BAHU BEGAM Kishor Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

BAHU BEGAM

બહુ બેગમ (૧૯૬૭)

ચોથો ખૂણો શોધતો એક પ્રણય ત્રિકોણ

હિન્દી ફિલ્મોમાં ૬૦ અને ૭૦ના દાયકા પ્રણય ફિલ્મો માટે સુવર્ણકાળ હતા. આ જ દાયકાઓ સંગીત માટે પણ સુવર્ણકાળ હતા. દરેક સંગીતકાર શ્રેષ્ઠ પરિણામ આપવા ઝઝુમતો રહેતો. પ્રણય ફિલ્મો હોવાથી પ્રણય ગીતો અને ભગ્ન હૃદયે ગવાયેલા ગીતો એ સમયે મશહૂર હતા. જો સંગીત અને ગીતનું ફિલ્માંકન સારું હોય તો નબળી ફિલ્મ પણ સફળ થઇ જતી હતી. બહુ બેગમ આ સમયે પ્રદર્શીત થઇ. મુસ્લીમ માહોલની ફિલ્મ હોવાથી, થોડી અલગ પડતી હોવાથી, સફળ પણ થઇ. એની સફળતામાં ગીત-સંગીતનો સિંહફાળો હતો.

નિર્માતા : જાન નિસ્સાર અખ્તર

કલાકાર : અશોક કુમાર-મીના કુમારી-પ્રદીપ કુમાર-જોની વોકર-લલીતા પવાર-નાઝ-સપ્રુ-લીલા મીશ્રા-હેલન-ઝેબ રહેમાન અને અન્ય

સ્ટોરી : જાન નિસ્સાર અખ્તર

સંવાદ : તબીશ સુલ્તાનપુરી

ગીત : સાહિર લુધીયાનવી

સંગીત : રોશન

ગાયક : લતા-રફી-મન્ના ડે

ફોટોગ્રાફી : નરીમન ઇરાની

આર્ટ ડિરેકટર : સુધેન્દુ રોય

ડૅન્સ ડિરેકટર : બદરી પ્રસાદ

ઍડીટર : માસ્સા મન્સૂર

સ્ક્રીન પ્લે - ડિરેકટર એમ. સાદીક

લખનૌ શહેરની વાત છે. અહીં ભૂતપૂર્વ નવાબ સુલતાન મીયાં (સપ્રુ) રહે છે. ઝીનત (મીના કુમારી) એની પુત્રી છે. ખોટી શાનમાં જીવતા નવાબને આવક ન હોવાથી નવાબે એના મકાનનો એક ભાગ અચ્છન મીયાં (જહોની વોકર)ને ભાડે આપ્યો છે. યુસુફ (પ્રદીપ કુમાર) નામનો પૈસાદાર છેલબટાઉ અને શાયરીનો શોખીન યુવાન અચ્છન મીયાંનો દોસ્ત છે. યુસુફના માતા-પિતા મરણ પામ્યા છે અને એની લખલૂટ દોલતનો અને ધીરધારના ધંધાનો વહીવટ એના મામા મીર કુરબાન અલી એના વતી કરે છે. જ્યારે યુસુફ પરણે ત્યારે એ દોલત એની થઇ જાય એવી શરત છે. એટલે મામા યુસુફ ન પરણે માટે ઉત્સુક્ત રહે છે. યુસુફ ઝીનતના પ્રેમમાં છે અને એને મળવાના પેંતરા કરતો રહે છે. ઝીનત પણ યુસુફને ચાહે છે. મોકો મળતાં તેઓ ગાય છે : ‘હમ ઇન્તઝાર કરેંગે તેરા કયામત તક.’ યુસુફનો મામા એને કહે છે કે એક માગું આવ્યું છે અને કન્યા લાખોની મીલકત લાવશે. પ્રેમમાં પડેલો યુસુફ દાદ નથી આપતો. એક દિવસ મિલન વખતે ઝીનત યુસુફને માગું મોકલવા કહે છે. બન્ને સાથે જીવવા-મરવાની પ્રતિજ્ઞા કરે છે.

શહેરમાં બીજા એક નવાબ સીકંદર મીર્ઝા (અશોક કુમાર) એની બહેન સુરૈયા સાથે રહે છે. તવંગર ભાઇ-બહેન બન્ને કુંવારા છે. એક દિવસ ઝવેરીની દુકાને સીકંદરની નજર ઝીનત પર પડે છે. સીકંદર દિલ દઇ બેસે છે. એ એના માણસને ઝીનતનો પીછો કરવા મોકલે છે. પત્તો મળતાં માણસ સીકંદરને ખબર કરે છે. સીકંદરને એ કન્યા સાથે લગ્ન કરી ‘‘બહુ બેગમ’’ લાવવાનું મન થાય છે. આ વાત ફેલાતાં દોસ્તો ખુશ થઇ એને મુબારકબાદી આપે છે. સીકંદર મુન્શીને માગું લઇ જવા કહે છે. અહીં યુસુફ અચ્છનને સમજાવે છે કે એના મામાને કહે કે માગું લઇ ઝીનતના પિતા પાસે જાય. મામા માની જવાનો દંભ કરે છે. વાસ્તવમાં યુસુફ પરણે એ વાત મામાને મંજૂર નથી. કારણ કે યુસુફની મીલકતનો વહીવટ છીનવાઇ જાય. સીકંદરનો મુન્શી ઝીનત માટે સીકંદરનું માગું એના પિતા પાસે મૂકે છે. પિતા રાજી થઇ જાય છે. ઝટ લગ્નની તૈયારી કરવાનું કહે છે.

આ વાતોથી અજાણ યુસુફ-ઝીનત એક દરગાહ પર મળે છે. દરગાહમાં કવ્વાલી ગવાતી હોય છે : વાકીફ્ હું ખુબ ઇશ્ક કે.... ઝીનતનો પિતા લગ્ન માટે હવેલી ગીરવે મૂકી કરજ લેવા યુસુફના મામાને ત્યાં જાય છે. સીકંદર સાથે ઝીનતના વિવાહની વાત સાંભળી મામા ખુશ થઇ જાય છે. મામા યુસુફને ધંધાનું બહાનું કાઢી અઠવાડિયા માટે અલ્હાબાદ મોકલવાની તૈયારી કરે છે. યુસુફ અલ્હાબાદ જવા રવાનો થાય છે. અહીં ઝીનતની જાણ બહાર લગ્નની તૈયારીઓ થાય છે. વડીલોની વાતો પરથી ઝીનતને એમ લાગે છે કે એના નિકાહ યુસુફ સાથે નક્કી થયા છે. એને આનંદ થાય છે.

બીજા દિવસે અચ્છન મીયાંને બજારમાં ખબર પડે છે કે ઝીનતના નિકાહ સીકંદર મીયાં સાથે થવાના છે. આ વાત સાંભળી અચ્છન આઘાત પામે છે. એ મામા પાસે જાય છે. મામા આવી વાતોને અફવા ગણીને ચિંતા છોડી દેવાનું કહે છે. સીકંદર મીયાંની બારાત આવે છે. દુલ્હા બાબતે ઝીનત હજી સુધી અજાણ છે. અચ્છન લગ્ન અટકાવવા સીકંદર મીયાંના ઘરે જવા નીકળે છે. રસ્તામાં મામા કાવતરું કરી ચોરીના આરોપસર ધરપકડ કરાવી દે છે. બારાત પહોંચે છે. પરદા પાછળથી ઝીનતની સખી દુલ્હો જુએ છે. દુલ્હો જોતાં જ એને આઘાત લાગે છે. એ ઝીનતને કહે છે કે દુલ્હો તો સીકંદર મીર્ઝા છે. ઝીનતના માથે વજ્રાઘાત થાય છે. એ દિવસ ગુરૂવાર હોવાથી યુસુફ હમેશ મુજબ એને દરગાહ પર મળશે એમ ધારી એ દરગાહ પર જવાની વાત સખીને કરે છે. જો યુસુફ ન મળે તો એ તરત જ પાછી આવીને નિકાહ કબૂલ કરવાની વાત કરે છે. સખી પરાણે માની જાય છે. ઝીનત દરગાહે જાય છે. અહીં યુસુફ નથી. કવ્વાલો ગાતા હોય છે..ઐસે મેં તુઝ કો ઢૂંઢ કે લાઉં કહાં સે મૈ..... ઝીનત બેહોશ થઇ દરગાહમાં ઢળી પડે છે.

અહીં હવેલીમાં નોકરાણીને ખબર પડે છે કે ઝીનત ગુમ છે. કાઝી આવીને પરદા પાછળથી ઝીનતની મરજી પૂછે છે. ઝીનતનો જવાબ નથી મળતો. પિતા કમરામાં જાય છે ત્યારે એને ખબર પડે છે કે ઝીનત ગુમ છે. એ ઝીનતની બહેનપણીને પગે પડી પ્રસંગ સાચવવા કહે છે. પ્રસંગથી અવાચક બહેનપણીના મુખમાંથી આહકારો નીકળી જાય છે. આ આહકારાને કાઝી હા સમજીને નિકાહ કબૂલ કરાવી દે છે. જાનૈયાઓ ખુશ થઇ નવાબ સીકંદરને મુબારકબાદી આપે છે. ડોલી સીકંદર મીર્ઝાના ઘરે પહોંચે છે. સ્ત્રીઓ દુલ્હન જોવા આતુર છે. સુરૈયા ભાઇને કહે છે કે ભાભીને ડોલીમાંથી બહાર લાવો. સીકંદર ડોલીનો પરદો હટાવીને નજર નાખે છે તો ડોલી ખાલી છે. સીકંદર અવાક્‌ થઇ જાય છે પણ તરત જ ડોલીને શયનખંડમાં લઇ જવાનો આદેશ આપે છે. ડોલી શયનખંડમાં પહોંચે છે. સુરૈયા ડોલીમાં જુએ છે તો ડોલી ખાલી. ભાઇ-બહેન બન્નેને આઘાત લાગે છે. નાસીપાસ સીકંદર ઇજ્જત-આબરુ ખાતર સસરાની હત્યા કરી પોતાની આત્મહત્યા કરવાનો નિર્ણય લે છે. સુરૈયા એને અટકાવે છે. ગમ ગળે ઉતારીને સીકંદર મીર્ઝા મિત્રો સાથે નિકાહ પ્રસંગે યોજાયેલા મુજરામાં હાજરી પુરાવે છે. નર્તકી (હેલન) ગાય છે : સીર્ફ અપને ખ્વાબોં કી પરછાઇં હૈ...

દરગાહ પર ઝીનતને હોશ આવે છે ત્યારે અડધી રાત વીતી ગઇ હોય છે. જીનત તરત જ ત્યાંથી નીકળી જાય છે. ઝીનત મોડી રાત્રે ઘરે પાછી ફરે છે. ઘરના દરવાજે ફસડાઇ બેઠેલા ભગ્ન પિતા એને માફ નથી કરતા. તેઓ ઝીનતને મરેલી જાહેર કરી ઘરમાંથી કાઢી મૂકે છે. ઝીનત યુસુફના ઘરે જાય છે. યુસુફના મામા એને ઓળખી લે છે. મામા યુસુફ બાબતમાં કહે છે કે એ લફંગો સતત છોકરીઓને ફસાવતો રહે છે. એ ત્રણ મહિના પછી આવશે. મામા ઝીનતનો હાથ પકડી ઘરમાં લઇ જવા માગે છે. ઝીનત હાથ છોડાવીને ચાલી જાય છે ત્યારે એનું એક કંગન મામાના હાથમાં રહી જાય છે. ઝીનત સીકંદર મીર્ઝાના ઘરે જાય છે. મૂજરો પૂરો થતાં સીકંદર મીર્ઝા બહાર આવે છે. ઝીનત એને મળે છે. અન્ય મિત્રો બહાર આવતાં સ્ત્રી બાબતમાં પૂછે છે ત્યારે સીકંદર કહે છે કે કોઇ પાગલ ઓરત છે. ઝીનતને આઘાત લાગતાં જ એ ત્યાંથી ચાલી જાય છે.

રસ્તામાં ઝીનત બેહોશ થઇ ઢળી પડે છે. એક બગીમાં સીકંદર મીયાંનો મૂજરો પૂરો કરી પાછી ફરતી નઝીરનબાઇની (લલિતા પવાર)નજરે પડે છે. નઝીરન એને ઘરે લઇ જઇ એની સારસંભાળ રાખે છે. ઝીનત કોણ છે એના બારામાં પૂછપરછ કરે છે, પણ જીનત જવાબ નથી આપતી. યુસુફ અલ્હાબાદથી પાછો ફરે છે ત્યારે અચ્છન મીયાં એને ઝીનતના નિકાહના ખબર આપે છે. યુસુફ ઝીનતને સીકંદર પાસેથી છીનવી લેવાની વાત કરે છે પણ અચ્છન એને શાંત પાડે છે.

સીકંદર મીયાં એના સસરાને મળવા જાય છે. સસરો કબૂલ કરે છે એ એણે ખાલી ડોલી મોકલી છે. એ સીકંદરને પગે પાઘડી મૂકી એની માફી માગે છે. સીકંદરનું ઋણ માથે ચઢાવે છે. સીકંદર ખાલી ડોલીનું કારણ પૂછે છે. નવાબ કહે છે કે ઝીનત રાત્રે આવી હતી પણ મેં એને કાઢી મૂકી. સીકંદર પણ કહે છે કે ઝીનત એને ત્યાં આવી હતી અને ચાલી ગઇ. ખાલી ડોલીની વાત છાની રાખવાનું બન્ને નક્કી કરે છે.

નઝીરનબાઇના કોઠા પર મુજરો થાય છે. નર્તકી ગાય છે નીકલે થે કહાં જાને કે લીયે....ઝીનતને ખ્યાલ આવે છે કે એ કોઠા પર પહોંચી ગઇ છે. કોઠાનો એક ગ્રાહક પ્યારે મીયાં ઝીનતને જોઇ એના દામ લગાડે છે. નઝીરનબાઇ એને હાંકી કાઢે છે. ઝીનત કોઠો છોડવાની તૈયારી કરે છે. નઝીરનબાઇ એની આપવીતી કહીને એને પુત્રી સમાન ગણી રોકી દે છે, પનાહ આપે છે. સીકંદર મીયાંના ઘરે સુરૈયા બહુ બેગમ ઘરમાં હોવાનો દેખાવ ચાલુ રાખે છે, જેથી કોઇને શંકા ન જાય અને હવેલીની આબરૂ સચવાઇ રહે.

બેવફાઇથી ત્રસ્ત યુસુફ શહેરમાં રઝળતો થાય છે. અચ્છન મીયાં એને દોસ્તીના સોગંદ આપી પોતાના ઘરે લઇ આવે છે. સીકંદર મીયાંના મિત્રો એની બહેનના લગ્નની વાત છેડે છે. ત્યાં જ સસરા સુલતાન મીયાં આવીને હજ પર જવાની વાત કરે છે. ગુરૂવાર આવે છે. નઝીરનબાઇ દરગાહ પર જવાની હોય છે ત્યારે ઝીનત પણ સાથે જાય છે. કદાચ યુસુફનો ભેટો થઇ જાય. યુસુફ મળતો નથી. યુસુફ તાવમાં પટકાતાં એની તબીયત ગંભીર થઇ જાય છે. એને હૉસ્પિટલમાં દાખલ કરાય છે. એક દિવસ અચ્છન મીયાંને મામાના કાવતરાની ખબર પડે છે. એ બે મલ્લ લઇ મામાને ત્યાં જઇ, મામાને મલ્લો દ્વારા માર મરાવી સત્ય ઓકાવે છે.

સીકંદર મીયાં બહેન સુરૈયાનું સગપણ નક્કી કરે છે. વેવાઇ આવવાના છે અને બહુ બેગમ તો ઘરે નથી ! સુરૈયા સગપણ અટકાવવા કહે છે. સીકંદર મીયાં નઝીરન બાઇને ત્યાં જઇ એક દિવસ માટે એવી સ્ત્રી માગે છે જે એનો પ્રસંગ સાચવી લે. નઝીરનબાઇ માની જાય છે અને ઝીનતને મોડી રાતે સીકંદરના ઘરે મોકલે છે. સવારે હવેલીમાં બહુ બેગમના દિદાર થતાં ખુશી છવાઇ જાય છે. પ્રસંગ પતી જાય છે અને ઝીનત પાછા જવાની તૈયારી કરે છે. સુરૈયા એને રોકે છે. ઝીનત સુરૈયાના લગ્ન સુધી રોકાઇ જવા માની જાય છે.

અચ્છન મીયાં મામાના કાવતરાની વાત યુસુફને કરે છે. હવે ઘણું મોડું થઇ ગયું છે. યુસુફ માત્ર ઝીનતને મળીને એની સાચી હકીકત જણાવવાની ઇચ્છા વ્યક્ત કરે છે, જેથી ઝીનત એમ ન માને કે એણે દગો દીધો. સુરૈયાની બારાત આવે છે. ઝીનત સુરૈયાને ડોલીમાં વિદાય કરે છે. રાત્રે સીકંદર એને હવેલીની લાજ રાખવાની વાત કરે છે. ઝીનત વિચારવાનો સમય માગે છે. મનોમંથન બાદ ઝીનતને થાય છે કે એણે સીકંદર મીયાં સાથે જ સંસાર માંડવો જોઇએ. ત્યાં જ યુસુફ મીયાં હવેલીની બહાર ગાતો ગાતો આવે છે. હમ ઇન્તેઝાર કરેંગે તેરા કયામત તક..... ઝીનત ફરી ડામાડોળ થઇ જાય છે.

યુસુફ સામે આવતાં ઝીનત એના પર દાઝ કાઢે છે. યુસુફ ઝીનતને સાચી વાત જણાવે છે. એમની આ વાતો સીકંદર મીયાં સાંભળે છે. ઝીનત જણાવે છે કે એના નિકાહ સીકંદર સાથે નથી થયા છતાં આ ખાનદાન માણસની આબરૂને ડાઘ ન લાગે માટે એ હવેલી નહીં છોડે. એની વાત સાંભળી નવાબ સીકંદર કુરબાની આપવાનો નિર્ણય કરે છે. એ હવેલીને આગ લગાડી દે છે અને પોતે પણ એમાં સળગી જાય છે. આગ ઠરતાં લોકો કહે છે કે નવાબ સીકંદર અને બહુ બેગમ સાથે જ ફના થઇ ગયા. યુસુફ અને ઝીનત શહેર છોડી અન્યત્ર ચાલ્યા જવાનું નક્કી કરે છે; જેથી નવાબ સીકંદર અને હવેલીની ઇજ્જત કાયમ રહે.

ગીત-સંગીત : આ ફિલ્મના ગીતો સાહિરના છે એટલે શબ્દોમાં પૂછવાનું હોય જ નહીં. રોશનના સંગીતે ગીતોને ઉંચાઇ બક્ષી છે. એ સમય ગીતો માટે સોનેરી સમય ગણાતો. બધા જ મ્યુઝીક ડિરેકટરો પોતાના ગીત મશહૂર થાય એની સ્પર્ધા કરતા રહેતા.

પડ ગયે ઝૂલે સાવન ઋત આયી રે.... (લતા-કોરસ) : આ ગીત વર્ષાની વધામણીનું છે.

હમ ઇન્તઝાર કરેંગે તેરા કયામત તક (લતા-રફી) : આ પ્રણય ગીત એ સમયે લોકપ્રિય થયું હતું. આ ગીતના ફિલ્માંકનમાં કેમેરાએ હીરોઇન સાથે ફૂલોને બેકગ્રાઉન્ડ અને ફોરગ્રાઉન્ડમાં નયનરમ્ય રીતે શૂટ કર્યા છે. અહીં સ્ટાર ઇફેક્ટ લૅન્સનો ઉપયોગ પણ સુંદર રીતે થયો છે. આ ગીતની પંક્તિઓ છે : યે ઇન્તઝાર ભી ઇમ્તહાંન હોતા હૈ, કીસી કે ઇશ્ક કા શોલા જવાન હોતા હૈ....આ ગીત બીનાકા ગીતમાલામાં ઘણા અઠવાડિયા અગ્રેસર રહ્યું હતું.

વાકીફ હું ખુબ ઇશ્ક કે દર્દે બયાં સે મૈં... (રફી-મન્ના ડે-કોરસ) : રોશને આ કવ્વાલીને સુંદર સંગીતબદ્ધ કરી છે. શબ્દોની રીતે જોઇએ તો આ કવ્વાલી ઇશ્કે હકીકી છે. એ દરગાહ પર ગવાઇ છે. પણ એનું અન્ય સ્વરૂપ માણતાં ઇશ્કે મજાજી પણ થઇ શકે છે.

ઐસે મૈં તુઝકો ઢુંઢ કે લાઉં કહાં સે મૈં..(રફી-મન્ના ડે-કોરસ) આગલી કવ્વાલીનો આ ઉતરાર્ધ છે.

સીર્ફ અપને ખ્વાબોં કી પરછાઇં હૈ (આશા) : આ મુજરાનું ગીત છે. શાદીના જશ્ન પર મુજરો હેલને પેશ કર્યો છે. આ મુજરામાં હેલનને પહેરાવેલા વસ્ત્રો મુગલે આઝમમાં પ્યાર કીયા તો ડરના ક્યા ગીત વખતે મધુબાલાએ ધારણ કર્યા હતા એવા જ છે.

નીકલે થે કહાં જાને કે લીયે પહોંચે હૈ કહાં માલૂમ નહીં, અબ અપને ભટકતે કદમોં કો મંઝીલ કા નીશાં માલૂમ નહીં (આશા) : આ સુંદર ગઝલ મુજરા સ્વરૂપે ફિલ્માવાઇ છે.

દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે (લતા) : આ ગઝલને રોશને સુંદર રીતે સજાવી છે. તરછોડાયેલી નાયિકા માટે એના શબ્દો કથા સાથે સમન્વય કરે છે. પંક્તિ છે : પૂછે કોઇ તો દર્દે વફા કૌન દે ગયા./રાતોં કો જાગને કી સઝા કૌન દે ગયા. /કહેને સે ક્યા મલાલ તો ક્યા જવાબ દેં.

હમ ઇન્તઝાર કરેંગે તેરા કયામત તક (રફી) : આ સોલો ગીત પણ એ સમયે ડ્યુએટ જેટલું જ લોકપ્રિય થયું હતું.

સમય-રીવાજોની વાત : એ સમયે પૈસાદારોના ઘરમાં ગ્રાન્ડ ફાધર્સ ક્લોક હતા. લાંબી સળીઓના તોરણ હતા. એ પ્રદેશોમાં મરઘાંની લડાઇ કરાવાતી. નવાબનું માસીક સાલીયાણું ૨૨ રૂપિયા હતું. પુરૂષો માટે ખુલ્લી ડોલી રહેતી. મૂઢમાર માટે દૂધમાં હળદર નાખીને પીવાતું. ઘરનો મહિલાવર્ગ અજાણ્યા પુરૂષો સામે પરદામાં રહેતો. એ સમયે કોઇને મારવા ભાડૂતી પહેલવાનો મળતા.

ફિલ્મનું મોટાભાગનું શુટીંગ ઇન્ડોરમાં જ થયું છે. ગીત વખતે બગીચો પણ ઇન્ડોર ! આર્ટ ડિરેકટરે હવેલીનો સુંદર સેટ બનાવ્યો છે. વાતાવરણને મુસ્લીમ ટચ આપવામાં કચાશ નથી રખાઇ. કલાકારોના પહેરવેશ પર પણ પૂરતું ધ્યાન અપાયું છે. ઇસ્ટમેન કલર ફિલ્મ હોવાથી ફોટૉગ્રાફીમાં કલરોની ભરમાર છે.

કથામાં પ્રસંગો અને પલટાની ભરમાર હોવાથી દિગ્દર્શકે કલાકારોને દિગ્દર્શીત કરવા સીવાય ખાસ કશું અન્ય કરવાનું ન્હોતું રહેતું. એમ. સાદીકનો હાથ પ્રણય કથાઓ પર સારો બેઠેલો હોવાથી એમના માટે આ ફિલ્મ સરળ રહી હશે. કલાકારોમાં અશોક કુમાર-મીના કુમારી ફિલ્મનો ભાર ઉપાડી લે છે. પ્રદિપ કુમારને રાબેતા મુજબ ચહેરો બતાવાનો અને થોડા સંવાદો અને પ્રણયના શેર બોલવાના મળ્યા છે. એના કરતાં તો જહોની વોકર ખાસ્સા ફૂટેજ લઇ જઇ સફળ રહે છે. લલિતા પવાર સારો દેખાવ કરે છે પણ કોઠાની માલકણની ખુમારીની ઓછપ નડે છે. (કદાચ આપણે એને એવા રોલમાં જોવા ન ટેવાયા હોઇએ.) હેલનને મુજરો કરતી જોવી એ પણ એક લહાવો ગણી શકાય. કારણ કે એ વેસ્ટર્ન ડૅન્સની કલાકાર હતી. મીના કુમારી, અશોક કુમાર અને પ્રદીપ કુમારના પ્રણય ત્રીકોણની અન્ય બીબાંઢાળ ફિલ્મો પણ આવેલી. એ ફિલ્મો પણ સંગીતને સહારે સફળ રહેલી. એમના માટે આવી ફિલ્મોનો અભિનય સહજ થઇ જાય એ સ્વાભાવિક છે. જેમ દિલીપ કુમાર ટ્રેજડી કીંગ હતો. ટ્રેજડી એના માટે સહજ હતી.

(પ્રણય ત્રિકોણની ફિલ્મોમાં પ્રેક્ષક ત્રીકોણનો ચોથો ખૂણો જ્યાં હેપી એન્ડ કેવો આવશે એ શોધવામાં ઇન્ટરવલથી વ્યસ્ત રહેતો. કારણ કે કથાના આટાપાટા અને પ્રસંગો એને મૂંઝવી દેતા. ઇન્ટરવલ સુધી પ્રેમાલાપ, પ્રણય ગીતો, શેર શાયરી અને બગીચાઓમાં મીલન રહેતું. એ પછી ગેરસમજણો, બેવફાઇના ભ્રામક પ્રસંગો, નાયક-નાયિકાનું છૂટા પડવું. એ માટે એક વિલન કે વેમ્પનું હોવું અનિવાર્ય હતું. આ ઉપરાંત અમીરી-ગરીબી તો હિંદી ફિલ્મોના મુખ્ય અંગ રહ્યા છે. એ પછી છેલ્લે માંડ માંડ નાયક-નાયિકાનું બધું ભૂલી એક થવું. પ્રેક્ષકને હાશ થવી કે હાશ ફિલ્મ પૂરી થઇ. એ સમયે પ્રેક્ષક માત્ર ગીતો મનમાં લઇને ઘરે જતો. આવા માહોલ વચ્ચે એક કોમેડીયન બે દુઃખદ પ્રસંગો વચ્ચે હાજર થઇ જતો. આ જ ક્ષણો પ્રેક્ષક માટે રાહત લાવતી. આ બધો મસાલો યોગ્ય રીતે એકત્ર કરી બનેલી ફિલ્મ જો સંગીત સારું ન હોય તો પીટાઇ જતી.)

લાગે છે કે એ જમાનામાં મુસ્લીમ માહોલની પ્રણય ત્રીકોણ ધરાવતી ફિલ્મને લખનૌનું વાતાવરણ વધુ માફક આવતું. ચૌદહવી કા ચાંદ પણ આવી જ એક પ્રણય ત્રિકોણ અને પ્રેમમાં આહુતી-કુરબાનીની કહાની. માત્ર માવજતમાં ફરક. બહુ બેગમનો પ્રથમ ભાગ હીર-રાંઝાની કથાની જેમ ચાલે છે. પછી પ્રસંગો થોડા બદલાય છે. અને અંતે ચૌદહવી કા ચાંદની જેમ પૂરી થાય છે. સંગીતને સહારે જ જે ફિલ્મો તરી છે એમાંની એક છે બહુ બેગમ.

-કિશોર શાહ kishorshah9999@gmail.com