Juhu Beach - 1 books and stories free download online pdf in Gujarati

જુહુ બીચ-૧

જુહુ બીચ-૧

મુંબઇના જુહુ બીચ પર સવારના કિરણો પ્રસર્યા જ હશે કે એક હલચલ મચી ગઇ. બીચની સુંવાળી રેતી ઉપર પત્થરોનો એક સમુહ હતો, એ સમુહ વચ્ચે એક ટીનએજ યુવતીની લાશ પડી હતી અને તેની આસપાસ સવારે મોર્નિગ-વોક માટે આવતા લોકોનું ટોળુ જમાં થયુ હતુ. તેમાંથી કોઇએ પોલીસને ફોન કર્યો હતો એટલે મારતી જીપે ઇન્સ. નવીન શીંદે ત્યા આવી પહોચ્યો....તેની સાથે બે-ત્રણ કોન્સ્ટેબલો પણ હતા. નવીન શીંદેએ લોકોને દુર ખસેડયા અને તપાસમાં જોતરાયો.

મરનાર હતભાગી યુવતી લગભગ ૧૭-૧૮ વર્ષની જણાતી હતી. તેના કપડા અસ્ત-વ્યસ્ત હતા જેના ઘણા સુચીતાર્થો નિકળતા હતા. મ્રૃત અવસ્થામાં પણ તે ઘણી રૂપાળી દેખાતી હતી. તેની ડેડબોડી પાસે કોલેજીયનો રાખે તેવી બેગ પડી હતી. શીંદેએ બેગ તપાસી. બેગમાં કઇંજ ન હતુ.....શીંદેએ તાબડ-તોબ પોલીસ ફોટોગ્રાફર અને ફોરેન્સીક ટીમને બોલાવી લીધી. ફોટોગ્રાફરે લાશના વિવિધ એંગલથી ફોટા પાડયા એટલે લાશને પોસ્ટમાર્ટમ માટે એંમ્બ્યુલન્સમાં હોસ્પિટલે રવાના કરવામાં આવી.

ત્યારબાદ ત્યાં ઉપસ્થિત લોકોના બયાન નોંધવામાં આવ્યા. બધાનુ એક જ કહેવાનુ હતુ કે તેઓ જ્યારે મોર્નિગ-વોક માટે અહી આવ્યા એ પહેલાની તે યુવતીની લાશ અહી પડી હતી.

ઇન્સ. નવીન શીંદેને હેરાની એ વાતની હતી કે તે યુવતીની ઓળખાણ થઇ શકી નહોતી. યુવતીનુ નામ, સરનામું, કંઇજ તેની ડેડબોડી પરથી જાણવા મળ્યુ નહી....આવા વિશાળ મુંબઇ શહેરમાં એક યુવતીની ઓળખ મેળવવી ખરેખર અઘરી બાબત હતી. શીંદે પોલીસ થાણે આવ્યો અને ફોટોગ્રાફરે યુવતીની જે તસ્વિરો લીધી હતી એ મુંબઇના તમામ પોલીસ સ્ટેશનોમાં સરક્યુલેટ કરાવી જેથી જો કોઇ જગ્યાએ આ યુવતીની મિસિંગ કંપ્લેઇન લખાણી હોય તો માલુમ પડે.

પરંતુ સાંજ સુધીમાં એવી કોઇ જ માહીતી મળી નહી જેનાથી તે હતભાગી યુવતીની ઓળખ થઇ શકે. ઇન્સ. શીંદેએ તે યુવતીની તસવીર આવતી કાલના અખબારમાં છપાવવાનું નક્કી કર્યુ અને તે પોતાની ડ્યુટી પુરી કરી ઘરે ગયો......

બીજા દિવસે સવારે તે હજુ તેના ઘરમાં તૈયાર થતો હતો કે પોલીસ ચોકીથી તેના સેલફોનમાં ફોન આવ્યો. ફોન પર ચોકીનો કોન્સ્ટેબલ હતો અને તેણે જે કહયું એ સાંભળીને શીંદેનુ મોં આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયુ....તે ફટાફટ તૈયાર થયો અને મારતી જીપે ફરી વખત જુહુ બીચે પહોચ્યો.....ગઇકાલે જ્યાં પેલી યુવતીની લાશ પડી હતી એ પત્થરોના સમુહથી થોડે જ દુર આજે એક યુવાન અને એક યુવતીની લાશો પડી હતી....

---------------------------------------------------------

પુરો એક દીવસ વીતી જવા છતા જુહુ બીચ પર મરનાર એ ત્રણ વ્યક્તિઓ વીશે શીંદેને કોઇ જ ઇન્ફોરમેશન મળી નહોતી. ઇવન કે તેમના નામ સરનામા પણ જાણવા મળ્યા નહોતા. બીજા દીવસે રાજયભરમાંથી પ્રગટ થતા ન્યુજ-પેપરોમાં એ વ્યક્તિઓની ફોટો સહીતની ડીટેલ છાપવામાં આવી હતી. આ ઉપરાંત જો રાજ્યના કોઇ પોલીસ સ્ટેશનમાં તેમની મિસિંન્ગ કંમ્પલેન લખાવાય હોય તો તેની માહીતી મંગાવાય હતી.

બપોર થતા સુધીમાં ઇન્સ. નવીન શીંદેના ટેબલ પર એ માહીતી આવી ચુકી હતી. રાજ્યભરમાં કોઇ જ જગ્યાએ એ ત્રણમાંથી એકપણ વ્યક્તિની કોઇ જ કંમ્પલેન દર્જ કરાવામાં આવી નહોતી. નવીન શીંદેને ભારે નીરાશા ઉપજી... તેણે જુહુ બીચ પર સીક્યોરીટી ગોઠવી દીધી હતી એટલે બીજા દિવસે ત્યાં કોઇ ઘટના ઘટી નહોતી. તેમ છતાં તેને સંતોષ નહોતો થયો. તેણે પોલીસખાતામાં જેટલા પણ ખબરીઓ હતા એ તમામને કામે લગાવ્યા હતા કે કયાંક કોઇક જગ્યાએથી કંઇક કોઇ સગડ મળે...

ત્રણ-ત્રણ ખુન થયા હતા અને તે પણ જુહુ બીચ જેવી ફેમસ જગ્યાએ એટલે હોબાળો તો મચવાનો જ હતો. મહારાષ્ટ્રના ઉચ્ચ અધીકારીઓ અને મુંબઇના પી.સી. એ પર્સનલ ઇન્ટરસ લઇને આ કેસ સંભાળતા ઇન્સ.નવીન શીંદે સાથે વાતચીત કરી હતી એટલે નવીન શીંદેનું ટેન્શન વધ્યુ હતુ. ન્યુઝ પેપરમાં એડ આપવા છતાં સાંજ સુધીમાં મૃત વ્યક્તિઓના સગામાંથી કોઇ જ આગળ આવ્યુ નહોતુ કે નહોતી તેના ખુનીની કોઇ ભાળ મળી. જાણે સાવ હવામાં આ કેસ અધ્ધર લટકતી હોય એવી પરીસ્થીતી સર્જાય હતી.

“ શર્મા... એક કામ કર. મહારાષ્ટ્ર સીવાયના રાજ્યોનાં પોલીસ સ્ટેશનોમાં આ માહિતી સરક્યુલેટ કરાવો. ત્યાંથી માહિતી મંગાવો કે આ વ્યક્તિઓની કોઇ મીસીંગ કંમ્પ્લેઇન તેમની પાસે આવી છે કે નહિ...” શીંદેએ કોન્સ્ટેબલ શર્માને કહયુ.

“ જી સર...” કોન્સ્ટેબલ શર્માએ કહયુ અને તે કામે લાગી ગયો. ઇન્સ.શીંદેનો એ આઇડીયા કામ કરી ગયો. સાંજ સુધીમાં જ ગોવા પોલીસ તરફથી જાણકારી મળી હતી કે જે અઢાર(૧૮) વર્ષની તરુણીનો ફોટો મોકલવામાં આવ્યો હતો એ તરુણીના ગુમ થયાની ફરીયાદ ગોવાના એક પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ઇન્સ.શીંદેએ તાબડતોબ એ યુવતીના પરીવારજનોને મુંબઇ આવી જવાનો મેસેજ મોકલ્યો. એ યુવતીના પરીવારમાં ફક્ત તેની માં મેરી ડીસોઝા હતી. તે તાબડતોબ મુંબઇ આવવા રવાના થઇ. મરનાર કમભાગી યુવતીનું નામ એલી ડીસોઝા હતુ.

હજુ બીજા દિવસે સવારે જુહુ બીચ પર મળેલી યુવક અને યુવતીની લાશની ઓળખ થઇ શકી નહોતી. તે કોણ હતા, તેનો ખુની કોણ હતો... ? અને કયા કારણોસર તેમના ખુન થયા હતા એ હજુ રહસ્ય જ રહયુ હતુ. મેરી ડીસોઝા મુંબઇ પહોંચે એ પછી આ કેસ પર રોશની પડે એમ હતી.

------------------------------------------

ગોવાથી નીકળેલી મેરી ડીસોઝા છેક બીજા દિવસે બપોરે મુંબઇ પહોંચી. તે સીધી જ જુહુ પોલીસ સ્ટેશને પહોંચી અને પોતાની દીકરી એલી વિશે પુછયુ. ત્યાં ઉપસ્થીત કોન્સ્ટેબલે તેને એલીના મૃત્યુ વિશે જાણકારી આપી. મેરી ડીસોઝાને પ્રથમ તો વિશ્વાસ જ ન થયો કે તેની પુત્રી એલી હવે આ દુનીયામાં રહી નથી... તેની આંખોમાં આંસુ ધસી આવ્યા. તેનુ સર્વસ્વ લૂંટાઇ ગયુ હતુ. આ દુનીયામાં તે અને તેની પુત્રી બે જ વ્યકિતઓ જ હતા... અને હવે તેની વહાલસોયી દીકરી એલી તેને છોડીને ચાલી ગઇ હતી.

મેરી ડીસોઝાને શીંદેના કેબીનમાં લઇ જવામાં આવી. એ બુઢ્ઢી ઓરતની આંખોમાંથી આપમેળે આંસુઓ ઉભરાતા હતા. શીંદેએ તે સ્વસ્થ થાય ત્યા સુધી ધીરજ રાખી. તેને ખુરશીમાં બેસાડી પાણી પાયુ. થોડીવારમાં તે સ્વસ્થ થઇ.

“ મેરી ડીસોઝા....તમારી ડોટર એલી ડીસોઝા ગુમ થયાની ફરીયાદ તમે ગોવા પોલીસમાં લખાવી હતી. રાઇટ....?” શીંદેએ પુછયુ.

“ જી સર....”

“ કેટલા દીવસ પહેલા...?”

“ એલી અઠવાડીયા પહેલા ઘરેથી કહ્યા વગર નીકળી હતી. તેનાં બે દીવસ બાદ મેં ફરીયાદ નોંધાવી હતી.”

“ બે દીવસ બાદ કેમ...?” શીંદેને આશ્ચર્ય થયુ.

“ સાહેબ....તે દીવસે મારી અને એલી વચ્ચે ઝઘડો થયો હતો. તે ગુસ્સામાં જ ઘર છોડીને ચાલી નીકળી હતી. મને એમ હતુ કે તે તેનાં કોઇ ફ્રેન્ડના ઘરે જશે અને ગુસ્સો શાંત થતા આપમેળે પાછી આવતી રહેશે.....કારણકે આ પહેલા પણ એકવાર આવુ થયુ હતુ અને બે દીવસ બાદ તે આપમેળે પાછી આવતી રહી હતી. પરંતુ આ વખતે બે દીવસ વીતી જવા છતાં તે પાછી ન ફરી એટલે મેં તેના મિત્રોને ફોન કર્યા. તે ત્યાં નહોતી એટલે પછી મેં પોલીસ સ્ટેશને કંપ્લેઇન દર્જ કરાવી.”

“ અચ્છા...તમને કોઇ આઇડીયા છે કે તેનું ખૂન કોણ કરી શકે...?”

“ નહી સાહેબ....મને તો એ વાતનો વિશ્વાસ જ નથી થતો કે તેનુ ખૂન થયુ છે. એ ઉપરાંત તે ગોવાથી અહી મુંબઇ કેવી રીતે પહોંચી એ પણ સમજાતુ નથી....” મેરીએ કહયુ.

“ હંમમ્....ઓ.કે.....આ ફોટોગ્રાફ જુઓ.....આમાંથી તમે કોઇને પહેચાનો છો....?” શીંદેએ મેરીને જુહુ બીચ પર બીજા દીવસે મળેલી લાશોના ફોટોગ્રાફ્સ બતાવ્યા. મેરી તે બન્ને માંથી કોઇને ઓળખતી નહોતી. શીંદેને નીરાશા થઇ.

“ અચ્છા મીસીસ ડીસોઝા......એલી પાસે કોઇ ફોન હતો ખરો....?”

“ જી.....હતો.....”

“ મને નંબર આપો.....” શીંદેએ કહ્યું. મેરીએ એલીનો મોબાઇલ નંબર લખાવ્યો. શીંદેએ તાત્કાલીક ઘોરણે એ નંબરની કોલ-ડીટેલ તેના સર્વિસ પ્રોવાઇડર કંપની પાસેથી મંગાવી.....કલાકની અંદર એ ડીટેલ તેના ટેબલ પર હતી. શીંદે ધ્યાન પૂર્વક એ ડીટેલ ચેક કરવા લાગ્યો. એલીના મોબાઇલ ઉપર સૌથી વધુ એક નંબર પરથી કોલ થયા હતા એ તેના ધ્યાનમાં આવ્યુ. એ નંબર મુંબઇનો હતો.....શીંદે અવિશ્વાસ ભરી નજરે એ નંબરને તાકી રહ્યો. ગોવાની એલી ને મુંબઇથી આટલા બધા કોલ કોણે કર્યા હતા....?

---------------------------------

ગોવાની એલીને મુંબઇના લોકલ ફોન પરથી કોણ ફોન કરતુ હશે...? ઇન્સ.શીંદે વિચારમાં પડયો. તેણે તાબડતોબ એ નંબર કોનો છે અને કયા એરીયાનો છે એ તપાસ કરવાનો હુકમ આપ્યો.

અડધા કલાકની અંદર એ ઇન્ફોરમેશન તેને મળી... એલીને જે નંબર પરથી કોલ થયા હતા તે નંબર મુલુંડના કોઇ પી.સી.ઓ. નો હતો. તે નંબર રાજુ મ્હાત્રે નામના કોઇ શખ્સના નામે રજીસ્ટર થયેલો હતો. ઇન્સ.શીંદે ફટાફટ જીપમાં સવાર થયો અને જીપને મુલુંડની દિશામાં ભગાવી.

થોડી જ વારમાં તે રાજુ મ્હાત્રેની દુકાન પાસે આવીને ઉભો રહયો. તે એક સામાન્ય પ્રોવીઝન સ્ટોર હતો. સ્ટોરની બહાર જ પી.સી.ઓનુ કેબીન હતુ. શીંદે એ કેબીનને તાકી રહયો પછી તે પ્રોવીઝન સ્ટોરના થડા ઉપર બેસેલા એક વ્યકિત તરફ આગળ વધ્યો.

“ રાજુ મ્હાત્રે તું જ છે...?” તેણે થડાપર બેઠેલી વ્યકિતને પુછયુ.

“ હો સાહેબ... કશા ઝાલા...?” તે વ્યકિત પોતાની દુકાને પોલીસવાળાને આવેલા જોઇને ગભરાઇ ગયો હતો.

“ આ નંબર તારો જ છે...?” શીંદેએ એલી ઉપર આવેલા કોલનો નંબર કહયો.

“ હો સાહેબ...”

“ આ નંબર પરથી બહુ બધી વાર ગોવાના એક મોબાઇલ પર કોલ થયા છે... લગાતાર મહીનાઓ સુધી. તું જાણે છે... તારા પી.સી.ઓ. પર વારેવારે ફોન કરવા કોણ આવે છે એ...?” શીંદેએ પુછયુ.

“ સાહેબ.. આ એક સાર્વજનીક પી.સી.ઓ. છે. અહી આજુ-બાજુ રહેતા ઘણા લોકો વારંવાર ફોન કરવા આવતા હોય છે. હવે એ બધા તો મને કેમ યાદ રહે...? વળી મારુ ધ્યાન પી.સી.ઓ. કરતા આ પ્રોવીઝન સ્ટોરમાં વધુ રહે છે.” રાજુ મ્હાત્રે એ કહયુ.

શીંદે વીચારમાં પડયો. મ્હાત્રેની વાત પણ સાચી હતી. આ ઉપરાંત આ પી.સી.ઓ. મુખ્ય રસ્તા પર હતો એટલે કોઇપણ વ્યકિત અહી આવીને ફોન કરીને જતુ રહે તો પણ દુકાનદારને ખબર ન પડે. શીંદે નીરાશ થયો છતા તેણે આશા ન છોડી.આખરે તે એક પોલીસમેન હતો. અને તે જાણતા હતો કે પોલીસવાળાઓ ધરે તે કરી શકે છે.

“ અચ્છા મ્હાત્રે... તું તારા દિમાગ પર જોર લગાવીને યાદ કરવાની કોશીષ કર કે કોઇ એવી વ્યકિત સતત અહી આવતી હોય અને ફોન કરતી હોય કે જે તને વિચિત્ર લાગતી હોય... મતલબ કે ઘણી વખત બને છે ને કે કોઇ વ્યકિત કે વસ્તુ આપણને અચાનક કોઇ કારણો વગર મનમાં ખટકે... તને સમજાય છે મારી વાત...? આ વ્યકિતએ લગાતાર, વારંવાર લાંબા સમય સુઘી તારા પી.સી.ઓ. ઉપરથી ફોન કર્યા છે એટલે કયારેક તો એવુ થયુ હોય કે એની કોઇ વાત તને યાદ રહી ગઇ હોય...” શીંદેએ વિસ્તારથી રાજુને સમજાવ્યુ. રાજુ મ્હાત્રે વીચારમાં પડયો. તેણે મગજ ઉપર જોર દઇને યાદ કરવાની કોશીષ કરી... અને અચાનક તેને કંઇક યાદ આવ્યુ...

“ હાં સાહેબ... એક છોકરો છેલ્લા છ-એક મહિનાથી લગાતાર અહી ફોન કરવા આવે છે...” રાજુ બોલ્યો.

“ શાબાશ..” શીંદે ઉછળી પડયો.

--------------------------------

“ શાબાશ મ્હાત્રે....” શીંદે ઉછળી પડયો. “ એ છોકરામાં એવુ તો શું વિચિત્ર લાગ્યુ તને...? “

“ સાહેબ....તેની એક વાત મને બહુ ખટકી હતી, અને તે એ કે તે યુવાન હંમેશા રીક્ષામાં બેસીને જ અહી આવે છે. તેની પાસે ક્યારેય કોઇ બાઇક કે સ્કુટર મે જોયુ નથી... હવે તમે જ કહો સાહેબ કે આજના જમાનામાં આ બાબત ખટકે કે નહી...? અને બીજી વાત....નાના છોકરાઓ પણ મોબાઇલ રાખતા થઇ ગયા છે જ્યારે આ મહાશય ન જાણે કેટલે દુરથી અહી લોકલ ફોનમાં કોલ કરવા આવતો હશે...? પાછો એકાતરે અહી આવ્યો જ હોય. આ તેનો જાણે રુટીન ક્રમ બની ગયો છે. પણ મારે તેનું શું હે....? મારે તો હું ભલો અને મારુ કામ ભલુ. પણ તે રીક્ષામાં બેસીને આવતો ન હોત તો કદાચ મને યાદ આવ્યુ ન હોત..” મ્હાત્રે બોલ્યો.

“ હંમમ.....” શીંદે બબડયો. સો ટકા આ જ તેનો શીકાર છે એવુ તેને લાગ્યુ...” ક્યારે આવે છે એ છોકરો...?”

“ હવે જુઓને એક દીવસ છોડીને દર બીજા દીવસે તે અહી આવે છે. ગઇકાલે તે નહોતો આવ્યો , તેનો મતલબ કે આજે તે આવવો જોઇએ...” મ્હાત્રે બોલ્યો એટલે તરત જ શીંદેએ પી.સી.ઓ. ની આસ-પાસ સાદા કપડામાં પોલીસવાળા ની વોચ ગોઠવી દીધી અને રાજુ મ્હાત્રે ને સમજાવ્યુ કે જેવો પેલો યુવાન દેખાય એટલે તરત તે ઇશારો કરી દે.....શીંદે પણ પોઝીશન લઇને ઉભો રહી ગયો.

તેઓને વધુ ઇંતેજાર કરવો પડયો નહી. લગભગ કલાક બાદ એક રીક્ષા રાજુના પી.સી.ઓ. કમ પ્રોવીઝન સ્ટોર પાસે આવીને અટકી. તેમાથી વીસ-બાવીસ વર્ષનો એક નવયુવાન ઉતર્યો અને રાજુને સ્માઇલ આપી પી.સી.ઓ.માં ઘુસ્યો. રાજુ મ્હાત્રેએ ઇશારાથી શીંદે ને જણાવ્યુ કે આ જ તે યુવાન છે. શીંદેએ તેના બધા માણસોને ઇશારો કર્યો એટલે બઘાએ ચારે બાજુથી પી.સી.ઓ. ને ઘેરી લીધો. શીંદે હળવે રહીને કેબીનમાં ઘુસ્યો.

“ શું છે ભાઇ.....તુ બહુ ફોન કરે છે લોકોને કંઇ....?” શીંદેએ પેલા યુવાનને કહયુ.

“ કોણ છો તમે....? આમ અંદર કેમ ઘુસી આવ્યા....? અને હું ગમે તેને ફોન કરુ તમારે શું મતલબ....? “ પેલા યુવાને હડબડાઇને ફોન મુકતા પુછયુ.

“ મતલબ તો તને લોકઅપમાં સમજાશે.....ચાલ......” શીંદેએ તેને કોલરથી પકડયો અને લગભગ ખેંચતા જ લઇ જઇ જીપમાં બેસાડયો. જીપ મુલુંડથી રવાના થઇ થોડી જ વારમાં જુહૂ પોલીસ સ્ટેશને આવી પહોંચી....

-----------------------------

“ સુરજ... સુરજ નામ છે મારુ…..” ઇન્સ.શીંદેની એકજ જન્નાટેદાર થપાટથી પી.સી.ઓ.માંથી ઝડપાયેલો યુવાન પોપટની જેમ બોલવા માંડયો.

“ હાં તો સુરજ….. સીધો, સાદો અને સ્પષ્ટ એક જ સવાલ પુછુ છુ, તે એલી ડીસોઝાનું મર્ડર શું-કામ કર્યુ....? વાતને બીલકુલ ઘુમાવ્યા વગર સ્પષ્ટ શબ્દોમાં મારે જવાબ જોઇએ….. કારણ કે એક પ્રશ્નના જવાબ માટે એક ઝાપટ તારા આ રૂપાળા ચહેરા ઉપર રસીદ થશે. સમજ્યો... ? અને હાં, તું પાછો એમ ન પુછતો કે કોણ એલી ડીસોઝા... ?.... ચાલ હવે ફટાફટ બકવા માંડ કે છેક ગોવામાં રહેતી એલી ડીસોઝાને મુંબઇના મુલુંડમાં રહેતા તારા જેવા ફટીચર કીસમના આદમી સાથે ઓળખાણ કેવી રીતે થઇ... ? અને જુહુ બીચ પર મળેલી ત્રણ લાશોનો ભેદ શું છે….. ?” શીંદેએ ધારદાર અવાજમાં પુછયુ અને વળી એક થપાટ પેલાના મોં ઉપર ઝીંકી.

પેલો યુવાન, કે જેનુ નામ સુરજ હતુ તેના મોંઢામાંથી શીંદેની બે જ ઝાપટથી લોહી નીકળવા લાગ્યુ હતુ. તે ગભરાઇ ગયો.

“ સાહેબ... મને મારતા નહી. હું બધુ સાચુ જણાવીશ…..” તેણે કહયુ.

“ સાહેબ.. છેલ્લા એક વર્ષથી હું કંઇપણ કામ-ધંધા વગર બેકાર રખડતો હતો. તેમાં એક દિવસ મોબાઇલ ઉપર સોશીયલ મીડીયા થકી મારી મુલાકાત એક રીચ ખાનદાનની યુવતી સાથે થઇ. પહેલા તેની સાથે મીત્રતા થઇ અને ત્યારબાદ પ્રેમ. મને જો કે પ્રેમ-ફેમ જેવી ફડતુસ બાબતોમાં રસ નહોતો એટલે મેં એ યુવતીને પહેલા તો ખુબ ફેરવી, ભોગવી અને પછી જ્યારે હું કંટાળ્યો ત્યારે તેને બ્લેકમેલ કરી તેની પાસેથી પૈસા એંઠવાનું શરૂ કર્યુ.... તેણે બે-ત્રણ મહીના મને રૂપીયા આપ્યા પરંતુ ત્યારબાદ તે મારા હાથમાંથી છટકી ગઇ. તે યુવતી પૈસાદાર ખાનદાનમાંથી હતી એટલે હું વધુ તેને હેરાન કરી શકુ તેમ નહોતો... રખેને તે પોલીસ ફરીયાદ કરે તો હું ભેરવાઇ જાઉ... પરંતુ તેના ગયા પછી મને આ ધંધામાં ફાવટ આવી ગઇ હતી... કોઇપણ પ્રકારનું મહેનતનું કામ કર્યા વગર નવી-નવી યુવતીઓને ફેરવવાની, પછી તેની પાસેથી રૂપીયા પડાવવા અને ધરાઇ જાઉ એટલે તેને તરછોડી નવી જગ્યાએ ટ્રાય મારવાની... રૂપ અને રૂપીયા બંને એકસાથે આવતા હતા એટલે મને મજા પડવા લાગી..... આ કામમાં હું પકડાઇ ન જાઉ એટલા માટે કયારેય મોબાઇલ ફોનથી કોલ કરતો નહી. સાવધાની ખાતર બધી જ યુવતીઓને મેં પેલા પી.સી.ઓ. માંથી જ કોલ કર્યા હતા.” સુરજે કહયુ.

“ એલી ડીસોઝા તારી જાળમાં કેવી રીતે ફસાણી... ?” શીંદએ પુછયું.

