અનહોની. અ હોરર સ્ટોરી Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહોની. અ હોરર સ્ટોરી

અનહોની.

આનંદ બ્રહ્મભટ્ટનું એમ.બી.બી.એસ. આ વર્ષે જ પુરું થયું હતું. હવે તે ડોકટર બની ગયો હતો. નવાં ડોકટરોએ તેમની શરૂઆતનાં ત્રણ વર્ષ કોઇ અંતરીયાળ ગામડામાં રહીને ડોકટરી પ્રેકટીશ કરવી પડે એવો નિયમ હતો. જો કોઇને આ નિયમ ન પાળવો હોય તો પાંચ લાખ રૂપિયા દંડ તરીકે ભરીને આ નિયમમાંથી છટકી શકાતું હતું. ગરીબ પરિવારમાં જન્મેલા આનંદ માટે તો પાંચ લાખ જેવી રકમ એકઠી કરવી કલ્પનાતીત હતું. આમપણ તે ગામડાંનો છોરું હતો, એટલે સહેજપણ ખચકાટ વગર તેણે શહેરથી અંતરીયાળ ગામડામાં પ્રેકટીશ કરવાનું હસતા મોંએ સ્વિકારી લીધું.

ઝાંઝરવાડ ગામમાં તેનું પોસ્ટિંગ થયું. જુનાગઢથી લગભગ વીસેક કી.મી. દુર ઝાંઝરવાડ ગીરનાં નયનરમ્ય જંગલો વચ્ચે વસેલું હતું. ગણતરીનાં માત્ર થોડાંક ખોરડા ધરાવતું ઝાંઝરવાડા એકદમ શાંત અને સોહામણું ગામ હતું. મુખ્યત્વે પશુપાલન સાથે જોડાયેલા માલધારી પરીવારો છૂટાછવાયા નેસડા જેવા ઘર બાંધીને રહેતાં. ખબર નહિ કેમ પણ, સરકારે આનંદ માટે આ જ ગામ શું કામ પસંદ કર્યુ હશે...? કદાચ નિયતીની કોઇ ખતરનાક ચાલે આ નિર્ણયમાં ભાગ ભજવ્યો હશે..!

ડોકટર આનંદ તેનાં બોરીયા-બિસ્તરા ભરીને ઝાંઝરવાડ આવી પહોંચ્યોં. ગામનાં મુખી બેચરભાઇએ તેનું ભાવભર્યું સ્વાગત કર્યું અને પછી જંગલમાં સાવ છેવાડે આવેલા એક ઘર તરફ તેને લઇ ગયાં. એ ઘર જ અહીંનું સરકારી દવાખાનું હતું. લગભગ આડધા- એક વિઘા જમીનને કાંટાળી તારથી કવર કરીને તેની બરાબર વચ્ચોવચ દેશી નળિયા મઢેલું બે માળનું એક ખખડધજ મકાન દ્રશ્યમાન થતું હતું. પ્રથમ નજરે જોતાં જ મનહુસ ભાસતું એ મકાન કોણ જાણે કેટલાય લાંબા સમયથી બંધ પડયું હશે. નવા-સવા ડોકટર બનેલા કેટલાય યુવાનો અહીં આવતાં તો ખરાં, પરંતુ થોડાં જ સમયમાં પોતાનો તબાદલો કરાવીને પાછાં ચાલ્યાં જતાં હતા. ગામનાં લોકોને પણ હવે એ કોઠે પડી ગયું હતું એટલે જ્યારે ગામમાં કોઇ માંદુ પડે ત્યારે તેઓ સારવાર અર્થે જુનાગઢ ચાલ્યાં જતાં. અહીં કોઇ ડાકટર આવે કે ન આવે, તેનાંથી તેમને કોઇ ઝાઝો ફરક પડતો નહોતો. એટલે જ જ્યારે આનંદ બ્રહ્મભટ્ટ અહીં આવ્યો ત્યારે ફક્ત એક ફોર્માલીટી ખાતર જ બેચરભાઇ ભરવાડ તેને દવાખાના સુધી મુકવા આવ્યાં હતાં.

દવાખાનાની બિસ્માર હાલત જોઇને આનંદને નિરાશા ઉપજી. કાંટાળો ઝાંપો ખોલીને તેઓ કંમ્પાઉન્ડમાં દાખલ થયાં. અહીં ચારેકોર આંબા, પીપળો, બાવળનું સામ્રાજ્ય પથરાયેલું હતુ. દવાખાનાનાં કંમ્પાઉન્ડની ધરતી ઉપર ઢગલો સૂકાં પાંદડા પથરાયેલાં હતાં. નિરવ શાંત વાતાવરણમાં તેનાં પગ નીચે કચડાતાં સૂકા પાંદડાનો “ ચીરૂડ...ચીરૂડ...” અવાજ કોઇ ભૂતીયા ફિલ્મોમાં દર્શાવતા “સીન” જેવો ડરામણો હતો. એક વિચાર આનંદનાં મનમાં ઝબકી ગયો કે કયાંક અહીં આવીને તેણે ભૂલ તો નથી કરીને...? દિવસનાં અજવાળામાં અહીં આટલું બિહામણું વાતાવરણ છે તો રાતે તેનું શું થશે...? વળી આ જગ્યા ગામથી થોડે દુર, અને સાવ એકાંત વાતાવરણમાં હતી. ભૂત-પ્રેતની વાત છોડો, કોઇ જંગલી જનાવર અચાનક અહીં આવી ચડે તો મદદ માટે તે કોને સાદ પાડે..? અને જો તે સાદ પાડે પણ ખરો તો અહીં તેનો અવાજ સાંભળે કોણ...? આનંદને અત્યારે જ પાછા ફરી જવાનું મન થયું. ત્રણ-ત્રણ વર્ષ અહીં કેમ વિતાવવા..? નથી કરવી મારે આવી નોકરી...! પણ તો પાંચ લાખ રૂપિયા તે કયાંથી કાઢશે..? તેનું ભણતર તેનાં સમાજનાં સહકાર અને સરકારી સ્કોલરશીપ ઉપર પુરું થયું હતું. ગરીબ મા-બાપનાં એકનાં એક સંતાન તરીકે હવે પાંચ લાખ કાઢવા તેનાં માટે અસંભવ હતાં.

