જામો, કામો ને જેઠો (૭ - ઠૂંઠો) Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જામો, કામો ને જેઠો (૭ - ઠૂંઠો)

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(રેશમ ભવન એપાર્ટમેન્ટની સામે આવેલ કુબેરનું મેદાન – ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની હરકતો – મેદાનમાં અમારા વડે થતી પ્રિ-ક્રિકેટ ગોઠવણ – આઈસડીશ અને તેની સાથે અપાતું દોસ્તીનું પ્રૂફ – રમતમાં પ્રતિકના હાથમાં થયેલ ઈજા)

આગળ મોજ કરીએ ચાલો,


-: મોજ – ૭ : ઠૂંઠો :-

પ્રતિકના હાથમાં થયેલી ઈજા ગંભીર હતી. જયારે તેણે એવું કહ્યું કે, “ખબર નહિ, મને તો આ કાંડું નીચે ઉતરી ગયું હોય એવું લાગ્યું ત્યારે મેં તેને બીજા હાથના ટેકેથી ઉપર ચડાવી દીધું.”

હું, નિરજ અને પ્રતિક ત્રણેય હાથને જોઈ રહ્યા હતા. લગભગ આ વાતને ૧૫-૨૦ મિનીટ પસાર થઇ ચુકી હતી. હાથ પર થોડો સોજો જણાઈ રહ્યો હતો. ધીરે - ધીરે બધા મિત્રો એકઠા થયા.

“શું થયું?” મિલન બોલ્યો. ત્યાં જ,

“દાવ નથી દેવો લાગતો, એમાં આ બધા નખરા ચાલુ કર્યા લાગે છે. કાલે પણ આવું કરેલું. મારે દાવ જોઈએ, બીજું કઈ નહિ !” બેટ ઉછાળતો’ક ને કલ્પેશ આવ્યો.

“એય પ્રત્લા, ખોટી મગજમારી નઈં હો! બેટ ને સ્ટમ્પ આજે હું ઘરે નહિ લઇ જાઉં.” કલ્પેશ તો પણ બોલવામાં ઉભો જ નહોતો રહેતો.

છેવટે હું અને નિરજ બોલ્યા. “ડોફેશ, પ્રત્લાને કંઇક હાથમાં થયું છે. હાથ તૂટી ગયો હોય એવું લાગે છે.”

“દુઃખે છે ખરું પ્રતિક?” મિલન બોલ્યો.

“ના ! ખબર નથી પડતી. દુઃખતું પણ નથી અત્યારે તો !” પ્રતિક બોલ્યો.

“ચાલો ત્યારે, દાવ દ્યો ! એ બધું તો થયા કરવાનું. કેચ – બેચ પકડ્યા હોય આમ-તેમ એટલે થાય એ બધું ! મને રોજ આવું થાય છે.” કલ્પેશ ફરી બોલ્યો. પ્રતિકનો મગજ ગયો. પ્રતિકે જેવી રીતે હાથ ને કાંડાથી ઉપર ચડાવ્યો હતો એ ફરીથી એક્શન કરીને બતાવી.

“જોરદાર થયું લાગે છે પ્રતિક !” કલ્પેશ બોલ્યો.

છેક બાઉન્ડ્રી પાસે ઉભેલો અજય મદનિયાની જેમ ધીરે-ધીરે ચાલીને અમારી પાસે પહોંચ્યો.

“શું થયું પ્રતિક?” એક ની એક વાત એ સમયે આખા ગામને કહેવાનો સમય જરાયે નહોતો. બધાના મગજ ઠેકાણે નહોતા.

અજય અમારી સ્કૂલનો સૌથી ‘મોટો’ છોકરો હતો. જેને લગભગ મદનિયા જોડે આરામથી સરખાવી શકાય. લગભગ બધાના પગ જેવા તેના હાથ હતા. છોકરાને ગુસ્સો બહુ આવતો. અમે બધા તેનાથી બહુ દૂર રહેતા. મેદસ્વી શરીરને લીધે તેની નજીક જતા પરસેવાની બદબો બહુ ખરાબ રીતે નાકમાં ખરાબાનો ગોળીબાર કરી મૂકે. ગુસ્સો પણ સાતમાં આસમાને રહેતો. પ્રતિકનો પાક્કો ભાઈબંધ. દોડતી વખતે શરીર આખું લથડ-બથડ થઇ રહ્યું હતું. એના નામે અમુક ‘ફેંકા’ ગિનિસ બૂકની મિરર રેપ્લિકામાં દર્જ હતા.

જેમાંના અમુક,

 • એક વાર મેં ચાલુ ગાડીમાં પાછળના વ્હિલમાં હાથ નાખ્યો તો લગભગ બધા આરા તૂટી ગયા.
 • એક વાર મેં એક છોકરાને એવો માર્યો કે તે મરવાની અણી પર હતો અને મેં છેવટે પાણી પાઈને ઉઠાડ્યો.
 • આ તો હું મારતો નથી કોઈને એટલે, બાકી એક ઢીક્કે બેન્ડ વાળી દઉં.
 • સૌથી મોટો,

 • આ તો આપણને આ બધું ગમતું નથી, બાકી કોઈ પણ છોકરીને પટાવી દઉં.
 • આ દરેક વાતો સાંભળ્યા પછી અમને બહુ હસવું આવતું. તેની સામે તો અમે કદી પણ હસતા નહિ. રખે ને, કદાચ નાનો મુક્કો મજાકમાં પણ જો મારી દે તો આપણું આવી જ બને. બાજુમાં પણ ઉભું રહેવાનું ન પોસાય. ભૂલમાં ખભા પર ‘દોસ્તાર-દોસ્તાર’ કરીને બગલમાં લઇ લે તો બે કારણથી વ્યક્તિ મૃત્યુ પામે તેવી આશંકાઓ હતી.

  ૧) ખાટો – ગંધાતો બગલમાંથી ઉત્સર્જિત થતા પરસેવાને લીધે જો ભૂલમાં શ્વાસ લેવાઈ જાય તો

  ૨) બગલમા માથું ભિડાઈ જાય અને શ્વાસ ન લઇ શકવાને કારણે

  ટૂંકમાં, જો જીવવું હોય તો કોઈ પણ સંજોગોમાં શ્વાસ લેવાય તેમ નહોતો.

  આ અજય પ્રતિક પાસે આવ્યો અને પૂછ્યું,

  “પ્રતિક ચાલ હોસ્પિટલ જઈ આવીએ.”

  અજયના ઘરે વધારે પડતું સારું હતું. તેના પપ્પાએ તેના માટે સ્પેશિયલ ગેમ્સ રમવા માટે એક મોટી સિસ્ટમ બનાવી આપી હતી. એ સમયે અમારી પાસે સાઈકલ લેવાના યે ફાંફા હતા, તે વખતે એ બજાજનું ડિસ્કવર રાખતો.

  “મારા પપ્પાને પૂછી લઈએ અને પછી હોસ્પિટલ જઈએ.” આટલું બોલી રહ્યો ત્યાં તો અજય દ્વારા ખૂબ છીછરી વાત સાંભળવા મળી.

  “પ્રતિક, ફટાફટ કંદર્પની સાઈકલ પર બેસી જા. આપણે હોસ્પિટલ જઈ આવીએ. હું હમણાં જ ગાડી લઈને આવું છું.” બધા એ આ વખતે ડર રાખ્યા વિના મસ્ત ગાળ આપી. એ પોતે ડિસ્કવર લાવ્યો હોવા છતાં પ્રતિકને સાઈકલ પર બેસાડવાની વાત કરી.

  “અબે ઓ ! ગાડી લઈને આવ્યો છો તો બાઈક પર બેસાડીને લઇ જા પ્રતિક ને ! અમે લોકો સાઈકલ પર આવીશું. બાકીના ઘરે જાઓ. અમે ત્રણેય સીધા ટ્યુશન પર આવીશું. અને હા, પોતપોતાના ઘરે હજુ વાત ફેલાવતા નહિ. બહાનું શું કરવું એ અમે સંભાળી લઈશું.”

  અમે લોકો સાઈકલ પર હતા અને અજય ગાડી લઈને આગળ નીકળી ગયો. એ ભાઈ પ્રતિકને માતાવાડીમાં એક ઊંટવૈદ્ય પાસે લઇ ગયો. એ ઊંટડા એ શું ઉતળા કાઢ્યા એ જ ખબર ન પડી. પ્રતિકનો હાથ સોજાઈને દડા જેવો થઇ ગયો. અજયને પણ ધીરે – ધીરે ડરીને કહ્યું, “અહી થોડો લવાય પ્રતિકને? હાથમાં ક્રેક પડી ગઈ છે. સોજો આવ્યો હોય તો બરાબર છે. પણ, અહી તો કાંડું છુટું પડી ગયું છે.” છેવટે, અજય જોડે વાત કરવાનું પડતું મુકીને મેં પપ્પા ને ફોન કર્યો.

  પપ્પા એ સ્ટેશન પર ડોક્ટર પરેશ પટેલ સાથે વાત કરી લીધી. ખર્ચ અને સારવારમાં ધ્યાન રાખવાનું કહ્યું. હું, પ્રતિક અને તેના પપ્પા વિનુભાઈ ! અમે ત્રણેય પરેશ પટેલની કેબિનમાં બેઠા હતા. એ સમયે હિરો અને ગાંગાણી બંને બહાર ઉભા હતા. પ્રતિકને હોસ્પિટલાઈઝ કરવાનું નક્કી થયું. ફ્રેકચર હોવાને લીધે ઓપરેશન કરવાનું થયું. એ જ દિવસે બપોરે એડમિટ થયા. હું, હિરો અને ગાંગાણી ત્રણેય હોસ્પિટલથી સીધા જ ટ્યુશન પર ગયા.

  એ દિવસ ખરાબ હતો. અમે સમયસર પહોંચી ગયા. સવારના દોડાદોડીમાં એટલા થાકેલા હતા કે તેની કોઈ સીમા નહોતી. અમે ત્રણેય જાદવ સર નો ઇંગ્લિશનો પિરિયડ ચાલતો હતો, ત્યાં જ પહોંચી ગયા. અમે ત્રણેય ક્લાસમાં પહોંચીને લાસ્ટ બેંચ પર સીધા જ સુઈ ગયા. બાજુવાળા ને કહી દીધું કે, “જો કોઈ પૂછે કે કેમ સુઈ ગયા? તો કહી દેજો, મેં જે કહ્યું તે !” તેમને આખી વાત સમજાવી દીધી. ઇંગ્લિશના સર એ પૂછ્યું ત્યારે એમણે અમને સૂવા દીધા.

  લગભગ આવી રીતે દોઢેક કલાક પસાર થયો. તેમાં ઇંગ્લિશ અને સતાણી સર નો વિજ્ઞાનનો પિરિયડ પણ પૂરો થયો. બંને સર સમયની નજાકત સમજીને કશું બોલ્યા નહિ, અમને ઉઠાડ્યા નહિ. ઉલટાનું, સતાણી સર એ તો અમારા વખાણ પણ કર્યા. એ સમયે અમે ઊંઘમાં હતા એટલે એ સાંભળી શક્યા નહિ.

  પરંતુ, ત્રીજો પિરિયડ ગોહિલ સરનો હતો. હોમવર્ક કલેક્ટ કરવા માટે તેઓ નીકળ્યા. તેઓ તાજી લીમડાની દાંડી હાથ પર મારતા. અમે ત્રણેય છેલ્લી બેન્ચમાં ઘસઘસાટ સૂતા હતા.

  “એય, ઉભા થાઓ. તમારા બાપાનું ઘર નથી આ ! અને સુવું હોય તો ઘરે જ રહેવાનું !” એકદમ ધીરે – ધીરે સપ્તકના સ્વરોમાં બોલ્યા. અવાજ એકદમ બપ્પી ‘દા જેવો ! અને, નાનો એવો અણી કાઢેલો ફાંદો એકદમ બપ્પી લહરી જેવો જ લાગે. જો કે, અમે હોશિયાર સ્ટુડન્ટ હતા એટલે હોમવર્ક તો કર્યું હતું.

  “અમે, સર ના એ વાક્યના બદલામાં વટથી હોમવર્ક કાઢીને આપ્યું.” અમારું કહેવું એવું હતું કે અમે ભલે સૂતા પરંતુ અમે હોમવર્ક કર્યું છે.

  “હવા જે ચડી છે એ પોતાની પાસે રાખજો. આજ-કાલ તમારા કાર્યો વિષે રોજ ડી.બી. ગોલ્ડમાં આવે છે. મારે એક્શન લેવા ન પડે એનું ધ્યાન રાખજો.” મારા સામે જોઇને ગોહિલ સર એ કહ્યું. અને, એમ પણ એ લાઈન મારા માટે જ હતી. ગાંગાણી અને હિરો ‘ગર્લ ફેક્ટર’ તરફ ઓછા કામુક હતા. એ સમયે તેમના નામે જાહેરમાં કોઈ ‘કુડી’ જોડે નામ નહોતું બોલતું. હું જ એક એ બેંચ માં એવો હતો કે જેને આ વાક્ય બખૂબી લાગુ પડતું હતું. હું અંદરથી ખુશ પણ થયો અને એ જ સમયે એલર્ટ પણ ! ખુશ થવાનું કારણ એ હતું કે, આ એક જ સર એવા હતા જેને મારી દરેક બાજુની ખબર નહોતી.

  હજુ હું આ વિચારું છું ત્યાં જ, જોરથી એ લીમડાની દંડો પીઠ પર લગાવી દીધો. એ સમયે જેટલી ‘ગર્લ-ફ્રેન્ડ્સ’ ને હું શા માટે સૂતો હતો એના વિષે ખ્યાલ હતો એ દરેકે ગોહિલ સર ને એક-એક ગાળ આપી હશે જ એવું મને લાગ્યું.

  એ ત્રણ-ચાર દિવસમાં પ્રતિકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હાથમાં મસમોટો પાટો લગાવ્યો હતો. આ જમણા હાથમાં વાગ્યું હોઈ એટલે અનેક પ્રકારની તકલીફો ! ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે જેટલું ઈનપુટ હોય એટલું જ આઉટ્પુટ હોય છે, અલગ – અલગ સ્વરૂપે ! તેમ ખોરાકને ગ્રહણ કર્યા પછી તેનો નિકાલ તો કરવો પડે જ ! તેમાં જમવામાં જ તકલીફ પડતી હતી. ઉપરાંત, ક્રિકેટ રમવા આવવા માટે બહુ લાંબા સમય સુધી ‘બેન’ લાગી ગયો. ઘરેથી એકના એક દીકરાની વધુ ચિંતા રહેતી હતી. અમારા દરેકના ઘરની પરિસ્થિતિ સામાન્ય હતી, એટલે વાતો સમજાય તેવી હતી. પ્રેક્ટિકલ બનીને અમે વિચારવા લાગ્યા કે જો અમારી સાથે પણ આવું થયું તો ઘરેથી દરેકને ‘બેન’ લાગી જ જાય.

  એ દિવસથી અમે પણ રમવાનું કેન્સલ કર્યું. પ્રતિકના ઘરે જઈને અમે બેસતા. એના જોડે વાતોના વડા કરતા. ક્યારેક બહુ મન થાય રમવા જવાનું તો પ્રતિક સુધી વાત ન પહોંચે તેનું ધ્યાન રાખતા. એટલી સેન્સિટીવીટી તો અમારામાં હતી જ ! તેનું કારણ ખુદ પ્રતિક જ હતો. સૌથી વધુ અમારામાં ક્રિકેટ પ્રત્યે પેશનેટ હોય તો તે પ્રતિક હતો. તેથી જેમ બને તેમ અમે ક્રિકેટની વાતને ઓછી કરવાનો પ્રયત્ન કરતા. એ સમય પણ હવે ક્રિકેટના મેદાનોમાં પાયા રહેવાનો નહોતો. અમારી ટીમમાંથી દરેક પ્લેયર પોતપોતાના ક્લાસમાં ટોપર હતો. એકઝામ્સ નજીક આવતી હતી. પ્રતિક લખી શકશે કે કેમ તે સવાલ હતો. એક્ઝામ દરમિયાન આ હોસ્પિટલના કારણે માત્ર વાંચવાનું થઇ શકતું હતું. લખી – લખીને જે અમે કંઠસ્થ કરતા હતા તે થઇ શકે તેમ નહોતું. છતાં, પ્રતિક ૯ માં ની ફાઈનલ એક્ઝામમાં ૮૯ % લઇ આવ્યો.

  મારે પ્રતિક કરતા ૩ માર્ક્સ વધુ હતા તેથી મારો નંબર તેના કરતા આગળ હતો. હવે તો બોર્ડની એકઝામ્સ આપવાની હતી. ૧૦મું ધોરણ શરુ થવા જઈ રહ્યું હતું. વેકેશન ઓછું આપ્યું હતું. ટ્યુશન કલાસિસ માત્ર ૧૫ દિવસના ઉનાળુ વેકેશન પછી શરુ થઇ જવાના હતા. ગોહિલ સર એ જાહેર કરી દીધું હતું કે, તેઓ વેકેશનમાં અઘરા ચેપ્ટર્સ કમ્પ્લીટ કરશે. તેથી ૧૫ દિવસમાં જેટલું રમાય તેટલું રમી લેવું તેવું સમજીને આખો દિવસ મેદાનમાં પડ્યા રહેતા. ધીરે-ધીરે પ્રતિકને પણ ઘરે ખોટું બોલીને મેદાનમાં લઇ જતા. ગમે તેટલું ઠીકરું શરીર પર ઘસીએ છતાં ‘કલર જાય તો પૈસા પાછા’ તેવું જ શારીરિક અસ્તવ્યસ્તતા હતી.

  “સાંભળો, પોપડામાં દડો - બેટ ઉલાળવા નથી જવાનું ! જો ખબર પડી તો બધાના ઘરે ખબર કરી દેવામાં આવશે.” પ્રતિકના પપ્પા આ લાઈન હંમેશા બોલતા. જયારે અમે પ્રતિકને ઘરેથી બહાર જવા બોલાવવા જઈએ ત્યારે કંઇક સાંભળવાનું આવતું.

  “અરે, કાકા ! ક્રિકેટ રમવાનો હવે કંટાળો આવે, આ તડકામાં ! અહી, બધા રંગઅવધૂતના નાકે બેઠા. અથવા તો ચોપાટીમાં જઈને બેસીશું.” અમે માખણ લગાવતા.

  “આડું – અવળું કઈ ખાવાનું નથી. શરીરનું ધ્યાન રાખવાનું આ ઉનાળામાં ! અને, આ તડકામાં બહુ રખડવાનું પણ નહિ. ઉનવા થઇ જશે. બપોરે ૫ વાગ્યા પછી રોજ ભેગા થવાનું. ત્યાં સુધી બધાએ પોત-પોતાના ઘરે સુવાનું.” જેના ઘરે જઈને એના મમ્મી કે પપ્પા સમજાવે. આ સમયમાં પ્રતિકનું નામ ‘ઠૂંઠો’ પડી ગયું. આ નામ પાડનાર વ્યક્તિ એટલે કલ્પેશ રાદડિયા. રોજ-રોજ પ્રતિકને ઘરેથી બહાર લઇ જવા તેના મમ્મી કે પપ્પાને ગોળી પાવી પડતી. તેમાં એકવાર મજાક-મસ્તીમાં ‘ઠૂંઠો’ નામ બેન્ચમાર્ક બની ગયું.

  જો આવી ભલામણો સમજી જઈને તો ઉંમર સાથે દગો થયો કહેવાય. મેચ્યોર બનવું નહોતું. કદાચ, બધું તરત સમજાવા લાગીએ તો ભૂલ જ ન થાય. ભૂલ ન થાય તો અમારા પર ગુસ્સો કોણ કરે? જો ગુસ્સો કોઈ ન કરે તો વાતાવરણ શાંત થઇ જાય. આ વાતાવરણમાં સતત અમારા તોફાનના વાઈબ્ઝ તરંગિત રહેવા જોઈએ. તો જ જે-તે અવસ્થાની મજા છે.

  ટ્યુશન કલાસિસ ખૂલવાની તૈયારી હતી. છેલ્લું એક અઠવાડિયું બાકી હતું. અમે પૂરા જોશથી આખો દિવસ તડકો – છાયો જોયા વિના રમ્યા કરતા. મેચ પર મેચ જામતી ! એક દિવસ ફરીથી અમે બધા તકલીફમાં મુકાયા. બહુ ઉંચો કેચ પકડતી વખતે પ્રતિકના હાથ પર બોલ વાગ્યો .

