ઓહ ! નયનતારા – 5 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા – 5

ઓહ ! નયનતારા

પ્રકરણ – 5

નરેશ કે, ડોડીયા


સીમાડા વિનાનો અસીમ પ્રેમ


જ્યારે જ્યારે દુનિયામાં કયામતનો દિવસ હશે ! દુનિયાનાં તમામ જીવો મૃત્યુ પામ્યા હશે. મનુષ્યોમાં થોડાઘણાં જીવો બચ્યાં હશે તે તમામ વીસથી ત્રીસ વર્ષની સ્ત્રીઓ હશે ! ખુદા, રબ, ઈશ્વર અને કુદરતથી પણ ઉપર એક એવું તત્વ છે જે સ્ત્રીઓને કોઈપણ સંજોગે બચાવી રાખવા માંગે છે! કોઈપણ જગ્યાએ કોઈપણ હિસાબે સ્ત્રીઓને બચાવે છે. જેની સામે કુદરત પણ લાચાર છે અને તમામ ઈશ્વરીય શક્તિઓ નકામ છે.


પુરુષો બળીને રાખ થાય છે! સ્ત્રીઓ બળી જાય છે પણ થોડાંક હાડકાં છોડતી જાય છે, કારણ કે સ્ત્રીઓ એ હંમેશા કંઈક આપવાની વૃત્તિ રાખી છે. જ્યારે પુરુષો લઈ લેવાની વૃત્તિ રાખી છે. પુરુષને આ વાતની ખબર છે. એટલે કદી સ્ત્રીઓને સ્મશાને લઈ જતાં નથી. રખેને વૈરાગ્યભાવ ધરાવતાં ડાઘુઓમાં શૃંગારભાવ પેદા થઈ જાય તો..?
બક્ષીસાહેબનું એક વાક્ય આગળ લખેલું છે: 'જીવતી સ્ત્રીનાં માંસને પ્રેમ થાય અને મરેલી સ્ત્રીન્ હાડકાંને પ્રેમ થાય, હાડકાં અને માંસ ગોઠવી આપનાર શક્તિને આપણે વંદન જ કરી શકીએ એટલી આપણી શક્તિ છે.'


આ મહાશક્તિ કોણ છે ? તમને ખબર છે ? આ મહાશક્તિ એ જ છે, જેની સામે કુદરત પણ લાચાર છે અને જેની સામે ઈશ્વરીય શક્તિ નાકામ છે. આ મહાશક્તિ સ્ત્રીલિંગ છે જેને ફક્ત આપણે વંદન કરી શકીએ.
શનિવારની રાતનો આઠ વાગ્યાનો સમય છે. પેલા પાનવાળાની દુકાને સિગારેટને ન્યાય આપી નયનતારાની રાહ જોઉં છું. અચાનક પાછળથી બુલબુલનો ટહુકો સંભળાય છે.


'એ પોપટ... કેમ આજે પીંછા ઊભાં થઈ ગયાં છે ? કોઈએ ચાંચ મારી છે જરા બતાવ તો..?' નયનતારાની મજાક વૃત્તિ મને જોઈને બરાબરની ખીલી ઊઠે છે અને આપણે કશું કરી શકતાં નથી. કારણકે પુરુષોને સ્ત્રીઓ હંમેશા કુદરતની મજાક સમજે છે.


આજે આમ પણ સવારની કમાન છટકેલી હતી એટલે નયનતારા પર ગુસ્સો ઉતારવો પડે છે.
'છોકરીની જાતમાં અક્કલ કે દિ' આવશે..? બકબક ચાલુ કરી દીધી. આવી તે કંઈ નાગરની દિકરી હોતી હશે અને પાછી ડૉક્ટર બનવા માંગે છે ?'


નયનતારા હવે નરમ ઘેંશ બની જાય છે. ઢીલા અવાજે બોલે છે : 'સોરી યાર, મને આવવામાં ફક્ત દસ મિનિટ મોડું થયું તેમાં આટલો ગુસ્સો કરે છે... આ તને સારું લાગે છે ?'


ફક્ત એક જ છેલ્લા શબ્દોએ આ પુરુષને પામર મનુષ્ય બનાવી દીધો. આ જ સ્ત્રી શક્તિ છે, જેને દુનિયા માયા કહે છે. આ માયાવી દુનિયાની મહારાણીઓ છે.