પરાણે મન મનાવી તે ઇમારતનાં પગથિયા ચડયો.

“ ડોકટર સાહેબ, અહીં સાફ-સફાઇ કરાવવી પડશે. વળી, લાઇટનું કનેકશન પણ જોડાવું પડશે. એ બધું મેં મારા છોકરા હિતલાને કહી રાખ્યું છે એટલે હમણાં જ ગામમાંથી તે બે-ચાર જણાંને લઇને આવતો હશે. આજની રાત તમે મારા ઘરે મહેમાનગતી માણજો અને કાલથી આ દવાખાનું તમે સંભાળી લેજો...” બેચરભાઇએ આગળ વધીને દરવાજે લટકતું કાટ ખાઇ ગયેલું તાળું ખોલતાં કહયું. “ અને હાં... ગામનાં તલાટીનો ફોન હતો. તમે અહીં ઘટતી દવાઓ અને બીજા સર-સામાનનું લીસ્ટ બનાવી નાંખજો એટલે તે એ વ્યવસ્થા કરાવી આપશે...”

“ અહીં તો લગભગ બધું જ ઘટે છે, હું શેનું-શેનું લીસ્ટ બનાવીશ..!” મનમાં જ બબડતો આનંદ અંદર દાખલ થઇ નીચેનાં અને ઉપરનાં મજલે આંટો મારીને બહાર નિકળી આવ્યો. નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દવાખાનું અને ઉપરનાં માળે તેનાં રહેવાની વ્યવસ્થા સરસ રીતે ગોઠવાઇ જાય એમ હતી.

અને...ખરેખર અઠવાડિયામાં જ તે એ વાતાવરણમાં ગોઠવાઇ ગયો હતો. અહીં આવવાનો અને એકલાં રહેવાનો ડર તેનાં મનમાંથી સમય વહેતાં ધીમે-ધીમે દુર થયો હતો. મુખીનો છોકરો હિતેશ અને તેનાં મિત્રો સાથે તેને સારું ફાવી ગયું હતું. તેમાંથી કોઇને કોઇ રાત્રે ક્યારેક તેની સાથે અહીં રોકયું જ હોય એટલે આ વગડામાં એકલાં રહેવાની બીક પણ હવે તેને લાગતી નહોતી. તલાટીએ ખૂબ જલ્દી કામ પતાવ્યું હતું. તેણે જે લીસ્ટ બનાવીને આપ્યું હતું તેમાંથી મોટાભાગની ચીજો ત્રીજા જ દિવસે દવાખાનામાં આવી ગઇ હતી. દવાખાના અને કંમ્પાઉન્ડની ગામનાં લોકોએ ભેગા મળીને વ્યવસ્થિત સાફ-સફાઇ કરી નાંખી હતી. હવે કંમ્પાઉન્ડ એકદમ ચોખ્ખું-ચણાક દેખાતું હતુ.. લાઇટની પણ વ્યવસ્થા થઇ ચૂકી હતી. બધી જ રીતે દવાખાનાનું કામકાજ વ્યવસ્થિત ગોઠવાઇ ગયું હતુ. ડોકટર આનંદને પણ હવે અહીં મજા આવવા લાગી હતી. ગણતરીનાં થોડાક જ ખોરડાં સમાવતું ઝાંઝરવાડમાં મોટેભાગે સાવ નવરાશમાં જ તેનાં દિવસો વિતવા લાગ્યાં હતાં. પણ એ શાંતિ આભાસી હતી. કંઇક હતું જે તેની જ રાહ જોઇ રહયું હતું.

એક દિવસ હિતેશ સવાર-સવારમાં દવાખાને આવી ધમકયો.

