Ek Ajani Mitrata - 8 books and stories free download online pdf in Gujarati

એક અજાણી મિત્રતા ભાગ - 8

એક અજાણી મિત્રતા ભાગ – 8

(પ્રિય વાચક મિત્રો આ કહાની પ્રણય ત્રિકોણ પર આધારિત છે. અત્યાર સુધીના પ્રકરણ એક એક કરીને વાંચીએ તો પણ સ્ટોરી સમજાય જાય તેવું હતું. પણ હવે વાર્તા ઘણી આગળ વધી ચુકી છે. હું વાચક મિત્રોને વિંનંતી કરીશ કે તેઓ " એક અજાણી મિત્રતા, ત્યાર બાદ ભાગ, 1 થી 7 એમ બધા ભાગ વાંચી જાય તો જ વાંચવામાં મજા આવશે.)

ચેન્નઈથી પરત ફરીને તારક વડોદરા ઓફિસમાં ફરી પાછો નવેસરથી નવા પ્રોજેક્ટમાં લાગી ગયો. પણ તેને કેટલીક ફાઈલ નહોતી મળતી. છેલ્લી ટુરના સંસ્મરણો પણ તેનો પીછો નહોતા છોડતા. વળી તેણે નવા પ્રોજેક્ટને લગતી જે ડાયરી તૈયાર કરી હતી તે ચેન્નઈની હોટેલમાં ભૂલી આવ્યો હતો. જે ડાયરી તેના પંદર દિવસની સખત મહેનતનું ફળ હતું.

તારક નિરાશ થઇ ગયો, તેની પંદર દિવસની મહેનત એળે ગઈ, તેના મનમાં એક વિચાર ઝબક્યો. તેણે ચેન્નઈ જે હોટેલમાં રોકાયો હતો તે હોટેલના મેનેજરને ફોન લગાવ્યો અને પોતાની ડાયરીની કેટલી અગત્યતા છે તે સમજાવી તપાસ કરવા કહ્યું. મેનેજરે પંદર મિનિટ પછી ફોન કરવા કહ્યું. એટલો સમય તપાસ માટે માંગ્યો.

અર્ધો કલાકમાં સામેથી જ હોટેલ મેનેજરનો ફોન આવ્યો, અને મેનેજરે ખેદ સાથે જણાવ્યું કે ડાયરી હોટેલમાં નથી. અહીં સફાઈ કર્મચારી, કેટરિંગ સર્વિસ વગેરે લાગતા વળગતા દરેક કર્મચારીને તેણે પૂછ પરછ કરી જોઈ પણ નિષ્ફળતા જ હાથ લાગી.

હવે ફરીથી પંદર દિવસ મહેનત કરવાની. આ તો તેના જેવું થયું કોઈ એક કડિયાએ કોઈ ઇમારતમાં આખો દિવસ પ્લાસ્તર કર્યું, અને રાતે વરસાદે બધું ધોઈ નાખ્યું. અથવા કોઈ સોફ્ટવેર એન્જીનીઅરે કોઈ સોફ્ટવેર પંદર દિવસ મહેનત કરી તૈયાર કર્યું. પણ પછી ભૂલથી ડીલીટ થઇ ગયું.

તારક નિરાશ વદને બેસી રહ્યો. થોડી વારમાં તેની સેક્રેટરી લ્યુસી આવી, લ્યુસીએ ગુડ મોર્નિંગની શુભેચ્છા સાથે મીઠું સ્મિત વેર્યું પણ તારકનું ધ્યાન તે તરફ ન ગયું એટલે લ્યુસી તારકની લગોલગ આવીને બોલી સર આજે મૂડ નથી? તંદ્રામાંથી તારક બહાર નીકળતા બોલ્યો.

ઓહ નો લ્યુસી, એવું નથી પણ મારી એક ડાયરી હું મદ્રાસ ભૂલી આવ્યો તેમાં કેટલાક અગત્યની નોંધો હતી. તેના વિચારમાં હતો, તે હવે ફરીથી તૈયાર કરતા મને પંદર દિવસ થયેલ તે મહેનત ધૂળમાં મળી ગઈ.

