જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જામો, કામો ને જેઠો

કંદર્પ પટેલ

Patel.kandarp555@gmail.com

www.kparticleworld.wordpress.com

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

છેલ્લે એ મોજ કરી કે,

( મમ્મી-પપ્પ્પાની શિખામણોને ધ્યાનમાં રાખીને બસમાં બેઠો – રસ્તામાં તારાપુર ચોકડી પાસે ડાકોરના ગોટા ખાધા – નારી ચોકડી / સોનગઢ થઈને બજુડના પાટિયે પહોંચ્યો – છકડા ચાલક સાથે અન્ય વાતો – બા-દાદા ની સાથે વાતો – દાદાનું ખમણ અને જલેબી લઇ આવવું – બા ના હાથનું ભાતું અને વાળું કરવું – બાજુમાં લક્ષ્મણ દાદાના પૌત્રો અંકિત અને પ્રશાંત સાથે બીજે દિવસે સોનગઢ આર.કે. ની પાઉંભાજી ખાવા જવાનું નક્કી થવું – ફળિયામાં ખાટલો ઢાળીને સૂવું )

આગળ મોજ કરીએ ચાલો,

-: મોજ – ૧૬ : કાઠિયાવાડ અને વેકેશન – રજવાડું :-

બહાર ફળિયામાં ઠંડા પવનમાં નસકોરાં બોલાવ્યા પછી હું કુંભકર્ણ સવારે સાડા છ વાગ્યામાં ઉભો થયો. રાત્રે વહેલા સુઈને સવારે વહેલા ઉઠવાનો આ અનુભવ મજેદાર રહ્યો. જો કે, આ અનુભવ અમુક દિવસ જ ચાલવાનો હતો. વહેલા જગાવવા માટે કારણભૂત સેન્સર એ કુદરતનું ઓટોમેટિક એલાર્મ હતું. સુરતથી નીકળતા પહેલા થેલામાં બ્રશ મૂકવાનું મમ્મીએ મને સોંપ્યું હતું, જે અચૂકપણે ભૂલી જવાયું હતું. તેથી બીજે દિવસે સવારે ઉઠીને લીમડાનું દાતણ અને ડાબરનો તીખો પાઉડર ડાબા હાથમાં લઈને ઘરના ફળિયાને સામે છેડે ઓટલા પર બેઠો. બાજુમાં રહેતા લક્ષ્મણ દાદાની ભેંસ મારી જેવા નવા પ્રાણીને જોઇને ઉભી થઇ ગઈ. ભેંસની શાંતિ હણી લેવા માટે સુરતથી અન્ય ખૂંખાર જાનવર આવ્યું હતું. પછવાડું બતાવીને ગોબરના પ્લાન્ટમાં બેઠેલી ભેંસ મને જોયા પછી, મોઢું અને શિંગડા મારા તરફ રાખીને બેસી ગઈ. અડધી-પડધી ઊંઘમાં લગભગ આખું દાતણ મેં ચાવ્યે કર્યું. પેલી ભેંસ જેમ વાગોળે એમ હું પણ દાતણ વાગોળ્યે જતો હતો. બખોલના છેડેથી નીકળતા ફીણના ફોદા માત્ર ભેંસ જ નહિ, હું પણ કાઢી રહ્યો હતો. દાઢી સહિત અન્ય ચહેરો સફેદ ફીણના સૂકાયેલા ફોદાથી લથબથ હતો. લીમડાનું દાતણ કડવું લાગે એટલે ક્યારેક ડબલામાંનું પાણી મોઢાની બખોલમાં ભરીને ભેંસની ગમાણમાં કોગળા કરતો જતો હતો. છેવટે, બા ની હાકલથી ફરીથી ઘરમાં ગયો અને ઓટલે બેઠો. બા એ આદું, જાયફળ અને મોરસ નાખીને ગળ્યું દૂધ બનાવ્યું હતું. તેને ઠંડુ પાડવા માટે તેઓ ચમચી ફેરવી રહ્યા હતા. તેમણે દૂધના છલિયાની સાથે એક પેંડો આપ્યો. બીજા પેંડાની માંગણીમાં ‘બાકીના બપોરે’ એવો જવાબ મળ્યો. આજે બપોરે તડકામાં રમવા જવા માટે દાદાને ફોસલાવવાના હતા.

