Vanjanmel badak ane ishwarno sanvaad books and stories free download online pdf in Gujarati

વણજન્મેલ બાળક અને ઈશ્વરનો સંવાદ

વણજન્મેલ બાળક અને ઈશ્વરનો સંવાદ

એક ગર્ભસ્થ શિશુ આ ધરતી પર જન્મ લેવા તૈયાર થઇ ગયું હતું. તેના કોમળ મુખ પર ચિંતા અને પરેશાનીના ભાવ હતા. સ્વર્ગમાં પૃથ્વી વિષે ઘણું બધું સાંભળ્યું હતું. નવાઈની વાત એ હતી કે બાળકને વિદાય આપવા ખુદ પ્રભુ એની સાથે હતા. બાળકના નાનકડા દિલમાં ઘણા બધા સવાલો હતા.

અને ચિંતાતુર સ્વરે બાળકે પ્રભુને પૂછ્યું,''પ્રભુ થોડી ક જ વારમાં તમે મને પૃથ્વી પર મોકલવાના છો એ મને ખબર છે પણ આવડી મોટી ધરતી પર આટલું નાનકડું અને નિસહાય દશામાં હું કેવી રીતે જીવી શકીશ ?

ઈશ્વર જવાબ આપતા બોલ્યા,'' વત્સ,તું જરા ય ફિકર કર માં ,તારા માટે પૃથ્વી પર એક દેવદૂત ને તૈયાર રાખ્યો છે અને અત્યારે પણ એ આતુરતાપૂર્વક તારી રાહ જોઈ રહ્યો હશે અને પૃથ્વી પર એ જ તારું જતન કરશે ''

પણ પ્રભુ અહી સ્વર્ગમાં તો કેટકેટલી મજા છે, હું ખુબ ખુશ છું અહી, ગીતો ગાવું છું ખાવું છું રમું છું ખુબ સુખી છું તો પછી મને શું કામ ધરતી પર મોકલો છો ?'' બાળકે પૂછ્યું

વત્સ, ચિંતા ના કર ત્યાં તારો દેવદૂત તારા માટે ગીતો ગાશે અને તને સુખી કરવાના બધા જ પ્રયત્ન કરશે અને એનો અદભૂત પ્રેમ જોઇને તું ખુબ ખુશ થઇ જઈશ. પ્રભુએ જવાબ આપ્યો.

''પણ પ્રભુ મને તો એ લોકો ની ભાષા પણ કદાચ નહિ આવડતી હોય તો ? એ લોકોની વાત ને હું કેવી રીતે સમજી શકીશ ?'' શિશુના અવાજ માં ચિંતા સાથે કુતુહલ પણ ભળેલું હતું.

''અરે વત્સ, નાહકની ચિંતા કરે છે, તે કલ્પના પણ નહિ કરી હોય એવા મીઠા અને પ્રેમાળ શબ્દો એ દેવદૂત બોલશે અને ખુબ જ ધીરજ થી એ તને પણ બોલતા શીખવાડશે અને એવી રીતે તું એ લોકો ની ભાષા બોલી અને સમજી પણ શકીશ '' પ્રભુ એ હસતા હસતા જવાબ આપ્યો.

''પણ પ્રભુ ધારો કે મારે તમારી સાથે વાત કરવી હશે તો ?'' બાળકે પૂછ્યું

''તારો દેવદૂત જ તને મારી સાથે વાત કરતા શીખવશે બે હાથ જોડીને, વત્સ એને એ લોકો પ્રાર્થના કહે છે '' પ્રભુ બોલ્યા,

''પણ પ્રભુ મેં તો સાંભળ્યું છે કે પૃથ્વી પર ખરાબ લોકો પણ રહે છે, તો એમનાથી મારું રક્ષણ કોણ કરશે ?'' ચિંતાતુર બાળકે પૂછી લીધું.

''તારો દેવદૂત પોતાના જીવ ના જોખમે પણ તારું રક્ષણ કરશે '' પ્રભુ એ કહ્યું.

પ્રભુના શબ્દો સંભાળતા જ સ્વર્ગમાં અદભૂત શાંતિ છવાઈ ગઈ. અને હવે પૃથ્વી પરથી આવતા અવાજો સંભળાવા માંડ્યા હતા. બાળક ને સમજાઈ ગયું તું કે હવે એને પૃથ્વી પર જવાનો સમય આવી ગયો છે. એ ભગવાન ની નજીક ગયો, મનભરીને તેમની સામે જોઈ લીધું અને આંખમાં વિશ્વાસ આંજીને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું પ્રભુ, છેલ્લો સવાલ,

'' મને મારા દેવદૂત નું નામ તો કહો ''

પ્રભુ એ એના મસ્તક પર હાથ મુક્યો અને હસતા હસતા બોલ્યા,'' તારે એના નામ સાથે કઈ જ લેવાદેવા નહિ રહે ! છતાં વત્સ તે પૂછ્યું જ છે એટલે કહું છું કે તારા એ દેવદૂત નું નામ છે ''માં'' ! તું એને 'માં' કહી ને બોલાવજે !''

અને હવે પૃથ્વી પરથી આવતા અવાજો એકદમ સ્પષ્ટ સંભાળતા હતા અને એ ગર્ભસ્થ શિશુ એ સંપૂર્ણ વિશ્વાસ અને સંતોષ સાથે ધરતી તરફ પ્રયાણ કર્યું !!

નીતા શાહ

પુસ્તકો વસાવવા એ જિંદગીનું
સારા માં સારું Investment છે
વાંચવું અને વંચાવવું એ જિંદગીનું
સારામાં સારું Supplement છે
વાંચવું ને ઉતારવું એ જિંદગીનું
સારામાં સારું Achievement છે
મનોમંથન કરવું એ જિંદગીનું
સારામાં સારું Involvement છે
પુસ્તક-મૈત્રી કરવી એ જિંદગીનું
સારામાં સારું Development છે


ગમે તે જ લખવું એ જિંદગીનું
સારામાં સારું Commitment છે

લખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન....મને આ વિષય પર લખવાનું મન થયું કારણ છેલ્લા ૧૦ દિવસથી હું ગુજરાત ના અલગ અલગ

૪૪ લેખક,કવિ અને પત્રકાર ને વાંચી ને થોડું સમજવા પ્રયત્ન કરી રહી છું...આવા વિષય પર લખવું તે નાના મોઢે મોટી વાત કરવા જેવું છે.પણ ઓ'હેનરી ના શબ્દો એ જાણે લખવા માટે ધક્કો માર્યો, ''જે ગમે તે જ લખો. બીજા કોઈ નિયમ નથી,કોઈ બંધન નથી.'' આમ તો ખુબ જ કપરું કામ છે. મારા મતે કોઈક ને કંઈકરૂબરૂ માં કહેવું હોય તો જીભ ઘણી વાર થોથવાઈ જાય કારણ સામે વાળા શું વિચારશે ? આવા તો ઘણા એક સામટા પ્રશ્નો ઉઠતા હોય છે અંદરથી .એટલે જ મને લખવું ગમે છે.લખવું એ મૌન સાથે નો સંઘર્ષ છે.એક વાર જો કલ્પના ના અશ્વ પર સવાર થઇ ને મન ને મોકળું રાખીશું તો' કી બોર્ડ ' પર શબ્દો ના જાદુ થી આંગળીઓ તેની કમાલ દેખાડી જ દેશે.પછી તે ગદ્ય હોય કે પદ્ય,લઘુ વાર્તા હોય કે નવલ-કથા,કવિતા હોય કે ગઝલ,સોનેટ હોય કે હાઇકુ,હાસ્યલેખ કે કટાર હોય...આદિ..કોઈ પણ સર્જનાત્મક લખાણ માં ઓછા માં ઓછા સરળ શબ્દો માં પણ વીજ ચમકારો અનુભવાય,શબ્દો નું સાતત્ય અને પવિત્રતા સચવાય તો ચોક્કસ ઓછામાં ઓછા ૨૦% લોકોના હૃદય માં તો સ્થાન બનાવી જ શકીએ.બાકી તો સમય મોટો વિવેચક છે જ.

આજથી થોડા વર્ષો પહેલા ''પત્ર-લેખન'' કળા વિકસિત હતી,જયારે ટેલીફોન નો ઉપયોગ અગત્ય ના કામ મતે જ થતો. તે સમય માં લખવાની ટેવ

હાલ ના સમય કરતા વધારે જ હશે.એક પોસ્ટ-કાર્ડ કે આંતર્દેશી પત્ર જોઇને રોમાંચિત થઇ જતા.આજે એક જ વાત કહેવાની છે ''હવે આવનારી નવી પેઢી ને વાંચતા આવડતું હશે,પણ લખતા નહિ આવડે. શક્ય છે લેખન-કળા કદાચ વિલીન થઇ જાય.''

'' મરોડદાર અને કલાત્મક અક્ષરો હતી આપણી ઓળખાણ,

નથી લાગતું 'કી બોર્ડ' આ ઓળખ ગુમાવી દેશે...?''

આપણાં મુખ્ય-મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે 'ગુજરાત ના નાથ' અને રાજકારણ ના 'મહારથી' છે.તેઓ કવિ છે,વાર્તાકાર છે,ચરિત્રકાર પણ છે. લેખન પળનું પ્રાગટ્ય તેમના જ શબ્દો માં...

કલ્પનાના અશ્વ પર શબ્દ નો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે. મન મેદાન ની મોકળાશ ફૃતિ ને કાગળ પર થનગનતું રૂપ આપી જાય ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રીએશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખુને આખું આકાશ રૂપ-રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય-ઉઘાડી આંખ..પણ બહાર નહિ, અંદર હોય...શબ્દ ની શોધ નહિ,અક્ષરો નો મેળાવડો નહિ-હૃદય રડતું હોય-તીવ્રતા સ્પર્શતી હોય-જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દે: પણ નજર હૈયાને સ્પર્શે તો..? ભાવસાગર અંદર જ સમાઈ જાય...શબ્દોની નાવ હલેસા વગર હિલોળા લેવા માંડે.....!!! [શ્રી નરેન્દ્ર.મોદી.]

ક્યારેક ચિત્તની પ્રસન્નતા કંઈક લખાવે છે,તો ક્યારેક પીડાના પડછાયે કશુક લખી રહે છે.સંવેદન ગમે તે સમયે અને ગમે તે સ્થળે શબ્દરૂપ પામે છે.કોઈ સુવિધાપૂર્ણ નર્સિગહોમ માં જ કવિતા નો પ્રસવ થાય તે જરૂરી નથી.સમય પાકતા કવિતા કોઈ પણ સ્થળે અવતરે છે.કવિએ તેને વ્હાલપૂર્વક વધાવવાની તૈયારી રાખવી પડે.....!!! [શ્રી નીતિન.વડગામા ]

લેખક બનવા માટે પહેલા માણસ બનવું જોઈએ,ઈશ્વરદત્ત આશીર્વાદ મેળવવા જોઈએ.સંવેદનાને જાગૃત રાખવી જોઈએ.ખુબ વાંચવું,વિચારવું,વાગોળવું જોઈએ....!!! [શ્રી પ્રવીણ.સોલંકી.]

''આ મારી પાસે શસ્ત્રો છે જે શબ્દ નામ નું

છે શબ્દ ચક્ર કૃષ્ણનું બાણ રામ નું ...''

[ અમૃત ધાયલ.]

'' શબ્દ જયારે પણ સમજણો થાય છે

અર્થ ત્યારે કંકુવરણો થાય છે....''

['ધૂની' માંડલિયા.]

બસ હૃદય માં આગ ધધકતી હોય ત્યારે જ કલમ પકડી લેવી.લખવાનું મુલતવી રાખવું ઈસ્ત્રી ઠંડી પડી ગયા પછી કપડા પ્રેસ કરવા જેવું છે. સર્જકતાને કદાચ અવગણી શકાય પણ બહાર આવતી રોકી ન શકાય.સ્વપ્ન જુદું હશે,ભાષા જુદી હશે,વિચારો જુદા હશે,સાધનો જુદા હશે પણ સર્જકતા તો એવી ને એવી જ રહેશે...અકળ...અદીઠ.

-નીતા.શાહ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED