Shri Morari Bapu Manthan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shri Morari Bapu

મિત્રો.

ગુજરાતીમાં ઘણી કહેવતો છે જેનો સારાંશ હોય છે કે વ્યક્તિ જેટલી પ્રખ્યાત તેટલા તેમના દુશ્મનો વધુ. પરંતુ અપવાદ તો દુનિયાનો નિયમ છે. જેમ કે સચિન તેંદુલકર, મુહમદ રફી, અટલ બિહારી વાજપેયી, મધર ટેરેસા, એ પી જે અબ્દુલ કલામ વગેરે।.. આ એવી હસ્તીઓ છે કે લગભગ નહીવત લોકો જ તેમના કામથી સંતુષ્ટ ના હોય અથવાતો તેમના વિરોધીઓ હોય. કેમ કે આ વ્યક્તિની તેમના કાર્ય પ્રત્યેની નિષ્ઠા જ અતુટ હતી કે તેમને કોઈ પ્રસિધ્ધીનો મોહ ના હતો અને જ્યાં પ્રસિધ્ધીનો મોહ ના હોય ત્યાં વિરોધીઓ ની સંખ્યા બહુ ઓછી હોય.

આ લીસ્ટમાં હજુ એક પ્રતિભાશાળી વ્યક્તિનું નામ પણ સામેલ છે શ્રી મોરારજીદાસ પ્રભુદાસ હરિયાણી એટલે કે સૌના લોકપ્રિય શ્રી મોરારી બાપુ

મોરારીબાપુને કોઈ સંત કહે છે તો કોઈ ધર્મ ગુરુ।..પરંતુ બાપુ પોતાને માંત્ર એક કથાકાર જ કહેવડાવવાનું પસંદ કરે છે. આજે જાણીએ "રામ ચરિત માનસ" ગ્રંથને આત્મસત કરેલ મહાન વ્યક્તિ શ્રી મોરારી બાપુ વિષે .

મોરારી બાપુનો જન્મ 1946 ના 25 સપ્ટેમ્બર ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા ગામની નજીક આવેલ તલગાજરડા ગામમાં થયેલ છે. અને આ દિવસ એ કોઈ સામાન્ય દિવસ નહિ પરંતુ શિવરાત્રીનો પવિત્ર દિવસ હતો. તેમના બાળપણના મોટાભાગના દિવસો તેમણે તેમના દાદા શ્રી ત્રિભુવનદાસજીની છત્રછાયા હેઠળ વિતાવ્યા હતા અને એ જ દિવસોમાં તેમને રામ ચરિત માનસનું જ્ઞાન તેમના દાદાજી તરફથી મળ્યું હતું।. તેમના દાદા રામ ચરિત માનસના પ્રખર વાચક હતા.

બાળપણના સમયમાં તેમના દાદાજી તેમને ચાલતા ચાલતા સ્કુલમાં મુકવા જતા હતા. તલગાજરડાથી મહુવા કે જ્યાં તેમની સ્કુલ હતી તેનું અંતર લગભગ 7 કિલોમીટર એટલેકે 5 માઈલ જેટલું હતું. આ 5 માઈલના અંતર દરમિયાન તેમના દાદાજી તેમને રામચરિત માનસના શ્લોક શીખવાડતા અને સમજાવતા હતા. તેમના દાદાજીએ નિયમ રાખ્યો હતો કે એક દિવસમાં તેમને 5 શ્લોક યાદ રાખવાના। આ નિયમ આમ કઈક હતો કે દર સવારે મુકવા જતી વખતે દાદાજી તેમને 5 શ્લોક બોલીને સમજાવતા અને વળતી વખતે શ્રી મોરારી બાપુએ જે કંઈ પણ યાદ રહ્યું હોય તે તેમના દાદાજીને સમજાવવાનું। આ નિયમને અનુસરતા સમય જતા આખું રામ ચરિત માનસ શ્રી મોરારી બાપુને કંઠસ્થ થઇ ગયું। તલગાજરડાથી તેમના સ્કુલ જવાના રસ્તા પર એક સ્થાન પર કે જ્યાં તેમના દાદાજી રામ ચરિત માનસનું જ્ઞાન આપતા તે જગ્યા આજે લાખો લોકો માટે એક યાત્રા ધામ બની ગયું છે. આ જગ્યા આજે ચિત્રકૂટ ધામના નામે ઓળખાય છે.

આજની તારીખમાં પણ ઘણી વખત બાપુ આજ રસ્તા પર ચાલવા નીકળે છે અને તેમની સાથે ગામના વ્યક્તિઓ પણ સાથે સાથે ચાલે છે અને ગામની સમસ્યાઓની ચર્ચા કરે છે.

આ કોઈ ગીતોની લાઈન યાદ રાખવા જેટલું સરળ નથી. મિત્રો, શ્રી મોરારી બાપુની પ્રસિધ્ધીનું પ્રમાણ મેળવવા માટેનો એક પ્રયાસ કરીએ તો કહેવાય છે કે તુલસીદાસ લિખિત રામચરિતમાનસ માં લગભગ 1000 થી વધુ શ્લોક છે અને દરેક શ્લોકમાં 16 થી 18 લાઈન છે. એટલેકે શ્રી મોરારી બાપુએ માત્ર 12 વર્ષની ઉમરે 15000થી પણ વધુ લાઈનને યાદ કરીને કંઠસ્થ કરી હતી અને દરેક લાઈનને સમજી હતી. મારા મતે આ એક રેકોર્ડથી કંઈ કમ નથી. તેમના દાદાજી તરફથી વિરાસતમાં મળેલ આ અમુલ્ય અને બેશકીમતી ભેટ બદલ શ્રી મોરારી બાપુએ તેમના દાદાજીને જ તેમના ગુરુ માની લીધા હતા. અને તેમના ગુરુના આશીર્વાદના ફળે શ્રી મોરારી બાપુએ તેમની સૌ પ્રથમ કથા માત્ર 14 વર્ષની ઉમરે (એટલે કે જયારે બાળક 8માં કે 9માં ધોરણમાં અભ્યાસ કરતો હોય તેવી ઉગતી ઉમરે) કરી હતી. તેમના પોતાના ગામ તલગાજરડામાં તેમની સૌ પ્રથમ કથા 1 મહિના સુધી ચાલી હતી. કહેવાય છે કે શરુ શરુ માં શ્રી મોરારી બાપુને સાંભળવા માત્ર ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા.

પોતાની પ્રથમ કથાને યાદ કરતા શ્રી મોરારી બાપુ કહે છે કે તેમણે માટીના બનેલા એક વ્યાસ પીઠ પર શ્રી રામનો ફોટો રાખીને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું। અને શરુ શરુ માં તે જગ્યાએ એક પાણી પીવાની પરબ પાસે તરસ્યા લોકો પાણી પીવા આવતા તે લોકો બેસીને કથા સાંભળતા। આજે તે જગ્યાએ ગામના લોકોએ મળીને એક હનુમાન મંદિર બનાવ્યું છે અને તેમને નામ આપ્યું છે "રામ વાડી"

લગભગ એક વર્ષમાં તેમની ખ્યાતી તે ગામના વડીલો સુધી પ્રસરી ગઈ હતી અને વડીલો આ યુવાનને ચકાસવામાટે રામ ચરિત માનસને લગતા અવનવા પ્રશ્નો પૂછતા અને આ યુવાન દર વખતે દરેક પ્રશ્નના જવાબથી વડીલોને દંગ કરી મુકતા। રામ ચરિત માનસમાંતો શ્રી મોરારી બાપુએ પોતાનો એક્કો તો 16 વર્ષની ઉમરે જ મનાવી ચુક્યા હતા.

ધીમે ધીમે તે પોતાનું વિદ્યાર્થી જીવન રામ કથામાં સમર્પિત કરવા લાગ્યા। તેઓ આગળ જતા જે સ્કુલમાં અભ્યાસ કરતા હતા તે જ સ્કુલ માં ધોરણ 5 અને 6 માં શિક્ષકની નોકરી મળી (કેવા ભાગ્યસાળી વિદ્યાર્થીઓ।. ). પરંતુ શ્રી મોરારી બાપુનું મન તો રામ ચરિત માનસમાં જ પરોવાયેલું હતું। તે દિવસો ને યાદ કરતા બાપુ કહે છે કે શિક્ષક બનવું એ મારો એક સુખદ પડાવ હતો જ્યાં હું 40 લોકોની સામે મારું વક્તવ્ય આપતા શીખ્યો પરંતુ મારી આત્માની ગતિ તો રામ કથા વાચક તરીકેની જ હતી.

શ્રી મોરારીં બાપુની રામ ચરિત માનસ પરની પક્કડ, એક ધૈર્યશીલ અને મકકમ અવાજ અને રામ કથાનું ગુઢ રહસ્યને સરળ અંદાજમાં સમજવાનો અંદાજતો શરુઆતથી જ એકદમ ગજબ હતો. એટલે તેમની ખ્યાતિને પ્રસરતા વાર લાગી નહિ.

શ્રી મોરારી બાપુ તે સમયે ભારતના પ્રખર વિદ્વાનોના ભાષણ સાંભળતા અને સમય મળ્યે તે આ દરેક વિદ્વાનોને મળવાની કોશિશ કરતા જેમકે વિનોબા ભાવે, ડોંગરેજી મહારાજ, પુનીત મહારાજ, ક્રિષ્ના મૂર્તિ વગેરે।.

શ્રી મોરારી બાપુએ તેમની સૌ પ્રથમ નવ દિવસીય કથા 1966માં ગુજરાતના ગાંદીલામાં કરી હતી, આ કથા તેમણે પૂજનીય સંત શ્રી રામફરદાસજીની ઉપસ્થીતીમાં કરી હતી. શ્રી મોરારી બાપુના વિચારો રામ ચરિત માનસ નામની પવિત્ર નદીમાંથી પસાર થઇ તેમના હિમાલયજેવા પહાડી કંઠમાંથી નીકળતા જે સીધા શ્રોતાઓના હદયમાં જઇને બેસતા હતા.

બાપુના અલૌકિક વિચારો, ચુંબકીય અવાજ, સુરીલા સંગીત પરની પક્કડ અને ગુઢ અને ગંભીર રહસ્યોને સમજાવાની એક રમુજી શૈલીએ તેમને એક પ્રખર વક્તા બનાવ્યા છે બાપુની સૌ પ્રથમ વિદેશની સફર કેન્યાના નૈરોબીમાં 1976માં થઇ હતી તે સમયે બાપુની ઉમર માત્ર 30 વર્ષની હતી.

લગભગ દશ વર્ષ નોકરી કર્યા બાદ સમય જતા તેમણે નોકરી મૂકી દીધી અને સવારે રામ કથાનું વાંચન કરતા અંને બપોર પછી ભોજનની વ્યવસ્થામાં લાગી જતા હતા. તેમના લગ્ન શ્રી સાવિત્રી દેવી સાથે થયા અને તેમને 4 સંતાન ( 3 પુત્રી અને એક પુત્ર) થયા. તેમના પરિવારના ભરણ પોષણમાટે રામ કથા વાંચન દરમિયાન મળતા દાનનો સ્વીકાર કરતા હતા. પરંતુ તેમની ખ્યાતી એટલી પ્રસરી ચુકી હતી અને તેમના શ્રોતાઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ જતા તેમને દાનમાં જ અખૂટ ધન પ્રાપ્ત થવા લાગ્યું। એક સાચા સંતની એ જ નિશાની છે કે જરૂર કરતા વધારે ધન અને જરૂર કરતા વધારે સગવડનો ત્યાગ કરવો। અને આ જ કહેવતને અનુસરતા શ્રી મોરારી બાપુએ 1977 થી કોઈ પણ જાતના દાનનો પોતાના વ્યક્તિગત ઉપયોગમાટે ત્યાગ કર્યો। અને ત્યારથી લઈને આજ દિવસ સુધી શ્રી મોરારી બાપુએ કથાના દાનમાંથી મળેલો એક પણ પૈસો પોતાના વ્યક્તિગત ઉપયોગમાં લીધો નથી.

જયારે જયારે રામ કથાનું આયોજન હોય છે ત્યારે રામ ભક્તો અને શ્રોતાઓ દાન કરે છે અને તે દાનની રકમમાંથી દરેક શ્રોતાઓને કથા દરમિયાન ભોજનના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.

ઘણા બુધ્ધિજીવીઓ તો એવી પણ દલીલ કરશે કે એક પણ પૈસો લીધો નહિ પરંતુ જે યજમાન તેમને કથા વાંચનમાટે બોલાવે તે તેમને 5 સ્ટાર હોટલની સગવડ અને કીમતી ભેટ આપે તેનું શું? મિત્રો, એક વાત કૈલાશમાંથી ઉદભવેલા ગંગાના પાણી જેટલી શુદ્ધ છે કે શ્રી મોરારી બાપુ એક પણ ભેટ વ્યક્તિગત ઉપયોગમાટે સ્વીકારતા નથી. અને વાત આવી, 5 સ્ટાર હોટલ જેવી સગવડની। તો મોરારી બાપુ એ કોઈ દેખાડો કરતા નથી પરતું તેમની એક ઈચ્છા તો જરૂર હોય છે કે કથા વાંચનના 9 દિવસ દરમિયાન જો શક્ય હોય તો તેમના માટે એક ઝુપડી બનાવી દેવી અને તેની અંદર પંખો પણ ના રાખવો। તે આ નવ દિવસ દરમિયાન સંપૂર્ણ સાત્વિક સમય ગાળવાની કોશિશ કરે છે.

આજની તારીખમાં શ્રી મોરારી બાપુએ 700થી વધુ કથા કરી હશે. કઈ કઈ જગ્યાએ કરી છે આ કથાઓ તે જાણીને આ પવિત્ર આત્મા વિશે વધુ ખ્યાલ આવશે। ભારત ઉપરાંત મોટા દેશો જેવા કે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન વગેરે દેશોમાંતો કથા કરી જ છે. પરંતુ શ્રીલંકા કે જ્યાં રાવણ ને રાજા માનવામાં આવે છે, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ વગેરે જેવા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશો અને કેન્યા જેવા ગરીબ દેશોમાં પણ રામ કથા કરી છે. આપણે શ્રી મોરારી બાપુના રામ કથાના સ્થળની ચર્ચા કરીએતો હિંદુ યાત્રાધામ જેવા કે હરિદ્વાર, કાશી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે જગ્યાએ તો કરી જ છે અને સાથે સાથે થોડા કપરા કહી શકાય તેવા અમરનાથ યાત્રા ધામમાં અને ચીન બોર્ડર પર આવેલા માનસરોવર પાસે પણ કથા કરી છે. અને માત્ર હિંદુ ધાર્મિક સ્થળ નહિ પરંતુ ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલી વિખ્યાત દરગાહ હાજીપીરમાં પણ કથા કરી છે તો ક્રિશ્ચનના ધાર્મિક સ્થળ વેટિકન સીટીમાં પણ કથા કરી છે. 2002ના ધાર્મિક દંગા બાદ અમદાવાદમાં એક એવા ગ્રાઉન્ડમાં કથા કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો કે જે ગ્રાઉન્ડની એક બાજુ હિંદુ વસ્તી વધારે છે તો બીજી બાજુ મુસ્લિમ વસ્તી. આ કથાનો ઉદેશ્ય માત્ર શાંતિનો હતો. તંગદીલીભર્યા વાતાવરણમાં આવું સાહસ લેવું એ એક કપરું કામ છે. રામ કથા ના સ્થળની વાત કરીએ તો શ્રી મોરારી બાપુએ હવામાં ઉડતા વિમાનમાં પણ કથા કરી છે અને પાણી પર તરતા સ્ટીમર પર પણ કથા કરી છે. શ્રી મોરારી બાપુની એક ઈચ્છા છે કે તેમને પાકિસ્તાનના કરાંચીમાં પણ રામ કથા કરવાનો અવસર મળે.

પુષ્પક વિમાન:

અમેરિકાના શ્રી સદગુરુ સેવા ફાઉનડેશન દ્વારા 1994માં એક અકલ્પનીય આયોજન કરવામાં આવ્યું। શ્રી મોરારી બાપુને અમેરિકામાં "પુષ્પક કથા"નું પઠન માટે આમંત્રણ આપવામાં આવ્યું। 13 ઓગસ્ટ 1994 ના રોજ આ કથાનો સમારંભ થયો કે જે રામ ચરિત માનસ લિખિત કવી શ્રી તુલસીદાસની જન્મ તિથી પણ હતી. આ કથાનો પ્રારંભ એક વિમાનમાં કરવામાં આવ્યો જે વિમાનમાં લગભગ 250 શ્રોતાઓએ કથાનો લહાવો માણ્યો હતો. આ પુષ્પક વિમાન લોસ એન્જલીસ(અમેરિકા)થી શરુ થયું અને નવ દિવસ દરમિયાન તે હોનોલુલુ (અમેરિકા), નાદી (ફીજી), ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ), સિંગાપુર, મુંબઈ (ભારત), નૈરોબી (કેન્યા), લંડન (ઇંગ્લેન્ડ) અને ટોરંટો (કેનાડા)માં પ્રવાસ ખેડ્યો હતો.

1996માં બાપુના 50માં જન્મવર્ષે પોતાની 500મી રામ કથા વડોદરામાં ચૈત્ર નવરાત્રીના રોજ કરી હતી.

અને માત્ર રામ કથા નહિ. શ્રી મોરારી બાપુએ તો ગાંધી આશ્રમમાં ગાંધી કથા પણ કહી છે તો તેમને 19 કથા ગોપીઓ પર કહી છે જેમને તે ગોપી કથા કહે છે. આ ગોપી કથા દર એક શ્લોક ને ધ્યાન માં રાખી ને કરેલ છે. અને આ ગોપી કથાએ મોટા ભાગે નવરાત્રીના નવ દિવસ દરમિયાન કરેલ છે.

જયારે ધર્મની વાત આવે ત્યારે એક નિરપેક્ષ અને તટસ્થ ધર્મગુરુ બનવું એ કોઈ બાપુ પાસેથી શીખે। મહુવામાં મુસ્લિમ ધર્મના એક ધાર્મિક પ્રોગ્રામ "યાદ એ હુસૈન"માં છેલ્લા 20 વર્ષથી શ્રી મોરારી બાપુ જ મુખ્ય મહેમાન હોય છે. તો છેલ્લા ઘણા વર્ષોથી તે એવી હિંદુ અને મુસ્લિમ યુવતીના લગ્નનો ખર્ચો ઉપાડે છે જે પરિવાર આ ખર્ચ ના ઉપાડી શકતા હોય. આ ઉપરાંત એ દરેક દલિત અને દેવી પૂજક જ્ઞાતિના પ્રોગ્રામમાં ભાગ લે છે. તેમનો ઉદેશ્ય એક સત્ય અને શાંતિને સાર્થક કરવાનો છે અને તે કરવા માટે કોઈ પણ જાતના ધર્મ કે જ્ઞાતિને તે બાધારૂપ નથી ગણતા।

દેશ અને દુનિયામાં જયારે જયારે કુદરતી આફત આવી છે ત્યારે ત્યારે શ્રી મોરારી બાપુની સંસ્થાએ શક્ય મદદ કરી છે. તે પછી કચ્છ કે બિહારનો ભૂકંપ હોય કે મુંબઈ કે ચેન્નાઈની અતિવૃષ્ટિ હોય. અને માત્ર દેશ જ નહિ જાપાનના અણુમથકના અકસ્માત અને નેપાળના ભૂકંપમાં પણ બનતી આર્થિક સહાય શ્રી મોરારી બાપુની સંસ્થા એ કરેલી છે.

અને આ કિસ્સો જાણવાની મજા આવશે।.. કહેવાય છે કે આજ કાલ તો જયારે અંબાણી પરિવાર તરફથી કોઈ પણ સુજાવ આવે તો તે કોઈ મોટો મંત્રી પણ ટાળી નથી શકતો।. ત્યારે એક વખત શ્રી કોકિલા બહેને શ્રી મોરારી બાપુને અંબાણી હાઉસમાં રામ કથા માટે આમંત્રિત કર્યા। શ્રી મોરારી બાપુએ જરા પણ વિલંબ કર્યાં વિના સવિવેક આમંત્રણનો અસ્વીકાર કર્યો। કેમકે આ કથા એક બંધ બારણે માત્ર પસંદીદા લોકો માટેજ કરવાનો પ્રસ્તાવ હતો. અને શ્રી મોરારી બાપુએ કહ્યું કે રામ કથાતો વૈશ્વિક છે. રામ કથા બંધ બારણે થાય તો રામ કથાનું પારદર્શક તત્વ જ ના રહે.

પરંતુ તેમણે બંધ બારણે માત્ર મર્યાદિત લોકો સામે રામ કથા કરી હોય તેવો કિસ્સો પણ છે. 1984માં તેમણે ભાવનગરની જેલમાં જઈને કેદીઓને નવ દિવસ રામ કથાના પાઠ ભણાવ્યા હતા.

શ્રી મોરારી બાપુ કહે છે કે તેમની પાસે રામ કથા નામની સત્ય શક્તિ છે તો કોઈની સામે તેમને ઝૂકવાની જરૂર નથી.

શ્રી મોરારી બાપુને ઘણી રાજકારણની પાર્ટીઓએ આમંત્રણ આપ્યું છે અને દર વખતે શ્રી મોરારી બાપુનો એક જ જવાબ હોય છે કે "મારી પાસે તો વ્યાસગાદી (વ્યાસપીઠ) છે. મારે રાજગાદી ની શું જરૂર।.."

આજે જયારે સંતોએ ધર્મને વેપાર બનાવી નાખ્યો છે અને લોકો સામે તે આજીવન સત્સંગી બનવાનો ઢોંગ કરે છે ત્યારે બાપુ સામેથી કહે છે કે સમય મળ્યે તેમને પિક્ચર જોવાનો, ક્રિકેટની રમત નિહાળવાનો, પુસ્તકો વાંચવા, ગઝલનું પઠન કરવું વગેરે શોખ છે. દરેક ગુરુ તેમના ઉતરાધીકારીને સાથે રાખે છે જેમને દુનિયા ચેલો કહે છે ત્યારે બાપુ કહે છે કે હું કોઈનો ગુરુ નથી અને મારો કોઈ ચેલો નથી.

લગભગ 55 વર્ષ સુધી (અને હજી ઘણા વર્ષ સુધી કથા કરતા રહે તેવી આશા) અવિરત રામ ચરિત માનસના પાઠ સમજાવનાર બાપુના વિચારો સંક્ષિપ્તમાં। .. એક નજર જરૂરથી નાખો।.. સમજાઇ જશે કે આ પવિત્ર આત્મા બાકી બધા સંતોથી અલગ કેમ છે

* મોરારી બાપુની ઈચ્છા છે કે રામ ધ્વજની સાથે તેમની કથામાં રાષ્ટ્ર ધ્વજ પણ હોવો જોઈએ

* "સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ ના દેવો એવી પ્રથા પર પ્રતિબંધ આવવો જોઈએ। સીતા માતા એ વિશ્વની માતાનું રૂપ છે અને તેમના જ વિશ્વમાં આવા નિયમ?"

* "જયારે આખી જીંદગી એક સ્ત્રી તેમના કુટુંબીજનોને દરેક જાતના સંસ્કાર આપતી હોય છે તો તેમને અંતિમ સંસ્કાર આપવાનો પણ પુરતો હક હોવો જોઈએ "

* મુસ્લિમોને તેમની નમાઝ અદા કરવા માટે તેમના ગામ તલગાજરડાના રામ મંદિરમાં વ્યવસ્થા છે. અને આ કાર્ય શ્રી મોરારી બાપુએ પર પાડ્યું છે.

* "દરેક વ્યક્તિએ કોઈ પણ ધર્મને સમજીને જ અનુકરણ કરવું જોઈએ।. કોઈ પણ ધર્મનું આંધળું અનુકરણ કરવું ના જોઈએ।" (છે કોઈ સંત જે આ વાક્ય કહી શકે?)

* " જો તમારા ગુરુ તમને કોઈ પણ જાતનો દુરાગ્રહ રાખે તો તેને ગુરુ જ ના કહેવાય।"

*"હિંદુ ધર્મ કહેતો જ નથી કે તમે સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ ના આપો, ભવ્ય મંદિર બનાવો, વ્રત કરો, ઉપવાસ કરો."

* "સ્વાસ્થ્ય, ભણતર અને ભોજન એ વિનામૂલ્યે મળે તો દુનિયાની કોઈ પણ મુસીબતને પહોંચી શકાય। આ ત્રણ જરૂરિયાતનો વેપારના થવો જોઈએ"

જયારે કોઈ મોટા એવોર્ડની હોડમાં લોકો પોતાના મુલ્યો સુધા ગુમાવી બેસે છે ત્યારે શ્રી મોરારી બાપુને ભારતીય સરકારે ભારતના સર્વોતમમાના એક એવોર્ડ એનાયત કર્યો ત્યારે શ્રી મોરારી બાપુએ આ એવોર્ડને સવિનય અસ્વીકાર કર્યો હતો. તેમનું માનવું છે કે તેમનું કાર્યએ કોઈ એવોર્ડ મેળવવાની લાલસા માટે નથી અને તે તેમને આ એવોર્ડના સાચા હકદાર નથી ગણતા।

મિત્રો।. હું જરૂરથી કહી શકું છું કે જયારે ધર્મના નામે કોઈક રાજનીતિ કરે છે તો કોઈક વેપાર કરે છે. અને ઘણા લોકો બધું સમજતા હોવા છતાં ધર્મની બીકે ચુપચાપ રહે છે ત્યારે શ્રી મોરારી બાપુ ધર્મને એક સત્યનું હથીયાર બનાવી ને વિના ડરે લોકોને સાચી સમજ આપવાનો પ્રયાસ કરે છે.

શત શત પ્રણામ આવા એક પ્રખર વક્તા અને એક પવિત્ર આત્મા શ્રી મોરારી બાપુને।..