નાની નો દોહિત્રને પત્ર Nita Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાની નો દોહિત્રને પત્ર

નાની નો દોહિત્રને પત્ર

મારો અતિ વ્હાલાકુડો દીકો અવ્યાન,

થોડા દિવસો પહેલા એક મગજમાં એક વ્હાલનો કીડો સળવળ્યો કે બીજું બધું લખ્યા કરતા વ્હાલસોયા અવ્યાન ને પત્ર લખ. પાછી પાછો તરત જ વિચાર આવે કે એને ક્યાં લખતા કે વાંચતા આવડે છે ? અમેરિકામાં જન્મેલો અને ત્યાં જ ઉછરતા દીકરાને ગુજરાતી વાંચતા કેમનું આવડે ? અરે,હજુ તો સવા વર્ષનો જ છે ! કેટલું ગંદુ ઘેલું વિચારવા માંડી 'તી પણ પેલો કીડો એમ ઝંપવા ન દે ને ? પણ હૃદયના સાતમાં પડદે એક વિશ્વાસ તો ખરો જ કે મારો અવ્યાન એક દિવસ ચોક્કસ ગુજરાતી વાંચતા અને લખતા શીખશે જ, ગળથૂથી નાનીએ પાઈ હતી. પાકું બોન્ડીંગ અમારું, નાની અને દોહિત્રનું ! સાચી વાત ને બેટા ? બોર્ન અને બોટ-અપ ભાલે અમેરિકાનું પણ માતૃભાષા તો ગુજરાતી જ રહેવાની.

બેટા,તારા જન્મના એક મહિના પહેલા હું અમેરિકા આવી ગઈ હતી કારણ તારા આગમન ની તૈયારીઓ કરવાની હતી. મને પાળે પળ યાદ છે તારા જન્મ સમયની, તારા જન્મ પૂર્વેની ડિસ્કસ તારા મમ્મી ડેડી સાથે. સોનોગ્રાફી માં એ તો ખબર પડી ગઈ હતી કે દીકરો જ આવવાનો છે. તો તારું નામ કઈ રાશી પર રાખવું ? દરેક રાશી પર બે બે નામ સિલેક્ટ કરીને રાખીએ તો ? કદાચ જન્મ સમયે નામ પડવું સરળ થઇ જાય, કારણ અમેરિકામાં તો એવો કાયદો છે કે બાળકના જન્મ પાછી તરત જ નામ લખાવાનું અને પછી એ બાળકના દરેક ડોક્યુમેન્ટ્સ એ નામ પરથી જ પડે. બેટા, તારા નામ માટે તો કેટકેટલી આવી ચર્ચાઓ થતી રોજેરોજ ! પંદરેક દિવસની કવાયત પછી દાદા-દાદી, ચાચું, નાની અને મમ્મી-ડેડી ની સંમતિથી ફિલ્ટર કરીને ત્રણ નામ રાખ્યા. એક હતું '' વ્હાલ'' જે તારી મમ્મીને ગમતું, ''અદ્વેત'' જે તારા ડેડી ને અને નાની ને ગમતું અને ''અવ્યાન'' માં બધાની સંમતિ હતી. 'વ્હાલ' અને 'અદ્વેત' ત્યાં ધોળિયાઓ પાસે બોલાવ્યું તો 'વ્હાલ' નું 'વેલ' અને 'અદ્વેત' નું 'એડવેટ' બોલતા. પછી 'અવ્યાન' બોલાવ્યું તો 'આવ્યાન' બોલ્યા. છેવટે 'અવ્યાન' નામ નક્કી રાખ્યું કારણ ધોળિયાઓ તારું નામ બગાડે તો એ પોસાય એવું નહોતું.

છેવટે તારા આગમન ના ભણકારા વાગવા માંડ્યાં અને ૨૪મિ તારીખ, નવેમ્બર મહિનો અને સાલ ૨૦૧૫ ના શુભ દિવસે બપોરે ૧૨.૦૫ મીનીટે દીકરા તારું આગમન, એક બાજુ ''રામરક્ષા સ્તોત્ર'' નું સ્મરણ સાથે આઈપેડ નો કેમેરા ઓન રાખ્યો હતો. કારણ મારે તારું અવતરણ ક્લિક કરવું હતું. જ્યાં તારા રડવાનો અવાજ સાંભળ્યો અને મારા આંસુઓનો બંધ તુટ્યો અને દોડીને તારા ડેડી ને વળગીને નાના બાળકની જેમ ખુલ્લા મને હરખના આંસુ પડતી રહી....'' આપણો અવ્યાન આવી ગયો ''. હોઠ પર મુસ્કાન અને આંખે આંસુના તોરણ નો સમન્વય. મારી ૫૮ વર્ષની જીવનયાત્રા ની સૌથી સુંદર અને અમુલ્ય પળ હતી. સૌથી પહેલા તો મારા શ્રીજી નો આભાર માન્યો. અને ત્યાં હોસ્પિટલમાં નર્સની ટીમ અને ડોક્ટર નો પણ આભાર માન્યો અને એ લોકો એ પણ એમની ભાષામાં ખુબ ખુબ વધામણાં આપ્યા. congratulation GRENI,Mom & Dedy too''. સાચે બેટા, અમેરિકાની હોસ્પિટલ નો મારો પહેલો અનુભવ પણ લાજવાબ હતો. પૂરો સ્ટાફ ખુબ જ ધીરજ અને પ્રેમાળ શબ્દો સાથે અમારી સાથે ખડે પગે હતો. ત્યાની સિસ્ટમથી હું તો ખુબ જ ખુશ હતી. બેટા, તારી મમ્મી-ડેડી અને હું, ત્રણે ય ના જીવન માં પહેલી વાર ઘટતી ઘટનાઓમાં તારું પહેલું રુદન, તારો પહેલો સ્પર્શ,તારું પહેલું સુંદર સ્મિત, તારું પહેલું ઝબલું અને ડાયપર.....બ્લા બ્લા બ્લા. ખુબ લાંબુ લીસ્ટ બની શકે. અને બેટા, એક વાત કહું ? જયારે તને હોસ્પીટલથી ઘરે આવવાનું હતું ત્યારે તને કારસીટ માં પહેલી વાર બેસાડ્યો ત્યારે મને સહેજ પણ નહોતું ગમ્યું અને રડી પડી હતી કારણ આટલા નાના મારા ફૂલ જેવા દીકરાને બેલ્ટથી બાંધી દેવાનો ? કારણ તું તો મારી મૂડીનું વ્યાજ કહેવાય બેટા, પણ ધીરે ધીરે હું ત્યાના કાયદા ને પણ સમજાતી થઇ અને સ્વીકારતી પણ થઇ.

પછી તો દિવસો ક્યાં વીતવા માંડ્યા ખબર જ ના પડી. અમારા ત્રણે ય ના જીવન માં કેન્દ્રસ્થાને ''અવ્યાન'' તું હતો. અમારી ખુશીઓનો ખજાનો... અવીએ દૂધ પીધું ? કેટલા ઓંસ પીધું ? કેટલા વાગે ? અવી સુતો ? અવી ઉઠ્યો ? અવી નું ડાયપર જોયું ? જોયું બેટા, અમારા બધાની પોસ્ટ પણ તે બદલી નાખી! ભૂમિ બની મમ્મી, આર્જવ બન્યો ડેડી અને હું ''નાની''.

પાછી તો દાદા-દાદી તને રમાડવા આવ્યા અને શરુ થયા ફેસ્ટીવલ. પહેલી ક્રિસમસ, પહેલી દિવાળી, પહેલી રક્ષાબંધન, પહેલી જન્માષ્ટમી, પહેલી નવરાત્રી, પહેલા દશેરા અને ફાફડા. દરેક ફેસ્ટીવલ માં ઇન્ડિયન ડ્રેસ પહેરવાના અને મજા કરવાની....બેટા, તારા જીવન ની દરેક પળોને મેં કેપ્ચર કરી છે. તું જયારે આ લેટર વાંચીશ અને મારા પાડેલા ફોટા જોઇશ ત્યારે કેટલો રાજી થઈશ એ વિચાર જ મને તો રોમાંચિત કરી મુકે છે. તારી સાથે વિતાવેલી એક એક પળ અણમોલ હતી અને ઇન્ડિયા માં 'નાના' એકલા છે એ પણ ભૂલાઈ જતું. બેટા, તારું ઘોડિયું હું ઇન્ડિયા થી લઈને આવી હતી. તને હું મસ્ત માલીશ કરતી,નવડાવતી,જમાડતી,ઘોડિયા માં હાલરડું ગાઈને સુવાડતી, રોજ નવા રમકડા, જુના ગુજરાતીના બાળગીતો સાથે rhymes પણ ખરી, સુરજ દાદા ને જેજે કરવાનું, રાધે રાધે ....કેટકેટલી વાતો અને કેટકેટલી યાદો ! તારી દેશી 'નાની' દેશી-વિદેશી નું જાણે ફ્યુઝન બનાવતી અને મમતાના કોળિયા ભરાવતી. પણ બેટા તું એટલો ક્યુટ હતો ને કે કોઈ પણ અજાણ્યા પાસે જઈને મસ્તીથી રમી આવતો અને રડવાનું તો જાણે તને આવડતું જ નહોતું. અરે કોઈ વાર તારા ખાવા-પીવાના કે સુવા-ઉઠવાના સમય માં અમારી શરતચૂકથી વહેલું મોડું થાય તો પણ તું મોટા માણસની જેમ એડજેસ્ટ થઇ જતો. ક્યારેય રડતો સુતો નથી કે રડતો ઉઠ્યો પણ નથી. હમેશા એક તાજા ફૂલની જેમ ફ્રેશ રહેતો અને કાલી ઘેલી કીકીયારીઓ ની ફોરમ ફેલાવતો અને ઘર ના વાતાવરણ ને પણ ભર્યું ભર્યું બનાવી દેતો. તારી દરેક મંથલી આવતી બર્થડે અમે ઉજવતા અને ખુબ જ હરખાતા હતા.ભૂમિ કપકેક બનાવતી અને તને મુકીને અમે ખાતા. બહુ જીવ બળતો મારો પણ શું થાય ? ત્યાના ડોકટરે તને એક વર્ષ સુધી મીઠું અને ખાંડ આપવાની ના પાડી હતી. તારા સારા ભવિષ્ય નો સવાલ હતો એટલે મન મક્કમ કરતી પણ તને મુકીને સારી વાનગી ખાતા મન ખુબ જ કચાવતું હતું.

ચલ દીકરા, હવે સુઈ જવું પડશે કારણ સવારે ઓફીસ પણ જવાનું ને ?

બહુ બધી વાતો કરવાની બાકી છે એટલે એક લેટર માં ઓછુ પૂરું થાય ? બીજા લેટર ની રાહ જોજે.

નાની અને નાના તરફથી મારા વ્હાલા અવી દીકરાને ખુબ ખુબ વ્હાલ ...!

તારી વ્હાલી નાની ના

આશીર્વાદ