Ek Ajani Mitrata - 6 books and stories free download online pdf in Gujarati

એક અજાણી મિત્રતા ભાગ - 6

એક અજાણી મિત્રતા ભાગ - 6

(વાચક મિત્રો આ વાર્તા વાંચતા પહેલા અજાણી મિત્રતા, અજાણી મિત્રતા ભાગ, 2, 3, 4 અને 5 વાંચી જવા વિંનતી )

તારક છેલ્લા બે દિવસથી ઘરમાં એકલો જ હતો, કસક તેના કાકાની છોકરી દીપ્તિના લગ્ન હોવાથી અઠવાડિયા માટે પિયર ગઈ હતી. અને પિયર ગયા પછી જાણે તારકને ભુલી જ ગઈ હોય તેમ ફોન માંડ દિવસમાં બે કે ત્રણ વાર જ કરતી. તારક તેની સાળીના લગ્નના એક દિવસ અગાઉ જવાનો હતો.

રાધિકાના ફોન દિવસમાં ત્રણથી ચાર વાર આવતા, તારકે મોબાઈલમાં રાધિકાનું નામ રાજનાથ તરીકે સેવ કરેલ હતું. અને કસકની હાજરીમાં ફોન આવે એટલે ઓફિસથી ફોન છે છત ઉપર જઈને વાત કરું છું. તેમ કહીને ફોન કાપી નાખતો અને પછી ફરીથી રાધિકાને ફોન જોડીને પછી છત પર જઈ કલાક સુધી વાતો કરતો, જેની ગંધ સુદ્ધાં કસકને આવતી નહિ.

હમણાંથી રાધિકાના ફોન પણ ઓછા થઇ ગયા હતા અને પેલી બાજુ તેના કાળજાનો કટકો કસક પિયરમાં એવી મહાલતી હતી કે તેણે લગ્ન કરેલ છે તે બાબત સાવ ભૂલી ગઈ હતી.

સવારની ચા અને નાસ્તો તારક બહાર કરી લેતો, અને બપોરનું અને સાંજ માટેના જમવા માટે તેણે બાજુમાં જ રહેતા એક ઘેરથી ટિફિન બંધાવી લીધેલ. એટલે બીજો તો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ તેનો સમય એકલા એકલા પસાર થતો નહિ.

તારક ફેસબુકમાં સર્ફિંગ કરતો પણ ત્યાં પણ ખાસ જામતું નહિ, ત્યાં પણ અલગ અલગ ગ્રુપ બની ગયા હતા અને એક બીજા પર કાદવ ઉછાળ્યા કરતા. તારક આ બધાથી દૂર રહેતો.

એક સાંજે તારકે ટિફિન લઈને જમી લીધું, પછી ટીવી જોયું પણ મજા ન આવી, હિન્દી ન્યૂઝની મોટાભાગની ચેનલોએ કોઈ મુદ્દા પર બધા જ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને લઈને ઝઘડાનું વાતાવરણ જ શરૂ કરી દીધું હતું, બીજી તરફ બીજી ચેનલમાં સાત વર્ષથી ચાલી આવતી બોરિંગ સીરીઅલ ચાલતી હતી.

અને હિન્દી સિનેમાની મ્યુઝિક ચેનલમાં સંગીતના નામે સ્ત્રી પુરુષો ઢંગ ધડા વગરની કસરત કરતા હોય અને સાથે બરાડતાં હોય તેવું લાગતું હતું. તારકે ટીવી બંધ કરી દીધું.

મોડી રાત થઇ ગઈ તારકની નિદ્રા વેરણ બની હતી, આટલી રાતે કસક કે રાધિકા બે માંથી કોઈને પણ ફોન કરી ડિસ્ટર્બ કરી શકે તેમ નહોતો.

અજાણતા જ તારકથી પોતાની દુખતી નસ દબાઈ ગઈ, તે કોલેજની સ્વપન સૃષ્ટિમાં સરી પડ્યો. અને આ સ્વપન સૃષ્ટિએ તેને એવો ઝાટકો આપ્યો હતો કે તેને રુઝાતા દિવસોના દિવસો લાગ્યા હતા.

