Mohammad Rafi Manthan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Mohammad Rafi

"તુમ મુજે યું ભૂલા ના પાઓગે, જબ કભી ભી સુનોગે ગીત મેરે, સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે"

મિત્રો।.. ઘણા વ્યક્તિઓ અથાગ મહેનત અને લગનથી પોતાની જીંદગી સફળ બનાવે છે, લોકોના પ્રેરણા સ્ત્રોત બને છે.પણ બહુ ઓછા લોકો એવા છે કે જેણે મહેનતથી બીજા લોકોની જીંદગી ખુશીયોથી ભરી છે. કહેવાય છે કે સારા કર્મથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે પરંતુ ક્યારેક કોઈ ઉમદા વ્યક્તિ પોતાના કર્મથી બીજા લોકોને ધરતી પર સ્વર્ગનો અહેસાસ કરાવે છે.

આજે આપણે એવા વ્યક્તિની વાત કરશું જેના માટે કોઈ પણ વિશેષણ નાનું પડે, અથવા તો એમ કહીએ કે તેમનું નામ માત્ર એક વિશેષણ છે.

આ આર્ટીકલ મારા મિત્ર કંદર્પ જાનીને સમર્પિત છે જેમણે મને આ મહાન હસ્તી વિષે ઉજાગર કર્યા।

શ્રી મહોમદ રફી સાહેબ।

તેમની જીંદગી એક દંતકથાનાં નિર્માણ ને બરાબર છે. સંગીતના સમાનાર્થી રફી સાહેબની જીંદગી એ ભારતીય સંગીતને પ્રાપ્ત થયેલ સુવર્ણકાળ હતો. આ અસામાન્ય વ્યક્તિની જીંદગીની ઝલક આપણે આ આર્ટીકલમાં લેવાની કોશિશ કરશું।

રફી સાહેબનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમનું ગામ પંજાબમાં અમ્રિતસર પાસે આવેલ છે. "ફીકો" નામના હુલામણા નામથી ઓળખાતા રફી સાહેબને સંગીતમાં રસ તો બાળપણથી જ હતો. તે જયારે માત્ર 6-7 વર્ષના હતા ત્યારે એક ફકીર તેમના ઘર પાસે ફરતા ફરતા ગીત ગાતા હતો. આ ગીત હતું।.."ખેદન દે દિન ચાર ની માયે,ખેદન દે દિન ચાર" . આ ગીત સાંભળવાનું અને ગાવાનું રફી સાહેબને એટલું સારું લાગ્યું કે તે પણ સાથે સાથે મનમાં જ ગાવા લાગ્યા અને આમ તેમને ગીત ગાવાની એક આદત લાગી ગઈ.

તેમના મોટા ભાઈના મિત્રને રફી સાહેબની આ પ્રતિભાની જાણ હતી અને તેથી તેમને રફી સાહેબને ગીતો ગાવા માટે પ્રોત્સાહિત કર્યા। કિસ્સો કંઇક આમ બન્યો કે શ્રી કે એલ સૈગલ નો સ્ટેજ શો લાહોર માં હતો. પરંતુ પાવર કટ થવાથી માઈક પણ ચાલતું બંધ થયું અને ભીડ ને શાંત રાખવા શ્રી રફી સાહેબને સ્ટેજ પર ગાવાનો મોકો મળ્યો। રફી સાહેબે માઈક વગર એટલી મોટી જનમેદની સામે ગીત ગાયું હતું અને તે સમયે તેમની ઉમર માત્ર 13 વર્ષની હતી. 1941માં તેમને પંજાબી ફિલ્મ "ગુલ બલોચ" માં સૌ પ્રથમ પ્લેબેક સિંગર તરીકે ગાવાનો મોકો મળ્યો। તેમણે પોતાનું પહેલું રેકોર્ડીંગ ગીત "સોનીયે ની , હિરીયે ની" ગાયું હતું। અને તે જ વર્ષે તેમને "ઓલ ઇન્ડિયા રેડિયો લાહોર"માં પણ ગાવાનો મોકો મળ્યો હતો. આ સમયે તેમની ઉમર માત્ર 17 વર્ષની હતી.

રફી સાહેબે સંગીત ની તાલીમ લાહોરમાં ઉસ્તાદ અબ્દુલ વહીદ ખાન, ઉસ્તાદ કરક્તઅલી ખાન,પંડિત જીવનલાલ મટુ અને ફિરોઝ નીઝામી પાસેથી લીધી। કહેવાય છે કે સારો શિક્ષકએ સારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્વળ કરે છે. પરંતુ બધા શિક્ષકો નસીબદાર પણ નથી હોતા જેમને રફી સાહેબ જેવા વિદ્યાર્થી મળે.

1945માં સૌ પ્રથમ તેમને હિન્દી પિકચરનો પહેલો બ્રેક મળ્યો। હિન્દી પિકચરનું નામ હતું "ગાંવ કી ગોરી" અને તેમનું હિન્દી જગતને પોતાના અવાજનું નજરાણું એટલે કે પ્રથમ ગીત " અજી દિલ હો કાબુ મેં તો દિલદાર કી એસીતેસી।.." ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ તેમ તેમની સંગીત જગતમાં પોતાની પક્કડ મજબુત બનવા લાગી।.

1947 કે જયારે ભારત આઝાદ થયું અને ભારતના ભાગલા થયા ત્યારે તેમણે ભારતમાં જ વસવાટ કરવાનું નક્કી કર્યું। 3 વર્ષમાં તે પોતાનો સિક્કો ગાયકી દુનિયામાં જમાવી ચુક્યા હતા. 1948 નો એ મનહુસ દિવસ, જયારે ગાંધીજીની હત્યા થઇ હતી, તે વખતે રફી સાહેબે તેમના સંગીતના મિત્રો સાથે આખી રાત બેસીને એક ગીતની રચના કરી અને તેમણે ગાંધીજીને સમર્પિત કર્યું। ગીત ના બોલ હતા " સુનો સુનો એ દુનિયાવાલો,.. બાપુજીકી અમર કહાની।." આ ગીતને સાંભળવા તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ પોતાના ઘરે રફી સાહેબને આમંત્રણ આપ્યું હતું।

ભારતની આઝાદીના પ્રથમ વર્ષગાંઠે રફી સાહેબનું તેમની સંગીતમાં અદાકારી બદલ સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો હતો. પરંતુ મિત્રો।. આ તો ઉગતો સુરજ હતો.. રફી સાહેબની શરૂઆત માત્ર હતી..

ધીમે ધીમે સમય વીતતો ગયો અને 1950-1960 દશકો એ રફી સાહેબનો બનતો ગયો. અથવાતો આ વાક્યને જરાક મઠારીને લખીએ।.. ધીમે ધીમે સમય વીતતો ગયો અને ભારતીય સંગીત એ રફી સાહેબનું બનતું ગયું। આ સમય દરમિયાન તેઓ દરેક ઉચ કોટીના સંગીતકાર સાથે કામ કરી ચુક્યા હતા અને નસીબદારતો સંગીતકાર પોતાને માનતા હતા કે રફી સાહબ તેમનું કમ્પોઝ કરેલું ગીત ગાતા હતા. આજ સમય દરમિયાન સ્ત્રી ગાયિકામાં શ્રી લતાજી પણ પોતાનું નામ બનાવી ચુક્યા હતા. એટલે કે ભારત સંગીતનો તો સુવર્ણકાળ... રફી અને લતાના અવાજ માટે તો લોકો દીવાના બનતા ગયા. જેમ જેમ રફી સાહેબનું કદ વધતું ગયું તેમ તેમ તેમની સરળતા પણ વધતી ગઈ. જી હા મિત્રો।.. જે લોકોએ રફી સાહેબ માટે કામ કર્યું છે તેમનું કહેવું છે કે રફી સાહેબની હાજરી તે એકદમ સહજ હતી. તેમને જોવા અને સાંભળવા જયારે બહાર લોકોની લાઈન લાગતી ત્યારે તે એકદમ અભિમાન રહિત , કોઈ પણ જાતના અહંકાર વગર તે પોતાનું કામ કરતા। કહેવાય છે કે તે સમયે હિન્દી જગતના હીરોને પણ મીઠી અદેખાઈ આવતી કે પડદા પાછળના વ્યક્તિ ને હીરો કરતા પણ વધારે માન મળે છે. મહાન અભિનેતા શ્રી શમ્મી કપૂર કોઈ પણ પિક્ચર સાઈન કરે તે પહેલા તેમની એક જ શરત હોય કે તેમના ગીત રફી સાહેબ જ ગાય. તેમણે અમુક પીક્ચરતો માત્ર રફી સાહેબને સમય ના અભાવે ગીત ના ગાઈ શકવાથી છોડી હતી. અને આજ એક માત્ર કારણ છે કે આજની તારીખમાં પણ ભારતીય સિનેમા સંગીત પ્રધાન રહી છે. ભારતીય સિનેમાએ સંગીતના જોરે પિક્ચરને સફળ બનાવવી એ રફી સાહેબ પાસેથી જ શીખ્યું છે. એક સમયે સમૂહ ગીતમાં પોતાનો અવાજ આપનારા રફી સહેબનું મુગલે આઝમ પિક્ચરનું ગીત "એ મહોબત ઝીન્દાબાદ" માં રફી સાહેબ ની પાછળ 100 ગાયકો નો અવાજ હતો. તે પણ પોતાનામાં એક રેકોર્ડ છે.

એક ખાસ વાત પણ ધ્યાન રાખજો મિત્રો।. એ જમાનામાં કોઈ પણ સંગીતનું રેકોર્ડીંગ કરવા માટે એક જ વિકલ્પ હતો.. રીઅલ ટાઇમ રેકોર્ડીંગ। એટલે કે ગીત શરું થાય.. અને પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ બ્રેક નહિ... એક સાથે જ ગાયક અને વાજિંત્રો વગાડનાર સાથે બેસીને રેકોર્ડીંગ કરે. છેલી સેકન્ડમાં કોઈ એક વાજીન્ત્રકાર એક નાનકડી ભૂલ કરે અને આખા ગીત નું રીટેક લેવું પડે. આજે જયારે વાજિંત્ર અને ગાયકનું રેકોર્ડીંગ અલગ અલગ થાય છે અને ગાયકના અવાજને પણ ગીત માટે કમ્પ્યુટરથી સુધારી શકાય છે ત્યારે રફી સાહેબનો સુરીલો અવાજ, એક જ બેઠકે ગાયેલા ગીત અને પોતાના લયથીજ અનેક ગીતો ગાઈને ભારતીય સંગીતને મહાન બનાવ્યું

આ દશકામાં તો દિગ્દર્શક રફી સાહેબની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી ને પિક્ચરનું શુટિંગ અને રીલીઝ રાખતા। કદાચ હિન્દી જગતમાં એક ગાયકને આટલું માન માત્ર રફી સાહેબને જ મળ્યું હશે. પરંતુ તેમની મહાનતાનો પરચો તમને એક બનાવ પરથી થઇ જશે. જે સમયે રફી અને લતાનું નામ વધતું ગયું ત્યારે લતાજીએ સંગીતકાર સામે એક શરત મૂકી કે કોઈ પણ ગીત હિટ જાય તો તેના નફાના 5% ગાયકને મળવા જોઈએ। આ માટે તેમણે રફી સાહેબની પણ મંજુરી જોઈતી હતી.લતાજી જાણતા હતા કે એક વખત રફી સાહેબ માની જશે તો લતા-રફી ને જોડીને કોઈ ના નહિ કઈ શકે. પરંતુ નિરાભિમાની રફી સાહેબે જણાવ્યું કે કોઈ પણ ગાયકને ગાવાના રૂપિયા પહેલાથી જ મળી જાય છે પછી ગીત હીટ જાય કે ફ્લોપ। તો પછી શા માટે વધારાના રૂપિયાની ડીમાંડ કરવી? આમ કહી તેમણે લતાજીની ઓફર ઠુંકારવી દીધી। અને ત્યાર બાદ રફી સાહેબ અને લતાજી વચે મતભેદો શરુ થયા. ત્યાર બાદ એક ગીત ("તસ્વીર તેરે દિલ મેં") ના રીહર્સલમાં લતાજી અને રફી સાહેબ વચે કોઈ મતભેદ સર્જાયો અને ત્યાર બાદ લતાજીએ રફી સાહેબ સથે ગીત ગાવાનું છોડી દીધું।

મિત્રો।. લગભગ 6 વર્ષ સુધી રફી સાહેબ અને લતાજીએ એક પણ ગીત સાથે ગાયું ના હતું। બાદમાં શ્રી એસ ડી બર્મન સાહેબ ની સમજાવટ થી લતાજીએ રફી સાહેબ સાથે ગાવાનું શરુ કર્યું। કહેવાય છે કે માત્ર એસ ડી બર્મન સાહેબ નહિ પરંતુ સંગીતના ધુરંધરો જેવાકે મુકેશ, તલત, જય કિશન વગેરે લોકો એ પણ તેમના ઉમદા પ્રયત્નો લતાજી ને સમજાવવા કર્યા હતા । છે ને અજબ વાત? રફી સાહેબ એ કોઈ રૂપિયાના મોતાજ થોડી હતા.. મિત્રો।. રફી સાહેબે કોઈ દિવસ પોતાના ગીતો માટે ભાવતાલ નથી કર્યો। અને પૈસાની બાબત લઈને કોઈ પણ ગીત પડતું નથી મુક્યું। જે તે સમયના દિગ્ગજોએ પણ પૈસાની બાબતને મુદો બનાવીને કામ છોડી ચૂકેલ હતા. નાણાકીય પ્રશ્નને સમજી રફી સાહેબે સંગીતકાર નિસાબ વાસ્મી માટે માત્ર 1 રૂપિયામાં ગીત ગાયેલ છે. અને અમુક સંગીતકારને તો રફી સાહેબ ગાવા ઉપરાંત નાણાકીય મદદ પણ કરતા હતા.

આજ કાલ તો ધર્મ નિરપેક્ષતા, સેક્યુલારિઝમ વગેરે વગેરે શબ્દો સાંભળીને ભલભલા ભાષણ ઠોકી દે છે. પણ ધર્મ નિરપેક્ષતા તો કોઈ રફી સાહબ પાસે થી શીખે।. મુસલમાન ધર્મ એકદમ વિશ્વાસથી પાળતા શ્રી રફી સાહેબ કોઈ દિવસ મદિરાપાન ના કરતા। પરંતુ તેમના મદિરા સંબંધિત ગાયનોનો કોઈ તોડ નથી. " છલકાયે જામ..." , "દો ઘૂંટ મૈને પી ઔર સૈર દુનિયા કી ", “આજ ઇસ દર્જા પીલા દો કે ના કુછ યાદ રહે”, “જંગલ મેં મોર નાચા કીસીને ના દેખા” વગેરે ગીતો સાંભળીને નશા કરતી વ્યક્તિ જુમી ઉઠે છે.

અને દરેક ધર્મ બીજા ધર્મને સમ્માન આપવાનું શીખવાડે છે તેમ રફી સાહેબ પણ હિંદુ ધર્મ અને તેમના ગીત, ભજનોને એકદમ ભાવ પૂર્વક ગાયા છે.

"શિરડી વાલે।. સાઈ બાબા।." "ગોવિંદા આલા રે... આલા..." જેવા ગીતો હવે એક પ્રાર્થનાનું રૂપ ધારણ કરી ચુક્યા છે અને આ ગીતોને અમર બનાવવા રફી સાહેબનો અવાજ અને તેમની સંગીત માટેની બંદગી જવાબદાર છે. અને ચોંકીના ઉઠતા પરંતુ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ દેશ ભક્તિના ગીત અને હિંદુ ધર્મના ભજનો ગાવામાં રફી સાહેબનો રેકોર્ડ છે.અને વિધાતાના લેખ કે રફી સાહબને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે કાલી માતાનું ગીત પર રીયાઝ કરી રહ્યા હતા.

ઉર્દુ, હિન્દી અને પંજાબી સારી રીતે જાણતા રફી સાહેબે મોટા ભાગના ગીતો હિન્દી માં ગાયાં છે પરંતુ સૌથી વધુ ભાષામાં ગીતો ગાવાનો વર્લ્ડ રેકોર્ડ રફી સાહેબના નામે છે. તેમણે ભારતની 14 ભાષાઓ અને 4 વિદેશી ભાષાઓમાં અનેક ગીતો ગાયા છે. અને તેમાં ગુજરાતી પણ સામેલ છે। સમય મળે તો તેમના ગુજરાતી ભાષાના ગીતો જરૂર થી સાંભળજો।.. " કહું છુ જવાની ને। .." અને "દિવસો જુદાઈ ના જાય છે"" એ ગુજરાતી ભાષામાં ગાયેલા ગીતો છે. અને તેમની અજ્ઞાત ભાષા પરની પકડ તો લાજવાબ છે. આપણે પણ ગુજરાતી ભાષાને એટલું સરસ ઉચ્ચારણ નહિ કરતા હોઈએ તેટલું સ્પ્ષ્ટ ઉચ્ચારણ રફી સાહેબે કર્યું છે. ( જો તમને રફી સાહેબના ગુજરાતી ગીતો જોઈતા હોય તો કોઈ પણ સમયે મને email કરજો manthanchhaya@gmail.com , મને રફી સાહેબના ગુજરાતી ગાયનો તમને આપવામાં આનંદ આવશે )

મોટા ભાગની ભારતીય ભાષામાં ગીત ગાઈ ચુકેલા રફી સાહેબે કોઈ મલયાલમ ભાષામાં ગીત ગાયું નથી. રફી સાહેબ માનતા કે તેમનું ઉચ્ચારણ બહુ કપરું છે. પરંતુ 1980માં મલયાલમ પિક્ચરના દિગ્દર્શક અને રફી સાહબના પ્રશંશકે મલયાલમ ભાષાની પિકચરમાં હિન્દી ભાષામાં ગીત ગવડાવ્યું।

5000 થી વધુ ગીત ગાઈ ચુકેલા રફી સાહેબ (કોઈ વ્યક્તિ તો આ આંકડો 26000 સુધીનો આંકે છે) 162ની આસપાસ ગીતો બીજી ભાષામાં ગાયા છે. અને તે સમયે બે અંગ્રેજી આલ્બમ પણ આપી ચુક્યા હતા .

અનેક ગીતો ગાયા બાદ રફી સાહેબ ખુદ સંગીતકારને પણ સલાહ આપતા। "કાશ્મીર કી કલી" પિકચરનું ગીત ""યે ચાંદ સા રોશન ચેહરા" ની છેલ્લી લાઈન "તારીફ કરું ક્યાં ઉસકી જિસને તુમ્હે બનાયા" તે 6-7 વખત ગાય છે. અને દરેક વખતે તેમણે એક નવા લયમાં લાઈન ગાઈ છે. કહેવાય છે કે કોઈ પણ કલાકારને પોતાની એક સીમિત મર્યાદા હોય છે પરંતુ આ વાક્ય રફી સાહેબ માટે સાચુ નથી.

ચર્ચા માટે કોઈ પણ વિષય લાવતા લોકો કહે છે કે કોણ મહાન? રફી કે કિશોર કુમાર? વાસ્તવિક જીંદગીમાં બેય મિત્રો હતા પરંતુ કિશોર કુમાર રફી સાહેબને પોતાના ગુરુ માનતા હતા. "તુમ બિન જાઉં કહા" ગીત એ બેય કલાકારોએ ગાયેલ ગીત છે..પરંતુ તે ગીત અલગ પરિસ્થિતિમાં અને અલગ કિરદાર માટે પિકચરમાં દર્શાવેલ છે. મિત્રો।... "શરારત" અને "રાગીણી" નામની પિકચરમાં કિશોર કુમારે ખુદ પોતા માટેના ગીત રફી સાહેબ પાસે ગવડાવ્યા છે. અને રફી સાહેબે માત્ર ગાયન જ નહિ, 2 પિકચરમાં અભિનય પણ કર્યો છે. આ પિક્ચર છે "લૈલા મજનું" અને "જુગનું". આ બંને પિક્ચર પોતાના નાણા કમાવવા સફળ રહી હતી.

એક અદભુત કિસ્સો જાણીને નવાઈ લાગશે। એચ એમ વી નામની કમ્પનીએ એક આલ્બમ બહાર પડવાનું વિચાર્યું। " સેડ સોન્ગ્સ ઓફ રફી" આ માટે તેમને રફી સાહેબનો ઉદાસ ચહેરા વાળો ફોટો જોઈતો હતો. તેમણે અત્યાર સુધીના હયાત દરેક ફોટાને જોયા ત્યારે તેમને ખબર પડી કે એક પણ ફોટામાં રફી સાહેબનો ફોટો ઉદાસ ના હતો. આથી તેમણે રફી સાહેબને એક ઉદાસ ફોટો પડાવવા માટે આમંત્રણ આપ્યું। પણ જયારે પણ ફોટો પડતો ત્યારે રફી સાહેબનો ચહેરો હસતો જ થઇ જતો.. લગભગ 20-25 પ્રયત્નને અંતે આખરે ફોટોગ્રાફરે પણ કહ્યું કે રફી સાહેબ ને ઉદાસ કરવું એ તો અશક્ય છે. આખરે કમ્પનીએ હાર માની અને તેમનું આલ્બમ રજુ કર્યું પણ રફી સાહેના હસતા ચહેરા સાથે।.

સદા હસતા અને પ્રસન્ન રહેતા રફી સાહે બનો શોખ પતંગ ઉડાડ્વો અને બેડમિન્ટન રમવાનો હતો. તે અત્યંત દાનવીર હતા. તેમના મૃત્યુના 1 વર્ષ પહેલા તેમણે લગભગ 88,000 રૂપિયાનું દાન કરેલ હતું। આજના જમાનામાં તેની કીમત 1 કરોડ થી પણ વધારે છે. સાચા દાનવીર તો તે કહેવાય કે જે પોતાના દાનનો ઢંઢેરો ના પીટે। આજના યુગમાં તો પ્રખ્યાત વ્યક્તિઓ દાન કરે છે કે પોતાના નામનું માર્કેટિંગ કરે છે તે જ નથી ખબર પડતી। એક રસપ્રદ કિસ્સો જાણવાની મજા આવશે। રફી સાહેબ તેમનાપડોશમાં રહેતા એક વિધવા વ્યક્તિને દર મહીને મની ઓર્ડર કરતા। અને વિધવા સ્ત્રીને એમ હતું કે સરકારની કોઈ યોજનાનો તેમને લાભ મળે છે. રફી સાહેબના અવસાન બાદ જયારે આ સ્ત્રીને રૂપિયા મળતા બંધ થયા ત્યારે તેમણે પોસ્ટ ઓફિસમાં જઈને ફરિયાદ કરી. ત્યારે જાણવા મળ્યું કે તેમને રૂપિયા મહાન વ્યક્તિ શ્રી રફી સાહેબ દ્વારા મળતા હતા. આને કહેવાય દાન.

31 જુલાઈ, 1980 નો દિવસ। જયારે સ્વર્ગના લોકોએ સુરીલા સંગીત માટે તેમના દરવાજા ખોલ્યા। શ્રી રફી સાહેબને સવારે હ્રદયમાં પીડા થઇ. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પરંતુ વિધાતાને એ મંજુર ન હતું કે તે સ્વર્ગના લોકોને અલૌકિક અવાજથી દુર રાખે। રાતના 10.30 વાગ્યે તેમને સ્વર્ગમાં પ્રવેશ મળી ચુક્યો હતો અને તેમની સુવાસ તેમના સુરીલા અવાજ સાથે પૃથ્વી પર ગુંજતો રહ્યો।

મુંબઈમાં તેમની અંતિમ વિધિમાં તેમના અંતિમ દર્શન માટે અકલ્પનીય ભીડ જમા થઇ હતી. મુંબઈએ જોયેલી એકસાથે આ સૌથી વધારે ભીડ હતી. અને સાચી શ્રધાંજલિ તો એ હતી કે તેમની અંતિમ વિધિમાં ધોધમાર વરસાદ ચાલુ હતો. તેમ છતાં આટલી ભીડ જમા થઇ હતી. તેમની અંતિમ વિધિ વખતે લેવાયેલ વિડીયો ઘણી પિકચરમાં મોટી ભીડ દર્શાવા માટે આવે છે. ભારત સરકારે 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. અને રફી સાહેબના માનમાં 2 દિવસની જાહેર રાજા રાખવામાં આવી હતી.

ભારતના દરેક ખૂણેથી લોકો રફી સાહેબના અંતિમ દર્શન માટે આવ્યા હતા તેમાંના એક જાણીતા ગાયક શબ્બીર કુમાર પણ હતા. શ્રી શબ્બીર કુમાર દુખી હ્રદયે રફી સાહેબ માટેની કબર પર રેતી દુર કરતા હતા ત્યારે તેમની બોલપેન અને ઘડિયાળ તેમાં પડી ગયા. શ્રી શબ્બીર કુમારે તે પાછા નહોતા લીધા। અને તે વાત ને યાદ કરીને શબ્બીર કુમાર કહે છે કે " મારી બોલપેન અને ઘડિયાળ રફી સાહેબ માટે સમર્પિત કર્યા અને તેજ બોલપેન થી રફી સાહેબે મારી નિયતિ લખી અને ઘડિયાળથી મારો સમય બદલી નાખ્યો।" શબ્બીર કુમાર તેમની સફળતામાટે રફી સાહેબના આશીર્વાદ ને યશ આપે છે.

ઘણા લોકોએ શ્રી કિશોર કુમારને રફી સાહેબની કબર પાસે કલાકો સુધી રડતા જોયા છે.

એક કેદીને ફાંસીની સજા ફરમાન થયેલી હતી. તેમને પૂછવામાં આવ્યું કે તમારી આખરી ઈચ્છા શું છે તો તેમનો જવાબ તે કેદીએ આપ્યો કે મારે રફી સાહેબ નું ગીત " ઓ દુનિયા કે રખવાલે" સાંભળવું છે. આને કહેવાય દૈવી અવાજ।

ભારતના શ્રેષ્ઠ કલાકાર શ્રી કિશોર કુમાર, શ્રી સોનું નિગમ, શ્રી મહેન્દ્ર કપૂર, શ્રી મહોમદ અઝીઝ વગેરે રફી સાહેબને પોતાના ગુરુ માંને છે.

મિત્રો।.. મારો આ એક નાનો પ્રયાસ મહાન વ્યક્તિ માટે કરેલ છે. ભૂલચૂક થઇ હોય તો માફ કરશો।..

મહાન આત્મા શ્રી રફી સાહેબને સાચી શ્રધાંજલિ તેમના ગીતોને સાંભળવાથી થશે. મારી ખાસ ભલામણ છે કે હુસા તુસી અને મહાન કોણ એ વાતમાં કોઈ દિવસ રફી સાહેબને આંકશો નહી.

જેમ શાંતિના દૂત મહાત્મા ગાંધીને કોઈ દિવસ શાંતિ પુરસ્કાર નથી મળ્યો કેમ કે તે મહાત્માને કોઈ સાથે આંકીને તેમને પ્રથમ ક્રમઆપવો એ આપણી ઓકાતની બહાર છે. તેજ રીતે રફી સાહેબને કોઈ પણ વ્યક્તિ સાથે સરખાવી ને તેમને ક્રમ આપવો, તેમના રેકોર્ડ્સ ગણવા તે તો આપણી મુર્ખામી છે.

અંતમાં મને એક ગાયન યાદ આવે છે...

" ના ફનકાર તુજ સા તેરે બાદ આયા, મુહમદ રફી તું બહુત યાદ આયા"