ઠંડક અર્પે છે.

અત્યારે શ્રાવણ મહિનામાં મેહુલિયો જેમ ધરાને ભીંજવે છે તેમ તારા પ્રેમથી મારુ જીવન રસાળ બની ફૂલોની જેમ મહેકી ઉઠ્યું છે.

મારી નજીક રહેતી વ્યક્તિઓ ઘણીવાર મારો ચહેરો વાંચવામાં થાપ ખાય જાય છે, પણ તું એક જ નજરમાં મારા દિલની પ્રત્યેક ગડમથલ જાણી લે છે અને હું દુઃખી હોય તો બાંહોમાં લે છે અને સુખી હોય તો મારી સાથે નાચવા લાગે છે.

બાળપણમાં તું કેવી મારા પર દાદાગીરી કરતી? હું કોઈ છોકરી જોડે જરા અમથી વાત કરું તો તને લાગી આવતું. તું જયારે મારી સાથે કિટ્ટા કરતી ત્યારે મારે હેતાભાભીને કહેવું પડતું. હેતાભાભી આપણને બંનેને ચોકલેટ આપી, ગાલ પર પપ્પી કરી બુચા (બોલતું થવું) કરાવતા. ત્યારે તું કેવું લુચ્ચું હસતી?

સ્કૂલની રિસેસમાં હું બોરડીમાં ઝાડ પર ચડી તારા માટે ચણી બોર લઇ આવતો ત્યારે તારો ચહેરો કેવો ખુશીથી મલકાઈ ઉઠતો. અને આજે લોકો કહે છે પૈસા હોય તો જ સુખ મળે. એક પણ પૈસો ખર્ચ્યા વિના આપણે કેવું સુખ ભોગવતા.

એક વાર હું બીમાર હતો અને મારા મોં માંથી તારું નામ નીકળ્યું અને મારી મમ્મી તને બોલવા આવી ત્યારે તારી મમ્મીએ કોઈ પણ હિચકિચાટ વિના મારી મમ્મી સાથે તને મોકલી દીધી. અને તે આખી રાત એક પણ મટકું માર્યા વિના મારા શરીરે ભીના કરેલા પોતા મુકેલ અને સવારે તો તાવ ગાયબ.

સવારે તો મારો તાવ ગાયબ થઇ ગયો, તારી સારવારને કારણે કે તાવ જતો રહ્યો હતો કે તારી ઈશ્વર પ્રત્યેની અખૂટ શ્રદ્ધાને કારણે તાવ ગાયબ થઇ ગયેલ તે હજુ સુધી હું સમજી શક્યો નથી.

જયારે તને અને મને એ વાતની જાણ થઇ કે આપણા પ્યારને લગ્ન માટે આપણા પરિવારો મંજૂરી નહિ આપે ત્યારે હું તો દુઃખી થયેલો જ પણ તું રાતોની રાતો જાગતી રહેલી. તારા અશ્રુ બિંદુઓથી તારા ઓશિકા પલળી જતા. તારો શયન ખંડ તારા અરુણ્ય રુદનનો સાક્ષી બન્યો.

તું એટલી નિરુત્સાહિત થઇ ગઈ કે તને જીવન અકારું લાગવા માંડ્યું. તે છેલ્લા વિકલ્પ રૂપે ઝેરી દવા પી લીધી ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના કરતો રહ્યો કે તને કશું થાય નહિ. હું હોસ્પિટલમાં રાત દિવસ તારી પાસેને પાસે જ રહ્યો.

આખરે મારી દુઆ ફળી, તું ભાનમાં આવી ત્યારે તે સહુથી પહેલા મારી તરફ સ્મિત ફરકાવ્યું. મેં તારા હાથોને ચૂમી લીધા, અને ઈશ્વરનો આભાર માન્યો.

કમને પણ તારા લગ્ન થયા ત્યારે તે તારા પતિને મારા વિષે બધું જ જણાવી દીધું. તે એમ પણ કહ્યું કે તું મને જ ચાહતી હતી અને મારી સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પણ પરિવારના વિરોધને કારણે તે શક્ય ન બન્યું. તારો પતિ મહાન હતો તેણે તને ખુશીથી સ્વીકારી.

પછી મારા પણ લગ્ન થયા પણ મારી પત્ની શંકાશીલ હતી. તે મારી પાર આરોપ લાગવતી કે મારા અને તારા લગ્ન પહેલા શારીરિક સંબંધો હશે. અને મારે કંપનીમાં વારંવાર ટુર પર જવાનું રહેતું. મારી પત્ની મને કહેતી તમે કંપનીના કામને બહાને તમારી સગલીને મળવા જાવ છો.

એક વાર તું અને તારો પતિ મને મળવા આવ્યો ત્યારે મહેમાનનું સ્વાગત કરવાને બદલે મારી પત્નીએ તને જાત જાતના મહેણાં ટોણા માર્યા. તે કદાચ સમજી જ શકતી નહોતી કે શારીરિક સબંધો બાંધ્યા વિનાનો પ્રેમ સંભવી શકે.

એક વાર મારી કંપનીમાં મારી પર વધુ પડતો વર્ક લોડ હતો. અને મેનેજર નવો હતો જે મને માનસિક રીતે પ્રતાડિત કરતો. આને લીધે હું ડિપ્રેશનમાં સરી પડ્યો. રાતોની રાતો મને ઊંઘ ન આવતી. મને લાગતું કે હું પાગલ થઇ જઈશ ત્યારે મારી પત્ની મને કહેતી તમારી સગલીને કહો તમને લઇ જાય.

જયારે તને આ વાતની ખબર પડી તું દોડતી મારી પાસે આવી. મારી પત્નીની મરજી ન હોવા છતાં તું રણચંડી બનીને મને તારા ઘેર લઇ ગઈ.

તે રજાઓ મૂકી દીધી અને મને સારા માનસિક નિષ્ણાંત પાસે લઇ ગઈ અને દિવસ અને રાત મારી પડખે રહી. તું મને નાના બાળકની જેમ દવાઓ આપતી રહી. તારા પતિ હું તારે ત્યાં આવ્યો તેનાથી ખુશ થયા.

ધીરે ધીરે મને સારું થવા લાગ્યું, એકદમ સારું થઇ ગયું એટલે તું મને મારે ઘેર આવીને મૂકી ગયા. ત્યારે મારી પત્ની અને તું ભેટીને રડ્યા, તમે બંને ચોધાર આંસુએ રડ્યા પણ આ વખતના આંસુઓ ખુશીના હતા. મારી પત્ની આખરે સમજી કે આપણો પ્રેમ પવિત્ર હતો. તેણે પોતાની ભૂલ બદલ માફી માંગી અને તે તેને ગળે લગાડી દીધી.

“દુનિયાના લેખકોએ મિત્રતા વિશે થોથા ભરીને પુસ્તકો લખ્યા છે.

દુનિયાના કવિઓએ મિત્રતા વિશે કવિતાઓના પહાડ ખડક્યા છે.

દુનિયાના સંતોએ મિત્રતા વિશે મહાન વ્યાખ્યાનો આપ્યા છે.

દુનિયાના દરેક ધર્મમાં મિત્રતા વિશે લાંબી લચક વાતો છે.”

પણ

“મિત્રતાને આપણે જેટલી સમજી એટલું કોઈ સમજ્યા હશે ખરા?

મિત્રતાને આપણે જેટલી અનુભવી એટલી કોઈ અનુભવ્યું હશે ખરું?”