@ @ @

કોલેજના દિવસોમાં તારક મોર બની થનગનાટ કરતો, હાઈટ 6 ફિટ, ગૌર વર્ણ, મોહક મુખડું, કાળા ઝુલ્ફા, ઘેરો અવાજ ઉપરાંત ભણવામાં તેજસ્વી અને કવિતાનો બેતાજ બાદશાહ, કોઈ પણ છોકરીને ઘાયલ કરવા આ પૂરતું હતું.

કોલેજના દિવસોમાં મોટાભાગની છોકરીઓ તારક પર મરતી હતી, પણ તારક શરમાળ હતો. તેને છોકરીઓ પ્રતિ આકર્ષણ નહોતું થતું એવું નહોતું. પણ છોકરીઓ હોય ત્યારે તે શરમાઈ જતો. ખુલીને વાત કરી શકતો નહિ.

તે વખતે ભારતમાં કોલેજની છોકરીઓ પ્રેમનો ઇજહાર કરે તે જમાનો આવવાને હજુ વાર હતી. છોકરાઓએ જ પ્રપોઝ કરવું પડે તેવો વણ લખ્યો નિયમ હતો. ક્યારેક કોઈ અપવાદ થાય, પણ તેવું ભાગ્યે જ બનતું.

તારકને એક છોકરી ગમતી, પણ તારક પ્રપોઝ ન કરી શક્યો. અને તે વખતે કોઈ છોકરીને પ્રપોઝ કરવું એ આસાન કામ નહોતું, કપરી કારીગરી હતી. જો છોકરીને કોઈ છોકરો પ્રપોઝ કરે અને છોકરીને પસંદ પડે તો જમીન ખોતરતી, નજરો નીચી ઢાળી દેતી, પણ જો પસંદ ન પડે તો છોકરીના સેન્ડલનો માર ખાવાની તૈયારી રાખવી પડતી.

કેટલી વાર છોકરીને પ્રપોઝ કરવાને કારણે છોકરાએ કોલેજ છોડવી પડી હોય તેવા દાખલા નોંધાયા હતા. તો કોઈ પર છોકરીના ભાઈ અને તેના મિત્રો તરફથી માર પણ પડતો.

એટલે તારકની પોતાને ગમતી છોકરીને પ્રપોઝ કરવાની હિમંત ચાલી નહિ, તારક તેને ગમતી છોકરીને જોઈ રહેતો. અને તેનો લાભ તેની બહેનપણી કૂંપળે ઉઠાવ્યો.

કૂંપળ બિંદાસ છોકરી હતી, તેને ખબર પડી ગઈ કે તારકને તેની સહેલી નવેલી ગમે છે. પણ કૂંપળને તારક બહુ ગમતો હતો.

એટલે જયારે વર્ગમાં ભણતી વખતે તારક નવેલી તરફ નજર નાખતો ત્યારે કૂંપળ તારકને મદ ભર્યું સ્મિત આપતી. ધીરે ધીરે તારક પણ સામું સ્મિત ફરકાવવા લાગ્યો.

પછી તો તારક જ્યાં બેઠો હોય ત્યાં કૂંપળ જવા લાગી ક્યારેક તારક પાસે નોટ માંગતી તો ક્યારેક તારકે રચેલ કવિતાની ડાયરી માંગતી. છતાં પણ તારક કૂંપળ સાથે છૂટથી વાત કરતો નહિ. એટલે એક દિવસ વર્ગમાં કોઈ નહોતું ત્યારે કૂંપળે તારકને કહી દીધું " ડફોળ હું તને પ્રેમ કરું છું. " તારક તો બબૂચકની માફક જોઈ રહ્યો ત્યાં તો કૂંપળે તારકના ગાલ પર એક કિસ ચોડી દીધું.

પછી તો તારક અને કૂંપળનો કિસ્સો ટોક ઓફ કોલેજ થઇ ગયો. પણ નવેલીનો ચહેરો વિષાદથી ભરાઈ ગયો તે તારકને દિલો જાનથી ચાહતી હતી પણ કૂંપળની જેમ તારકને કહેવાની હિમંત એકઠી કરી શકી નહિ. તે હવે તારક અને કૂંપળનો પ્રેમાલાપ સાંભળી શકતી નહિ. આખરે નવેલીએ કોલેજ જ બદલી નાખી.

કૂંપળ ખરેખર બોલ્ડ છોકરી હતી, કદાચ ભગવાને તેને છોકરો બનાવવાની જગ્યાએ છોકરી બનાવી દીધી હતી. તે તારકને પોતાના ટુ વહીલર લઈને ફરવા લઇ જતી. તેના પિતા શહેરના અગ્રણી ધનાઢ્યની શ્રેણીમાં આવતા. એટલે ક્યારેક ફોર વહીલર પણ લઈને આવતી. હવે તે તારકને ઘરથી કોલેજ સુધી અને કોલેજથી ઘર સુધી તે લઇ જતી અને લઇ આવતી.

કૂંપળ અને તારક પિક્ચર જોવા જતા ત્યારે તારક મસ્તીથી પિક્ચર જોતો, પણ કૂંપળને પિક્ચર જોવા કરતા તારકને અડપલાં કરવામાં મજા પડતી, ક્યારેક આજુ બાજુ વાળા બંનેની પ્રેમ લીલા જોઈ રહેતા.

શહેરમાં એક ગાર્ડન હતો, લોકો તેને લવ ગાર્ડન કહેતા. પ્રેમી પંખીડાઓને મળવા માટેનું આ અનેરું સ્થળ હતું. કૂંપળ અને તારક ક્યારેક ચાલુ કોલેજે નીકળી પડતા. અને આ લવ ગાર્ડનમાં આવી જતા. કૂંપળ તારકની બાંહોમાં ખોવાય જતી.

તારક કૂંપળના હોઠ પાર એક કિસ કરે તો કૂંપળ તારકના હોઠો પાર ચાર કિસ કરી બદલો લેતી. તારક કૂંપળને આલિંગનમાં લેતો ત્યારે કૂંપળ સ્વર્ગનું સુખ અનુભવતી. તારક પણ હવે કૂંપળ વિના એક પળ પણ રહી શકે તેમ નહોતો.

કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા પુરી થવા આવી હતી. આ કોલેજનું સારું નામ હોવાથી બે ત્રણ કંપની પ્લેસમેન્ટ માટે આવી હતી. તારક ભારતની એક જાણીતી કંપનીમાં સિલેક્ટ થઇ ગયો હતો. પગાર ધોરણ અને બીજી સુવિધાઓ પણ સારી હતી.

આ સમાચાર તારક કૂંપળને આપવા ગયો ત્યારે કૂંપળ ખુશીથી ઝૂમી ઉઠી, તેણે તારકને બાથમાં લીધો, અને એક મીઠું કિસ આપ્યું. બંને જણ આ આનંદને ઉજવવા માટે હોટેલમાં ગયા.

તારક જે કંપનીમાં સિલેક્ટ થયો તેની એક બ્રાંચ આ જ શહેરમાં હતી, તારકને જુનિયર એન્જીનીઅરની પોસ્ટ આપવામાં આવી. અને કંપનીનું કામ આખા ભારતમાં હોવાથી ટુરમાં જવાનું થશે તેની તેના મેનેજરે સ્પષ્ટતા કરી દીધી હતી. અને તારકને પણ આવી જોબ ગમતી. કારણ કે કંપનીના ખર્ચે આખું ભારત ભ્રમણ કરી શકાય.

પહેલો પગાર આવ્યો એટલે તારક કૂંપળ માટે ગુલાબી કલરની સાડી લઇ આવ્યો, અને ફોન કરીને પોતે ભાડે રૂમ રાખ્યો હતો ત્યાં બોલાવી. કૂંપળ સાડી જોઈએ ખુબ જ ખુશ થઇ.

એક રવિવારે તારક અને કૂંપળે પાવાગઢ જવાનો પ્રોગ્રામ બનાવ્યો, ગુલાબી સાડી, મેચિંગ બ્લાઉઝ, ગુલાબી લિપસ્ટિક, ગુલાબી એરિંગ કૂંપળ તો ગુલાબી ગુલાબી થઇ ગઈ. સવારે વહેલા વડોદરાથી બાઈક પર નીકળ્યા ત્યારે મંદ મંદ પવન લહેરાઈ રહ્યો હતો.

કૂંપળ તારકને ભીંસાઈને બેસી ગઈ, તારકે રમરમાટ બાઈક ભગાવ્યું. ઉબડ ખાબડ રસ્તામાં કૂંપળ વૃક્ષને વેલી વીંટળાઈ જાય તેમ વીંટળાઈ ગઈ હતી. કૂંપળે આંખો બંધ કરી દીધી હતી. તારકે જોયું કે કૂંપળે આંખો બંધ કરેલ છે એટલે પૂછ્યું તો જવાબ મળ્યો કે હું સુંદર સપનું જોઈ રહી છું. જેમાં મારો મનનો માણીગર મને દુલ્હન બનાવી લઇ જાય છે.

પાવાગઢની તળેટીમાં તારકે બાઈક પાર્ક કર્યું અને એક બીજાનો હાથ પકડી ચાલવાનું શરુ કર્યું. શરૂઆતમાં તો કૂંપળ રોમાંચિત થઇ ઉઠી પણ માંચી પહોંચતા તો થાકી ગઈ. તારકે માંડ માંડ સમજાવી પાવગઢ ચડાવ્યો. જો કે ઉતરતી વખતે ખાસ વાંધો ન આવ્યો.

એક વખત કૂંપળ તેની મોટી બેનની આઠ મહિનાની બાળકીને લઈને તારકના રૂમ પર આવી, તારકને નાના બાળકો ખુબ જ ગમતા, તારક બાળકીને જોઈને આભો જ થઇ ગયો, નાના નાના હાથ, પગ, મોઢું, નાક, કાન જાણે નાનકડી ઢીંગલી.

તારકે તો કૂંપળને પડતી મૂકી અને બાળકીને રમાડવા લાગ્યો, ગલગલિયાં કરી બાળકીને હસાવે, હૃદય સરખી ચાંપી રાખે. થોડી વારે નાક દબાવે, વળી ચિબુક પકડે, પગ ઉપર ઝુલાવે, અને બાળકી પણ ખુશ થઈને જાણે વર્ષોથી તારકને ઓળખતી હોય તેમ ઘુઘવાટા કરતી જાય. અને હસતી જાય.

તારકને કંપની તરફથી શ્રીનગર ટુર પર જવાનું થયું, તારકે ઓફિસેથી આવી ફટાફટ તૈયારી કરી વડોદરાથી જમ્મુ સુધીની ટ્રેનની ટિકિટ કંપની તરફથી જ આપવામાં આવી હતી અને ટ્રેન રાતની હતી. તારકે કૂંપળને ફોન કર્યો. પણ ફોન બીઝી આવતો હતો, ત્યાર બાદ ફોન કોઈએ ઉપાડ્યો નહિ.

તારક જમ્મુ એક રાત રોકાયો, માતા વૈષ્ણવી દેવીના દર્શન કર્યા મોડી રાતે હોટેલ પર આવ્યો. કૂંપળને ફોન કર્યો પણ કોઈએ ઉપાડ્યો નહિ. તે સવારે શ્રી નગર જવા રવાના થઇ ગયો.

શ્રીનગર લગભગ પંદરેક દિવસ જેવું તારકને રહેવાનું થયું. પહેલી ટુર હોવાથી બહુ એકલું લાગતું હતું, કૂંપળનો ફોન શ્રીનગરથી લાગતો નહોતો. તારક નિરાશ થઇ ગયો.

તારક શ્રીનગરથી આવ્યો અને સમય મળ્યો કે તરત કૂંપળને મળવા માટે ગયો. કૂંપળે સાવ ઠંડો પ્રતિસાદ આપ્યો. તારક આંચકો ખાઈ ગયો. ડાર્લિંગ શું થયું છે? મોઢું કેમ પડી ગયું છે? તારકે પૂછ્યું. મૂડ બરાબર નથી? કૂંપળનો શુષ્ક પ્રતિસાદ આવ્યો.