'પિક્ચર જોવા આવવું છે ? ફરીથી ગેલેક્ઝીમાં 'બોબી' લાગ્યું છે.' નયનતારાનો સાથ મેળવવા આવા નવા નવા ગતકડાં ઊભાં કરવા પડે છે.


'વેઈટ.. હમણાં મારી ફ્રેન્ડ્સ ને પૂછી જોઉં ! કદાચ એ લોકોમાંથી કોઈને આવવું હોય તો ભલે આપડી જોડે આવે.'


'ડોબી..! તને પૂછું છું તારી ફ્રેન્ડ્સ ને પૂછતો નથી. તારેઆવવું છે કે નહીં ?'


'અરે યાર ! આવી દાદાગીરી થોડી હોય ! મારી બધી ફ્રેન્ડ્સ કહે છે કે નરનતારા અમોને ભૂલી ગઈ છે. દર રવિવારે સાસરિયામાં ધામાં નાંખે છે. રોજ રાત્રે બહાર ચા પીવા જઈએ તો ત્યાં પણ ચોકીદાર હાજર હોય છે.'


'તારી બધી ફ્રેન્ડ્સ મનેબહાદુર સમજે છે..! એકેયને લઈ જવી નથી. તારે એકલીને આવવું હોય તો ફટાફટ તૈયાર થઈને હોસ્પિટલના ગેટ પાસે ઊભી રહેજે. હું જમીને આવું છું.' નયનતારા મારું વર્તન જોઈને ડઘાઈ જાય છે.


'ઓકે ઓકે યાર.... લગ્ન કર્યા વગર પતિ જેવો રોફ જમાવે છે. જલદી આવજે તારી રાહ જોઉં છું.' ના છૂટકે નયનતારાને એકલી આવવા માટે મજબૂર કરું છું.


હું મતલબી માણસ છું. મેં ફક્ત બે ટિકીટ લીધી હતી અને એ પણ એડવાન્સ બુકીંગમાંથી છેલ્લી હરોળની બે ટિકીટ કપાવી હતી. સિનેમા હોલમાં પ્રવેશતાની સાથે માહોલ બદલાઈ જાય છે. શિયાળાની ઠંડી હતી છતાં એરકંડીશન્ડ ચાલું હતું. હવે અમારા બંન્નેનો પ્રેમ જગજાહેર થઈ ગયો હતો. બધા જાણીતા લોકો જાણી ગયા હતાં કે 'હવે તો વેપારીનાં દીકરા પણ પ્રેમ કરવા લાગ્યા છે અને એ પણ એક ડોક્ટરી છાત્રા સાથે!'


'તેં પહેલેથી બે ટિકીટ લીધી હતી તો પહેલાં કેમ બોલ્યો નહીં ?' નયનતારા કૃત્રિમ ગુસ્સો પણ કરી જાણે છે.


' હું જોવા માંગતો હતો કે તું આવીશ કે નહીં..?'


'સાચું કહું...! હું થોડા સમય માટે ફ્રી થાઉં છું ત્યારે તારા જ વિચારો મનમાં આવ્યા કરે છે. ખરેખર કંઈક બેચેની જેવું થાય છે, છતાં પણ મનને મક્કમ રાખી અને સ્ટડીમાં ધ્યાન પરોવું છું. નહીંતર તો ક્યારના મારા બાર વાગી ગયા હોત.' પ્રેમની જ્વાળાએ આ નયનતારાને પણ બરોબરની દઝાડી છે.


મારા હાથમાં તેનો હાથ લઈને ધીરે ધીરે દબાવું છું અને તેની હથેળીને ચૂમું છું. પ્રેમ એ માણસને એક સ્ત્રી માટેકેટલી હદે આસક્ત બનાવે છે ! એક અકલ્પનીય ફીલિંગ, પ્રેમનાં ફોરાં ઉડતાં હોય. પ્રેમિકા પર ફોરાં પડતાં હોય, પ્રેમમાં પલળીને પ્રેમિકાનાં કપડાં તેનાં શરીર સાથે ચોંટી ગયા હોય ત્યારે સાંસારિક સૌંદર્યની પરાકાષ્ઠા આવી જાય છે. ત્યારે જ કાલિદાસે મેઘદૂત રચ્યું હશે !


'બધે સૌંદર્ય નીરખું છું, સરસતા કે કુરૂપતા હો, કવિ છું હું જગે દ્રષ્ટિ કળાની લઈને આવ્યો છું.'


'છોકરી ગામડાની હોય કે શહેરની હોય, ડોબા જેવી હોય કે ભણેલીગણેલી હોય, તેને પણ આટલું જ ફીલિંગ થતું હશે ?

એવું તે શું છે મર્દોમાં જે છોકરીઓને પીગળાવો શકે છે ?' પુરુષને અત્યંત રોમાંચભરી સ્થિતિમાં મૂકી દે એવો સ્પંદનીય અહેસાસનો સાક્ષાત્કાર તેનાં વાણી સૌંદર્યમાં થાય છે.


મારા એક હાથથી તેનાં ખભાને દબાવી સહેજ મારી તરફ ખેંચુ છું અને તેનાં ચહેરાને મારા ચહેરાની નજીક લાવીને કહું છું: તને નહીં સમજાય! મને પણ સમજાતું નથી.'


'જિંદગીભર... આ રીતે જ આપણે બન્ને રહી શકીશું ? તું મને એટલો જ પ્રેમ કરીશ ?' નયનતારાનાં કંઠમાંથી સતત આલિંગન વાચક શબ્દોની રસલ્હાણ થાય છે.


'ગાંડી અત્યારનું વિચાર, આગળની વાત પછી કરીશું.'


'તું ત્રણ મહિના ભાટે લંડન હોઈશ તેનો વિચાર મને અત્યારથી ધ્રુજાવે છે. આજ સુધી આવા એકલાપણાની નોબત આવી નથી. એમ તો મારી બધી ફ્રેન્ડ્સ સારી અને મળતાવડી છે, છતાં પણ મારાથી રહેવાશે નહીં એટલે હું હોસ્ટેલ છોડીને તારા ઘરે ચાલી જઈશ. જેથી મને સતત તારી ફીલિંગ થયે રાખે.' વિરહની વેદનાનું એડવાન્સ બુકીંગ થતું જોઈને પ્રિયતમાની પ્રેમ કહાનીનો હિરો મનોમન હરખાય છે.


'મારા ઘરે આવી જજે, જ્યારે હું લંડનમાં હોઉં ત્યારે મમ્મી અને પ્રિયા તો તને કેટલાંય દિવસથી કહે છે. પ્રિયાને પણ કંપની મળીજાય તેમાં ખોટુ શું છે !' અધિકારભાવની ભાષાનો રંગ હવે લાગણીનાં રંગોથી રંગાય છે.


મારા ખભા પર માથું નાંખીને નયનતારા કહે છે : 'કાશ હું સદા માટે તારા ઘરે રહેવા આવી જાઉં તો કેવું સારું..! આપણે વહેલાં લખ્ન કરી લઈએ અને હું લગ્ન પછી અભ્યાસ ચાલુ રાખીશ.પછી તો પોપટ ભૂખ્યો પણ નહીં રહે અને પોપટ તરસ્યો પણ નહીં રહે,' અંતે નાગરાણીના વચનોમાં રમૂજકાંડ સર્જાય છે અમો બંન્ને ખિલખિલાટ હસી પડ્યા હતાં.
'જો તું કહેતી હોય તો ચોરીછૂપીથી ગર્લ્સ હોસ્ટેલમાં આવી જાઉં અને તે સમયે તારી રૂમ પાર્ટનરને બહાર મોકલી આપીશું, પછી આપણે એડવાન્સમાં હનીમૂન મનાવીશું.' નયનતારાને પરેશાન કરવાનો માર્ગ મોકળો બને છે.


'સાલ્લા... હલકટ માણસ... આખ્ખો દિવસ આવા જ વિચારો કરે છે. નેવી-ડેના દિવસે જ મને ખાતરી થઈ ગઈ હતી કે આજે રાતૂરે મારું આવી બન્યું છે, હજુ પણ મને વિશ્વાસ આવતો નથી કે તે દિવસે તારી જાત પર કઈ રીતે કાબૂ રાખી શક્યો હતો ?' નયનતારા હવે ખૂલીને વાત કરે છે.


'તને મારી પત્ની બનાવવી છે, દરેક પુરુષ પોતાની પત્ની પાસે અખંડ કૌમાર્યની અપેક્ષા રાખે છે. હું વેપારી માણસ છું એટલે ભવિષ્યનો ફાયદો જોવાની આદત છે! હું હંમેશા નવીનક્કોર ચીજોનો આખ્રહ રાખું છું. અને એ આગ્રહ મારી પત્નીને પણ એટલો જ લાગુ પડે છે.' નયનતારાને લગ્ન પહેલાં જ મારી પસંદગી જણાવવી પડે છે.


'વાહ.. મારા મીઠુ, તારા પ્રત્યે માન થઈ જાય તેવી વાત કરી છે. હવે ખબર પડી કે નાગર જેવા સંસ્કારી લોકો સાથે રહેવાથી કેટલો ફાયદો થાય છે ?' નયનતારા 'નાગર' શબ્દ પર ભાર મૂકીને બોલે છે.


'રહેવા.. દે, બહુ સંસ્કારી છે તે મને ખબર છે. અમારા જામનગરમાં આવી અને તારી ભાષા પણ બદલી ગઈ છે, કોઈ છોકરી પોતાનાં પ્રેમીને પોપટ, મીઠુ જેવા નામથી બોલાવતી જોવા મળી છે ?'


'અમારા મેડીકલ કેમ્પસની ભાષા છે, ડાહ્યાડમરાં અને શાંત સ્ટુડન્ટ્સને લોકો પોપટ કહે છે.' કેમ્પસનો મસ્તીભર્યો ચિતાર આપતા કહે છે.


'ફિલ્મ જોવી છે કે વાતો કરવી છે ?'


'ફિલ્મ જોવી છે અને તારા હાથને સખણાં રાખજે અને મારી સાથે હાથચાલાકી કરવાની મનાઈ છે.' નયનતારા ચેતવણી આપતા કહે છે.


'તું બાજુમાં બેઠી હોય અને હું મારા પર કેવી રીતે કંટ્રોલ રાખી શકું ? '


'તો એક કામ કરીએ... આપણે હોટલમાં રૂમ બુક કરાવી અને આજની રાત ત્યાં રોકાઈ જઈએ. પછી તારે જે ચાલાકી કરવી હોય તે કરી લેજે. નયનતારા આખી ને આખી તારી છે.' નરનતારા હવે મજાકના મૂડમાં આવે છે.


' આવી વાતો નહીં કર તો સારુ છે. કદાચ હું કંટ્રોલ ગુમાવીશ તો અહીંયા થિયેટરમાં અંધાધૂંધી સર્જાઈ જશે.'


' અત્યાર સુધીમાં તેં કેટલી વખત મારી સાથે છેડછાડ કરી છે અને કંટ્રોલની વાતો કરે છે ?' નયનતારા મને ધમકાવતા કહે છે.


' ચાલો વાતો બંધ કરીએ.. તું મારી નજીક આવી જા એટલે રોમાન્ટિક સીન જોવાની મજા આવશે.'


'કઈ રીતે નજીક આવી શકું ? આપણાં બંન્નેની ખુરશી વચ્ચે આ લાકડાનો હાથો છે.'


'એ લાકડાનો હાથો ઊંચો કરી નાંખ એટલે તને મજા આવશે.' નયનતારાને અવાજનો ટૉન બદલીને વાત કરું છું. તેનાં ધ્યાનમાં તુરત આવી જાય છે.


' તારો દાનતને ઓળખું છું. આવી ગયોને સીધી લાઈન પર ! ક્યારની વિચાર કરું છું કે આ કાઠિયાવાડી કેચી કેમ ચૂપ બેઠી છે ?' રોમાન્સ વીથ રમૂજનો ભરપૂર આનંદ નયનતારા ઊઠાવે છે.


' મારી હિરોઈન તો તું છે, બોબી ફિલ્મમાં ડિમ્પલ ૠષિકપૂરની હિરોઈન છે.'


' આ નયનતારા તારા એકલાની જ છે. તારો હાથ મારા હાથમાં મૂકી દે એટલે આપણે બંન્ને શાંતિથી ફિલ્મની મજા માણીએ.' નયનતારા હવે ફિલ્મ પ્રત્યે ગંભીર બને છે.


' નયનતારા, તું મારી જિંદગી છે. આટલો બેહતાશા, બેસુમાર અનેદિલને દાગ દાગ કરી નાંખે એવો પ્રેમ મને કરે છે. બસ આ જ રીતે મારો હાથ જિંદગીભર પકડી રાખજે.' આટલું કહેવાનું પૂરું કર્યું ત્યારે નયનતારાની આંખોમાંથી અશ્રુ નીકળીને મારી હથેળી પર પડે છે.


બોબી ફિલ્મનો સિત્તેરનાં દાયકાનો રોમાન્સ આજે પણ એટલો જ ફ્રેશ લાગે છે. આ ફિલ્મનાં કારણે તે સમયનાં ટીનએજરોનો પૂરો ટ્રેન્ડ બદલી ગયો છે, જેના એક ગીતનાં શબ્દો મધે ખૂબ જ ગમે છે.


' મુઝે રાતદિન નહીં ઔર કામ, કભી તેરી યાદ કભી તેરા નામ,

સબ રંગ દુનિયાકે ફિક્કે લગતે હૈ, એક તેરે બોલ બસ મીઠે લગતે હૈ...

લિખે હૈ તેરે સજદે ઈસ જમીં પર..'


ફિલ્મનો શૉ છૂટ્યા પછી પણ બંન્નેની મુખમુદ્રા ગંભીર હતી. વાતાવરણ લાગણીનાં બોજથી ભારે લાગતું હતું.
દરેક માણસનો પ્રેમ જેટલો તેનાં પ્રિય પાત્ર માટે હોય છે તેનાથી પણ વિશેષ પ્રેમ રાધાકૃષ્ણની જોડી માટે હોય છે. જ્યારે પ્રેમીઓ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરે છે ત્યારે શ્રીકૃષ્ણને યાદ કરવાને બદલે રાધા કૃષ્ણની જોડીને યાદ કરે છે.


અચાનક નયનતારા બોલે છે :' સામે જોઈને ચાલ... કે સીધું દાદરાની નીચે જવું છે ?' નયનતારાની આંખોમાંથી પ્રેમ વધારે શુધ્ધ અને વધુ માત્રામાં નજરે પડતો હતો. રડવાને કારણે તેની આંખોમાં ચમક વધી ગઈ હતી.


જિંદગી જીવવાનો કોઈ તરીકો ના હોઈ શકે. બસ આને જ જિંદગી કહેવાય, માણસની જિંદગીમાંથી 'સ્ત્રી' અને 'પ્રેમ' નામનાં શબ્દો બાકાત થઈ જાય તો માણસ પૂતળું બની જશે ! પૂતળાને જીવંત પ્રેમ નસીબમાં હોતો નથી. ફક્ત ગળામાં ફૂલોના હાર નસીબ હોય છે અને એ પણ બીજે દિવસે કરમાઈને ખરી પડે છે.


તમારી જિંદગીમાં સતત લગાતાર જીવંત પ્રેમ પામવો હોય તો તમારી પત્નીને દરરોજ તાજાં ફૂલની જેમ સંવારવી પડશે અને આ ફૂલોની તાકાત છે જે તમારા ઘરને ઉપવન બનાવી શકે છે.


મારું બાઈક ધીરે ધીરે ચાલે છે. નયનતારા મારી પીઠ પર માથું ટેકવી અને મારી કમર ફરતે હાથ વીંટાળીને ડિસેમ્બરની ઠંડીમાં ગરમીની મજા માણે છે.


આમે પણ જામનગરનું વાતાવરણ હીલસ્ટેશન જેવું છે. ઠંડી જલદી આવે છે મોડી મોડી જાય છે. પશ્વિમની દિશાઓ દરિયાથી ઘેરાયેલી હોવાથી દરિયા ઉપરથી આવતો પવન ઠંડો હોય છે છેનાં કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે. ઉનાળામાં પણ સાંજના પાંચ વાગ્યા પછી વાતાવરણમાં ઠંડક જોવા મળે છે. ઉનાળામાં પણ ગુજરાતનાં અન્ય શહેરો કરતાં અહીં ગરમી ઓછી પડે છે. બસ આવું જ કંઈક તત્વ છે જેનાં કારણે જામનગરનાં સ્ત્રીઓનાં સૌંદર્યનાં વખાણ કરતાં રાજકવિઓ થાકતાં નહોતાં.


નયનતારાને હોસ્ટેલ પર છોડી અને દુનિયાનો એક છેડો જેને કહેવાય છે એ મારું ઘર છે. એક સપનું છે ! મારા ઘરને રાધા કૃષ્ણનાં મંદિર જેવું બનાવવું છે ! હું કૃષ્ણ તો ન બની શકું ! પણ રાધાનાં પાત્રની કલ્પના તો કરી શકું છું ! આ કલ્પનાને જીવંત કરી શકવાની તાકાત માત્ર એક જ સ્ત્રીમાં છે ! જેનું નામ છે નયનતારા...!


પથારીમાં પડતાંની સાથે ક્યારે નિંદ્રારાણીએ કબજો જમાવ્યો હતો તે યાદ નથી આવતું અને યાદ પણ ક્યાંથી હોય ! કારણકે પ્રેમમાં પડેલાં માણસની દિમાગી હાલત ઠીક હોતી નથી. જેને બે કલાક પહેલાં શું બન્યું હતું તે યાદ નથી રહેતું તો ગઈકાલે જે બન્યું હોય તે ક્યાંથી યાદ આવે ?


સવાર પડતાં જ નિંદ્રારાણી આંખોમાંથી ઓઝલ થાય છે. મારાં ઘરની સામે જામનગરના રાજવીએ બનાવેલું એક વિશાળ પ્રાકૃતિક ઉદ્યાન, જેમાં સફેદ હરણ જેવાં દુર્લભ પ્રાણીઓ, સાંભર, ચિતલ અને બ્લેકબકની જાતિનાં હરણોને નાચતા કૂદતાં જોવાં મળે છે. અસંખ્ય જાતના પક્ષીઓનાં મધુર કલરવથી આખું ઉદ્યાન અને ઉદ્યાનનાં વૃક્ષો સવારનાં પહોરમાં સંગીતમય બની જાય છે. આ ઉદ્યાન લગભગ સિત્તેર જેટલા મોર અને ઢેલના વસવાટથી મહેંકી ઉઠે છે. ઘણી વખત મારા મકાનની બારીમાંથી ઢેલ અને મોરની પ્રણયસૃષ્ટિને જીવંત માણવાનો મોકો મળે છે. પણ આ મોરલાઓ અમારી કાઠિયાવાડી પ્રકૃતિ ધરાવે છે. વારેવેરે કળા કરવાની કતરનાક આદત ધરાવે છે. બસ ! આવી જ બાબતો સતત મને પ્રોત્સાહન આપે છે. જામનગરી રસિકડો છે. રાજવીઓ અને સામાન્ય પ્રજાજનની દરિયાદિલી અને કરૂણાએ જામનગરને એક કુદરતી ગરિમા બક્ષી છે અને આવું વાતાવરણ હોય અને તમે પ્રેમમાં ના પડો તો બીજું શું..?


પ્રેમ એક એવી કુદરતી તાકાત અને કુદરતી ઔષધી છે જે ખંજરના ઘા ને પણ રૂઝવી શકે છે અને શમશેરની ધારને બુઠ્ઠી પણ કરી શકે છે ! સિંહ જેવો સિંહ પણ સિંહણને મનાવવા બકરી બની જાય છે ! પ્રેમનું વર્તન ભેદભાવ યુક્ત નથી, પ્રેમમાં પડેલાં માણસે પોતાના પદનો મોહ ત્યાગવો પડે છે. પ્રેમ માટે હિટલર અને જવાહરલાલબંન્ને એકસમાન પાત્ર છે. પ્રેમમાં પડેલા માણસે દિલની તિજોરીને તળિયાઝાટક કરી નાંખવા પડે છે. સો એ સો ટકા સેક્યુલર, બિલકુલ પાંચ હજાર વર્ષ જૂની હિંદુ સંસ્કૃતિ જેવો, જે પરાયા દેશમાંથી આવેલા પારસીઓને સગી માથી પણ વિશેષ પ્રેમ કર્યો છે, અને આ પનોતા ગુજરાતી પુત્રોને કદી પણ સગી માને છોડી આવવાનો અહેસાસ પણ થવા દીધો નથી. મને મારી હિંદુ સંસ્કૃતિ અને મારા હિંદુસ્તાન માટે જેટલો પ્રેમ કરે છે, જેની સામે નયનતારાના પ્રેમની કોઈ હેસિયત નથી. મતલબ સાફ છે. એક આર્યવંશી હિંદુ પુત્ર અને એક બેકટ્રિયન ગ્રીક સુંદરીનો બે અલગ અલગ સંસ્કૃતિનો પ્રેમ છે. આજે ખબર પડી કે પ્રેમને સીમાડા કે સરહદ કે સંસ્કૃતિ જેવા શબ્દો અસર કરતા નથી.