Oh ! Nayantara - 1 books and stories free download online pdf in Gujarati

ઓહ ! નયનતારા - 1

ઓહ ! નયનતારા

નરેશ કે, ડોડીયા


પ્રકરણ – 1

ખીલા હૈ ગુલ સહેરામેં...


તારીખ 14 સપ્ટેમ્બર 1987 નો દિવસ છે અને અમારાં ઘરનાં આજે રામાયણ સર્જાણી છે. કારણ આજથી હું અભ્યાસ છોડી દેવાનો છું. દસ ધોરણ પાસ અને 86% માર્ક્સ છતાં પણ અભ્યાસમાં મન નથી લાગતું એટલે નાછૂટકે મમ્મીને જાણ કરું છું.


મમ્મી સખત ગુસ્સે થઈને પૂછે છે : 'મને ખબર હતી કે એકવાર દુકાનનાં ગલ્લે બેસવાનો ચસ્કો લાગશે એટલે વેપારીનાં દીકરાને સરસ્વતી કરતાં લક્ષ્મી વધારે વહાલી લાગશે.'


' બેટા ! થોડું ભણીએ તો ભણેલગણેલ વહુ આવે, તારા ધંધામાં પણ હાથ બટાવે અને ઘરનાં હિસાબકિતાબ પણ કરી જાણે.' મમ્મી હવે મને શાંતિથી સમજાવે છે.


' એવું ન હોય, મોટો બિઝનેસમેન બની જાઉં પછી એક ડોક્ટર છોકરીને પણ પરણી શકું છું.' મમ્મીને જરા અભિમાનથી કહું છું.


' તો અત્યારે પણ આપણને ક્યાં બિઝનેસની કમી છે, જેવો તું ધંધે બેસશે એટલે આપોઆપ મોટો બિઝનેસમેન બની જવાનો છે.' હજુ પણ મમ્મી મનાવવાનો પ્રયાસ ચાલુ રાખે છે.


' મમ્મી અત્યારે જે આપણે બિઝનેસ છે તેનાથી પણ મોટા પાયે બિઝનેસ શરૂ કરવો છે, મારે નામ કમાવવું છે. તારા માટે એજ્યુકેટેડ અને હિરોઈન જેવી વહુ લઈ આવવાનો છું.'


' જોયો હવે હિરોઈન વાળો ! છોકરીઓ સાથે વાત કરતાં પણ શરમ આવે છે અને હિરોઈનને પરણવાની વાતો કરે છે ?' મમ્મીની વાત મને હાડોહાડ લાગી આવી,


' મમ્મી ! તારો દીકરો છું એટલે પાછીપાની નહીં કરું, પણ એકવાર તું જોઈ લેજે તારો દીકરો ડૉક્ટર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ભઢેલ વહુ લાવે છે કે નહીં....?'


' એ બધું તો ઠીક છે પણ પહેલાં ધંધાને સરખી રીતે સંભાળજે અને મને ખાતરી છે કે મારો દીકરો ખૂબ નામ અને પૈસા કમાશે અને દુઃખિયાની સેવા કરજે, આખરે તો હું તારી મા છું.' આ જ રીતે પપ્પાનો ગુસ્સો પણ સહન કરવો પડે છે.


તે દિવસની ઘડી આજનો દિવસ એટલે સાલ 1991ની ચાલે છે, ચાર વર્ષમાં તો અમારા ટ્રેડિંગ બિઝનેસનું કામ ત્રણગણું વધારી દીધું છે. વેપારીનો દીકરો હોવાથી આ પંચાલ પુત્રનાં લોહીમાં વેપાર છે અને ચાર વર્ષનાં સમયગાળામાં માણસને ઓળખતા શીખી ગયો છું, બિઝનેસની તમામ જાદુગરી જાણી ગયો છું. આખરે તો કાઠિયાવાડી ગુજરાતી છું એટલે મોરનાં ઈંડા થોડાં ટિતરવા પડે..!


અમારી પંચાલ જ્ઞાતિમાં લગ્ન વીસ-બાવીસ વર્ષે લગભગ થઈ જાય છે. હમણાં હમણાં અમારી ઉપર જ્ઞાતિનાં વડીલો, જે સગાઈ સગપણનાં જ કામ કરે છે તેની નજર પડી ગઈ છે.


બધાને એક જ જવાબ મળે છેઃ 'અમારી જ્યારે ઈચ્છા હશે ત્યારે અમે આપને જાણ કરીશું.' આમ કહીને લોકોને રાજી રાખીએ છીએ.


છેલ્લાં ચાર વર્ષનાં સમયમાં કંઈ કેટલીયે મોટી મોટી લિમિટેડ કંપનીની ઓફિસોમાં જવાનું બને છે. કંપનીઓનાં આંતરરાજ્યનાં સાહેબોને મળવાનું થાય છે. પંજાબી, બંગાળી, આસામી, બિહારી, મરાઠી જેવાં તો અનેક લોકોને મળવાનું બને છે. સાહિત્યરસિક જીવ હોવાને કારણે આ લોકો સાથે બહુ જલ્દીથી આત્મીયતા કેળવી લઉં છું.


ક્યારેક કોઈ ઓફિસરનાં ઘરે ડ્રિંક્સ અને ડિનરની પાર્ટી પણ મારા ખર્ચે ગોઠવું છું ત્યારે અલગ અલગ જાતિની ભાભીઓને મળવાનું બને છે અને ઘણી વખત આ સ્ત્રીશક્તિઓ મને પૂછે છે: 'શેઠજી, શાદી કબ કરને કા ઈરાદા હૈ ?'
ત્યારે પણ આ લોકોની વાત ટાળું છું. ઘણીવાર વિચાર થઈ આવે છે. છેલ્લા ચાર વર્ષના ધંધાની માથાકૂટમાં કોઈ છોકરી પણ મનને ગમે તેવી નજરમાં આવી નહીં અને નજરમાં આવે પણ ક્યાંથી...? લક્ષ્મીજીનાં મોહમાં ફસાયા પછી સામાન્ય દેવીઓ થોડી નજરમાં આવે...!


ઘણીવાર અમારા ઑફિસર મિત્રોની પંજાબી કે બંગાળી પત્નીઓ જોઈને વિચાર કરું છું કે છોકરી તો આ ભાભી જેવી જ હોવી જોઈએ ! ઘણીવાર અમારા એક બંગાળી ઓફિસરની પત્ની પદમા લાહીરી કહેતી કે 'શેઠજી, તુમ્હારે જૈસા આદમી મીલ જાયે તો અપને નસીબ કા તાલા ખુલ જાયે.' ત્યારે મને હસવું આવતું હતું અને પદમા કહેતી કે 'શેઠજી અગર આપકો ટાઈમ મિલે તો અકેલેમેં આ જાના. બિવી ક્યા ચિજ હોતી હૈ આપ ખુદ જાન જાઓગે.' ત્યારે મારું અકળ મૌન પદમાને અકળાવતું હતું. એક નિયમ છે, જ્યાંથી આપણને ધંધો મળતો હોય ત્યાં છાનગપતિયા કે કોઈ બેઈમાની કરવી નહીં અને આ સિધ્ધાંત મારાં મનમાં બરાબર ઉતાર્યો હતો.


સપ્ટેમ્બર 1991 નો મહિનો ચાલે છે. રોજ સવેરે નવ ના ટકોરે ઈરવિન હોસ્પિટલની સામે આવેલી પાનની દુકાને પાન અને સિગારેટને ન્યાય આપીને ત્યારબાદ પેઢીએ જવાનો વણલખ્યો નિયમ છે.


એક એવો સમય હતો જ્યારે ગુજરાતી છોકરીઓ માંજ જીન્સ પહેરતા શીખી હતી અને આધુનિકતાનાં રંગોથી નવી પેઢી રંગાવા લાગી હતી. પાનની દુકાનની સામે ઈરવિન હોસ્પિટલ અને એમ.પી.શાહ મેડિકલ કોલેજ છે. આ મેડિકલ કોલેજમાં મારી સાથે ભણતાં મારાં પાંચ મિત્રો ડૉક્ટરી વિષયનો અભ્યાસ કરે છે. ક્યારેક એમાંનો કોઈ મિત્રમળે એટલે કહે છે કે 'છ્યાંશી ટકા આવ્યા છતાં શા માટે ભણવાનું છોડી દીધું ? ભણ્યો હોત તો ધંધામાં કેટલું કામ આવત !' ત્યારે હું જવાબ આપું છું : 'મારું ઈંગ્લીશ પરફેક્ટ છે અને ગણિત પરફેક્ટ છે અને વેપારી દિમાગ છે એટલે મને બહુ ફર્ક પઠતો નથી.'


પાનની દુકાને પાંચ-દસ મિનિટ ઊભા રહેવાની ટેવ પડી ગઈ છે. સાહિત્ય, સંગીત અને નૃત્ય અને ક્રિકેટ આ ચારેય મારાં આરાધ્યદેવ છે. ડિસ્ટ્રીક્ટ લેવલ અને અંડર સિક્સટીન સુધી રમેલો છું અને હજુ પણ રોજ સવારે સાડા આઠ વાગા સુધી ક્રિકેટની પ્રેક્ટિસ કરવા જવાનું ફરજિયાત છે. શરીર હવે બરાબર કસાય ગયું છે. પાંચ ફૂટ અગિયાર ઈંચ હાઈટ હોવાથી બોલિંગ અને બેટિંગ બંન્નેમાં મહારત હાંસલ કરેલી છે. સાંજે સાડા સાત-આઠ વાગ્યે ઘરે પહોંચ્યા પછી અડધી પોણી કલાક સંગીત સાંભળવાનું અને રાત્રે જમ્યા પછી રોજ બેથી ત્રણ કલાક વાચનનો શોખ પૂરો કરું.
એકનો એક દીકરો હોવાથી પપ્પા મારી તમામ જરૂરિયાત પૂરી કરે છે. મારી બહેન પ્રિયાની મહેરબાનીથી મારો બેડરૂમ સાફસૂથરો રહે છે. બેડરૂમમાં કસરતનાં સાધનો, મ્યુઝિક સિસ્ટમ, ટેલિવિઝન અને પપ્પાની લાઈબ્રેરી પણ મારાં બેડરૂમમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી, લગભગ સાડા ચારસો પુસ્તકોથી ભરેલી છે અને દર મહિને એમાં પાંચથી છ પુસ્તકોનો વધારો થતો રહે છે. ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનાં સારામાં સારાં પુસ્તકોનો સંગ્રહ છે.


એક દિવસ ચંદ્રકાંત બક્ષી સાહેબનું 'મહાજાતિ ગુજરાતી' પુસ્તક વાંચતો હતો ત્યારે તેમાં નાગર જાતિનાં લેખની શરૂઆત આ રીતે કરી હતી :


'જો કોઈ લિલાશ પડતી બદામી રંગની આંખોવાળી અને ઑલિવ જેવો ચામડીવાળી સંસ્કૃત નામવાળી છોકરી તમને પૂછે કે, "તમે નાગર છો ?" તો બહુ વિચાર કર્યા વિના હા પાડી દેજો! નાગરને માટે નાગર કરતાં મધુર શબ્દ બીજા નથી. આ પૃથ્વી પર પણ માત્ર 'હા' થી વાત અટકવાની નથી. 'તમે ક્યાંનાં ?' જો છોકરી ભાવનગરની હોય તો પાટણ કહેજો અને રાજપીપળાની હોય તો કહેજો તમે જૂનાગઢનાં ! કારણ કે દરેક નાગર ગામનાં બીજા દરેક નાગરને ઓળખતો હોય છે. એક નાગરને માટે બીજા નાગરનું લોહી લગભગ સતત ઉછળતું રહે છે.'


મનમાં મંદ મંદ મુસ્કુરાઉં છું અને વિચાર આવે છે કે જ્યારે નાગરપરામાં રહેતા હતા ત્યારે પણ કોઈ નાગરની છોકરી માટે કોઈ પ્રકારની લાગણી જન્મી નહોતી અને એક પંચાલ પુત્ર માટે નાગરાણીની કલ્પના જરા અજુગતી લાગતી હતી. છતાં પણ એક કહેવત છે કે 'ભાગ્યવાનને ત્યાં ભૂત રળે.' આપણને પણ કોઈ ને કોઈ મળી રહેશે અને કોઈપણ જ્ઞાતિની હોય ચાલશે.


થોડા દિવસ પછી તો આ ભૂતની કમાલ શરૂ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાંય દિવસથી સવારે પેલી પાનની દુકાનની બાજુમાં એક ટી સ્ટૉલ છે ત્યાં રોજ સફેદ કોટ પહેરેલી ચાર-પાંચની સંખ્યામાં મેડિકલ કૉલેજની છાત્રાઓ ચાય પીવા અચૂક નવના ટકોરે આવી પહોંચે છે. તેમાંની એક મેડિકલ છાત્રા પર મારું દિલ આવી ગયું હતું.


એક દિવસ એ છાત્રાને ચાયની ચુસ્કી મારતા જોઈનેઅને મારો જવાનીનો ઘોડો ખીલો છોડાવવા ઠેકડા મારે છે. ગોખલામાંથી મોં બહાર કાઢતા પક્ષીઓની જેમ હૃદય બહાર નીકળવા મથામણ કરે છે. હવે રોજની આદત પડી જાય છે. આ છાત્રાની મારી પર નજર પડે એવા પેંતરા કરવા પડે છે. ઘરે ચાય પીને નીકળ્યો હોવા છતાં પેલી હોટલમાં ફરજિયાત ચાય પીવા જવું પડે છે.


દસ પંદર દિવસ સુધી આંખોનાં ટકરાવની પ્રક્રિયા સતત ચાલ્યા રાખે છે. પેલી છાત્રા પણ સમજવા લાગી કે કોઈ મુઝ પર નજર રખતા હૈ એક અહેસાસ સતત અથડાયા રાખે છે. ક્યારેક પાછું ફરીને નજર મેળવે છે. મનની ગડમથલ ન સમજાય એવી છે અને શબ્દોનાં અર્થ સમજાતા નથી. આજે ખબર પડી કે પ્રેમ કોઈના આપની જાગીર નથી.
પેલા પાનવાળાને પૂછું છું : 'આ ડૉક્ટર છોકરીનાં નામની ખબર છે ?'


પાનવાળો કહે છે : 'તારા ચાર પાંચ ભાઈબંધો ડૉક્ટરનું ભણે છે તેઓને પૂછે તો ખબર પડી જશે.'


મારા મિત્રો જે મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરે છે, તેમાંનો એક નિરવ મહેતા મળી જતાં તેને પૂછ્યું, ' રોજ સવારે નવ વાગ્યે જે ચાર પાંચ છોકરીઓ ચા પીવા આવે છે તેમાં પેલી લાંબી અને ખૂબસૂરત છોકરીનું નામ શું છે ? '


કાઠિયાવાડી હોય અને ડૉક્ટરી સ્નાતક હોય પણ કાઠિયાવાડીભાષા ભૂલાતી નથી. એટલે નિરવનો જવાબ આવે છે, 'સાલ્લા.... ! ગામમાં કોઈ છોકરી મળતી નથી એટલે અમારી કૉલેજની છોકરીઓ પર નજર બગાડે છે ?'


' યાર ! મજાક રહેવા દે. સાચું બોલું તો આ છોકરી બહુ ગમી ગઈ છે.'


' હલકટ માણસ....! અમારી થાળીમાં નજર નાંખે છે ?' કાઠિયાવાડી જબાનની કમાલ છે જે કાઠિયાવાડી લોકો જ સમજી શકે છે.


' સાલ્લા..! ડૉક્ટર બની ગયો એટલે બહુ ભાવ ખાય છે ?'


' ના યાર.... ! એવું નથી, ખાલી મજાક કરતો હતો, તેનું નામ નયનતારા ધોળકિયા છે અને તેનાં પપ્પા અમદાવાદમાં બેન્ક મેનેજર છે. મૂળ એ લોકો અહીંયાનાં છે. એક વાત કહું...! હજી સુધી આ સ્ટેમ્પ પેપર કોરો છે. એટલે જલદી તારું નામ લખાવી લેજે, બહુ રાહ જોવામાં માલ નથી.'


દરેક પ્રાણીમાં રહેલાં વિજાતીય આકર્ષણનાં ગુણથી મનુષ્ય પણ બાકાત નથી અને નયનતારાને જોઈને મારામાં રહેલો વિજાતીય આકર્ષણનો ગુણ ફેણ ચડાવેલે નાગની જેમ ફૂંફાડા મારે છે.


મારી એકવીસ વર્ષની ઉંમરમાં હવે આંખોમાં કસુંબલ રંગનો અફીણી અહેસાસ છે. જવાની સોળે કળાએ ખીલી છે. દિલનાં નગારાવાગે છે અને શરીર કાંપે છે, જવાનીનો અશ્વ હણહણાટી નાખે છે અને ડાબલા લગાડવાની જરૂર નથી. પગમાં જોર ખૂબ જ છે. જવાની જાણે ફાટફાટ થાય છે.


પોણાં છ ફૂટ ઊંચી અને લાંબા નિતંબ સુધી પહોંચતા કાળા ભમ્મર કેશ, બદામી રંગોનાં મિશ્રણની આંખો, એક એવો આયનો જેમાં દરેક જુવાન પોતાનો ચહેરો જોવા માંગે છે. બક્ષીસાહેબની નાગરાણીની કલ્પનાનો એક જીવંત અવતાર, લંબગોળ નિતંબો અને લાંબા પગ અને પુષ્ઠ પયોધરની માલિકણ, એટલે આધુનિક ભાષામાં બિટવીન 85 to 90 cm.
રોજની ટેવ પ્રમાણે પાનવાળાની દુકાને પહોંચીને પેલા પાનવાળાને પૂછ્યું : ' આ માસ્ટરપીશ કેવો લાગે છે ?' એટલે પેલો પાનવાળો કહે છે : ' ડૉક્ટરનું ભણે છે અને તારા જેવા દશ ચોપડી માંડ માંડ વટેલાનું કામ નહીં. ધંધામાં ધ્યાન આપીશ તો બે પૈસા કમાઈશ.'


નયનતારા ધોળકિયા, વર્તમાન સમયની ઈશ્વર દ્વારા બનાવેલી એકમાત્ર પૂર્ણ સ્ત્રીનાં લક્ષણો ધરાવતી કૃતિ. એક એવી કૃતિ જેનું આકર્ષણ અઢારથી બોંતેર વર્ષનાં દરેક પુરુષોમાં જોવા મળે છે, પુરુષોની સ્ત્રી વિશેની કલ્પનાનો એકમાત્ર માસ્ટરપીસ, જ્યાં સ્ત્રીની ખૂબસૂરતીનો પૂર્ણવિરામ આવે છે.


એકદિવસ અચાનક રવિવારનાં બપોરનાં સમયે ઘરે પહોંચતા જે દ્રશ્ય જોયું તેનાથી અચંબિત થઈ ગયો. મારા પપ્પાની બાજુમાં સોફા પર એક પપ્પાની ઉંમરનાં વડીલ બેઠા છે અને તેની બાજુમાં મારી સ્વપ્નસુંદરી નયનતારા બેઠી છે. હજુ કંઈપણ વિચારું તે પહેલાં મારા પપ્પા મને બોલાવીને કહે છે : ' બેટા..! આ મુકુન્દરાય ધોળકિયા, અમદાવાદ એસબીએસનાં બ્રાન્ચ મેનેજર છે અને તેની બાજુમાં બેઠેલી તેમની એકની એક લાડકી દિકરી નયનતારા છે! આ મુકુન્દ અંકલ મારાં બચપણનાં મિત્ર છે ! અમો સ્કૂલથી કૉલેજ સુધી સાથે ભણ્યા, સાથે રમ્યા અને સાથે જમ્યા છીએ.'
એકવીસમા વર્ષે દિલને પસંદ આવે તેવું વાક્ય : ' બેટા..! આ નયનતારા છે, મુકુન્દ અંકલની દીકરી છે.' એટલું જ જોઈતું હતું.


મુકુન્દ અંકલને ખુશ કરવા તેને પગે લાગું છું અને આધુનિકતાનો ડોળ કરવા આ ફૂટડી નયનતારા નાગરાણી સાથે હાથ મિલાવું છું. આંખોથી આંખો ટકરાય છે. હાથ મિલાવતાની સાથે અચાનક શરીરમાં અનુભવેલો વિજાતીય આકર્ષણનો વીજળીક ઝટકો અને આ એક ઝટકાએ શરીરમાં રહેલ દરેક રાસાયણિક સમીકરણો બદલી નાંખ્યા હતા. શરીરમાં પહેલી વખત સ્ત્રી નામની રિયાસત પર જીત મેળવવા માંગતા એક સુલતાનનો જન્મ થાય છે.


મુકુન્દ અંકલ કહે છે : ' નયનતારાનાં મામાનું ઘર અહીંયા હોવા છતાં તેને હૉસ્ટેલમાં રાખી છે, તારા પપ્પાની જેમ હું પણ સ્વમાની છું. એટલે નયનતારાને કહું છું કે દર રવિવારે તારે બેધડક કૈલાશ અંકલના ઘરે પહોંચી જવાનું છે,
કારણકે આ મારા મિત્રનું ઘર છે અને એમાં જ મારું સ્વમાન છે.'


એટલે મમ્મી કહે છે : ' તે ભલેને આવતી! અમારી પ્રિયાને એક બહેનપણી મળી જશે, એક છોકરીની જગ્યાએ બે છોકરીનો ખ્યાલ રાખીશું.'


નયનતારા અને પ્રિયા રૂમમાં જાય છે, રૂમમાં જતા નયનતારા ફરીને મારા નર નજર નાખે છે અને ન સમજાય તેવું હાસ્ય ફેંકી અને ઝાટકાની સાથે નજર ફેરવે છે. આ અંદાજ કંઈક નિરાળો લાગ્યો હતો.


પછી તો શું ....? 'ભાવતું હતું અને વૈદે કીધું.' દર રવિવારે નયનતારા નામની બુલબુલના મીઠા મધુરા કલરવથી મારા ઘરનો માહોલ સંગીતમય બની જતો હતો અને પ્રિયા સાથે નયનતારાનાં ગાઢ સખીપણા થઈ ગયા હતા.


હવે રવિવારના મારા નિત્યક્રમો બદલાય છે. અઠવાડિયામાં ત્રણ વખત શેવ કરવું, ચકાચક કપડાં પહેરવાનાં. ઘરની બહાર મને વિરાની લાગવા લાગી હતી. સ્વર્ગ છે તો બસ અહીંયા જ છે, મારા ઘરમાં જ છે. રંભા, મેનકા અને ઊરવશીનો ત્રિયાઅવતાર એક જ સ્ત્રીના રૂપમાં નયનતારાને રૂપે ધરતી પર ઊતર્યો છે. કળિયુગ તપોધારી ઈંતેજાર કરે છે... ક્યારે નયનતારા નામની અપ્સરા મારું તપ ભંગ કરવા આવે અને મારું તપ ભંગ થઈ જાય. આજે ખબર પડી કે આગલા જમાનામાં શા માટે ૠષિમુનિઓનું તપોભંગ થતું હતું !


દર રવિવારે નયનતારા જ્યારે જ્યારે મારી સામે આવે ત્યારે તેની બદામી આંખોમાં જોવાની કોશિશ કરું છું, કોઈ જગ્યાએ મારા પ્રત્યેનો ભાવ દેખાય છે ? બે મહિના સુધી સતત આ ચક્ર ચાલ્યા રાખે છે.
ડિસેમ્બર 1991નો મહિનો છે. અચાનક મૌસમ કરવટ બદલે તેમ મારા જીવનમાં વસંતૠતુનું આગમન થાય છે અને એ પણ ડિસેમ્બરનાં ઠંડીનાં દિવસોમાં. દરેક ગુલમહોરો રંગબેરંગી ફૂલોથી લચી પડ્યા છે. રાત્રે રાતરાણી આપમેળે ખુશ્બુ ફેલાવે છે. નાકને હવે એવું લાગતું હતું કે નાગરાણીનાં અંતરની ખુશ્બુ અહીંયા નજીકમાં છે.


ખીલા હૈ ગુલ સહેરામેં, ખુદા કો ભી હૈરત હૈ.

બીજા રસપ્રદ વિકલ્પો