Ek Ajani Mitrata - 3 books and stories free download online pdf in Gujarati

એક અજાણી મિત્રતા ભાગ -3

એક અજાણી મિત્રતા ભાગ - 3

( વાચક મિત્રો વાર્તાનો આ ભાગ વાંચ્યા પહેલા " એક અજાણી મિત્રતા- ભાગ ; 1 અને ભાગ: 2 જરૂર વાંચે )

પલટન બજારમાં આવેલ નેટવર્કની ટ્રાવેલ્સ પરથી બસ સાંજે 6 વાગ્યે ઉપડી ત્યાંથી ISBT થઈને કોહિમા રવાના થવાની હતી. તારક, રાધિકા અને સરિતાએ પાંચ વાગ્યે હોટેલમાંથી ચેક આઉટ કર્યું ત્યારે ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો હતો. તેઓ હોટેલમાંથી ઓટોમાં બેસીને નેટવર્ક ટ્રાવેલ્સ પર પહોંચ્યા.

સહુ પલટન બજાર નેટવર્ક ટ્રાવેલ્સ પર પહોંચ્યા ત્યારે ઓટોમાં સરિતા વચ્ચે બેઠેલ અને આજુ બાજુ તારક અને રાધિકા બેઠેલ એટલે તેઓ થોડા થોડા ભીંજાઈ ગયા હતા. વરસાદના બિંદુઓ રાધિકાના વાળ પરથી ટપકી ગાલ પર રેલાયા હતા જે ઝાકળ જેવા લાગતા હતા.

તારકે જીન્સ પેન્ટ અને ટી શર્ટ પહેરેલ હતા, તેના ઝુલ્ફામાં વરસાદના બૂંદ તેના ચહેરાને આગવો ઓપ આપી રહ્યા હતા, બીજી બાજુ રાધિકાએ ગુલાબી સાડી પહેરી હતી, તે હિન્દી ફિલ્મમાં ભીંજાયેલી હિરોઈન જેવી લાગતી હતી. તેનું જોબન છલકાતું હતું.

ત્રણ જણની સીટમાં તેઓ ગોઠવાયા, સરિતાને બસની મુસાફરીમાં ઉલ્ટી થવાની તકલીફ હોવાથી તે બારીની સીટ પર ગોઠવાઈ, જો કે તેણે ઉલટી ન થાય તેની ટીકડી ગળી લીધી હતી.

વચ્ચેની સીટ પર રાધિકા ગોઠવાઈ, અને તેને અડીને તારક બેઠો, સીટો નાની હતી, એટલે બેસવામાં સંકડાશ પડતી હતી. રાધિકા તેની મમ્મી બાજુ થોડી જગ્યા રાખી પોતાની સીટ પર બેઠી. તારક માટે તો સ્હેજ જગ્યા રહી. તારકે રાધિકા સામે નજર કરી ઈશારો કર્યો, ક્યાં બેસે? જવાબમાં રાધિકાએ પોતાનો ખોળો ધર્યો. તારકે રાધિકા સામે આંખો કાઢી અને થોડી ઘણી જગ્યા હતી ત્યાં ગોઠવાયો.

ધીરે ધીરે બસ ભરવા લાગી, તારક, રાધિકા અને સરિતા ત્રણ અલગ તરી આવતા હતા. જો કે બીજા રડ્યા ખડ્યા પેસેન્જર કેરલ અને રાજસ્થાનના હતા. બાકી બધા પેસેન્જર નાગાલેન્ડના હતા. જેઓ આપસમાં નાગામીઝ ભાષા જે નાગાલેન્ડના અલગ અલગ જિલ્લામાં રહેતા લોકોએ વિકસિત કરી હતી. તે ભાષામાં વાતો કરતા હતા.

સાંજના 6 વાગ્યે બસ ઉપડી, જૂન મહિનો હતો છતાં અંધારું થઈ ગયું હતું. તારક બોલ્યો ગુજરાત અને અહીંનો સમય તો સરખો છે, પણ ત્યાંના કરતા અહીં સૂરજ લગભગ દોઢ કલાક વહેલો આથમે છે.

તારક અને રાધિકા એક બીજાને અડોઅડ બેઠા હતા, તારકના સ્પર્શની રાધિકાના શરીરમાં ઝણઝણાટી અનુભવાતી હતી તારકને પણ આ સ્પર્શ અવર્ણનીય લાગતો હતો, આ બધું જ રોમાંચકારી લાગતું હતું. બારીમાંથી ઠંડો ઠંડો પવન આલ્હાદક લાગતો હતો.

બસના ચાલકે હાઇવે પર થઈ કોહીમાનો રસ્તો પકડી લીધો, થોડી વારમાં જ પહાડી રસ્તો શરૂ થઈ ગયો. રાત કાજળઘેરી હતી, બસ ક્યારેક સરિતા બાજુથી ઊંચી થતી હતી ત્યારે રાધિકા તારક તરફ ઢળી પડતી. વાંકા ચુકા રસ્તાને કારણે ક્યારેક તારક રાધિકા તરફ નમી પડતો હતો.

મધરાત થઈ ત્યાં તો રાધિકા જોકા ખાવા લાગી, અને ઊંઘમાં ધીરેથી તે તારકના ખોળામાં સરી પડી, તારક ધીરે ધીરે રાધિકાના વાળ પર હાથ ફેરવતો રહ્યો. બારીમાંથી ચમકતા તારલાને લીધે બસમાં થોડું અજવાળું પથરાયું હતું, તારકના ખોળામાં માથું નાખી રાખેલ રાધિકાનું મુખ નિર્દોષ બાળકી જેવું ભાસતું હતું.

લગભગ સવારે પાંચ વાગે બસ કોહિમા નેટવર્કના સ્ટોપ પર પહોંચી ત્યારે સૂર્ય મહારાજની છડી પોકારાઇ ચુકી હતી. પૂર્વ દિશા રક્તવર્ણી બની હતી. સુરજે ધીરે ધીરે સાત ઘોડાની સવારી ઉપર સવાર થઈ પ્રયાણ શરૂ કરી દીધું હતું.

ધીરે ધીરે બધા પેસેન્જર નીચે ઉતાર્યા, ટેક્સી ટેક્સીની બુમોથી રાધિકાની આંખ ખુલી પોતાને તારકના ખોળામાં જોઈને શરમાઈ ગઈ, તારકે અર્થપૂર્ણ દ્રષ્ટિ તેની તરફ નાખી જાણે તે કહેતો હોય કે જીવનભર રાધિકા તેના ખોળામાં માથું નાખી સુઈ રહે. અને તારક તેના ચહેરાને પંપાળ્યા કરે.

તારકે સરિતા પાસે સરિતા અને રાધિકાએ જ્યાં જવાનું હતું ત્યાંનું સરનામું લઈ ટેક્સીવાળાને ઇંગ્લીશમાં પૂછ્યું કે કેટલા રૂપિયા લઈશ. ટેક્સીવાળાએ ત્રણ ગણું ભાડું માગ્યું. તારકે બીજા ટેક્સીવાળાને પૂછ્યું તો તે પહેલા ટેક્સીવાળાએ બીજી ટેક્સીવાળાને તેની ભાષામાં વાત કરી એટલે તેણે પણ એટલું જ ભાડું માગ્યું.

ના છૂટકે તારક થોડે દૂર ચાલીને ગયો જ્યાં એક મારવાડીની દુકાન હતી, અને પોતાની સમસ્યા કહી મારવાડીએ પોતાના નોકરને કહી એક હિન્દીભાષી ટેક્સી ચાલકને બોલાવવા મોકલ્યો. તેની સાથે ભાડાની વાત કરી તે ટેક્સીવાળાને સરિતા અને રાધિકા જ્યાં ઉભા હતા ત્યાં લઈ આવ્યો.

રાધિકા અને સરિતાને ટેક્સીમાં બેસાડી તારક હોટેલ તરફ વળ્યો, પણ રાધિકા અને સરિતાએ તારકને પોતાની સાથે આગ્રહ કર્યો. પણ તારક તેમના આગ્રહને અવગણી હોટેલ તરફ ચાલતો થયો. આ જોઈ સરિતા ટેક્સીમાંથી નીચે ઉતારી તારકનો હાથ પકડી ટેક્સી તરફ ખેંચી લાવી.

