માઇક્રોફિક્શન વાર્તાઓ Nita Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઇક્રોફિક્શન વાર્તાઓ

માઈક્રોફિકશન વાર્તાઓ

[૧]

જીવનવીમો

બજાજ સ્કુટર પર એક દંપતિ સીજી રોડથી વેજલપુર બાજુ જઈ રહ્યા હતા. પાછળ બેઠેલા પત્ની ને હવે આજે છેક હાશકારો થયો કારણ એમના પતિ કોલસાની ખાણ માં કામ કરતા હતા.''જો એમને કૈક થઇ ગયું તો?'' કેટલાય દિવસોથી આ વાક્ય મગજમાં ફંગોળાતું હતું. પણ આજે હાશકારો લઈને ઘર તરફ જઈ રહ્યા હતા.. બપોરનો એક વાગ્યાનો સમય હતો એટલે ટ્રાફિક સામાન્ય હતો. નિસંતાન હોવા છતાં આજે બંને ખુશખુશાલ હતા. વધારે ભણેલા નહોતા પણ જીવનનું ગણતર બરાબર જાણતા હતા.ભાઈએ પાછળ બેઠેલા પતિને પૂછ્યું,'' શું બનાવ્યું છે રસોઈમાં ? પેટ માં બિલાડા બોલે છે.''

પત્ની જવાબ આપે છે,'' તમને ભાવતું ભરેલા રીંગણાનું શાક, રોટલી અને છાશ તૈયાર જ છે. ઘરે પહોચીને પહેલા તમને થાળી પીરસી દઈ...................! '' અને ત્યાં તો એકસોને એસીની સ્પીડે આવતી ઝાયલો કારે પાછળથી સ્કુટરને ટક્કર મારી. ટક્કર એવી મારી કે સ્કુટર તો ૧૦ ફૂટ દુર ફંગોળાઈને બે કટકા થઇ ગયા. બહેન ને માથા માં વાગવાથી બ્રેઈન હેમરેજ થઇ ગયું અને ત્યાં જ એમના રામ રમી ગયા. ભાઈને હાથેપગે થોડું વાગ્યું હતું. એમ્બુલન્સ આવીને બંને ને જીવરાજ હોસ્પિટલ માં લઇ ગયા. પોલીસકેસ પણ થયો. પોલીસે પેલા ભાઈનું બયાન માંગ્યું ને ગભરાયેલા અવાજે તે બોલ્યા ,'' હું માઈન માં કામ કરું છું.કામ રિસ્કી હોવાથી મારી પત્નીને અંદરથી એક ડર રહેતો અને મને કામ છોડી દેવાનું વારંવાર કહેતી. પણ સાહેબ ઓછુ ભણેલો હોવાથી બીજે કામ મળવું મુશ્કેલ હતું. એટલે મેં રસ્તો કાઢ્યો અને મારો એક મિત્ર વીમા એજન્ટ છે તેની સલાહથી મેં મારો ૫ લાખનો વીમો આજે જ ઉતરાવ્યો કે જેથી મને કૈક થઇ જાય તો મારી પત્નીને તકલીફ ના પડે.છૈયા-છોકરા વિના એની કોણ સંભાળ રાખશે ? પણ સાહેબ, હવે તમે જ કહો હવે આ જીવનવીમાનું શું કરું ???''

નીતા શાહ

[૨]

સ્તુતિ

આરતીબેન આજે ખુબ જ ખુશ હતા કારણ આજે એમના એકના એક દીકરા વંદનના લગ્ન છે. જ્ઞાતીના એક સંસ્કારી કુળની દીકરી સ્તુતિ ખુબ જ સુંદર અને સુશીલ છે. પતિના અવસાન પછી એકલે હાથે વંદન ને ભણાવ્યો હતો.આજે એ સપ્તપદીના વચને બંધાવા જઈ રહ્યો છે.અને આરતીબેનનું હૈયું ગદગદિત થઇ ગયું છે. હા,વંદન લગ્ન કરવાની આનાકાની કરતો હતો.થોડા ધમપછાડા પણ કર્યા છેવટે મમ્મીની જીદ આગળ નમતું જોખ્યું કારણ તે તેની મમ્મીને દુઃખી કરવા નહોતો માંગતો. શહેરની મધ્યમાં આવેલ એક નાનકડા હોલમાં વંદન અને સ્તુતિના લગ્ન થયા. ગૃહપ્રવેશ ની અને પગફેરાની વિધિ પણ સંપન્ન થઇ ગઈ અને સમય વીતવા લાગ્યો. નવદંપતિ ખુશખુશાલ દેખાતું હતું. આરતીબેનના પણ હરખ નો કોઈ પાર નહોતો. પુત્રવધુના રૂપમાં આવેલી સ્તુતિને સાસુ નહિ પણ એક વ્હાલસોયી માતા બનીને પોંખી હતી. સ્તુતિએ એમબીએ કર્યું હોવા છતાં લેશમાત્ર આછકલાઈ નહોતી. એના હાવભાવ, વાણી-વર્તન,રહેણીકરણી માં એના માવતરના સંસ્કાર છલકાતા હતા. અને એક દિવસ અચાનક રાતે વંદન ચુપચાપ ઘર છોડીને જતો રહે છે.આરતીબેનના નામે એક પત્ર મુકતો જાય છે.

વ્હાલી મમ્મી,

હું ઘર છોડીને જઈ રહ્યો છું. તને દુઃખી કરવા નહોતો માંગતો પણ હું મજબુર છું. સ્તુતિ ખુબ જ સારી છોકરી છે. એનો કોઈ વાંક નથી પણ વાંક મારો છે. કેવી રીતે અને કયા શબ્દોમાં વાત કરું સમજાતું નથી. મમ્મી હું સ્તુતિને ખુશ નહિ રાખી શકું અને કોઈની દીકરીને દુઃખી કરવાનો મને કોઈ હક નથી. હા, હું ગે છું મમ્મી. મને સ્ત્રીઓ પ્રત્યે કોઈ આકર્ષણ નથી.મને માફ કરી દેજે. દર મહીને તને ઘર ખર્ચ મોકલાવી દઈશ.સ્તુતિ સાવ પવિત્ર છે. શક્ય છે કે એને કોઈ સારો જીવનસાથી મળી જાય. મને શોધવાનો પ્રયત્ન ન કરતા.

તારો અભાગી પુત્ર,

વંદન.

આરતીબેન પત્ર વાંચીને પડી ભાંગ્યા અને સ્તુતિને વળગીને ખુબ રોયા. સ્તુતિએ શાંત પાડ્યા ને કહ્યું'' મમ્મી હવે હું તમારો દીકરો છું...હું અને વંદન તો ૬ મહિનાથી પતિપત્નીનું નાટક કરતા હતા.સાચું જીવન તો હવે હું તમારી સાથે વીતાવીશ''

નીતા શાહ

[૩]

Mother's Day

'' મા ''

એનું જીવન એટલે નિબંધ નહિ

પ્રત્યેક દિવસોના પેરેગ્રાફ માં

વહેંચાયેલી આત્મકથા....

વેદનાનું વ્હાલમાં રૂપાંતર કરે

અને આપણાં શ્વાસ એટલે

એના મૂળને ઉગેલા ફૂલ

એ બધા ની છે પણ

એનું કોઈ નથી...

'
માં' એટલે થાકનું વિરામ

'માં' એટલે જીવતરનો આરામ

મમ્મીને હગ એટલે ઈશ્વરને પ્રણામ

આફતો સામે લડવાનો શ્રીયંત્ર

આપના દુઃખોનું ફિલ્ટર

આપના સુખોનું પોસ્ટર

આપની ભૂલો પર ભભૂકતો ગુસ્સો

આપણી ભૂલોને છાવરતો જુસ્સો


બાળકની પહેલી રેફરેન્સ બુક

અન્લીમીટેડ લવ

શિયાળાની હુંફ

ઉનાળાની ઠંડક

વરસતું વ્હાલ

બે સંતાનો વચ્ચેના અબોલા ની

મૌન વેદના તેની આંખોમાં વંચાય

રક્ષાબંધન ના દિવસે જયારે

બહેન ભાઈ ને રાખડી બાંધે ત્યારે

ભૂતકાળ ચડ્ડી ને ફ્રોક પહેરીને

સજળ આંખે ઉડાઉડ કરે છે...

ત્યારે ખીલેલા ચહેરામાં તમને

ઈશ ની અનુભૂતિ થશે...!

જાણે કહેતી હશે કે જોયું

મારું ક્રીએશન....!

સંતાનો જીવન ના મધ્યમાં હોય

પ્રભુને એક અગરબત્તી વધારે કરે

ઘરના ખુણાનું એકાંત પોતીકું લાગે

જયારે જયારે પાડોશી સાથે વાત કરે

આંખમાં અનોખી ખુમારીભરી ચમક સાથે

સંતાનોની પ્રગતિના સમાચાર

એની વાત ની ''હેડલાઈન'' હોય...

એ ઘર ના મંદિર ની ધજા છે,

ત્રણ-ત્રણ પેઢીઓ નો સમન્વય નિભાવે છે

કૌટુંબિક માળાના મણકા પરોવીને સજાવે છે

આપણે કોરી આંખે રડીએ ત્યારે

પાલવ તો તેનો જ ભીંજાય છે

એના વિષે મૌન રહી શકાતું નથી

ને બોલવામાં ગોથું ખાઈએ છીએ

આપણે એને ક્યાં રાખીએ છીએ?

એ જ આપણ ને રાખે છે...

આંખ સામે ઘરડી થાય છે

કશું જ નથી આપી શકતા

જયારે ખબર પડે છે

જયારે સમજાય છે ...

ત્યારે...???

ખુબ મોડું થઇ ગયું હોય છે...!!!

નીતા શાહ

[4]

હું અને મારા પતિ કારમાં સીજી રોડ જઈ રહ્યા હતા. ત્યાં સિગ્નલ્સ પર ઘણા ફેરિયાઓ વસ્તુઓ વેચી રહ્યા હતા. ત્યાં જલારામ મંદિરના સિગ્નલ પર એક મેલીઘેલા વસ્ત્ર માં ગરીબ લાગતી સ્ત્રીએ કારનો દરવાજો ખખડાયો અને મેં કારની વિન્ડો નો કાચ ખોલ્યો. પેલી સ્ત્રી કહે, '' સાહેબ મારી 'માં' બીમાર છે અને ગામડે છે અને મારી પાસે ભાડા ના પૈસા નથી. બહેન મને ભાડું આપો તો હું મારી 'માં' નું મોઢું જોઈ શકું.'' મેં પૂછ્યું,'' ક્યાં રહે છે તારી 'માં' ?'' તો એણે જવાબ

આપ્યો, '' બેન વલસાડ પાસે નાનું ગામ છે વિછોલ. ત્યાં રહે છે અને ભાડું ૨૦૦ રૂપિયા થાય છે.'' મેં પર પર્સ માંથી બસો રૂપિયા આપ્યા અને રાજી થઇ ને જતી રહી. બે કલાક પછી સીજી રોડ થી પાછા ફરતા એ જ સિગ્નલ પર રોકાયા તો પહેલા જે બાઈ ને ૨૦૦ રૂપિયા આપ્યા હતા તે આવી ને એવી જ વાર્તા ફરી ચાલુ કરી કે મારી 'માં' મારી ગઈ છે. હું ગાડીમાંથી ઉતરી અને પેલી બાઈનો હાથ પકડીને સામેના રોડ પર આવેલ '' નારી વિકાસ ગૃહ '' નામની સંસ્થામાં લઇ ગઈ. જે મારી સખી ચલાવતી હતી. એને બધી વાત કરી અને કહ્યું કે એને કોઈ કામ શીખવાડ અને પગ ઉપર ઉભી રહે તેવું કૈક કર. એ સંસ્થાના સંચાલિકા નો એક અઠવાડિયા પછી ફોન આવ્યો કે પેલી બાઈ સંસ્થાના કબાટમાંથી રૂપિયા ૧૫૦૦૦/- લઈને ભાગી ગઈ છે.

હું વિચારતી રહી ગઈ. સાચે જ ધરમ કરતા ધાડ પડી. સમજાયું નહિ કે વિશ્વાસ કોનો કરવો ??

નીતા શાહ