છોટી સી બાત (૧૯૭૫)
જીવનલક્ષી હળવી ફિલ્મ
બાસુ ચેટર્જી સ્વચ્છ અને હળવી ફિલ્મોના સજર્ક. છોટીસી બાત એક હળવી જીવનલક્ષી કૉમેડી છે. અહીં જીવનને પોઝીટીવ અને આક્રમક બનાવવાનો સંદેશ અપાયો છે. કોઇ પણ સ્થૂળ પ્રયાસ વીના હળવાશથી સર્જાતા રમુજી પ્રસંગો અહીં આલેખાયા છે. બાસુ ચેટર્જીને આ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે રાઇટરનો ૧૯૭૭નો ફિલ્મ ફેર ઍવોર્ડ મળ્યો હતો.
નિર્માતા : બી.આર.ફિલ્મ્સ-બી.આર.ચોપરા અને બાસુ ચેટર્જી
કલાકાર : અમોલ પાલેકર-વિદ્યા સિન્હા-અશોક કુમાર-અસરાની-રાજેન્દ્ર નાથ-ગેસ્ટ આટર્ીસ્ટ : ધર્મેન્દ્ર-હેમા માલીની-અમિતાભ બચ્ચન-સુજીત કુમાર અને ઝરીના વહાબ
કથા :
પટકથા-સંવાદ-દિગ્દર્શન : બાસુ ચેટર્જી
કોમેન્ટરી : કમલેશ્વર
વધારાના સંવાદ : શરદ જોશી
ગીત : યોગેશ
સંગીત : સલીલ ચૌધરી
ગાયક : લતા-મુકેશ-આશા-યશુદાસ
ફોટોગ્રાફી : કે.કે. મહાજન
ઍડીટર : વી.એન. મયેકર
કથા : મુંબઇ સ્થિત જેકસન તોલારામ પ્રા.લી. કંપનીમાં અરૂણ પ્રદીપ (અમોલ પાલેકર) સુપરવાઇઝરની નોકરી કરે છે. આ કંપનીના કર્મચારીઓમાં પ્રેમ લગ્ન કરવાનો શિરસ્તો છે. અરૂણમાં આત્મવિશ્વાસની ઓછપ છે. ઑફિસમાં એની હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પણ એનું નથી માનતા. રોજ બસમાં જતા અરૂણને બસ સ્ટોપ પર મળતી પ્રભા(વિદ્યા સિન્હા) મનોમન ગમે છે. એ પ્રભાનો પીછો કરે છે. પ્રભાને આ બાબતનો ખ્યાલ આવી જાય છે. એ ઑફિસની બહેનપણી સાથે આની ચર્ચા કરે છે. આગળ વધતો અરૂણ પ્રભાનો ઘર સુધી પીછો કરતો થઇ જાય છે. એક દિવસ પ્રભા ઑફિસના કામસર અરૂણની ઑફિસે આવે છે. બન્ને મળે છે. અરૂણ કલ્પનામાં ખોવાઇ જાય છે. એ ફિલ્મ જોવા જાય છે અને ગીતમાં હીરોને સ્થાને પોતાને અને હીરોઇન પ્રભા હોય એવી કલ્પના કરતો ગાય છે : જાને મન જાને મન...
એક દિવસ બસ સ્ટોપ ઉભેલી પ્રભાને એની ઑફિસમાં કામ કરતો નાગેશ (અસરાની) સ્કૂટર પર લીફ્ટ આપી લઇ જાય છે. અરૂણ ડઘાઇને જોતો રહે છે. એ પ્રભાને લંચનું આમંત્રણ આપે છે. તેઓ સમોવર રેસ્ટોરાંમાં જાય છે ત્યારે નાગેશ ત્યાં જ હોય છે. એનું આક્રમક વ્યક્તિત્વ અરૂણના સરળ વ્યક્તિત્વ પર હાવી થઇ જાય છે. નાગેશ ટેબલ ટેનીસ અને શતરંજ ચેમ્પીયન છે. શતરંજ અને ટેબલ ટેનીસ સ્પર્ધાઓ આવવાની છે. નાગેશ અને પ્રભા જીમખાનામાં પ્રેકટીસ કરે છે. અરૂણ જોતો જ રહે છે. બીજા દિવસે પણ પ્રભા નાગેશ સાથે સ્કૂટર પર જતાં અરૂણને ટુ વ્હીલર ખરીદવાની ઇચ્છા થાય છે. એ ગુરનામના ગેરેજમાં જાય છે. ગુરૂનામ એને ૩ હજાર રૂપિયામાં તદ્દન ભંગાર મોટર સાયકલ પધરાવી દે છે.
બીજા દિવસે અરૂણ પ્રભાને કોટર સાયકલ પર લીફ્ટ આપે છે. ગાડી થોડું ચાલીને બગડી જાય છે. નાગેશ આવી પહોંચે છે. એ ભંગાર ગાડીની હાંસી ઉડાવી પ્રભાને પોતાની સાથે લઇ જાય છે. અરૂણ ખિન્ન થઇ જાય છે. એ જ્યોતિષોના ચક્કરમાં પડે છે. દોરા-માદળીયાં પહેરે છે. ઢોંગી બાબાઓને પણ મળે છે. કશું વળતું નથી. અરૂણનું મન તૂટી જાય છે. કોઇ એને ખંડાલામાં રહેતા આર્મી રીટાયર કર્નલ જુલીયસ નાગેન્દ્રનાથ વીલ્ફર્ડનો (અશોક કુમાર) સંપર્ક સાધવા કહે છે. કર્નલ જીવનની કોઇ પણ બાબતોની ગૂંચ ઉકેલવાના અને જીવનની વળાંક આપવાના નિષ્ણાત છે. ભારતના મોટા મોટા લોકો પણ એમની સલાહ લેતા હોય છે. અરૂણ કર્નલ પાસે જવાનો નિર્ણય કરે છે.
અરૂણ ખંડાલા ઉતરે છે. અત્યંત અટપટા અને મુશ્કેલ રસ્તે કર્નલના ઘર સુધી પહોંચી કર્નલને મળે છે. કર્નલને મળવા અમિતાભ બચ્ચનને આવેલો જોઇ અરૂણ અવાચક થઇ જાય છે. કર્નલ એના વ્યક્તિત્વની બાબતો નોંધે છે. અરૂણની તાલીમ શરૂ થાય છે. કર્નલ ઘણો અગત્યનો પાઠ ભણાવે છે. એ કહે છે : માનવ સમાજ દો હિસ્સોંમેં બટ ગયા હૈ. એ બટવારા જીંદગીમેં બહોત અહેમિયત રખતા હૈ. યે બટવારા હૈ જીતનેવાલોં કા, હારનેવાલોં કા. ઉપરવાલે કા, નીચેવાલે કા. જીંદગી કી ક્રિકેટમેં ડ્રો નહીં હોતા. યા તો જીત હોતી હૈ, યા હાર. ઔર જીત ઉસીકી હોતી હૈ, જો ઉપર હૈ. ઔર ઉપર વહી હૈ, જો નીચે નહીં હૈ. યુ નો અરુન ! ધ બોટમ ઇઝ ઓલ્વેઝ ક્રાઉડેડ, બટ ધેર ઇસ રૂમ એટ ધ ટોપ.
અરૂણ ડમી પ્રેમીકા સાથે પ્રેમના પાઠ શીખે છે. સ્ત્રીની વર્તણુંક અને બોડી લેંગ્વેજ શીખે છે. એનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. છેલ્લે ડ્રોઇંગ રૂમ ટુ બેડ રૂમ ઇન થ્રી સ્ટેપ્સનો પાઠ ભણે છે. આ સાથે કર્નલ એને ચોપસ્ટીકથી ચાઇનીઝ ખાતાં શીખવે છે, ચેસના લેસન શીખવે છે. ટેબલ ટેનીસમાં સામે ખેલાડીનો ધ્યાનભંગ કરતાં શીખવે છે.
અરૂણના વિરહમાં પ્રભા મનમાં ગાય છે : ન જાને ક્યોં... કામમાં એનું મન લાગતું નથી. કર્નલ અરૂણને એની પ્રેમીકા પોતાની કાયરતાને લીધે ગુમાવ્યાની વાત કરે છે. કર્નલે પણ એની પ્રભા ગુમાવી છે. એટલે જગતના પ્રેમીઓને એમની અણવાડત અને કાયરતાને લીધે પ્રભા ન ગુમાવે એ માટે કર્નલ તત્પર રહેતા હોય છે.
અરૂણ અને કર્નલ મુંબઇ આવી પહોંચે છે. પ્રથમ દિવસે સૂટ-બૂટમાં સજ્જ અરૂણ પ્રભા પર છાપ પાડે છે અને નાગેશ પર હાવી થઇ જાય છે. ઑફિસે પહોંચી પોતાની નીચેના સ્ટાફ પર રૂઆબ છાંટી ધમકાવી કાઢે છે. એમની ભૂલો કાઢી વઢે છે. કર્નલ આ જોઇ પ્રસન્ન થાય છે. કર્નલની યોજના પ્રમાણે ગેરેજવાળાને લાગમાં લઇ પોતાની બાઇક પાછી વેચી આવે છે. એ નાગેશ અને પ્રભાને લંચનું આમંત્રણ આપી યોજના પ્રમાણે ચાઇનીઝ હૉટેલમાં લઇ જાય છે. અરૂણ ચૉપસ્ટીકથી જમે છે અને નાગેશ જોતો રહી જાય છે. બેક ગ્રાઉન્ડમાં ગીત વાગે છે : યે દિન ક્યા આયે....
અરૂણ કર્નલને પ્રભાની ઓળખાણ કરાવે છે. ટેબલ ટેનીસની રમતમાં અરૂણ સતત નાગેશનો ધ્યાનભંગ કરી, એને ઉશ્કેરીને હરાવે છે. ચેસમાં પણ એ વિશ્વના ગ્રાન્ડ માસ્ટરોની ચાલની વાતો કરી નાગેશને મ્હાત કરે છે. નાગેશને શંકા જાય છે. એ કર્નલનો પીછો કરે છે પણ કર્નલ છટકી જાય છે. પ્રભાના મનમાં અરૂણનો ગ્રાફ ઊંચો જતો જાય છે. એક દિવસ નાગેશ કર્નલનો પીછો કરી પકડી પાડે છે. કર્નલ એમની ઓળખ આપે છે. અરૂણની તાલીમ પણ કબૂલે છે.
કર્નલ બે-ત્રણ દિવસ માટે બરોડા જવાના છે. નાગેશ પ્રભાને કર્નલની વાત કહે છે. હવે અરૂણ ડ્રોઇંગ રૂમ ટુ બેડ રૂમ ઇન થ્રી સ્ટેપ તાલીમનો ઉપયોગ કરશે એમ પણ જણાવે છે. પ્રભા હચમચી જાય છે. પ્રભા અરૂણનું પારખું કરવાનો નિર્ણય કરે છે. એ સાંજે પ્રભા અરૂણને મળવાની છે. કર્નલને આ વાતની ખબર પડે છે. એ અરૂણને અટકાવવા એના ઘરે જવા નીકળે છે.
પ્રભા સાંજે અરૂણના ઘરે જાય છે. નાગેશના કહેવા પ્રમાણે રૂમમાં હળવું સંગીત વાગી રહ્યું છે. એક ડીશમાં પાન છે. બેહોશીની દવાવાળું પાન, સિગારેટ અને માચીસ પણ છે. પ્રભા બેડ રૂમમાં નજર ફેરવે છે. ત્યાં સીંગલ બેડ છે અને એક સાડી લટકે છે. પ્રભાને મનમાં દુઃખ થાય છે. પ્લાન પ્રમાણે અરૂણ સિગારેટ ચેતવવા માચીસ લે છે પણ પ્રભા એ માચીસ લઇ લે છે. અરૂણના મનનો પ્લાન એકાએક બદલાય છે. એ સિગારેટ, માચીસ અને પાન બારી બહાર ફેંકી દે છે. પ્રભા અરૂણની આ હરકત પર પ્રસન્ન થઇ જાય છે. પ્લાન પ્રમાણે દરવાજા પર ઘંટી વાગે છે. પ્રભા ચોંકતી નથી. એ બેડરૂમમાં જઇ અરૂણે રાખેલી સાડી પહેરી નવવધુની જેમ બહાર આવે છે. બન્ને ભેટી પડે છે. અરૂણ દરવાજો ખોલે છે. કર્નલ અને નાગેશ ધસી આવે છે. નાગેશ તપી જાય છે. કર્નલ એને ટાઢો પાડે છે. પ્રભા અરૂણ સાથે લગ્ન કરવાનું જાહેર કરે છે. કર્નલ નાગેશને જીંદગીમાં ઝઝુમવાની કળા શીખવાનું આમંત્રણ આપે છે.
જેકસન તોલારામ પ્રા.લી.ની પ્રેમલગ્નની પરંપરા અનુસાર અરૂણ અને પ્રભા લગ્ન કરે છે, તેઓ કર્નલના આશિર્વાદ લેવા ખંડાલા જાય છે. કર્નલ હજાર રૂપિયા ભેટ આપે છે. જાણે શીખવાની ફી પરત આપતા હોય. તેઓ પાછા ફરે છે ત્યાં નાગેશને મુશ્કેલ રસ્તે કર્નલ પાસે આવતાં જુએ છે. કર્નલ નાગેશનો વિદ્યાર્થી તરીકે સ્વીકાર કરે છે.
ગીત-સંગીત : સલીલ ચૌધરીએ ફિલ્મમાં કર્ણપ્રિય સંગીત આપ્યું છે. માત્ર ત્રણ ગીતો હતા છતાં પ્રસંગોનુસાર ગોઠવાઇને ગીતો ફિલ્મને નિખારે છે.
* જાને મન જાને મન (યશુદાસ-આશા) : આ રમતીયાળ પ્રણય ગીત છે.
* ન જાને ક્યોં (લતા) : પ્રિયતમની યાદ આવતાં આ ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે.
* ન જાનેે ક્યોં (લતા-મુકેશ) : આ ગીત ફિલ્મની સી.ડી.માં નથી.
* યે દિન ક્યા આયે (મુકેશ) : પ્રણયની પ્રસન્નતાનું આ ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે. આ ગીતમાં સપનાંઓને પણ વસંત બેસવાની વાત છે.
સ્થળ-કાળ : એ સમયે ચપરાસીનો પગાર ૨૦૦ રૂપિયા હતો. મુંબઇમાં ટ્રેલરવાળી બસો દોડતી, લેમ્બ્રેટા સ્કૂટર હતા અને ફાયર હાયડ્રન્ટ હતા. એક લોકલ કોલનો ભાવ આઠ આના હતો. ડેનીસ રોબીન્સની રોમેન્ટીક નવલકથા અને સ્મિથ એન્ડ વેસન રીવોલ્વરનો ઉલ્લેખ છે. પોપટ દ્વારા કવર ખેંચીને ભવિષ્ય જોવાતું. જુલાબની પરગોલેક્સ ગોળીઓ હતી. શહેરમાં ઝમીર અને પરિણય ફિલ્મ, સુભાષ સુટીંગ, સ્ટાન્ડર્ડ બેટરી, બ્લીટ્સ અઠવાડિક, લંગર છાપ બીડીના પોસ્ટરો નજરે પડે છે. એ સમયનું રૂસી કરંજીયાના તંત્રી પદ હેઠળ બ્લીટ્સ અઠવાડિક ભલભલા મહારથીઓના છોતરાં કાઢી નાખતું. એ સમયે સ્ટેચ્યુ કરવાની રમત રમાતી હતી.
ડિરેકશન અને અન્ય બાબતો : ફિલ્મની કથા-પટકથા સરળ હોવાથી ડિરેકશન પણ સરળ છે. હા, પટકથા અને ઍડીટીંગ ચુસ્ત છે. ફિલ્મમાં નકામા ગીતો અને પ્રસંગોને સ્થાન નથી. એથી પ્રેક્ષકોને ખલેલ નથી પહોંચતી. ફિલ્મમાં સરળ-સીધા અને ગભરું માણસના મનમાં આત્મવિશ્વાસ જગાડવાનો સંદેશ સુંદર અને સ્પષ્ટ રીતે કહેવાયો છે.
પાત્રાવરણીમાં અમોલ પાલેકર અને વિદ્યા સિન્હાની જોડી બરોબર જામે છે. પ્રેક્ષકોને એ બન્ને પોતીકાં જ લાગે. હીરો યંગ એન્ગ્રીમેન નથી કે નથી અત્યંત રોમેન્ટીક. એ આપણા બધા જેવો સીધો-સરળ છે એવી જ રીતે હીરોઇન પણ એવી જ છે. અશોક કુમાર એમના પાત્રની ગરિમા બરોબર જાળવે છે. અસરાની પણ એની ભૂમિકા સરસ નિભાવી જાય છે.
ફિલ્મનું ટાઇટલ ભલે છોટી સી બાત હોય પણ જીવનની ઘણી ગૂઢ અને મોટી વાતની ગુંચ અહીં ઉકેલાઇ છે. આ ફિલ્મ સફળતાને વરી હતી.
-કિશોર શાહ kishorshah9999@gmail.com