બપોરે જમીને ફરીથી એ જ રૂટિન શરુ થયું. દાદા એ ઘરમાં અંદર સૂઈ જવાનું કહ્યું. બા ફરીથી મારી બાજુમાં ખાટલો ઢાળીને બેઠા. દાદા ડેલો ખુલ્લો મૂકીને ત્યાં ખાટલા પર સૂતા. બહાર પ્રશાંત અને અંકિત રાહ જોઈ રહ્યા હતા. ત્યાં ભૂરાદાદાનો જયસુખ પણ આવી ગયો. જયસુખ બજુડમાં મારો સૌથી પહેલો મિત્ર બન્યો હતો. તે મને તેના બીજા દોસ્તો પાસે લઇ જતો. લગભગ આખો દિવસ તેની સાથે ફરવામાં જ જતો. દાદા હજુ જાગતા હતાં. તમને મારી અવળચંડી પ્રકૃતિની ખબર હતી. તેમણે ખ્યાલ હતો કે, તેઓ સુઈ જશે એટલે બા ને ગમે ટેમ ફોસલાવીને હું રમવા બહાર ભાગી જઈશ. મે મહિનાનો તડકો અને તેમાં પણ કાઠિયાવાડ. બીમાર ન પડી જવાય તે માટે જ તેઓ મને બહાર રમવા ન જવા દેતા. પરંતુ, ગામડે માત્ર મોટી-મોટી બીમારીઓ જ થાય. તાવ-શરદી જેવું નાનું કણસલું કદી ન થાય. અંકિત અને પ્રશાંત ઘરની બહાર ગોઠવાઈ ગયા હતા. બીજી બાજુથી જયસુખ પણ બોલાવી રહ્યો હતો. છેવટે હું બહાર ગયો. દાદાને જાગતા જોઇને પાણી પી ફરીથી અંદર આવી ગયો. રસ્તામાં પેલા ત્રણેયને ઈશારો કર્યો કે, ‘અડધી કલાક પછી મળીએ.’ ત્યાં સુધીમાં દાદા સૂઈ જાય એમ વિચારીને હું બા પાસે ગયો.

“બા ! બહાર જવું છે. જવા દ્યો ને !”

“તારા દાદા હજુ જાગે જ છે, જાણ છે ને ? અને, બટા – આ તડકાનું બહાર ન જવાય. આમ જો, ચામડી બળી જાય. નીકળતું હશે આવા તડકે ? માંદો પડી ગયો તો શું કરીશું ?”

“અરે, બા ! રમવા નથી જવાનું. મોટી નિશાળે જવાનું છે. ત્યાં જઈને આરામથી બેસીશું. મોટા છોકરાઓ રમતા હોય એ જોઈશું. અને, સાંજે ભૂંગળા-બટેટાનો પ્રોગ્રામ છે, નાગજીકાકાની વાડી એ ! એટલે ત્યાં થઈને હું આવીશ. સાંજે રસોઈ બનાવતા નહિ.”

“એ હારું ! જાવ. પણ આમ જો, આપણે ખાલી જોવાનું જ ! મોટા છોકર્યો જોડે રમવાનું નઈ.”

આટલું બોલ્યા ત્યાં જ ખડકી ઠેકીને હું ઘરની બહાર કૂદ્યો. હું, પ્રશાંત, અંકિત અને જયસુખ. અમે ચારેય મોટી નિશાળે ગયા. બસ-સ્ટેન્ડની આગળ પાદરમાં જ મોટી નિશાળ છે. શ્રેણીબદ્ધ લીમડા, વિશાળ વર્ગખંડો અને મોટો પ્રાર્થનાહોલ. પરંતુ, તકલીફ એ હતી કે સરકારી સ્કૂલો ચાલુ હોય ત્યારે પણ બંધ જેવી જ લાગે. ત્યારે વેકેશનમાં તો સંપૂર્ણપણે તાળાબંધી જ હોય. તેથી ખેતરાં વાળા રસ્તે આગળ જતા સ્કૂલની બહારની દીવાલ આવે. તે દીવાલ પર તારબંધી કરેલી હોય. છતાં, એ તારને તોડીને તેમાં મોટું છીંડું પાડ્યું હતું. લગભગ ૬ ફૂટ જેટલી ઉંચી દીવાલ ચડીને અંદરની તરફ ઠેકડો મારવાનો ! આ પ્રક્રિયા મારી જેવા ચરબીયુક્ત શરીર માટે થોડી અઘરી હતી. કોઈ પણ કઠિન કામ પાર પાડવાના આઈડિયા તો જન્મતાવેંત જ આવવા લાગ્યા હતા. તેથી આ દીવાલનો પણ તોડ કાઢ્યો. દીવાલની આગળ એક સિમેન્ટની પાટ પડી હતી. તે પાટ જમીન અને દીવાલ વચ્ચે ત્રાંસી ગોઠવી. છતાં, ટૂંકું પડતા પથ્થરોની હાર ગોઠવી. અંતે, ગમે-તેમ કરીને નિશાળની અંદર પ્રવેશ્યાં. સ્કૂલના ખુલ્લા મેદાનમાં ક્રિકેટ ચાલી રહ્યું હતું. ત્યાં એક નિયમ હતો કે એક થી વધુ પીચ ક્યારેય નહિ બનાવવાની ! તેથી જે લોકો રમી રહ્યા હતા એમની સાથે જ રમવાનું શરુ કર્યું. બા નો નિર્ણય રફેદફે થઇ ગયો. બે ઇનિંગ્સ રમ્યા પછી સોનગઢની પાઉંભાજી ખાવા માટે પાછળના દરવાજેથી ભાગ્યા. દીવાલ ચડવા માટે બનાવેલ સપોર્ટ સિસ્ટમ હજુ ત્યાં ની ત્યાં જ હોવાને લીધે ઉતારવામાં સરળતા રહી.

પ્રશાંત અને જયસુખની ગાડી લઈને અમે સોનગઢ ગયા. બજુડ અને સોનગઢ વચ્ચે લગભગ તેર કિલોમીટર જેટલું અંતર. સોનગઢના બસ-સ્ટેન્ડ આગળ જ પેટ્રોલપંપ સામે આર.કે. પાઉંભાજી છે. સોનગઢ પહોંચતા અંધારું થવા આવ્યું હતું. થોડા-થોડા અજવાળામાં બલ્બનો પીળો પ્રકાશ દૂરથી સજીવ-નિર્જીવના મિશ્રણ જેવો લાગતો હતો. કોઈ ચિત્રકાર માટે પરફેક્ટ જગ્યા કહી શકાય, તેવી આર.કે.પાઉંભાજીની જગ્યા ! ખુલ્લામાં એક મોટી હોસ્પિટલની દીવાલ પાસે એક નાની લારી પર પોતાનો સમાન ગોઠવીને આર.કે.પાઉંભાજી ઉભી હતી. ‘ચાર - આખી’નો ઓર્ડર આપ્યા પછી અમે ખાટલા પર બેઠા. ખાટલાપર લાકડાનું એક પાટિયું મુક્યું હોય. તેના પર કાંદા-લીલું લસણ, લીલી ચટણી અને લસણની લાલ ચટણી હોય. એક મોટી થાળીમાં ‘ચાર આખી’ના ઓર્ડર મુજબ પાંવ મૂક્યા.

“કાકા, સુરતથી મે ’માન છે. જોર બનાવજો.” પ્રશાંતે કાકાને કહ્યું.

“ફરસાણ, તારે મને નો કે’વું પડે ! તું તારે ઝપટ બોલાવ. સાય્શ ઝોઈ એટલી માંગી લેઝે. હજી હમણાં જ ઝાડી રગડા ઝેવી બનાવીને લાય્વો સું ઘેરથી !”

પ્રશાંતને બધા ‘ફરસાણ’ જ કહેતા. તેનું નામ બોલતા કોઈને ન આવડે. મને ‘લાલા’ સિવાય બીજા કોઈ નામથી બોલાવવામાં આવતો નહિ. વિચિત્ર નામકરણ થયું હોવાને લીધે મારું નામ ઘણાને જીવનભર બોલતા આવડયું જ નહિ.

છેવટે, ગરમા-ગરમ ભાજી ભરેલી ચાર ડિશ ખાટલા પરના લાકડાના પાટિયા પર ગોઠવાઈ ગઈ. મોટાં ગ્લાસમાં છાસ પીરસાઈ. જાને પોતાના ઘરે જ ભોજન લેતા હોઈએ તેવી રીતે જ પીરસવામાં આવ્યું. ફૂદીનાની લીલી ચટણી તેમાં બોમ્બેનો ટેસ્ટ ભેળવતી હતી. લસણની લાલ ચટણીમાં સુરતની લસણીયા પાઉંભાજીનો આસ્વાદ જીભે ચડતો હતો. તેમાં પણ જયારે લીંબુનું સાથે આવે કટકું નાખ્યું ત્યારે તેનો મિજાજ જ બદલાઈ ગયો. ફૂલ ભાજી સાથે ચાર પાંવ આવતા હતા. ત્યાં પાંવને વચ્ચે કટ લગાવીને તેમાં લસણ અને ફુદીનાની ચટણી મિશ્ર કરીને તેને તળતાં. એકલું પાંવ પણ અફલાતૂન લાગે. લિમિટેડ જમણમાં ‘અનલિમિટેડ ડિશ’ની મજા લીધી. જતાં-જતાં કાકા એ ફરી એક છાસનો આગ્રહ કર્યો. ભરપેટ જમીને ફરી બજુડના પાટિયે પહોંચ્યા. ત્યાં ખાટલે ગોળીવાળી સોડા પીધી અને ત્યાંથી ગામના પાદર ગયા. ત્યાંથી છૂટા પડ્યા અને ફરી સાંજે નવ વાગ્યા પછી મળવાનું નક્કી કર્યું.

“આવી ગયો, લાલા ? પ્રોગ્રામ હતો ને આજે, નાગજીની વાડીએ ?”

“પ્રોગ્રામ હતો આજે એ હમણાં છે. નવ વાગ્યે જવાનું છે. દાદા ક્યાં ગયા ?”

“તારા દાદા હમણાં આવશે. અહી પાદર ભણી આંટો મારવા ગયા છે. કાલે ઘરે રહેજે. તને વાડીએ લઇ જવાની વાત કરતા ‘તા દાદા !”

“પાક્કું બા ! કાલે ફૂલ ટાઈમ વાડી એ કાઢવાનો છે.”

“ચાલો બા ! તમે ‘ને દાદા જમી લ્યો. હું હિંચકે હીંચકું છું.”

રાત્રે નવ વાગ્યે ફરી ઘરની બહાર નીકળ્યો. ખડકીને બહારથી બંધ કરી. ઘરે મોડો આવવાનું કહ્યું. કૂઈ પાસે બધા ભેગા થયા. આ કૂઈ લક્ષ્મણ દાદા જ સંભાળતા હતા. સમગ્ર ગામને પાણી અહીંથી જ મળતું હતું. રાત્રે એક કોથળામાં કુરકુરે અને ભૂંગળાના પેકેટ્સ ભર્યા. ગામડે બાજરાના રોટલા અને ચોખ્ખાં દૂધ પછી બીજા ક્રમે ખવાતી વસ્તુ કુરકુરે અને ભૂંગળાના પેકેટ્સ છે, એ ત્યારે મગજે ચડ્યું. સમગ્ર દિવસ દરમિયાન સૌથી વધુ આ પ્રકારનો નાસ્તો ‘ભાગ’ તરીકે બાળકો અને મોટા વડીલો ખાતાં હતા. જમીને પાન-મસાલાના ગલ્લે ઉભા રહેવાનું. તે બનતો હોય ત્યાં સુધીમાં એક કુરકુરેનું પેકેટ ખાઈ જવાનું. વળી, આપણે રહ્યા સુરતથી આવેલા મહેમાન. એટલે, કોઈપણ વ્યક્તિ આપણને ખર્ચો ન કરવા દે. મફતમાં મોજ અને રાજાના રજવાડાં જેવો સમય ચાલી રહ્યો હતો. ફરીથી ઘણી બધી સ્પ્લેન્ડરના કાફિલા સાથે અમે એક જગ્યા એ પહોંચ્યા. એ જગ્યા મારા માટે નવી હતી.

એ જગ્યા એ હતી, જ્યાંથી સમગ્ર બજુડ અને ખેત-ખેતરાં દેખાય. ફળિયામાં બાંધેલા ઢોર-ઢાંખર દેખાય. કેટલાયે ઘરની મેડીઓ દેખાય. ફળિયે ફાળિયું નાખીને સૂતેલા વૃદ્ધ દાદા દેખાય. ઝીણી કાળી ટપકી ધરાવતો લાલ સાડલો દેખાય. ચોરે કપાસના પાકની વાતો કરતા વડીલો જોવા મળે. ખેતરાંમાં સૂતેલા ભાગિયાઓ દેખાય. ખેતર અને ઘરના અલગ કનેક્શન હોવાથી વાડીએ સાંજના સમયે પાણી આવતું. ત્યારે વાડીમાં એકલી-એકલી પાણીની મોટરનો અવાજ આવે. ગંજીફાની બાજીમાં આવતીકાલની ચિંતા ઉડતી દેખાય. ક્યાંક ઓટલે ચિલમની ધૂમ્રસેર છૂટતી હોય. વાળું કરીને ગલ્લે ઉભેલા આધેડ પુરુષો મસાલો ચોળતા હોય. ક્યાંક વાસણ ઘસવાનો અવાજ આવતો હોય. વાતાવરણની જીવંતતાથી લઈને કુદરતની ગોદમાં સૂવા સુધીની પ્રક્રિયા દેખાય. ધીરે-ધીરે ઘરની લાઈટો ઓલવાય. ફાનસની વાટ બળે. લાકડાના માંચડે કાથીના લટકણમાં મૂકેલી તપેલીના બુઝારા નીચે દહીં બનતું હોય. નિશ્ચિંતતાનો શુદ્ધ શ્વાસ લેવાતો હોય. એ શ્વાસમાં ભોળપણ હોય. દરવાજે તાળું ન હોય. ભગવાન ભરોસે ઘરો ખુલ્લા હોય. શરીર સિવાય ચોરવા જેવી કોઈ વસ્તુ હોય નહિ. આ બધું જ આ જગ્યાએથી દેખાય.

એ જગ્યા હતી, ગામની પાણીની ટાંકી. લગભગ દસેક માળ જેટલી ઉંચી ટાંકી પર ચડતાની સાથે જ અલગ અનુભવ થાય. આજુબાજુ કોઈ નથી, એ ચકાસીને અમે એ ટાંકી પર ચડયા. ઉપર ચડીને બધા હાથ ફેલાવીને ઉભા રહ્યા. સરસરાટ પવન આવી રહ્યો હતો. શર્ટ પવનને લીધે ફુગ્ગો થતું હતું. ટાંકી પર ચડીને જોયું તો, ચંદ્ર આંખની સામે જ દેખાતો હતો. એવું લાગ્યું, તે નીચે આવી ગયો છે. એમ પણ પૂર્ણિમાના ચંદ્ર કરતા તરબૂચની ચીર જેવો ચંદ્ર મને વધુ ગમે છે. કારણ કે, ચંદ્રને પોતાને જ પૂર્ણતા પસંદ નથી. તેથી તો માત્ર દુનિયામાં વસતા સ્વાર્થી લોકો માટે મહિને માત્ર એક જ વખત પૂર્ણ થાય છે.

ટાંકી પર બધા વર્તુળાકારે બધા બેઠા. કુરકુરેનો કોથળો ખુલ્યો. બધા ફરીથી ઝાપટવા માંડયા. અંતે, લગભગ અડધો કલાક સુધી બધા ચૂપચાપ બેસી રહ્યા. કોઈ કઈ ન બોલ્યો. બધા એ મજા લેવા માંગતા હતા. ચોરી-છૂપીથી ટાંકી પર ચડયા હતા. તેથી તે ખેડાણની વધુ મજા હતી. લગભગ રાતના અગિયાર વાગ્યા સુધી ત્યાં બેઠા. એ અહેસાસનો કોઈ વ્યાખ્યા ન થઇ શકે. એ સમયે ક્રિષ્ના યાદ કરી હતી. સંપૂર્ણ દિલ થી ! ક્રિષ્નાની હરકતો યાદ આવી રહી હતી. તે હંમેશા મને એક બાર્બી ડૉલ જ લાગી હતી. તેનો ચહેરો સતત આંખ સમક્ષ આવી રહ્યો હતો. ઉપરાંત, એ સમયે ભીડમાં પણ એકલતા હતા. ત્યાં જ કોઈ અન્ય દિલદાર દિલની વાત લઈને આવ્યો.

“શું કંદર્પ ? કેવું ચાલે સુરતમાં કામકાજ ?”

“ચાલ્યા કરે ભાઈ ! સ્કૂલ, ટ્યુશન અને ભણવાનું.”

“એ તો તું કરે જ છે. કોઈ ગર્લફ્રેન્ડ તો હશે ને ? અમારે અહી ગામડામાં હોય તો તારે હોવી જ જોઈએ.”

હું માત્ર હસ્યો.

“જે બાત ! તું ન બોલ્યો પણ તારો ચહેરો બધું કહી ગયો. અરે, શરમાવાનું શું હોય ? અમે પણ તારી જેવા જ ઠોંગાઓ છીએ. બોલ, બિંદાસ બોલ.”

એ દિવસે ખરેખર એ માહોલ ક્રિષ્નાની યાદ આપી રહ્યો હતો. ઉપરાંત, મિત્રોની મશ્કરીઓ પણ મને તે દિવસે ક્રિષ્નાની વધુ યાદ અપાવી રહી હતી.

“હા. છે એક !”

“એ તો શહેરમાં ઈમોશન વાળો પ્રેમ હોય એટલે ત્યાં એક જ હોય ! અમારે અહી વાડીએ આવતા-જતા જ પ્રેમ થઇ જાય. ત્યાં પૂરો પણ થઇ જાય. કોઈ પાનના ગલ્લે, કપાસથી ભરેલ ગાડાં પર, કોઈ વાડીના શેઢે, સરસરતા ઉભા લાંબા ડૂંડાની પાછળ, ખારાંના લીમડે ‘ને ગોલરામાની કેડીએ. અમારે ફોનના કોન્ટેક્ટ ન હોય. જે ‘દિ મળે તે ‘દિ પ્રેમ કઈ લેવાનો, મન ભરીને ! કોઈ માથાકૂટ જ ન આવે. રિસામણાં-મનામણાં જેવું કઈ અમારી પ્રેમની ડિક્ષનરીમાં ન આવે.”

“ના ભાઈ ! અહી એક પણ હેન્ડલ ન થતું હોય ‘ને તું અનેકની વાતો કરે છે.”

“તું વાતને બદલાવ નહિ. જે પૂછ્યું, એનો જવાબ આપ.”

“કહ્યું તો ખરા, એક છે.”

મને ખ્યાલ હતો કે, એમનો બીજો પ્રશ્ન ‘નામ તો ‘કે !’ એ જ હશે.

તેથી મેં તરત જ કહ્યું, “નામ નહિ પૂછતાં.”

“હા, સારું-સારું. શું બાકી કેટલે પહોંચ્યો ?”

“કેટલે પહોંચ્યો એટલે ?”

“બહુ ડાહ્યો ન થા. મને ખબર છે, તને બધું સમજાય છે. શહેરવાળા થઈને આવું ભોળપણ ?”

“અરે, ક્યાય નહિ. હજુ અડ્યો એ નથી.”

“આ તો થઇ ખોટી વાત ! હવે સાચું બોલ.”

આ લોકો મારી વાત સમજવા તૈયાર જ નહોતાં. ખરેખર, કોઈ પ્રકારનું શારીરિક એટેચમેન્ટ હજુ થયું નહોતું. છતાં, મનમાં એ ઈચ્છા હતી કે એવું કંઇક થાય.

“ભાઈ સાચું ! હજુ કઈ નથી થયું.”

“સારું સારું, ન કહેવું હોય તો કઈ નહિ. અમે તને તારા લંગોટિયા ન લાગતા હોઈએ એટલે ન કહે તો ચાલે. પણ સાંભળ, અહી આવે ત્યારે અમે જ તને મોજ કરાવવાના છીએ. અને બીજી વાત, તે હજુ કઈ નથી કર્યું છતાં તું તેને તારી ગર્લફ્રેન્ડ કહે છે. જયારે, અમે તો હંધુયે કરી લીધું તોયે ગર્લફ્રેન્ડ જેવું કશું આવ્યું નથી.”

તરત જ બધા ખડખડાટ હસી પડ્યા. અંતે, કુરકુરે પૂરા કરીને અમે છુટા પડ્યા. ટાંકી પરથી નીચે ઉતર્યા. ઘરે જઈને ખાટલે આડો પડ્યો. તે દિવસે સૌથી વધુ યાદ આવેલી ક્રિષ્નાની ! આગલે દિવસે દાદા સાથે વાડીએ જવાનું હતું. તે સફર માટે હું ઉત્સાહિત હતો. આકાશની નીલી અભલા ટાંકેલી ચાદર ઓઢીને સૂઈ ગયા. ચંદ્ર હસતો હતો, કદાચ તે મામા મહિનો જ હતો.

(ક્રમશઃ)

Contact: +91 9687515557

E-mail: patel.kandarp555@gmail.com