એક અજાણી મિત્રતા ભાગ - 9 Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અજાણી મિત્રતા ભાગ - 9

એક અજાણી મિત્રતા

ભાગ – 9

( વાંચક મિત્રો આ લઘુ નવલ ત્રિકોણીય પ્રેમની વિવશતાની કહાની છે, વાર્તા હવે આગળ વધી રહી છે. આના પહેલાની વાર્તામાં કોઈ એક ભાગ વાંચીને તમો આનંદ લઇ શકતા હતા, હવે તમારે " એક અજાણી મિત્રતા, ભાગ-,2 થી ભાગ- 8 સુધીના દરેક ભાગ વાંચવા જ પડે, અને તો જ વાર્તાની તરલતા જળવાઈ રહે, વાર્તામાં રસ જળવાઈ રહે, ટેકિનકલ કારણોને લીધે દર બુધવારે પબ્લિશ થતા પ્રકરણમાં ઢીલ થઇ છે, તે બદલ વાંચક મિત્રોની માફી ચાહું છું. અને ભવિષ્યમાં તેમ ન થાય તે માટે પૂરતો પ્રયત્ન કરીશ. આ ભાગમાં તારક અને રાધિકાનું ફરીથી મિલન થાય છે. હવે આગળ વાંચો..)

વતનથી આવીને તારક ખરા દિલથી નવા પ્રોજેક્ટ પાછળ લાગી પડ્યો, કંપનીમાં લંચ બ્રેકમાં પણ કામ કરતો રહેતો, લંચ બ્રેક દરમ્યાન તેના સાથી કર્મચારી તેને લંચ લેવા માટે ફોન કરે તો હમણાં આવું છું એમ કહી ફોન મૂકી દેતો, અને પછી પાછો તેમાં કામમાં ખૂંપી જાય.

બપોરના ત્રણ વાગે ટી બ્રેકમાં કેન્ટીનનો કર્મચારી ચા સાથે નાસ્તો આપવા આવે તે લઈને નવી સ્ફૂર્તિ મેળવી લે. જવાના સમયે ડિપાર્ટમેન્ટના બધા જ કર્મચારી જતા રહ્યા હોય અને તારક પોતાનું કામ કરતો રહે. ઘેરથી કસકનો ફોન આવે હજુ ઘેર કેમ નથી આવ્યા? ત્યારે ઘડિયાળમાં જોઈ સોરી ડાર્લિંગ, કામના લોડમાં ટાઇમનો ખ્યાલ જ ન રહ્યો કહી ફટાફટ કામ આટોપી ઘેર જાય.

કસક હવે ક્યારેક છણકા પણ કરતી, પહેલા તો તારક સમયસર ઓફિસે જતો અને સમયસર ઘેર આવી જતો. ઓફિસે જતી વખતે રોજ હોઠ પર કિસ કરીને જ જતો, પછી ભલેને તે રસોડામાં કામ કરી રહી હોય કે ટીવી જોઈ રહી હોય. અને ઓફિસે આવતી વખતે તે તારક પાસેથી એક હાથે બ્રીફકેસ લઇ લેતી અને બીજા હાથે પાણીનો ગ્લાસ આપતી.

તારક પાણી પીને તરત જ પોતાને બાંહોમાં ઊંચકી લેતો, અને ગોળ ચક્કર ફેરવતો. અને પછી પાસે બેસી ઓફિસની બધી વાત કરતો, જયારે હવે તારક તો ઓફિસના સમય પહેલાં જતો રહેતો, અને આવવામાં પણ મોડું કરતો.

તારક હવે બીજી કોઈ વાત પણ ન કરતો, કસક વિચારી રહી આખરે તારકને થયું છે શું? કસક વિચારવા લાગી તારકની સેક્રેટરી લ્યુસી બહુ રૂપાળી છે અને તારક સાથે લળી લળીને વાત કરે છે. તેમની બંને વચ્ચે નજદીકી તો નહિ આવી ગઈ હોય ને?

એક દિવસ તારકને ઓફિસેથી આવતા બહુ મોડું થયું, કસકે તારક મોબાઈલમાં ફોન પર ફોન કર્યા, પણ કોઈ જવાબ જ ન મળ્યો. થાકીને તારકની ઓફિસની લેન્ડ લાઈન પર પણ ફોન કર્યા પણ કોઈ જવાબ ન મળ્યો. કસકની શંકાને હવે વેગ મળ્યો કે તારક અને લ્યુસી વચ્ચે કોઈ સંબંધ હશે.

થોડો વિચાર કરીને કસકે એક્ટીવા કાઢ્યું અને તારકની ઓફિસ તરફ હંકારી મૂક્યું. ઓફિસના ગેટ પર સિક્યુરિટી ગાર્ડ હતા, તેઓ કસકને ઓળખતા હતા. તેઓએ કહ્યું કે સાહેબ હજુ ઓફિસમાં જ છે. કસકે ઈન કમિંગ રજીસ્ટરમાં એન્ટ્રી કરી અને તારકની ઓફિસ તરફ દોડી ગઈ.

કસક લ્યુસી અને તારકને પકડવા માટે દબાતા પગલે તારકની ઓફિસમાં દાખલ થઇ, પણ તેના આશ્ચર્ય વચ્ચે તારક એકલો જ પોતાના કોમ્યુટર પર કામ કરવામાં મગ્ન હતો. તેણે ઓફિસની એસીની સ્વિચ બંધ કરી દીધી, જેથી તારક્ને ખ્યાલ આવે કે તેની ઓફિસમા કોઈ આવ્યુ પણ તારક અને કસક બંને પરસેવાથી ભીંજાઈ ગયા. તો પણ તારક તો જાણે કશું બન્યું જ ન હોય તેમ કામ કરતો રહ્યો.

કસકે ફરીથી એસીની સ્વિચ ઓન કરી અને તારક પાસે જઈને તેણે તારકને હલબલાવ્યો. તારક અચાનક કોઈના સ્પર્શ થવાથી ગભરાઈ ગયો, ત્યાં તો સામે કસક હતી, કસકને જોઈ તે બોલ્યો કસક તું અહીં શું કરે છે?

કસકે તારકને ઘડિયાળ બતાવીને જુવો તો ખરા કે કેટલા વાગ્યા છે?

સોરી ડાર્લિંગ, તારક બોલ્યો આ થોડું કામ પતાવી આપણે નીકળીએ.

તારકને કામ પૂરું કરતા બીજો અરધો કલાક લાગ્યો. કામ પૂરું કરી બંને એકટીવમાં જ ઘેર આવ્યા..

@ @ @

કંપનીના માલિક અને મેનેજમેન્ટ તારક પર બહુ ખુશ હતા, તારકે અસાધારણ કામ કરી બતાવ્યુ હતુ. જેનાથી કંપનીને એક વિદેશી કંપનીનો ઓર્ડર મળ્યો હતો. માલિકે સામે ચાલીને તારકની ઓફિસમા આવીને અભિનંદન પાઠ્વ્યા. આવુ કંપનીમાં પહેલી વાર બન્યુ, માલિકે તારક્ને એક એડવાન્સ પ્રમોશન અને રુપીયા ૫૦,૦૦૦નો ચેક અર્પણ કર્યો.

માલિક બોલ્યા જે કામને કરતા સાત આઠ મહિના લાગે તે કામ તમે બે મહિનામા કેવી રીતે કરી બતાવ્યુ? તમારા જેવા કર્મચારી આપણી કંપનીનુ ગૌરવ છે. તમે મારા કર્મચારી છો તેથી મારી છાતી ગજ ગજ ફૂલે છે.

તારક બોલ્યો સાહેબ આપની અને મેનેજ્મેન્ટની મારી ઉપર મહેરબાની છે. બાકી બીજુ કોઈ આટલુ જવાબદારી વાળુ કામ કોઈ જુનીયરને સોંપવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય.

માલિક બોલ્યા યંગ મેન અમને અમારી કંપનીના જે કર્મચાર પર ભરોસો હોય તેને જ અમે જટીલ કામ સોંપીએ. પણ આ કામ માત્ર અઘરુ જ ન્હોતુ, પણ ઘણો સમય માંગી લે તેવુ હતું. તમે એને બહુ ઓછા સમય ગાળામાં પુરુ કરી બતાવ્યુ તેનો મને ગર્વ છે.

તારકે કસકને ફોન કર્યો, હેલ્લો ડાર્લીંગ એક ખુશ ખબર છે, ચલ ગેસ કર જોઉ?

ના બાબા મને ધારતા નહિ આવડે તમો જ કહી દો ને,

જો સાંભળ, આજે સાંજે જમવાનુ બનાવતી નહિ, આજે આપણે બહાર જમવા જઈશુ. અને ત્યાંથી પીક્ચર જોવા જઈશુ.

તારક ઘેર પહોંચ્યો ત્યારે કસક ગુલાબી સાડી પહેરીને તૈયાર થઈને તારકની રાહ જોઈ રહી હતી જેવો તારક્ની ગાડીનો અવાજ આવ્યો દરવાજાની બહાર દોડી આવી.

તારક ગાડીમાંથી બહાર આવ્યો કસકને લઈને ધીમે પગલે ઘરમાં દાખલ થયો ઘરનો દરવાજો બંધ કર્યો કસક જાતે જઈને તારકને વળગી પડી. તારકે કસકને એક ચુમી હોઠ પર કરી, ધીરેથી એક બચકુ ગાલ પર ભર્યુ, અને કસકને ખોળામાં બેસાડી ઓફિસમાં માલિક સાથે થયેલ જે વાતચીત થઈ તેનો સાર રજુ કર્યો.

તારક્ની વાત સાભંળી કસકની ખુશીનો પાર ન રહ્યો, એક પ્રમોશન અને રુપિયા ૫૦૦૦ હજારનો ચેક!!! કસકની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તારક રાત દિવસ શા માટે કંપનીમાં દોડધામ કરતો હતો? તે સમજાયુ, અને પોતે કેવી તેના પર વહેમાતી હતી તેનુ તેને દુખ પણ થયું.

સાંજે બહાર મોંઘી હોટેલમાં ડીનર લઈને કસકને મનપસંદ મુવી ચાલતુ હતુ તે થીએટરમાં તારક અને કસક મુવી જોવા ગયા ત્યારે કસકનુ મુખડુ મલકાઈ રહ્યુ હતુ. તેણે પોતાના હાથમાં તારક્નો હાથ પકડી રાખ્યો હતો.

મુવી કસકનું મન પસંદ હતું, પણ કસક તારકમાં ખોવાઈ ગઈ, કસકે તારકના ખભા પર પોતાનું માથું ટેકવી દીધું, તે ઊંડા વિચારમાં ખોવાય ગઈ. અને તે જ સ્થિતિમાં કસક ગાઢ નિદ્રામાં સરી પડી. તારક તો ધ્યાનથી પિક્ચર જોઈ રહ્યો હતો. ઈન્ટરવલ સમયે લાઈટ ચાલુ થઇ ત્યારે તારકનું ધ્યાન કસક પર ગયું, કસક તો નાના બાળકની જેમ સુઈ રહી હતી.

તારકે કસકને ઢંઢોળી, કસક તો ગાઢ ઊંઘમાં હતી. તારકે પૂછ્યું પિક્ચર નથી જોવું?

બહુ ઊંઘ આવે છે, કસકે તંદ્રાવસ્થામાં જવાબ આપ્યો.

તારક કસકનો હાથ પકડી થીએટરમાંથી બહાર લાવ્યો.

ઘેર આવીને કસક સોફા ઉપર જ સુઈ ગઈ, તારક કસકને ઊંચકીને બેડરૂમમાં લઇ આવ્યો.

તારક કસકના મુખ તરફ તાકી રહ્યો, કસકનું મુખ નાની બાળકી જેવું નિર્દોષ ભાસતું હતું.

તેણે કસકને ધીરેથી બેડમાં સુવાડી, મેઈન દરવાજો બંધ કરી, બેડરૂમની બારી ખોલી, નાઈટ લેમ્પ ચાલુ કરી કસકને બાંહોમાં લઇ સુઈ ગયો.

@ @ @

તારક પોતાના કામમાં વ્યસ્ત હતો, ત્યાં તેનો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો. આ સમયે કોણ હશે? તારકે કચવાતા મોબાઈલ તરફ નજર કરી તો રાધિકાનો કોલ હતો, તારક આનંદિત થઇ ગયો.

આંનદીત સ્વરે તારક બોલ્યો હેલ્લો સ્વીટી, બહુ દિવસે યાદ કર્યો. ભૂલી ગઈ હતી કે શું?

સામે છેડેથી કોયલ ટહુંકી ઉઠી, જાઓને લુચ્ચા, મેં કેટલા ફોન કર્યા પણ તમે રિસીવ જ નહોતા કરતા. તમે જ મને ભૂલી ગયા છો.

ના ના સ્વીટ હાર્ટ એવું નથી, પણ હમણાં મારી પાસે વર્ક લોડ એટલો હતો કે મારે ઘેરથી ફોન આવે તો પણ નહોતો ઉપાડતો.

હું કાલે વડોદરા આવું છું. રાધિકા બોલી.

ડાર્લિંગ હું થોડો બીઝી છું, તું થોડા દિવસ પછી આવી ન શકે?

મને ખબર જ હતી, તમે કોઈને કોઈ બહાનું બતાવવાના જ , પુરુષ માત્ર સરખા.

પ્લીઝ રાધિકા મારી વાત તો સંભાળ. તારક બોલ્યો.

મારે તમારી કોઈ વાત સાંભળવી, એક ડૂંસકું સંભળાયું અને ફોન કટ થઇ ગયો.

રાધિકા નારાજ થઇ ગઈ હતી, કેટલા દિવસથી તારકને મળવાનો પ્લાન બનાવતી હતી, પણ તારક ફોન ઉપાડતો જ નહોતો. અને આજે પણ બહાનું બતાવી દીધું, રાધિકાના આંસુઓ આંખોમાંથી રેલાઈને ગાલ પર ઝાકળની જેમ ચમકતા હતા.

તારકે રાધિકાને ફોન લગાવ્યો, રિંગ પુરી થઇ ગઈ પણ રાધિકાએ ફોન ઉપાડ્યો નહિ,

તારકે પાંચ સાત વાત વાર ફોન કર્યો પણ રાધિકાએ ફોન ઉપાડ્યો નહિ.

તારકે કંટાળીને ઓફિસના લેન્ડ લાઈન પરથી ફોન ઉપાડ્યો, રાધિકાએ હેલ્લો કહ્યું, અને ડુંસકા છુપાવવા પ્રયત્ન કર્યો.

હવે તારકના જીવમાં જીવ આવ્યો, તે બોલ્યો રડ નહિ ડાર્લિંગ, તું રડે છે તો તેના સણકા મારા હૃદય પર ઉઠે છે.

તારે મને મળવા આવવું હોય તો આજે જ આવી જા, અને તું કહેતી હોય તો હું તને મળવા આવું.

ના, હીબકા ભરતી રાધિકા બોલી, કાલે હું તમારે ઘેર આવીશ. કહી રાધિકાએ ફોન મૂકી દીધો.

તારક કસકને ઘેરથી કહીને જ નીકળ્યો હતો કે કંપનીના ના કામ માટે તેણે એક - બે દિવસ બહારગામ જવાનું થશે. એટલે કસકે તારકની ગાડીમાં બે દિવસના કપડાં, ટુથ બ્રશ અને કીટ, ટુવાલ વગેરે ગાડીમાં મૂકી દીધા, સાથે મિનરલ વોટરની ત્રણ બોટલ પણ મૂકી ત્યારે કસકને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તારક તો રાધિકાને મળવા જવાનો છે.

તારક ઓફિસે પહોંચ્યો અને એકાદ કલાક જેવું થયું અને તારકના મોબાઈલમાં રિંગ વાગી, તારકે જોયું તો રાધિકાનો જ ફોન હતો.

તારકે હેલ્લો કહી પૂછ્યું હન ક્યાં પહોંચી?

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પર છું, એક મધુર અવાજ રણકી ઉઠ્યો.

તો ત્યાં જ ઉભી રહે હું પાંચ સાત મિનિટમાં જ ત્યાં પહોંચું છું.

તારકે રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 2 પર જઈ પાછળથી રાધિકાની આંખો દાબી દીધી,

રાધિકા બોલી છોડો હવે બધા જોઈ રહ્યાં છે, તારકે રાધિકાનો સામાન ઊંચકવા માટે કુલીને બોલાવી લીધો.

તારક બોલ્યો કશું ખાધું કે નહિ?

રાધિકાએ નન્નો, ભણ્યો એટલે તારક અને રાધીકા નજીકમાં જ એક રેસ્ટોરન્ટમાં ગયા.

રાધિકાએ ત્યાં નાસ્તો કર્યો અને પછી આઈસ ક્રીમ મંગાવી.

કસક બોલી હવે તમારા ઘેર જઈશુંને?

તારક બોલ્યો ડાર્લિંગ તું આવી છે તો અમારી કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરી આવીએ.

જો તને વાંધો ન હોય તો?....ભલે રાધિકા બોલી.

સાડા ત્રણથી ચાર કલાકમાં તેઓ વડોદરાથી ચોટીલા પહોંચી ગયા, ત્યાં તારકે રાત્રી રોકાણ માટે એક હોટેલમાં એક એસી રૂમ બુક કરી ફ્રેશ થયા.

રાધિકાએ આસમાની રંગનો ડ્રેસ પરિધાન કર્યો, તારકે પણ ફોર્મલ કપડાં પહેર્યા. એક બીજાનો હાથ પકડી બંનેએ ડુંગર ચડવા પ્રયાણ કર્યું.

ચોટીલા ડુંગર ચડીને તારક અને રાધિકાએ માં ચામુંડાના દર્શન કર્યા, આજે રોજ કરતા ભીડ ઓછી હતી એટલે તારક રાધિકાને પુરુષની લાઈનમાં જ લઇ આવ્યો. તારકે નાળિયરે, ચૂંદડી અને પ્રસાદ પુજારીને આપ્યો. રાધિકાએ માં ચામુંડાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યાં પડેલ કંકુ માંથી તારકને ચાંદલો કર્યો અને વધેલ કંકુ પોતાના સેંથામાં પૂર્યું.

ડુંગર ઉતરીને કસક અને તારક ત્યાં રહેલી બધી દુકાનોમાં ફર્યા, થોડી વારમાં સાંજ ઢળી ચુકી હતી. આથમણે આસમાને લાલ ચટ્ટાક ચૂંદડી પહેરી લીધી હોય તેવું લાગતું હતું. ચોટીલામાં બીજું કંઈ ફરવા જેવું ન લાગવાથી તારક અને રાધિકા હોટેલમાં પોતાની રૂમ તરફ ગયા.

તારક અને રાધિકા ફ્રેશ થયા એટલામાં રૂમ બોય જમવા માટે ડાઇનિંગ હોલમાં જવાનું કહી ગયો, રેસ્ટોરન્ટમાં કાઠિયાવાડી અને પંજાબી ડીશ માટેનું ઓપશન હતું તારકે રાધિકાને પૂછ્યું ક્યુ ફૂડ ખાવું છે? પંજાબી કે કાઠિયાવાડી? રાધિકા બોલી પંજાબી ફૂડ તો વારંવાર ખાવાનું થાય છે. પણ કાઠિયાવાડી ખાવાનું બહુ ઓછું મળે એટલે કાઠિયાવાડી થાળી જ મંગાવો.

રીંગણાંનો ઓળો, સેવ ટામેટાનું શાક, તળેલ મરચા, બાજરીના રોટલા, ઘંઉની રોટલી, છાશ, પાપડ, ખીચડી અને કઢી વગેરે તારક ને રાધિકાએ પેટ ભરીને ખાધું. અને ઓડકાર ખાઈ પોતાના રૂમમાં ગયા.

રૂમમાં તારકે 23 ડિગ્રી ટેમ્પરેચર સેટ કર્યું, અને પોતાનો નાઈટ ડ્રેસ પહેરી લીધો, રાધિકાએ ગુલાબી નાઈટ ડ્રેસ પહેર્યો હતો. રાધિકા માદક લગતી હતી, તેની આંખો નશીલી બની હતી, નાઈટના લેમ્પ દુધીયા પ્રકાશમાં બંને વધુ સુંદર લાગી રહ્યા હતા.

રાધિકા તારકને વળગીને સુઈ ગઈ, તારકે રાધિકાના રસાળ હોઠો પર પોતાના હોઠો ચાંપી દીધા, રાધિકાએ આંખો બંધ કરીને તારકને આપેલ આલિંગન ગાઢ કર્યું. રાધિકા તારકના કાનમાં ગણગણી તારક આઈ લવ યુ, આઈ ઓલ્સો લવ ટુ યુ બેબ તારકનો ઘેઘુર અવાજે જાણે પડઘા પાડયા.

રાધિકાનો હાથ તારકની છાતી પર ફરતો રહ્યો, તારક તારા વિનાની એક પળ મને ઉદાસીની ગર્તામાં ધકેલી દે છે. હું તારા વિના નહિ જીવી શકું તારક.

તારકનું સમગ્ર અસ્તિત્વ હચમચી ગયું, પોતે એક નહિ પણ બે સ્ત્રીઓ સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે તેનો તીવ્ર અપરાધ બોધ થયો. એક જૂઠ બોલવાથી કેટલા જૂઠ બોલવા પડે છે તેનો અહેસાસ થયો. તારકને થયું કે રાધિકાને પોતે બધું જ સાચું કહી દે. પણ પાછો ડર લાગ્યો કે રાધિકા એક વાર પ્રેમના નામ પર છેતરાઈ ચુકી છે.

રાધિકાને જાણ થશે કે બીજી વાર પણ તે પ્રેમના નામ પર છેતરાઈ છે તો તે વાત તેનાથી સહન નહિ થાય. કદાચ રાધિકા માટે જીવલેણ પણ નીકળે. તારકે એમ પણ વિચાર્યું કે આનો એક માત્ર ઉપાય પોતાનું મૃત્યુ છે. પણ પોતે જીવન ટૂંકાવી નાખે તો પછી કસકનું કોણ?

તારકને પરસેવો વળી ગયો, તેનું આખું શરીર ઠંડુ પડતું ચાલ્યું, રાધિકા ગભરાઈ ગઈ.તારક...તારક ..શું થાય છે?

રાધિકાની બુમાબુમ સાંભળી બાજુના રૂમમાં રોકાયેલ ફેમિલી દોડી આવ્યું. તેણે રાધિકાના રૂમનો ડોર બેલ

વગાડયો.

રાધિકાએ ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો, બાજુની રૂમમાંથી 30 - 32 વર્ષનું એક યુગલ આવ્યું, તેમાંથી જે સ્ત્રી હતી તેણે રાધિકાને સાંત્વના આપી કે ગભરાઓ નહિ, મારા પતિ ડોક્ટર છે, તે તમારા પતિને ચેક અપ કરશે. અને જરૂર જણાય તો હોસ્પિટલમાં પણ લઇ જશે.

ડોક્ટરે તારકની પલ્સ તપાસી, રાધિકાને જરૂરી પ્રશ્નો પૂછ્યા પછી કહ્યું કે ચિંતાનું કોઈ કારણ નથી, સહેજ લો પ્રેસર છે, જેની દવાઓ મારી પાસે છે જ. મારી પત્ની તમારી રૂમમાં જ રોકાશે. આમ તો આ દવા આપ્યા પછી ત્રણ કલાકમાં ભાનમાં આવી જશે. રાધિકાને થોડી શાતા વળી.