ભારત વર્ષ તો પરમ ભાગ્યશાળી દેશ છે જ્યાં પવિત્ર સરિતાઓ જેવું જીવન જીવતી અગણિત નારીઓ છે. વિશ્વના મહાન વિચારક કાર્લ માર્કસે કોઈ પણ સંસ્કૃતિના વિકાસની પારાશીશી તરીકે સ્ત્રી સ્વાતંત્ર્યને ગણાવ્યું છે.ભારત વર્ષમાં વેદોનું સર્જન કરનારા આપના પૂર્વજ ઋષિઓએ સ્ત્રીઓને પુરુષ સમાન દરજ્જો આપ્યો હતો.દેવી તરીકે ભારતીય મહિલાને પૂજાસ્થાને મૂકી હતી.અને '' યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા ''જેવા સુભાષિતો દ્વારા નારીનું સન્માન પણ થયું છે. આપણા પુરાણો અને ઉપનિષદોના સમયની નારીઓ વિદુશીઓ હતી. ગાર્ગી,લોપમુદ્રા,અરુન્ધાતી જેવી અનેક વિદુશીઓ પ્રસિદ્ધ છે.આપણે ત્યાં છેક પંદરમાં સૈકામાં કવયિત્રી મીરાંબાઈ સાચી ક્રાંતિ કરે છે.રાજરાણીના વૈભવને છાજે એ રીતે ક્રાંતિ કરે છે. આજે ભારતની કવ યિત્રીઓમાં મીરાંબાઈ પ્રથમ સ્થાને છે.
ભારતીય ઈતિહાસ ખાસ કરીને ભારતનો રાજકીય ઈતિહાસ સ્ત્રીઓના પ્રદાનને નકારી શકે તેમ નથી.છેક દ્રૌપદીના સમયથી સ્ત્રીઓ રાજકારણ ને જુદો આયામ આપી રહી છે.કૈકેયીથી શરુ કરીને રઝીયા સુલતાન, અહલ્યાબાઈ,હોળકર,ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી સ્ત્રીઓએ પ્રત્યક્ષ રીતે તો જીજાબાઇ,જોધાબાઈ,નુરજહાં જેવી સ્ત્રીઓએ રાજકારણ માં પરોક્ષ રીતે ભાગ ભજવ્યો છે. રામાયણ ના અરણ્યકાંડમાં સ્ત્રીને સઘળા દુખો માટે કારણભૂત માનવામાં આવી છે.શ્રી રામ ના મુખેથી કહેવડાવ્યું છે કે ''જપ,તપ કે નીયમરૂપી બધા પાણી ના સ્થાનોને સ્ત્રી ઉનાળાની ઋતુ રૂપે શોષી લે છે.સ્ત્રી અવગુણો નું મૂળ,પીડા આપનાર અને બધા દુઃખોની ખાણ છે.''
હવે આ જો જૂની વાત હોય તો આજની સ્ત્રીઓને શું સમજાય ? ''સ્ત્રીની બુદ્ધિ પગની પાણીએ'' અથવા ''સ્ત્રી નરકનું દ્વાર'' કહેનારા પુરુષોની આ સમાજમાં કમી નથી જ ,પરંતુ આ જ પુરુષો માટે સ્ત્રી એમના જીવન નું મહત્વનું અંગ છે.
છેક પ્રાચીનકાળથી મનુસ્મૃતિના સમયથી પુત્રીને પુત્ર કરતા ઓછી મહત્વની ગણવામાં આવી છે.અથર્વવેદમાં પુત્રીજન્મને ટાળવા માટેની વિધિ અને પ્રાર્થનાઓ છે.ઉપનિષદોમાં પણ પુત્રોત્પતિની કામના કરાઇ છે.પુત્ર પિતાનું પુત નામના નરકથી રક્ષણ કરે છે તેથી એને પુત્ર કહેવાય છે.એમ વેદો કહે છે.મહાભારત માટે દ્રૌપદી અને રામાયણ માટે સીતાને જવાબદાર ઠેરવતો આ સમાજ દર વખતે કોઈ પણ પરીસ્થિતિમાં સ્ત્રીને જવાબદાર ઠેરવે છે.જયારે પુરુષ લગ્નેતર સબંધ બાંધે ત્યારે સ્ત્રીનો કકળાટ એને માટે જવાબદાર હોય છે. પરંતુ સ્ત્રીના લગ્નેતર સબંધને આ સમાજ માફ કરી શકતો નથી. પુરુષ લેખકની આત્મકથાને ''પ્રમાણિક કબુલાત'' નું સર્ટિ આપીને હારતોરા પહેરાવાય છે.જયારે તસ્લીમા નસરીન ની આત્મકથામાંથી ચાર પાના કાઢવાની ફરજ પડે છે.
જોકે હવે સમય બદલાયો છે. ગુજરાતી સ્ત્રીને માત્ર પત્ની કે માતા બનીને પોતાના વ્યક્તિત્વને સીમિત કરવામાં રસ નથી.પોતાની દુનિયા રસોડાની બહાર પણ શ્વાસ લે છે.એન્જીનીયર,મેડીસીન કે કોર્પોરેટનું એક પણ ક્ષેત્ર એવું નથી કે ત્યાં સ્ત્રી અગ્રેસર ના હોય ! સમય કરવત લેતો રહ્યો છે અને સાથે કરવત લીધી છે ગુજરાતી સ્ત્રીના વ્યક્તિત્વએ. ધીરુબેન પટેલ,વિનોદિની નીલકંઠના સમયનું સ્ત્રી પાત્ર હોય કે વર્ષા અડલજા કે ઈલા આરબના સ્ત્રીપાત્ર હોય કે ''સાત પગલા આકાશ'' ની વસુધા ...ગુજરાતી સ્ત્રી લેખકોએ સમયની છાતી પર પોતાના હસ્તાક્ષર કર્યા જ છે. લોક કળા અને લોક સાહિત્યમાં પણ ગુજરાતી સ્ત્રીનું આગવું પ્રદાન છે. કચ્છની હસ્તકલા હોય કે ઝાલાવાડી ભરત,અમદાવાદની બ્લોકપ્રીન્ટ કે પંચમહાલની બેનોના કીડિયા અને કથીરના દાગીના ....કલાપ્રેમી ગુજરાતણ ક્યાય પણ વસતી હોય એ રંગો અને સુંદરતા સાથે પોતાનો નાતો જોડી જ લે છે. સૌથી અગત્યની વાત તો એ છે કે ગુજરાતી સ્ત્રીના લાગણીતંત્રને આજ સુધી બીજો કોઈ રંગ ચડી શક્યો નથી.
ગુજરાતમાં સ્ત્રીને સન્માન અપાવનાર વર્ગ માં પુરુષોનો પણ સમાવેશ કરવો પડે છે.અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં પણ સ્ત્રીઓ રાતના બે વાગે એકલી ટુ-વ્હીલર પર ફરી શકે છે.એનું કારણ એક જ છે કે ગુજરાત અને ગુજરાતના પુરુષોની સ્વચ્છ માનસિકતા છે એ નતમસ્તકે સ્વીકારવું જ રહ્યું.ગુજરાતના દરેક પાસમાં સ્ત્રીનો ઉલ્લેખ સતત કુટુંબની અગત્યની વ્યક્તિ તરીકે સન્માનનીય સભ્ય તરીકે થયો છે. છતાં એક સ્ત્રી તરીકે કહીશ કે ગુજરાતમાં સ્ત્રીને જે જોઈએ તે બધું મળ્યું છે એવું પણ નથી.અંતરિયાળ ગામડાઓમાં આજે પણ નિરક્ષરતાનો દાનવ મોજુદ છે.દહેજની પ્રથા તદ્દન નાબુદ થઇ નથી. સ્ત્રીભ્રૂણ હત્યા આજે પણ એક પ્રશ્ન છે, પરંતુ એના માટે સરકારે જે કામ કર્યું છે તે નકારી શકાય તેવું નથી.
ગઈકાલ સુધી સાપનો ભારો, બોજ કે ઉકરડો કહેવાતી દીકરી આજે ગુજરાતના ઘરોમાં દત્તક લેવાય છે.ગુજરાતમાં સ્ત્રીને આજે પણ સ્વતંત્રતા અને સલામતી આપવી એ એના પરિવારની ફરજ ગણાય છે.સ્ત્રી માટે હવે ઉઘાડી રહેલી નવી ક્ષિતિજો તરફ એણે પ્રયાણ કરવા માંડ્યું છે ત્યારે સ્ત્રીનો બદલાતો ચહેરો વધુ સુંદર, આત્મવિશ્વાસથી સભર, વધુ સંવેદનશીલ અને વધુ તેજસ્વી થઇ રહ્યો છે.
પુરુષ પ્રકૃતિ પર વિજય પામવા પ્રયત્ન કરે છે જયારે સ્ત્રી પ્રકૃતિથી અનુકુળ થવા સમાધાન કરતી રહે છે.ભારતની પ્રથમ આઈ.પી.એસ. ઓફીસર શ્રીમતી કિરણ બેદી ટેનીસ ચેમ્પિયન હતા. સને ૧૯૯૪ માં ૧૬ લાખ રૂપિયાનો પ્રતિષ્ઠિત મેગ્સાયસાય એવોર્ડ મેળવ્યો હતો. એ બહાદુર પોલીસ ઓફિસરને એક જ પુત્રી
છે અને એનું નામ પડ્યું છે ''ગુજ્જુ''. બહાદુર સ્ત્રીઓની બહાદુર બેટીઓ 'ગુજ્જુ' કહેવાય છે. આમ સ્ત્રી એ બદલાતા સમાજની સાક્ષી અને સાધન બંને છે.કારણ કે નવા સમાજને પોતાના શરીરમાંથી અને પોતાના મનમાંથી એણે જ જન્મ આપ્યો છે .
સ્ત્રી...
પહેલા પણ પ્રમાણિક હતી ને
આજે પણ પ્રમાણિક છે..
બદલાયા છે થોડા ક સમીકરણો..
આજે સ્ત્રી પરાવલંબી નથી
આજે સ્ત્રીશક્તિ નો પરચો આ
પુરુષપ્રધાન દેશ ''ભારત'' પણ જોઈ રહ્યો છે..
કઈ દિશા ને કઈ ટોચ પર નારી નથી...?
દરેકે દરેક દિશાઓ આજે નારી-શક્તિ થી ગાજે છે
ભૂલી જાવ સ્ત્રી એટલે રસોડાનું સંવિધાન..
ભૂલી જાવ સ્ત્રી એટલે બાળ-ઉછેર કેન્દ્ર
ભૂલી જાવ સ્ત્રી એટલે મર્યાદા માં લપેટેલું રતન..
ભૂલી જાવ સ્ત્રી એટલે પુરુષ જાતિના પગ નીચે કચડાતી જીંદગી..
ભૂલી જાવ સ્ત્રી એટલે ચાર દીવાલો માં કેદ ફફડતું પંખી...
ભૂલી જાવ સ્ત્રી એટલે ઉપભોગ નું સાધન...
આજની નારી સમગ્ર દિશાઓ,ગ્રહો,નક્ષત્રો,દેવ કે દાનવ...અરે બ્રહ્માંડ ને આહવાન
આપે છે....જો એક નારી ને સમજવી હોય,તેના વિષે લખવું હોય,તેના વિષે બોલવું હોય ...તો વધારે નહિ પણ ફક્ત ૨૪ કલાક એક સ્ત્રી બનીને જીવવાનો અનુભવ લો..
જીંદગી ના દરેક પાસાને એક સ્ત્રીત્વ પ્રમાણે દિલ થી સ્વીકારો..તો કદાચ ૧૦% સ્ત્રી
સમજાશે...બ્રહ્માજી એ કેટ કેટલા અગણિત રસાયણો ના ભંડાર ઠાલવ્યા છે એક નારી ના સર્જન માં...!
તેના દરેક રસાયણો પરાકાષ્ટાને પામે છે...
તેના ગુણધર્મો માં...ધીરજ,સહિષ્ણુતા,સંવેદના,પ્રેમ,મમતા,સન્માન,ખુમારી,ગુસ્સો,દ્વેષ,ઈર્ષા,શક્તિ,બુદ્ધિ,વિચારશક્તિ,સાહસ,શૌર્ય,વિવેક,રચનાત્મક....અરે ઘણું બધું...અધધધ....કહી શકાય તેટલું....!
અરે, નારી તો એક સોશિયલ ક્લીનર પણ છે...વિચારો સમાજ માં પુરુષો ની વિકૃતિ ને શાંત કરનારી ''વેશ્યા'' સમાજ માં ન હોત તો...કલ્પના કરો કેટલો ગંદો હોત આ સમાજ...!!!
આજે ''વિશ્વ નારી દિવસે'' પ્રભુ ને એક જ પ્રાર્થના....
જયારે જયારે મને અવતરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે ફક્ત એક ''નારી-યોની''
જ આપજે....સાર્થક જીવન જીવ્યા નું સૌભાગ્ય તો મળે...!!!
નીતા.શાહ.