GEET GATA CHAL Kishor Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

GEET GATA CHAL

ગીત ગાતા ચલ (૧૯૭૫)

પ્રેમના સાતત્યનો પરિચય

તારાચંદ બરજાત્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સન્માનનીય નામ. રાજશ્રી પ્રોડકશનના બેનર હેઠળ એમણે સુંદર કલાત્મક ફિલ્મો આપી છે. ગીત ગાતા ચલ આમાંની એક. ફિલ્મની સશક્ત કથામાં રાધા-કૃષ્ણ-મીરાના પ્રેમનું સાતત્ય સફળતાથી ઝીલાયું છે. ભલે આ ફિલ્મને ઍવોર્ડ નથી મળ્યા પણ પ્રેક્ષકોના હૃદયમાં આ ફિલ્મ આજે પણ વસે છે.

નિર્માતા : તારાચંદ બરજાત્યા - રાજશ્રી પ્રોડકશન

કલાકાર : સચીન-સારીકા-ઉર્મિલા ભટ્ટ-મદન પુરી-પદમા ખન્ના-આગા-ધુમાલ-સુંદર-મનહર દેસાઇ-વી. ગોપલ-મહેમુદ જુનીયર-લીલા મીશ્રા અને અન્ય.

કથા-પટકથા : મધુસુદન કાલેલકર-શરદ પિલગાંવકર

સંવાદ : વજેન્દ્ર ગૌડ

ગીત-સંગીત : રવિન્દ્ર જૈન

ગાયક : રફી-આશા-આરતી મુખર્જી-હેમલતા-ચેતન-જશપાલ સીંઘ

ફોટોગ્રાફી : અનિલ મિત્રા

કલા : કાર્તિક બોઝ

ઍડીટીંગ : મુખ્તાર અહેમદ

ડિરેકટર : હિરેન નાગ

શ્યામ(સચીન) એક ભલો-ભોળો અનાથ યુવાન છે. એ જીપ્સી જેવો છે. એને કોઇ ઘરબાર નથી. એ કુદરતને ખોળે અત્ર-તત્ર-સર્વત્ર ભટકતો રહે છે. આ રઝળપાટમાં એને જે સારું લાગે તે ગ્રહી લેતો હોય છે. શ્યામ સુંદર ગાય છે, વાંસળી વગાડે છે. માનવતા એનો સદ્‌ગુણ છે. એ જગતમાં બધાને ચાહે છે, પછી માણસ હોય કે નિસર્ગ. એ રખડતો ગીતો ગાતો : ગીત ગાતા ચલ ઓ સાથી.... એક ગામડામાં જઇ પહોંચે છે. ત્યાં નવટંકીનો ખેલ ચાલતો હોય છે. નાયિકા ગાય છે : મોહે છોટા મીલા ભરથાર... નાયક ક્યુ ચૂકી જતાં શ્યામ પોતાના આધ્યાત્મિક વિચારો પંક્તિઓમાં ઢાળી એ ગીત પૂરું કરે છે. નાયિકા ચંપા (પદમા ખન્ના) એના પર ખુશ થઇ જાય છે. એ શરાબ પીતાં પીતાં શ્યામ સાથે વાતે વળગે છે. શ્યામ એને દીદી કહી સંબોધે છે, અને નાયિકા ગદ્‌ગદ્‌ થઇ જઇ શ્યામનો ભાઇ તરીકે સ્વીકાર કરે છે. શ્યામને કારણે નાયકની નોકરી જવાની તૈયારીમાં છે. શ્યામ આ જાણતાં ત્યાંથી ચાલ્યો જાય છે.

નિસર્ગને ખોળે ગીત ગાતો શ્યામ એક મેળામાં પહોંચે છે. મેળામાં ફૂલપુરના જમીનદાર દુર્ગાપ્રસાદની જીદ્દી, માથે ચઢાવેલી પુત્રી રાધા(સારીકા) આવી હોય છે. શ્યામ એની સાથે ટકરાય છે. મેળામાં એક આંખલો ભૂરાટો થઇ બધા પર હુમલો કરે છે. શ્યામ એક મહિલાને એનાથી બચાવે છે. એ મહિલા ફૂલપુરના જમીનદારની પત્ની ગંગા છે, અને એ રાધાની મા છે. ગંગા શ્યામને ઉતારે લઇ આવે છે. ગંગા જમીનદારને કહે છે કે આ ભલા-ભોળા અનાથ શ્યામને આપણે અપનાવી લઇએ. જમીનદાર માની જાય છે. શ્યામ એમની સાથે ગાતો ગાતો જાય છે : ધરતી મેરી માતા, પિતા આસમાન....

જમીનદારના ગામમાં શ્યામની મુલાકાત ગરીબ એવી મીરા સાથે થાય છે. એ મીરા સાથે એના ઘરે જાય છે. જમીનદારના ઘરમાં અનુભવની ખાણ જેવી રાધાને ફોઇ (લીલા મીશ્રા) છે. રાધા શ્યામને હેરાન કરીને ઘરમાંથી કાઢવાના નિષ્ફળ પેંતરા કરતી રહે છે. શ્યામ ઘરના મંદિરમાં ફોઇ પાસે રામાયણની ચોપાઇઓ ગાઇને બધાના મન જીતી લે છે. રાધા થોડી કૂણી પડે છે. રાધા શ્યામની ઓળખાણ મીરા સાથે કરાવવા જાય છે ત્યારે એને ખબર પડે છે કે બન્ને એકમેકને જાણે છે. રાધા ધખી જાય છે. એને મીરા પ્રત્યે દ્વેષભાવ પેદા થાય છે. જમીનદાર પાસે શતરંજ રમવા આવેલા કર્નલ સોહનસીંઘ (મદન પુરી) શ્યામની વાંસળીના સૂરોથી મંત્રમુગ્ધ થઇ જાય છે. કર્નલના કહેવાથી જમીનદાર શ્યામને ભણાવવાનો પ્રબંધ કરે છે. શિક્ષક નારાયણદાસ ડરતા ડરતા આવે છે. એમને એમ છે કે રાધાને ભણાવવાની છે. રાધાએ એના ભણતર દરમિયાન એ શિક્ષકને ખૂબ જ પજવ્યા હતા. શ્યામને ભણાવવા શિક્ષક તૈયાર થાય છે. પાટી પર ૐ લખીને શિક્ષણનો પ્રારંભ થાય છે. રાધાને ગમતું નથી એટલે એ શિક્ષક અને શ્યામને હેરાન કર્યા કરે છે. મીરા શ્યામ માટે અથાણું લાવે છે એ પણ રાધા શ્યામને નથી પહોંચવા દેતી.

શિક્ષણ દરમિયાન ખલેલ પાડતી રાધા પર શ્યામ ગુસ્સે થાય છે. રાધા માફી માગી એને મનાવવાના પ્રયત્નો કરે છે. શ્યામ ઘર છોડી જવાનું કહેતાં ગીન્નાય છે. સવારે નદીમાં નહાતા શ્યામના વસ્ત્રો રાધા લઇને ઝાડ પર ચઢી જાય છે. વસ્ત્રો પાછા આપવા શરતો મૂકીને શ્યામને મનાવે છે. રાધા ફરી શિક્ષણમાં ખલેલ પહોંચાડે છે. રાધા એને વાંસળી વગાડવાનું કહેતાં શ્યામ ઇન્કાર કરી ચાલ્યો જાય છે. શ્યામ મીરાં પાસે જઇ વાંસળીના સૂરો છેડે છે. રાધા ગુસ્સામાં આવી વાંસળી તોડી નાખે છે. શ્યામ ખિન્ન થઇ જાય છે. એ રાતે મંદિરમાં મીરાં ગીત ગાય છે : શ્યામ તેરે બંસી પૂકારે રાધા નામ.... શ્યામ ગીતમાં મીરાને સથવારો આપે છે. રાધા વ્યથિત થઇ જાય છે. એને પશ્ચાતાપ થાય છે. એ રડતાં રડતાં મીરાને ગળે લગાડે છે.

એક દિવસ કર્નલ રાજી થતો ઘરે આવે છે. એના પુત્રનો પત્ર છે. પુત્ર એના જન્મદિવસે આવી નહીં શકે એમ લખ્યું છે. કર્નલ પુત્રની ગેરહાજરીમાં એનો જન્મ દિવસ મનાવીને ગાય છે : બચપન હર ગમ સે બેગાના હોતા હૈ..... ઘરે પાછા વળતાં શ્યામ કર્નલના પુત્રના બારામાં પૂછપરછ કરે છે. એને જાણવા મળે છે કે કર્નલનો પુત્ર તો વર્ષો પહેલા લડાઇમાં શહીદ થઇ ગયો હતો. પણ કર્નલ એની જીંદગીમાં પુત્રનો જન્મદિવસ ઉજવીને એનો શોક ઢાંકી રાખતો હતો.

રાધાના સગપણની વાત મોતીપુરના જમીનદારના પુત્ર સાથે ચાલે છે. રાધાને જોવા આવનાર મુરતીયા લાલપાલસીંઘ અને એના મામાને રાધા યુક્તિથી પાછા મોકલી દે છે. એક દિવસ કર્નલની નજરે રાધા અને શ્યામની નિકટતા પર પડે છે. અનુભવી કર્નલ પ્રેમના આરંભને પારખી જાય છે. એ જમીનદાર પાસે રાધા અને શ્યામના લગ્નની વાત કરે છે. ફોઇ એનો વિરોધ કરે છે. કારણ કે શ્યામના ગોત્ર અને કુટુંબની કોઇને જાણ નથી. કર્નલ શ્યામને ખોળે લઇ પોતાનું નામ અને ગોત્ર આપવાની વાત કહી ફોઇને મનાવી લે છે. ફોઇ રાધાને શ્યામ સાથે થનારા લગ્નની વાત કરે છે. રાધામાં માનસિક પરિવર્તન આવે છે. એ આનંદમાં ગાય છે : મૈં વહી, દર્પણ વહી, ન જાને યે ક્યા હો ગયા કી સબ કુછ લાગે નયા નયા....

એક દિવસ નદી કિનારે બેઠા શ્યામને લાગે છે કે નિસર્ગ એને પોકારે છે. એ નિસર્ગના ખોળે ચાલ્યા જવાનું વિચારે છે. એ આ વાત રાધાને કહે છે. રાધા એને જતાં રોકે છે. શ્યામને નવી વાંસળી ભેટ આપે છે. રાધા એને શ્યામ કહીને બોલાવવાને બદલે ‘એ’ કહી સંબોધે છે. રાધામાં ફરક આવતો જાય છે. મીરાં પણ લગ્ન કરી અન્ય ગામે એના સાસરે જાય છે. જમીનદાર પોતાની જમીન અને મીલકત શ્યામને બતાવે છે. ભવિષ્યમાં આ બધું એને સંભાળવાની જવાબદારી શ્યામને સોંપે છે. શ્યામ જમીનદારની કચેરીમાં જાય છે ત્યારે મુનીમ એને ‘છોટે માલિક’ તરીકે સંબોધે છે. શ્યામને નવાઇ લાગે છે. મુનીમજી શ્યામને કહે છે કે એના અને રાધાના લગ્ન થવાના છે. એ લગ્ન-સંસારના બંધનમાં બંધાવાનો છે. પોતાના લગ્નની વાત મુનીમને મોઢે સાંભળી શ્યામ અસ્વસ્થ થઇ જાય છે.

ઘરમાં એક સોનેરી પીંજરામાં પોપટ પુરાયેલો છે. શ્યામ રાધાને પોપટ મુકત કરવા કહે છે. રાધા માનતી નથી. શ્યામને જમીનદારનું ઘર પણ એક સોનેરી પીંજરા જેવું લાગવા માંડે છે. એની અંદરનો જીપ્સી જાગી જાય છે. ઘરમાં લગ્નની તૈયારી થતી હોય છે ત્યારે શ્યામ ઘર છોડી નિસર્ગને ખોળે જવા નીકળી પડે છે. શ્યામ ન મળતાં ઘરમાં બધાને ચિંતા થાય છે, શ્યામની નિષ્ફળ શોધખોળ થાય છે. રાધા આઘાતમાં બેહોશ થઇ ઢળી પડે છે. ચાર દિવસ વિત્યા પણ રાધા ખાધા-પીધા વિના શ્યામની પ્રતિક્ષા કરે છે. કર્નલ રાધાને સમજાવતાં કહે છે : બેટી, મૈં તુમ્હારે દુઃખ કો અચ્છી તરહ સમજ સકતા હું. યે સંસાર હૈ. યહાં હરેક કો કોઇ ન કોઇ દુઃખ હૈ. લેકિન સચ્ચા ઇન્સાન વહી હૈ, જો અપને દુઃખ કો દબા લે, ઔર દુસરોં કો સુખી રખને કી કોશીષ કરે. કર્નલ શ્યામને પાછો લાવવાનું વચન રાધાને આપે છે.

વગડાની વાટે શ્યામને નવટંકીના માણસો મળે છે, ચંપા દીદી મળે છે. શ્યામ એમના ભેગો ચાલી નીકળે છે. નવટંકીના રીહર્સલ દરમિયાન ગોપીઓ અને કૃષ્ણના સંવાદો સાંભળતાં એને રાધા યાદ આવે છે. ઉદાસ રાધા નદી કિનારે ગાય છે : કર ગયા કાન્હા મિલન કા વાદા..... રાધા સોનેરી પીંજરામાંથી પોપટને મુકત કરે છે. નવટંકી સાથે ભમતો શ્યામ એક દિવસ મીરાને ગામ પહોંચે છે. ત્યાં મંદિરમાં એને મીરા મળે છે. શ્યામના વર્તાવથી ખિન્ન મીરા એને કહે છે : મૈં જે બ્યાહ કા મંડપ સજતે દેખા, ફીર મંડપ ઉજડતે દેખા. તુમ્હે બ્યાહ નહીં કરના થા તો પહલે હી ના ક્યોં નહીં કર દી. ઇસ લીએ કી તુમ્હારા નામ શ્યામ હૈ. તુમ્હારા અધિકાર હૈ રાધા કો દુઃખ પહોંચાના ? શ્યામ : મીરા ! મીરા : તુમ પથ્થરદિલ હો શ્યામ. મીરા સંભળાવીને ચાલી જાય છે

મીરાના ટોણાથી શ્યામનું મન ભરાઇ આવતાં એ ઉદાસ થઇ જાય છે. જમતી વખતે ભર્યેભાણે ઊઠી જાય છે. ચંપા એને સમજાવીને બહેન હોવાને નાતે ઉદાસીનું કારણ પૂછે છે. શ્યામ એની વાત ચંપાને કહે છે. ચંપા એને રાધા સાથેના સંબંધની વાતો ઊંડાણથી પૂછે છે. ચંપા એને ‘નિર્મોહી’ કહી મહેણું મારે છે. શ્યામ કહે છે કે એ બંધનોમાં રહેવા નથી ઇચ્છતો. ચંપા એને સમજાવતાં કહે છે : બંધન ! અરે પગલે, જીસે તું બંધન કહેતા હૈ, સ્નેહ, મોહ ઔર મમતા કે ઇસ બંધન મેં તો ઇન્સાન ક્યા ભગવાન ભી બંધ જાતા હૈ રે. ઔર ઇસી બંધન મેં બંધ કર પતિ-પત્ની અપના છોટા સા, સુંદર સા સંસાર બસાતે હૈ. જીસસે યે વિશાલ સંસાર ચલતા હૈ. ચંપા શ્યામને ઠપકો આપે છે. રાધાની પીડા સમજવાનું કહે છે.

અહીં રાધા એની સેંથીમાં શ્યામના નામનું સિંદૂર પૂરે છે. માતા એને શ્યામને ભૂલી અન્યત્ર લગ્ન કરવાની વાત કરે છે. રાધા કહે છે કે એણે શ્યામને પતિ માન્યો છે અને સાત જન્મ સુધી એની વાટ જોશે. અહીં નવટંકીના ખેલમાં નૃત્યગીત રજુ થાય છે. રાધાની ભૂમિકા ભજવતી ચંપા ગાય છે : શ્યામ અભિમાની ઓ શ્યામ અભિમાની..... કૃષ્ણનું પાત્ર ભજવતા શ્યામને રાધા સાથેના પ્રસંગો આંખ સામે આવે છે. એ ભૂતકાળમાં ખોવાઇ જાય છે. એના મનને ચોટ પહોંચે છે. ખેલ પૂરો થતાં એ નવટંકી છોડીને જતો હોય છે. નવટંકીનો માલિક એને અટકાવે છે. ચંપા વચ્ચે પડી શ્યામને મુક્ત કરાવી વિદાય આપે છે. શ્યામ ફૂલપૂર જવા નીકળી પડે છે. રસ્તામાં એ કૃષ્ણનો વેશ ઉતારતો ઉતારતો જાય છે. ફૂલપૂર પહોંચતાં એ પોકારે છે. રાધા...રાધા...

રાધાના કાને શ્યામનો પોકાર પડતાં એ ઘર છોડી નીકળી પડે છે. રાધા દોડતી દોડતી આવીને શ્યામના બાહુમાં સમાઇ જાય છે. રાધા-શ્યામ બન્ને એક થઇ જાય છે.

ગીત-સંગીત : એ સમયના દિગ્ગજ સંગીતકારો વચ્ચેથી ચીલો ચાતરીને રવિન્દ્ર જૈને સફળ કર્ણપ્રિય સંગીત આપ્યું છે. ગીતો પણ એમના જ છે. ગીતો કથા સાથે સંગત કરતા રહે છે. ફિલ્મનો નાયક વાંસળી વગાડવામાં કુશળ છે એટલે વાંસળી વાદનના કેટલાયે પીસ અપાયા છે. આ ઉપરાંત એક ગીતને બાદ કરતાં બધા જ ગીતોમાં વાંસળીનું પ્રાધાન્ય છે.

* ગીત ગાતા ચલ ઓ સાથી મુસ્કુરાતા ચલ (જશપાલ સીંઘ-કોરસ) : નિસર્ગના સાનિધ્યમાં ફિલ્માવાયેલું આ ટાઇટલ ગીત ફિલ્મના ટાઇટલો સાથે જ ચાલતું રહે છે અને કેટલાક દૃશ્યોમાં પણ એની પંક્તિઓ ગવાય છે. આ ગીત અને દૃશ્યો ફિલ્મનો કુદરતી માહોલ ઊભો કરે છે. સીતાર અને વાંસળી આ ગીતને નિખારે છે. આ ગીતમાં જળનો મહિમા દર્શાવાયો છે : ચાંદી સા ચમકતા યે નદીયા કા પાની, પાની કી હર એક બુંદ દેતી જીંદગાની./અંબર સે બરસે ઝમીં સે મીલે, નીર કે બીના તો ભૈયા કામ ના ચલે. ઓ મેઘા રે... જલ જો ન હોતા, તો યે જગ જાતા ‘જલ.’ અહીં જલ શબ્દનો શ્લેષ સુંદર રીતે કરાયો છે. નાવિકોનું હૈયા હો રે.... કર્ણમધુર લાગે છે.

* મોહે છોટા મીલા ભરથાર, જવાની કૈસે ક્ટે (જશપાલ સીંઘ-હેમલતા-ચેતન) : નવટંકીના સ્ટેજ પર આ ગીત ગવાયું છે. આ તોફાની ગીતના ઉત્તરાર્ધમાં આધ્યાત્મિકતા સભર પંક્તિઓ ગીતનો માહોલ જ બદલી દે છે. પંક્તિઓ છે : કીસ જોબન કા માન કરો તુમ, વો તો હૈ બહેતા પાની./ભાગી જાયે હાથ ન આયે, સો સો બરસોં કી જીંદગાની./અપને હી હાલ પે જો રોતા હૈ, ઉસ પર મુઝકો દુઃખ હોતા હૈ./ઔરોં કી ખાતીર જી કર દેખો, કીતના સચ્ચા સુખ હોતા હૈ.

* ધરતી મેરી માતા, પિતા આસમાન (જશપાલ સીંઘ-કોરસ) : નિસર્ગના ગુણો ગાતું આ ગીત, સુંદર રીતે ફિલ્માવાયું છે.

* મંગલ ભવન અમંગલ હારી (જશપાલ સીંઘ-કોરસ) : રામાયણની ચોપાઇઓ મનમાં પવિત્ર ભાવ જાગી જાય એવા સૂરોમાં ગવાઇ છે. ચોપાઇઓના ફિલ્માંકનમાં મંદિરની દિવાલો પર કૃષ્ણલીલાના પીછવાઇ જેવા પેઇન્ટીંગ્સ છે.

* શ્યામ તેરે બંસી પુકારે રાધા નામ, લોગ કરે મીરાં કો ક્યોં બદનામ (જશપાલ સીંઘ-આરતી મુખર્જી) : આ ગીતમાં મીરાંની વ્યથા પ્રતિકાત્મક રીતે કહેવાઇ છે. જો કે ફિલ્મમાં પણ શ્યામને પ્રેમ કરતા પાત્રો રાધા અને મીરા જ છે. શ્યામ કહે છે : સાંવરે કી બંસી કો બજને સે કામ, રાધા કા ભી શ્યામ વો તો મીરા કા ભી શ્યામ. ગીતની અન્ય પંક્તિ છે : કૌન જાને બાંસુરીયા કીસકો બુલાયે, જીસ કે મન ભાયે યે ઉસી કે ગુન ગાયે./કૌન નહીં બંસી કી ધુન કા ગુલામ, રાધા કા ભી શ્યામ વો તો મીરા કા ભી શ્યામ.

* બચપન હર ગમ સે બેગાના હોતા હૈ (કિશોર કુમાર) : જન્મદિવસ પર ગવાતા આ ગીતમાં શૈશવનો મહિમા કરાયો છે.

* મેં વહી દરપન વહી, ન જાને યે ક્યા હો ગયા. કી સબ કુછ લાગે નયા નયા (આરતી મુખર્જી) : જ્યારે મુગ્ધ-ચંચળ કન્યાનું સ્ત્રીમાં માનસિક પરાવર્તન થાય ત્યારે એના મનની શી દશા હોય એનું વર્ણન આ ગીતમાં છે.

* કર ગયા કાન્હા મિલન કા વારા : (આરતી મુખર્જી) : પ્રિયતમ-વછોઇ નારીના હૃદયની વેદના અહીં છલકે છે. આ ગીતમાં મીરાના શબ્દો વણાયા છે : નિસ દિન બરસત નૈન હમારે.....

* શ્યામ અભિમાની ઓ શ્યામ અભિમાની (રફી-આશા-કોરસ) : નવટંકીમાં પેશ થતું આ નૃત્યગીત છે.

સમય અને અન્ય વાતો : એ સમયે ઘી એક રૂપિયાનું પા કીલો હતું. ઘઉં રૂપિયાના ૮ શેર, સાકર આઠ આને શેર હતા. છતાં પણ આ મોંઘવારી પ્રજાને કનડતી હતી. નવટંકીના હીરોનો પગાર દસ રૂપિયા હતો. એક્ રૂપિયામાં પોપટ અને પાંચ રૂપિયામાં સુંદર પિંજરું મળતું. ખંજવાળના ઇલાજ તરીકે ગાયના છાણનો લેપ કરાતો. શિક્ષણની શરૂઆત ૐ ઘૂંટીને કરાતી. જમ્યા પહેલા અન્ન-દેવતાને જળની અંજલિ અપાતી. લખવા પાટી અને પેન ઉપરાંત કલમ અને ખડિયો હતા. સવારના સમયે કોઇ ઘરમાંથી બહાર જતું હોય તો ક્યાં જાઓ છો પૂછવું અપશુકન ગણાતું.

ડિરેકશન અને અન્ય બાબતો : બિરેન નાગનું ડિરેકશન ફિલ્મનું અગત્યનું પાસું છે. ફિલ્મ રાધા-કૃષ્ણ-મીરાના પાત્રો પર આધારીત હોવાથી પ્રસંગો પણ કૃષ્ણલીલા જેવા રખાયા છે. માત્ર એક દૃશ્યમાં નદીમાં ન્હાતા શ્યામના વસ્ત્રો રાધા ચોરી લે છે. પાત્રોના નામ ધાર્મિક છે. જેવા કે : શ્યામ-રાધા-મીરા-ગંગા-દુર્ગાપ્રસાદ વગેરે. આ નામને લીધે ફિલ્મની કથા પહેલેથી જ સમજાઇ જાય છે. અહીં વાંસળીનો મહિમા પણ સુંદર રીતે પેશ થયો છે. પોપટના પિંજરાનો પ્રતિકાત્મક પ્રસંગ પણ ભાવવાહી છે. સોનાનું પણ પિંજરું તે પિંજરું. અહીં એક વાત કઠે છે. ડિરેકટરો માદળીયા અને તાવીજનો ફરક નથી સમજતા. હિંદુ પાત્રને માદળીયું પહેરાવે દે છે. લાગે છે કે એમને પાત્રના ગળામાં કોઇ પણ ધાર્મિક લટકણીયું પહેરાવી દેવું સહજ છે. બે વચ્ચેનો ભેદ જાણવાની પરવા નથી. ઘણી ફિલ્મોમાં આ ભૂલ જોવા મળે છે. કર્નલના મૃત પુત્રના જન્મ દિવસની ઉજવણી હૃદય ઝણઝણાવી દે એવી છે. ફિલ્મમાં જ્યાં શક્ય હોય ત્યાં પ્રતિકો દ્વારા ઘણું કહેવાયું છે.

લગભગ અડધી ફિલ્મ આઉટડોર હોવાથી કુદરતની નયનરમ્ય ફોટોગ્રાફી સુંદર રીતે કંડારાઇ છે. કમ્પોઝીશન પણ સુંદર છે. ફિલ્મનું ઍડીટીંગ પણ ચુસ્ત છે. ગામડાનો માહોલ હોવાથી સંવાદોની ભાષાને પણ ગામઠી ઓપ અપાયો છે. જમીનદારની હવેલીનો સેટ ભવ્ય છે. (કદાચ સાચું મહાલય પણ હોય).

અભિનયમાં સચીન અને સારીકા મેદાન મારી જાય છે. સચીનને ભાગે તો મોટાભાગે ભોળપણની ભૂમિકા ભજવવાની આવી છે. સારીકાને ભાગે અલ્લડ-જીદ્દી છોકરી અને ગંભીર સ્ત્રીની ભૂમિકા આવે છે. સારીકા બન્ને સારી રીતે નભાવી જાય છે. મદનપુરીને અન્ય ફિલ્મોમાં સદા ખલનાયકનો રોલ મળતો રહેતો. અહીં એ હૃદયશાળી, હસમુખા કર્નલની ભૂમિકા સુંદર રીતે પેશ કરે છે. લીલા મીશ્રાના સંવાદો સાંભળતાં શોલેની બસંતી યાદ આવી જાય છે.

નાના અદાકારો અને નાના બજેટમાં બનેલી આ ફિલ્મે જબ્બર ધંધો કર્યો. એનું કારણ હતું પાત્રોથી માંડીને સમગ્ર વાતાવરણ તાજગીભર્યું હતું. અહીં નાયક-નાયિકાના પ્રેમના વેવલાવેડા નથી. ભલે બન્ને પાત્રો પુખ્ત નથી છતાં પ્રેમનું ઊંડાણ સર્જી શક્યા છે. જરા અલગ પડતું સંગીત પણ સફળતાનો અંશ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રેક્ષકો શું સ્વીકારશે એ નિર્માતાને જાણ છે. આજ સુધી રાજશ્રીની દરેક ફિલ્મો સફળ રહી છે.

-કિશોર શાહ kishorshah9999@gmail.com