સંબંધ... Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ...

સંબંધ

“સાથ વગરની જીંદગી છે,સફર વગરની નાંવ,

હો ભલે તું દુશ્મન મારો, ચાલ પાસે બેસવા આવ.”

આમ જોવા જાઓ તો અત્યારે હું જે કિસ્સો લખી રહયો છું એવા કિસ્સાઓ તો મોટાભાગના વ્યક્તિઓનાં જીવનમાં કયારેક તો બન્યા જ હશે, છતાં હમણા જ એક બનાવ એવો બની ગયો જેના વીશે લખતાં હું મારી જાતને રોકી શકતો નથી....સંપૂર્ણ સત્ય ઘટના છે. જેના શબ્દો અને ભાવાર્થ મારા પોતાના છે, પરંતુ તેમાં જે છલોછલ લાગણી ઘુંટાયેલી છે તેને મેં મારી નજરો-નજર નીહાળી છે.

એક રળીયામણી સાંજના સમયે વિશેષ પોતાની દુકાને રીવોલ્વીંગ ચેરમાં આરામથી પગ લંબાવીને બેઠો હતો. એક ગ્રાહકને પતાવીને હમણાંજ તે થોડો ફ્રી થયો હતો. તેની મોબાઇલ સર્વીસ સેન્ટરની શોપ ધમધોકાર ચાલતી હતી. તેમાં કયારેક જ આવી ફુરસતની પળો તેને મળતી...હજુ તેણે નીરાંતના શ્વાસનો એક ઘુંટડો ભર્યો જ હશે કે તેનો સગો મોટોભાઇ પ્રશાંત ધુંવાફુંવા થતો દુકાનમાં દાખલ થયો, તેણે એટલા જોરથી દુકાનનો દરવાજો ખોલ્યો હતો કે ઘડીભર માટે તો આખી દુકાન ખળભળી ઉઠી. તેના ચહેરા પર આશંકા, આક્રોશ, આશ્ચર્ય અને એવા ઘણાબધા ન સમજાય એવા ભાવોનો શંભુમેળો લીંપાયેલો હતો.

“ એલાં વિશલા.... આ હું શું સાંભળુ છું ?” પ્રશાંત વિશેષથી મોટો હતો એટલે પોતાના એ વિશેષાધીકારનો ઉપયોગ કરવામાં તે કયારેય પાછીપાની કરતો નહી.

“ શું છે મોટાભાઇ....?” વિશેષે પુછયું. તેને તાત્કાલીક તો કશું સમજમાં ન આવ્યુ કે મોટાભાઇ આટલા ગુસ્સામાં કેમ છે....?

“ હવે ડાહયો થામાં....તું તારી જાતને બહુ હોશીયાર સમજે છે એ મને ખબર છે, પણ તારે કમ સે કમ મને તો કહેવુ જોઇએ કે નહિ....? આ તો હું શામજીભાઇ સોનીની દુકાને ગયો અને મને ત્યાં વિપુલ મળી ગયો ત્યારે મને ખબર પડી....”

વિપુલનું નામ આવતાં જ વિશેષને બધુ જ સમજાઇ ગયું. મોટાભાઇ કેમ આટલા ઉગ્ર છે તેનો તાળો મળી ગયો. વિપુલ એ વિશેષ અને પ્રશાંતના સગ્ગાકાકાનો દિકરો હતો. વિશેષને હવે કંઇ બોલવા જેવું રહયું નહોતું. જે વાત તે છુપાવવા માંગતો હતો એ ફેલાવાની શરૂ થઇ ચૂકી હતી....નાની અમથી ચીંગારીને વિકરાળ આગમાં તબદીલ થતા વાર લાગતી નથી....શરૂઆત તેનાં પોતાના જ મોટભાઇથી થઇ હતી.

“ તારે વિપુલને રૂપિયા આપવાની શી જરૂર હતી....? અને તે કાકાને કહયું તો નહિ જ હોય....? જો કંઇક ઉંધુ-ચત્તુ થયુ તો તેનો જવાબદાર કોણ....? તું બહુ સમજુ છો તો આવા કામમાં તેનો સાથ આપવાનો....? હેં.....? તું ચુપ કેમ છો...? જવાબ દે....? પ્રશાંતે વિશેષને સવાલોના ઢગલા પર બેસાડી દીધો.

“ ભાઇ...તમે શાંત થાઓ....”

“ શું.... ધુળને ઢેફા શાંત થાય....! તને ખબર છે ને કે એ વિપલો આપણા સમાજમાં અને બજારમાં તારા વિશે કેવી-કેવી વાતો કરતો ફરે છે....? તારા વીશે કેવું-કેવું બોલે છે...? અને તે તેને મદદ કરી....? એ પણ પુરા દોઢ લાખ રૂપિયાની....? વળી પાછુ કોઇને નહિ કહેવાની શરતે....! કાકાને પણ નહિ....! તારી અક્કલ શું ઘાસ ચરવા ગઇ છે....?” ફરી પાછા સવાલો તકાયા.

“ હાં....” વિશેષે ટૂંકો ઉત્તર આપ્યો.