  તેનો હાથ જમીન પર નીચે અથડાયો. તે તરત જ ઉભો થઈને હાથના કાંડા પર બીજો હાથ ફેરવવા લાગ્યો. હું તેની બાજુમાં જ બાઉન્ડ્રી પાસે વૃક્ષના ટેકે આરામથી ઉભો હતો. તેને જોઇને હું તરત દોડ્યો. મેચ કેન્સલ કરી અમે બંને ઘર બાજુ છટકી ગયા. હવે વિચારવા લાગ્યા કે શું બહાનું બનાવવું? પરંતુ, આજે હાથ સહી-સલામત હતો. માત્ર થોડો દુઃખતો હતો.

  છતાં, અમે બંને કારણો વિચારવા લાગ્યા કે કઈ હશે તો શું બહાના બનાવવા ? આ વાત અમે બીજા કોઈને કહી નહોતી.

  તસ્વીરના ઘર પાસે પહોંચ્યા. તસ્વીર સાથે પ્રતિકને ચીડવવાની મજા જ અલગ હતી. તરત જ મને આઈડિયા આવ્યો. હું બહાના બનાવવામાં માસ્ટર હતો. ‘ઈન્સ્ટન્ટ બહાના કેમ બનાવવા અને આંખોમાં આંખ નાખીને ખોટું કઈ રીતે બોલવું ?’ આ વિષય પર મારી પી.એચ.ડી હતી.

  “પ્રતિક, જો ભાઈ ! હંમેશા એવું હોય કે ઘરે મમ્મી-પપ્પા સામે સાચું બોલીએ તો વધુ સાંભળવું પડે. કારણ કે, એ સત્યમાં ગુનેગાર આપણે પોતે હોઈએ છીએ.”

  “તું એ બધું બંધ કર. આઈડિયા હોય તો આપ.”

  “ખોટું બોલ !”

  “પણ, શું ખોટું બોલું?”

  “રંગઅવધૂતના ખૂણે બેઠા હતા. ત્યાંથી બધા છૂટા પડ્યા પછી ઘર બાજુ આવતો હતો. ત્યારે પાછળથી દૂધવાળો એકદમ ફાસ્ટ નીકળ્યો. તેનું પાછળ કેરિયર પર રાખેલ દૂધનું કેબિન હાથને અડી ગયું. મેં જોરથી રાડ નાખી, પણ તે ઉભો રહે ખરો ! તેમાં આજે થોડો દુઃખે છે.”

  “પણ, ખબર પડી જશે કે હું ખોટું બોલું છું તો?”

  “તને દૂધવાળા એ જ કેબિન અથડાવ્યું છે. એવું માની લે ! ઘરે મેં કહ્યું, એમ જ કહેજે. આવું કહીને ગરમ પાટો પડ્યો હોય ઓપરેશન વખતનો, એ બંધાવી લેજે.”

  “તું સાલા મરાવીશ !”

  “અરે, બિંદાસ. તું ટ્રાય તો કર મારા ભાઈ !”

  બીજે દિવસે સ્કૂલથી છૂટીને આ વિષય પર વાત થઇ.

  “મિશન સક્સેસફૂલ. દૂધવાળો કામ કરી ગયો.”

  અમે બંને ખડખડાટ હસી પડ્યા. મેં કહ્યું, “ઠૂંઠો, સેન્સર વાળો !”

  ઉપરથી, હાથનો દુઃખાવો પણ બંધ થઇ ગયો. હવે, ટ્યુશન શરુ થવાનું હતું. તેના માટે બ્લેન્ક બુક્સ અને સ્ટેશનરી ખરીદવા જવાનું હતું. ૧૦માં ધોરણમાં ટયુશનમાં ગર્લ્સ & બોયઝની ગોઠવણ કઈ રીતની હશે, તેના અંદાજો લાગવતા હતા. મારા અને પ્રતિકના પર્સન્ટેજના આધારે બહુ મોટી ના-ઈન્સાફી થવાની હતી. અમારા બંનેના પર્સન્ટેજમાં માત્ર ૩ માર્ક્સનો જ ફર્ક હતો. જે ભવિષ્યમાં બહુ આડખીલીરૂપ બનવાનો હતો.

  ૮૯ % અને ૮૯.૬૭ % બંને બહુ અસરકારક નીવડવાના હતા. માત્ર ૦.૬૭ % ક્લાસની ગોઠવણીમાં મદદરૂપ થવાના હતા.

  (ક્રમશ:)

  Contact: +91 9687515557

  E-mail: