આપણા ટ્રાફિક નિયમો. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આપણા ટ્રાફિક નિયમો.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.

આપણા ટ્રાફિક નિયમો.

પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

ટ્રાફિક પોલીસ: (સાઇકલ સવારને) : એ ઇ..ઊભો રહે, સાઇકલ પર કેમ ત્રણ જણ બેઠા છો? અરે! ઘંટડી પણ નથી લગાવી. અને આ શું? અંધારું થવા આવ્યું છે, તો પણ લાઇટ નથી જલાવી?

સાઇકલ સવાર: અરે હવાલદાર સાહેબ, હટો, હટો, હટો...સાઇકલને બ્રેક પણ નથી.

હવાલદાર સાહેબ હટે તે પહેલા સાઇકલ સવારે, બે પગ પહોળા કરીને ઊભેલા હવાલદાર સાહેબની બે ટાંગ વચ્ચે સાઇકલ પાર્ક કરી દીધી.પછી એ સાઇકલ સવારનું શું થયું તે તો, એ દિવસે થાણામા હાજર લોકોએ જ જાણ્યું હશે, પણ જે કંઇ થયું હશે તે કરુણ જ હશે, એમ મારી કલ્પનાશક્તિ કહે છે.

ભારતમા ટ્રાફિક ખાતું જેટલા નિયમો ઘડે છે, એ બધા જ નિયમો વાહન ચાલકો પ્રેમથી તોડે છે, ને ઝપટમા આવી જાય તો દંડ પણ ભરે છે. અમદાવાદની ટ્રાફિક પોલીસે અમદાવાદના લોકોને આધુનિક રીતે નિયમોનું પાલન કરાવવા એક નવતર પ્રયોગ કર્યો. ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરીને ભાગી જનાર વ્યક્તિની ગાડીનો નંબર, ટ્રાફિક પોલીસે ‘ફેસબુક’ ના પેજ પર મૂકવાનું નક્કી કર્યું. મને અમદાવાદ ટ્રાફિક પોલીસની ‘સેન્સ ઓફ હ્યુમર’ ગમી.

થોડા જ દિવસોમા (૧૩-૩-૧૩ સુધીમા) આ પેજના ફોલોઅર વધીને ૩૪૭૦ જેટલા થયા હતા, આજે ૨૦૧૫ મા આ પેજના ફોલોઅર કદાચ બમણા થયા હશે. ટ્રાફિક પોલીસ ડીસીપી દિનેશ પરમારે જણાવ્યું કે ટ્રાફિક પોલીસના આ પગલાંને, ટેક્નોસેવી અને ઈંટરનેટ યુઝર એવા યુવાધનોએ આવકાર્યું છે. પણ બે દિવસ દરમ્યાન ટ્રાફિક નિયમોનું ઊલ્લંઘન કરનાર એક પણ વ્યક્તિની ગાડીના નંબરવાળો ફોટો અપલોડ થઈ શક્યો નથી. કારણ? ટેકનીકલ ખામી? કે રાતોરાત વાહન ચાલકો સુધરી ગયાં? ગોડ નોઝ. કાયદા બને એટલા પળાતા નથી કે પછી કાયદા બને છે જ તોડવા માટે?

ટ્રાફિક પોલીસ: (સ્કુટર સવારને ): રાત્રે બે વાગ્યે ક્યાં જાય છે?

સ્કુટર સવાર: ભાષણ સાંભળવા.

ટ્રાફિક પોલીસ:રાત્રે બે વાગ્યે ભાષણ? મને બનાવે છે?

સ્કુટર સવાર: માન્યામા ન આવતું હોય તો ચાલો સાહેબ મારી સાથે, મારા ઘરે. મારી વાઇફનું ભાષણ આપણે બે ય મળીને સાંભળશું.

અમદાવાદ શહેરના સૌથી વધારે ટ્રાફિક ધરાવતા લાલ દરવાજા વિસ્તારમા સ્કુટર અને કાર પાર્ક કરવાની જગ્યાએ, વધારે પૈસા કમાઇ લેવાની લાલચમા કોંન્ટ્રાક્ટરો લારી-ગલ્લા પાર્ક કરાવે છે. ( એકે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ....ગીત યાદ આવે છે ને? ) ના છૂટકે નાગરિકોએ રસ્તા પર વાહનો પાર્ક કરવા પડે છે, અને ટ્રાફિક પોલીસ વાંધો લે તો દંડ પણ ભરવો પડે છે. કેટલાક લોકો તો આ કારણે ત્યાં ચાલતા જવાનું વધુ પસંદ કરે છે અને આમ ઇન્ડારેક્ટલી એમનું સ્વાસ્થ્ય સુધરે છે, એમને ડાયાબિટીશ, બ્લડ પ્રેશર, મેદસ્વિતા જેવા રોગોમાં ફાયદો થાય છે.

સંતા: અરે! આપણી કારના કાચ પર આ ‘100 Rs. Fine for parking.’ નુ સ્ટીકર કેમ લગાડેલું છે?

બંતા: ટ્રાફિક પોલીસે આપણને સારી રીતે કાર પાર્ક કર્યાનું ઇનામ આપ્યું લાગે છે.

એક નવી નક્કોર BMW ના માલિકે બેંકમાં જઈને મેનેજર પાસે ૧૦ હજાર રુપિયાની લોન માંગી. મેનેજરે કહ્યું, ૧૨% વ્યાજ લાગશે, અને હા, ગેરંટી મા શું મૂકો છો?’ માલિકે કહ્યું, ‘મારી BMW કાર.’ મેનેજરને નવાઇ તો લાગી પણ ‘મોટા માણસની મોટી વાતો’ એમ ધારી કંઇ કહ્યું નહીં. ૨ મહિના પછી જ્યારે BMW ના માલિકે વ્યાજ ચૂકવી પોતાની કાર છોડાવી ત્યારે મેનેજરથી રહેવાયું નહી અને તેણે પૂછ્યું, ‘તમારે શા કારણે ૧૦ હજાર જેવી મામૂલી રકમ લેવાની જરુર પડી?’ માલિકે હસીને સમજાવ્યું,’ મારે ૨ મહિના માટે અમેરિકા જવું હતું, પણ સવાલ હતો કે મારી BMW રાખવી ક્યાં? અને તમારી બેંક યાદ આવી. હવે તમે જ કહો, આટલા સસ્તા દરમા મારી BMW આટલી સારી રીતે કોણ સાચવતે?’

BMW જેવી ફાસ્ટકાર ના ‘Hit and Run’ ના અનેક કિસ્સા નોંધાયેલા છે. અમદાવાદમાં જ માનસી સર્કલ પાસે ૨ જણને આ કાર માલિકે ઉડાવ્યાનો કિસ્સો ન્યૂઝપરમા ખુબ ચગ્યો હતો. પોલીસ ઠેર ઠેર બોર્ડ મારે છે, ‘ઝડપની મઝા, મોતની સજા.’ પણ આમાં ઝડપની મજા કાર ચાલકને મળે છે અને મોતની સજા એની અડફટમા આવનારને મળે છે, જે યોગ્ય નથી.

પત્ની (પતિને ફોન પર) : હલ્લો, બીઝી છો?

પતિ: હા, કેમ? શું કામ હતું?

પત્ની: એક સારા સમાચાર છે, અને એક ખરાબ.

પતિ:સારા સમાચાર આપી દે, ખરાબ માટે ટાઇમ નથી.

પત્ની: ઓકે. સારા સમાચાર એ છે કે, આપણી નવી ‘BMW-7 Series’ ની ‘Air Bags’ એક્સિડન્ટ વખતે બરાબર કામ કરે છે. હું પરફેક્ટલી ફાઇન છું.

મારા હિસાબે BMW જેવી વૈભવી કાર બનાવનાર કંપની તો પરફેક્ટલી જ કાર ડીઝાઇન કરે છે, પણ ભારતમા આવી કાર સારી રીતે ચાલી શકે એવા રસ્તાઓ જ બન્યા નથી.

સુરત શહેરના કમિશ્નર રાકેશ અસ્થાનાને એક સરસ વિચાર આવ્યો, ‘સેફ સીટી સુરત’ [SCS] બનાવવાનો. આ યોજના મુજબ સુરત શહેરમા ૨૩ જગ્યાએ ૧૦૪ કેમેરા કાર્યરત થયા. આ કેમેરા એટલા પાવરફૂલ છે કે, ‘દિન કા ઉજાલા હો યા રાત કા અંધેરા’ ૨૪ કલાક વાહન ચાલકોના ચહેરા અને વાહનની નંબર પ્લેટ બરાબર નોંધી શકે. હવે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ એ કહેવત મુજબ ખાનપાનના શોખીન મોજીલા સુરતીઓ માટે એક જોક ખુબ જ પ્રચલિત થઈ….

રવીવારની સવારે ૯ વાગ્યે એક કંટ્રોલ રુમમા ફોનની ઘંટ્ડી વાગે છે,’ સાહેબ, તમારા કેમેરામા જોઇને જરા કેવની કે પેલા ચોક બજારના લોચાવાલાની દુકાન ખુલી ગેઈ છે કે ની?’ ૬૦ લાખની વસ્તી અને ૨૧ લાખ વાહનો વાળા સુરત શહેરમા છેલ્લા પાંચ વરસમા માર્ગ અકસ્માત મા થયેલા ૧૨૦૦ થી વધુ લોકોના મોત ની સંખ્યામા ઘટાડો તો થતાં થશે, પણ આ ‘સેફ સિટી સુરત’ ની યોજના થી સુરતીઓ ને તો જલસા જ જલસા. ‘SCS Project લગા ડાલા તો લાઇફ ઝીંગા લાલા.’

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.