“ લો બોલ્યો હાં.... પણ કેમ.....? હું જાણી શકું....?” પ્રશાતે પુછયું. તેના નાના અમથા મગજમાં આવડી મોટી વાત કેમેય કરીને ઉતરતી નહોતી. તે જાણતો હતો કે વીશેષ અને વિપુલ વચ્ચે છત્રીસનો આંકડો હતો. અને તેમાં વાંક વિપુલનો જ હતો. વિશેષ તો કંઇ કહેતો નહિ પરંતુ વિપુલ હરહંમેશ તેનાથી વિરુધ્ધમાં જ ચાલતો. વિપુલે વિશેષને બદનામ કરવામાં કંઇ બાકી રાખ્યુ નહોતુ. સારા-નરસા સામાજીક પ્રસંગોએ જ્યારે પણ મોકો મળે ત્યારે વિપુલ વિશેષ વિશે ઘસાતુ બોલવાની એક પણ તક ચુકતો નહિ.

આમ જોવા જાઓ તો તે બંને વચ્ચે સમસ્યા તો કંઇ હતીજ નહિં. જે તકલીફ થઇ હતી તે એ બંનેના બીઝનેસના કારણે શરૂ થઇ હતી. બંનેનો ધંધો મોબાઇલ રીપેરીંગ અને વેચાણનો હતો.....ધંધાની શરૂઆત બંન્નેએ એક સાથે જ કરી હતી. તેમાં વિશેષ ખૂબ જ ટુંકા સમયમાં આગળ નીકળી ગયો હતો, અને એ વાત વિપુલને ધીરે-ધીરે ખટકવા લાગી હતી. તદ્દન નાના પાયે શરૂ કરેલા ધંધાને વિશેષે પોતાની લગન, મહેનત અને આવડતના જોરે લોખો રૂપિયાના ટર્ન-ઓવરમાં ફેરવ્યો હતો. સખત અને સતત મહેનત એ શબ્દો વિશેષના પર્યાય બની ચૂક્યા હતા.... ધીરે-ધીરે તે મોબાઇલના હોલસેલ બીઝનેસમાં પણ ઝંપલાવી સફળતા મેળવવા લાગ્યો હતો. પુરુષાર્થ અને પરસેવો રંગ લાવ્યો અને સફળતાની દેવી તેના પર ચારેય હાથે કૃપા વરસાવી રહી હતી.... બીજી તરફ વિપુલ તેની અણઆવડત અને આળસુપણાનાં કારણે ઘણી સારી તકો ગુમાવી ચૂક્યો હતો....તકદીર પણ મહેનતકશ વ્યક્તિને પહેલી તક આપે છે એ ન્યાયે વિપુલ હતો ત્યાં ને ત્યાં જ રહયો. બસ, એ જ બાબત બંને વચ્ચેના ખટરાગનું મુખ્ય કારણ બની રહયુ હતું. જ્યારે પણ વિપુલની તુલના વિશેષ સાથે થતી ત્યારે તેના મગજની કમાન છટકી જતી અને તે વિશેષ વિશે એલફેલ બોલવા લાગતો.... વિશેષે કેવા-કેવા ખેલ કર્યા અને કંઇ રીતે કોઠા-કબાડા કરીને તે પૈસા કમાયો તેનું લીસ્ટ હંમેશા તેની જીભે રહેતું.

“ એ શેરબજારમાં સટ્ટો રમે છે....તેણે ક્રિકેટમાં સટ્ટો નાંખ્યો છે....અરે તેણે તો આ વખતે સોનામાં ખુબ મોટા રૂપિયાનો સટ્ટો ખેલ્યો છે. તેના તમામ રૂપિયા બે નંબરી આવકના છે....મોબાઇલની દુકાન તો ફક્ત દેખાડો છે....” વગેરે...વગેરે... વાતો ફેલાવી તે પોતાની દાઝ ઠાલવતો રહેતો. સામા પક્ષે વિશેષ તદ્દન ચુપ રહેતો.

“ ભાઇ.... પહેલા તમે એ તો કહો કે વિપુલે તમને શું કહયુ....?” વિશેષે પુછયુ.

“ અરે એ શું કહેવાનો હતો....! હું જ્યારે શામજીભાઇ સોનીની દુકાને ગયો ત્યારે એ શામજીભાઇની સામેની ખુરશીમાં તે બેઠો હતો. તેની પીઠ મારી તરફ હતી એટલે પહેલા તો હું તેને ઓળખી શક્યો નહિં...ઘડીભર પછી સમજમાં આવ્યુ કે આ તો આપણો વિપુલ છે. ભાઇ સાહેબ શામજીભાઇને તેની ઘરવાળીના ઘરેણા બતાવી રહયા હતા. તે એ ઘરેણા વેચવા આવ્યો હતો....! મને ત્યાં આવેલો જોઇને તે હેબતાઇ ગયો. તેનો ચહેરો ધોળી પુળી જેવો થઇ ગયો. મને લાગ્યુ કે જરૂર કંઇક ગરબડ છે નહિતર આ અહીં ન હોય....ગમે તેમ તો તે આપણો ભાઇ છે એટલે હું તેને દુકાનની બહાર લઇ ગયો અને થોડો ખખડાવ્યો એટલે એ બધું બકી ગયો કે...આ ઘરેણા વેચીને જે રૂપિયા આવવાનાં હતા એ તને ચૂકવવાનાં હતાં. તે જે દોઢ લાખ રૂપિયા તેને આપ્યા હતા એ પાછા ચૂકવવા માટે તે ઘરેણા વેચી રહયો હતો.... હવે બોલ....સાચુ શું છે....? તે એ માણસને શું કામ મદદ કરી...? કે પછી બીજું કંઇક છે....?” પ્રશાંતે પુછયુ.

