ઓહ ! નયનતારા – 6 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા – 6

ઓહ ! નયનતારા

પ્રકરણ – 6

નરેશ કે, ડોડીયા


ઈશ્વર - ભક્તિ સમાન પ્રેમ !


ફરી પાછો રોજનો ઘટનાક્રમ શરૂ થાય છે. વેપાર અને કામ, અલગ અલગ માણસોનો વ્યવહાર, અલગ અલગ ગ્રાહકો, તમારો બિઝનેસ જે તમને જીવાડે છે, તમને રહેવા માટે એક ઘર આપે છે ! તમારી મનોકામના પૂરી કરે છે. ગાંધીજીએ કહ્યું હતું : ' ગ્રાહક એ ભગવાન છે.' તમારી પેઢીના આસને બેઠેલા માણસે આ ગ્રાહકરૂપી આવેલા ભગવાનનું કદીપણ અપમાન કરવું નહીં. કારણકે ગ્રાહકરૂપી આવેલો એ ભગવાન આખરે તો પ્રેમનો ભૂખ્યો છે. રોજ સવારે અગિયાર વાગ્યે બે, પાંચ, દસ લાખના ચેકો ભરેલી બેન્કની સ્લીપ જે ગ્રાહકરૂપી ભગવાનની પ્રેમરૂપી પ્રસાદી છે. એક એવી પ્રસાદી છે જે તમારી મૂડી છે અને આ મૂડીને સાચવવાની તમારી જવેબદારી છે. મોજ, શોખ અને વિદેશપ્રવાસ આજે માણસની મજબૂરી છે, જેનું ભારણ આ મૂડી પર આવે છે. મોજશોખ પૂરા કરોહ વિદેશ પ્રવાસ કરો, પ્રેમિકા પત્નીને ખુશ રાખો, વડોલોને ખુશ રાખો, તમારા બાળકોને ભણાવીને સારા સંસ્કાર આપી દેશપ્રેમી નાગરિક બનાવો, પણ એક જવાબદારીમાંથી છટકવાની કોશિશ નહીં કરતા. આ બધું કરતાં પણ તમારી મૂડી સલામત રાખવાની છે. મતલબ કમાણી કરવી જરૂરી છે. જો કમાણી થતી હશે તો આ બધું આપોઆપ થયા રાખશે. આ વિચાર આપણી હિંદુ સંસ્કૃતિ જ આપી શકે છે. આજે ખબર પડી કે પૂરેમમાં પડ્યાં પછી જ મહાન ફિલસૂફ અને તત્વચિંતકો પેદા થયા છે.
ક્યારે રાત્રીના આઠ વાગે અને ક્યારે ઘરે જવાનો સમય આવે, એ રોજનો ઘટનાક્રમ બની ગયો છે. આઠ વાગવાને દસ મિનિટની વાર હોય ત્યારે બેચેની વધી જાય છે. નયનતારાને રોજ મળ્યા પછી ક્યારે સાડાનવ-દસ વાગી જાય તે ખબર પડતી નથી. ધંધાદારી માણસોએ પ્રેમમાં પડવા જેવું નથો. પહીંતર ખોટનો ધંધો કરવાનો વખત આવશે. મતલબ પ્રેમ માણસને સમયનો પાબંદી બનાવે છે અને નફા નુકસાનની સમજદારી આપે છે.


લક્ષ્મીની માયામાં ક્યારે શનિવાર આવે છે, ખબર નથી પડતી. શનિવારની રાત્રિનાં આઠ વાગ્યે રાબેતા મુજબ પેલા પાનવાળાની દુકાન પાસે નયનતારાની રાહ જોઉં છું. એટલે પેલો પાનવાળો મને કહે છે : 'ઘરે જા... ઘરે જા... આ પેમલા પેમલીના ખેલ બંધ કર.. નહીંતર આમ ને આમ ભૂખ્યો મરી જઈશ. થોડું જમીને આવ, તારી ડોક્ટરાણી ક્યાંય ભાગી નહીં જાય.'


ત્યાં અચાનક પેલો પાનવાળો કહે છે : 'સામેની બાજુ જુઓ તો કોણ આવે છે ?'


સામેથી સફેદ ડ્રેસધારી પહેરેલી પાંચ - છ છાત્રાઓનું ટોળું આવતું દેખાય છે, પણ નયનતારા તેમાં દેખાતી નથી. બધી છાત્રાઓ અંદર અંદર ગુસપુસ કરતી અને મારી સામે રહસ્યમય હાસ્ય ફેંકી અને પસાર થાય છે.


ત્યાં સામેથી આવતી નયનતારા દેખાય છે. મારી આંખોમાં અનેરી ચમક આવી જાય છે, અને મારી નજર પાનવાળા પર પડે છે. તેનાં ચહેરા પર પણ મારા જેવી ખુશી નજરે પડે છે. પોતાનાં અંગૂઠાનું નિશાન દેખાડી અને ખુશી જાહેર કરી કાઠિયાવાડી પ્રેમ દેખાડે છે. મને હસતો જોઈને નયનતારા મને પૂછે છે : 'કેમ મારો મીઠુ આજે મરક મરક હસે છે..? હું તને ટુ પીસ પહેરેલી કેટવૉક કરતી ઑડેલ દેખાઉં છું ?'


' મારા એવા નસીબ ક્યાંથી કે તું ટુ પીસમાં નજર આવે ?'


કાઠિયાવાડી નાગરાણીનો જવાબ હંમેશા જડબાતોડ હોય છે, 'હલકટ માણસ..'


' અરે યાર.. એવી કોઈ વાત નથી, તેં મને પાગલ બનાવ્યો છે એ વાત આ પાનવાળાને ખબર પડી ગઈ છે.'


' આ પાનવાળો અમારા મેડિકલ કૉલેજના અનેક સ્ટુડન્ટના પ્રેમનો સાક્ષી છે. તારા જેવા સિગારેટ પ્રેમી ડૉક્ટરો બધા ત્યાંથી સિગારેટની ખરીદી કરે છે.'


' એ પાનવાળો કહેતો હતો કે આજે તારી ડૉક્ટરાણી આવશે નહીં.'


' શા માટે હું ન આવું ! તારી જેમ હું પણ રાત્રિના આઠ વાગ્યાની રાહ જોતી હોઉં છું ! ખુલ્લી હવા અને તારો સાથ માણવાનો મોકો થોડો જતો કરાય છે ? દવાઓની ગંધથી મારું માથું ફાટે છે. પણ અમો અમારી જવાબદારીમાંથી છટકવાની કોશિષ કરતા નથી. અમારી ડૉક્ટરી ફરજનું પૂરેપુરું ભાન છે. આખરે કોઈ માણસની જિંદગીનો સવાલ હોય છે. ગરીબ માણસો માટે ઘણી વખત સારવાર કરાવવી કઠિન હોય છે. પૈસા હોય નહીં , છતાં પણ એક વિશ્વાસ રાખીઆ મફત સારવાર કરતી સરકારી હોસ્પિટલમાં ઈલાજ માટે આવે છે. આ વાત તમારા જેવા શેઠિયાઓને નહીં સમજાય. દર્દીઓના સગાવહાલાઓની આંખો અમારી તરફ અમીદ્રષ્ટિથી મંડાણી હોય છે. પેશન્ટ ઓપરેશન થિયેટરમાંથી જેવો બહાર આવે છે ત્યારે આ લોકોની વેદના જોવા જેવી હોય છે, અમોને એક જ સવાલ પૂછે છે : "મારા સ્વજનને સારું તો થઈ જશે ને ? હવે કોઈ ચિંતાનું કારણ તો નથી ને..?" આવા અનેક સવાલો પૂછાતા હોય ત્યારે તેઓની આંખોનાં કરુણાભાવ મારા જેવો લાગણીશીલ છોકરીને બેચેન કરી મૂકે છે. કરુણાભાવ અને દર્દીઓ સાથેની લાગણી પણ અમારા મેડિકલ એજ્યુકેશનનો એક હિસ્સો છે.' આટલું બોલીને નયનતારા ભાવશૂન્ય બનો જાય છે.


'શાબાશ... મારી નયનતારા, તું પણ મારી જેમ અતિ લાગણીશીલ છો.'


' એટલે તો પાગલની જેમ તને પ્રેમ કરું છું .' પરાણે હસતા હસતા બોલે છે.


'સાંભળ, આવતીકાલે હું દ્વારકા જવાનો છું. મારે ત્યાંથી પેમેન્ટ લેવાનું છે, અને દ્વારકાધીશના દર્શનનો લાભ પણ લેવો છે ! તું મારી સાથે આવીશ ?'


નયનતારા દ્વારકાધીશનું નામ સાંભળી ગોપીની જેમ ભાવવિભોર બની જાય છે અને કહે છે, ' ખરેખર...! હું છરૂર તારી સાથે આવીશ, આવતીકાલે સવારે રવિવાર હોવાથી સાસરિયાને બદલે ભાવિ પતિની સાથે દ્વારિકાની સેર કરીશ.'


ફરવા માટે શોખીનો માટે સ્થળોની કમી નથી પણ ક્યારેક એવી ઈચ્છા થાય કે જ્યાં મનને શાંતિ મળે અને થોડું ધરમધ્યાન પણ થઈ જાય, જો આવું જ કંઈક ઈચ્છતા હો તો બાંકેબિહારી, રાધારાણીના પ્રેમપુરુષ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી સૌથી સુંદર સ્થળ છે.


ઠંડી ઠંડી હવા, ચારેબાજુ લીલોતરી, શાનદેર રસ્તાઓ પર પવનચક્કીનો નઝારો જોતાં જોતાં જ્યરે દ્વારકા પહોંચશો ત્યારે તમારું મન અભિભૂત થઈ જશે અને તબિયત ખુશ થઈ જશે.


ગુજરાતના આખરી છેડે આવેલા દ્વારકા પહોંચશો ત્યારે તમને એવું નહીં લાગે કે ધરતીનો છેડો છે. બલકે એવું લાગશે કે રાધા કૃષ્ણનાં પ્રેમની બાંસુરીના સૂરોને લહેરાવતું દ્વારકાધીશનું ઘર લાગશે.


શ્રીકૃષ્ણ અને રાધાની પનાહમાં આવતાં જ પ્રેમી યુગલોનાં જીવન ધન્ય બની જાય છે અને આવી જ કંઈક ભાવના નયનતારાના ચહેરા પર નજરે પડતી હતી, જ્યારે તે માથા ઉપર બાંધણીની ડિઝાઈન વાળી ચૂંદડી ઓઢી અને આંખો બંધ કરી જગત મંદિરના પરિસરમાં ભગવાન દ્વારકાધીશને બે હાથ જોડી વંદન કરતી હતી. મંદિરમાં આવતી બહારની દરિયાઈ હવાઓની લહેરખીઓ પણ કૃષ્ણમય બનીને મારી નયનતારાની લટો સાથે રાસ રમતી હતી. જાણે ખુદ બાંકેબિહારી નયનતારા નામની ગોપી સાથે રાસોત્સવ મનાવતા હોય તેવું લાગતું હતું.


આ દર્શન જોઈને મને બાંકેબિહારીની ઈર્ષ્યા આવતી હતી. અંદરખાનેથી ડર સતાવતો હતો કે નયનતારાને જોઈને 'સંભવામિ યુગે યુગે..' મતલબ કે દરેક યુગે હું પૃથ્વીપર જન્મ લઈશ એ સૂત્ર સાર્થક કરવા ભ ગવાન શ્રીકૃષ્ણ ખુદ આ ધરતી પર જનમ લેશે તો ? નયનતારાના રૂપ અને કામણ જોઈને ભગવાન શ્રીકૃષ્ણની ધરતી પર જનમ લેવાની ઈચ્છા બળવત્તર બની જશે તો ...?


અચાનક નયનતારાએ આંખો ખોલી અને એક અમૃતમય મીઠાશભરી અમીદ્રષ્ટિની પ્રસાદી મને ચાખવા મળી અને ખુદ બાંકેબિહેરી મને કહી રહ્યા છે કે 'હે પાભર મનુષ્ય....! હું પૃથ્વી પર દરેક જીવોનુંકલ્યાણ કરવા ધરતી પર જન્મ લેતો આવું છું અને તમને બન્નેને આશિર્વાદ આપું છું ! તથાસ્તુ.. તમારા બંન્નેનું પ્રેમજીવન લગ્નજીવનમાં પરિવર્તિત થાય અને મારી બાંસુરીના મધુર સૂરોના સંગીત રેલાવતું અને રાધાકૃષ્ણનાં પ્રેમના સાક્ષીરૂપ એક મધુર પ્રેમગાન બને....!'


હું અને નયનતારા જગત મંદિરના પરિસરમાંથી બહાર નીકળીને અમારી કાર તરફ રવાના થયા. મારી કારમાં મારી બાજુમાં સીટ પર કાળા ગોગલ્સ પહેરેલી નયનતારા આધુનિક યુગની રાધારાણી જેવો લાગતી હતી... આહ, નયનતારા.
મારું ધંધાદારી ઉઘરાણીનું કામ પતાવી હું અને નયનતારા દરિયાકિનારે પ્રેમગોષ્ઠિ કરવા પહોંચી ગયાં. દરિયાકિનારાની ખારાશભરી ભેજવાળી હવા મને દર વખતે કંઈક અલગ પ્રકારનો અનુભવ કરાવે છે.. આજ કંઈ ખબર નહીં એવું લાગે છેકે આ દરિયો પણ નયનતારાને જોઈને ઉત્તેજિત થયો લાગે છે !


ઉઘરાણીમાં આવેલા રૂપિયાની થેલી જોઈને નયનતારા મજાકમાં મને કહે છે : ' હું તારી સાથે છું પછી આ રૂપિયાની શી જરૂર છે ?'


એટલે મેં જવાબ આપ્યો : ' આ દુનિયા બહુ ખરાબ છે ! જો રૂપિયા હોય તો માણસો માખીની જેમ રૂપિયાની મીઠાશ માણવા જમા થાય છે. પણ રૂપિયાની મીઠાશ ગાયબ થતાની સાથે જ આ માખીઓ ઉડી જાય છે અને બગઈઓ બણબણવાં લાગે છે.'


નયનતારા કહે છે : 'કદાચ આ રૂપિયાની થેલી કે નયનતારા આ બન્નેમાંથી એકને દરિયામાં ફેંકી દેવા પડે તો તું પહેલાં કોને દરિયામાં ફેંકીશ ? અથવા તારે ફરજિયાત નયનતારાને જ ફેંકવી પડે તો તું શું કરશે ? '


નાગરાણીનો અટપટો સવાલ સાંભળીને પહેલાં તો હું ગભરાઈ ગયો. પછી થોડો વિચાર કરોને અને તેને જવાબ આપું છું. 'પહેલાં નયનતારાને દરિયામાં ફેંકી દઈ અને ત્યારબાદ હું પણ તારી પાછળ દરિયામાં ઝંપલાવી દઉં અને રૂપિયાની થેલીને દરિયાકિનારે રાખી મૂકું. કદાચ આ રૂપિયા તો કોઈ વ્યક્તિને કામ લાગશે. કારણ હું તારા વિના જીવી શકવાનો નથી.'


'વાહ... મારા મીઠુ ! તું કેટલો સંસ્કારી બની ગયો છે ! નાખર જેવા સંસ્કારી લોકોની પુત્રીના સહવાસથો માણસ કેટલો સુધરી જાય છે ? પણ તમારી કાઠિયાવાડી જબાન એક શબ્દના બે ઑઉકડા કરી નાંખે છે.' નયનતારાની જબાન દરિયાદેવના સહવાસમાં ખારાશ પકડે છે.


નયનતારાની સેન્સ ઓફ હ્યુમરને ચેક કરવા બોલ્યો : ' નયનતારા... આ સહવાસ એટલે શું ? '


નયનતારા શરમાવાનો ઢોંગ ચરીને બોલી : 'જરા તો શરમ કર, તું ભગવાન શ્રીકૃષ્ણનાં સાંનિધ્યમાં બેઠો છે કે તારે પણ રાસલીલા કરવાની ઈચ્છા છે ?'


' એટલે તો તારાથી બે ફૂટ છેટો બેઠો છું. '


' ભગવાને આપણને બંન્નેને અડોઅડ બેસવાની થોડી મનાઈ કરી છે ? મારી પાસે આવી જા કે નયનતારા સાથે આભડછેટ રાખવી છે ?' તેની પાસે અડોઅડ બેસોને કહું છું : ' નયનતારા ! તું આટલી સુંદર દેખાય છે. તારી હાઈટ અને બોડીફિગર પણ લાજવાબ છે, તો કદી તારા રૂપનું અભિમાન થતું નથી ?'


એકીટશે મારી આંખોમાં આંખો પરોવી અને દિલને ઘાયલ કરી નાંખે તેવું સ્મિત ફેંકતા કહે છે : ' આ પહેલાં કદી અભિમાન થયું નથી પણ હવે રહી રહીને અભિમાન બહુ થાય છે. કદાચ કોઈ ઘાયલ વેપારી મારી પાસે ઈલાજ કરાવવા માટે આવે તો મારે સુંદર દેખાવું જરૂરી છે.'


' જો હું ઘાયલ થયો તો તારી પાસે ઈલાજ કરાવવા નહીં જ આવું, તેરો શું ભરોસો ! રખે ને તું મારો ગેરફાયદો ઉઠાવે તો ? ' નયનતારા માટે મારો સવેલ બૂમરેંગ સાબિત થાય છે.


મારા ગળા ફરતે બંન્ને હાથ નાંખીને કહે છે : 'આવી ગયોને સીધી લાઈન ઉપર. ક્યારની વિચાર કરું છું કે આ કાઠિયાવાડી કેચી કેમ શાંત છે ! કદાચ તું હોસ્પિટલમાં બિછાને પડ્યો હોય તો પણ મારી છેડતી કરવાનો મોકો છોડશે નહીં..!'


' શા માટે નહીં ? આખરે તો તારા પર મારા એકલાનો જ હક્ક છે.'


નયનતારા રોમાંચિત થઈને કહે છે : 'ઓહ.. વધુ બોલતો નહીં ! આંખો સપનાંઓથી ઘેરાય છે પછી મારાથી રહેવાતું નથી. તારા શરીરની ગંધ મને હજુ પણ તડપાવે છે.' આમ કહી અને નયનતારા થોડી દૂર બેસે છે.


' નયનતારા... ! તું મને આખી જિંદગી આવી રીતે જ પ્રેમ કરીશ ? ' થોડા લાગણીવશ થઈને પૂછ્યું એટલે ફરીથી મારી નજીક આવે છે.


'જ્યારે આપણે બંન્ને ચાલીશ વર્ષનાં થયાં હોઈશું ત્યારે પણ અડધી રાત્રે મને જગાડીશ તો પણ આ જ રીતે મને પ્રેમ કરીશ..! આજે તું અને હું એકવીસના છીએ. કદાચ તને ખબર નથી કે મારી જિંદગીની એક એક ક્ષણ તારી પાસે ગિરવી પડી છે અને મારી જવાબદારી છે કે તને જિંદગીભર આ કરજનું વ્યાજ ચૂકવતી રહીશ. આખરે હું સંસ્કારી નાગરની દીકરી છું.' ફરીથી નયનતારા લાગણીવશ થઈ જાય છે અને મારા ખભા પર માથું ઢાળે છે. આપોઆપ મારી આંગળી તેનાં વાળમાં ફરે છે.


મારું મન ભરાઈ જાય છે. મનોમન હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું : ' હે કૃષ્ણ ! તું મારા પર કેમ આટલો મહેરબાન થયો છે ? જે માણસને સત્તર વર્ષની ઉંમરે પૈસા કમાવાની આદત પડી છે તે આટલા વિશાળ મહાસાગરના મોજાંઓ જેવો પ્રેમનો મારો સહન કરી શકશે ? '


નયનતારા તેના દિલ પર મારો હાથ રાખી અને પૂછે છે : 'કંઈ સંભળાય છે ? '


'તારા દિલની ધડકન મારા માટે ધડકે છે.'


નયનતારાની આંખોમાં મારા પ્રત્યેનો પ્રેમ ઝળહળાટ થતો દેખાય છે. સૌંદર્યની દૈવીશક્તિ સાક્ષાત મારી પર મહેરબાન થઈને કહે છે : 'મારા અઃઇલની એક ધડકન તારા નામની આલબેલ પોકારે છે. મારા પ્રેમનો ગણતરી એક વેપારીની જેમ કરતો નહીં ! મારા લોહીનાં એક એક કતરા અને લાગણીઓથી છલોછલ મારો પ્રેમ તારી રૂપિયા ભરવાની બેગમાં નહીં સમાય.'


સંસારની માયાવી નજરો આ વેપારીને આચંબિત કરી નાંખે, આંતરમનને ઝંકૃત કરીને દિલના તારને ઝણઝણાવી નાંખે એવો પ્રેમનો સાક્ષાત્કાર થતા જોઈને નયનતારાને કહું છું કે -- 'નયનતારા..! હજુ પણ હું કલ્પનાની દુનિયામાં ખોવાયેલો છું. વિશ્વાસ આવતો નથી કે એક છોકરી એક છોકરાને આટલો પ્રેમ કરી શકે છે ? કદાચ હું પહેલી વખત પ્રેમમાં પડ્યો છું એટલે મને અંદાજ આવતો નથી. તારો પ્રેમ કંઈ થોડી ગણતરીની વસ્તુ છે! તારો પ્રેમ તો મારા ઈશ્વરની ભક્તિની સમાન છે. મારા કલ્પના બહારના વિષયો પર હું કેવી રીતે બોલી શકું છું જે પ્રેમમાં પડ્યા પછી ખબર પડી જાય છે.'