તારક કૂંપળના ઘરની બહાર નીકળ્યો, ત્યાં ચોકીદારે તેને સાઈડમાં ઉભો રાખ્યો અને કહયું આપ કો પતા હૈ સર? કૂંપળ બહન કા રિશ્તા તય હો ગયા હૈ. અમરિકા કા એક લડકા બહનજી કો પસંદ કર કે ગયા હૈ.

સર આપ દોનો કી તો અચ્છી દોસ્તી થી, ઇસલિયે આપ કો બતા રહા હું. મેરે ખ્યાલ સે એક દો મહિનેમેં તો દોનો કી શાદી હો જાયેગી.

તારક સ્તબ્ધ થઇ ગયો. કૂંપળ તો તેનું જીવન હતી. તે કેટલો પ્યાર કરતો હતો કૂંપળને. અને તેણે તેનો એક વખત પણ કોનટેક્ટ ન કર્યો. તે પોતાના દિલ સાથે રમત રમી રહી હતી?

કેટલા ઠંડા દિમાગથી કૂંપળ તેની લાગણીઓ સાથે રમત રમી ગઈ. તેને ખબર હતી કે કૂંપળ મહત્વાકાંક્ષી છે. પણ સાવ આવું? તેને કોઈ બીજા સાથે જ લગ્ન કરવા હતા તો મારી સાથે પ્રેમનું નાટક કેમ? હું તો નવેલીને ચાહતો હતો. કૂંપળે સામેથી જ પ્રેમનો ઇજહાર કર્યો.

તારક માંડ માંડ પોતાના રુમ પર પહોંચ્યો. તેના મનમાં દાવાનળ ઘુમરાઈ રહ્યો. આખરે શું કમી હતી પોતાનામાં? અને કમી હોત તો કૂંપળે પહેલ શા માટે કરી?

કદાચ તેને પોતાની પાંખ વિસ્તારવી હશે? ભારતનું આકાશ તેની પાંખો માટે નાનું પડતું હશે. તેને વિદેશમાં મહાલવું હશે.

કૂંપળને એક વાર પણ મારો વિચાર નહિ આવ્યો હોય? કે પછી સ્ત્રી માત્ર બેવફા હોતી હશે? શાસ્ત્રોમાં નારીને નરકની ખાણ કહી છે તે લખનારને પણ શું મારા જેવો અનુભવ થયો હશે? તારક વિચારી રહ્યો.

તારકને કશું સૂઝતું નહોતું, તેની આંખોમાંથી અશ્રુ ધારા રેલાતી રહી, કોણ કહે છે પુરુષો રુદન નથી કરતા? પુરૂષોનું રુદન જોવાવાળું કોઈ હોતું નથી.

તારકને વળી પેલો ફિલ્મી ડાયલોગ યાદ આવ્યો. "મર્દ કો કભી દર્દ નહિ હોતા" ડાયલોગ સાચો નહોતો. મર્દને પણ દર્દ થાય છે. અને તે દર્દની ક્યાં દવા હોય છે?

ભગવાન રામ પણ સીતામાતાના વિરહમાં ચોધાર આંસુએ રડ્યા હતા. પણ સીતામાતા તો સતી હતા. તેની તુલના કૂંપળ સાથે કેમ થાય? તારક કડવું વખ જેવું હસ્યો.

@ @ @

દશ દિવસ પછી કૂંપળ તેની બહેનપણીને લઈને તારકના રુમ પર આવી. દશ દિવસથી તારક ઓફિસે ગયો નહોતો, માંદગીનું સર્ટિફિકેટ એક કર્મચારી સાથે મોકલી દીધું હતું. હમણાંથી જમવાનું પણ ભાવતું નહોતું. દશ દિવસની દાઢી વધેલી હતી. જાણે એવું લાગતું હતું કે લાંબા સમયથી બીમાર છે.

આવ આવ કૂંપળ તારક બોલ્યો, આટલું બોલતા તો ઉધરસ ચઢી. તારકની આવી હાલત જોઈ કૂંપળ ઓજપાઈ ગઈ. શું હાલત બનાવી રાખી છે. કૂંપળે કહ્યું.

દર્દ ભી દેતી હો, ઔર કિતની માસુમિયતસે પૂછતી હો કી ક્યાં હુઆ?

મેરી દુનિયા ઉઝાડ દી ઔર પૂછતી તો પસંદ આયા.

કહેતા કહેતા તારકની આંખો છલકાઈ ઉઠી.

તારક મને ઘણું દુઃખ થાય છે પણ મારા પપ્પાની સામે મારે ઝુકવુ પડ્યું તારક, કૂંપળ બોલી.

તો પછી પ્રેમ કર્યો ત્યારે પપ્પાને પૂછવું હતું ને? વિષાદમય અવાજે તારકે જવાબ આપ્યો.

તારક તારા દિલને ઠેશ પહોંચાડવા બદલ મને બહુ દુઃખની લાગણી થાય છે.

કૂંપળ હજુ પણ સમય છે મારા દિલના ઝખ્મો પર નમક ભલે છાંટ્યું, પણ તારા પતિ સાથે દગો ન કરતી.

કૂંપળે પોતાની સાથે લાવેલ કંકોતરી કાઢી જેમાં કૂંપળના લગ્ન રમેશ સાથે થવાના છે તેની વિગતો હતી. કૂંપળ કંકોતરી આપી ફટાફટ તારકના રૂમમાંથી નીકળી ગઈ.

તારક કૂંપળને જતી જોઈ રહ્યો હજુ એક મહિના પહેલા પોતાનો પ્યાર હતી તે કૂંપળ પ્યારને, પ્રેમ કોઈ રમકડું હોય તેમ તોડીને જઈ રહી હતી. અને તેના ચહેરા પર ઉદાસીની નાની એવી લકીર પણ નહોતી. કૂંપળના ચહેરા પર તે તારકના દિલ સાથે દગો કરી રહી છે તે માટે પણ કોઈ દિલગીરીના ચિન્હો નહોતા. જાણે તારક પ્રેમની રમત રમવા માટે માત્ર એક પ્યાદું હતો. અને તેનો ઉપયોગ થઇ ગયો હતો, હવે તારકની તેના જીવનમાં કોઈ જગ્યા નહોતી.

કૂંપળ તારકના રૂમમાંથી ગઈ પછી તારક હીબકે હીબકે રોયો. તે દિવસોના દિવસો ખાધા પીધા વિના પડ્યો રહ્યો. હવે તારકને જીવવું નહોતું. તેને મરી જવાની અદમ્ય ઈચ્છા થઇ આવી.

તારકને લાગ્યું કે કોઈ કોમળ સ્પર્શ તેને સ્પર્શી રહ્યો છે, અને પાડોશી અને તેની કંપનીના મેનેજર કંઈક વાતો કરી રહ્યા છે. તેની આંખો ભારે થઇ ગઈ હતી, પરાણે આંખો ખોલીને જોયું તો તે હોસ્પિટલમાં હતો.

ડોકટરે તારકને તપાસીને કહ્યું કે હવે બરાબર છે, આ તો ઘણા દિવસથી ખાધું ન હતું એટલે બેભાન થઇ ગયેલ. નર્સ તેને ગ્લુકોઝની બોટલ ચડાવી રહી હતી. પાડોશીએ તારકને કહ્યું પણ ખરું કે તબિયત બરાબર ન હોય તો આજુ બાજુમાં વાત તો કરવી જોઈએ ને ભલા માણસ? તેમાં મેનેજરે કહ્યું કે કોઈ વાતની ચિંતા ન કરશો.

તારકે એક દ્રષ્ટિ તેના પાડોશી પર નાખી, બીજી દ્રષ્ટિ તેના મેનેજર પર નાખી અને અનિમેષ નયને છત પર તાકી રહ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED