પંદર વત્તા છ. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પંદર વત્તા છ.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.

પંદર વત્તા છ.

પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

  • બોલો, પંદર વત્તા છ કેટલા થાય?
  • શું?
  • હું પૂછું છું કે પંદરમાં છ ઉમેરો તો કેટલા થાય?
  • આજે તેં સવાર સવારમાં ભાંગ પીધી છે કે શું?
  • ના જી. આજે નથી તો શીવરાત્રી કે નથી તો હોળી. અને મેં કોઇ ભાંગ બાંગ નથી પીધી. હું સંપૂર્ણપણે હોશમાં છું. આવડતો હોય તો તમે મારા સવાલનો જવાબ આપો. મેરે સવાલોં કા જવાબ દો, દો ના...
  • પણ આવો સવાલ મને પૂછવાનું કારણ શું? લાગે છે ટીનુની એક્ઝામ આવી રહી છે, અને એને પૂછવા ધારેલો સવાલ ભુલથી તું મને પૂછી રહી છે, ખરું ને?
  • ના, જનાબ. આ સવાલ ભુલથી નથી પૂછ્યો. બરાબર પૂછ્યો છે, અને તમને જ પૂછ્યો છે, આપો જવાબ.
  • પણ આવો વાહિયાત સવાલ મને, એક ચાર્ટર્ડ એકાઉનટન્ટને પૂછવાનું કારણ?
  • કારણ છે, અને તે છે આજના ન્યૂઝપેપરના એક સમાચાર:
  • કાનપુરના રસુલાબાદ ગામની આ એક રસપ્રદ ઘટના છે. અહીંની એક કન્યાને પરણવા દુલ્હારાજા વાજતે ગાજતે જાન લઈને આવ્યા. સામાન્ય પણે લગ્ન પછી આખી જિંદગી પત્ની દ્વારા પતિની પરીક્ષા થતી રહે છે. પણ અહીં વરરાજાની પરીક્ષા લગ્ન પહેલાં જ થઈ ગઇ. દુલ્હારાજાની ગણિતમા કેટલી પકડ છે, તે ચકાસવા દુલ્હને એક સાધારણ લાગતો સવાલ એને પૂછ્યો, ‘પંદર અને છ (૧૫ વત્તા ૬) કેટલા થાય?’ હવે આ સવાલનો ખરો જવાબ તો પહેલા ધોરણમાં ભણતો બાળક પણ આપી શકે. પણ વરરાજાએ ખોટો જવાબ આપ્યો, ‘સત્તર (૧૭).’ દુલ્હન આ જવાબ સાંભળીને ભડકી ગઈ અને દુલ્હારાજા પર આક્ષેપ મૂક્યો, ‘આ શખ્સ મને પરણવા માટે પોતાના ભણતર વિશે ખોટું બોલ્યો. એણે કહ્યું હતું કે હું તો ભણેલો ગણેલો માણસ છું. પણ આ તો સાવ જ ‘ઢ’ લાગે છે. હું આ અંગૂઠાછાપ માણસને હરગીઝ નહીં પરણું.’

    પહેલા ના સમયમાં છોકરીઓ સાવ ન ભણતી તો ચાલતું. કેટલાક કેસમાં લગ્ન પછી પત્નીને ‘અક્ષર જ્ઞાન’ પતિદેવો આપતા. પણ ધીરે ધીરે ભણતરનું મહત્વ વધ્યું અને સરકારે પણ છોકરીઓને ભણાવવા મા બાપને પ્રોત્સાહિત કર્યા એટલે છોકરીઓમાં ભણતરનું પ્રમાણ વધ્યું. એના કારણે છોકરીઓ ભણેલા છોકરાઓને પસંદ કરતી થઈ. પણ આ કેસમાં તો વરરાજાએ પ્રાથમિક જ્ઞાન પણ ન મેળવ્યું હોય એમ લાગ્યું.

    વરરાજાના મા-બાપ-સગા-સંબંધીઓએ દુલ્હનને ઘણું સમજાવી કે તું આ નાદાનને માફ કર. પણ દુલ્હન આ ‘ડીફેક્ટીવ પીસ’ ને સ્વીકારવા તૈયાર ના થઈ. વરરાજા જરા કાચો પડ્યો. નહીંતર એ કહી શક્યો હોત કે, ‘ગાંડી, તેં મને આવો બાલીશ સવાલ કર્યો એટલે મેં પણ મશ્કરીમાં ખોટો જવાબ આપ્યો. બાકી આ સવાલનો જવાબ તો પહેલા ધોરણમાં ભણતાં બાળકને પણ આવડે.’ ખેર! દુલ્હન કોઇની વાત સાંભળવાના મૂડમાં નહોતી અને પોતાની વાતમાં મક્કમ હતી, એટલે એના પિતાએ પોલીસને બોલાવી ફરિયાદ કરી, ‘આ માણસે અમને એના અભ્યાસ અંગે ખોટી માહિતી આપી છેતર્યા છે, એને મારી દિકરી પરણવા માંગતી નથી.’ પોલીસમા ‘સેન્સ ઓફ હ્યુમર’ સારી હોત તો કહેત, ‘ભાઇ, તારા સુખના દિવસો હજી બાકી છે, એટલે તારા લગ્ન રદ થાય છે.’ પણ એને બદલે પોલીસે કહ્યું, ‘બન્ને પક્ષો એકબીજાની ભેટ-સોગાદો પાછી આપી દો અને વાત અહીં જ પતાવો.’ આમ એક નિર્દોષ લાગતા સવાલ- ‘પંદર વતા છ’ ની ઝપટમા આવી ગયેલા, ગણિતમા કાચા એવા મૂરતિયાએ લીલા તોરણે જાન સાથે પાછા ફરવું પડ્યું.

  • અચ્છા, તો આ કારણસર તેં મને ‘પંદર વત્તા છ’ કેટલા થાય એવો સવાલ પૂછ્યો? માની લે કે મને આ સવાલનો જવાબ ન આવડ્યો તો તું શું કરશે? મને છુટાછેડા આપશે?
  • ના.
  • જો પેલી દુલ્હને એના દુલ્હાના અજ્ઞાનને કારણે પરણવાની ના પાડી. આપણે તો હવે પરણી ચુક્યા છીએ, એટલે તને એવી તક તો ના મળે. પણ, હા. તું ઇચ્છે તો મને આ કારણસર છુટાછેડા આપી શકે છે.
  • બહુ ખુશ ના થશો, હું તમને એટલી સહેલાઇથી છટકવા નહીં દઉં.
  • તો પછી શું ફાયદો?
  • એ તો મને નથી ખબર. પણ મને એ ખબર છે, કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા પ્રખર વિજ્ઞાની પણ એક સાદી વાત સમજી નહોતા શક્યા અને એમણે ઘરની દિવાલમાં નાની બિલાડીને જવા માટે નાનું કાણું અને મોટી બિલાડીને જવા માટે મોટું કાણું બનાવ્યા હતાં.
  • વાત તો તારી સાચી છે.મને પણ એ મહાન વ્યક્તિનો એક રમૂજી કિસ્સો યાદ આવે છે. એ આઇન્સ્ટાઇન એમની ટ્રેનની મુસાફરી દરમ્યાન એકવાર પેંન્ટ્રીકારમાં નાસ્તો કરવા ગયા. ચશ્મા ભુલથી ડબ્બામા ભુલી આવ્યા. એટલે એમણે બાજુની સીટમા બેઠેલા મુસાફરને મેનુકાર્ડ વાંચી આપવા વિનંતિ કરી. ત્યારે એ મુસાફરે આઇન્સ્ટાઇનને કહ્યું, ‘માફ કરજો જનાબ, હું પણ આપના જેવો અભણ માણસ જ છું.’
  • ગુડ જોક. પણ તમે હજી મારા સવાલ નો જવાબ ના આપ્યો.મેરે સવાલોં કા જવાબ દો, દો ના.
  • અરે ! તું પહેલા મારી વાત સાંભળ તો ખરી. તને નથી લાગતું કે ‘પંદર વત્તા છ’ જેવો મામૂલી સવાલ પૂછીને પેલી માનુનીએ એના ભાવી ભરથારને મૂંઝવવો ના જોઇએ?
  • અને તમને નથી લાગતું કે પોતાના અભ્યાસ વિશે ખોટી માહિતી આપીને એ માણસે પોતાની ભાવી પરણેતર સાથે વિશ્વાસઘાત ના કરવો જોઇએ? એ તો સારું થયું કે સમયસર એને આવો યોગ્ય સવાલ પૂછવાનું સુઝ્યું અને હકીકત બહાર આવી, નહીંતર એને તો બિચારીને આખી જીંદગી પસ્તાવાનો વારો આવત ને? તમે ભલે ગમે તે કહો, હું તો આ બાબતમાં માનું છું કે એનો સવાલ યોગ્ય જ હતો.
  • પૂછનારને તો પોતાનો સવાલ યોગ્ય જ લાગે ને? જો તને એક કિસ્સો કહું. એક્વાર એક પોસ્ટમેનની નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારને ઇન્ટરવ્યુ લેનારે એવો સવાલ પૂછ્યો, ‘પૃથ્વીથી ચાંદ સુધીનું અંતર કેટલું છે?’
  • ઓહ! આવો વિચિત્ર સવાલ? આવા સવાલ ને અને પોસ્ટમેનની નોકરીને વળી શું લાગે વળગે?
  • તું સાંભળ તો ખરી કે ઉમેદવારે શું જવાબ આપ્યો?
  • અચ્છા! કહો, પછી ઉમેદવારને એનો જવાબ આવડ્યો?
  • ના, એ ઉમેદવારે ઇન્ટરવ્યુ લેનારને કહ્યું, ‘જો મારે ચાંદ પર પોસ્ટ પહોંચાડવાની હોય તો મારે આ નોકરી નથી જોઇતી.’
  • હા હા હા. ગુડ જોક. પણ જોકની વાત જવા દઇએ તો પણ હકીકત એ છે કે, આધુનિક ઉપકરણોના વધુ પડતા ઉપયોગને કારણે લોકોની યાદશક્તિ ઘટી છે. ક્રીએટીવીટી ઘટી છે અને સામાન્ય જ્ઞાન પણ ઘટ્યું છે.. પણ ‘પંદર વત્તા છ’ જેવા સામાન્ય સવાલનો જવાબ તો પહેલા ધોરણમાં ભણતો આપણો ટીનુ પણ સહેલાઇથી આપી શકે.
  • ટીનુને સંભાળીને રાખજે. ક્યાંક એનો સાચો જવાબ સાંભળીને પેલી દુલ્હન એને દુલ્હા તરીકે પંસંદ ના કરી લે.
  • શું તમે પણ. હમણા હમણા તમે બહુ જોક કરવાના મુડમાં લાગો છો.
  • મને તો લાગે છે કે આજકાલની છોકરીઓ પરણતાં આવા નખરાં કરે છે, તો ટીનુ પરણવા જેવો થશે ત્યારની તો વાત જ શું હશે? એને સ્માર્ટ બનાવજે જેથી આપણે એની જાન લીલા તોરણે લઈ પાછા ના આવવું પડે.
  • પડશે તેવા દેવાશે. તમે ટીનુની વાત છોડો અને મેં પૂછેલા સવાલનો જવાબ આપો.
  • કયો સવાલ?
  • ‘પંદર વતા છ’ કેટલા થાય?
  • Name: Pallavi Jeetendra Mistry

    E-mail: hasyapallav@hotmail.com.