ઓહ, ઇટ્સ વેરી સેડ, આઈ એમ સોરી, લ્યુસીએ દુઃખ પ્રગટ કર્યું.

ઇટ્સ ઓકે તારક જવાબ આપીને ઓફિસની ફાઈલમાં ખોવાઈ ગયો.

તારકના મોબાઈલની સ્ક્રીનમાં કસકનો ઈન કમિંગ કોલનો ઝબકાર થયો.

મધુર રિંગ ટોન વાગી રહ્યો હતો. " એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ."

તારક સંગીતની ધૂનમાં મગ્ન થઇ ગયો. અને એવી રીતે કસકે ચાર વાર ફોન કર્યો, પણ દરેક વખતે " આપ જિસકે સાથ બાત કરના ચાહતે હૈ, વહ આપકા ફોન કા કોઈ જવાબ નહિ દે રહા હૈ" ની કેસેટ કસકને સાંભળવા મળી.

કસકે કંટાળી તારકની ઓફિસના લેન્ડ લાઈનમાં ફોન લગાડ્યો.

હેલો સામે છેડેથી તારકનો અવાજ સંભળાયો.

ક્યારની તમારા મોબાઈલમાં ફોન કરું છું, ઉપાડતા કેમ નથી? કસક રોષે ભરાઈ.

હું તો કોલર ટોન સાંભળવાની ધૂનમાં ફોન ઉપાડવાનું ભૂલી ગયો.

સાંભળો, ગામડે આપણા ખીમાકાકા ગુજરી ગયા તેવો ભાભીનો મારા પર ફોન હતો, આપણે હમણાં જ વતન જવું પડશે.

એમ? ક્યારે?.... કેમ કરતા ગુજરી ગયા કાકા? તારકના અવાજમાં ચિંતા ભળી.

આમ તો નખમાંય રોગ નહોતો, બે દિવસથી ઝીણો તાવ આવતો હતો, પણ કાલે રાતે જ દેહ ત્યાગી દીધો. પણ ખબર સવારે પડી, કસક બોલી.

સારું હું હમણાં જ અહીંથી નીકળું છું, તું મારા બે દિવસના કપડાં અને બીજો મુસાફરીનો સામાન તૈયાર કરી રાખ.

તારક ફટાફટ કોમ્પ્યુટર, લેપટોપ શટ ડાઉન કરી, ઓફિસ લોક કરી ઘેર પહોંચ્યો.

તારક ઘેર પહોંચ્યો ત્યારે કસક તૈયાર થઈને તારકની રાહ જોઈ રહી હતી, જેવો તારક ઘર પર આવ્યો કે સીધો બાથરૂમમાં ઘુસી ગયો, ફ્રેશ થઈને બહાર નીકળી કસકે આપેલ સફેદ કલરના કપડાં પહેરી લીધા.

કસકે કાળા કલરની સાડી પહેરી હતી, આવા દુઃખના પ્રસંગે પણ કસક તારકને કાળી સાડીમાં વધુ મોહક લાગી. કાળી સાડીને કારણે કસકનું ગોરું મુખ વધુ ચમકતું હતું. સ્ત્રીઓને સામાન્ય વ્યવહારમાં કાળી સાડી પહેરવા કેમ મનાઈ કરવામાં આવતી હશે? તારક મનમાં વિચારતો રહ્યો.

બાઇકને યોગ્ય જગ્યાએ પાર્ક કરી તારકે હુન્ડાઈ આઈ ટેન કાર બહાર કાઢી અને કસકને બાજુમાં બેસાડી કાર પુરપાટ હંકારવા લાગ્યો. કસક બોલી આપણે હોસ્પિટલમાં નથી જવાનું, ગામડે જવાનું છે.

ઓહ સોરી કહી તારકે ગાડીની ઝડપ ઘટાડી

ત્રણ કલાકની મુસાફરીમાં તો કસકના પેટમાં બિલાડા બોલવા લાગ્યા.

તારક મને ભૂખ લાગી છે, કસક બોલી.

મને પણ ભૂખ લાગી છે, કોઈ સારી કાઠિયાવાડી હોટેલ આવે ત્યાં હોલ્ટ કરીએ, તારકે કહ્યું.

વધુ પંદર મિનિટ ડ્રાયવિંગ કર્યા બાદ એક સરસ કાઠિયાવાડી હોટેલ આવી. તારકે કાર પાર્ક કરી, તારક અને કસક નીચે ઉતાર્યા. અને હોટેલના એક ખૂણા પર પડેલ ડાઇનિંગ ટેબલ બેઠા.

વેઈટર એક પાણીનો જગ અને બીજો છાશનો જગ મૂકી ગયો. તારકે એક પ્લેટ રીંગણનો ઓળો, એક પ્લેટ સેવ ટામેટાની સબ્જી અને બે બાજરીના રોટલા મંગાવ્યા.

બહુ સરસ જમ્યા બાદ તારક કસકને ગાડીની ચાવી આપતા બોલ્યો ડાર્લિંગ હું થાકી ગયો છું. થોડી વાર ગાડી તું ચલાવ.

ભલે કસકે ગાડીની ચાવી પોતાના હાથમાં લેતા કહ્યું, પણ ગામ આવે ત્યારે તમે ગાડી ચલાવજો. હું ચલાવું તે ત્યાં સારું નહિ લાગે.

ભલે કહી તારક પાછળની સીટમાં સુઈ ગયો.

વતન આવવાને 10 કિલોમીટરની વાર હતી ત્યાં કસકે તારકને જગાડયો, એઇ ઊંઘણશી ઉઠો, હવે આપણું ગામ માત્ર 10 કિલોમીટર દૂર છે. તારકે સાથે લાવેલ મિનરલ બોટલના પાણીથી મોઢું ધોયું અને ગાડી સ્ટાર્ટ કરી.

તેઓ પહોંચ્યા ત્યાં સુધી ખીમાકાકાની અંત્યેષ્ઠી થઇ નહોતી કદાચ તેમની જ રાહ જોવાતી હતી. તારક ખીમાકાકાના પાર્થિવ દેહ પાસે પહોંચી નમન કર્યા, તારકથી એક ડૂંસકું નંખાઈ ગયું.

રામ બોલો ભાઈ રામના જાપ સાથે નનામી સ્મશાન સુધી પહોંચી, વારા ફરીથી બધાએ પોતાની કાંધ આપી. અને પછી ખીમાકાકાના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા.

ચિતાઓની જવાળાઓને તારક એકીટશે જોઈ રહ્યો. સહુએ એક દિવસ આમ જ વિલીન થઇ જવાનું. છતાં પણ સંસારમાં જીવીએ ત્યાં સુધી કેવી દોડાદોડી કરવી પડે છે.

તારક ખીમાકાકાના અંતિમ સંસ્કાર પતાવીને પાછો આવ્યો ત્યારે કસક પોતાની દેરાણી - જેઠાણી જોડે વાતોએ વળગી હતી, તારકને તેની ભાભીએ નાહવાનું પાણી કાઢી આપ્યું અને નાહવા માટે એક નવો ટુવાલ આપ્યો.

થોડીવાર થઇ એટલે હેમલતાભાભીનો દીકરો મનન તારક અને કસકને ચા પીવા માટે બોલાવવા આવ્યો, તારક તો તરત જવા માટે નીકળ્યો તે હેમલતાભાભીને મળવા આતુર હતો. પણ કસકે કહ્યું કે હું પછી આવીશ. થોડીવાર દેરાણી જેઠાણી જોડે સખદખની વાતો કરું.

તારક જેવો હેમલતાભાભીના ઘેર પહોંચ્યો ત્યારે હેમલતાભાભી તારક અને કસકની રાહ જોતા ઘરની બહાર જ ઉભા હતા. તારકને જોઈને તેમના મુખ પર ખુશીની લહેર ફરી વળી. તેમણે તારકના ઓવારણાં લીધા, તારકનું કપાળ ચૂમ્યું અને પૂછ્યું કે કસક ન આવી?

તે થોડી વાર તેની દેરાણી, જેઠાણી જોડે સુખ દુઃખની વાતો કરવા રોકાઈ, થોડીવાર પછી આવશે.

મોહનભાઇએ તારકની તબિયત વિષે પૂછ્યું, ત્યાં શહેરમાં ફાવી ગયું ને?

હા, મોહનભાઇ તારક બોલ્યો, પણ ભાભીનું શરીર કેમ સુકાતું જાય છે?

હા, ભાઈ તારી વાત સાચી છે. તારી ભાભીનું શરીર સુકાતું જાય છે. મોહનભાઇ બોલ્યા.

ક્યારથી આવું થાય છે? તમે ચેક અપ કરાવ્યું?

હા, દવાઓ તો બહુ કરાવી પણ નિદાન જ નથી થતું. અને જ્યારથી તું આપણા ગામમાંથી ગયો ત્યારનું તેનું શરીર સુકાતું જાય છે.

તારકભાઇ હું પરણીને આવી ત્યારે તમે પાંચેક વર્ષના હતા. હેમલતાભાભી સ્નેહ ભર્યું હસીને બોલ્યા.

હા ભાભી મને યાદ છે હું પાંચ વર્ષનો હતો તો પણ મને તેડીને તમારા ઘેર લઇ આવતા.

તમે અને તમારી સાથે ભણતી રમીલા, તમે બંને કેવા ઝઘડતા?

હા, પણ તારક એ રમીલાનું પહેલું લગ્ન ન ચાલ્યું.

કેમ? તારક બોલ્યો.

લોકો વાતો કરે છે કે તેનો પતિ બહુ શંકાશીલ હતો, મોહનભાઇએ કહ્યું.

તારકભાઇ, રમીલાના સાસરિયે શૌચાલય નહોતું, અને રમીલાબેનને ઝાડે જઈને આવતા વાર લાગે તો પણ તેનો પતિ ઢોરમાર મારતો. આટલું કહેતા હેમતાભાભીની આંખો ભીની થઇ.

વળી ઉપરથી તેના પતિને દારૂનું વ્યસન વળગ્યું, મોહનભાઇ બોલ્યા.

પછી તો રોજ રોજના ઝઘડાથી કંટાળી રમીલાના બાપાએ છુટા છેડા કરાવી નાખ્યા.

અહીં આવી ત્યારે તમને યાદ કરીને બહુ રોઈ હતી, હેમલતાભાભી બોલ્યા,

થોડી વાર માટે ખામોશી પથરાઈ ગઈ.

ખામોશીને તોડતા તારક બોલ્યો, ઈશ્વર ઈચ્છા બળવાન છે.

પણ મારા વ્હાલા ભાભી તમે કેમ સુકાઈ ગયા?

કાનુડો શહેરમાં જતો રહે પછી રાધા સુકાઈ ન જાય? મશ્કરીના અંદાજમાં મોહનભાઈ બોલ્યા.

તારક કશું સમજ્યો નહિ એટલે બાઘાની જેમ મોહનભાઇ સામે જોઈ રહ્યો.

ન સમજ્યા? એ તમારી અને મારી મજાક કરે છે, હું તમને કાનુડો કહેતી એટલે આ મને કાનુડાની રાધા કહેતા. આમેય રાધા કાનુડા કરતા મોટી હતી, હેમલતાભાભી બોલ્યા.

તારક હજુ પણ ન સમજ્યો એટલે હેમલતાભભીએ કહ્યું કે તમે કાનુડો અને હું રાધા એમ તમારા ભાઈ કહે છે કે તમારા વિયોગમાં હું સુકાતી ચાલી.

હવે ઠીક, ના ના રાધા અને કાન્હાએ તો મન ભરીને રાસ રમ્યા, અને રાધાએ વિયોગ ભોગવ્યો પણ બહુ થોડો એટલે તેનું ઉદાહરણ અહીં ફિટ નથી બેસતું. તારક બોલ્યો.

મીરાંનું ઉદાહરણ તો બંધ બેસતું આવેને? હેમલતા બોલી અને ત્રણે જણા ખડખડાટ હસી પડયા.

હા મીરાએ આખી જિંદગી વિરહ ભોગવ્યો, તારકે કહ્યું.

એટલીવારમાં કસક ત્યાં આવી પહોંચી એટલે લ્યો તારકભાઇ તમારા રુક્ષમણી રાણી આવી પહોંચ્યા, હેમલતાભાભી બોલી અને કસકને બાથમાં લઈને બરાબર ભીંસી નાખી.

કસકના મુખમાંથી ચીસ નીકળી ગઈ,

ભાભી તેનું શરીર નાજુક અને મેઇડ ઈન ચાઈના છે. વધારે દબાવશો તો તૂટી જશે. આ તો મારી પાસે છે તો સરસ ચાલે છે. તમે તો તોડી ફોડીને નવરું કરી નાખશો. તારક બોલ્યો.

કસક સિવાયના બધા ફરીથી ખખડાટ હસી પડયા.

તારક કસકની પાસે જઈને બોલ્યો જોયું ને ગામડાનું પાણી?

કસક ગુસ્સા ભરી નજરે તારકને તાકતી રહી.

કસકનો ગુસ્સો જોઈ હેમલતાભાભી કસકની પાસે ગયા, મૃદુતાથી કસકનો હાથ દબાવ્યો કસકના કપાળે એક પપ્પી કરી અને કહ્યું કસક તારકભાઇ તો મજાક કરે છે, તેમાં ખોટું લગાડવાનું ન હોય.

કસક હેમલતાભાભીની ગોદમાં લપાઈ ગઈ, તેને ત્યાં પોતાની માનો ખોળો યાદ આવ્યો, તેણે હેમલતાભાભીના ખોળામાં પોતાનું માથું મૂકી દીધું. હેમલતાભાભીનો પ્રેમાળ હાથ તેના માથા પર ફરતો રહ્યો.

થોડીવાર પછી હેમલતાભાભી ચા અને ગોટા બનાવીને લાવ્યા, કસકે આટલી સરસ ચા અને ગોટા કદી ચાખ્યા જ નહોતા. તે તો ગોટા ઉપર તૂટી જ પડી. આ તારી એકલી માટે જ નથી બનવ્યા, અમારા માટે પણ એમાંથી જ ખાવાના છે તારકે વ્યંગ કર્યો.

ત્યાં તો રસોડામાથી હેમલતાભાભીનો સાદ સંભળાયો, કોઈ મારી બકુડીને હેરાન કરશે તો મારા જેવી ભૂંડી કોઈ નથી. તે ચા અને ગોટા મારી બકુડી માટે જ બનાવ્યા છે. બીજાઓ માટે હું હમણાં લઈને આવું છું. તારકની બોલતી બંધ થઇ ગઈ, હવે કસક ખુશ થઇ તેણે જીભ બહાર કાઢી તારકને ઠીંગો બતાવ્યો.

ચા નાસ્તો પતાવી મોહનભાઇ જીપમાં કસક, તારકને પોતાની વાડી જોવા લઇ જવા તૈયાર થયા, ત્યાં તો હેમલતાએ પણ પોતાને આવવું છે તેમ જણાવ્યું. તારક અને મોહનભાઇ આગળ બેઠા જયારે કસક અને હેમલતા પાછળ બેઠા.

કસક શહેરમાં જ મોટી થઇ હતી, તારક સાથે લગ્ન પણ શહેરની એક હોટેલમાં ગોઠવાયા હતા. ત્યાર બાદ હનીમૂન માટે યુરોપની ટુર પર ગયા બાદ તારક જે શહેરમાં નોકરી કરતો હતો ત્યાં જ રહી હતી એટલે ગામડાના સૌંદર્યને તેણે ક્યારેય માણ્યું નહોતું.

ગામડામાં મોરલાનો ટહુંકાર, જાત જાતના ઝાડ, પાન, વેલાઓ, જાત જાતના પંખીઓ, ખુલ્લું આકાશ, ખેતરોમાં ઝડપથી દોડી જતા સસલા, વાડીનો કૂવો, વાડીમાં વાવેલ વિવિધ શાકભાજીઓ, ચીકુ, આંબા, પપૈયાના ઝાડવાંઓ, વગેરે જોઈને કસક તો આભી જ બની ગઈ.

કસકે ગાંધીજીનું લખાણ વાંચ્યું હતું કે ગામડાઓ ભારતનું હૃદય છે, પણ ગામડું આવું સુંદર હોઈ શકે તેવી કલ્પના પણ નહોતી કરી, કસક ભાવ વિભોર થઇ ગઈ, ગામડાની અલ્લડ ગોરીઓને ગાડામાં બેસીને જતા તે જોઈ રહી, કેવી સુંદર લાગતી હતી ગ્રામ્ય કન્યાઓ.

હેમલતાએ વાડીમાંથી પપૈયા, ગુવાર શીંગ, ભીંડો, ટમાટર વગેરે લેવા મજૂરને મોકલ્યો. થોડી વારમાં મજુર બધું લાવીને આપી ગયો, વાડીના કૂવાના પાણીથી તારક ન્હાયો, હેમલતાએ પોતાની સાથે લાવેલ કપડાં ધોયા. કસક પણ કપડાં ધોવા લાગી પણ બે કપડાં માંડ ધોયા ત્યાં તો થાકી ગઈ.

બકુડી તું ઉભી થઇ જા, તારું આ કામ નહિ કહીને હેમલતાએ કસક પાસેથી કપડાં લઇ લીધા.

કસક ઓઝપાઈ ગઈ, તે બોલી ભાભી હું તો વોશિંગ મશીનમાં જ કપડાં ધોઉં છું એટલે થાકી ગઈ, બાકી તમારી પાસે રહું તો ધીરે ધીરે ટેવ પડી જાય.

બકુડી હું તો તને મારી પાસે રાખવા તૈયાર છું પણ આ ચકુડો માનશે ખરો? હેમલતાએ તારક તરફ ઈશારો કરીને કહ્યું. તારક હસવા લાગ્યો જયારે કસક શરમાઈ ગઈ.

ભાભી એના કરતા એમ કરો, તમે અમારે ત્યાં આવતા રહો તો મને બે સ્ત્રીઓની સેવા મળે.

તારક, તારી ભાભીને તારે ત્યાં લઇ જવી હોય તો લઇ જા, મારા તરફથી તને પરવાનગી આવું છું હવે મોહનભાઇએ વાર્તાલાપમાં ઝંપલાવ્યું. આમેય તારી ભાભીને તું બહુ લાડકો છે.

સાંજ ઢળી ગઈ એટલે બધા જીપમાં ગોઠવાઈ ગયા, અને મોહનભાઈના ઘેર પહોંચ્યા.

હેમલતા અને કસક રસોડામાં જઈ વાળું માટેની તૈયારી કરવા લાગ્યા. કસકે ગુવારનું શાક બનાવ્યું, હેમલતાએ કઢી, ખીચડી અને બાજરીના રોટલા ટીપી નાખ્યા. કસકે બાજરીના રોટલા બનાવનાનો વાદ કર્યો, હેમલતાએ કસકને રોકી પણ છેલ્લે એક રોટલો ઘડવા કહ્યું. કસકે રોટલો ઘડવા ઘણી મહેનત કરી, પણ લોટ હાથમાં ચોંટી ગયો, રોટલો બરાબર શેકાયો પણ નહિ. હેમલતા બોલી કાંઈ વાંધો નહિ. આમેય કુતરાને હું બે રોટલા કુતરા માટે ઘડું છું.

જમીને બધા ધાબા ઉપર સુવા ગયા, ઠંડો ઠંડો પવન વાતો હતો, પૂનમનો ચન્દ્રમા ખીલ્યો હતો, ચાંદનીનો દુધિયા પ્રકાશ આખા ધાબામાં રેલાઈ રહ્યો હતો, કસકે સાડી બદલી નાઈટ ડ્રેસ પહેરી લીધો હતો, જયારે હેમલતાએ સાડી જ પહેરી રાખી હતી.

મોહનભાઈની બાજુમાં હેમલતાની પથારી કરવામાં આવી હતી, પછી કસકની અને ત્યારબાદ તારકની પથારી કરવામાં આવી હતી. કસક હેમલતાભાભીને બાથ ભરીને સુઈ ગઈ, જાણે નાની બાળકી તેની માને બાથમાં લઈને સુઈ જાય.

(વધુ આવતા અંકમાં )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED