વડોદરાનો બીડીવાળો Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વડોદરાનો બીડીવાળો

વડોદરાનો બીડીવાળો

(આ મારા ઘરથી થોડે દુર બેસતા એક દાદાજીની વાત છે. બધા વાક્ય પૂર્ણ સત્ય છે. ધીમીધારે વાંચજો )

આ ફોટોમાં દેખાતા ડોસા પર મને આજે ફરી ગુસ્સો ચડ્યો. તેના ધ્રુજતા લકવાગ્રસ્ત હાથથી એ મને સિગારેટના પેકેટ માંથી સિગારેટ કાઢીને આપે અને છુટા પૈસા પાછા આપે તેમાં અડધો કલાક લગાડી નાખે છે. છેવટે તેના હાથમાંથી મેં સિગારેટ ખેંચી લીધી. તેની ૨ x ૨ ફુટની દુકાનની બાજુમાં જ પથ્થર પર બેસીને મેં સિગારેટ જલાવી અને મારી સામું ભોળું હસતા આ વૃધ્ધને મેં ચોખ્ખે-ચોખ્ખું કહી દીધું:

"દાદાજી...તમારું પ્રોસેસર ખુબ ધીમું છે. ઝડપ રાખો બાકી આવડી અમથી દુકાનમાંથી રાત પડ્યે તમારું પેટીયું રળવું મુશ્કેલ પડી જશે. તમારું ખાવા પુરતું નીકળી જાય છે?"એ વૃધ્ધ કઈ બોલ્યા નહી. એમની આંખોની પાંપણો થોડી ભીંજાયેલી લાગી. તેઓ મુસ્કુરાયા અને પછી એમના લકવાગ્રસ્ત હોઠ ધીમે-ધીમે બબડવા લાગ્યા:

"દીકરા...બગદાણા વાળો બજરંગદસ બાપ મારું ચોવીસે કલાક ધ્યાન રાખે છે. આ ધ્રુજતા શરીરે પણ જીવતો રાખ્યો છે. આંખ્યું નરવી છે. પગ ચાલે છે. ધીમે-ધીમે બોલી શકાય છે. હું તો" -પછી વૃધ્ધે બીજા ગ્રાહકને બીડી આપતા થાક ખાધો. પેલો ગ્રાહક રૂપિયા આપ્યા વિના 'એંશી થયા' એમ બોલીને જતો રહ્યો. એ ફરી બોલ્યા- "-હું તો બાપાનો આભાર માનવા દર મહીને બગદાણા અને વીરપુર જાઉં છું. બાપની મૂર્તિ બાજુમાં બેસીને ભજન ગાઉં છું. અહોહો...હાજરોહાજુર છે એતો." દાદાની વાત મને ઝાંખો પાડી ગઈ. કોઈ કારણ વિના મેં એમની માફી માગી. મારો 'હું'તેમની બાજુમાં નાનો બની ગયો. મેં અમસ્તા જ પૂછી નાખ્યું:

"દાદા પેલા ભાઈના ઉધાર એંશી રૂપિયા લખતા નથી?"

"મારો જલારામ કહે છે કે કોઈનું ખોટું ન કર્યું હોય તો કોઈ તમારું ખોટું ના કરે. મને કોઈ છેતરતું નથી."

"દાદા...તમારું ફેમીલી ક્યાં રહે છે?"

"કોઈ નથી બેટા...એકલો છું. પરણ્યો જ નથી. એકલું જીવન ગમ્યું છે. પણ ક્યારેય એક નૈયા પૈસાનુંય ખોટું કર્યું નથી. છેલ્લા પંદર વરસથી આ જ જગ્યાએ આ બે ફુટની દુકાન ખોલીને સાંજે સાતથી રાતના બાર બેસું છું. લોકો સિગરેટ પીવા આવે છે. પણ ક્યારેય કોઈએ ખોટું કર્યું નથી. બાપજીની કૃપા છે. છેલ્લા પંદર વરસમાં પુરા ત્રણ લાખ રૂપિયા કમાયો છું."

"ત્રણ લાખ (જ)?"

"હા મારો બાપ ગંજીનું ખિસ્સું ભરી દે છે. ત્રણ લાખમાંથી એક લાખ તો દાન આપી દીધા પંદર વરસમા. બગદાણે નહી...વીરપુર વાળો તો દાન પણ નથી લેતો...મેં કુતરાઓને દાન આપ્યું છે. પંદર વરસ પહેલા મારે પાંચ કુતરા હતા. હાલ એક જ વધ્યું છે. પાંચેયને રોજે સાંજ દૂધ પાતો. એમને મારા ખાટલે સુવાડતો. રોજે ભજન ગાઈને સુવડાવતો. એ બધા મને આશીર્વાદ આપી ગયા. એટલે જ કોઈદી ખોટું ન કરવું એવી બુદ્ધિ દેવે આપી. મારા દીકરાઓની જેમ એમને સાચવ્યા. ચાર મરી ગયા છે. એક હજુ જીવે છે. એના મરતા પહેલા મારે મરવું છે. એ ખુબ લાડકું દીકરું છે. તેને દૂધ પસંદ નથી. એને હું દહીંને રોટલી ખવરાવું છું. એક રોટલી લેવાની, એના પર દહીંનો થર, ફરી ઉપર એક રોટલી, અને એના પર માવાનો પેંડો. હું રોજે ખવરાવીને જ ખાઉં" આ દાદાની નાનીનાની ખુશીઓ મને જીવનભર સાંભળવાનું મન થયું હતું. હું એની આંખથી નીતરતી લાગણીઓ આગળ તેનું છઠું કુતરું બનીને બેસી ગયો હતો.દાદા ફરી ધીમીધારે બોલવા લાગ્યા:

"પણ બેટા જીવનભર ખોટું કામ કર્યું નથી. ઉધાર લખ્યું નથી. કોઈએ છેતર્યો તો પણ બાપજી ભરપાઈ કરી દે છે"

"કઈ રીતે?"

"મીઠી ઊંઘ આપી દે છે. ધ્રુજતા હાથે આંસુ લૂછવાની તાકાત આપી દે છે. સાંજ પડ્યે ભૂખ્યા સુવા નથી દેતો. અને..." દાદાજી આગળ બોલે એ પહેલા એક નાનકડી બાળકી તેમની બાજુમાં આવી અને ધાણાદાળ ખરીદવા લાગી.

"દાદા..તમારો એક ફોટો પાડું?" મેં પૂછ્યું.

એ હસે છે.

દોસ્તો... એનો ચહેરો જોઇને સમજાઈ રહ્યું છે કે: "જીવનની ભવ્યતા કેવી નાનીનાની ખુશીઓમાં સમાઈ જતી હોય છે. નાનો માણસ અને તેનું નાનપણ પણ કેટલું મહાન અને મોટું હોય છે. આપણે જયારે આપણી નાનીનાની સમસ્યાઓને લઈને રડવા બેસતા હોઈએ છીએ ત્યારે શહેરના કોઈ ખૂણે આ વૃધ્ધ પોતાના જીવનમાંથી બધું જ સારું જોઇને ભજન ગાતો, ખાતો-ખવડાવતો અને ધ્રુજતા શરીરે જીવનને ઉજવતો જીવી રહ્યો હોય છે.."

આ વાત હું જયારે વડોદરામાં હતો તે સમયની આ વાત છે.

ગઈ કાલે એ દાદાજી ધરતી છોડી ગયા.

ગઈ કાલે મને ઉમાશંકર જોશીની અમુક પંક્તિ યાદ આવી:

મોટાઓની અલ્પતા જોઇ થાક્યો
નાનાની મોટાઇ જોઇ જીવું છું .

અને ખરેખર એ સાચું નથી હોતું? એ દાદાજી પાસે જયારે જયારે હું સિગારેટ પીવા જતો ત્યારે અડધી કલાક બેઠો રહેતો. તેમની વાતો સાંભળતો. તેમને સવાલો પૂછતો અને એ દાદાજી મારા દરેક સવાલના જવાબ આપતા. મેં જોયું છે કે એમને સિગારેટ વેંચવા પ્રત્યે ખુબ જ અણગમો હતો. ક્યારેક હું બે સિગારેટ માગું તો મને એક જ આપતા! મને કહેશે કે તમે યુવાન છો, ખુબ ના પીવો. તમે મને ફાયદો કરાવવા માંગો છો એ બરાબર છે પરંતુ એક સમયે એક જ સિગારેટ લેતા જાઓ.

ખેર... આજે દાદાજી નહીં હોય. આજથી સિગારેટ પણ છોડી દીધી.