સરિતાનું ઘર લગભગ અર્ધો કલાકમાં આવી ગયું, સરિતાએ પોતાનું પર્સ ખોલી પૈસા ચુક્યા અને ઘરને મારેલ તાળું ચાવીથી ખોલ્યું. ઘર એકદમ સ્વચ્છ હતું, આંગણમાં જાત જાતના ફૂલના છોડ રોપેલ હતા, અને આજુ બાજુ ઝાડવાંઓ પવનમાં ડોલી રહ્યા હતા.

સરિતાની બાજુવાળા જેઓ કેરળના હતા, તેઓ પાણી લઈને આવી પહોંચ્યા તેમનું નામ શુભ લક્ષ્મી હતું, તેમના હિન્દી ઉચ્ચારો પણ મલયાલમ મિશ્રિત હતા. શુભ લક્ષ્મી સરિતાને તો ઓળખતી હતી, પણ રાધિકાને જોઈ નહોતી. જો કે તેની વિશે સરિતા પાસે અવાર નવાર સાંભળ્યું હતું.

શુભ લક્ષ્મીએ ચા નાસ્તો બનાવી લાવવાની વાત કરી પણ સરિતાએ પ્રેમ પૂર્વક તે વાત નકારી પોતે હમણાં જ ચા બનાવશે અને શુભ લક્ષ્મીને પણ ચા પીને જવા આગ્રહ કર્યો. પણ શુભ લક્ષ્મી વ્યસ્ત હોવાથી પછી આવશે તેમ કહી વિદાય લીધી.

સરિતાએ હાથ મોં ધોઈ ચા બનાવી, બિસ્કિટ અને ચા લઈને સરિતા બહાર આવી. ચા મસાલેદાર બની હતી, અચાનક તારકનું ધ્યાન ખેંચાયું આંટી દૂધ તો નહોતું, ચા કેવી રીતે બનાવી? સરિતા બોલી અહીં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાથી દૂધ ફ્રીઝમાં સાચવી શકાતું નથી. બીજું અહીં ગાય ભેંસ, બકરીઓ વગેરે બહુ ઓછા એટલૅ દૂધના પાવડરથી જ અહીં લોકો ચા બનાવે.

આંટી હું નીકળું કહી તારકે ત્યાંથી વિદાય લીધી, ટેક્ષી સ્ટેન્ડ સુધી રાધિકા તારકને વળાવવા ગઈ, તારકે રાધિકાના હાથ પર ચૂમી લીધી, રાધિકાએ પોતાનો ગાલ ધર્યો. તારકે બચકું જ ભરી લીધું. રાધિકાના મુખમાંથી ચીસ નીકળી ગઈ. રાધિકાએ કહ્યું આપણા લગ્ન થવા દો, હું એક એક વાતનો બદલો લઈશ.

લગ્નની વાત સાંભળી તારકનો ચહેરો મુરઝાઈ ગયો, તેને તેની પત્ની કસકની યાદ આવી, તે બે સ્ત્રીઓની લાગણીઓ સાથે રમી રહ્યો છે તેનાથી ગ્લાનિ ઉત્પન્ન થઈ, ભારે હૈયે તે ટેક્ષીમાં બેઠો.

તેણે પોતાની પત્ની કસકને ફોન જોડયો, સામેથી કસકના ડુંસકાઓ સંભળાયા. તારક ગભરાઈ ગયો, તેણે વિચાર્યું કે કશુંક અજુગતું બન્યું હશે. ડાર્લિંગ શું થયું?.....કેમ રડે છે? તારકે પૂછ્યું.

તમારા વિના મન નથી લાગતું, તમે જલ્દી પાછા આવી જાઓ..રડવાથી કસકનો અવાજ તૂટતો હતો.

કસું, કામ પતે એટલે તરત આવી જઈશ, બકા...કશું અજુગતું બન્યું નથી તે જાણી તારકે રાહત અનુભવી.

હોટેલ "હોલીડે ઈન" માં તારકે ચેક ઈન કર્યું, સાબ બહોત દિનો કે બાદ આયે, હોટેલ મેનેજરે તારકનું અભિવાદન કર્યું.

ઇસ બાર ઇસ તરફ હમારી કંપની કા કામ કમ ચલ રાહ હૈ, કહી તારક રૂમ બોય સાથે પોતાના કમરામાં આવ્યો.

ફ્રેશ થઈ, તેણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ ઓફ નાગાલેન્ડ તરફ પ્રયાણ કર્યું.

કોહિમા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં પોતાનું કામ પૂરું કરી તારક હોટેલ પણ પહોંચ્યો ત્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. ગરમ પાણીથી નાહીને તારક ફ્રેશ થયો, અને વેઈટરને બોલાવી ચા મંગાવી.

ચા પીને તારક પલંગમાં આડો પડયો, અને કસકને ફોન લગાડયો. જાણે તારકના ફોનની જ રાહ જોઈ રહી હોય તેમ કસકે બીજી રિંગમાં ફોન ઉપાડી લીધો.

હેલ્લો ડાર્લિંગ તારક વ્હાલથી બોલ્યો.

કેમ છો? કસકનો દર્દ ભર્યો અવાજ આવ્યો.

કેમ ઉદાસ લાગે છે?

તમારા વિના સોરવતું નથી, દિવસ જતો જ નથી....કસક બોલી.

આપણી સગાઈ પછી પણ આપણે અલગ નહોતા રહેતા? તારકે પ્રશ્ન કર્યો.

ત્યારની વાત અલગ છે, ત્યારે તો મારી સહેલીઓ હોય એટલે સમય પસાર થઈ જાય.

મારા ખોળામાં એક બાળક આપી ગયા હોત તો પણ સમય પસાર થઈ જાત.

બાળકનું નામ સાંભળી તારક રોમાંચિત થઈ ગયો, પણ ખુશી પોતાના મનમાં દબાવી દઈ બોલ્યો. હજુ તો આપણે હનીમૂન જવાનું બાકી છે, ત્યાં બાળકને લઈને જઈશું?

હા કસક બોલી,

તારક ખડખડાટ હસી પડયો.

ક્યારે પાછા આવશો? કસક બોલી.

જેટલું જલ્દી બને તેટલો જલ્દી આવીશ કહીને તારકે ફોન મૂકી દીધો.

પોતાની હોટેલની બારીમાંથી તારક કોહીમાના પહાડોનું સૌંદર્ય જોઈ રહ્યો.

રાતના સમયે પહાડના ઘર અને દુકાનોમાં લાગવેલ લાઈટો આભના સિતારાઓ જેવી લાગતી હતી.

એવું લાગતું હતું કે જાણે ધરતીએ સિતારાની ચૂંદડી ઓઢી લીધી છે.

# # # #

તારક મીઠી નીંદર માણી રહ્યો હતો ત્યાં રૂમની ડોર બેલ રણકી ઉઠી, તારક ઊંઘમાં જ બોલ્યો કમ ઈન.

સર, આપ કા કોઈ ગેસ્ટ આયા હૈ, દરવાજો ખોલી રૂમ બોય બોલ્યો.

તારકે જોયું તો રાધિકા ચણીયા ચોળી પહેરી તૈયાર થઈ આવી થતી.

આટલી વહેલી ઉઠી ગઈ? આશ્ચર્યથી તારક બોલી ઉઠયો.

એઈ ઊંઘણશી જરા બારી બહાર નજર કરો, સૂરજ માથા ઉપર ચડવા આવ્યો છે. કહી રાધિકા ખુરસીમાં બેસી ગઈ.

ઓકે, વેઇટ એ મિનિટ કહી તારક ટુથબ્રશ, લઈ બાથરૂમમાં ગયો.

અને 10 મિનિટમાં પાછો આવ્યો ત્યારે તેણે લગાડેલ સેન્ટથી રૂમ મઘમઘી ઉઠયો.

તમે લગાડેલ સેન્ટ માદક છે રાધિકા બોલી ઉઠી.

મેં લગાડેલ સેન્ટ કરતા તો તું વધુ માદક લાગે છે. તારક બોલ્યો.

એમ? રાધિકાએ આંખો નચાવી,

જો ને આ ચણીયા ચોળી પહેરીને આવી છે તે, રાસ રમવા આવી છો?

હા, રાસ રમવા અને રમાડવા, લુચ્ચું હસતા રાધિકા બોલી.

આજે મારા કાન્હા સાથે પ્રીતિનો રાસ રમવો છે કહી રાધિકાએ નજરો નીચી ઢાળી દીધી.

તારકે રાધિકાને બાથમાં લીધી, રાધિકાના સાતેય કોઠે દીવા થયા.

તારકે રાધિકાએ પલંગમાં સુવડાવી, એક દીર્ઘ આલિંગન લીધું.

તારકે રાધિકાને પગથી માથા સુધી ચૂમી.

અને પછી બંને અલગ થયા.

રાધિકા અને તારક રૂમમાંથી બજરમાં નીકળ્યા ત્યારે બધાની નજર રાધિકાના અલગ પ્રકારના ડ્રેસ તરફ મંડાઈ રહી હતી

શાકભાજી સાથે, દેડકા, અન્ય જીવ જન્તુ, માછલી જોઈ રાધિકા બોલી ઉઠી આ દેડકા અને આ જીવડાં અહીં કેમ રાખ્યા છે?

દેડકા અને જીવડાઓ આ લોકોનો ખોરાક છે.

હોય નહીં? રાધિકાએ ઉબકા આવવા લાગ્યા.

રાધિકા આ લોકો નાગા જન જાતિ, તેમને સહુથી ભાવતો ખોરાક કુતરા, તે સિવાય ભૂંડ, તેના ખોરાકનો એક હિસ્સો, પોર્ક(ભૂંડ) વિના તેમનો ખોરાક અધૂરો ગણાય.આ લોકોની મહેમાનગતિ માણવા જેવી હોય છે.

પ્લીઝ તારક મને ઉલ્ટી થાય છે, આવી વાત ન કર.

ઠીક છે, ચાલ તને એક ઐતિહાસિક જગ્યા બતાવું, કહીને તારકે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સુભાષબાબુ તેની સેના સાથે બ્રિટિશ હકુમત સામે લડેલા તે જગ્યા બતાવવા લઈ ગયો.

તારક અને રાધિકાએ તે જગ્યાએ થયેલ શહીદોને બે મિનિટ મૌન રહી અંજલિ આપી.

ત્યાંથી તારક અને રાધિકા પર્વતની બીજી એક ટેકરી પર ગયા. ટેકરી પર પહોંચતા પહોંચતા રાધિકા હાંફી ગઈ, તેણે તારકનો હાથ પકડી રાખ્યો હતો, અહીંથી કોહીમાનો નજારો કંઈક અલગ જ લાગતો હતો, નીચેની તળેટીના મકાનો બહુ નાના લાગતા હતા. કેટલાક વાદળાઓ ટેકરીની નીચે હતા. રાધિકાએ આવું પહેલી જ વાર જોયું કે જ્યાં વાદળાઓ પોતાની નીચે હોય.

એટલે જ ક્યારેક હું હિન્દી અને ગુજરાતી ટીવી સીરીઅલ જોઉં છું ત્યારે આપણા ભગવાનને વાદળાઓ ઉપર જોઉં છું ત્યારે હસવું આવે છે. અત્યારે મને વાદળાંઓની ઉપર જોતા હું ભગવાન હોય તેવું અનુભવું છું. તારક મજાકના મૂડમાં બોલ્યો.

તારક એવું ન બોલો રાધિકા બોલી, ઈશ્વરને માણસ પોતાના અનુભવ કે પ્રેરણા પ્રમાણે વર્ણવે.

ત્યાં અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો.

તારક અને રાધિકા વરસાદમાં ક્યાંય સુધી ભીંજાતાં રહ્યા.

વરસાદમાં બંનેના કપડાં પલળી ગયા.

રાધિકા તારકને ભેટી પડી, સાચું કહું તારક હું તમારા વિના રહી નહીં શકું.

તારકને કસક યાદ આવી ગઈ, તેના મનમાં ગ્લાનિ થઈ, તેણે વિચાર્યું કે તે પોતે પરણેલો છે તે કહી દે.

પણ રાધિકાનો માસુમ ચહેરો જોઈ વિચાર માંડી વાળ્યો.

શું વિચારમાં પડી ગયા? કે હું તમને નથી ગમતી?

ના રાધિકા એવું નથી, તું તો મને બહુ જ ગમે છે, પણ જો કદાચ આપણે ફરી ન મળીએ તો?

પણ એવું કેમ બને? નિર્દોષ ભાવે રાધિકા બોલી.

જો આપણો પ્રેમ સાચો હોય તો ભગવાન પણ આપણને વિખુટા પાડી શકે નહીં.

અને કદાચ એવું બનશે તો હું લગ્ન નહીં કરું.

ના ના રાધિકા એવું ન બોલ,

તું મને બહુ જ ગમે છે, પણ હું ક્યારે લગ્ન કરીશ તેનું નક્કી નથી.

કાંઈ વાંધો નહીં, હું રાહ જોઇશ તારક, રાધિકા બોલી.

અરે કેટલો સમય થઈ ગયો, આ તો સાંજ ઢળવા આવી. રાધિકા બોલી ઉઠી.

હજુ પાંચ જ વાગ્યા છે, પણ આ ભારતનો ઉત્તર- પૂર્વ ભાગમાં સૂર્ય વહેલો આથમે છે.

તારકે જવાબ વાળ્યો

છતાં પણ મારે હવે ઘેર જવું જોઈએ રાધિકા બોલી.

અને હોઠ પર હોઠનું એક ચુંબન લઈ બંને નીચે ઉતર્યા.

તારકે ટેક્સી મંગાવી, અને તે રાધિકાને તેના ઘેર સુધી મૂકી આવ્યો.

રાધિકાએ પોતાના ઘરમાં આવવા માટે તારકને ખૂબ જ આગ્રહ કર્યો, પણ તારક ન માન્યો.

ત્યાંથી ટેક્સી પોતાની હોટેલ તરફ લેવડાવી.

પોતાની રૂમમાં આવીને તારકનું મન આત્મ ગ્લાનીથી ભરાઈ ગયું.

તેને સતત એવો અહેસાસ થતો રહ્યો કે તે બે સ્ત્રીઓને છેતરી રહ્યો છે.

તારક ક્યારેય જૂઠું બોલતો જ નહોતો એવું નહોતું, નોકરીમાં ક્યારેક કસ્ટમર પાસે જૂઠું બોલવું પડતું.

પણ તેવા જૂઠ આ દુનિયામાં બોલવા જ પડે, સાવ સાચું બોલો તો તમે નોકરી જ ન કરી શકો.

અને દુનિયામાં વહેવાર સાચવવા પણ જાતજાતના જૂઠ બોલવા પડતા હોય છે.

જ્યારે આ વખતનું જૂઠ એટલે એક છોકરીને પામવાની ઘેલછા માત્ર હતી.

તે તેવા મિત્રોની વાતમાં આવી ગયો હતો કે જેને પોતાની પત્ની સિવાય એક ગર્લ ફ્રેન્ડ પણ હોય.

હવે તે આ સંબંધને રાધિકાની નજરે જોતો હતો ત્યારે તેને પારાવાર પસ્તાવો થતો હતો.

ઘેર ફૂલ જેવી પત્નીને તો તેણે છેતરી જ હતી, સાથે સાથે રાધિકા જેવી માસુમ છોકરીની લાગણી સાથે તે રમતો હતો.

તારકની સમજમાં એ નહોતું આવતું કે તેના લગ્ન થઈ ગયા પછી પણ તેને રાધિકા પ્રત્યે આકર્ષણ કેમ થયું? શું પુરુષ માત્રને આવી લાગણી થતી હશે? કે પછી તેનામાં જ કોઈ ખામી હશે? શું કસક પરણ્યા પછી કોઈ પુરુષ તરફ આકર્ષાય તો તેનાથી સહન થાય ખરું? આવા અનેક પ્રશ્નો તારકના મનને પીડા આપી રહ્યા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED