Ek Ajani Mitrata - 12 books and stories free download online pdf in Gujarati

એક અજાણી મિત્રતા ભાગ - 12

એક અજાણી મિત્રતા ભાગ - 12

( એક અજાણી મિત્રતા ત્રિકોણીય પ્રેમ આધારિત લઘુ નવલ છે, તમે તેનું આ પ્રકરણ એકલું પણ વાંચી શકો છો. અને તેની મજા લઇ શકો છો.પણ એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ - 2 થી ભાગ 11 વાંચશો તો તમને વધારે મજા આવશે. આ પ્રકરણમાં કસકનો તેના દિયર સંકેત પ્રત્યે લગાવ, સંકેતનો તેની ભાભી પ્રત્યે છલકાતો પ્રેમ, કસક અને તારક વચ્ચે થતો ટકરાવ, અને આ ટકરાવ પછી ફરીથી પાંગરતો પ્રેમ વગેરે લેખકે પોતાની આગવી અદામાં વર્ણવ્યું છે. હવે આગળ વાંચો...)

બપોરનો સમય થયો, તારકના વર્તનથી કસકના દિલમાં કારમો આઘાત લાગ્યો. તેણે ડાઇનિંગ ટેબલ પર સંકેતને જમવા માટે બોલાવ્યો, ડાઇનિંગ ટેબલ પર એક જ થાળી જોઈ સંકેત બોલ્યો ભાભી આ એક જ થાળી કેમ? આપણે બંનેએ એક જ થાળીમાં ખાવાનું છે?

ના બકાભાઈ કસકને સંકેતના ભોળપણ પર હસવું આવી ગયું. મને માથું દુખે છે એટલે અત્યારે જમવાનું નહિ ભાવે. તમે એકલા જમી લો, કસકે કહ્યું. એમ? કહી સંકેતે કસકના કપાળ પર હથેળી રાખી અને બોલ્યો ભાભી તાવ તો નથી પણ કદાચ શરીરમાં કળતર થતું હશે.

કસકના મનને કળતર થતું હતું અને આપેલ ઘાવ પોતાના પતિના હતા એવું કસક કેવી રીતે સંકેતને કહી શકે? ભાભી તમે આરામ કરો હું તમારું માથું દબાવી આપીશ. અને ઘરમાં પેરાસીટામોલની ટીકડી હોય તો તે ટીકડી લઇ લો ત્યાં સુધીમાં હું પાણીનો ગ્લાસ ભરી આવું.

કસકને પોતાના લાડકા દિયર પ્રત્યે માન ઉપજ્યું, તેણે કહ્યું સંકેતભાઈ તમે પહેલા જમી લો, પછી હું માથાના દુખાવાની ટીકડી પણ લઇ લઈશ અને તમે મારુ માથું દબાવી આપજો. હો ને.

સંકેતને જમાડી કસક અને સંકેત બેડરૂમમાં ગયા, કસકે એક ટીકડી બુફેનની અને એક પેરાસિટામોલની લઇ દૂધ સાથે પી લીધી. અને સંકેતને કહ્યું કે તેને કપાળ પર મસાજ કરી આપો.

કસક ટીકડીઓ ગળીને બેડમાં આડી પડી, સંકેત બેડમાં બેસીને ભાભીનું માથું દબાવવા લાગ્યો. કસકને સારું લાગતું હતું. ભાભી તમારી બેન માટે મેં એક ટેડીબેર લીધું છે, પણ તમે ભાઈને કહેતા નહિ. સંકેત બોલ્યો.

તમે હજુ મારી બહેનને ભુલ્યા નથી? કસક બોલી.

ના, સંકેત ભોળપણથી બોલ્યો. કસક સંકેતના ચહેરાને ધ્યાનથી નીરખી રહી.

સંકેતભાઈ તમારા અત્યારે ભણવાના દિવસો છે. જો તમે ભણી ગણીને તમારા ભાઈ જેવા મોટા સાહેબ થશો તો મારી બહેન કરતા પણ સુંદર છોકરી તમારી વહુ થશે. કસક બોલી.

સંકેત કશું બોલ્યો નહિ, પણ વિચારવા લાગ્યો ભાભીની બહેન કેટલી સુંદર છે છતાં ભાભી બીજી છોકરી સાથે મારા લગ્નની વાત કેમ કરતા હશે?

શું ભાભીની બહેનને હું નહિ ગમતો હોઉં? પણ અમે મળ્યા જ કેટલી વાર? એક તો ભાઈના લગ્નમાં અને પછી ભાભીને તેડવા આવી ત્યારે.

સંકેતને તેના ભાઈ તારકના લગ્ન વખતે કસકની નાની બહેનની સાથે થયેલ પહેલી મુલાકાત તેના સ્મૃતિ પટ્ટ પર તાદૃશ થઇ આવી. તેને વરરાજા એટલે કે મોટાભાઈના બુટ સાચવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કારણ કે કન્યા પક્ષમાંથી કોઈ વરરાજાના બુટ ચોરી લે તો પછી તેઓ જેટલા પૈસા માંગે તે તો આપવા પડે અને કન્યા પક્ષવાળા ચતુર છે તેવું સાબિત થાય.

તેના ભાભીની બહેન તેના કરતા મોટી હતી, પણ સુંદર હતી. આસમાની ચણીયા ચોળીમાં તે અપ્સરા જેવી સુંદર લાગતી હતી. તે લગ્ન ગીતો ગાતા ગાતા વારંવાર સંકેત પાસે આવતી હતી. એક વાર તો તેણે સંકેતને આંખ પણ મિચકારી, સંકેત તો સજ્જડ થઇ ગયો તે કંઈ સમજ્યો નહિ.

થોડી વાર પછી સંકેતને પોતાની પાસે બોલાવ્યો, સંકેત બુટની જવાબદારી તેના કાકાના છોકરાને સોંપીને ગયો. સંકેત તેની ભાભીની બહેન પાસે ગયો તો તેણે તેની બહેનપણી સાથે હસતા હસતા તાળી લેતા કહ્યું કે આ વરના ભાઈ જે બુટ સંતાડીને બેઠા છે તે તો ગીતા ઉપર ત્રીજા માળની છત પર લઇ આવી છે.

સંકેતને મનમાં ધ્રાસકો પડયો, ભાભીની બહેને કેમ આંખ મિચકારી? અને શા માટે અહીં બોલાવ્યો તેની જાણ થઇ. તે દોડીને જ્યાં બુટ મુકેલ તે જગ્યાએ ગયો. જોયું તો બુટ ગાયબ હતા. તેનો કાકાનો છોકરો કોઈ અજાણી છોકરી સાથે વાત કરતો હતો. તે તેના કાકાના છોકરા પર બરાબરનો ખિજાવાયો. પણ જે થવાનું હતું તે થઇ ગયું હતું.

સંકેત ત્રીજા માળની છત પર દોડયો, ત્યાં તેની ભાભીની બહેન અને બીજી ત્રણ ચાર છોકરીઓ ઠઠ્ઠા મશ્કરી કરતી હતી. બુટ તેની ભાભીની બહેન પાસે હતા. સંકેત બુટ ઝુંટવવા ગયો, તેની ભાભીની બહેને બીજી છોકરી તરફ બુટ ફેંક્યા. છોકરી બુટ લઈને નીચે ઉતરી ગઈ. સંકેત મોં વકાસીને ઉભો રહ્યો.

તે નીચે દોડવા ગયો પણ તેની ભાભીની બહેન અને બીજી બે છોકરીઓએ સંકેતને રોકી રાખ્યો. સંકેત હવે બહુ ગુસ્સે થયો. તેણે તેની ભાભીની બહેનના હાથ પર બચકું ભરી લીધું. ભાભીની બહેને ચીસ પાડી, જ્યાં બચકું ભર્યું હતું ત્યાં લોહીની ટશર ફૂટી નીકળી. ભાભીની બહેનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ઠપકા ભરી નજરે સંકેત સામે નજર નાખી.

સંકેતને હવે પોતાની ભૂલ સમજાઈ, તે ભાભીની બહેન પાસે ગયો તેનો હાથ પોતાના હાથમાં લીધો. ભાભીની બહેનના કાંડામાં સંકેતના દાંત પેસી ગયા હતા. જો કે લોહી બહાર નીકળ્યું નહોતું પણ દર્દ થતું હતું, સંકેતે પોતાના ખિસ્સામાંથી રૂમાલ બહાર કાઢ્યો અને તે છોકરીના કાંડામાં બાંધી દીધો.

રૂમાલ બાંધતી વખતે સંકેત ભાભીની બહેનની લગોલગ પહોંચી ગયો હતો, બંનેના શ્વાસોશ્વાસ એક બીજાને ટકરાતા હતા. ગજરાના ફૂલની સુગંધ સંકેતના મનને તરબતર કરી ગઈ. ભાભીની બહેનની નજરો નીચી ઢળી ગઈ.

સંકેતભાઈ ક્યાં ખોવાય ગયા? ભાભીનો મધુર ટહુંકો સંભળાયો.

ભાભી તમારા અને મારા ભાઈના લગ્ન થયા તે યાદ કરતો હતો, સંકેત બોલ્યો.

મારી બહેનને તમે જરૂર યાદ કરી હશે. સાચુંને? કસકે સવાલ ઉઠાવ્યો.

જવાબમાં સંકેત મૌન રહ્યો.

સાંજના સાડા છ વાગ્યા, તારક ઓફિસેથી ઘેર આવ્યો. ગાડીનું હોર્ન સંભળાયું એટલે કસકે દરવાજો ખોલ્યો.

તારક હિન્દી ફિલ્મની ત્રણ ટિકિટ લઇ આવ્યો હતો, અને બહાર હોટેલમાં જમીને ફિલ્મ જોઈશું તેવો પ્રસ્તાવ મુક્યો.

કસકની ઈચ્છા ન તો ફિલ્મ જોવા જવાની હતી કે ન તો બહાર જમવા જવાની હતી.

પણ સંકેતના ચહેરા પરની ખુશી જોઈ કસક તૈયાર થઇ ગઈ.

પહેલા બધા એક રેસોરેન્ટમાં જમવા ગયા, તારકે કસકને મેનુ કાર્ડ આપી ડીશ પસંદ કરવા કહ્યું, મને ભુખ નથી, તમારે અને સંકેતભાઈને જે ખાવું હોય તે મંગાવી લો, કસકે કહ્યું. તારકે કસક તરફ નજર નાખી કસક મૂડમાં નહોતી એવું તારકને લાગ્યું.

તારકે વેઈટરને બોલાવી જમવા માટેનો ઓર્ડર આપ્યો. તારક અને સંકેત પેટ ભરીને જમ્યા. કસકે કશું ખાધું નહિ, સંકેતે બહુ આગ્રહ કર્યો કે ભાભી થોડું તો ખાઓ ત્યારે સંકેતનું માન રાખવા ત્રણ ચમચી દાળ પીધી.

ત્યાંથી ત્રણે જણા થીએટર પર આવ્યા. એક તરફ તારક, વચ્ચેની સીટ પર કસક અને બીજી તરફ સંકેત એવી રીતે બેસવાની ગોઠવણ કરાઈ. કસકે સંકેતનો હાથ પોતાના હાથમાં લીધો, તારક અને સંકેત ચલ ચિત્ર જોવામાં વ્યસ્ત થઇ ગયા.

થોડીવારમાં તો કસક સંકેતના ખભા પર માથું ટેકવી ઘસઘસાટ ઊંઘી ગઈ, તેનો એક હાથ સંકેતના હાથમાં હતો.

ઈન્ટરવલ પડયો, કસક સંકેતના ખભાનો ટેકો લઇ સૂતી હતી અને તેનો એક હાથ સંકેતના હાથમાં પરોવાયેલ જોઈ તારકનો ગુસ્સો આસમાન પર પહોંચ્યો. તેને સંકેતની ઈર્ષ્યા થઇ.

મહારાણી ઉઠો, ઈન્ટરવલ પડયો છે. તારકે વ્યંગ કર્યો. કસકે સહેજ આંખો ખોલી અને બોલી મને ઊંઘ આવે છે તેમ કહી ફરી આંખો મીંચી દીધી. સંકેત પણ તેની ભાભીનું માથું પોતાના ખભા પરથી હટાવતો નહોતો.

તારકનું મન કડવાશથી ભરાઈ ગયું, તે પોતાની સીટ પરથી ઉભો થયો. તારકે સંકેતને પૂછ્યું તારા માટે કશું ખાવાનું લઇ આવું. સંકેતે માથું હલાવી ના કહી.

તારક થિએટરની બહાર નીકળ્યો, તે એક પાનવાળાના ગલ્લા પાસે ગયો અને એક સિગારેટ મંગાવી, સિગારેટના ધુમાડાના વલયો તે બહાર ફેંકતો રહ્યો

જ્યારથી સંકેત ઘેર આવ્યો છે ત્યારથી કસકનો સ્વભાવ બદલાઈ ગયો છે, તારક સિગારેટના કશ લેતા વિચારવા લાગ્યો. કસક સંકેત તરફ જરૂર કરતા વધુ લાગણી દર્શાવી રહી છે તેવું તારક માનવા લાગ્યો.

તારકને પોતાના કાકાના દીકરા મોહનભાઈની વહુ હેતાભાભી યાદ આવ્યા. હેતાભાભી પણ પોતાને કેટલું વ્હાલ કરે છે. હજુ પણ ઓવારણાં લઇ કપાળ ચૂમે. અને નાનપણમાં તો મારી ઉપર કેટલી મમતા વરસાવતા.

તારક વિચારવા લાગ્યો હું નાનો હતો ત્યારે હેતાભાભી મને ખોળામાં લેતા, ગાલ પર પપ્પી કરતા અને આજુ બાજુ કોઈ ન હોય તો ગાલ પર બચકું પણ ભરતા, હું ચીસ પડી ઉઠતો ત્યારે અંદરના રૂમમાં પોતે જાતે બનાવેલ મીઠાઈ લઇ આવી જાતે ખવડાવતા.

હેતાભાભી હું નાનો હતો ત્યારે મને ભેટીને સુઈ જતા, ક્યારેક તો પોતાને દબાવતા હોય તેવો ભાસ થતો, છાતી સરસો ચાંપી દેતા. ક્યારેક શ્વાસ લેવાની તકલીફ પડતી એ હદે હેતાભાભી મમતા વેરતા.

જયારે સંકેત તો કસકનો સગો દિયર છે, સંકેતના ખભા પર કસક પોતાનું માથું નાખે અને સંકેતનો હાથ પકડી રાખે તેમાં તેને આટલી જલન કેમ થાય છે? સિગારેટના ધુમાડાની જેમ તારકના વિચારો ગોળ ગોળ વલય બની ઘૂમરાવા લાગ્યા.

સંકેત પણ કેવો ભોળો છે, મારી સાથે વધારે વાત નથી કરતો અને તેની ભાભી સાથે ગોઠી ગયું છે તો એમાં મારે શા માટે ઉશ્કેરાવાનું હોય? તારકના અંતરમાંથી અવાજ આવ્યો.

તારક હવે હળવાશ અનુભવવા લાગ્યો, જ્યાં કોઈ સમસ્યા જ હતી નહિ ત્યાં તેને સમસ્યા દેખાતી હતી. કસક અને સંકેતના સ્વાભાવિક વલણ તેને અકારું લાગતું હતું. તારકને હવે પોતાની ભૂલ સમજાઈ.

ઈન્ટરવલ ક્યારનો પૂરો થઇ ગયો હતો, બહારના અજવાળામાંથી તે થિયેટરના અંધકારમાં ઘુસ્યો પણ તેને બરાબર દેખાતું નહોતું. તે સુંદર છોકરી પગ લાંબા કરીને પિક્ચર જોતી હતી, તારક તેના પગ સાથે ટકરાયો. તે પડતા પડતા માંડ બચ્યો.

છોકરી ઠપકા ભરી નજરે તારક સામે જોઈ રહી, છોકરીનો બોય ફ્રેન્ડ પણ ગુસ્સે થયો. સોરી બોલીને તારક પોતાની જગ્યા પર આવ્યો ત્યારે તેણે મોબાઈલની ટોર્ચ ચાલુ રાખી હતી.

તારક પોતાની સીટ પર આવ્યો ત્યારે સંકેત તલ્લીનતાથી ફિલ્મ જોઈ રહ્યો હતો. કસક હજુ પણ સંકેતના ખભાનો ટેકો લઇ નીંદર લઇ રહી હતી, તેનો એક હાથ સંકેતના હાથમાં હતો.

તારક પોતાની સીટ પર ગોઠવાયો, તેણે કસકનો બીજો હાથ પોતાના હાથમાં લીધો અને ધીરેથી દબાવ્યો, કસકે ઊંઘરેટી નજરથી તારક સામે જોયું અને પાછી સુઈ ગઈ.

પિક્ચર પૂરું થયું, બધા બહાર નીકળી ગયા કસક તો હજુ પણ ઘોરતી હતી, સંકેતે ધીમેથી કસકના કાનમાં કહ્યું ભાભી ઉઠો, પિક્ચર પૂરું થઇ ગયું. કસક ઉભી થઇ, તેના વસ્ત્રો ચોળાય ગયા હતા.

ઘેર પહોંચ્યા પછી કસકની ઊંઘ ઉડી ગઈ, હવે તેને ભૂખ લાગી હતી. તારક બહાર ખાવાનું લેવા જવા તૈયાર થયો ત્યાં સંકેત બોલ્યો. ભાભી મને મેગી બનાવતા આવડે છે. હું મેગી બનાવી દઉં?

કસકે તારકને બહારથી ખાવાનું લેવા જતા રોક્યો અને કહ્યું મને મેગી ચાલશે. તારક સુવા માટે બેડરૂમમાં ગયો.

સંકેતે ઝટપટ ડુંગળી સમારી મેગી બનાવી અને તેની ભાભીને પીરસી. મેગી બહુ સરસ બની હતી, કસક ચાખીને જ ખુશ થઇ ગઈ, કસક મેગી ખાવા લાગી એક ચમચી કસક ખાય અને બીજી ચમચી સંકેતને પરાણે ખવડાવવા લાગી.

મેગી ખાધા પછી દિયર ભોજાઈ વાતોએ ચડી ગયા તે છેક રાતના બે વાગ્યે સંકેત અને કસક બેડરૂમમાં ગયા.

સવારે તારક વહેલો ઉઠી ગયો ત્યારે તે તાજગી અનુભવતો હતો, કસક અને સંકેત હજુ ભર ઊંઘમાં હતા. તારક સવારના જોગિંગ માટે નીકળી પડ્યો, ઘરની બાજુમાં જ એક હેલ્થ કેર ક્લબમાં ઉકાળો આપવામાં આવતો હતો.

તારક જોગિંગ કરીને ઘેર પાછો ફર્યો ત્યારે સંકેત અને કસક જાગી ગયા હતા. કસકે તારક અને પોતાના માટે ચા મૂકી અને સંકેત માટે હળદરવાળું દૂધ ગરમ મૂક્યું.

સંકેત બાથરૂમમાં ગયો તે તકનો લાભ લઇ તારકે રસોડામાં જઈને કસકને બાથમાં લીધી, તેના હોઠો પર ચુંબનોની ઝડી વરસાવી. કસકે પણ વળતો જવાબ આપ્યો તે તારકનો નીચેનો હોઠ મમળાવવા લાગી.

બાથરૂમ ખુલવાનો અવાજ આવ્યો, તારક અને કસક એક બીજામાંથી છુટા પડી ગયા. તારકે ન્યુઝ પેપર હાથમાં લઇ લીધું કસક રસોઈમાં ગૂંથાઈ ગઈ.

ઘણા દિવસ પછી તારકે કસકને આલિંગનમાં લીધી હતી, કસકનું મન પ્રફુલ્લિત થઇ ગયું. તે જૂનું હિન્દી ફિલ્મી ગીત ગણગણવા લાગી.

" તુમ હી મેરે મન હો, તુમ હી મેરી પૂજા.

તુમ હી દેવતા હો...."

તારકનું આ મન પસંદ ગીત હતું, જયારે કસક મીઠી હલકથી આ ગીત ગાતી ત્યારે તારક ડોલવા લાગતો.

તારકના હૃદયમાં લાગણીનો ધોધ વહ્યો, તેને થયું કે કસકને ઊંચકીને બેડરૂમમાં લઇ જાય અને પોતાના પ્રેમથી કસકને ગૂંગળાવી નાખે. પણ સંકેતની હાજરીમાં આ બધું શક્ય ન હતું.

કેટલા દિવસ થઇ ગયા? તારક બોલ્યો.

સંકેતભાઈ આવ્યા તેને જેટલા દિવસ થયા એટલા દિવસ થયા, મંદ મંદ મુસ્કુરાતી કસક બોલી.

તમને સ્ત્રીઓને તો બધું હસવામાં જાય. અહીં એક એક દિવસ કેમ નીકળે છે તે મન જાણે છે. વિષાદમય ચહેરો બનાવી તારક બોલ્યો.

એટલે સ્ત્રીઓ જાણી જોઈને પુરુષોને પ્રેમ તરસ્યા રાખતી હોય છે એમ? કસકે કહ્યું.

ના હું એવું નથી કહેતો, મારુ કહેવાનું માત્ર એટલું છે કે પ્રેમની તરસ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધારે હોય છે.

સાચ્ચે જ ? હું નથી માનતી, કસકે લાડ ભર્યા આવાજમાં કહ્યું.

તારક ઓફિસ જવા નીકળ્યો, કસક ગાડી સુધી તારકને વળાવવા ગઈ.

આજે રાતે તમને પ્રેમથી પરી તૃપ્ત કરી દઈશ, કસક તારકના કાન પાસે જઈ ગણગણી.

પણ સંકેત ઘરમાં જ હશે તેનું શું કરીશું? તારકે કહ્યું.

તે બધું મારા પર છોડી દો, હું કંઈક ઉપાય વિચારી રાખીશ. કસકે કહ્યું.

પગલી, તારકે કસકના ગાલ પર એક હળવું ચુંબન કર્યું. અને ગાડી સ્ટાર્ટ કરી.

કસક પણ તારકના પ્રેમને ઝંખતી હતી, કસક ઉપર તારક પહેલા વારંવાર ચિડાઈ જતો હતો તેની જગ્યાએ હવે તારકની આંખોમાં કસક માટે અમી ભર્યા હતા. તારકની આંખોમાં પ્રેમ હતો, નિમંત્રણ હતું, વ્હાલ હતું. કસકના મનમાં ફરીથી તારક પ્રત્યે પ્રીતના હિલ્લોળા ચડ્યા.

સાગર તો ઘૂઘવાટા કરી રહ્યો હતો, જયારે નદી પણ સાગરને મળવા બંને કાંઠે છલકાતી હતી.

કસકના હોઠ પર " જોબનિયું આજે આયુંને કાલે જાશે.

જોબનિયું કાલે જાતું રેશે. " ગીત રમતું થયું.

કસક અને તારક બંને પ્રેમ રસના તરસ્યા થયા હતા. બંનેના દિલમાં ઊર્મિઓ ઉછાળા મારી રહી હતી, કસક આજની રંગીન રાત વિશે વિચારતા વિચારતા એકલી એકલી શરમાઈ ગઈ. તેણે પોતાનું મોઢું પોતાની બંને હથેળીઓથી ઢાંકી દીધું.

(આગળનો ભાગ હવે પછીના પ્રકરણમાં.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED