તજજ્ઞ - 2 Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તજજ્ઞ - 2

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : તજજ્ઞ - 2

શબ્દો : 1213

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

તજજ્ઞ - 2

"
બે પદ એટલે સમીકરણ, પણ તને તો પદ માંડતાં જ બરાબર નથી ફાવતું, તયાં સમીકરણ સુધી કઈ રીતે પહોચાય?"


"તમે સાદી ભાષામાં ધીરજપૂર્વક સમજાવશો તો જરૂર ફાવશે."


"જો ફરી રિપીટ કરું છું. એક વત્તા એક બરાબર બે વ્યાખ્યા સર્સવામાન્ય છે, બરાબર?"

"
હા..."


"તો હવે નવી વ્યાખયા સમજાવું."


"હં."


"એક વત્તા એક બરાબર એક."

"
પણ આ તો તદ્દન ખોટું જ છે, એ બને જ નહિ, એ બને જ કઈ રીતે? "


"જે રીતે એક વત્તા એક બરાબર ત્રણ થાય તે રીતે."


"આ બધું મારી સમજ બહારનું છે. મારે આવું અટપટું ગણિત નથી શીખવું."


"તું એમ નિરાશ થઈશ તો આગળ કઈ રીતે વધી શકીશ?"


"તમે આ બધું જે કહો છો તેમાં મારું મગજ બહેર મારી જાય છે."

"
મગજ ચકરી ખાય જાય, બુધ્ધિ બહેર મારી જાય, મગજનું દહીં બની જાય ."


"લાગે છે કે મને ગણિત નહી જ ફાવે."


"ગણિત તો અમને પુરુષોને જ વધારે ફાવે."


"કારણ?"

"
કારણ કે આંદોલનકાળની વ્યાખ્યા તેની ઘરેડમાં જ હોય છે. પદ, છેદ, આંક, અવયવ, સમીકરણ, ત્રિજયા, બિંદુ ને પરિધ વગેરેનો તેને મહાવરો હોય છે. ઘડિયાળના ગોળ ડાયલ જેવા પરિધોમાં અટવાવું તેને ગમે છે."


"સ્ત્રીઓ પણ ધારે તો કોઈપણ વિષયમાં તજજ્ઞ થઇ શકે ખરી."

"
ભાષાકીય તજજ્ઞ અને પ્રાયોગિક તજજ્ઞમાં ઘણો તફાવત છે."


"હું સમજી નહી."

"
હિન્દુસ્તાનમાં જન્મેલી ને હિન્દુસ્તાનની માટીમાં ઊછરેલી સ્ત્રીઓમાંથી ભાગ્યે જ કોઈક સ્ત્રી આંકડાઓમાં પાવરધી બની શકે."


"આ પૂર્વગ્રહ છે."


"પૂર્વગ્રહ નહી, હકીકત છે."


"આવું શા પરથી કહેવું પડયું?"


"ભારતીય સ્ત્રીઓને એક જ આંક ફાવે છે. તેમની આંકડાઓની પારાશીશી એકના આંકમાં જ સમાવિષ્ટ થઈ પૂર્ણ થાય છે."


"તમે પણ અહીના જ છો એ કેમ ભૂલો છો?"


"પણ હું સ્ત્રી નથી."


" તમે સ્ત્રી જાતિનું અપમાન કરી રહ્યા છો."

"
એ માટે પતિવ્રતા ને ભદ્ર સ્ત્રીઓ માટેના મારા અવલોકનો જવાબદાર છે."


"આખર તમે ઇરછો છો શું?"


"એ કંઈ સમજાવવાની વસ્તુ છે."

"
આંકડાઓ જો પુરુષોને જ ફાવે છે એમ માનતા હો તો જરૂર માનો અને ખુશ રહો. અમને અમારા ગણિતમાં જીવવા દો."


" તમે લોકો આંક માંડતા જ ગભરાવ છો."

"
એ અમારી મર્યાદા છે અને તેથી જ તમે સૌ ઊજળા છો."


" એનું આટલું બધું અભિમાન?"


" આવડત હોવા છતાં અણઆવડતનો દેખાવ કરી અળગા રહીએ એમાં જ સૌની ભલાઈ છે."


"તમને બંધિયારપણું સદી ગયું છે."


" નદી ફકત સમુદ્રને જ મળે, નાળાં, તળાવ કે ખાબોચિયું એને ન ખપે. ખારો છતાં સમુદ્ર જ નદીને ગમે છે અને તેથી જ તેમાં ભળી ને પોતાનું વહેવું તે સાર્થક સમજે છે."


" તો પછી અહી શા માટે આવી?"


"ગાણિતિક ભાષા શીખવા."


" કદાચ તને નહિ જ ફાવે. કારણ એકલી થિયરીથી એકસરસાઈઝ આગળ ન વધે."


" મારે ફવડાવવું પણ નથી. આખર તમે મને સમજો છો શું?"


" એક પદ માત્ર."


" મને છેદમાં રસ નથી."


" મને અવયવો ગમે છે."


" મારે સમીકરણ કરવું નથી."


" હું તો આજ દિવસ સુધી આંકડાઓમાં જ અટવાયા કર્યો છું."


" એ સિવાય તમને બીજું આવડે છે પણ શું?"


"તારે જાણવું છે?"


"તમારી આવડત જાણીને મારે શું કામ?"


"કદાચ સમીકરણ ઊકલી પણ જાય."


"મારે કંઇ ઉકેલવું નથી. હું કંઇ ઉકેલવા માગતી પણ નથી."


"આટલો બધો રોષ?"


"તમારી વ્યાખ્યાઓ અને વ્યવહારો પર."


"એ વ્યાખ્યા ખોટી છે ખરી?"

"
હું ભાષામાં અટવાવા નથી માગતો"


"માત્ર તમારા આંકડાઓમાં અટવાયા કરો."


" માટે તો પદ માંડવાનુંકહું છું"


"મારા પરિધની બહાર વિસ્તરવું મને નથી ગમતું."


"એ તો સમય જ કહેશે."


"સમય પણ આંકડાઓનો જ બનેલો છે અને પોતાના પિરધની અંદર જ ગોળ ગોળ ફરી અંતે લક્ષ્યબિંદુપર આવી અટકવું એમાં જ તેની મર્યાદા છે."


" મને ઘડિયાળનું ડાયલ કયારેય ગમ્યું જ નથી. મને તો ગમે છે માત્ર તેની અંદર ફરતાં કાંટા જે અવિરત ફર્યા જ કરે છે અને બીજું ગમે છે લોલક."


" તો તમે ફર્યા કરો, મે કયાં કયારેય તમને રોકયા જ છે.?"


" રોકતી તો નથી, પણ હું આગળે ય કયાં વધી શકું છું?"


"તમે તો સતત ચાલો જ છો, પછી આગળ વધવાની વાત જ કયાં આવી?"

"
ચાલતો નથી, ડાયલ પર ફરતા કાંટાની જેમ દીવાલોની અંદર આંટા મારું છું"


"અર્થ તો એક જ ને?"

"
ના... ... "

"... ... ..."

"
અરે... અરે..."


"તને ગણિત શીખવાડું."


"પહેલાં દૂર ખસો...ને લો આ નોટ ને પેન."

"
મારે તેની જ..... જ નથી."

"
પણ... મારે કાલે..."


"જો ઝંઝા! પરીક્ષા તો જીવનમાં ડગલે ને પગલે થયા જ કરતી હોય છે."


"પણ હું તેમાં નાપાસ થઈશ તો?"

"
કયારેક નાપાસ પણ થવાય, પણ તેથી નિરાશ ન થવાય. વારંવાર પયત્ન કરવાથી સફળતા મળે જ."

" ... ... ... "

"
તમે વ્યવસ્થિત બેસો નહિતર... ..."

"
ચાલતો હતો તે તને ન ગમ્યું, હવે બેઠો છું એ પણ તને નથી ગમતું?"


"ના... પણ હું જ અહીથી ખસી જઈશ."


"પહેલાં તને ગણિત શીખાવાડું."


"મારે નથી શીખવું તમારું એક પણ ગણિત."


"તું બહુ સંસ્કારી છે."

"તમે અસભ્ય છો, નિર્લજજ છો."


"દરેક સંસ્કારની પાછળ કંઇક અસભ્યતા છુપાયેલી જ હોય છે."


"એ તો મને ખ્યાલ આવતો જાય છે. અને માટે જ હવે હું જઇશ."


"ના...ના...ન જઈશ, ઝંઝા... ન જઇશ."


"લોકો તમને બહુ જ સંસ્કારી માને છે."


" પ્રતિષ્ઠા જાળવીને કામ કરવાની હવે મને આદત પડી ગઇ છે."


"હવે હું તો જઈશ જ."

"
પછી મારા આંકડાનું શું ? હું મારું ગણિત કોને શીખવીશ?"


"મારે નથી શીખવું."


"પણ શા માટે?"


"બસ... એમ જ."


"શીખ્યા પછી ટેવાઈ જઈશ."


"મને માત્ર માણસ જ ગમે છે, તેની વ્યાખ્યાઓ કે ઉચ્છ્રંખલતા નહી."

"
દરેક માણસ કયારેક તો માણસ મટી જ જતો હોય છે અને એમ ન થતું હોય તો આ વિશાળ ધરતી પર સંપૂર્ણપણે ફકત શાંતિનું જ સામાજય હોત, ન કાદવ હોત, ન કીચડ હોત,ન ફલો હોત, ન કાંટા હોત, ન સભ્યતા હોત, ન સંસ્કાર હોત- જો માણસ માત્ર માણસ જ રહેતો હોત તો."


"મારે હવે વધારે કંઈ જ સાંભળવું નથી. મારે જવું જ જોઇએ. ...અને તે પણ તમને માત્ર માણસ જ જોઇને."


"મારા મનમાં ઝંઝાવાત ભરીને તું નહી જઈ શકે. હું નહી જવા દઉ તને."


"સમય જતાં તોફાન આપો આપ શમી જતાં હોય છે."


"મને તોફાનમાં અટવાવું ગમે છે. અને હવે તો એક પ્રકારની આદત પડી ગઈ છે."


"મને શાંતિ સિવાય બીજું કંઈ જ ગમતું નથી. મર્યાદિતતા મારી નસેનસમાં વહે છે."


"તારા સમીકરણોનું શું?"


"તમે જ શીખ્યા કરો."


"બે પદ વગર સમીકરણ ન બને."


"તો ભાગાકાર કરો."


"મને ગુણાકાર જ ગમે છે. વર્તુળોમાં હું અટવાઉ છું ને લંબાઈ મને ગમે છે."


"આકાર જોઈને અટવાઈ જાય એ મૂર્ખ કહેવાય."


"મને એ તખલ્લુસ મંજૂર છે."


" સાહિત્યિક ભાષા ને એય પાછી તમારી જીભે?"


"બંને અંતે તો એક જ ને?"


"એ તમે જાણો, હું તો આ ચાલી."


"તું હજુ યે સમજવા નથી જ માગતી?"


"હું શીખવા આવી હતી, સમજવા નહી."


"સમજયા પછી શીખી જવાય, ટેવાઈ જવાય."


"મારે તમારી ભાષામાં નથી શીખવું."

"
આ મારા જ્ઞાનનું , મારું અપમાન છે."


"અણસમજુને અપમાન કેવું?"


"દીવાલો વચ્ચે ફેલાયેલી આ હવાનું શું?"


"એ પણ શમી જશે."


"બંધિયાર હવા અમુક આગ પ્રજવાળે, ઠારે નહી."


"તમારું જે થવું હોય તે થાય."

"
અવયવ .. છેદ... સમીકરણ..."


"મનના તરંગો મનમાં જ રહેવા દઈ તમારા પરિધની અંદર જ ભમ્યા કરો, તેમાં જ તમારું હિત છે. તમારા માટે, સમાજ માટે, જગત માટે તે જ સારું છે. નવ સુધીના આંક ભલે તમારા પાસે હોય, અંત મારા હાથમાં છે અને કદી પણ નહિ જ છિનવાય."


"મને ગુણાકાર કરવાની તમન્ના છે."

"
હથેળી પર અંગૂઠો મળી પાંચ જ આંગળા હોય, છઠી આંગળી હોય ને તો પણ તે કદરૂપી જ લાગે."


"હું સમજયો નહી."

"
સાહિત્યિક ભાષામાં કહું તો મર્યાદિતતા સંવાદિતતા સજે અને અમર્યાદિતપણું સર્જે કેવળ સર્વનાશ...આવજો..."


"ઊભી રહે, ઝંઝા! ઊભી રહે."

"... ... ... "

"
ઓહ...! તે ચાલી ગઈ, કહો કે દોડી ગઇ અને હું કંઇ જ ન કરી શકયો...હું તેને કેમેય ન જ રોકી શકયો... હું મને પણ કયાં કદી રોકી શકું છું!!!"


સામેની દીવાલ પર ફરતું ઘડિયાળનું લોલક ચાવી ખૂટી જવાથી જ કદાચ અટકી ગયું. આંદોલનકાળની વ્યાખ્યા વાગોળીને ઊધા ત્રિશંકુના ક્ષેત્રફળ માટેના કાટકોણની માફક લટકતો જ ર...... હું... માત્ર હું... હું... હું... કેવળ હું!!!

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843