નગર - 8 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

નગર - 8

નગર-૮

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન અને એલીઝાબેથની પ્રથમ મુલાકાત યાદગાર બની રહી. તે બંને પહેલી મુલાકાત માંજ એકબીજાથી આકર્ષાયા હતા.....અને પછી ઉંધેકાંધ પ્રેમમાં પડયા હતા. પુરા એક વર્ષ બાદ તેમનાં સંવનનમાં અચાનક એક દિવસ ભંગાણ સર્જાયું, જેનું નિમિત્ત ખુદ એલીઝાબેથ બની હતી. હવે આગળ વાંચો........)

ઇશાને કમસેકમ એક વખત એલીઝાબેથને “ બાય ” કહેવું જોઇતું હતું. તો ભવિષ્યમાં તેનાં ઉપર આવનારી ઘણી આપત્તિઓથી તે બચી શક્યો હોત... પરંતુ કયારેક માનવીનું ભાગ્ય તેને સાવ અલગ દિશામાં દોરી જતું હોય છે. એવું જ કંઇક ઇશાન સાથે પણ બન્યુ હતું.

************************

“ સાલું જબરું કહેવાય....” ઇન્સ.જયસીંહ સ્વગત બબડયો. તેની આંખો સમક્ષ જે દ્રશ્ય હતું તે એકદમ વિચિત્ર હતું......વિચિત્ર અને બિભત્સ.

તે “ જલપરી ” ના ડેક ઉપર ઉભો હતો. ડેકની લાકડાની ફર્શ ઉપર ત્રણ-ત્રણ લાશો પડી હતી.....અને એ ત્રણેયનાં મોત વિચિત્ર રીતે થયા હતા. માર્ગીની છાતીમાં તલવાર ખૂંપેલી હતી. તેનાંથી થોડે દુર નતાશા અને સમીરાની લાશ કંઇક અજબ રીતે એકબીજા ઉપર ખલાઇને પડી હતી. તે બંનેના ચહેરા ઉપર ભયાનક ખૌફના ભાવ આવીને જાણે થીજી ગયા હતા. જાણે મરતી વખતે તેમણે કોઇ ભયાનક દ્રશ્ય જોયું હોય...! નતાશાના ઉઘાડા શરીર ઉપર ઠેક-ઠેકાણે દાઝવાના નિશાન સ્પષ્ટ દેખાતા હતાં જ્યારે સમીરાનાં ચહેરાનો એકબાજુનો આખો ભાગ બળી ગયો હતો. કઠણ હદયનાં જયસીંહથી પણ તે ચહેરા સામે વધારે જોવાયું નહી. તેણે એક કોન્સ્ટેબલને હુકમ કરી ત્રણેયની લાશોને સફેદ કપડાથી ઢંકાવી હતી.

વિભૂતી નગરની એકમાત્ર જેટ્ટી ઉપર અત્યારે સમગ્ર નગરની જનતા ઉમટી પડી હતી. તે લોકોમાં કુતુહલ અને ડરનો માહોલ સર્જાયો હતો. છેલ્લા બે દિવસથી જે આફતો નગર ઉપર ત્રીટકી રહી હતી તેનાંથી લોકો ભયભીત બન્યા હતા. લોકોની ભીડમાં માર્ગીના પિતા પીટર ડિકોસ્ટા પણ સામેલ શામેલ હતા. તેઓ પોતાનાં એકમાત્ર દીકરાના મોતની ખબર સાંભળીને સ્તબ્ધતામાં સરી પડયા હતા. તે બુઢ્ઢો આદમી ત્યાં, જેટ્ટી ઉપરજ ફસડાઇ પડયો હતો. તે ઉપરાંત નતાશા અને સમીરાના પરીવારજનોનાં ભારે આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. એકમાત્ર રોશન પટેલની હજુ સુધી કોઇ ભાળ મળી નહોતી એટલે તેનાં કુટુંબીજનો જાત-ભાતની અમંગળ આશંકાઓ સેવતા ઉચક જીવે બોટમાંથી રોશનના કોઇ સમાચાર આવે તેની રાહ જોઇ રહયા હતા. નગરનાં સેક્રેટરી નવનીત ભાઇ ચૌહાણ પણ ત્યાં દોડી આવ્યા હતા. તેમના ઉપરાંત બીજા પણ ઘણા લોકો, જે વીભૂતી નગરની વર્કિંગ કમીટીના સભ્યો હતા તેઓ ત્યાં જેટ્ટી ઉપર ઉભા રહી પોલીસની કાર્યવાહી જોઇ રહયા હતા. નવનીતભાઇ બોટ ઉપર જવા માંગતા હતા પરંતુ જયસીંહે તેની ઇજાજત તેમને આપી નહોતી. એનાથી ત્યાં ઘટેલી ઘટનામાં બાધા ઉત્પન્ન થશે એવું તે માનતો હતો.

“ સુરેશ....બોટની સઘન તપાસ કરો. નાનામાં નાની ચીજ ચેક કરો. બોટનો એક પણ ખુણો તપાસમાં બાકી ન રહેવો જોઇએ....” જયસીંહે એક કોન્સ્ટેબલને કહયુ એટલે સુરેશ નામનો કોન્સ્ટેબલ અને તેની સાથે આવેલા બીજા બે કોન્સ્ટેબલો બોટની તલાશીમાં જોતરાયા....! એ સમય દરમ્યાનજ નગર ટ્રસ્ટની હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી હતી. એમ્બ્યુલન્સ છેક દરિયા કિનારા સુધી આવી શકે તેમ નહોતી...એટલે તેને કાંઠે જ ઉભી રખાઇ હતી અને તેમાંથી ત્રણ સ્ટ્રેચર ઉંચકીને હોસ્પિટલ સ્ટાફના માણસો બોટ સુધી આવ્યા હતા. ત્રણેય લાશોને “જૈસે થે” ...કંડીશનમાં જ સ્ટ્રેચર ઉપર સુવરાવવામાં આવી અને તેને એમ્બ્યુલન્સમાં મુકી હોસ્પિટલે રવાના કરવામાં આવી.

ઇન્સ. જયસીંહના ભવા હજુ પણ ચડેલા જ હતા. તેને આ બધુ બહુ અજુગતું લાગતું હતુ. પ્રાથમીક પુછપરછમાં તેણે એટલું તો જાણીજ લીધુ હતું કે ગઇ કાલે રાત્રે માર્ગી અને તેનાં દોસ્તો પાર્ટી કરવાના ઇરાદે “ જલપરી ” માં બેસીને સમુદ્રમાં ગયા હતા.....અને બીજા દિવસની બપોરે “ જલપરી ” વિભૂતી નગરનાંજ એક રહેવાસી, જે સવારે માછલીઓ પકડવાના ઇરાદા સાથે મધદરીયે પહોંચ્યો હતો તેની નજરે ચડી હતી. દરીયામાં એકલી-અટૂલી ઉભેલી બોટને જોઇને તેને પ્રથમતો આશ્ચર્ય થયુ હતુ અને કુતુહલતાવશ તે “ જલપરી ” ની નજીક પહોંચ્યો હતો. તેણે સૌ-પ્રથમ બોટની ડેક ઉપર મૃત હાલતમાં પડેલા માર્ગીને જોયો હતો અને ગભરાહટ અને બીકનો માર્યો તે ઉછળી પડયો હતો. પછી તેણે બીજી લાશો પણ જોઇ હતી.....શું કરવું જોઇએ એ તાત્કાલીક તો તેની સમજમાં આવ્યુ નહિ પરંતુ એખરે હિંમત એકઠી કરીને જલપરીનું દોરડું તેણે પોતાની બોટ સાથે બાંધ્યુ હતું અને તેને દરીયા કિનારે લઇ આવ્યો હતો. કિનારે પહોંચ્યા બાદ સૌ-પ્રથમ કામ તેણે પોલીસ સ્ટેશને ફોન કરવાનું કર્યુ હતું...ફોન આવતા તરતજ જયસીંહ પોતાની ટૂકડી લઇને વીભૂતી નગરની જેટ્ટીએ આવ્યો હતો.

અત્યારે જયસીંહ બોટમાંથી કુદીને જેટ્ટી ઉપર આવ્યો. પેલો માણસ જે જલપરીને અહી સુધી ખેંચી લાવ્યો હતો તે હજુપણ ત્યાંજ ઉભો હતો. જયસીંહ તેની નજીક પહોંચ્યો.

“ શું નામ છે તારુ....?” તેણે પુછયું.

“ જી.....રાજીવ નકુમ......” પેલો વ્યક્તિ બોલ્યો. તે પાંત્રીસેક વર્ષનો આધેડ ઉંમરનો વ્યક્તિ હતો.

“ હાં તો રાજીવભાઇ.....તમે આ બોટ ક્યાં જોઇ......? મતલબ કે કઇ જગ્યાએ તમે આ બોટ ઉભેલી ભાળી હતી.....? ” જયસીંહે પુછયુ. સવાલ થોડો અજૂગતો હતો કારણકે સમુદ્રના પાકા ભોમીયા હોય તે જ આ સવાલનો સચોટ જવાબ આપી શકે. સમુદ્રના પાણી ઉપર કોઇ ચોક્કસ સ્થાન શોધવું કે તેવી નીશાની રાખવી ઘણી મુશ્કેલ હોય છે. રાજીવભાઇ પણ વિચારમાં પડયા.

“ સર.....અહીથી, મતલબ કે આ કિનારાથી લગભગ પંદર–સત્તર માઇલ દુર આ બોટને મે જોઇ હતી.....” અંદાજો લગાવતા તેણે જવાબ આપ્યો.

“ હંમમ્.....પછી તમે શું કર્યુ.....? ”

“ સર....પહેલા મને અચરજ થયું કે આવી ખરી બપોરે અહી કોની બોટ આમ ઉભી હશે....? કુતુહલ થતાં હું મારી બોટને એ બોટની નજદીક લઇ ગયો, અને મેં જોયુ કે બોટમાં ત્રણ લાશો હતી. હું સખત ડરી ગયો હતો સાહેબ....! છતાં હિંમત કરીને મેં એ બોટનું દોરડું મારી બોટ સાથે બાંધ્યુ અને તેને અહી દોરતો આવ્યો...” રાજીવભાઇ બોલ્યા.

“ તમે મને એ જગ્યા બતાવા શકો ખરા.....? ” જયસીંહે પુછયું. આ વાત પણ અજીબ હતી. સમુદ્રની સપાટી ઉપર જાણે તેને કોઇ સબૂત મળી જવાના ના હોય.....!! રાજીવભાઇને પણ આશ્ચર્ય તો થયુ હતુ...પરંતુ એક પોલીસ અફસરને તે કેવી રીતે ના પાડી શકે.....?

“ હાં સાહેબ....ચાલો બતાઉં.....” તે બોલ્યો...અને પછી પોતાની બોટમાં સવાર થયો.

“ સુરેશ.....આ બોટની નજીક કોઇને ફરકવા પણ દેતો નહી. હું હમણાંજ પાછો આવુ છું, ત્યાં સુધી તમે તમારુ કામ ચાલુ રાખજો.....” જયસીંહે “ જલપરી ” તરફ ફરતાં કહયુ અને તે રાજીવભાઇની બોટમાં ચડયો. રાજીવભાઇએ બોટ ચાલુ કરી ત્યારે બપોરના ત્રણ વાગવા આવ્યા હતા.

***************************

ઇશાનની ફલાઇટનું મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સમયસર લેન્ડીંગ થયુ હતુ. તે અને શંકર શુકલા બંને સાથે જ બહાર નીકળ્યા હતા. પોત-પોતાના લગેજ કલેક્ટ કરીને તેઓ બંને એરપોર્ટની લાઉન્જમાં આવ્યા.

“ સો....ઇશાન....ઘરે કોઇને ખ્યાલ છે કે તું આવી રહયો છે.....? ” શંકર મહારાજે ઇશાન તરફ ફરતા પુછયું. એક સામાન્ય ટીપીકલ બ્રાહ્મણ કે પુજારી કરતા શંકર મહારાજની પ્રતિભા બિલકુલ અલગ દેખાતી હતી. તેઓ એકદમ મોર્ડન હતા. આ ખાસીયત તેમનામાં કદાચ દેશ-વિદેશની સફરના કારણે આવી હશે. તેમનું શરીર ચૂસ્ત હતું. હાઇટ થોડી નીચી હતી. ચહેરો ગોળ અને રતુંબડો, એકદમ કિલનશેવ. તેમણે શરીરને ઓપે એવા સરસ કપડા પહેર્યા હતા....કોડરોયનું પેન્ટ અને લેવીસનું ટી-શર્ટ. ઉંમર ભલે તેમની ૬૦(સાંઇઠ) વર્ષની હતી પરંતુ તેમણે પોતાનાં શરીરનું બરાબર ધ્યાન રાખ્યુ હતું. પહેલીવાર તેમને મળવાવાળો વ્યક્તિ એક વખત તો તેમનાથી જરૂર અંજાય જાય....પરંતુ કોણ જાણે કેમ, ઇશાન તેમનાથી બિલકુલ પ્રભાવીત થયો નહોતો.

“ ના....ઘરે કોઇને કહયું નથી. અચાનક જઇને સરપ્રાઇઝ આપવાનો વિચાર છે....” ઇશાન બોલ્યો..... “ તમે પણ આવો જ છો ને સાથે...? આપણે ટેક્ષી કરીને સાથેજ જઇએ...”

“ અરે નહી....! મારે અહીં, મુંબઇમાં થોડુ કામ છે. બે-ત્રણ દિવસમાં એ કામ પતાવીને હું વિભૂતી નગર આવીશ. સોરી યંગમેન....કે હું તને કંપની નહી આપી શકું....” શંકર મહારાજ બોલ્યા. “ પરંતુ એકવાત જરૂર છે, તને આમ અચાનક આવેલો જોઇને તારા દેવધર દાદાને જરુર અનહદ આનંદ થશે....”

શંકર મહારાજ તેની સાથે આવવાનાં નથી એ જાણીને ઇશાનને આનંદ થયો. તે હમણાં એકલો રહેવા માંગતો હતો. તેણે પોતાનો મોબાઇલ નંબર તેમને લખાવ્યો અને તેમનો નંબર તેણે લીધો. એરપોર્ટની લાઉન્જમાંથીજ તેઓ છુટા પડયા. ઇશાને મુંબઇ એરપોર્ટથી સીધીજ વિભૂતી નગરની પ્રાઇવેટ કાર કરી અને તે સાથે લાવેલો સામાન ચડાવી કારમાં ગોઠવાયો.....એ.સી. કારની ઠંડી હવામાં બેસતા જ તેણે રાહતનો દમ ભર્યો.

***************************

“ સર......લગભગ આ જગ્યા છે....” રાજીવ નકુમે તેની બોટનું લંગર દરીયાના પેટાળમાં ઠાલવ્યુ અને બોટને સ્થિર કરતા બોલ્યો. તેણે અંદાજે બોટ હંકારી હતી અને ચોક્કસ “ જલપરી ” વાળી જગ્યાએ આવીને તે ઉભો રહયો હતો.

જયસીંહ નકુમની બોટની કેબીનમાંથી બહાર નીકળ્યો અને ડેકના એક ખુણે આવીને ઉભો રહયો. સૂર્ય બરાબર તેના માથા ઉપર તપી રહયો હતો. દરીયાના ભૂરા પાણી ઉપર પરાવર્તિત થઇને આવતા સૂર્યના કિરણો તેની આંખોને ચકા-ચૌંધ કરી રહયા હતા. દુર સુધી અફાટ પાણી પથરાયેલું નજરે ચડતું હતુ. સમુદ્ર ઉપરથી વહેતા પવનમાં જયસીંહના વાળ ઉડતા હતા. તેના કપડામાં ભરાતા પવનને કારણે એક સરસરાહટ ભર્યો અવાજ ઉઠતો હતો. તેણે ચો-તરફ નજર ઘુમાવી.

“ તમને ચોક્કસ અંદાજ છે કે આ જ જગ્યા છે....!! ” તેણે નકુમને પુછયું.

“ જી સર....” નકુમ પણ કેબીનમાંથી બહાર નીકળ્યો હતો.

“ હંમમ્....” જયસીંહે હુંકાર ભણ્યો. અહી આવવાથી કોઇ ફાયદો થવાનો નહોતો એ તે સારી રીતે સમજતો હતો છતાં કોણ જાણે કેમ તેને વારદાતની જગ્યા જોવાનું મન થયુ હતું. થોડીવાર માટે તેઓ બંને ત્યાં જ ખામોશ ઉભા રહયા. સમય લગભગ એમજ વહયે જતો હતો.

“ સર....તમને લાગે છે કે અહીથી કોઇ સબૂત મળે....” આખરે નકુમે હિંમત કરીને તેની સામે ઉભેલા જયસીંહને પુછીંજ લીધું. જયસીંહ તેની વાત સાંભળવા છતાં ખામોશ ઉભો રહયો. તેને ઉંડે-ઉંડેથી કંઇક અલગજ અનુભુતી થતી હતી.. અહી આવ્યા બાદ અચાનકજ તેનો મુડ “ ઓફ ” થઇ ગયો હતો. એક અજીબ-સી અણગમતી લાગણી તેને ઘેરી વળી હતી.....એ શું હતું એ તેની સમજમાં આવતું નહોતું.

“ ઓ.કે....લંગર ઉઠાવો. પાછા કિનારે જઇએ....” અહી ઉભા રહી વધુ મુંઝાવા કરતા તેને પાછા ફરવું વધુ ઉચીત લાગ્યુ.

“ ઓ.કે. સર....” કહીને નકુમે બોટના લંગર ખેંચવાનાં મશીનમાં લાગેલી ગરગડીની ચાંપ દબાવી....એક ખટકા સાથે સ્વીચ દબાણી અને દરીયામાં નાંખેલા ભારેખમ લંગરનો વાયર ગોળ ફરતા ચક્કરમાં વીંટાવા માંડયો....પરંતુ હજુ થોડોજ વાયર વીંટાયો હશે કે ચક્કર ફરતું અટકી ગયું. સમુદ્રના પેટાળમાં લંગરનો હૂંક કદાચ કોઇ પથ્થરમાં ફસાઇ ગયો હશે એવું વિચારીને નકુમે દોરડું વીંટવાના મશીનની સ્વીચ બંધ કરી....

“ શું થયુ...? ” જયસીંહે પુછયુ.

“ કદાચ કોઇ પથ્થરમાં લંગર ફસાયુ લાગે છે...” નકુમ બોલ્યો અને ફરી તેણે સ્વીચ ચાલુ કરી. એક ઘરઘરાટી બોલી....ખટકો થયો....થોડુ દોરડું વિટાયું અને ફરી પાછુ મશીન અટકયું. નકુમે બે-ત્રણ વખત ટ્રાય કરી. દોરડાનો છેડો વારે ઘડીએ ઢીલો-ટાઇટ થવાથી બોટ હાલક-ડોલક થવા માંડી હતી. મશીન તેનામાં હતી એટલી તાકતથી લંગરનું દોરડું ખેંચવાની કોશીષ કરતું હતું....પરંતુ લંગર સહેજે મચક આપતું નહોતું.

“ ડેમ ઇટ....” નકુમ બબડયો. “ સર....લંગર નીકળતું નથી. નીચે જરૂર કોઇ મોટા પથ્થરમાં અથવા તો ત્યાં ફેલાયેલા પરવાળાનાં મજબુત ખડકોમાં ભરાયું હશે...! ” તેણે જયસીંહ તરફ ફરતાં કહયું.

“ હાં તો....કાઢો તેને બહાર...! ” જયસીંહને તેમાં કંઇ સમજ ન પડી.

“ પણ કેવી રીતે સર....? આ મશીન બળ કરે છે પણ એ પુરતુ નથી. ” કહીને ફરી વખત નકુમે લંગર ખેંચવાના મશીનની સ્વીચ ચાલુ કરી. ભારે ઘરઘરાટી મચાવતું મશીન તેનો દમ ફાડીને દોરડાને ખેંચવાની કોશીષ કરતુ રહયું. થોડીવારમાં જ મશીનમાંથી ધુમાડા નીકળવા માંડયા. નકુમે સ્વીચ બંધ કરી. તેને ધુમાડા જોઇને ડર લાગ્યો કે કયાંક બળ કરવામાં મશીન સળગી ન જાય.

“ સાલું....ગજબ કહેવાય...” તે ફરી બબડયો અને નિઃસહાય નજરે તેણે જયસીંહ સામે જોયું. જયસીંહે સીગરેટ કાઢીને સળગાવી હતી અને તેનાં ધુમાડા તે હવામાં ફેલાવી રહયો હતો. નકુમે તેની સામુ જોયુ એટલે “ મને શું ખબર પડે....! ” એવા ભાવ સાથે તેણે પોતાના ખભા ઉલાળ્યા હતા.

ચો-પાંખીયુ લંગર જો કે ખરેખર નીચે...દરીયાના પેટાળની સતહ ઉપર, એક વનસ્પતી છવાયેલા પરવાળાના નાનકડા સમુહના મુળમાં ફસાયુ હતું. તે પરવાળાનાં મુળમાં એક પેટી જેવું કઇંક હતું જેમાં લંગર ભરાયુ હતુ. લોંખડના હૂકના બે પાંખીયા જમીનમાં ખૂંપેલા એ જુના જમાનામાં વપરાતા નાનકડા સંદૂક જેવા બક્સામાં બરાબરના ફસાઇ ગઇ હતા. કેમેય કરીને લંગરના પાંખીયા તેમાંથી નીકળતા નહોતા. ઉપર મશીન જેટલું વધુ બળ કરતુ હતું...નીચે લંગરની અણીઓ એટલીજ વધુ ને વધુ અંદર ધસતી જતી હતી.

*********************************

એક ઝટકા સાથે હુક છટકયો....નકુમે આખરી કોશીષ તરીકે મશીનને ચાલુ કર્યુ હતુ. તેની એ કોશીષ કામયાબ નીવડી. લંગર સાથે જોડાયેલા દોરડામાં પહેલા ઢીલ પડી હતી, અને પછી તે ખેંચાયુ હતું. જેના કારણે લંગરના દોરડામાં એકદમ જ એક ઝટકો લાગ્યો અને તેની ફસાયેલી અણી છટકીને તે સંદુક જેવી પેટી નીચેથી બહાર નીકળી આવી....એ સાથે જ દરીયાની જમીનમાં વર્ષોથી ધરબાઇને પડેલી એ સંદુક બહાર ખેંચાઇ આવી અને તેનું ઢાકણ ખુલી જવાથી તેની અંદર ભરેલી ચીજો પાણીમાં વિખેરાઇ. કલાત્મક હાથાવાળો એક અરીસો, બે-ચાર હાથી દાંતના કાંસકા, માથાના વાળમાં ભરાવવાની પીનો.....અને એવી ઘણી બધી વસ્તુઓ, જે સ્ત્રી સૌંદર્યમાં ઉપયોગી હોય, એ બધુ દરીયાના પેટાળ ઉપર ફેલાયું. સંદુકમાંથી નીકળેલી વસ્તુઓ કિંમતી જણાતી હતી. વસ્તુઓની કારીગરી ઉપરથી ખ્યાલ આવતો હતો કે જરૂર તે કોઇ અતી શ્રીમંત સ્ત્રીની સંદુક હોવી જોઇએ. એ તમામ ચીજ-વસ્તુઓ હજુપણ એકદમ નવી-નક્કોર જણાતી હતી., જાણે હમણા જ બજારમાંથી ખરીદીને લાવ્યા ન હોય....!! સંદુકમાંથી બહાર વેરાયેલી ચીજો પહેલા પાણીમાં ઉછળી હતી અને પછી ધીમે-ધીમે સમુદ્રની ગહેરી સતહ ઉપર ફેલાઇ હતી. એ તમામ ચીજો ઉપર કંઇક વિચિત્ર પ્રકારના “ વોટર માર્ક ” ના નિશાનો ઉપસાવેલા હતા. કોઇક કુટુંબના કે કબીલાના, અથવા તો કોઇ રાજ્યની, રજવાડાની ઓળખાણ ધરાવતા એ નિશાનો હતા.

દરેક ચીજના હેન્ડલ ઉપર અથવા તો તેની પાછળની બાજુ ત્રણ ચીત્રો ઉપસાવેલા હતા. એક ચીત્રમાં નાનકડો માથા ઉપર પહેરવાનો મુગટ ઉપસેલો હતો. બીજા ચીત્રમાં હાથીનું ચીત્ર હતું જ્યારે ત્રીજા સિમ્બોલમાં કંઇક વિચિત્ર પ્રકારનું ત્રાજવું ઉપસેલું હતું. એવુંજ ત્રાજવું જે ગઇકાલે રાત્રે સમીરાએ “ જલપરી ” ના નેવીગેશન કેબીનમાં ધુમ્મ્સથી છવાયેલા કાચ ઉપર દોર્ય હતું. એ ચીત્રમાં અને સંદુકમાંથી નીકળેલા સામાન ઉપર ઉપસેલા ત્રાજવામાં, સહેજપણ ફરક નહોતો.

લંગર નીકળવાથી નકુમની બોટ “ ફ્રી ” થઇ હતી. ઇન્સ.જયસીંહ અને રાવજી નકુમ, બંનેને તેનાથી હાશ થઇ હતી. હવે અહી રોકાવાનું જયસીંહને યોગ્ય લાગતું નહોતું. તેણે નકુમને બોટ વિભૂતી નગરના કિનારે લેવા કહયુ. નકુમે લંગરના દોરડાને મશીનમાં વીંટીને બોટને વિભૂતી નગરની દિશામાં ભગાવી....લાકડા અને મજબુત ફાયબર બોડીની બનેલી નકુમની બોટ ભારે વેગથી કિનારા તરફ ભાગી હતી.

પરંતુ.....અજાણતા જ તેઓએ દરીયાના પેટાળમાં ધરબાયેલા એક ખૌફનાક સત્યને ઉખેળ્યુ હતું. વીભૂતી નગર ઉપર ઓલરેડી અત્યારે ભયાનક મુસીબતોનો ઓછાયો ફેલાયેલો હતો. તેમાં આ સંદુકમાંથી નીકળેલી ચીજો કોહરામ મચાવવા સજ્જ થઇ હતી. તેનાથી બેખબર જયસીંહ અને નકુમ અત્યારે કીનારા તરફ જઇ રહયા હતાં.

આખરે શું હતું એ.....?

આવતા એપીસોડમાં જોઇશું.

( ક્રમશઃ)

પ્રવિણ પીઠડીયા

વોટ્સઅપ—૯૦૯૯ ૨૭૮ ૨૭૮

ફેસબુક—Praveen Pithadiya