એક દિવસ। .. પરિવહનના નામે।...
આ પરિવહન પેકેજનો લાભ અને સ્વીટઝરલેન્ડને અલગ દ્રષ્ટીએ નિહાળવાનું મેં એક રવિવારે નક્કી કર્યું। તે વખત ઓફર એ હતી કે સ્વીટઝરલેન્ડના નિવાસી માટે 100 ફ્રેન્કમાં બે વ્યક્તિઓ આખા સ્વીટઝરલેન્ડમાં કોઈ પણ પરિવહન સાધનોનો ઉપયોગ ફ્રી કરી શકે.
હું અને મારી પત્ની, બન્ને પાસે સ્વીટઝરલેન્ડના કાયમી નિવાસીનો પાસ હતો. (આ લાભ કોઈ ટ્રાવેલ એજન્ટ ના આપી શકે અને આથી કોઈ પણ મુસાફર આ રવિવાર ના માણી શકે જે અમે માણ્યો હતો)
રવિવારે સવારે અમે નિયત સમયે બસ સ્ટોપ પર પહોંચ્યા। બસની સીસ્ટમ સમજવા હું ડ્રાઈવરની પાછળની જ સીટમાં બેઠો હતો. મેં જોયું કે બસ GPS સીસ્ટમથી સજ્જ હોવા ઉપરાંત કોઈ એક સોફ્ટવેર પણ હતું જે બસની સ્પીડ અને GPS લોકેશનની મદદથી બસ કેટલી મિનીટ મોડી ચાલે છે તે પણ બતાવતું હતું। અને મોટા ભાગે તો કેટલી સેકંડ પાછળ કે આગળ છે તેમ જ આવતું હતું।જો કોઈ જગ્યાએ કોઈ પણ કારણસર વાર લાગે તો જરાક સ્પીડ કરી ને ટ્રાફિક કે અન્ય કારણસર વ્યથિત થયેલો સમય તે સરભર કરી લે. મને પાછળથી જાણવા મળ્યું હતું કે આ ડ્રાઈવરની દરેક ગતિવિધિ સોફ્ટવેર રેકોર્ડ કરતું હતું અને તેને મુખ્ય કાર્યાલયમાં પહોચાડતું હતું એટલે કે કોઈ પણ સમયે જરૂર કરતા વધુ કે ઓછી સ્પીડ થાય તો પણ ડ્રાઈવરને જવાબ દેવો પડતો। આ દરેક વસ્તુ કન્ડકટર વગર કરવી અઘરું કામ છે. તો એક સવાલ તો થાય જ કે જો કોઈ વ્યક્તિને કોઈ જગ્યાએ ઉતરવું હોય તો?
મિત્રો।. દરેક બસમાં એક TV ની વ્યવસ્થા હોય છે જે બસના અગામી સ્ટેશનની જાણકારી આપે છે. દરેક મુસાફરોની સીટ પાસે એક બટન હોય. જેમણે અગામી સ્ટોપમાં ઉતરવું હોય તે વ્યકતી આ બટન દબાવે કે જેથી ડ્રાઈવરને જાણ થઇ જાય કે અગામી સ્ટેશનમાં બસને થોભાવાની છે.
આ ડ્રાઈવર પણ વેરી વેલ ક્વોલીફાઈડ હોય છે જેમને એકદમ વ્યવસ્થિત ટ્રેનીંગમાંથી પસાર થવું પડે છે. તેમનો પગાર પણ જેવોતેવો નથી હોતો. આ ડ્રાઈવરને જુઓ તો એમ જ લાગે કે પ્લેનના કપ્તાન હોય. તેમનો યુનિફોર્મ પણ એકદમ સજ્જડ। ખરેખર।. સ્વીટઝરલેન્ડે પોતાની છાપ કોઈ પણ જગ્યાએ નબળી નથી રાખી। ડ્રાઈવરમાં પિકચરના હીરો લાગતા યુવાનો હોય તો એક ડ્રાઈવર સ્ત્રી હતા અને તેમની ઉમર પણ 50થી વધુ હશે. પણ તે આ વ્યવસાયને એકદમ કાબિલિયતથી નિભાવતા હતા.
બસ તેના નિયત સમયે 14 મીનીટમાં મેઈન બસ સ્ટોપ પહોંચી અને 10 મીનીટમાં બાદેનથી ઝ્યુરિકની ટ્રેન હતી. સ્વીટઝરલેન્ડના કોઈ પણ શહેરમાં મેઈન બસ સ્ટોપ એ મેઈન રેલ્વે સ્ટેશનના 200 મીટરના એરિયામાં જ હોય. અમે ટ્રેનના ઉપરના માળમાં સ્થાન લીધું। આખી ટ્રેન સાફ, કોઈ જગ્યાએ કચરો નહિ. આદત અનુસાર બારી પાસે જગ્યા લઇ ત્યાં તો 2 મીનીટમાં ટ્રેન ઉપડી। એવો અહેસાસ થાય જાણે કે ટ્રેન આપણા માટે જ ઉભી હોય.
ટ્રેન શરુ થઈને બાદેન પસાર કરીને ખેતરોમાં પસાર થવા લાગી। અને જેમ કહ્યું એમ આખા સ્વીટઝરલેન્ડમાં શહેરોને પસાર કરો એટલે તમને ખેતરો જ દેખાય। ખેતરોમાં ક્યાંક ક્યાંક નદી દેખાય। ગાયો આ ખેતરોમાં જ હોય, રસ્તા પર ના આવી શકે તેવી ગોઠવણ કરી હોય। જો તમે કોમ્પુટર પર કામ કર્યું હોય તો વિન્ડોઝ 98માં જે ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ પિક્ચર હતું તેવું જ આખું સ્વીટઝરલેન્ડ। આ બધું જોવામાં ક્યાં 30મિનીટ નીકળી ગઈ તે ખબર જ ના પડી. અને ઝ્યુરિક આવી ગયું।
હવે વારો હતો ટ્રામ નો. મિત્રો।.. સ્વીટઝરલેન્ડમાં લગભગ દરેક શહેરમાં એક મોટું સરોવર તો હોય જ છે. આ સરોવરની ઘણી ખાસિયતો હોય છે જે આપણે બીજા આર્ટીકલ માં જાણશું। જેમ દરેક શહેરની પહેચાન એક ખાસ રોડ હોય છે જેમકે રાજકોટની પહેચાન કાલાવડ રોડ, અમદાવાદની પહેચાન રીવર ફ્રન્ટ તેમ ઝ્યુરીકનો ખાસ રોડ હતો તે રેલ્વે સ્ટેશનથી ઝ્યુરિક લેક (સરોવર) તરફનો।. 2 કિલોમીટર રસ્તા માટે અમે ટ્રામ લેવાનું નકી કર્યું। (આ રસ્તો ચાલીને પણ પસાર થઇ શકે છે જે મેં સ્વીટઝરલેન્ડના રાષ્ટ્રીય દિવસ પર ચાલીને પણ જોયેલો છે) ઝ્યુરિક સ્ટેશનથી બહાર નીકળીને સામે જ ટ્રામનું સ્ટોપ હતું। જેમાં દર 10 મીનીટે ટ્રામ આવતી હતી. ટ્રામ એ પહોળા રસ્તામાં ડિવાઈડરનું કામ કરતી હતી. રસ્તાની વચ્ચે બનેલા પાટા પર ચાલતી ટ્રામની બારીએ બેસીને દુનિયાના સૌથી મોંઘા રસ્તાને નિહાળવાનો પણ એક લહાવો હતો. મોંઘો એટલા માટે કે તેમાં દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળનો શો રૂમ કે ક્રિશ્ચિયન લગ્નમાં પહેરતા સફેદ કલરના ડ્રેસનો મોંઘામાં મોંઘો શો રૂમ અહી છે. એટલે કે આ એજ રોડ હોઈ શકે કે જ્યાં અંબાણી જેવા મોટા બીઝનેસમેન અહી ખરીદી કરવા આવે. એક ઘડિયાળનો ભાવ 18 લાખ હતો જે મેં નિહાળેલી મોંઘામાં મોંઘી ઘડિયાળ હતી તો લગ્નના ડ્રેસ પણ 12 લાખ રૂપિયાથી શરુ થતા હતા.
5 મીનીટમાં મારું સ્ટેશન આવી ગયું કે જે ઝ્યુરિકનું એકદમ સુંદર સરોવર હતું। એટલું ચોખ્ખું કે આપણે સરોવરની ઊંડાઈનો ખ્યાલ આવી જાય. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યંત ઠંડીના દિવસોમાં આ સરોવર થીજીને બરફ થઇ જાય છે અને લોકો આ સરોવર પર ચાલી શકે છે. પણ અત્યારે તો એકદમ રમણીય લાગતું સરોવર અને તેની લંબાઈ તો એટલી કે આંકી શકવી અઘરી હતી. આ સરોવરમાં પણ એક સ્ટોપ હતું અને તે સ્ટોપ સ્ટીમર, ક્રુઝ વગેરે માટેનું સ્ટોપ હતું, આ જોઈને પચાવવાની કોશિશ કરું ત્યાં તો એક પ્રાઇવેટ ક્રુઝ આવીને ઉભી રહી. આ ક્રુઝ એક અમીર વ્યક્તિની હતી જે પોતાના હોલીડે માટે આવી હતી. આ ક્રુઝની અંદર ડોકિયું કરવાની કોશિશ કરી તો ખબર પડી કે આ ક્રુઝ એ કેરેલાની હાઉસ બોટનું એક આધુનિક વર્સન હોય.
થોડીવારમાં એક મોટી સ્ટીમર આવી જે સરકારી હતી. સરકારી એટલે કે તેમાં દરેક લોકો ટીકીટ લઇ ને બેસી શકે.. પણ બાકી તે ક્રુઝ નો દેખાવતો પ્રાઇવેટ ક્રુઝથી કઈ કમ ના હતો. ક્રુઝમાં અંદર પ્રવેશ્યો ને જોયું કે ક્રુઝની અંદર એક હોટલ હતી. હોટેલની બીજું બાજુ ખુલો એરિયા હતો આ ઉપરાંત ક્રુઝમાં ઉપરના માળમાં ખુલ્લી જગ્યા હતી એટલે જે લોકોને નજરો માણવો હતો તે લોકોએ પોત પોતાની જગ્યા લઇ લીધી હતી. મેં પણ ઉપરની જગ્યાએ સ્થાન મેળવ્યું। અને ક્રુઝ ચાલુ થતા જ જાણે એક પક્ષી હોવાનો અહેસાસ થયો.. ધીમી ગતિએ ક્રુઝ ચાલી રહી હતી... ચારે તરહ શીતળ વાતાવરણ અને જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં એક વિશિષ્ટ બાંધકામની ઈમારત દેખાતી હતી. મિત્રો।.. સ્વીટઝરલેન્ડમાં ઉંચી અને તોતિંગ ઈમારતો બહુ ઓછી જોવા મળશે પણ વિશાળ અને ભવ્ય ઈમારતો વધુ... જાણે ચર્ચ જેવું બાંધકામ જાણી લ્યો
આ બધું જોતા અને નિહાળતા નિહાળતા હું ઝ્યુરીકના એક બીજા સ્ટેશન થાલવીલ આવી પહોંચ્યો। અને અહી હું ક્રુઝથી ઉતાર્યો.. આ થાલવીલ એટલે એક નાનકડું ગામ.. પણ આ સરોવરતો એટલું મોટું કે સૌથી મોટા શહેરથી એક નાનકડું ગામ પણ આવી ગયું। અહી લોકો હાથમાં બીયરની બોટલ રાખી અને આરામથી સનબાથ કરતા હતા.આ જગ્યાએ ઘણા લોકો એક પીકનીક જગ્યા બનાવી હતી અને પોત પોતાના ઘરેથી જમવાની વસ્તુઓ લઈને પહોંચ્યા હતા.. હું ત્યારે એક વસ્તુ સમજ્યો હતો કે આનંદ કરવામાટે મોંઘુ શહેર કે વધુ રૂપિયા ખર્ચવાની જરૂર ના હતી.. લોકો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર પણ કુદરતના કરિશ્માનો પુરતો લુફ્ત ઉઠાવી શકે છે.
આ નાનકડા ગામ થાલવીલ અને કહીએતો આખા સ્વીટઝરલેન્ડની અમુક ખાસિયતો। ..
* લગભગ 90% ગામ કે શહેરોમાં નદી અથવા સરોવરતો હોય જ છે
* આ દરેક પાણીની જગ્યાઓ અતિ શુદ્ધ હોય છે કે આપણી બિસ્લેરીની બોટલ પણ શરમાઈ જાય
* અત્યંત મોટા અને વિશાળ સરોવર કે વહેતી નદીઓમાં પણ કોઈ પણ વ્યક્તિ નાનો કચરો પણ ફેંકતા નથી
આટલું શિસ્તબધ્ધ કામ કાજ હોય તો પછી સરકારે સફાઈ યોજનાઓ ની જરૂર જ ના પડે, હું આ તો બધું જોઈ ને અભીભાવિક થઇ ગયો હતો.
હવે અમારું પ્રયાણ હતું "ઝુગ" તરફનું।. અમે જે કોઈ જગ્યાએ ગયા છીએ તે દરેક જગ્યાઓ કોઈ પણ એજન્ટ હોલીડે પેકેજમાં નથી આપતા। તેમ છતાં આ દરેક જગ્યાઓ એટલી બધી વિશિષ્ટતાઓ ધરાવતી હોય છે કે તમને પણ આશ્ચર્ય થશે!!!
આ ઝુગમાં જોવાલાયક સ્થળોમાં સરોવર અને મ્યુઝીયમ સિવાય એક ખાસ જગ્યા હતી. એ જગ્યાનું નામ છે "ઝુગર્બગન ફનીક્યુલર"
નામ જાણીને જેટલી નવાઈ લાગી તેટલી જ નવાઈની આ જગ્યા હતી. આ એક પહાડ હતો. પણ સામાન્ય પહાડ નહિ કેમ કે પહાડ જેમ ટોચ નહોતું પણ એક મોટું મેદાન હતું। અને આ જગ્યાએ જવા માટે એક ટ્રેન હતી. આ કોઈ સામાન્ય ટ્રેન ના હતી. અથવા તો એમ કહીએ કે આને ટ્રેન કેવી કે રોપ વે તે પણ ખબર ના પડી. અમે જયારે સ્ટેશન પર પહોચ્યા ત્યારે જોયું કે સ્ટેશન આખું ખાલી હતું। એટલે અમે ધારણા કરી કે કદાચ બંધ હશે.
ત્યાં માત્ર એક ટ્રેનનો ડબ્બો હતો. અને એક જ ટ્રેનનો પાટો। વધુ ધારણા લગાવી કે આ જ ટ્રેન ઉપર જતી હશે.. અને અમુક સમય પછી આ જ ટ્રેન માં પાછા આવવાનું હશે. મારી આ બધી ધારણાઓ ખોટી પડવાની હતી. દરેક સ્ટેશનની જેમ આ સ્ટેશન માં પણ ટીકીટ મશીન હતું। પણ આગળ જણાવ્યું તેમ મારી પાસે સ્પેશીયલ ટીકીટ હોવાથી મારે કોઈ ટીકીટ લેવાની જરૂર ના હતી. હું તો આમ તેમ ડાફોળીયા મારતો જાણવાની કોશિશ કરી રહ્યો હતો કે આ ટ્રેન અને સ્ટેશન નો ટાઈમિંગ શું.. ત્યાં તો અચાનકથી ટ્રેન ઉપડવાનો અવાજ આવ્યો। અમે બેય (હું અને મારા પત્ની) જરા સતેજ થઇ ટ્રેન થી થોડા દુર ખસ્યા।. દરેક ટ્રેનમાં ઓટોલોક સીસ્ટમ હોય તેમ અહી પણ એક જ ડબ્બો હોવા છતાં લગભગ 4 દરવાજા હતા તે દરેક દરવાજામાં લોક લાગી ગયું અને 10એક સેકન્ડમાં આ ટ્રેન કે ટ્રેન નો ડબ્બો કે રોપ વે નો એક કમ્પાર્ટમેન્ટ કે જે કહેવાતું હોય તે સ્ટાર્ટ થઇને આગળ ચાલવા લાગ્યું।
હું તો અચંબામાં પડી ગયો કે આખું સ્ટેશન ખાલી।. કોઈ પણ કર્મચારી નહિ.. કોઇ પણ મુસાફર નહિ.. તો પછી આ ચાલુ કેમ થયું।. ઓટોમેટીક હશે.. પણ 50 મીટર સીધો રસ્તો ચાલ્યા બાદતો એકદમ કપરું ચઢાણ હતું। આ ટ્રેન નો ડબ્બો જમીનમાં પાટા સાથે જોડાણ ધરાવતું હતું તો મથાળે રોપ વે ની જેમ એક મજબુત દોરડા સાથે પણ જોડાણ ધરાવતું હતું। એટલે કે ટ્રેન અને રોપ વે નો એક બેહદ સુલભ સમન્વય।
અમે વિચાર્યું કે આતો આખું સ્ટેશન ઓટોમેટીક છે એટલે હવે આ ટ્રેન પછી આવે ત્યારે તેમાં ચાલ્યા જવું। પરંતુ પ્રશ્ન એ હતો કે હવે આ ટ્રેન પાછી આવશે ક્યારે।. અડધો કલાક તો રાહ જોવી જ રહી. કેમ કે માત્ર એક જ પાટો હતો એટલે એક જ ટ્રેન ચાલી શકે. એટલે હું "ઝુગ"માં બીજી કોઈ જગ્યાએ જવાના સ્થળો જોવા લાગ્યો। કોઈ પણ નજીકમાં બીજું કોઈ જોવાનું સ્થળ હોય તો ત્યાં એક આંટો મારી આવું।
પરંતુ આ શું? ટ્રેન તો પાછી આવી.. અને તેમાં કોઈ મુસાફરો પણ હતા। હવે મારા મગજમાં પ્રશ્નના વમળો જાગ્યા।. જાણે કોઈ થ્રીલર પિક્ચર ચાલતું હોય। ..!!!
એટલી જલ્દી ટ્રેન પાછી કેમ આવી? અને આ ટ્રેન તો બીજી હતી... તો એક જ પાટા પર બે ટ્રેન કેમ દોડી શકે? અહીંથી ઉપર કોઈ ના ગયું હોય તો ઉપરથી કોણ આવ્યું? શું આ લોકો પહેલેથી જ ઉપર હતા? કઈ સમજ માં આવતું ના હતું। અમે બે જણ આ વખતે કોઈ મોકો ગુમાવવા માંગતા ના હોઈ તરત આ ટ્રેન ના ડબ્બામાં બેસી ગયા.
10 મિનીટ પછી ટ્રેન શરુ થઇ. અદભુત અનુભવ હતો કેમ કે ટ્રેન અને રોપ વે નું સમન્વય। અખા ડબ્બામાં (જેની કેપેસીટી 100 લોકોને સમાવવાની હશે) તેમાં અમે માત્ર બે જ જણ હતા. ટ્રેનનો ડબ્બો ખુલ્લો હતો પણ આખો ખુલ્લો ના હતો. એટલે કે હાથ બહાર નીકળી શકે પરંતુ વ્યક્તિ આખો બહાર ના નીકળી શકે. અને આ ટ્રેનનો રસ્તો પણ એકદમ અનેરો।. તમને યાદ હશે તો એક ગાડી ની જાહેરાત આવતી।. અને તેમાં બતાવતા કે એક પ્રિન્સીપાલ પૂછે છે કે "આપકા બેટા કેસી કેસી કહાનિયા બનતા હૈ" અને ત્યાર બાદ પિતા અને પુત્ર એક ગાડીમાં એક પહાડ ચડવા લાગે છે...
બસ.. તેમ જ આ ડબ્બો પણ તે જ ચઢાણ ચડે છે.. અને થોડો જ સમય થયો કે સામે એક ટ્રેન પછી આવતી હતી..
આ દ્રશ્ય એકદમ એવું જ કે અપના સ્વપ્નમાં આવે પણ માનવામાં ના આવે.
નીચે થી અમારી ટ્રેન ઉપર ચઢી રહી હતી. અને ઉપરથી એક ટ્રેન નીચે આવી રહી હતી. અમારી ટ્રેનમાં માત્ર બે જ વ્યક્તિ હતા. જો ઘણા લોકો હોત તો ઉત્સુકતા હોત કે શું થશે જયારે બે ટ્રેન સામસામે આવશે પણ અમે બે જ વ્યક્તિ ટ્રેનમાં હોવાથી એક ડર પણ હતો. જરા ટ્રેન આગળ ધપી ત્યારે એક દ્રશ્ય ક્લીઅર થયું કે વચ્ચે એક મોટો ચોરાયો આવતો હતો. અને ત્યાંથી એક પાટામાંથી બે પાટા થઇ જતા હતા. જે પાટા આ ચોરયાને ફરતે વળીને પાછા એક થઇ જતા હતા. એટલે કે વાત એમ હતી કે આમને સામને આવતી બેય ટ્રેન આ ચોરાયની આજુબાજુથી પસાર થાય તો જ ભટકાય નહિ કેમ કે તે જ જગ્યાએ બે અલગ અલગ પાટા હતા. અને પછી પાછો એક જ પાટો। અને આ કાર્ય પણ બેય ટ્રેને એક જ સાથે કરવું રહ્યું। માની લો કે એક ગોળાકાર શૂન્યની બેય બાજુ એક લાઈન દોરી હોય. બેય ટ્રેન આ લાઈન પર ચાલે અને ગોળાકાર શૂન્ય પાસે એક ડાબી બાજુ ચાલે અને એક જમણી બાજુ। અને પછી પાછુ એક જ લાઈન માં અલગ અલગ દિશામાં પ્રયાણ,,,
એટલે હવે મને આખી વસ્તુ સમજી અને તે પણ એકદમ માન્યા માં ના આવે તેવી। બેય ટ્રેન એક જ પાટા પર ચાલે। તે પણ અલગ અલગ દિશામાં। પણ તેમની સમયસુચકતા એવી કે તે બેય ટ્રેન એક જ સમયે આ મોટા ગોળાકાર ચોરાયા પર આવે અને પછી પાછા એક જ પાટા પર. અને આ વસ્તુ પાર પાડવા તેમને એક ચોકસ સમયે ટ્રેન ઉપાડવી અને એક એક ચોકસ ગતિથી જ આગળ વધવું કે જેથી કરીને ચોકસ સમયે આ ટ્રેન એક જ ગોળાકાર પાસે આવીને ચકકર મારી શકે જેથી દુર્ઘટનાનો કોઈ ડર નહિ. અને આ વસ્તુ એટલી હદે ઓટોમેટીક કરી કે જેથી એક પણ કર્મચારીની જરૂર નહિ. (આગળ જણાવ્યું તેમ મને તો પહેલા એમ હતું કે કોઈ પણ કર્મચારી નથી એટલે આ સ્ટેશન બંધ હશે.)
આ પ્રક્રિયા સમજમાં આવી ત્યારે માત્ર એક જ શબ્દ મુખમાંથી નીકળ્યો " ઓહ માય ગોડ: !!!!
આ વિચારોથી મંત્રમુગ્ધ હું બહાર આવું કે ત્યાતો અમારું સ્ટેશન આવી ગયું અને માની લો કે એક નવી જ દુનિયા।.. ટ્રેનના ડબ્બાની બહાર આવી ને જોયું તો લાગતું જ ના હતું કે અમે કોઈ પહાડ પર છીએ.. એક મોટું મેદાન।. ઘાસથી ભરેલું।. અને તે જગ્યાએ એક મોટું લાકડાનું બાંધકામ હતું। તે જગ્યાની આસપાસ હૃષ્ઠ પૃષ્ટ ગાયો બેઠી હતી. કોઈક ગાયો ચરતી હતી તો કોઈક ગાયો વાગોળતી હતી. શુદ્ધ હવામાન, શુદ્ધ જગ્યા। . કોઈ રોકટોક નહિ. કોઈ પણ આ જગ્યાએ ના હતું પણ અમે કુતુહલવશ આ જગ્યાએ આવ્યા તો જાણ થઇ કે આ બાંધકામ એ ગાયોનું સંભાળકેન્દ્ર હતું। અને તેમાં પણ ગાયોને શુદ્ધ કરવા અથવા કહો તો નવડાવવા માટેના પણ મશીનો હતા.
આને સ્વર્ગ ના કહેવાય તો શું કહેવાય?
આ જગાએ આગળ એક હોટેલ હતી.જે પહાડની ભેખડ પર એકદમ કિનારે બાંધેલી હતી. અને ઘરની બાલ્કની હોય તેમ હોટેલમાં બેસવાની વ્યવસ્થા એક બાલ્કની જેવી જગ્યાએ હતી જે પહાડથી જરાક બહારની સાઈડ।. હું અને મારી પત્ની એક ટેબલ પર બેઠા।.. સામે માત્ર પહાડો।.. જ્યાં જ્યાં નજર મારી ઠરી.. માત્ર અલગ અલગ ઉંચાઈના પહાડો।. તેમની વચ્ચે અનેક નદીઓ પસાર થતી હતી..આ ખુશનુમા ઠંડીમાં એકદમ કડક અને ગરમ ઓરીજીનલ કોફી પીતા પીતા આખા દિવસને બારીકાઈથી વાગોળવા લાગ્યા।...
મિત્રો।. આશા છે કે આ પરિવહન સ્પેશીયલ આર્ટીકલ ખુબ જ ગમ્યો હશે.. હવે પછીનો આર્ટીકલ ફ્રાંસ પર રાખીશ।..
મિત્રો।. મારી યુરોપની યાત્રાનો છેલો આર્ટીકલ માત્ર તમારા પ્રશ્ન જવાબ પર રહેશે।.. જરૂરથી પ્રશ્ન પૂછતા રહેજો।..