“ આનંદભાઈ... ચાલો આજે વગડામાં લટાર મારવા જવાનું છે...” તેણે અંદર દાખલ થઇ ખુરશીમાં બેસતાં કહયું. “ બધા મિત્રોએ ભેગા થઇને પ્લાન બનાવ્યો છે. પહેલાં તખ્તેશ્વર મહાદેવે દર્શન કરીશું, પછી ત્યાંના ધૂનામાં બપોર સુધી ધુબાકા મારીશું, બપોરે એય ને મંદિરનાં ઓટલે જમીને પછી જંપી જઇશું... તે છેક સાંજે પાછા આવતાં રહીશું. તમે આજે રજા રાખી દો. આમ પણ ગામમાં આજે કોઇ માંદુ નથી...” હિતીયો ખડખડાટ હસી પડયો. આનંદ પાસે નાં પાડવાનું કોઇ કારણ નહોતું. દસ વાગતાં સુધીમાં તો ત્રણ બાઇક ઉપર છ મિત્રો તખ્તેશ્વર મહાદેવનાં રસ્તે ચાલી નીકળ્યાં હતાં. ગીરની વનરાજીઓ મઢયું તખ્તશ્વર મહાદેવનું નાનકડું અમથું મંદિર ખરેખર એક અદ્દભૂત સ્થળ હતું. સાવ એકાંતમાં વહેતા નાનકડા ઝરણાનાં કાંઠે થોડીક ઉંચાઇ વાળી જગ્યામાં કાળા પથ્થરોનો ઓટલો બનેલો હતો. ખાસ્સા એવા મોટા ઓટલાં વચ્ચે કદાચ સદીઓ પહેલાં ચણાંયેલું મહાદેવનું એક પુરાતન મંદિર દ્રશ્યમાન થતુ હતું. સમયની થપાટો ખાઇ ખાઇને મંદિરની દિવાલો હવે કાળી પડી ચુકી હતી. ઘોર વનરાજી વચ્ચે ઉભેલું મંદિર, મંદિરની આસપાસ ઉગી નિકળેલા ઘેઘુર ઝાડવાઓ, લગભગ પાંચસો-એક મીટર દૂર પથ્થરોની ઉંચી ધારેથી ખાબકતું મનોરમ્ય ઝરણું, કિલ્લોલ કરતા પક્ષીઓ અને તેમનો અહર્નિશ સંભળાતો મીઠો નાદ...! ખરેખર આ સ્થળ અવર્ણનીય હતું. શહેરની ધમાલ વચ્ચે ઉછરેલા, ભણેલા આનંદને તો જબરી મોજ પડતી હતી. ઉંચેથી ઝીંકાતા આછા-ચોખ્ખા પાણીમાં છ એ મિત્રો મન ભરીને ધમાલ-મસ્તી કરતાં નાહયા હતાં. લગભગ કલાકેક નહાયા બાદ બધાને કકડીને ભૂખ લાગી હતી એટલે પેટ ફાટી જાય એટલું તેઓએ ખાધું હતું, અને પછી બપોર નમતા સુધી મંદિરનાં ઓટલે સાથે લાવેલી ચાદરો પાથરીને સુતાં હતાં. લગભગ ચાર વાગ્યે એક મિત્રે ત્રણ પથ્થરોને ભેગાં મુકીને તેનાં ઉપર ચા ની તપેલી ચડાવી હતી.

આનંદે ઘડીયાળમાં સમય જોયો અને આળસ મરડીને ઉભો થયો. તેને લઘુશંકા લાગી હતી એટલે ઉભો થઇને તે ઝરણાની ધારે-ધારે ચાલતો ધોધ સુધી આવ્યો. કાળા પથ્થરોની ધારદાર કિનારીએથી ઝરણું લગભગ પંદરેક ફૂટ નીચે જમીન ઉપર ખાબકતું હતું. ત્યાં નાનકડાં અમથા ગોળ પરીઘમાં ધોધનું પાણી ઠલવાતું...એકઠું થતું અને આગળ વળી પાછું ઝરણા સ્વરૂપે ખળખળ વહ્યે જતું હતું. આનંદ કુદરતની એ મનોરમ્ય રચનાને આશક્ત નજરે જોઇ રહયો. વારંવાર અહીં આવવાનું મન થાય એવી આ જગ્યા હતી. લઘુશંકા પતાવીને ઝરણાનાં પાણીમાં હાથ ધોઇ તે પાછો ફરવા ઘૂમ્યો જ હતો કે અચાનક તેની નજરે કશુંક ભાળ્યું. આગળ વધવા આતુર તેનાં પગ એકાએક જ અટકી ગયાં. ઉંચેથી ખાબકતાં પાણીનાં આછાં-પાતળા ધોધ પાછળ કાળમીંઢ પથ્થરોની દિવાલ હતી. આનંદે આંખો ખેંચીને ધ્યાનપૂર્વક પાણીની પેલે પાર દેખાતા પથ્થરોમાં જોયું. ત્યાં કંઇક વિચિત્ર ચિતરામણ કરેલું હોય એવો તેને ભાસ થયો. થોડો આગળ વધીને તે એ ઝરણાની પાછળ પહોંચ્યો અને, તેની આંખો પહોળી થઇ. “ ઓહ... વાઉં...! ” અનાયાસે જ તેનાં ગળામાંથી શબ્દો સર્યા હતાં. તેને ચિત્રકામનો જબરો શોખ હતો. જલ્દીથી દોડીને તે પાછો મંદિરે આવ્યો અને પોતાની સાથે લાવેલાં થેલાંમાંથી નોટબુક અને પેન્સિલ કાઢી વળી પાછો તે ઝરણે પહોંચ્યો.

ઝરણાની પથ્થરની દિવાલે કશાક અદ્દભૂત ચિત્રો કોતરાયેલા હતાં. ત્યાં ઉભા-ઉભા જ તેણે એ ચિત્રો ધ્યાનપૂર્વક પોતાની નોટમાં ચિતરવા માંડયા. અચાનક જાણે કોઇ અલભ્ય ખજાનો તેનાં હાથે લાગ્યો હોય એવો આનંદ તેનાં ચહેરાં ઉપર પ્રસર્યો હતો.

પણ... તેણે એ કરવા જેવું નહોતું. સાવ અજાણતાં જ તેણે એક મહા-ભયાનક મુસીબતને આંમત્રણ આપી દીધું હતું. વર્ષોથી દફન એક શૈતાની શક્તિને તે જાગ્રત કરવા જઇ રહયો હતો એ વાતથી તે સદંતર બેખબર હતો.

@@@@@@@@@@@

બહાર ભયંકર કોલાહલ મચ્યો હોય એવાં અવાજો તેનાં કાને અફળાતાં હતાં. એ ભયાનક કોલાહલથી સફાળો તે પથારીમાં બેઠો થઇ ગયો. ધડકતાં હ્દયે ઉભા થઇ ધડામ કરતાં પહેલાં મજલાની બારી ખોલી તેણે બહાર ઝાંકયું. બહારનું દ્રશ્ય જોઇ તેનાં હાજા ગગડી ગયા. હજુ તો આકાશમાં સવારનો ઉજાસ ફેલાવો શરૂ જ થયો હતો ત્યાં આટલી વહેલી સવારમાં કાગડાઓનાં વિશાળ ઝૂંડે આખું આકાશ ભરી દીધુ હતું. ઢગલાબંધ કાગડાઓ તેનાં મકાન ઉપર, કમ્પાઉન્ડ ઉપર, આસપાસનાં વૃક્ષો ઉપર ગોળ-ગોળ ચકરાવો લેતા ભયાનક અવાજે “ કાં...કાં..કાં... ” કરતાં કાળો કકળાટ મચાવી રહયાં હતાં. “ હે ભગવાન.... શું છે આ બધું....?” બબડતો આનંદ દોડીને દાદરો ઉતરી નીચે આવ્યો અને મુખ્ય દરવાજો ખોલી બહાર કંમ્પાઉન્ડમાં પહોચ્યો. તેણે ઉંચે નજર કરી. એક સાથે હજ્જારો કાગડાઓ આંધાધૂંધ ઉડી રહયા હતાં. આકાશનું તો જાણે અસ્તિત્વ જ ન હોય એમ ઉપર કાળો અંધકાર છવાયો હતો. આવું વિચિત્ર અને ડરામણું દ્રશ્ય જોઇને આનંદ ધ્રુજી ઉઠયો. તેને સમજમાં નહોતું આવતું કે વગડા-વનમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં કાગડાઓ આવ્યા ક્યાંથી અને તેનાં જ ઘરની ઉપર કેમ મંડરાઇ રહયા છે...? હજું તો વધુ કંઇ વિચારે એ પહેલાં “ધફ... ” અવાજ કરતો એક કાગડો બરાબર તેનાં પગ નજીક પડયો. તેનાં ગળામાંથી ચીખ નિકળી પડી અને રીતસર કાંપતો તે ઉછળીને પાછળ ખસ્યો. વિસ્ફારીત થયેલી તેની નજર એ કાગડા ઉપર સ્થિર હતી. એ કાગડો મરી ચૂકયો હતો... તેની ડોક વિચિત્ર રીતે વંકાઇને મરડાઇ હતી. નાની-નાની આંખોનાં ડોળામાંથી લોહીની ધાર નિકળવી શરૂ થઇ હતી. જીભ ખેંચાઇને ચાંચમાંથી બહાર લબડી પડી હતી. પેટ ફુલીને ફુગ્ગા જેવું થયું હતું. લાગતું હતું કે હમણાં જ એ ફુગ્ગો ફૂટશે અને પેટનાં બધા અવયવો બહાર નિકળી આવશે. ભયાનકતાની ચરમસીમા સમું એ દ્રશ્ય હતું. આનંદ ફાટી આંખે એ દ્રશ્ય જોઇ રહયો. અને... પછી એવું કંઇક થયું જેની કલ્પના સુધ્ધા તેણે નહોતી કરી. “ ધફાધફા...ધફાધફ...” કરતા એક પછી એક કાગડાઓ ઉડતા-ઉડતા આપમેળે જ નીચે જમીન ઉપર પથરાવા લાગ્યાં. જમીન ઉપર પડતાંની સાથે જ અતિ બિભત્સ રીતે તે મૃત્યુ પામતા હતાં. આતંકીત બનીને આનંદ તેની નજરો સામે તરફડતાં અને પછી મૃત્યુ પામતાં કાગડાઓને જોઇ રહયો. ભયાનક ડરથી છળી ઉઠેલું તેનું હદય ભારે વેગે ઉછળતું હતું. તેનાં હાથ-પગ ઠંડા પડવા લાગ્યા હતાં. કપાળે પરસેવાની જાણે સરવાણી જ ફૂટી પડી હતી. કંપવા ઉપાડયો હોય એમ તેનું આખુ શરીર ધ્રુજતું હતું. આપોઆપ જ કંમ્પાઉન્ડની બહાર તરફ જવા તેનાં પગ પાછળ તરફ ઉંચકાયા હતાં. અને... “ ફચાક...” કરતો એક અવાજ થયો હતો. પાછળ ઉંચકાયેલો તેનો પગ એક મરેલાં કાગડાનાં ફૂલેલાં પેટ ઉપર ચંપાયો હતો અને આનંદનાં શરીરનાં વજનથી તેનું પેટ ફાટયું હતું. કાગડાનું પેટ ફાટવાથી તેનાં પેટનાં અવયવો સહીતનો બધો મસાલો બહાર નિકળી આવ્યો હતો. એ દ્રશ્ય જોઇ અચાનક જ આનંદને ઉબકા આવવા માંડયાં. અને પછી કંઇ જ વિચાર્યા વગર, આંખો બંધ કરીને તેણે કંમ્પાઉન્ડની બહાર તરફ જવાં રીતસરની દોટ મુકી. તે આંધાધુંધ દોડી રહયો હતો. તેનાં પગ નીચે કાગડાઓનાં મૃતદેહો દબાતા.. કચડાતા...ફૂટતા... જતાં હતાં. ગણતરીની ચંદ સેકન્ડોમાં જ આનંદ કંમ્પાઉન્ડ વળોટીને બહાર દોડી આવ્યો હતો.

પરંતુ બહાર નિકળ્યા પછી ભારે આઘાતથી તે બહારનું દ્રશ્ય જોઇ રહયો. અહીં બધું સાવ નોર્મલ હતું. ડોક ઘુમાવીને તેણે કંમ્પાઉન્ડની અંદર નજર કરી “ ઓહ માય ગોડ...! ” ભયંકર આશ્વર્ય પામતો તે અંદર જોઇ રહયો. એ તરફ ડર અને આતંકનો ઓછાયો મંડરાતો હતો જ્યારે કંમ્પાઉન્ડનાં ફાટક બહાર એવું કંઇ જ નહોતું. ડરનાં અતીરેકથી ગભરાઇને તે ગામ તળ તરફ ભાગ્યો. અહીં ઉભા રહેવું એટલે મોતને આમંત્રણ આપવું એટલું તેને સ્પષ્ટ સમજાઇ ગયું હતું. સીધો જ તે બેચર મુખીનાં ઘરે પહોંચ્યો. ગભરાયેલા અવાજે તેણે દવાખાનામાં શું ઘટના ઘટી હતી એ હિતલાને અને બેચર મુખીને કહી સંભળાવી.

“ સવાર સવારમાં કહુંબા પાણી તો નથી કર્યાને ડોકટર સાહેબ...! ” તેની વાત સાંભળીને હસતાં-હસતાં મુખીએ ટિખળ કરી.

“ તમને મારી વાત ઉપર વિશ્વાસ આવતો ન હોય તો ચાલો મારી સાથે...” આનંદે એ ટિખળને ગળી જતાં કહયું. થોડીવારમાં માણસોનું એક નાનકડું ધામચડું સરકારી દવાખાના તરફ રવાના થયું.

બેચર મુખી, તેનો દિકરો હિતેશ, ડોકટર આનંદ અને ગામનાં બીજા જુવાનીયાઓ સરકારી દવાખાને આવી પહોંચ્યાં.

“ એલાં ડોકટર...! કયાં છે ઇ કાગડાં...? ” કંમ્પાઉન્ડમાં દાખલ થઇને સૌથી પહેલો પ્રશ્ન બેચર મુખીએ પુંછયો હતો. આનંદ હેબતાઇને ચારેકોર જોઇ રહયો. તેની નજરો વિસ્ફારીત બની હતી. કંમ્પાઉન્ડમાં બધું પહેલાં જેવું જ ચોખ્ખુ ચણાક હતું. કાગડાઓ તો શું, તેનું નાનકડું અમથું એક પીંછુ ય કયાંય દેખાતું નહોતું. આનંદ જાણતો હતો કે તેણે પોતાનાં પુરા હોશો-હવાશમાં એ દ્રશ્ય જોયું હતુ. એકાએક ક્યાં ગાયબ થઇ ગયુ બધું..? આખરે એ શું હતું....? તે ચકરાઇ ઉઠયો.

“ પણ... મેં જે કહયું એ સાચું હતું....? “ તેણે દલીલ કરી.

“ લાગે છે કે એકલા રહીને તારું ચીત્ત ભ્રમ થઇ ગયું છે. હવેથી આ તારા ભેરુબંધમાંથી દરરોજ કોઇકને કોઇક અહીં તને સથવારો આપવા રાતે આવશે. બહું વિચારવાનું બંધ કરો ડોકટર અને કામે લાગો....” બેચર મુખીને ખરેખર કૌતુક થયું હતું.

“ અરે પણ...” આનંદ કંઇક બોલવા જતો હતો પણ પછી અટકયો. તેણે જે ભયાનક અનુભવ કર્યો હતો એની સાબિતીરૂપ અત્યારે કંઇ જ નહોતું. અને સબૂત વગર તેની વાત કોઇ માનવાનું પણ નહોતું.

પણ, એવું કેમ બન્યું હતું...? શું એકાએક કોઇ ભૂતાવળ જાગી ઉઠી હતી...? કે પછી બીજું જ કોઇ કારણ હતું...?

કારણ હતાં પેલા ચિત્રો, જે આનંદ તખ્તેશ્વર મહાદેવનાં મંદિર પાસેનાં ધોધ હેઠળથી દોરીને લાવ્યો હતો. એ ચિત્રો ભયાનક હતાં. ચિત્રો દોરેલી બુક આનંદે તેનાં ટેબલ ઉપર મુકી હતી. ગઇરાત્રે આપોઆપ એ બુકનાં પાનાં ખુલ્યાં હતાં અને એ ચિત્રોનાં આકારમાં ચકાચૌંધ રોશની જન્મિ હતી. આનંદ તો ભરઉંઘમાં હતો એટલે તેને ખ્યાલ આવ્યો નહોતો કે તેનાં કમરામાં શું થઇ રહયું છે..? પરંતુ એ રોશની તેજ લીસોટા રૂપે કમરાની બારીમાંથી બહાર નિકળીને દૂર અંધકારમાં...ગહેરા જંગલમાં કયાંક ગાયબ થઇ ગઇ હતી. પછી શું થયું એ કોઇ જાણી શકયું નહોતું, પરંતુ સવાર થતાં જ ઝાંઝરવાડનાં સરકારી દવાખાના ઉપર કાગડાઓનાં સ્વરૂપે એક ભયાનક આફત ત્રાટકી હતી. આનંદે એ શક્તિને જગાડી હતી એટલે ફક્ત આનંદને જ તેનો અનુભવ થયો હતો, જ્યારે ગામનાં અન્ય લોકો તો આનંદની વાત સાંભળીને હસી રહયા હતાં. ખરેખર એ વાતને ગંભીરતાથી લેવા જેવી હતી.

@@@@@@@@@@@@

તે રાત્રે હિતેશ અને તેનાં બે મિત્રો આનંદ સાથે રાતવાસો કરવા રોકાયાં હતા. પહેલાં માળે બેડરૂમમાં તેઓ સુતા હતા. લગભગ અડધી રાતનો મજલ ભાંગ્યો હશે કે અચાનક કશોક સળવળાટ થયો હોય એવો અવાજ થયો. સૌથી પહેલાં આનંદની આંખો ખુલી ગઇ હતી. સવારે નજરે નિહાળેલી અનહોની ઘટનાથી તે ડરેલો તો હતો જ, તેમાં અત્યારે કમરામાં થતાં સળવળાટે તેનાં હદયમાં ભારે ફફડાટી જન્માવી દીધી. હાથ લંબાવીને તેણે બાજુમાં સૂતેલા હિતેશને જગાડયો. ભરઉંઘમાં સુતેલો હિતેશ આંખો ચોળતો જાગ્યો.

“ હિતેશ... તને કશો અવાજ સંભળાય છે...?” આનંદે ઘોર અંધકારમાં આંખો ખેંચીને જોતાં પુંછયું. “ હાં... સંભળાય છે ને..! કદાચ મનીયો જાગ્યો હશે...” હિતેશ બોલ્યો. પણ તેનો મિત્ર મનીયો તો તેની બાજુની પથારીમાં જ સુતો હતો. હિતેશનાં ધબકારા પણ અચાનક વધી ગયાં. ધીરે-ધીરે એ સળવળાટ સ્પષ્ટપણે તેમનાં કાને અફળાતો હતો. એવું જણાતું હતું કે કોઇ તેમની રૂમમાં હળવા પગલે ચાલી મારી રહયું છે.

“ હિતલા... મને બોવ બીક લાગે છે. ” આનંદ એકાએક જ હિતેશની નજીક ખસ્યો હતો અને તેનો હાથ પકડી લીધો. તેનાં શરીરમાંથી પરસેવો ઉભરાવો શરૂ થયો હતો.

“ તું ડર નહી... હું છું ને સાથે..! ” હિતેશે ધીમા અવાજે આનંદને સધીયારો આપ્યો અને પછી અંધારા તરફ તાકીને રાડ નાંખી... “ કોણ છે એલા ત્યાં...? જે હોય ઇ સામે આવે...! ” અને.... અચાનક જ કમરામાં ખળભળાટ મચી ગયો. જાણે ઘણાંબધા લોકો એકસાથે ધમધમાટ કરતાં દાદર ચડીને ઉપર રૂમમાં એકઠા થયા હોય એવા વિચિત્ર અવાજોથી આખો રૂમ ભરાઇ ગયો. આનંદ અને હિતેશ તો બીકનાં માર્યા એકબીજાને ચોંટી જ ગયાં. જ્યારે મનીયો હજુ પણ ભરઉંઘમાં ઘસઘસાટ સુતો હતો. તેને અહીં મચેલા આતંકની જાણકારી જ નહોતી.

“ હિતલા.... આ બધું શું થઇ રહયું છે....?” આનંદ ખરેખર ડરી ગયો હતો. તે ઉભો થઇને અહીથી ભાગી જવા માંગતો હતો. હળવેક રહીને તેણે પોતાનાં ગોઠણ વાળ્યાં જ હશે કે એકાએક રૂમનાં એક ખૂણે ટેબલ ઉપર પડેલી તેની નોટબુક આપોઆપ ખુલી. નોટબુકનાં પાના ફફડયા અને તેમાથી તેજ પ્રકાશનો એક ગોળો હવામાં અધ્ધર ઉંચકાયો. હિતેશ અને આનંદ ફાટી આંખે એ પ્રકાશનાં ગોળાને જોઇ રહયાં. પ્રકાશનો પુંજ ધીમે-ધીમે છત તરફ ગતી કરતો હતો અને.... જોતજોતામાં તો તે એક બેહદ ડરામણી માનવ આકૃતિમાં તબદીલ થઇ ગયો. ધોળી ધફ, પરંતુ બેહદ ચમકીલી એક માનવ આકૃતિ રૂમનાં ખૂણામાં... જમીનથી બે હાથ અધ્ધર... કમરાની છતને અડીને... હવામાં તરતી હોય એમ લહેરાતી હતી. આકૃતિની હિંગોળાક- સી લાલ આંખો કોઇ નાનકડા બલ્બની જેમ બંને મિત્રો તરફ તકાયેલી હતી. ધોળીપૂણી જેવો તેનો ચહેરો બેહદ ખૌફનાક દેખાતો હતો. એવું લાગતું હતું કે એ આકૃતી ફક્ત આંખોથી જ તે બંને મિત્રોનું ભક્ષણ કરી જશે. તે થર-થર કાંપતા એ લહેરાતા સાયાને જોઇ રહયાં. અને... સાવ અચાનક જ એ સાયો હવામાં ઉડયો, ઉડયો અને તેજ ગતીથી લપકતો હોય એમ આનંદ અને હિતેશનાં ચહેરાની એકદમ નજીક.... સાવ નજીક તેનો ચહેરો આવે એ રીતે આવીને અટકયો. તેની અંગારા વરસાવતી આંખો વારાફરતી બંને મિત્રોનાં ચહેરાં ઉપર ફરી વળી. એ આંખોમાં ભયાનક આગ ધધકતી હતી. એવું લાગતું હતું કે જાણે અત્યારે જ તે એ બંનેને સળગાવીને રાખમાં તબદીલ કરી નાંખશે. અને તેણે અટ્ટહાસ્ય કર્યું..... હાડ ધ્રુજાવી નાંખે એવું અટ્ટહાસ્ય....! આખો કમરો એ હાસ્યમાં સહમી ગયો. પછી જોતજોતામાં તેજ ગતીએ એ સાયો ઉડયો અને કમરાની બારીમાંથી બહાર નિકળી આકાશનાં અનંત અંધકારમાં ગાયબ થઇ ગયો.

રૂમમાં પહેલાં જેવી જ ગહેરી ખામોશી પથરાઇ. આનંદ અને હિતેશને ઘડીભર તો સમજાયું નહી કે હવે શું કરવું...? અને જ્યારે સમજાયું ત્યારે તેઓ ઉભા થઇને દાદર તરફ ભાગ્યા. તેમનાં મિત્ર મનીયાને ઉઠાડવાની પણ હવે તેમનામાં ત્રેવડ નહોતી.

@@@@@@@@@@@@@@@

બીજા દિવસે સવારે આખા ગામમાં આ વાત વાયુ વેગે પ્રસરી ગઇ. આખું ગામ તરેહ-તરેહની વાતો કરતું દવાખાનાનાં પરીસરમાં એકઠું થઇ ભારે કોલાહલ મચાવી રહ્યું હતુ. ગામનાં મુખી બેચરભાઇને કંઇ સમજાતું નહોતું. તેમણે ડોકટરની ગઇકાલ વાળી વાત માની નહોતી, પરંતુ હવે ખુદ તેમનો પુત્ર હિતેશ ગઇ રાત્રે બનેલી ભયાવહ ઘટના વિશે કહી રહયો હતો એટલે તઓ મુંઝાયા હતાં. આટલા વર્ષોમાં પહેલી વખત આ ગામમાં આવી કોઇ ઘટના ઘટી હતી. ભલે એ કોઇ અફવા જ હોય, પરંતુ તેનાથી લોકોનાં મનમાં સંદેહ અને ડર પેદા થયો હતો એટલે તેનું નિરાકરણ લાવવું તેમને જરૂરી જણાતું હતું. તાબડતોબ તેમણે પોતાનાં કુળદેવી માતાજીનાં ભૂવાને બોલાવડાવ્યો હતો અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરી હતી.

આધેડ ઉંમર વટાવી ચુકેલો ભૂવો જેસંગે પહેલાં તો સરકારી દવાખાનાનું એક ગોળ ચક્કર લગાવ્યું. પછી તે દવાખાનામાં દાખલ થઇ સીધો જ ઉપરનાં કમરામાં પહોંચ્યો અને જે ખૂણામાં પેલો ભયાનક સાયો લહેરાતો હતો એ ખૂણાનું બારીકાઇથી નિરિક્ષણ કર્યું. ત્યાં એક ટેબલ હતું અને ટેબલ ઉપર એક નોટબુક ખુલ્લી પડી હતી. એ નોટબુકમાં દોરેલા વિચિત્ર પ્રકારનાં ચિત્રોને જોઇને તેનાં ભવાં સંકોચાયાં હતાં. તેણે આનંદને પુંછયું કે આ ચિત્રો કોણે દોર્યા છે...? આનંદે એ ચિત્રો પાછળની સઘળી કહાની જેસંગ ભૂવાને કહી સંભળાવી. જેસંગને આભાસ થયો કે ગઇ રાતની અનહોની ઘટના પાછળ જરૂર આ ચિત્રોનો જ કોઇને કોઇ ફાળો હશે.

તુરંત તેણે આનંદ અને તેનાં મિત્રોને સાથે લીધા અને બધા તખ્તેશ્વર મહાદેવનાં મંદિર પાસેનાં ઝરણે આવ્યાં. આનંદે ઝરણા પાછળ પથ્થરોમાં કોતરાયેલા ચિત્રો ભૂવાને બતાવ્યાં. જેસંગ ભૂવો બહું પહોંચેલી માયા હતો. તેણે પોતાની આખી જીંદગી લગભગ આવી પરિસ્થિતીઓને ઉકેલવામાં જ વિતાવી હતી. અહીં આવ્યા બાદ અને પેલાં ચિત્રો જોયા બાદ તુરંત તેને સમજાઇ ગયું હતું કે ડોકટર આનંદે અનાયાસે જ એક સૂતેલી ભૂતાવળને જગાડી દીધી હતી. આનંદને ખ્યાલ પણ નહિં રહયો હોય અને તે એક ભયાવહ આત્માને પોતાની સાથે ગામમાં લેતો આવ્યો હતો. જેસંગ ભૂવો વિચારમાં પડયો કે અહીં આવા ચિત્રો કોણે દોર્યા હશે...? ગામનાં લોકો ઘણી વખત અહીં આવતાં હશે અને બધાએ આ ચિત્રો ભાળ્યા હશે પરંતુ આનંદે પોતાની નોટબુકમાં આ ચિત્રો દોર્યા હતાં અને પોતાની સાથે ગામમાં લઇ આવ્યો હતો. સાવ અજાણતાં જ તેણે એક આફતને સામેથી નિમંત્રણ આપ્યું હતું.

પરંતુ... તે એક શક્તિશાળી ભૂવો હતો. આવી તો કેટલીય અગોચર શક્તિઓને તેણે પોતાનાં તાબામાં લીધી હતી. તેણે તુરંત ત્યાં જ, તખ્તેશ્વર મહાદેવનાં પ્રાંગણમાં પોતાની વીધી આરંભી. તાંત્રિક અનુષ્ઠાન કરીને તેણે મંત્રોચ્ચાર શરૂ કર્યાં. અગ્નિ પ્રગટાવી તેમાં આહુતિઓ આપવાનું શરૂ કર્યું.

તેનાં એ અનુષ્ઠાનથી અચાનક જ મંદિર પરીસરનું વાતાવરણ બદલવા લાગ્યું. ભર બપોરે આકાશમાં અંધકારભર્યા વાદળો છવાવા લાગ્યાં. શિતળ વહેતો પવન અચાનક આંધીભર્યા વાવાઝોડામાં તબદીલ થઇ ગયો અને સૂસવાટાભેર પરીસરને ધમરોળવા લાગ્યો. એવું લાગતું હતું કે હમણાં જ ભયંકર આંધી આવશે અને અહીંની બધી ચીજોને તહસ-નહસ કરી પોતાના સાથે ઉડાવીને લઇ જશે. જેસંગ ભૂવાએ પણ પોતાની તમામ તાકાત કામે લગાવી દીધી હતી. જોર-જોરથી.... ઉંચા અવાજે બોલાતા તેનાં મંત્રોચારે ગગન ગજવી મુકયું. સામે લપકારા મારતી અગ્નિમાં તેણે મુઠ્ઠી ભરીને મંત્રેલા દાણા નાંખ્યા જેના લીધે ધધકતા અગ્નિમાં જાણે જીવ આવ્યો હોય એમ તેની લપટો ગગન સુધી ઉંચી ઉઠી. પછી જેસંગે આંખો બંધ કરી ત્રિશુલ હાથમાં લીધું. બેઠા-બેઠા જ લગભગ પંદરેક મિનિટ કંઇક બબડીને તે ઉભો થયો. બંધ આંખોએ જ તે અગ્નિનાં સાત ફેરા ફર્યો અને પછી પેલા ઝરણા તરફ ચાલ્યો. તેની આંખો બંધ હતી છતાં જાણે બધું જ દેખાતું હોય એમ તે સીધો જ ઝરણાની પાછળ પેલી શીલા નજીક પહોંચ્યો જ્યાં એ વિચિત્ર ચિત્રો દોરેલા હતાં. ભયાનક અવાજે ગરજતા, મંત્રોચ્ચાર કરતાં જેસંગ ભૂવાએ ત્રિશુલની ધારથી એ ચિત્રોને ખોતરવાનું શરૂ કર્યું. તે જેમ-જેમ ચિત્રોને ખોતરીને ભૂંસતો જતો હતો તેમ-તેમ ત્યાં નાં વાતાવરણમાં ભયાવહ બદલાવ આવતો જતો હતો. એવું લાગતું હતું જાણે કેટલીય ભયાનક આત્માઓ એક સાથે રડી રહી હોય...! એ સીલસીલો શીલા ઉપર દોરાયેલા ચિત્રો જ્યાં સુધી સંપૂર્ણ રીતે નષ્ટ નાં થયાં ત્યાં સુધી ચાલ્યો. અને પછી બધું જાણે એકાએક ખતમ થઇ ગયું.

ભૂવાએ ત્રિશુલની અણીદાર ધાર પથ્થરો ઉપર રગડીને એ ભયાનક ચિત્રોને સંપૂર્ણપણે મીટાવી દીધાં હતાં. એવું કરવામાં તેનાં શરીરની તમામ શક્તિઓ નિચોવાઇ ગઇ હતી. પરંતુ આખરે તે પોતાનાં કાર્યમાં કામયાબ નીવડયો હતો.

“ આ શૈતાની આત્મા કોણ હતી એ તો ખબર નથી, પરંતુ હવે એ કયારેય કોઇને કનડશે નહિ. જે પણ હતું એ આજે... અત્યારે અહીં ખતમ થઇ ગયું. કદાચ કોઇની અતૃપ્ત આત્માને આ પથ્થરોમાં કોઇએ કેદ કરી હશે. જેને ડોકટર સાહેબે અનાયાસે જગાડી દીધી હતી. પરંતુ હવે આ અનુષ્ઠાનથી એ આત્માઓને મુક્તિ મળી હશે. બોલો જય ભોલે ભંડારી બાબા કી....” ભૂવાએ ભોળાનાથનો જય ઘોષ કર્યો . જેમાં ગામનાં મુખીએ અને આનંદે તેના મિત્રો સહીત સાથ પુરાવ્યો.

જો કે...તેઓ નહોતાં જાણતાં કે હજું આ શરૂઆત હતી.

“ અનહોની ” એક નવલકથા સ્વરૂપે જલદી આપની સમક્ષ આવશે.

( આવું ઘણી વખત બનતું હોય છે. દુનિયામાં ઘણા એવા સ્થળો છે જ્યાં આજે પણ અતૃપ્ત આત્માઓ ભૂતાવળ સ્વરૂપે ભટકતી હોવાનાં કિસ્સા નોંધાયા છે. ઝાંઝરવાડ ગામની સીમમાં પણ તે દિવસે એવું જ કંઇક બન્યુ હતું જે તાર્કિક રીતે સમજાવી શકવું મુશ્કેલ હતું. પરંતુ તેની પાછળનું રહસ્ય શું હતું એ આજ દિવસ સુધી કોઇ જાણી શક્યું નથી. હાં.... ત્યારબાદ ગામમાં કે દવાખાનામાં કોઇ વારદાત ઘટી નહોતી એ પણ એટલું જ સત્ય હતું.)

(સમાપ્ત)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

વોટ્સએપ નં-૯૦૯૯૨૭૮૨૭૮.

ફેસબુક- PraveenPithadiya.

આ કહાની સંપૂર્ણપણે કાલ્પનીક છે. સ્થળ અને કહાનીનાં કિરદારો લેખકનાં મનની ઉપજ છે.