“ એવી જ રીતે જે રીતે બીજી યુવતીઓ ફસાણી હતી. સોશ્યલ મીડીયામાં મેં તેને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ અમારા વચ્ચે ચેટીંગ ચાલુ થયુ.... થોડા જ વખતમાં મને ખ્યાલ આવ્યો કે તેનું તેની મમ્મી સાથે બહુ બનતુ નથી અને અવાર-નવાર તેમની વચ્ચે ઝઘડો થયા રાખે છે..... મને એ ઝઘડમાં મબલખ રૂપીયા કમાવાની તક દેખાતી હતી કારણ કે આવી કાચી ઉંમરની યુવતીઓ બહુ જલ્દી ઇમોશનલ થઇ જાય છે અને આસાનીથી બીજાની વાતોમાં ભોળવાઇ જાય છે... બસ, પછી શું હતુ... ? એક દિવસ તેણી અને તેની મમ્મી વચ્ચે ઝઘડો થયો ત્યારે મેં તેને ઘરમાંથી ઘરેણા અને રૂપીયા લઇને મુંબઇ આવી જવા કહયુ. તેની સાથે લગ્ન કરીશ એવી લાલચ આપી.... એલી ગોવાથી ભાગીને સીધી જ મુંબઇ આવી... અમે જુહુ બીચ ઉપર મળ્યા. આમને-સામને આ અમારી પહેલી મુલાકાત હતી.... મને તો જો કે તેની પાસે થેલામાં જે માલ ભર્યો હતો તેમાં રસ હતો.... પરંતુ ખબર નહી કેમ તેણે અચાનક ગોવા પાછા જવાની રટ લીધી. કદાચ તેને તેની મમ્મી યાદ આવી ગઇ હતી. મેં તેને ઘણી સમજાવી કે બે-ચાર દિવસ પછી હું તને ગોવા મુકી આવીશ પરંતુ તે ન માની. કદાચ તેને મારી ઉપર શક પણ થયો હશે.... આખરે સમજાવી ફોસલાવીને મેં તેને રોકી લીધી. મારા સાચા પ્રેમનો ભરોસો જતાવી થોડી ઘણી બળજબરીથી મેં તેની સાથે દુષ્કર્મ પણ કર્યુ... અને પછી મારે તેને ખતમ કરી નાંખવી પડી. તેનું ગળુ દબાવી મેં તેની હત્યા કરી નાંખી. પછી તેના થેલામાંથી રૂપીયા અને ઝવેરાત તેમજ તેના શરીર પર હતી એ તમામ કીંમતી ચીજ લઇ હું ત્યાંથી પલાયન થઇ ગયો......” એક જ શ્વાસે સુરજે એલી ડીસોઝાનું મર્ડર તેણે કર્યુ હતુ એ કબુલી લીધુ હતુ...

“ અને બીજા દિવસે બે મર્ડર થયા તેનું શું..... ?”

“ એ પણ મેં જ કર્યા હતા. તે દિવસે રાત્રે હું જુહુ બીચ પર ચેક કરવા આવ્યો હતો કે કોઇ સબુત તો છુટી નથી ગયોને....!!! ત્યારે પથ્થરો વચ્ચે એ પ્રેમી-પંખીડા બેઠા હતા. મને થયુ કે જરૂર તેની પાસેથી કંઇક કીમતી સામાન મળી રહેશે. એટલે મે તે બંનેને ખતમ કરી તેને લૂંટી લીધા હતા... “ સુરજ બોલ્યો.

“ કોન્સ્ટેબલ... આનું કબુલાતનામું લખી એના ઉપર તેની સહી લઇ લો...આ જુહુ બીચથી સીધો યરવાડા જેલ જશે એ..... “ કહીને શીંદે ઉભો થયો.

( સમાપ્ત )

પ્રવિણ પીઠડીયા

મીત્રો....તમને આ વાર્તા કેવી લાગી એ જરુર જણાવશો...

મારો વોટ્સએપ નં—૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુક—Praveen Pithadiya. પર સર્ચ કરજો.

મારી અન્ય નોવેલો--- “ નો રીટર્ન” “ નસીબ “ “ અંજામ “ “ નગર “ આ બધી સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ છે. જે માત્રુભારતી ઉપર અવેલેબલ છે. આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED