મિત્રો... આ આર્ટીકલમાં આપણે ચર્ચા કરશું સ્વીટઝરલેન્ડઅને યુરોપના બીજા કેટલાક દેશોની એક ઝલક માત્ર..
પ્રસ્તાવના:
હું નોકરી અર્થે સ્વીટઝરલેન્ડ1 વર્ષ જેટલું રહ્યો અને તે એક વર્ષના ગાળામાં મેં યુરોપના 7 દેશોની મુલાકાત લીધી. આ મુલાકાતને "મારી યુરોપ યાત્રા" માં તમારી સમક્ષ રજુ કરવાની કોશિશ કરું છું.
આ આર્ટીકલનો હેતુ યુરોપ જનાર લોકો માટે એક જાણકારી આપનાર અને બાકી દરેક લોકોને ઘર બેઠે યુરોપની યાત્રાનો અહેસાસ કરાવનાર છે. મેં પહેલા જ કહ્યું કે મારી આ યુરોપ યાત્રા એ કોઈ હરવા ફરવાના અર્થે ના થઇ હોવાથી આ આર્ટીકલ "યુરોપની યાત્રા"ને એક બીજા જ એન્ગલથી લખી છે.
મારી યુરોપ યાત્રામાં સ્વીટઝરલેન્ડ ઉપરાંત ફ્રાંસ, ઇટાલી, જર્મની, વેટિકન સીટી, નેધરલેન્ડ જેવા દેશોની મુલાકાત લીધી। ફ્રાંસ અને ઈટાલીને નિહાળવાનો મને બે વખત મોકો મળ્યો હતો. અને મારા સ્વભાવ અનુસાર આ દરેક મુલાકાત મેં કોઈ પણ જાતના ટ્રાવેલ એજન્ટ વગર કરી છે કેમ કે મારી માન્યતા છે કે ટ્રાવેલ એજન્ટ દ્વારા જોવામાં આવતું વિશ્વ અને હકીકતનું વિશ્વ એ કંઇક જુદું જ હોય છે.
યુરોપ યાત્રા બાદ આ માન્યતા વધુ દ્રઢ થઇ ગઈ છે.
હું આ આર્ટીકલમાં સ્વીટઝરલેન્ડ પર ત્રણ-ચાર લેખ લખવાની કોશિશ કરીશ કેમ કે એક આર્ટીકલમાં આખું સ્વીટઝરલેન્ડ વર્ણવવું એ અશક્ય છે. મારા આર્ટીકલનો પ્રથમ ભાગ એ મારી સ્વીટઝરલેન્ડમાં થયેલ અને હકીકતમાં કહું તો વિદેશમાં થયેલ પ્રવેશ પર છે અને કહેવાય જ છે ને કે " ફર્સ્ટ ઇમ્પ્રેસન ઈઝ ધ લાસ્ટ ઇમ્પ્રેસન".
મારા અન્ય લેખોમાં સ્વીટઝરલેન્ડના વ્યક્તિઓની માનસિકતા, તેમની રહેણીકરણી, વાતાવરણ, ક્રિસમસ સમય, પરિવહન ના સાધનો, તેમની મજબુત નાણાકીય પરિસ્થિતિનું રહસ્ય વગેરે પર વિસ્તારથી ચર્ચા કરવાની તેમજ જાણવાની બહુજ મજા આવશે।આ ઉપરાંત હું સ્વીટઝરલેન્ડમાં એવા સ્થળો પર વધારે વિગતવાર જણાવીશ કે જે સ્થળો મુલાકાતના સ્થળોમાં મોખરે ના હોવા છતાં પણ એક આગવી ઓળખ ધરાવે છે.
હું ફરી ફરી ને એક જ વાત પર આવું છું કે યુરોપ ફરવા જનારા લોકો માટે એક ફિકસ બજેટ હોય છે અને તેમને નિશ્ચિત સમય મર્યાદા હોવાથી તેઓને એજન્ટોએ નક્કી કરેલા પેકેજને જ અનુસરવાનું હોય છે. પણ જો મોકો મળે તો પેકેજ વગર કોઈ પણ અજાણી જગ્યાએ જઈને યુરોપને જાણવું અને માણવું એ તો એક લહાવો જ છે.
યુરોપ યાત્રા:
સ્વીટઝરલેન્ડ
ઘણા લોકોને ખબર ના હોય તો ખાસ જાણ કરી દઉં કે સ્વીટઝરલેન્ડ એ એક દેશ છે જે ગુજરાતથી ચાર ગણો નાનો દેશ છે
મિત્રો। . આ નામ યાદ આવતા જ આપણું મગજ દોડવા લાગે।. બરફ ના પહાડો... ચારે બાજુ લીલી ચાદર.. સ્વચ્છ રસ્તાઓ।.. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે પિક્ચરનું શુટિંગ।.. વગેરે વગેરે।. પરંતુ મારા માટે સ્વીટઝરલેન્ડ એ ફરવાનો દેશ નહોતો પરંતુ ત્યાં રહીને નવી ટેકનોલોજી પર તજજ્ઞો સાથે કામ કરવાનું હતું એટલે મારા મગજમાં કઈક આવા વિચારો હતા.. નોકરીની નવી જગ્યા કેવી હશે? એક વર્ષ ભારતથી દુર બીજા દેશમાં નવી વ્યક્તિઓ સાથે કામ, નવી તેમજ ન સમજાય તેવી ભાષા બોલતા લોકો સાથે રહેવાનું, અલગ વાતાવરણ, અલગ ટેકનોલોજી। .. શું હશે?
હું આવા દરેક વિચારો લઈને સ્વીટઝરલેન્ડનું મોટામાં મોટું શહેર ઝ્યુરિકમાં ઉતર્યો હતો.. પ્લેન ઉતરતા જ પ્લેટફોર્મ પર આવ્યો અને મને હતું કે અત્યંત ભવ્ય ઇમારત હશે અને પોલીસ ઓફિસરો દરેક વ્યક્તિની સજ્જડ પૂછતાછ કરતા હશે.. કેમ કે સ્વીટઝરલેન્ડમાં ગમે તેવા લોકોને તો આવવા ના દે..
પરંતુ જેવો પ્લેટફોર્મ પર ઉતર્યો કે મેં શું જોયું।. એક નાનું કોમ્પ્લેક્ષ અને તેમાં માત્ર 2 ટ્રેનના પાટા।. દરેક વ્યક્તિ આ પાટા પાસે ઉભા હતા.. મેં અનુમાન કર્યું કે આ એરપોર્ટ નહિ પણ કોઈક બીજી જગ્યા છે અને અહીં આવતી ટ્રેન આપણને એરપોર્ટ પહોચાડશે।. અનુમાન પણ સાચું હતું। પરંતુ સાચી ભવ્યતાનો ખ્યાલ આવ્યો ત્યારે, કે જયારે મેં એક પ્રશ્ન મારી નજીક ઉભેલા એક મુસાફર ને કર્યો કે જે સ્વીટઝરલેન્ડના જ રહેવાસી હતા. મેં તેમને ખાલી મારા અનુમાનની ખાતરી કરવા પ્રશ્ન કર્યો કે અહીં આવતી ટ્રેન જ આપણને ઝ્યુરિક એરપોર્ટ લઇ જશે?
મારા પ્રશ્ન પરથી જ તેમને ખ્યાલ આવી ગયો કે હું અહી પ્રથમ વખત આવ્યો છું અને એકલો આવ્યો છું. એટલે તેમણે મને સરળતાથી જવાબ આપ્યો। જે સાંભળી હું ચકાચોન્ધ થઇ ગયો.
તેમણે કહ્યું
" આ ઝ્યુરિક એરપોર્ટ જ છે. દેશનું સૌથી બીઝી એરપોર્ટ હોવાથી અલગ અલગ જગ્યાએથી આવતા પ્લેનને અલગ અલગ ટર્મિનલમાં ઉતારવામાં આવે છે અને ત્યાર બાદ ટ્રેનની મદદથી દરેક મુસાફરોને મેઈન ટર્મિનલમાં લઇ જવામાં આવશે। એશિયાથી આવતા મુસાફરોને એક ટર્મિનલમાં, યુરોપથી આવતા મુસાફરોને અલગ ટર્મિનલમાં, અમેરિકાથી આવતા મુસાફરોને અલગ ટર્મિનલમાં વગેરે વગેરે"
આ સાંભળી હું એક વાત સમજ્યો હતો કે ઝ્યુરિક એરપોર્ટ તો એટલું મોટું હતું કે તેમની પોતાની ટ્રેન દોડતી હતી અલગ અલગ ટર્મિનલ થી મેઈન ટર્મિનલ માટે।. અને આ ટ્રેન એ ભુગર્ભથી શરૂ થઈ અને મેઈન ટર્મિનલના પ્રથમ માળે ઉતરતી હતી। .અકલ્પનીય।..
ઘણા વિકાસશીલ દેશો જયારે લોકોની તકલીફ ધ્યાનમાં લઈને સગવડતા વધારે છે ત્યારે સ્વીટઝરલેન્ડ જેવા વિકસિત દેશો પ્રથમ તબક્કે જ મુસાફરોને ભવિષ્યમાં થનારી મુશ્કેલી નો તાગ મેળવીને સગવડતા પહેલાથી જ આપી દે છે.
આ વાતચીતમાં તો ટ્રેન આવી ગઈ. અને દરેક લોકોને સમાવી ને મેઈન ટર્મિનલ તરફ પ્રયાણ કર્યું। હવે બીજો અને મહત્વનો પડાવ વિઝાના કાગળોની તપાસનો હતો । માત્ર 5 મીનીટમાં ટ્રેન તેના ચોક્ક્સ જગ્યાએ પહોચી। ટ્રેનની બહાર નીકળતાજ એક મોટા હોલ જેવી વ્યવસ્થા હતી અને તેમાં સળંગ લગભગ 20 જેટલા કાઉન્ટર હતા. અને દરેક મુસાફરો પોતાના પાસપોર્ટ અને વિઝાના કાગળો લઈને લાઈનમાં ઉભા હતા. એટલે મને ખ્યાલ આવી ગયો હતો કે અહી જ મારા કાગળોની ચકાસણી થશે.
એક એકદમ અદભુત વસ્તુ મારા ધ્યાનમાં આવી કે આટલા બધા લોકો હોવા છતાં પણ કોઈ પણ જગ્યાએ ધકકામુકકી ના હતી. અને લાઈન માં ઉભેલા વ્યક્તિઓ પણ એકદમ શિસ્તબધ્ધ લગભગ એક પગલા જેટલું અંતર રાખીને ઉભા હતા. અને હું પણ આપોઆપ એક પગલાનું અંતર રાખીને જ ઉભો રહ્યો હતો. અને આ તો આસપાસના લોકોના સંગતથી જ થઇ ગયું। કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને ઓવરટેક નહોતી કરતી અને પોતાના સ્થાન પ્રમાણે જ આગળ વધતી હતી.
હું લાઈનમાં ઉભો ઉભો બધી વસ્તુઓને કુતુહલતા પૂર્વક નિહાળું ત્યાં તો મારો વારો પણ આવી ગયો.
આધેડ વયની એક સ્ત્રીએ મને હસીને આવકારો આપ્યો
" વેલકમ સર. કેન આઈ સી યોર પાસપોર્ટ?" ( તમારું સ્વાગત છે. શું હું તમારો પાસપોર્ટ જોઈ શકું છું?)
"થેંક્યું। સ્યોર" આટલું કહી ને મેં મારો પાસપોર્ટ અને બીજા જરૂરી કાગળો આપ્યા।
તેમણે કાગળો પર નજર ફેરવીને અનુમાન મેળવ્યું કે હું એક વર્ષના વર્ક પરમીટ પર આવ્યો છું.
" સો। . યુ આર હિઅર ટુ વર્ક ફોર વન યર. વેરી ગુડ. કેન આઈ સી યોર વર્ક પરમીટ" (તમે અહી એક વર્ષ માટે કામ કરવા આવ્યા છો, બહુ સરસ. શું હું તમારો વર્ક પરમીટ જોઈ શકું છુ?")
" આઈ હેવ અલરેડી ગીવન ઈટ ટુ યુ" ( મેં તમને પહેલાથી જ આપી દીધા છે)
" ઓહ ઓકે ઓકે"
20-30 સેકન્ડ થઇ હશે અને તેમણે મારા દરેક કાગળો પર ઉડતી નજર ફેરવી અને પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવી દીધો। દેશી ભાષામાં કહીએ તો સ્વીટઝરલેન્ડ નામના સ્વયં અનુશાસિત દેશમાં આવવાની પરવાનગી આપી દીધી।
"વેલકમ ટુ ધ સ્વીટઝરલેન્ડ। એન્જોય યોર સ્ટે"
***
જો શક્ય હોય તો પ્લેનમાં ઉતર્યો અને અહી પહોંચ્યો ત્યાં સુધીનું મારું વર્ણન ફરીથી વાંચજો। બે વાતો મગજમાં ઉતરશે।
પ્રથમ - મારે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ પૂછવાની જરૂર ના પડી. જી હા.. મારે અનુમાન લગાવવું પડ્યું પરંતુ તે અનુમાન સ્વાભાવિક હતું।
દ્વિતીય - પ્લેનમાં ઉતરી અને પાસપોર્ટમાં સ્ટેમ્પ મળ્યો તે દરેક પ્રક્રિયા અહી એટલી સહજ બનાવી હતી કે આ કાર્ય પૂરું પાડવા એક પણ વધારાની વ્યક્તિની જરૂર જ ના હતી. એટલે કે કોઈ પણ ઓફિસિયલ નહિ. તેમ છતાં અગવડતાનો તો જાણે અહેસાસ પણ નહિ...
મને તો મગજમાં એમ હતું કે એક પૂછપરછની મોટી બારી હશે. પરંતુ તે હતી પણ નહિ અને તેની જરૂર પણ ના હતી.
હવે આ પ્રશ્નોતરી બાદ બીજી તરફ આવ્યો અને મારી સમક્ષ હતું વિશ્વનું અકલ્પનીય એરપોર્ટ। પહેલાથી જ અકલ્પનીય કહી દીધું એટલે કલ્પના કરવાનું તો મૂકી જ દીધું। માત્ર અને માત્ર લહાવો માણતો હતો.
એક મોટો મોલ જ જાણી લો ,,, દરેક જરૂરિયાતને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ પૂર્વક રાખવામાં આવી હતી. મની એક્સચેન્જ , ખાણી પીણીના સ્ટોલ, શોપિંગ મોલની જેમ દરેક બ્રાન્ડની દુકાનો, પુછપરછની ઓફીસ, ડ્યુટી ફ્રી વસ્તુની દુકાન।.
મારો પહેલો બેઝીક પ્રશ્ન હતો કે મારી પાસે યુરો હતા જે યુરોપના દરેક દેશમાં ચાલતું ચલણ છે, પરંતુ સ્વીટઝરલેન્ડ માત્ર એક એવો યુરોપનો દેશ છે જેમાં તેમનું પોતાનું ચલણ "સ્વીસ ફ્રેંક" જ ચાલે। તો યુરો ને ફ્રેન્કમાં તો ચેન્જ કરવું જ રહ્યું। અને ચેન્જ કરવાના પણ અલગથી ચાર્જ લાગે।
હું જયારે મની એક્સચેન્જ માં ગયો ત્યારે તે લોકોએ મને જણાવ્યું કે સ્વીટઝરલેન્ડમાં ફ્રેંક ચલણ હોવા છતાં ઘણી દુકાનો અને ટેક્ષીવાળા લોકો યુરો પણ
ચલાવે છે, અને 1 સ્વીસ ફ્રેંક = 1.2 યુરો। એ જ ભાવ ચાલે।
(જો મારાથી રુપિયાજ કમાવવા હોત તો આ જાણકારી ના મળત)
મારું કામ કરવાનું શહેર એટલે બાદેન। જે ઝ્યુરીકથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવ્યું છે. એક બીજી વાત પણ જાણવા મળી કે વિદેશ એટલે માઈલમાંજ અંતર મપાય એવું ના હોય.યુરોપમાં અંતર માપવા માટે કિલોમીટરનો જ ઉપયોગ થાય છે.
હવે મારે જવાનું હતું બાદેન। મારે નિર્ધારિત જગ્યાએ પહોંચવા માટે પરિવહન ના અનેક રસ્તા છે. જેમ કે ટેક્ષી, બસ, ટ્રેન, ક્રુઝ (જી હા.. ચોકતા નહિ હો...)વગેરે।
ટ્રેનએ સૌથી સસ્તો, આરામદાયક ઉપરાંત માણવાલાયક પરિવહનનું સાધન છે. જી હા.. તેમની લોકલ ટ્રેન પણ એટલી ચોખ્ખી અને એકદમ જાણે પાણીમાં તરતી હોય તેટલો જ અવાજ કરે કે જાણે ટ્રેનમાંથી આપણને ઉતરવાનું મન જ ના થાય. આ આર્ટીકલના ઉતરાર્ધમાં એક ભાગ માત્ર પરિવહન પર જ હશે જેમાં દરેક પ્રકારના પરિવહન, તેમના ફાયદા અને અન્ય નાણાકીય માહિતી પણ વિગતવાર જણાવીશ।
મારી વ્યવસ્થા ટેક્ષીમાં થઇ ચુકેલી હતી એટલે હું એક્ઝીટ સાઈન ફોલો કરીને બહાર નીકળ્યો। બહાર પાર્કિંગમાં ગયો ત્યાંતો ગાડીઓનો જાણે વરસાદ થયેલો હતો. માત્ર પિકચરમાં જોઈ હોય તેવી દરેક જાતની કાર અને ઘણી તો એકદમ અજાણી કાર લાઈન બધ હતી. અને અહીં જ પૂરું નથી થતું। આ પાર્કિંગ ના 11 માળ હતા. અને મારા માટેની ટેક્ષી એ 5 માં નંબરના માળમાં હતી.
જયારે હું મારા નિયત સ્થાને પહોંચ્યો ત્યારે મારા આશ્ચર્ય નો પાર ના રહ્યો કેમ કે મારા માટે ટેક્ષી પણ જેવી તેવી નહિ પરંતુ BMW હતી. મિત્રો।.. સ્વીટઝરલેન્ડમાં BMW, મર્સિડીઝ વગેરે કાર ટેક્ષીમાં ઉપયોગ થાય છે. મેં તો કદી વિચાર્યું પણ નહોતું કે આવી મોંઘી કારમાં બેસવા મળશે।.. એ તો ઠીક.. અને એ પણ ટેક્ષી તરીકે??
મને ક્યાં જવું છે એમ પૂછવામાં આવ્યું એટલે મેં તેમને મારા ઘરનું (જે મેં ભાડે રાખ્યું હતું અને જ્યાં મારે 1 વર્ષ રહેવાનું હતું) સરનામું આપ્યું। અને આ ટેક્ષી (સ્વીટઝરલેન્ડની દરેક ટેક્ષીની જેમ) ગુગલ મેપથી સજ્જ હતી, જુના જમાનામાં રેડીઓના અવાજ વધારવાના બટન હોય છે તેવા બે-ત્રણ બટન ફરાવ્યા અને ટચ સ્ક્રીનપર એક બે જગ્યાએ ટચ કર્યું અને ગાડી સ્ટાર્ટ કરી. ગુગલ મેપ અને GPS લોકેશન સિસ્ટમથી સજ્જ હોવાથી ડ્રાઈવરને દિશાની જાણકારી પણ આસાનીથી મળી રહી હતી. કોઈ વ્યક્તિ ને પૂછવાની ઝંઝટ ડ્રાઈવરને નહિ કે લાંબો રસ્તો લઈને મીટર ચડાવશે એવું ટેન્શન મને પણ નહિ. અને મને તો એ જાણી ને આનંદ થયો કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ ટેકનોલોજીનો ભવ્ય રીતે ઉપયોગ કરે છે
હું હજી પણ ઈમારતોના ગૂંચવાડામાં હતો અને હવે મને કઈક વિચારવાનો ટાઇમ મળ્યો। મેં સ્વીટઝરલેન્ડના નામે હજુ સુધીતો કઈ જોયું નહતું પરંતુ મારા આનંદની ઉર્વીઓ તેમની ચરમસીમાએ હતી અને તેટલી જ કુતુહલતા પણ ખરી જ. કે સ્વીટઝરલેન્ડ એટલે શું હશે.
હું ડ્રાઈવર સીટની બાજુમાં જ બેઠો હતો અને ગાડી આ ઈમારતોના ગુંચવાડાને પાર કરી લગભગ 5 કીલોમીટર આગળ ગઈ અને મને સ્વીઝરલેન્ડના દર્શન થયા. લખવામાં સામાન્ય પણ અનુભવવામાં તો શબ્દ ના મળે તેવું સ્વીઝરલેન્ડ।. વાતાવરણ એકદમ સાફ.. રસ્તા પહોળા।.. અને રસ્તા પછી માત્ર ગ્રીનરી।..મોટા ઝાડ નહિ.. પરંતુ નાના નાના ઘાસ.. જાણે કે બગીચાઓ વચ્ચે રસ્તો ના હોય.. બે ઘડી તો એમ લાગ્યું મને કે હું કોઈ વિડીયો ગેમની અંદર પહોંચી ગયો હોઉં। BMW ગાડી, સ્વીટઝરલેન્ડ દેશ, દેશનું મોટામાં મોટું એરપોર્ટ, કોઈ પણ જાતની પળોજણ નહિ કે કોઈ પણ જાતની ધકકામુક્કી નહિ। . આ બધું મગજમાં ઘુમતું હતું ત્યાં તો મારું ગામ આવી ગયું। બાદેન। .
આ ગામ એ કહી શકાય કે નાનકડું પણ એકદમ રમણીય શહેર। .. તે પણ પહાડો વચે આવેલું શહેર।.. અને ગાડી આ શહેર વચ્ચે ધીમે ધીમે આગળ વધી અને એક જગ્યાએ ઉભી રહી. આ જગ્યા એ અવર્ણનીય હતી.
રસ્તો ઉપર પહાડો તરફ જતો હતો. એમ જ એ રીતે કે જે રીતે આપણે બાળપણમાં કુદરતી દ્રશ્ય પર ચિત્ર બનાવતા। આખો રસ્તો એકદમ ચોખ્ખો દેખાઈ રહ્યો હતો. આબુમાં જે રીતે રસ્તાઓ છે તે જ માફક સર્પોલાકાર રસ્તો, આંટીઘૂંટી વાળો રસ્તો એકદમ આહલાદ્ક લાગતો હતો. અને આ રસ્તો જ્યાં પહોંચતો હતો ત્યાં 3-4 ઘર જણાઈ રહ્યા હતા. અને તેમનું એક ઘર એટલે કે જે મેં ભાડે રાખેલું છે તે ઘર.
આ જાણીને મારા શરીરમાં તો રોમાંચની જણજણાટી પ્રસરી ચુકી હતી. ખરેખર કહેવાય છે કે સપના તો આપણી વિચારશક્તિ સુધી જ સીમિત હોય છે પરંતુ આ જે થઇ રહ્યું હતું એ તો કલ્પનાથી પણ પર હતું।
મને એક વાત યાદ આવી હતી કે... જે લોકો સારા કર્મો કરીને સ્વર્ગવાસ થતો હોય છે તે હકીકતમાં તો પૃથ્વી પર પાછા જ જન્મતા હોય છે.. કદાચ સ્વર્ગવાસનો અર્થ જ સ્વીટઝરલેન્ડ થતો હશે..
ગાડી ઉપર પહોંચીને મારા ઘર તરફ ઉભી રહી અને ગુગલમાંથી અવાજ આવ્યો " યુ હેવ રીચડ યોર ડેસ્ટીનેશન। " આ વાક્યનું મર્મ સમજ્યો ત્યાતો મારા કાનમાં જાણે મીઠું મધ રેડ્યું હોય તેવો અહેસાસ થયો ... "તમે તમારા નિશ્ચિત સ્થાને પહોચી ગયા છો। " .. આહા ,,, આ ડેસ્ટીનેશનની શોધ તો દરેક વ્યક્તિને હોય.
આ ઘર માટેની વાત ઘરના માલિકના દીકરા સાથે કરી હતી. કેમ કે ઘર ના માલિકને અંગ્રેજી આવડતું નહોતું। જી હા.. સ્વીટઝરલેન્ડમાં મોટા ભાગના લોકો જર્મન ભાષા જ બોલે છે. ઇટલી સાઈડ આવેલા શહેરોમાં થોડી ઘણી ઈટાલીયન ભાષા અને ફ્રાંસ સાઈડ રહેલ શહેરોમાં થોડી ઘણી ફ્રેંચ ભાષા બોલતા હોય છે. એટલે કે આજની નવી પેઢીના લોકોને અને કોલેજીયનને સારી રીતે અંગ્રેજી આવડે। બાકી તૂટ્યું ફૂટ્યું અંગ્રેજી। જેમ જેમ શહેરોની મુલાકાત લીધી તેમ તેમ એ પણ ખબર પડી કે મોટા ભાગના બોર્ડીંગ જર્મન અથવા ઈટાલીયન માં હોય છે. જો તમારું જર્મન અથવા ફ્રેંચ પર સારું પ્રભુત્વ હોય તો યુરોપમાં ટકી રહેવું એકદમ આસાન થઇ જાય છે.
મેં ડ્રાઈવરને પૈસા આપ્યા અને રીક્વેસ્ટ પણ કરી કે ઘરના માલિક સાથે વાત કરે. પૈસા એટલે 100 ફ્રેંક, જે લગભગ 7000 રૂપિયા થાય. અને આ તો શરૂઆત હતી। સ્વીટઝરલેન્ડનું નાણાકીય જ્ઞાન તો સમજતા વાર લાગવાની હતી.
મિત્રો।.. સ્વીટઝરલેન્ડના ઘરો અને તેમની વ્યવસ્થા એ આપણે બીજા આર્ટીકલમાં સમજવાની કોશિશ કરશું।
આશા છે કે તમને આ આર્ટીકલ ગમ્યો હશે અને મારા બીજા આર્ટીકલનો આતુરતાથી રાહ જોશો।..