સાહિત્યીક કૃતિઓનો રસાસ્વાદ કેવી રીતે કરશો ?
હરીશ મહુવાકર
માત્ર છપાયેલા શબ્દોથી કોઇ કૃતિ સર્જાતી નથી. કાગળ તો એક માધ્યમ છે લેખક માટે. વળી છપાયેલા શબ્દો એક અર્થવાળા જ નથી હોતા. તેમાં ઘણું ઊંડું ચિંતન, રહસ્ય છુપાયેલું હોય છે. આથી વાચક એ સમજી શકે તો જ કૃતિનું મહત્વ રહે છે. એથી કોઇ પણ કૃતિને આસ્વાદવા આખરે તો ભાવક જ અગત્યનો બની રહે છે.
કૃતિને આસ્વાદવા ભાવકની જરૂર રહે છે નહિ કે વાચકની. મારા મતે છપાયેલા શબ્દોને ઉપલકીયા નજરે જોઇ લે તે વાચક. જયારે છપાયેલા શબ્દોને ભાવક ગંભીરતાથી લે છે, શબ્દોને મન અને હૃદય સાથે જોડે છે અને એ રીતે પોતાની જાતને સંપૂર્ણપણે કૃતિને સમર્પિત કરી દે છે.
કૃતિનો રસાસ્વાદ માણવા અહીં કેટલીક પ્રાથમિક અગત્યની બાબતોનો અંગુલીનિર્દેશ કરાયો છે. અલબત્ત એ બધી સંપૂર્ણ નથી જ. એ સિવાયની પણ કેટલીક વિધિ-તરાહો છે પરંતુ નીચેની બાબતો કોઇપણને સાનુકૂળ રહેશે.
૧. કૃતિના સ્વરૂપનું જ્ઞાન : -
સાહિત્ય ગદ્ય અને પદ્યમાં રચાતું રહ્યું છે. ભાવકને કોઇપણ કૃતિના સ્વરૂપની જાણકારી અનિવાર્ય છે. વાર્તા કે નવલકથા, સોનેટ કે મહાકાવ્ય અંગેની પૂરતી માહિતી મદદરૂપ થવાથી ભાવકને ઊંડી સમજ મળી રહે છે. અલબત્ત બધાને જે તે સ્વરૂપની ઊંડી સમજ ન હોવા છતાં કૃતિનો આનંદ લઇ શકે એમ બને ખરું. સામાન્ય વાચકોના પક્ષે આવું થાય પરંતુ જેઓ કૃતિનો ખરો આનંદ માણવા ઇચ્છે તેમણે તો આ બાબતે પોતાને સજાગ કરવો રહ્યો. ‘આંતર ચેતનાના પ્રવાહવાળી નવલકથા’ જલ્દીથી કોઇને ન સમજાય કારણ કે તેમાં ઉપયોગમાં લેવાતી પ્રયુક્તિઓ દેખીતી રીતે એક પ્રકારનો ગૂંચવાડો લાગે. કશું મેળ વગરનું લાગે. પરંતુ સર્જક કાંઇ એમ કરવા નથી ઇચ્છતો હોતો. એ તો એની પછવાડે કંઇક સાવ જુદી ભાત રચાતો હોય છે. હવે ભાવકને આવી નવલકથા અંગેનું અજ્ઞાન હોય તો તે ક્યાંથી આસ્વાદ મેળવી શકવાનો ?
૨.લેખકનો અનુભવ ભાવકનો અનુભવ બને : -
લેખક જિંદગીને અનેક રીતે નિહાળતો રહેતો હોય છે. એ વિવિધ રીતે એના સંપર્કમાં આવે છે. એનાથી જીવન પ્રત્યેનો એનો ચોક્કસ અભિગમ બંધાય અને તે કૃતિમાં પડઘાય. કૃતિ રચાઇ ગયા પછી લેખક ભાવક પાસે બધી વખતે બધી બાબતો સમજાવવા ઉપસ્થિત હોતો નથી. આથી ભાવકે કૃતિમાં પ્રતિબિંબિત અનુભવોને – જીવનનાં પ્રતિબિંબોને સમજવા પડે. લેખકે શા માટે ચોક્કસ રીતે તેને વ્યક્ત કર્યા, કઇ રીતે વ્યક્ત કર્યા, સમગ્ર કૃતિના સંદર્ભમાં એનું કેટલું મહત્વ છે એ સમજવું જોઇએ. કારણ કે જે તે અનુભવ તેના માટે ગહન ચિંતન, વિસ્મય કે અનેક લાગણીઓ લાવનાર હોય છે. ભાવકે આ તમામની સાથે સંકળાવું જોઇએ. પોતે પણ એક જીવંત વ્યક્તિ છે એથી કૃતિના પરિવેશને જીવંત કરી એણે અનુભવવો રહ્યો. લેખક જેમ સર્જન કરતી વખતે તેમાં ખૂંપી જાય તેવી રીતે ભાવકે પણ તેમાં ઊંડા ઉતરી, લેખકની સર્જનપ્રક્રિયા જેટલો તેમાં ગોઠવાય શકે તો ભાવક પક્ષે નવી ક્ષિતિજ ઉઘડે. શક્યતાઓ એવી પણ છે કે લેખકના બધાં અનુભવો સ્વીકારી શકાય નહી છતાં જીવનની વિશાળતાને ધ્યાનમાં લેતા એ સ્વીકારવા જોઇએ.
3. અવ્યક્ત કેટલું ? વ્યક્ત કેટલું ? : -
દરેક સાહિત્યીક કૃતિ મહાસાગરમાં તરતી હિમશીલા જેવી છે. બહારથી તે થોડીક દેખાય પણ એનું ગહન સપાટીથી નીચે ઘણું હોય છે. એટલે કે કૃતિ બાહ્ય અને આંતરિક એમ બંને પ્રવાહોવાળી હોય છે. ખરી મજા તો અહીં છે. સામાન્ય કૃતિ સીધી રીતે એટલે કે વાંચીને તરત ગળે ઊતરી જાય તેવી હોય છે. તેમાં કશું ગૂઢ છૂપાયેલું હોતું નથી. જેને સંસ્કૃતમાં ‘દ્રાક્ષાપક’ જેવી કૃતિ કહે છે. અહીં કલાત્મકતા આવતી નથી. નવી ભાત ઉપસતી નથી. રંગીન મેઘધનુષ્ય ન મળે. આ માટે લેખક પોતાની કૃતિના સર્જન વખતે સભાન બનીને પોતાની દૃષ્ટિકોણ ઇત્યાદી પોતાના શબ્દોના માધ્યમ દ્વારા વ્યક્ત કરે ત્યારે તે સાવ છીછરો બની જાય તો કશું મહત્વ રહેતું નથી. આથી તે કૃતિને એવી રીતે રચે કે સપાટી પર આની કશી ગંધ ન આવે પરંતુ ઊંડાણમાં જવાથી આ આખુંય એનું વિશ્વ ભાવક સમક્ષ ઉઘડી આવે અને જે ભાવક આની શોધ કરે અને મેળવવામાં સફળ થાય ત્યારે તે નવા આનંદથી પરિપ્લાવિત થયેલો હોય છે.
૪. અભિવ્યક્તિ : -
આખાય તાજમહલને જોવાની દૃષ્ટિથી એને ગરિમા બક્ષે છે નહીતર એ તો પથ્થરોનું બનેલું માળખું છે. જીવન તોમહાસાગર છે. ઘટનાઓ અનેક પ્રકારની બન્યા કરતી હોય – સામાન્ય કે અસામાન્ય. પરંતુ લેખક તેની અભિવ્યક્તિ કઇ રીતે કરે છે તેના પર સમગ્ર કૃતિનો આધાર છે. અને અહીં સર્જકની કસોટી છે. એમાંથી ઉતારનારો કાલિદાસ, શેક્સપિયર કે ટાગોર બની શકે. રઘુવંશમ કે ઓથેલો એકાદ વખત વાંચી જવાથી લેખકની સર્જનતાનો ખ્યાલ ન આવે, નજરે ન પડે પરંતુ ભાવક જયારે પોતાની ચેતનાને જીવંત બનાવી, વિશાળ આંખો અને ખુલ્લા કાન કૃતિને આપે તો શક્ય છે તે કૃતિને બરાબર સમજે, તેમાં રહેલી વિવિધતા, તાજગી વિગેરેને માણે. સર્જક પોતાની અભિવ્યક્તિ માટે કલ્પન, રૂપક, પ્રતિક, અલંકાર, લય, છંદ જેવા હથિયારો હાથવગા રાખીને ચોક્કસ પ્રકારે તેનો પ્રયોગ કરે છે. એને અનુરૂપ એ ભાષાનું પ્રયોજન કરે છે, માહોલ રચે છે અને પત્રોની પસંદગી પણ કરે છે. આ બાબતોને નજરઅંદાજ કરવી એટલે કોઇપણ સાહિત્ય કૃતિ નળના હાથમાં આવતા માછલા જેવી થાય.
૫. મૂલ્યો :
કૃતિનું ખરું કામ તો આનંદ આપવાનું. અલબત્ત આનંદ આપવો કે બોધ એ બાબતે હંમેશા વિવાદો રહ્યા છે. ‘કલા ખાતર કલા’ કે ‘જીવન ખાતર કલા’ એવા વાદો સમયે-સમયે બદલાતા રહ્યા છે. આમ છતાંય માત્ર આનંદ પૂરતી સીમિત રહે તે કૃતિ નથી. વાંચનના અંતે ભાવક આનંદવિભોર થઇ જાય પરંતુ સાથોસાથ તેની સૂઝ વિસ્તરે, નવો દૃષ્ટિકોણ મળે, જીવનના અનેક પાસાઓને નવી રીતે વિચારતો થઇ જાય એ પણ નવો અનુભવ કહેવાય. સર્જક જીવનને પોતાની દૃષ્ટિથી રજૂ કરે ત્યારે તેમાં ભાવક હંમેશા સહમત હોતો નથી. છતાંય સર્જકે આપેલ મૂલ્યને સ્વીકારવું જોઇએ. અંગ્રેજી નવલકથાકાર ટોમસ હાર્ડા જીવનમાં વધુ પડતી નિરાશા અને કુદરત હંમેશા મનુષ્યને પ્રતિકૂળ સંજોગો આપતો રહે છે એવું મંતવ્ય વ્યક્ત કરે છે. આવી ફિલસૂફી સાથે કોઇ સંમત ન હોય છતાંય તેના પાત્રોની ગરિમા કે તેના સંઘર્ષ પ્રત્યે આપણને અહોભાવ તો જાગે જ. આમ કૃતિ જીવનના વાસ્તવિક મૂલ્યો પ્રત્યે અંગૂલીનિર્દેશ કરે છે. આવા મૂલ્યોના સફળ પ્રયોજનથી અને કૃતિ સંલગ્ન અન્ય બાબતોથી કૃતિનું સાહિત્યીક મૂલ્ય પણ વધી જાય છે. ભાવક આવા મૂલ્યોને સમજે છે ત્યારે તેનો આસ્વાદ કૃતિને ફરીથી વાંચવા આકર્ષી શકે.
૬. તાદાત્મય : -
ભાવકને પોતાના વિવિધ મૂળ, લાગણી, વિચાર, લાક્ષણિકતા હોય છે અને આ બાબતો કૃતિને વાંચવા-પામવા બેસે ત્યારે કૃતિને સ્પર્શે છે. સામાન્ય ભાવક પોતાનું પ્રતિબિંબ મેળવવા કૃતિમાં તપાસ કરશે. આમ થાય ત્યારે તેને કૃતિ વધુ આનંદ આપે એવું બને અને આમ ન થાય તો નિરાશ પણ થાય. પરંતુ પોતાની તટસ્થતા જાળવીને કૃતિના પરિવેશ કે માહોલમાં ઉતરવું એ આવશ્યક ગણાય. કૃતિને પોતાની સાથે સ્પર્શવા દેવી જોઇએ. પાત્રોની ચડતી-પડતી, માન્યતાઓ, સંઘર્ષો પોતાને અડવા દેવાની ભાવકને તૈયારી રાખવી જોઇએ. શરૂઆતથી છેક અંત સુધી ભાવક એમાં ગૂંથાયેલો રહે. એવા ભાવવિશ્વમાં એ રહે ત્યારે કોઇપણ કૃતિ તેને સ્વર્ગનો અનુભવ કરાવવાની.
ભાવક કૃતિ પાસે જાય ત્યારે તે આટલો સજાગ હશે તો નવું વિશ્વ મળવાની તેને પૂરતી ખાતરી છે. જેઓ કૃતિનો આનંદ મેળવી જાણે છે તેઓ આ બાબતે ખ્યાલ રાખનારા હોય છે પરંતુ ચોક્કસ નામ ન આપી શકતા હોય એવું શક્ય છે ત્યારે વિદ્યાર્થીઓને આ અંગૂલીનિર્દેશથી ચોક્કસ ફાયદો થશે એની અપેક્ષા અસ્થાને નહિ ગણાય. હવે, ભલે લાવો ત્યારે માણીએ વ્હીટમનની કવિતાઓને, પન્નાલાલની નવલકથાઓને, કાલિદાસના નાટકોને.
....................................................................................................................