AMAR PREM Kishor Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

શ્રેણી
શેયર કરો

AMAR PREM

પ્લુટોનીક લવનું દિવ્ય કાવ્ય : અમર પ્રેમ (૧૯૭૧)

કિશોર શાહઃસંગોઇ

શક્તિ સામંત ફિલ્મ ઉદ્યોગના મોટા ગજાના પ્રોડ્યુસર-ડિરેકટર. એમની શરૂઆતની ફિલ્મો ક્રાઇમ આધારીત રહેતી. પછી ધીરે ધીરે તેઓ પ્રેમ કથાઓ તરફ વળ્યા. અમર પ્રેમ એ એમની શ્રેષ્ઠ ફિલ્મ કહી શકાય. આ માત્ર ફિલ્મ નથી પણ કચકડા પર કંડારાયેલી પ્લુટોનીક પ્રેમની, અ-શરીરી પ્રેમની કવિતા છે. પ્લુટોનીક લવ એટલે વાસના રહિત પ્રેમની ફિલ્મોની વાત કરીએ તો શ્રેષ્ઠ ફિલ્મોમાં પ્યાસા, અમર પ્રેમ, શોલે અને ગુજારીશની ગણતરી થઇ શકે. આ ફિલ્મ બંગાળી ફિલ્મ નીશી પદમાની રીમેક છે. ૧૯૭૩માં આ ફિલ્મને ત્રણ ફિલ્મફેર ઍવોર્ડ મળ્યા. શ્રેષ્ઠ સંવાદો માટે રમેશ પંતને, શ્રેષ્ઠ સ્ક્રીન પ્લે માટે અરબીંદા મુખર્જીને અને શ્રેષ્ઠ સાઉન્ડ માટે જહાંગીર નવરોજીને.

નિર્માતા-ડિરેકટર : શક્તિ સામંત

કલાકાર : શર્મીલા ટાગોર-રાજેશ ખન્ના-સુજીત કુમાર-બીંદુ-મદન પુરી-સત્યેન કપ્પુ-મદન મોહન-અભીભટ્ટાચાર્ય-મોહન ચોટી-લીલા મીશ્રા-આસીત સેન-ફરીદા જલાલ-રાકેશ પાંડે અને અન્ય. ખાસ કલાકાર : વિનોદ મહેરા-ઓમપ્રકાશ

સ્ટોરી : બીભુતીભૂષણ બેનર્જી

સ્ક્રીન પ્લે : અરવીંદા મુખર્જી

સંવાદ : રમેશ પંત

ફોટોગ્રાફી : આલોક દાસગુપ્તા

ઍડીટીંગ : ગોવીંદ દલવાડી

આર્ટ ડિરેક્ટર : શાંતિ દાસ

પ્લેબેક : એસ.ડી. બર્મન-લતા મંગેશકર-કિશોર કુમાર

ગીત : આનંદ બક્ષી

સંગીત : આર.ડી. બર્મન

રામલખને (મનમોહન) બીજા લગ્ન કર્યા અને પુષ્પા (શર્મીલા ટાગોર)ને ત્રાસ આપવાનું શરૂ કર્યું. એણે પુષ્પાને સખત મારીને ઘરેથી કાઢી મૂકી. તજાયેલી પુષ્પા પિયર એની માતા પાસે આવે છે. ગરીબીમાં સબડતી માતા એને ઠંડો આવકાર આપે છે. ગરીબીનો પંજો પેટ સુધી પહોંચે છે અને માધવપુર ગામના લંપટોની નજર પુષ્પા પર બગડે છે. ગામનો પૈસાદાર લંપટ નેપાલ બાબુ (મદનપુરી) પુષ્પાને કલકત્તા લઇ જઇ નોકરી આપવાનો પ્રસ્તાવ મૂકે છે. પુષ્પા પર શરીર વેચવાનો આળ મૂકાતાં માતા પણ એને ઘરમાંથી કાઢી મૂકે છે. જગતની કૂથલીઓથી ત્રાસેલી પુષ્પા નદીમાં આત્મહત્યાનો પ્રયાસ કરે છે. નેપાલ બાબુ એને બચાવી લે છે. એ પુષ્પાને ફોંસલાવી, કલકત્તા લઇ જઇ પ્રેમાળ મૌસી (લીલા મીશ્રા)ના કોઠા પર વેચી દે છે.

પુષ્પા મૌસીના કોઠા પર ગાતી હોય છે ત્યારે એનું ગીત સાંભળી શહેરના વિખ્યાત રહીશ આનંદ બાબુ (રાજેશ ખન્ના) એ તરફ ખેંચાઇ આવે છે. તેઓ શાંતિથી ગીત સાંભળીને પુષ્પાને કહે છે : વાહ, તુમને તો ઇસ કમરે કો મંદિર બના દીયા હૈ. તુમ જો ભી હો, તુમ્હારે ગલે કા દર્દ કીસી કે મન કા દર્દ મીટા સક્તા હૈ. તુમ્હારા નામ પુષ્પા હૈ ! મીરા હોના ચાહીએ. આનંદ મનની તૃપ્તિ માટે તરસ્યો છે પણ શરાબપાન કરીને એ તરસ મીટાવવાનો પ્રયત્ન કરે છે.

નાનકડા પુત્ર નંદુ માટે માતાની જરૂર હોવાથી ગામમાં રહેતો મહેશ (સુજીત કુમાર) બીજા લગ્ન કરે છે. સમય વિતતો જાય છે. મહેશ કલકત્તા સ્થાયી થાય છે. એને પુષ્પાના મહોલ્લામાં મકાન ભાડે મળે છે. એક દિવસ એ પુષ્પાને રસ્તામાં મળે છે. પુષ્પા એને ઘરે લઇ જાય છે. ઘરના વાતાવરણ પરથી મહેશને ખ્યાલ આવી જાય છે કે પુષ્પા કોઠા પર છે. એ ગામડે જતો હોઇ પુષ્પા માતા માટે પચાસ રૂપિયા મોકલે છે. મહેશ કહે છે કે એની માતા મરી ગઇ છે. પુષ્પાએ કહ્યું કે એની જાણ કોઇએ ન કરી ત્યારે મહેશ કહે છે : ગાંવવાલોં કે લીએ તુમ મર ચૂકી હો પુષ્પા. મરે હુએ કો મરે હુઓં કી ખબર દેને સે કોઇ ફાયદા નહીં. એ પુષ્પાનો તિરસ્કાર કરે છે. માતાના મૃત્યુ પર રડતી પુષ્પાને આનંદ કહે છે : રો મત પુષ્પા. આજ તુમ જો હો, જીસ જગહ હો યહાં તુમ્હારે દુઃખ કે આંસુ, સલાઇન વોટર; આય મીન નમકીન પાની કે અલાવા કુછ નહીં હૈ. ઇન્હે પોછ ડાલો પુષ્પા. આય હેટ ટીયર્સ.

પુષ્પાના સાનિધ્યમાં આનંદના દિવસો પસાર થાય છે. પુષ્પા નંદુને જોઇ રાજી થાય છે અને એને મળતી રહે છે. મહેશ એને નંદુથી દૂર રહેવાની તાકીદ કરે છે. કારણ કે મહેશનો અને પુષ્પાનો સમાજ ભિન્ન છે. પુષ્પાને આઘાત લાગે છે. નંદુની ઓરમાન માતા (બીંદુ) એને ત્રાસ આપતી રહે છે અને પુષ્પાનો પ્રેમ એને પુષ્પા તરફ ખેંચતો રહે છે. છતાં પુષ્પા એ ખ્યાલ રાખે છે કે નંદુ સાંજે પોતાના ઘરે જતો રહે.

આનંદનું લગ્ન જીવન ખરાબે ચઢેલું છે. એની પત્ની વર અને ઘર બન્ને તરફ બેદરકાર છે. મિત્ર વિજય સાથે વાત કરતાં આનંદ કહે છે : મેરી હાલત દેખો. ઘર હૈ, નહીં હૈ. પત્ની હૈ, નહીં હૈ. વિજય, આદમી સારા દિન મશીન કી તરહ કામ કર સક્તા હૈ. વાપીસ ઘર આતા હૈ. તબ ઉસે કુછ ચાહીએ. લેકીન જબ વો, વો ઉસે ઘર મેં નહીં મીલતા હૈ તબ ઉસકો બાહર તલાશ કરતા હૈ. આનંદની પત્ની રાતોની રાત પાટર્ીઓમાં વ્યસ્ત રહેતી હોય છે.

એક દિવસ પુષ્પા આનંદ જેવા શરીફ રઇસને કોઠા પર આવવાનું કારણ પૂછે છે. આનંદ કહે છે : પુષ્પા, આદમી જીતના શરીફ હોતા હૈ, ઉતના હી શૈતાન ભી બન સક્તા હૈ. મૈં ઇસ લીએ યહાં આતા હું, યે દેખને કે લીએ કી મૈં કીતના બડા શૈતાન હું. પુષ્પા : ક્યા આપ સચમુચ ઇસ લીએ યહાં આતે હૈં ? આનંદ : એક બાત પૂછું પુષ્પા ? તુમ એક બદનામ ઔરત હો. ફીર એક ભલે ઘર કા લડકા નંદુ તુમ્હારે યહાં ક્યોં આતા હૈ ? પુષ્પા : ઉસકી બાત ઔર હૈ. સૌતેલી મા હૈ વો ઉસે નહીં ચાહતી. આનંદ : મુઝે ભી કોઇ નહીં ચાહતા હૈ. ઇસ લીએ મીલને આતા હું. દુબારા કભી મત પૂછના.

એક દિવસ આનંદનો સાળો પુષ્પાને ત્યાં આવીને ધાંધલ કરે છે. એ આનંદને મળવા પુષ્પાને મનાઇ કરે છે. આનંદનું લગ્નજીવન બચાવવા પુષ્પા એને ન મળવાનું વચન આપે છે. એ સાંજે આનંદ આવે છે. પુષ્પા એને નથી મળતી. એ આનંદને ચાલ્યા જવાનું અને કદી ન આવવાનું કહે છે. બંધ દ્વાર અને બારીઓને સ્પર્શી, આનંદ પાછો ફરે છે. આનંદનો મિત્ર નટવરલાલ (ઓમ પ્રકાશ) એને અન્યત્ર લઇ જાય છે, પણ આનંદનું મન માનતું નથી. નંદુ પુષ્પાના આંગણામાં રાતરાણીનો છોડ રોપે છે. એક દિવસ આનંદ પોતાનું દુઃખ ભૂલવા થોડીવાર માટે બપોરે આવે છે. આ એની આખરી મુલાકાત છે. પુષ્પા ચાહતનો એકરાર કરે છે. આનંદ એને કદી પણ મુશ્કેલી હોય તો યાદ કરવાનું કહે છે. આનંદ નંદુને રાતરાણી ફાલવાના આશિર્વાદ આપી ચાલ્યો જાય છે.

નંદુ બિમાર પડે છે. એનો તાવ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. મોટા ડૉકટર ઘોષ (અભીભટ્ટાચાર્ય) સિવાય એનો ઇલાજ કોઇ કરી શકે એમ નથી. મહેશ પાસે પૈસા ન હોવાથી ડૉ. ઘોષને બોલાવવા શક્ય નથી. પુષ્પા આનંદને ખબર મોકલે છે. આનંદ ડૉ. ઘોષને વીઝીટે મોકલે છે. નંદુ સાજો થઇ જાય છે. મહેશને ખબર નથી પડતી કે પૈસા કોણે ચૂકવ્યા. ડૉકટરને પૂછતાં તેઓ કહે છે કે નંદુની માતાએ પૈસા ચૂકવ્યા છે. એક દિવસ મહેશને ખબર પડે છે કે પુષ્પાએ ડૉ. ઘોષની ફી ચૂકવી છે. એ ગળગળો થઇ જાય છે. એના કર્યા બદલ પુષ્પાની માફી માગે છે. મહેશ પુષ્પાનો બહેન તરીકે સ્વીકાર કરે છે. મહેશ કલકત્તા છોડી પાછો ગામે જવાની તૈયારી કરે છે. નંદુ પુષ્પાને મળવા જાય છે. એ ગામડે જવાની ખબર આપે છે. ગામડે જઇ નંદુ પુષ્પાને સતત યાદ કરતો રહે છે.

સમય વીતે છે. નંદુ યુવાન થાય છે. એ એન્જીનીયર બને છે. એની બદલી કલક્ત્તા થાય છે. કલક્ત્તા આવીને એ પુષ્પાને શોધવાના પ્રયાસ કરે છે. પુષ્પાના ઘર પાસે જાય છે. ત્યાં રાતરાણીનો રોપેલો છોડ ફાલી ઉઠયો છે. નંદુ એ ઘરની સામે જ ફ્લેટમાં રહેવા જાય છે. રોજ રાતરાણીને જોઇ પુષ્પાને યાદ કરે છે. આધેડ પુષ્પા એક લોજમાં નોકરી કરે છે. વાસણ માંજવાથી માંડીને લોજમાં રહેતા કેટલાયે લોકોના કામ એને કરવા પડે છે. બધાના અપમાન સહન કરવા પડે છે. એની દેવી જેવી લાગતી આંખો તદ્દન નિર્જીવ બની જાય છે. એક દિવસ આનંદ કોઇને મળવા લોજમાં આવે છે ત્યારે અચાનક પુષ્પાને મળે છે. પુષ્પાની આ હાલત જોઇ એને દુઃખ થાય છે. લોજમાં પુષ્પાને મરણ પથારીએ પડેલો એનો પતિ રામલખન મળે છે. એ અંધ થઇ ગયો છે. એની બીજી પત્નીએ આત્મહત્યા કરી હતી. પુષ્પા એની સારવારનો ખર્ચ ઉપાડી લે છે. એક દિવસ રામલખન મરણ પામે છે. પુષ્પા ઘાટ પર જઇ પતિ સાથેના સંબંધના પ્રતીક જેવી બંગડીઓ તોડવાની વિધી પતાવે છે. એના સેંથાનું સીંદૂર ભૂસાઇ જાય છે.

નંદુનો પુત્ર બિમાર પડે છે. નંદુ ડૉ. ઘોષને વીઝીટે બોલાવે છે. જૂની યાદો તાજી થાય છે. ડૉ. ઘોષને એ પુષ્પા બાબતે પૂછે છે. એક દિવસ ડૉ. ઘોષના દવાખાનામાં આનંદ આવી ચઢે છે. પોતાના તન-મનની શાંતીની વાત કરે છે. એક દદર્ીએ તન-મનની શાંતિની ફોર્મ્યુલા પૂછતાં આનંદ કહે છે : અપને મન કી ખીડકીયાં-દરવાજે ખોલ દીજીએ ઔર દેખીએ. દુનિયા કા હર સુખ, હર ખુશી આંધી કી તરહ વાપસ ચલી આયેગી. પહલે મૈં અપને મન કી ખીડકીયાં-દરવાજે હમેશાં બંધ રખતા થા. લડકીઓં કે યહાં જાતા થા. ખૂબ શરાબ પીતા થા. સોચતા થા કે મેરી ખુશી ઇન્હી ચીજોં મેં હૈ. ગલત સોચતા થા. ઔર જબ સે મન કો વેન્ટીલેટેડ કર લીયા હૈ, ડૉકટર હર ખુશી, હર સુખ અપને આપ મીલ ગયા. આનંદની પત્નીએ એનાથી છૂટાછેડા લીધા હોય છે. ડૉ. ઘોષ : લેકીન આનંદ, તુમ ઐસે બદલ જાઓગે કભી સોચા ભી નહીં થા ! ઇતના બડા ચેન્જ ! એકદમ સે ! આનંદ : હોતા હૈ, ડૉકટર હોતા હૈ. જીંદગી કા કોઇ રાસ્તા એકદમ સીધા તો નહીં હોતા. ડૉકટર, કહીં ન કહીં મોડ તો જરૂર આતા હૈ. પુષ્પા, યુ નો પુષ્પા ? ઉસ પુષ્પાને ઇસ આદમી કે મન કી ખીડકી-દરવાજે ખોલ દીયે. તેઓ આ વાતો કરતા હોય છે ત્યાં જ નંદુ આવે છે. ડૉ. ઘોષ આનંદને નંદુની ઓળખાણ કરાવે છે. નંદુ એને પુષ્પા વિશે પૂછે છે. આનંદ એને પુષ્પાને મળવા લઇ જાય છે.

પુષ્પાની દયનીય હાલત અને એને થતા અપમાન જોઇ નંદુ દ્રવી ઊઠે છે. આનંદ નંદુ માટે સમોસા કચોરી લાવે છે. વાસણ માંજવાનું કામ છોડી નંદુની સરભરા કરતી પુષ્પાને માલીક ધમકાવે છે. બાજારૂ ઓરત કહી ઉતારી પાડે છે. નંદુ ઉકળી ઊઠે છે. આનંદ નંદુને પુષ્પાનું કરજ ચૂકવવાનું કહે છે. નંદુ પુષ્પાનો મા તરીકે સ્વીકાર કરે છે. નંદુ એને પોતાની સાથે ઘરે લઇ જવાનું નક્કી કરે છે. નંદુ સાથે જતી પુષ્પા આનંદને મળે છે. આનંદની આંખોમાં આંસુ જોઇ પુષ્પા કહે છે : યે ક્યા ? તુમ્હારી આંખોં મેં આંસુ ? આનંદ : આંસુ ! મેરી આંખોં મેં ? ઇમ્પોસીબલ. યે આંસુ બાહર કૈસે આ ગયે ? પુષ્પા : જીસને હમેશાં દૂસરોં કે આંસુ પોંછે હૈ, ઉસકે આંસુ પોંછને કોઇ નહીં ? આનંદ : આને દો પુષ્પા, આને દો. બડી મુશ્કીલ સે આયે હૈ યે આંસુ. મુઝે માલુમ નહીં થા, રોને મેં ઇતના સુખ મીલતા હૈ. ઇસ કે બાદ કભી નહીં કહુંગા આય હેટ ટીયર્સ. પુષ્પા : સચમુચ તુમ્હે કુછ નહીં મીલા જીવન મેં. કીસીસે તુમને કુછ નહીં લીયા. સીર્ફ દેતે હી રહે. લુટાતે રહે સબ કુછ... આનંદ : જાઓ પુષ્પા, તુમ્હારા બેટા તુમ્હારા ઇન્તજાર કર રહા હૈ. પુષ્પાઃ જાતી હું. તુમ સે બહોત કુછ પાયા હૈ, મગર દે કુછ ન સકી. ઔર આજ જાતે સમય ભી લેકે જાતી હું. તુમ્હારે ચરણોં કી ધૂલ. પુષ્પા ચરણરજ માથે ચઢાવીને નંદુ સાથે જાય છે. રસ્તામાં માતાજીની મૂર્તીઓ ઢોલ-નગારા અને ત્રાંસાના સૂરોમાં વાજતે ગાજતે સ્થાપન માટે જઇ રહી છે. આનંદ ભીની આંખે પુષ્પાની રીક્ષા જતી જોતો રહે છે.

ગીત-સંગીત : અમર પ્રેમમાં ગીતોની સંખ્યા મર્યાદીત હોવા છતાં ગીતોના શબ્દો અને સંગીત ફિલ્મને નીખારે છે. આર.ડી. બર્મને એમના સંગીતના સૌમ્ય પાસાનું નિરૂપણ કર્યું છે. હળવેથી સાહજીક રીતે ગીતો કથા સાથે વહેતા રહે છે. એ સમય કિશોર કુમારનો હતો. કિશોર કુમારે ગાયેલા આ ગીતો ખુબ જ લોકપ્રિય થયા હતા. એ સમયે કિશોર કુમાર અને રાજેશ ખન્ના એકમેકના પુરક હતા. ફિલ્મમાં ગીતોનું ફિલ્માંકન પણ ખુબ જ સરસ થયું છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ પ્રસંગો અનુરૂપ છે.

* ડોલી મેં બીઠાય કે કહાર, લાયે મોહે સજના કે દ્વાર (એસ.ડી. બર્મન) : આ ગીત બર્મન’દાની શૈલીનું છે. ફિલ્મના ટાઇટલ વખતે આ ગીત બેકગ્રાઉન્ડમાં લહેરાયા કરે છે. ફિલ્મના અંતિમ દૃશ્યમાં આ ગીત ફરી બેકગ્રાઉન્ડમાં વહે છે.

* રૈના બીતી જાય, શ્યામ ન આયે (લતા મંગેશકર) : ભજનની કક્ષામાં આવે એવું આ ગીત કોઠા પર ગવાયું હોવા છતાં એમાં વિરહીણી રાધા અથવા મીરાનો આર્તનાદ ઝીલાયો છે. પ્રેમની અનંત પ્યાસના આ ગીતને વાંસળી-સીતાર અને સંતુરના સૂરો અલગ જ પરિમાણ બક્ષે છે.

* ચીંગારી કોઇ ભડકે (કિશોર કુમાર) : જે પોષતું તે મારતું અથવા વાડ થઇ ચીભડાં ગળે આ વાતને આ ગીતમાં વિવિધ ઉદાહરણો દ્વારા મુકાઇ છે. પોતાનાઓએ આપેલા આઘાતની વાતો સુંદર રીતે કહેવાઇ અને ગવાઇ છે.

* કુછ તો લોગ કહેંગે (કિશોર કુમાર) : દંભી જગતનો નકાબ ચીરતું આ ગીત છે. આ ગીતમાં સમાજ પર પ્રહાર કરાયો છે. એની એક પંક્તિ છે : તું કૌન હૈ તેરા નામ હૈ ક્યા, સીતા ભી યહાં બદનામ હુઇ. રામાયણનો પ્રસંગ આ ગીતમાં વણી લેવાયો છે.

* યે ક્યા હુઆ ? (કિશોર કુમાર) : ભગ્ન હૃદયની વાત કહેતા આ ગીતને ગીટારના સૂરોએ ગરિમા બક્ષી છે.

* બડા નટખટ હૈ યે કિશન કનૈયા (લતા મંગેશકર) : યશોદા અને કૃષ્ણના પ્રેમના પ્રતિક જેવું આ સુંદર ગીત માતૃ વાત્સલ્યથી છલકાય છે. આ ગીતની એક પંક્તિનો આલાપ ફિલ્મના અંતે ગવાય છે.

સમયની વાત : એ સમયે ૧૫૦ રૂપિયાની આવકમાં એક જણનું નભી જતું. ડૉક્ટરની ફી ચાર રૂપિયા હતી. પંદર રૂપિયામાં છાબડી ભરી પાણીપુરી મળતી. બ્લેક નાઇટ વ્હીસ્કીનો જમાનો હતો. જખમ થાય તો ઘા પર ચૂનો લગાડાતો. વીમકો માચીસ ઉપલબ્ધ હતા. પૈસાપાત્ર નાયક ૫૫૫ સિગારેટ પીએ છે. વેશ્યાના ઘરોમાં ભગવાન અને માતાજીના ફોટાઓની વણઝાર રહેતી. નવરાત્રી પહેલા માતાજીની મુર્તી બનતી ત્યારે એ મૂર્તીમાં વેશ્યાના ઘરની માટી ભેળવવામાં આવતી. કહેવાતું કે વેશ્યાના ઘરની માટી પવિત્ર હોય છે. એ વિના માતાજીની મૂર્તીની પૂજા અધૂરી જ રહે. બંગાળ વિસ્તારમાં શાક સમારવા છરી નથી વપરાતી પણ લાકડા પર જડેલું દાતરડા જેવું સાધન વપરાય છે. એ સમયની કરન્સી નોટોની સાઇઝ પણ ખાસ્સી મોટી હતી.

દિગ્દર્શન : શક્તિ સામંતની દિગ્દર્શન કળા અહીં સોળે કળાએ ખીલી ઊઠે છે. ફિલ્મની શરૂઆત ગજબના વિરોધાભાસ સાથે થાય છે. પતિથી તજાયેલી પુષ્પા પિયર પાછી ફરતી હોય છે ત્યારે સામેથી સાસરે જતી નવોઢાની ડોલી મળે છે. આ વિરોધાભાસના બેકગ્રાઉન્ડમાં સચિન’દાનું ગીત : ‘‘ડોલી મેં બીઠાય કે કહાર, ડોલી જાહેર રસ્તે જાય છે જ્યારે ત્યક્તા પુષ્પા કાંટાળી કેડીઓ અને ઝાંખરાઓ વચ્ચેથી રસ્તો કાઢે છે. એ જ રીતે ફિલ્મનો અંત પણ સાંકેતીક છે. તહેવારો આવ્યા છે. લોકો માતાજીની મૂર્તી સ્થાપન માટે લઇ જાય છે ત્યારે નંદુ પુષ્પાને માતા તરીકે સ્થાપીને પોતાના ઘરે લઇ જાય છે. આમ જગતની બે માતાઓનો સમન્વય સુંદર રીતે દર્શાવાયો છે. ફિલ્મની કથાની રીતે જોઇએ તો બન્ને માતાઓ પરમ પવિત્ર છે. પુષ્પાએ કોઠા પર રહેવા છતાં દેહ નથી વેચ્યો. એ પતિ મરણ પામે છે ત્યાં સુધી સોહાગણ જ રહી છે અને પોતાની જાતને સાચવી છે. આનંદ અને પુષ્પાનો પ્રેમ વાસનાથી મુક્ત રહ્યો છે. અ-શરીરી રહ્યો છે.

ફિલ્મમાં કોઇ ચેનચાળા કે નખરાં નથી અને નથી કોઇ સ્થૂળ બીભત્સ આંગિક કોમેડી. હા, ઓમપ્રકાશ નટવરલાલની ભૂમિકામાં થોડી ક્ષણો માટે આવે છે અને છવાઇ જાય છે. એના પર ફિલ્માવાયેલો પાણીપુરીમાં શરાબ ભરીને ખાવાનો પ્રસંગ એટલો મશહૂર થઇ ગયો હતો કે ભારતભરના શરાબીઓમાં એની ચર્ચા એ સમયે થતી અને આજે પણ થાય છે. એ સમયે કેટલાય લોકોએ નટવરલાલની રીતે પાણી-પુરી ખાવાનો શોખ કેળવ્યો હતો.

બિમાર પતિની સેવા પુષ્પા કરે છે. એ દૂધ ગરમ કરે છે ત્યારે દૂધના ઉભરા સાથે એના મનમાં જૂની યાદો પણ ઉભરાઇ આવે છે. એવી જ રીતે ચીનગારી કોઇ ભડકે ગીતમાં ફલ્યુટના સૂરો સાથે ચૂલો ફુંકવાનું દૃશ્ય એક માહોલ ઊભો કરે છે. આ જ ગીતમાં આનંદ-પુષ્પા નાવમાં સફર કરે છે. નાવ મઝધારે છે. દૂર બેકગ્રાઉન્ડમાં નદીના બે કિનારાને જોડતો પુલ દેખાય છે. આનંદ-પુષ્પા જીંદગીની મઝધારમાં નદીના બે કિનારા જેવા છે. એમની વચ્ચે સેતુ છે માત્ર પ્રેમ.... અમર પ્રેમ.

પાત્રોને નામ આપવાની વાત પણ કથા સાથે સુસંગત જાય છે. નાયક આનંદ છે. એ પોતાનું દુઃખ પાંપણો પાછળ છુપાવીને જગતમાં આનંદ વહેંચતો રહે છે. એનો એક ડાયલોગ ‘‘આય હેટ ટીયર્સ’’ એ સમયે ખૂબ જ પ્રચલીત થયો હતો. નાયિકાનું નામ પુષ્પા છે. એ પુષ્પ જેવી જ છે. એની જીંદગીમાં ખીલવાના અને કરમાવાના પ્રસંગો આવતા જ રહે છે. ઓમપ્રકાશ ભજવે છે નટવરલાલનું પાત્ર. નટવરલાલ એકદમ બેફિકર માણસ છે. પઠાણો પાસેથી વ્યાજે રૂપિયા લઇને શરાબ-શબાબમાં વેરે છે. મદનપુરીનું નામ છે નેપાલ બાબુ. આ નેપાલ બાબુ લોહીના ધંધો કરે છે. એના નામ દ્વારા ઘણી વાતો ઇંગીત થાય છે. મૌસીને નામ નથી અપાયું પણ કોઠાની છોકરીઓ પ્રત્યે એની મમતા માસી કે મા જેવી જ છે. પુષ્પાના પતિનું નામ રામલખન છે. એણે પણ રામની જેમ પુષ્પાને ઘરમાંથી કાઢી મૂકી, છતાં પુષ્પા કોઠાના કીચડમાં પણ સીતા જેવી જ પવિત્ર રહી.

બંગાળના વાતાવરણમાં ખીલતી આ ફિલ્મમાં બંગાળી રીત-રિવાજો-પહેરવેશ વગેરે વણાયેલા છે. અહીં દુલ્હન ડોલીમાં બેસી સાસરે જાય છે. પુરૂષો ઝબ્બો અને છૂટી પાટલીનું ધોતિયું પહેરે છે. એ ધોતિયાના છેડાને હાથમાં પંખાની જેમ પકડે છે. સ્ત્રીઓે શરીરે સાડી વીંટાળે છે, ઘાઘરો નથી પહેરતી. છીંકણી સુંઘવાની પ્રથા છે. વિધવા થયેલી સ્ત્રી નદીના ઘાટ પર જઇ પથ્થરથી બંગડીઓ તોડે અને પતિ સાથેના ઋણાનુબંધનો અંત લાવે.

ફિલ્મના બધા જ પાસા સબળ છે. અભિનયમાં રાજેશ ખન્ના એની ગંભીર ભુમિકા સહજ રીતે નિભાવી જાય છે. એ યુગ રાજેશ ખન્નાનો હતો. શર્મીલાનું પાત્ર મુખ્ય કહી શકાય. શર્મીલાના મેકઅપ અને વસ્ત્રો પર ખુબ જ ધ્યાન અપાયું છે. ખાસ કરીને એની આંખ પર. આંખનો મેકઅપ એવો કરાયો છે કે ક્લોઝઅપમાં એની આંખો કાલિકા માતાની મૂર્તિની આંખો જેવી લાગે. એ વેધકતા અને તેજ સુંદર ઝીલાયા છે. એ જ્યારે વિધવા થાય છે ત્યારે એની નિસ્તેજ આંખો પણ ઘણું કહી જાય છે. નંદુ નામનું ઉચ્ચારણ શર્મીલાએ એટલું સુંદર રીતે કર્યું છે કે આપણે સાંભળતા જ રહીએ. એ ઉચ્ચારણમાં માતૃત્વનો પ્રેમ છલકાયા કરે છે. વિનોદ મહેરા એનું પાત્ર નિભાવી જાય છે. નાનો નંદુ પણ કુશળતા દાખવે છે. અન્ય પાત્રો પણ એમનો રોલ સરસ નિભાવે છે. ફિલ્મમાં એક પાત્ર પરદા પર નથી આવતું પણ એની હાજરીનો અહેસાસ રહે છે. એ છે આનંદની પત્નીનું પાત્ર. આનંદના સંવાદો દ્વારા જ એનું પાત્રાલેખન કરાયું છે. સંવાદો આ ફિલ્મનો આત્મા છે. ડાયલોગ ડીલીવરી પર પણ ખુબ જ ધ્યાન અપાયું છે. ક્લોઝઅપમાં રાજેશ ખન્નાના ગાલ પર દેખાતું ખીલ આંખને ખટકે છે. ફિલ્મની ઍડીટીંગ પણ ચુસ્ત છે. કોઇ ક્ષણ વેડફાઇ નથી. રજત જયંતીના જમાનામાં આ ફિલ્મ અત્યંત સફળ થઇ હતી.

-કિશોર શાહ kishorshah9999@gmail.com