નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
મોબાઈલ નંબર – 9898504843
શીર્ષક : આજીવન પ્રતિજ્ઞા
શબ્દો : 1589
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા
આજીવન પ્રતિજ્ઞા
મંદિરમાંનાં ઘંટારવનાં કર્ણપ્રિય અવાજે બેલા વિચારોમાંથી જાગૃત થઈ, છેલ્લાં કેટલાંયે દિવસોથી આમજ બનતું, મેઘા અચાનક જ વિચારોમાં ગરકાવ થઈ જતી, સમયનું તો જાણેકે એને ભાન જ નહોતું રહેતું. વિચારવું આખો દિવસ વિચાર્યા કરવું તેને ગમતું જ, વિચારોમાં ને વિચારોમાં તે એકલી એકલી જ મરકી જતી, તો વળી ક્યારેક થોડીક ગંભીર પણ બની જતી.
મેઘાનો હાથ સતત તેની ડોક ફરતે ફર્યા કરતો. તેનાં જમણાં હાથની પ્રથમ આંગળી એ ચેઈનમાં રહેલાં પેન્ડલ પર અટકતી અને એ પેન્ડલ યંત્રવત્ તેનાં મોં સુધી લંબાતું. મેઘા એ પેન્ડલને મોં પાસે રાખી ક્યાંય સુધી બેસી રહેતી, તો ક્યારેક એ જ પેન્ડલ ને હળવેથી ચૂમી પાછું યથાસ્થાને ગોઠવી દેતી, એ પેન્ડલ હતું મા અંબાનું.
બરાબર પાંચ વર્ષ પહેલાં અંબેમાની છબીવાળું એ પેન્ડલ મા અંબાની સાક્ષીએ અક્ષતે તેને પહેરાવ્યું હતું, એ જ સમયે મેઘાનાં સૂના ભાલપ્રદેશમાં ચાંદલો કરી કહ્યું હતું."મેઘા! તારો આ સુનો કોરોધાકોર ભાલપ્રદેશ અને તારા આ અડવા હાથ મને સ્હેજ પણ ગમતાં નથી. શા માટે આટલી નાની ઉંમરે તેં વૈરાગ્ય અપનાવ્યૉ છે ?"
અક્ષતની આંખોમાં એ સમયે મેઘા પ્રત્યે વહાલ છલકતું હતું.
મેઘાને જ્યારે અક્ષતની યાદ સતાવતી ત્યારે ત્યારે અનાયાસે તેનાથી એ પેન્ઠલ પર હાથ મૂકી દેવાતો. એ પેન્ડલને તે હળવેથી ચૂમી લેતી. પોતાનાં પ્રાણથી પણ વધારે જો કશાયનો ખ્યાલ તે રાખતી હોય તો એકમાત્ર તે પેન્ડલનો, એ ચેઈન એ પેન્ડલ બંનેનાં પ્રેમનું પ્રતિક બનો મેઘાનાં ગળે ઝૂલતો હતો.
અક્ષત મેઘાને ચાહતો, અનહદ ચાહતો. બંનેને એકબીજા માટે ભરપૂર પ્રીત હતી. પરંતુ લાચારી એ જ હતી કે અક્ષત મેઘાને કોઈ કાળેય પરણી શકે તેમ ન હતો. અક્ષત તેનાં માતા પિતાનો એકનો એક પુત્ર હતૈ. અક્ષત માનતો કે બંનેને તડપતા રહેવાનું જ નસીબમાં લખ્યું હશે, કારણ અક્ષતનાં માતા પિતા ક્યારેય આ સંબંધો સ્વીકારવા તૈયાર ન જ થાય. વળી અક્ષત તેઓની વિરૂધ્ધ જઈ કોઈ જ પગલું ભરવા તૈયાર નહોતો. તે જ રીતે તે મેઘાને ચાહવાનું પણ છોડી શકે તેમ નહોતો. મેઘાને જોતાં, મેઘાને મળતાં તેને જેટલી શાંતિ મળતી તેટલી શાંતિ તે અન્યત્ર ક્યાંય મેળવી શકતો નહોતો.
મેઘાનાં દિલમાં પણ અક્ષત માટે ભરપૂર પ્રેમ હતો, અક્ષતને મળતાં જ તેનાં રુંવે રુંવે આનંદનો નશો છવાઈ જતો હતો, અને તેનું કારણ પણ હતું, મેઘાને અક્ષત ગમતો, અક્ષતનું વ્યક્તિત્વ, તેનાં વાણી વર્તન, તેને ગમતાં.
બાળપણથી જ મેઘા કહેવાતાં લાડકોડ વચ્ચે ઉછરી હતી. સાત પેઢીથી કુળમાં દિકરી ન હોવાથી મેઘાનાં માનપાન કુટુંબમાં વધારે હતાં. પરંતુ મેઘાને સમજણ આવી ત્યારથિ પોતાનો જન્મ એક બાળક કરતાં મશીન તરીકે થયો હોય તેવું વધારે મહેસૂસ થતું.
તેને સ્કૂલે લાવવા લઈ જવા માણસની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે ઉપરાંત ટ્યુશન, ડાન્સિંગ, જોગિંગ, સંગીતક્લાસ વગેરેમાંથી મેઘા ઊંચી જ ન આવતી, ન બાળપણનાં રૂસણાં, જીદ્દ, હઠ, રમકડાં, મેળો વગેરેનો અન્ય બાળકો સાથેનો લહાવો તેણે લીધો જ કઈ રીતે હોય ?
અન્ય બાળકોને તે હસતાં, રમતાં, ખેલ કૂદ કરતાં જોતી ત્યારે પણ તે બધાં સાથે ખો ખો, પકડદાવ, ગીલ્લી દંડો, ઘરઘર વગેરે રમવાનું મન થતું પરંતુ એક તો લાડકી અનેપૈસાદાર પિતાની એકની એક પુત્રી હોવાનાં કારણે તેના પર તે બધાંનો પ્રતિબંધ હતો.
કૉલેજ જીવનમાંય મેઘાને તેનાં માતા પિતાનાં ઘડેલાં કાયદા કાનૂન તો પાળવા જ પડતા.
તેને ઘણીવાર લાગતું કે આડ પ્યારનાં ઓઠા હેઠળ એક રીતે તો તેની સ્વતંત્રતા છીનવાઈ જ રહી છે, પણ તે કરી પણ શું શકે ? બીજી બહેન હોય તો બંન્ને સંપીને આ કાયદા કાનૂનનો સાહજિકતાથી ભંગ કરી શકે, પરંતુ નસીબમાં એય નહોતું, પાંચે ભાઈઓ તો જાણે માતાનાં આજ્ઞાંકિત પુત્રો હોય તેમ તેઓ પણ મેઘાનાં ટાઈમ ટેબલનો સતત ખ્યાલ રાખતા. તેમાં મેઘાને સાથ આપવાની તો વાત જ ક્યાંથી આવી શકે ? સ્વતંત્ર પણે કોઈ નિર્ણય લેવાનો તો કોઈ હક્ક જ તેને નહોતો.
મેઘા બેચેન હતી, વ્યથિત હતી, તેને આ લાડ પ્યાર ખૂંચતા, પળે પળે મિનિટે મિનિટનો હિસાબ રાખવો પડે, આપવો પડે એવા પ્રેમની એને ધૃણા થતી. તેને ગૂંગળામણ થતી આ વાતાવરણમાં, ક્યારેક તેને થતું, આનાં કરતાં કોઈ ગરીબ ઘરમાં જો જન્મ લીધો હોત તો સારું થાત, પોતે આટલી પરતંત્ર તો ન ડ હોત. તેને એકલાં ક્યાંય બહાર જવાની છૂટ ન હતી, કૉલેજ જવા કે કૉલેજથી આવવા માટે શૉફર તેને ગાડીમાં મૂકી જતો અને લઈ જતો. હા કૉલેજમાં તે પૂરતી સ્વતંત્ર હતી, એવા અરસામાંજ તેનો પરિચય એક દિવસ અક્ષત સાથે થયો, અને તે પણ કેવી રીતે, કૉલેજનાં વાર્ષિકોત્સવમાં અક્ષતે કલાપીનું એક ગીત ગાયું " જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની " ગાતી વખતે અક્ષતનો ચહેરો એટલો ભાવવાહી લાગતો હતો કે ન પૂછોને વાત, તે બસ એને જોવામાં જ તલ્લીન બની ગઈ. ગીતના એક એક શબ્દે મેઘા લાગણીથી ભીંજાતી રહી, અને ગીત પૂરું થયું. તાળીઓનો ગડગડાટ થયો ત્યારે મેઘાની આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી, વાર્ષિકોત્સવનાં બધાં પ્રોગ્રામો બાદનાં આ છેલ્લાં ગીત પછી તો સૌ કોઈ વિખેરાવા લાગ્યા, પણ મેઘા ત્યાંની ત્યાં જ સ્થિર થઈ ગયેલી. અચાનક મોડું થવાથી ઉતાવળે હોલની બહાર નીકળતાં જ અક્ષતની નજર મેઘા પર પડી. તેને જડવત્ થયેલી જોઈ તે ત્યાં જ ઊભો રહી ગયો, અક્ષતે નોંધ્યું કે તેની આંખોમાં આંસુ હતાં. અંતે અક્ષતે મૌન તોડ્યું, "એય મિસ, તમારે ઘરે નથી જવું શું ? પ્રોગ્રામ તો ક્યેરનોય પૂરો થઈ ગયો." તરત જ મેઘા વિચાર તંદ્રામાંથી જાગ્રત થઈ અને હાંફળી ફાંફળી બહાર નીકળી. તેને ખાત્રી હતી કે બહાર શૉફર રાહ જોતો જ હશે, ઘરે પહોંચતા સુધી તેનાં કાનમાં ગીતની છેલ્લી કડીઓ "કિસ્મત કરાવે ભૂલ તો ભૂલો કરી નાંખું બધી.. છે આખરે તો એકલી ને એજ યાદી આપની.." ગૂંજતી જ રહી.
પછી તો જેમ બને છે તેમ ક્યારેક પિરિયડ છોડીને, ક્યારેક રિસેસમાં, અક્ષત અને મેઘા મળવા લાગ્યા, વારંવાર મળતા રહ્યા અને એમ જ બંન્ને વચ્ચે લાગણીનાં ફૂલ ખીલી ઊઠ્યાં.
મેઘા પોતાની પરતંત્રતાથી અકળાઈ ગઈ હતી, અને તેથી તેમાંથી તે છૂટવા માગતી હતી પરંતુ છૂટી શકે તેમ ન હતી. હા.... છૂટવા માટે એક જ રસ્તો હતો અને તે એ જ અક્ષત સાથે ભાગી જઈ લગન કરી લેવાનો, પરંતુ....
અક્ષત તેને હૃદયનો પ્રેમ આપી શકે તેમ જરૂર હતો કિંતુલગ્નના બંધનમાં બંધાઈ શકે તેમ નહોતો કારણકે, તે પોતે એકનો એક હતો, વળી બંનેની જ્ઞાતિ અલગ અલગ હોવાથી તે શક્ય પણ નહોતું અને છતાંયે જો અક્ષત લગ્ન કરે તો આબરૂનાં ખોટાં ખ્યાલો બાંધી બેઠેલાં તેનાં માતા પિતા એક પળ પણ ન જીવે તે નક્કર હકીકત હતી. વળી અક્ષત માતા પિતાનાં મોતનું નિમિત્ત બનવા નહોતો માંગતો, જે માતા પિતાએ તેને તેને લાડકોડથી ઉછેર્યો હોય તેનું મન દુખવવા કે દુભવવા તેની હરગીઝ તૈયારી નહોતી.
ઈશ્વરે જાણે કે આ દરેક બાબતનો અંત લાવવા વિચાર્યુ હોય તેવી એક ઘટના બની, જે મેઘા માટે આશિર્વાદ સમાન નિવડી. મેઘાનાં માતાપિતા મહાબળેશ્વર ફરવા નિમિત્તે ગયા હતા, ત્યાંથી પાછા ફરતા તેમની કાર અચાનક ખીણમાં સેંકડો કિલોમીટર ઊંડે પડી કે જેમાંથી બંન્નેનાં હાડકા પણ હાથ ન આવે, આ અકસ્માતે મેઘાનાં જીવનમાં એકાએક પરિવર્તન આવ્યું.
પૈસાનાં ઢગલે માણસ ન સર્જાય તે સત્ય મેઘા તો પહેલેથી જ જાણતી હતી, બેંકમાં લાખો રૂપિયા જમા હોવાં છતાં પણ પિતા નિરંજનભાઈ કે માતા શકુંતલાદેવીનું એકાદું અંગ પણ એમાંથી સર્જી શકાવાનું નહોતું જ. માતા પિતાનાં આ આકસ્મિક અવસાનથી તેને સ્વતંત્રતા મહેસૂસ થઈ, તેને માનસિક શાંતિ મહેસૂસ થઈ કે પળે પળે પોતાને ટોકનાર હવે કોઈ નહોતું.
પિતાની માલ મિલકતમાં તો તેને લેશમાત્ર રસ નહોતો, બધી મિલ્કત પાંચે ભાઈઓ વચ્ચે વહેંચી લેવાઈ, પાંચેય ભાઈ પોત પોતાનું કુટુંબ તથા પિતાનો વેપાર સંભાળીને બેસી ગયા, પિતાનો આલિશાન બંગલો માત્ર મેઘાને આપવામાં આવ્યો, પણ તેને તો તેમાંય રસ ક્યાં હતો ? એલ આઈ સી ની માતબાર નોકરી મળી જવાથી તેણે ભાડે ઘર લીધા બાદ પહેર્યે કપડે જ એ બંગલામાંથી નિકળી જઈ નોકર મારફતે એ બંગલાની ચાવી પણ ભાઈઓને પહોંચતી કરી દીધી હતી.
પછી તો મેઘા વારંવાર અક્ષતને મળવા લાગી, મેઘાને ઘરે અક્ષત વારંવાર આવતો અને બંન્ને સુખદુખની વાતો કરી સાથે ચ્હા કોફી પીને છૂટા પડતા, પરતંત્રતાનાં સો શ્વાસ કરતાં સ્વતંત્રતાનો આનંદનો અને કુશીનો એક શ્વાસ હજાર દરજ્જે સારો તેમ મેઘાએ અનુભવ્યું. અક્ષતને અંબાજીની બાધા હતી, વાતવાત માંથી વાત નિકળતા તેણે એકવાર મેઘાને પૂછ્યું, મારે અંબાજી જવાનું છે, તું આવીશ ?
કોણ કોણ જવાના છો ? મેઘાએ પૂછ્યું.
હું એકલો જ અને તું આવે તો આપણે બંન્ને.
કોઈ ખાસ કારણ ?
આપણે બંન્ને ફર્સ્ટ ક્લાસ પાસ થયા, હું મારાં પિતાને ધંધે જોડાયો અને તને આટલી સારી નોકરી મળી એની ખુશાલીમાં.
તું એકલો જ જવાનો હોય તો જરૂરથી આવીશ, મેઘાએ કહ્યું.
સ્વતંત્ર રહેતી મેઘાને હવે ક્યાં કોઈને પૂછવું પડે એમ હતું ? બંન્ને એક દિવસ વહેલી સવારે ઊપડી ગયા,
રસ્તામાં બંન્નેએ ખૂબ ખૂબ વાતો કરી, વાતમાં વાતમાં અક્ષતે કહ્યું, 'મેઘા હું તને ચાહું છું એ હકીકત હોવાં છતાં મારાં માતાપિતાને હું કોઈ કાળે મનાવી શકું તેમ નથી, મારી માતા તો તેનાં પિયરમાંથી મારાં માટે કન્યા નક્કી કરીને બેઠી છે.'
'
હકીકતનો સ્વીકાર ન કરી શકું એટલી હદે હું નાદાન નથી, વળી તારા ભર્યા ભાદર્યા ઘરમાંથી મારાં પ્રેમને ખાતર તને તારા કુટુંબથી તને જુદો પાડું એટલી મૂર્ખ પણ નથી.'
તો પછી આપણાં પ્રેમનો ઉપાય શો ?
પ્રેમ આખર પ્રેમ છે તેને બંધનમાં બાંધવો જરૂરી નથી, વળી તારા કુટુંબમાં જે પ્રેમભાવના છે, તે જો મારાં આવવા માત્રથી ખંડીત થતી હોય તો તેમ કરવા હું લેશમાત્ર તૈયાર નથી, જગતમાં સૌથી મહત્વની અને કિંમતી વસ્તુ જો કોઈ હોય તો તે છે પ્રેમ, અને આપણો પ્રેમ આટલો છીછરો તો નથી જ, કે તેને બંધનમાં બાંધવાની જરૂર પડે.
મેઘા હું લાચાર છું.
તારે તારા કુટુંબનું ૠણ અદા કરવાનું છે, કુટુંબ પ્રત્યે તારી પહેલી ફરજ છે, માટે તારી માતા જ્યાં કહે ત્યાં પરઢીને તું સુખી થાય તેવા મારાં તને આશિર્વાદ છે, હા આ જન્મ તો હું કુંવારી જ રહીશ, આવતે ભવે જરૂર મળીશું.
ત્યાં સુધી પ્રેમની પવિત્રતા જાળવીશું.
બંન્ને એ અંબેમાતાનાં દર્શન કર્યાં. માતાજીની સાક્ષીએ મેઘાનાં ગળામાં અક્ષતે સોનાનો ચેઈન પહેરાવ્યો, જેમાં અંબેમાતાની છબીવાળું પેન્ડલ પણ નંખાયું. માતાજીનાં ચરણોમાંથી કુમકુમ લઈ અક્ષતે મેઘાનાં કપાળમાં ચાંદલો પણ કર્યો, અને માતાજીને સાષ્ટાંગ દંડવત્ કરી બંન્ને પાછા ફર્યા.
મેઘાનાં અતિ આગ્રહને માની અને માતાની જીદ્દનાં કારણે પરણીને ઠરીઠામ થયેલો અક્ષય તેનાં પારિવારિક જીવનમાં ખૂબ સુખી છે, અલબત્ત તેને મેઘાની યાદ જરૂર સતાવે છે, અને તેથી જ દર વર્ષે બંન્ને સાથે મા અંબાનાં દર્શને આવે છે, મનભરીને વાતો કરે છે, અને પવિત્રતાનાં પોતાનાં વ્રતને વધુ ને વધુ મજબૂત બનાવી પાછા ફરે છે, અઠવાડિયે એકવાર સમય લઈને અક્ષત મેઘાને જરૂર મળે છે, અને મેઘા ?
મેઘા તો મનોમન જ અક્ષતને પતિ માની આજીવન લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લઈને અક્ષત કૌમાર્યવ્રત પાળે છે, અને તે પણ માત્ર પ્રિયતમ અક્ષતે પહેરાવેલ એકમાત્ર ચેઈનનાં સહારે...
નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
મોબાઈલ નંબર – 9898504843