વિશેષ ધર્મસંકટમાં મુકાઇ ગયો. એક તરફ વિપુલને આપેલુ વચન હતુ કે તે આ વાત કોઇને નહી કરે...અને બીજી તરફ મોટાભાઇ હતા....જે ઘણુંખરુ જાણીને આવ્યા હતા. આગે કુવા અને પીછે ખાઇ જેવી હાલત હતી....જોકે વિપુલની સરખામણીમાં મોટાભાઇના પક્ષનું વજન વધી જતુ હતું....તે વધુ વજન તરફ ઢળ્યો.

“ ભાઇ... વિપુલ ક્રિકેટના સટ્ટામાં દોઢ લાખ રૂપિયા હારી ગયો હતો.... જો આ તે વાત તેનાં ઘરે કહે તો જરૂર કાકા તેને ખંખેરી જ નાંખે...કદાચ તેને ઘરમાંથી કાઢી પણ મુકે...! તે ભયાનક મુંઝવણમાં હતો..... એક દિવસ અચાનક તે અહી આવી ચડયો...તેની નજરો ઝુકેલી હતી, કદાચ તે રડતો હતો. ભીની આંખોએ તેણે મને હાથ જોડયા અને કહયુ...”

“ ભાઇ....મારાથી ઘણી મોટી ભુલ થઇ ગઇ છે. મને ખબર છે કે તમે સટ્ટો નથી રમતા...પણ હું રમ્યો....અને દોઢ લાખ રૂપિયા હારી ગયો છું....સાવ છેલ્લા ઉપાય તરીકે હું તમારી પાસે આવ્યો છું. હું જાણુ છું કે તમારી પાસે આવવાનો મને કોઇ અધીકાર નથી....કારણ કે તમને મે ઘણા બદનામ કર્યા છે.....તેમ છતાં મરતા પહેલા એક છેલ્લી આશા લઇને આવ્યો છુ. જો તમે મને મદદ નહીં કરો તો મારી પાસે ઝેર પીવા સીવાય કોઇ વિકલ્પ રહેતો નથી. સટ્ટામાં હારેલા રૂપિયા આજ સાંજ સુધીમાં કોઇપણ સંજોગોમાં મારે ચૂકવવાના છે. જો નહિ ચૂકવુ તો એ પંટરો મને ઉઠાવી જશે. મારા ઘરેથી મારો સામાન. દુકાનનો સામાન, તમામ વસ્તુ એ લોકો લઇ લેશે....મારી આબરૂ તો ઠીક પણ બાપાની ઇજ્જત પણ આપણા સમાજમાં ઉછળશે. જે મારાથી સહન નહિ થાય.... માનું છું કે ભુલ મારી જ છે....હું તમારા પગે પડુ છું. મારી ભુલોને માફ કરી ફક્ત એકવાર તમે મને મદદ કરો. તમારો એ ઉપકાર હું કયારેય નહિ ભુલું.... હવે પછી મારી જીંદગી એકદમ સીધા રસ્તે હશે એ મારું તમને વચન છે ભાઇ....” વિશેષ અટક્યો.

“ મોટાભાઇ....વિપુલ જ્યારે મારી પાસે આવ્યો અને મને “ ભાઇ” કહીને બોલાવ્યો તેમાં જ મેં તેનાં બધા ગુના માફ કરી દીધા હતા....આખરે તો તે આપણો ભાઇ જ છે ને...! જો આવા નબળા સમયે આપણે તેની પડખે ઉભા ન રહીએ તો ધુળ પડે એવા જીવનમાં.....મેં તેના રૂપિયા ચુકવી દીધા....પાછા ન આપવાની શરતે....પરંતુ આ વખતે તેણે પોતાની ખાનદાની બતાવી.....ઘરેણા વેચીને તે મને રૂપિયા પાછા આપવાનો છે. જોકે તે હું લેવાનો તો નથીજ....મને ખાતરી છે કે હવે તે કયારેય ખોટી લાઇને નહિ ચડે....” વિશેષે વાત પુરી કરી. તેની આંખોમાં પોતાના ખાનદાનને બદનામ થતુ બચાવવાની ખુમારી હતી અને પીતરાઇ ભાઇને આત્મહત્યા કરતાં અટકાવ્યાનો ગર્વ....

મોટાભાઇ શું બોલે....? સજળ નયને તેણે નાનાભાઇને બાથમાં લીધો.

(સમાપ્ત)