ઓહ ! નયનતારા - પ્રકરણ – 3 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા - પ્રકરણ – 3

ઓહ ! નયનતારા

નરેશ કે, ડોડીયા

પ્રકરણ – 3


અંતિમ વિજયની મહોર


આ રોમેન્ટિક ગીતના શબ્દોની દુનિયા જે બિલકુલ થોડા કલાકો પહેલાં મારી અને નરનતારા વચ્ચે જીવંત બની હતી, પહેલી વખત ખબર પડી કે પ્રેમ એવી તાકાત છે જે માણસની કિસ્મત અને જિંદગીના આયામો બદલી શકે છે.
કવિઓ શા માટે કલ્પનાની દુનિયામાં જીવે છે ? ગઝલના રચયિતાઓને દુનિયા પાગલ શા માટે કહે છે ? આ એક એવી દુનિયા છે જેની જમીન પર કદમ રાખવા માટે સ્ત્રી નામના પાસપોર્ટની જરૂર પડે છે. આ દુનિયામાં તમને હવાઈજહાજ પહોંચાડશે નહીં. શારિરીક તાકાતની જરૂર પડે છે. આખો પ્રેમ સાગર પાર કરો ત્યારે અને જ્યારે તમામ અંગો તમારી પાસેથી જવાબ માંગે છે અને આંખો ઘેરાય છે ત્યારે આ પ્રેમની સરજમીં પર પહેલું કદમ રાખી શકો છો.


અચાનક વિચાર પર રોક લાગે છે. નયનતારા પૂછે છે : ' ઘર આવી ગયું છે ?'


'હજુ આવ્યું નથી... રેલ્વે ફાટક પાસે પહોંચ્યા છીએ.'


'ચાલ કોઈ હોટલ પર કાર લઈ જા.'


'ગાંડી થઈ છે ... ?'


'હા... તારી પાછળ ગાંડી થઈ ગઈ છું.'


'મહેરબાની કરીને ખોટા નખરાં રહેવા દે..'


'મારાં નખરાં તને ગમતાં નથી ? '


'એવું નથી પણ મને આ બધું ગમતું નથી, તું ઘરે ચાલ.'


'મારામાં તાકાત નથી, તારા શરીરને પથારી બનાવી અને મારે આરામ કરવો છે.'


ફરી પાછા નખરા શરૂ કર્યાં...!'


'પ્લીઝ...! મારાથી રહેવાતું નથી અને આવો મોકો મળશે નહીં... આ નયનતારા તારા હાથમાં આવશે નહીં. પહેલી વખત પુરુષ નામના પ્રાણીને પકડવાની ઈચ્છા છે.' નયનતારા હવે પૂરેપૂરી બહેકી ગઈ છે.


' નયનતારા એ શક્ય નથી અને લગ્ન પહેલાં તો કદી નહીં. હું ભલે નશામાં છું પણ મારામાં સંસ્કાર જાગે છે.'


'રહેવા દે હવે, વેવલાવેડા છોડી દે.'


'ભાડમાં ગઈ હોટલ અને સીધી રીતે મારા ઘરે ચાલ અને પ્રિયાની સાથે સૂઈ જજે.'


નયનતારાની નામરજી છતાં પણ તેને ઘરે લઈ જાઉં છું. રાબેતા મુજબ પ્રિયા દરવાજો ખોલે છે.


નયનતારાના હાલહવાલ જોઈને પ્રિયા તંદ્રાવસ્થામાં ઝબકી જાય છે. તેનાં બદલાવેલા રૂપને, વિખરાયેલા કેશને અને ચોળાયેલા ડ્રેસ પર નજર નાંખે છે અને મારા ચહેરા નર જોઈને મરક મરક હસે છે.


'ભાઈ... આ બધું શું છે ? આ ગાંડીએ કોઈની સાથે ઝપાઝપી કરી છે કે તે કાંઈ કારસ્તાન કર્યું છે ?' પ્રિયા આંખો પહોળી કરીને આશ્વર્યભાવથી પૂછે છે.


'ના....! એવું કાંઈ નથી પણ ઉછળી ઉછળીને નાચી છે, એટલે મોરલા જેવી થઈ ગઈ છે.'


પ્રિયાને મારા જવાબથી સંતોષ થયો કે નહીં એટલે મને પૂછે છે : 'સાચું બોલ ભાઈ... તેં કાંઈ કારસ્તાન નથી કર્યું ને.... કે તેની હાલત તે મોરલા જેવી કરી નાંખી છે..?'


'ના... રે... ના, પૂછી જો તારી બહેનપણીને...?'


'નયનતારા.... અત્યારના છોકરાઓનો ભરોસો કરાય નહીં. છોકરો અને છોકરી બંન્ને એકલા હોય અને પાર્ટીનો માહોલ હોય તો કોનો ભરોસો કરી શકાય..?'


'બહુ બડબડ બંધ કર અને નયનતારાને તારા રૂમમાં લઈ જા.' પ્રિયા નયનતારાને સંબોધીને કહે છે. 'ચાલો નયનતારા.... કે હજુ પણ પાર્ટીના મૂડમાં છે..?'


'નયનતારાને પૂછી જો...! સવારે કેટલા વાગ્યે કૉલેજે જવાનું છે ?' પ્રિયા લહેકાથી પૂછે છે, 'કેમ ભાઈ... નયનતારાની આટલી ચિંતા કરે છે ?'


'તારી બડબડ બંધ કર અને જલદીથી બંન્ને રૂમમાં જાવ.'


એટલે પ્રિયા ગુસ્સે થઈને કહે છે : 'હા... હા.. તું તારા રૂમમાં જા. અમો અમારા રૂમમાં જઈએ છીએ.'


ઉપર રૂમમાં જઈને નાઈટડ્રેસ પહેરી અને પથારીમાં લંબાવું છું. આંખોમાં ઊંઘ નથી અને નજર સામે નયનતારા છે. જિંદગીમાં પહેલી વખત એક ખૂબસૂરત યુવતીનો પ્રેમ પામીને મારી જાતને ખુશનસીબ સમજું છું. એક રૂપગર્વિતા, એક અભિમાની, નાગરાણીનું જીવંત સ્વરૂપ અને એક એવી સૌંદર્યશક્તિ જ્યાં દરેક પુરુષોની કલ્પનાનું પૂર્ણવિરામ આવે છે. આ એ જ નયનતારા છે જે ચાર કલાકમાં ઓગળી ગઈ હતી.


મારા મનમાં ગડમથલ ચાલે છે. નયનતારા નામના નાગરાણીમારા વશમાં હતી છતાં પણ શા માટે જવા દીધી....? આ વિચાર મારામાં રહેલા એક મર્દનો હતો. પથારીમાં પડ્યો પડ્યો વિચારોના વમળમાં ફસાયો છું.


મારા મા બાપના સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણો હિંદુ ધર્મ આ ત્રણેય તત્વોએ મારી અંદર રહેલાં મર્દને એક અક્ષતાને ખંડિત કરતા રોક્યો હતો. કદાચ આપણો ધર્મ હંમેશા સ્ત્રીશક્તિને ઉચ્ચ ગરિમા બક્ષે છે. એની પણ અસર હોઈ શકે છે. કદાચ આપણો દાઝેલો ઈતિહાસ જવાબદાર હશે ?


ફરીથી મન ઈતિહાસકાળમાં સરી જાય છે. આપણા વડવાઓની સમક્ષ દેવી પ્રતિમાઓ ખંડિત થતી હશે, નજર સમક્ષ સ્ત્રીઓના બળાત્કાર થયા હશે.... ત્યારે આ પ્રખર નારીશક્તિઓનાં ઉપાસકોની માનસિક હાલત કેવી હશે..?


'શક્તિનાં પ્રતિક સમી મૂર્તિઓને જ્યારે મુસ્લિમ આક્રમણખોરોએ ખંડિત કરી હશે ત્યારે આ લોકોનું લોહી ઉકળી ઊઠ્યું હશે...?'


હજારો સ્ત્રીઓને ગુલામ બનાવી હતી, હારેલા રાજાઓની કુંવારીઓને ફરજિયાત હરમમાં મોકલી દેવામાં આવતી હતી. એક એવો સમય હતો ત્યારે સ્ત્રીશક્તિને તબેલામાં પૂરી દેવામાં આવી હતી. કદાચ તે દિવસથી સ્ત્રીને ગરીબ ગાય જેવી કહેવામાં આવી હશે..? આ સંસ્કાર આપણાં નથી. આપણા હિન્દુ ધર્મનાં નથી. આપણો હિન્દુ ધર્મ એકેશ્વરવાદમાં માનતો નથી. હજારો દેવી અને દેવતાઓને પૂજનારા આપણાં હિન્દુઓની દરિયાદિલીએ પારસી પ્રજાને ઈરાની મીટાવીને સવાયા ગુજરાતી બનાવી દીધા હતા.


દાઝતા ઈતિહાસમાં સળગીને નિંદ્રારાણીની શીતળતા મને સ્પર્શી જાય છે. સવાર પડતા ક્રિકેટની પ્રેક્ટિસ, ગ્રાઉન્ડને પાંચ - સાત ચક્કર લગાવ્યા ત્યારબાદ ઘરે પહોંચી પ્રિયાના રૂમનો દરવાજો ખોલું છું. સામે બેડ પર નયનતારા હજુ પણ ગાઢ નિંદ્રામાં છે. એટલે નયનતારાની બાજુમાં બેસું છું. ખુલ્લા કાળા ભમ્મર વાળ, સફેદ આરસ જેવું શરીર અને તેના સ્વચ્છ આસમાની ચહેરા પર ગઈ કાલ રાતની ઘટનાઓનું વર્ણનસાફ નછરે પડતું હતું. તેના ચહેરા પર આંગળીઓને ફેરવી અને લક્ષ્મીરૂપી ચલણી નોટોનો સ્પર્શ કરાવવા નિકળી પડું છું.


નયનતારાનાં ચહેરાનું સૌંદર્ય જોઈને ચંદ્રકાંત બક્ષીનું એક વાક્ય યાદ આવે છે : 'હિન્દુઓ મૂર્તિપૂજકો છે અને મૃત્યુપૂજકો છે. જીવતી સ્ત્રીનાં માંસને પ્રેમ થાય છે. મરેલી સ્ત્રીનાં હાડકાંને પ્રેમ થાય છે અને એક જ સ્ત્રીમાં આવા હાડકાં અને આવું માંસ ગોઠવીને જાન ફૂંકી શકનાર મહાશક્તિને આપણે વંદન જ કરી શકીએ એટલી જ આપણી શક્તિ છે.'


મારી પેઢીમાં પ્રવેશતાં જાણે કોઈ અજાણી દુનિયામાં પ્રવેશ કર્યો હોય તેવું લાગે છે. એક એવી અજબની દુનિયા જેના પર એક પણ રસ્તાની જાણકારી નથી. ભારી અંદરનો મજબૂર માણસ મારા મગજ પર કબજો જમાવે છે.
રાબેતા મુજબ ગ્રાહકોની ભીડ દુકાનમાં આવવા લાગે છે. પાંચસો, હજાર, બે હજાર એમ અલગ અલગ નોટોની થપ્પી ગલ્લામાં જમા કરું છું. જિંદગીમાં પહેલી વખત બેઈમાનીનો અહેસાસ થાય છે અને આ અહેસાસ થોડીવાર ટકે છે. ચંચળ લક્ષ્મીની માયા લાગે છે. બપોરના બે વાગ્યા જમવા નીકળું છું ત્યાં સુધી નયનતારાની યાદ પણ આવી નહીં.
કારણકે આજે બે સ્ત્રીનાં ટકરાવમાં નયનતારાની સામે લક્ષ્મીજીની જીત થઈ હતી. એટલેજ દુનિયા કહે છે કે લક્ષ્મી ચંચળ છે.


આપણી હિંદુ સંસ્કૃતિમાં લક્ષ્મી ચંચળ નથી. લક્ષ્મી માતા છે. લક્ષ્મી ધનલક્ષ્મી તરીકે પૂજાય છે. દર દિવાળીએ લક્ષ્મી પૂજન થાય છે. નવી જન્મતી દીકરી કે નવી આવેલી વહુને લક્ષ્મીજી પધાર્યાકહેવાય છે.


ઘરમાં પ્રવેશતાની સાથે નયનતારાની ખુશ્બૂ નાકમાં પ્રવેશે છે. પ્રિયા કોલેજે ગઈ છે. મમ્મીને પૂછું છું : 'નયનતારા ક્યારે નીકળી ?'


મમ્મી જવાબ આપે છે : 'દસ વાગ્યે નાહીને પ્રિયાનો ડ્રેસ પહેરીને નિકળી છે. જતાં જતાં મોડું થયું એવી બડબડ કરતી હતી.'


'મમ્મી... નાસ્તો કરીને ગઈ છે ?'


'ના રે ના... ડૉક્ટરાણીને ભૂખ નહોતી લાગી અને ચા પણ ન પીધી, ઉતાવળ છે એમ કહીને ફટાફટ નીકળી ગઈ.'


રાત્રે આઠ વાગ્યે કામકાજ ખતમ થતાં ઘરે જવા નિકળું છું. મારા પ્રિય સ્થળ પર પહોંચું છું. એ જ પાનની દુકાન, એ જ ચા ની હોટલ છ્યાં પહેલી વખત નયનતારાને જોઈ હતી.


ગર્લ્સ હોસ્ટેલમાં જવાની મનાઈ હતી. નયનતારાને જોવાની બેચેની હતી. બાઘાની જેમ આમતેમ નજર નાંખું છું. અચાનક મારી સામેથી આવતી ચાર પાંચ મેડિકલ છાત્રાઓ પર પડે છે. હિંમત કરીને એક છાત્રાને પૂછું છું, 'મેડમ... નયનતારાને આપે જોઈ છે ?'


' શાહ સાહેબ સાથે ઓપીડી માં ચે. થોડી વાર લાગશે.'


એટલે નાછૂટકે નયનતારાની રાહ જોઈને પેલા પાનવાળાની દુકાન પાસે ઊભો રહું છું.


થોડે દૂર ચાની હોટલ પાસે ઊભેલી પેલી છાત્રાઓ મારી સામે જોઈને ગુસપુસ કરતી હતી. તેમાંની એક દક્ષિણી છાત્રાની સફેદ દંતપંક્તિ જોઈને બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોની યાદ આવે છે.


આ બાબતમાં મારો વાંક નથી. કાઠિયાવાડી પ્રકૃતિની કમાલ છે. રજવાડાના સમયથી અમારું જામનગર રસિકડાં માણસોથી ઊભરાય છે.


'નગર અને નગરની અપ્સરાઓમાં સૌંદર્યની પરાકાષ્ઠા છે. અહીં જાણે ચંદ્રમા ઊગ્યો હોય એવી ચંદ્રમુખીઓ પ્રત્યેક ગોખમાં ઊભેલી દેખાય છે અને ઊદ્યાનમાં ખીલતા મૃદુકુસુમો જેવી સુકુમાર યુવતીઓ પોતાનાં મહાલયોમાંથી નીકળી, દર્શન કરવાના બહાને ભરબજારે ખભેખભા મિલાવીને ચાલે છે અને નિતીથી વિમુખ થયેલા કેટલાંક જનો બજારના ચોકમાં તેમનાં પ્રત્યેની તેમની કામુક દ્રષ્ટિ ફેંકી પોતાનાં ચરિત્ર્યની સંપત્તિ લૂંટાવે છે.' આ શબ્દો રજવાડાના જમાનાના રસિક નાગર દિવાન રણછોડરાયજીના છે.


આગળના જમાનામાં રજવાડાઓ શા માટે નાગર પુરુષને પોતાનાં દિવાન બનાવતાં હતાં તે આજે ખબર પડી છે. નાગર કોમની ખાસિયત છે તેમની બુધ્ધિ અને શાણપણ, નાગર સ્ત્રી, પુરુષોની બોલવાની શૈલી, અલંકારિક શબ્દોની રસલહાણ, તેની સ્ત્રીઓનું સૌંદર્ય આ બધાનું સમન્વય એક જ કોમના લોકોમાં જોવા મળે છે. એકપણ નાગર બચ્ચો કે બચ્ચી તમને શ્યામ નજરે નહીં પડે.


'ચંદ્રમુખી મદસે ભરી નેણ કુરંગી નાર,

સોવણ કળશે, નેણ ભરે નૌતમપુરી મુજાર.'


ઓહ, નયનતારા, આહ, નયનતારા; આશિકરૂપી ગુલામોની બજાર ભરાણી છે. રાજરાણીઓ અને રાજકુંવરીઓની ગુલામી કરવા બેતાબ બનેલા ગુલામો એક કતારમાં ગોઠવાઈ ગયા છે.


અમારા જામનગરની સ્ત્રીઓનાં સૌંદર્યની પરાકાષ્ઠા છે તો અહીંયા પુરુષો પણ કંઈ કમ નથી.
'નગર શોભે લક્ષ્મીપુત્રોથી ને પમરે સરસ્વતીપુત્રોથી, વિદ્યા અને ધને જામનગરને ઉજળું શહેર, વ્યાપારે, હુન્નરે, કસબ કારીગરીએ જામનગર કોડીલું ગામ નગરજનોની વિશિષ્ટતાથી જામનગરને લોકનગર કહેવાતું.


'વાંકી પાઘનો ટેકો મરોડ, બાલબન્ધી અંગરખું, આંખોમાં સુરમો અને કાનમાં અત્તર, જામનગરી રસિકડો નર હતો.'(વિભાવિલાસ મહેલના કવિઓ)


'માણેકઘેરો કુંકુમનો ચંદ્રક, સૌભાગ્યનાં શણગાર, વસંતરંગી કમખો, ફરતી ઝૂલતી ઘેરનો ચણિયો, ઉપર ફૂલડે ફૂલેલી ફૂલવડી સમી નાર સૌંદર્ય સોહામણી, જાણે ચિત્રામણવર્ણી, ઝૂલ ઝુલાવતી હાથણી ચાલી ! વેદ વિદ્યાના વ્યાપાર, લક્ષ્મીની રસિકતાનાં જામનગરે ત્યારે ફુવારા ઉડતા.'(કવિ ન્હાનાલાલ)


જામનગરના વેપારીઓ જ આટલા રસિકડા અને સૌંદર્યપ્રેમી હોય તો એમાં મારો શું વાંક ? મારી તો બાપીકી જાગીર ગણાય અને નયનતારા જેવી ગજગામિનીના પ્રેમમાં ન પડું તો અમારું જામનગરી ખમીર લજવાય.
નયનતારા પણ કંઈ કમ નથી. આ નાગરાણીમાં આંજી નાંખે એવું તત્વ છે જેથી જોનારની આંખો થીજી જાય છે. જેને દૂરથી જોનારાની આંખોમાં અફીણી નશો ચડી જાય છે. નયનતારાની મદમસ્ત હાથણી છેવી ચાલ જોઈને હું પણ મદહોશ બની ગયો હતો !


અચાનક વિચારોની તંદ્રા તૂટે છે. પાછળથી કંઈક મુલાયમ ચીજનો અહેસાસ થાય છે. પાછું વાળીને જોયું તો નયનતારા મારી પાછળ ઊભી છે અને મને પૂછે છે : ' કોના ખ્યાલોમાં આટલો ખોવાઈ ગયો છે ? હું દસ મિનિટ પહેલાં આવીને તારી પાછળ ઊભી છું.'


' તારા સિવાય કોણ હોઈ શકે ?'


' ઓહ... એક દિવસમાં આટલો ફેરફાર... કે રાતનો નશો હજુ સુધી ઉતર્યો નથી ?' નયનતારા આંખો પટપટાવી અને ખૂબસૂરતીની છોળો ઉડાડતા મને પૂછે છે.


'ગઈ રાત્રિનો નશો તો ક્યારનો ઉતરી ગયો છે પણ તારો નશો હજુ ઉતર્યો નથી!'


'તારે નશો કરવો છે ? લે... મારી હથેળીઓને નાકને સૂંઘાડ એટલે નશો ચડી જશે.' આમ કહીને પોતાની બંન્ને હથેળીઓ મારા નાકને અડાડે છે.


'અરે યાર... હાથ હટાવ, દવાની ગંધ આવે છે,'


'હાથ સાબુથી સાફ કર્યા છે છતાં પણ અમુક દવાની ગંધ રહી જાય છે.'


'ચા પીવી છે કે ઠંડુ પીવું છે ...?'


'ઠંડુ નથી પીવું પણ ચા પીવી છે કારણકે આજે રાત્રિના અગિયાર વાગવાના છે.'


અમો બંન્ને પેલા હોટલવાળા પાસે ચા પીવા પહોંચી ગયા.અચાનક કંઈક બળવાની વાસ આવે છે. પેલા પાનવાળા દુકાન પાસેથી ચા પી રહેલા અમુક મેડિકલ કોલેજના છાત્રો પાસેથી આ વાસ આવે છે. ખૂબસૂરત પ્રેમિકા પણ અન્ય પુરુષોની ઈર્ષાનું કારણ બને છે, તે આજે મને ખબર પડી ગઈ હતી.


અચાનક ચાર - પાંચ છાત્રાઓનું ટોળું અમારી પાસેથી પસાર થતાં 'હાય નયનતારા..!', ' હેલ્લો.. નયનતારા...' એવું બોલતાં બોલતાંઅને નયનતારાની સામે ચિત્રવિચિત્ર નખરાં કરી અને નયનતારાને પજવતી જાય છે.


નયનતારાના ચહેરા પર એક ગર્વભરી મુસ્કાન હતી. 'પ્રેમ' એ સાથીના મનની ભાષાને સમજવાનો શબ્દકોષ છે. એટલે મને ખબર પડી ગઈ કે, નયનતારાના ચહેરા પર જે ગર્વભરી મુસ્કાન હતી, જે મારી ઉપરના અંતિમ વિજયની મહોર હતી !