Jamo, Kamo ne Jetho - 1 books and stories free download online pdf in Gujarati

જામો, કામો ને જેઠો - ૧ (બોલ-બેટ)

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

Work @Navajivan Trust

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ



-: અર્પણ :-

મેઘધનુષી રંગોની માફક જીવનમાં ઘુસી ગયેલા દરેક અલ્લડ દોસ્તોને...!


-: પ્રસ્તાવના :-

આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું. સ્કૂલની લોબી, રિસેસની દિલ્લગી, બર્થ ડે પરના સમોસા અને પફની પાર્ટી, કોકા-કોલા અને માઝાની મજા, દોસ્તોના ઘરે નાઈટ-રીડિંગના બહાને થતું નાઈટ-ચિલ્લીંગ, સ્કૂલમાં દેખાતી એક મસ્ત ‘માલ’, એક તોફાની હેન્ડસમ છોકરો, ગાળોનો ચાલતો પાળો, ટ્યુશનમાં મળતી નજરો, ટીચરના હાથે પડતો માર, વાત કરવાના બહાને પૂછાતા પ્રશ્નો, બેન્ચની પાછળ ફરતી નજરો, ઈર્ષાથી દેખતી આંખો, પ્રવાસોમાં મળતો ચાન્સ, દિલ થઈને કરે ડાન્સ.

આ નોવેલમાં આવી જ કેટલીક વાતો છે. દરેક વાક્ય સ્કૂલ-ટ્યુશન-કોલેજના ફ્લેશબેકમાં લઇ જશે એ નક્કી. સાથે-સાથે કેટલીક મેચ્યોરિટી સાથે લેવાના નિર્ણયોની વચ્ચે આકાર લેતી મસ્ત-મૌલા સ્ટોરી. લફરાઓથી શરુ થઈને ઇન્ટિમેટ લવ સ્ટોરીઝમાં પરિણમતી મીઠી ઘટનાઓ. આ નાદાની ભરી વાતો જ જીવનના દુઃખમાં હસવા કારણભૂત બનતી હોય છે.

લેટ્સ એન્જોય.

હું કંદર્પ. કેટલાયે બીડીછાપ નામો પડ્યા છે. એમાંનું એક પોપ્યુલર નામ ‘કાંદો’. મારા અમુક જીગરી છે. જે સાલાઓ મારી જીંદગીમાં ને સળી કર્યા વગર નથી ચાલતું. આ બધામાં અમુક જીવડાઓ ઝેરી છે. દોસ્તીનું ઝેર પીવડાવ્યા જ કરે અને ગળું ફાડી-ફાડીને હસાવે. ગાંગાણી (મેહુલ), પ્રત્લો (પ્રતિક), કલ્પો (કલ્પેશ), કમલો (કમલેશ), ભગો (ધવલ), હિરો (હાર્દિક), મિલુ (મિલન) અને મનો (મનોજ). આ બધી જિંદગીની મીઠી હેરાનગતિઓ છે. બધી જ ‘નોટ’ પબ્લિક. તોયે ચિલ્લરની જેમ અવાજો કરે. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, હાઈક અને એવા કેટલાયે સોશિયલ મીડિયા એપ્સના જોજનો દૂરથી આવતા દોસ્તીના અવાજોની દુનિયામાં - લેટ્સ ટેક એન્ટ્રી.


-: મોજ ૧: બોલ – બેટ :-

૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૭. રંગઅવધૂત સોસાયટી.

સાંજના ૬ વાગ્યે હું અને પ્રતિક ઘરની બહાર હિંચકે બેઠા હતા. પ્રતિક અમારો કેપ્ટન. મેચ જોવાની સૌથી વધુ ઇન્તેઝારી પ્રતિકને જ હોય. આજે ઇન્ડિયા – પાકિસ્તાનની મેચ હતી. વર્લ્ડકપની ફાઈનલ. એમાં પણ ફાઈનલમાં ઇન્ડિયા Vs પાકિસ્તાન હોય એટલે પૂછવાનું જ શું? તે દિવસ સોમવાર હતો.

સ્કૂલથી બપોરે સાડા બાર વાગ્યે છૂટ્યા પછી નક્કી કર્યું કે આજે ભેગા થઈને ફાઈનલ જોઈએ. ટ્યુશનથી સીધા છૂટીને મેચ જોવાની હોય એટલે નાસ્તા – કોલ્ડડ્રિન્ક્સની મેચ સાથે મજા લેવી જ પડે. ટ્યુશનથી પાંચ વાગ્યે છૂટીને સીધા હું અને પ્રતિક તેના ઘરે ગયા. કલ્પો ‘ને ગાંગાણી બંને લોચો લેવા ગયા. હિરો કોલ્ડ-ડ્રિન્ક્સ લેવા માટે ગયો. બધા સાઈકલ લઈને ફટાફટ નીકળ્યા હતા. ત્રિકમનગરની ચોપાટી પાસે ‘કાકાનો લોચો’ લઈને ગાંગાણી અને કલ્પેશ પાછા આવ્યા. હિરો બ્લુ-બેરી અને થમ્સ અપ મોટી કોથળીઓમાં ભરાવીને લાવ્યો. નહોતું કહેવામાં આવ્યું છતાં, હિરો સમોસા લઈને આવ્યો. હંમેશની મુજબ, પોતાના માટે બે સમોસા વધારે જ હોય.

બધા ટીવી ની સામે ગોઠવાયા. હિરા એ કોથળીઓ ખોલવાનું શરુ કર્યું. અને, બધા એ તરત જ એને રોક્યો.

“સાલા, ઉભીનો રે ‘ને...!”

પ્રતિકે હિરાને કહ્યું, “ઉતાવળ જ હોય ખાવાની બધે.” ઘરે કોઈ હતું નહિ એટલે ગાળા-ગાળી શરુ થઇ.

“છેલ્લે, પાણીપુરી ખાધી હતી ત્યારે તું જ ઉતાવળી ‘નો થયો હતો. યાદ કર, લુખ્ખા.” હિરા એ પ્રતિકને કહ્યું.

“હારું, ભાઈ હારું. પણ પહેલા લોચો ખોલ. ગરમ – ગરમ ખાઈએ. બાકી પછી ગળે ઉતારવો અઘરો પડશે. આ શાસ્ત્રીને કયો ભાઈ આઘીનો જાય હવે. મેચ-બેચ ચાલુ કરો. બાકી, એમ ને એમ લોચો પતી જશે.” ગાંગાણી બોલ્યો.

“એય, પેલો મસાલો લાવ ભાઈ. હજુ વધારે નાખ લોચા પર. થોડુક હજુ તેલ લેતો આવ રસોડામાંથી...! લોચામાં નાખીએ થોડુક. પછી જો મોજ પડે ઈં. કોલ્ડ-ડ્રિંક કાઢો. પ્રતિક, જરા ગ્લાસ પણ લેતો આવજે. આ હિરો, ડોફો પ્લાસ્ટિકના ગ્લાસ લાવવું ભૂલી ગયો છે.”

થેલા એકબાજુ મુકીને બધા ટીવી પાસે ગોઠવાયા. હજુ શરુ જ કર્યું હતું ત્યાં જ કમલો આવ્યો.

“ડોફાઓ, અમને મુકીને એકલા-એકલા ખાઈ લેવાનું? જોઈ લીધા તમને. કામ હોય ત્યારે દોડતા આવે. અમને બધી ખબર પડે.”

“ઓયે વાયડી. બેસ છાની-માની. મેચ જો ‘ને લોચો ઝાપટ.” હું બોલ્યો.

હિરાને મેચ કરતા ખાવાની વધુ ઉતાવળ રહેતી. એનો હાથ સમોસાની કોથળીમાં પહોંચી જ જાય. ભારતનો દાવ ચાલુ થયો. ધીરે-ધીરે સમોસા ખૂટતા ગયા અને (લોચો + કોલ્ડડ્રિંક) પતાવ્યું. ઇનિંગના અંતે ૧૫૭ રન થયા. પાકિસ્તાનને ૧૫૮ રનનો ટાર્ગેટ મળ્યો.

“યાર, ગંભીર રમ્યો એટલે. બાકી, એટલા રન પણ ન થાત. અઘરું છે જીતવું. બોલિંગ સારી કરવી પડશે. ઈરફાન જો ખેલી જાય અને બોલિંગમાં બતાવી દે તો આજે મજો પડે.” કલ્પેશ બોલ્યો.

પ્રતિક અને બટર (નિર્મલ) રિવર્સ સ્વિંગ અને ઇન-સ્વિંગની વાતો કરતા હતા. એ બંનેને થોડીક વધુ ખબર પડતી. બટર ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેકગ્રા જ હતો.

પાકિસ્તાનની ઇનિંગ શરુ થવાની તૈયારી હતી.

પ્રતિકના મમ્મી તળેલી વેફર ભરેલું મોટી કાથરોટ લઈને આવ્યા. દરેકની ટીવી સામે નજર હતી અને હાથ એ કાથરોટમાં વારે ઘડીએ જતો હતો.

બસ, મેચ જામતી જતી હતી. કાર્ડિયોગ્રામની જેમ હાર્ટબીટ સ્લો-ફાસ્ટ થતી જતી હતી. વચ્ચે એક સમયે એવું લાગ્યું કે ભારત જીતી જશે. હરભજનની સત્તરમી ઓવરમાં જયારે મિસ્બાહ-ઉલ-હક એ ત્રણ સિક્સર ફટકારી ત્યારે સૌથી વધુ ગાળો ભજજીને અમે આપેલી. અઢારમી ઓવરમાં સોહેલ તન્વિર બે સિક્સ મારી ગયો ત્યારે તો એવું જ લાગવા માંડ્યું કે બાજી હાથમાંથી ગઈ...! શ્રીસંથ પરથી વિશ્વાસ ઉઠી ગયો.

છેલ્લી ઓવર ધોનીએ જોગિન્દર શર્માને આપી. ૬ બોલમાં ૧૩ રન બાકી હતા.

મિસ્બાહને લીધે એવું લાગતું હતું કે તે રન કરી જ જશે. સ્ટ્રાઈક મિસ્બાહ પાસે જ હતી. પહેલો બોલ જ વાઈડ. અને, જોગિન્દર એ કદાચ છેક સ્ટેડિયમ સુધી સુરતી સાંભળી હશે.

બીજા જ બોલે સિક્સર...! જોગિન્દરને પુષ્કળ ગાળો પડી. ૪ બોલમાં ૬ રન બાકી રહ્યા. બધાના જીવ તાળવે જ ચોંટેલા હતા. પેલી વેફર એકબાજુ જ રહી ગઈ હતી. સિક્સ પડે એટલે બાજુમાં જે બેઠો હોય એને માર ખાય. વિકેટ જાય તો મીઠો માર ખાય.

ધોની જોગિન્દર શર્માને કંઇક કહી રહ્યો હતો. છેલ્લી ઓવરની ત્રીજો બોલને સ્કૂપ શોટ મારવા જતા શોર્ટ ફાઈન લેગ પર ઉભેલો શ્રી સંથ કેમેરામાં ઝડપાયો.

ત્યાં જ પ્રતિક જોરથી બોલ્યો, “આ લગ્ગો મૂકશે.”

“ના, ના. સાલો પકડી ગયો. અઠ્ઠે ગઠ્ઠે પકડાઈ તો ગયો. જીતાડી દીધા. સચિન-બચિન જેવા ધુરંધરો સિવાય જીતી ગયા. ’૮૩ પછીનો પહેલો વર્લ્ડકપ. ટ્વેન્ટી૨૦ હોય તો શું થઇ ગયું? નવી જ ટીમ છે છતાં જીત્યા એ જીત્યા.”

જેવી આખી ટીમ ગ્રાઉન્ડ પર દોડી એ જોઇને અમે પણ રસ્તા બાજુ દોડ્યા. બધા રંગઅવધૂતના ખૂણે ભેગા થઈને ફરીથી સોડા પીધી. પોસ્ટ-મેચ સેરેમની જોઇને પ્લેયર્સ કરતા વધુ અમને આનંદ હોય તેવું લાગતું હતું.

આખો દિવસ એ જીતની ખુશી છવાયેલી રહી.

*****

પ્રાથમિકમાં કડક શિસ્તમાં રહીને આવ્યા પછી માધ્યમિકમાં એકદમ લિબરલ રીતે રહેવાનું અમને ફાવતું જતું હતું. વર્ષ ૨૦૦૭ના જુન મહિનામાં માધ્યમિકના વિદ્યાર્થીઓ બનવાની ઇચ્છાઓ મનમાં સેવાઈ ચુકી હતી. ક્લાસના બાઇફર્કેશન પછી અમે દરેક મિત્રો અલગ-અલગ વર્ગોમાં વહેંચાઇ ગયા હતા. આઠમાં ધોરણમાં એ.બી.સી...થી માંડીને એફ. સુધીના ક્લાસ ડિવાઈડ થયેલા હતા. અમારી આખી ટીમ સ્કૂલમાં સૌથી હોશિયાર ટીમ હતી. હંમેશા સાથે જ રહેવાનું અને બધા પોત-પોતાના ક્લાસમાં ટોપર જ હોય. લગભગ ૧૩ વર્ષની ઉંમર અને મૂંછનો કોંટો ફૂટવા જઈ રહ્યા હતા. હોર્મોન્સમાં થતા બદલાવો અમારા વર્તનમાં દેખાઈ રહ્યા હતા. ચહેરા પર ખીલ અને ફોડકીઓ નીકળવા લાગી હતી. એ સમયે ચાલતી બૂટ-કટ પેન્ટની ફેશનમાં અમે રંગાયેલા રહેતા. સલમાનની જેમ વચ્ચે પાથી પાડીને કપાળની બંને બાજુ શટરની જેમ ‘તેરે નામ’ સ્ટાઈલના વાળ રાખવાની મજા જ અલગ હતી. વાળને ચમકતા રાખવા તેલના થથેડા કરીને ઘરની બહાર નીકળતા. ચપ્પલ પણ અમારી પાસે પ્લાસ્ટિકની જ મોટે ભાગે રહેતી. જેની ડટ્ટી અમુક સમયે નીકળી જ જતી. એ ચપ્પલ આવતા ચોમાસા સુધી ચલાવવાની હોઈ તેને સાચવીને રાખવી પડતી. જેના ઘરે બહેન હોય એમને રોજ કપડા ધોવાના અને જેને મમ્મી ઘરે એકલી હોય તેને દર બે દિવસે કપડા ધોવાના, આ નિયમ રહેતો.

અમને દરેક દોસ્તોને જોડનારી કડી એટલે ક્રિકેટ.

આ દોસ્તીને વિકસવાનું સ્થળ એટલે રામકૃષ્ણ વિદ્યાભવન, રંગઅવધૂત સોસાયટીનો ખૂણો, કુબેરનું મેદાન (પોપડું), સમર્થ ટ્યુશન ક્લાસ અને સંત તુલસીદાસ ઉદ્યાનની સામેનો ખૂણો. આ દરેક જગ્યાઓ જાણે ઘરની જ કરી લીધેલી હોય તેમ જ વર્તવાનું.

અમારા ક્લાસ ટીચર મે’મ રેખાબેન હતા. જેને પ્રેમથી ‘રેખા બાડી’ કહીને સંબોધવામાં આવતા. જેમ-જેમ સમય યો તેમ ખબર પડી કે તેની બીજી એક સગી બહેન છે જેનું નામ ‘વિરુમતી જાડી’ છે. આ વિરુમતીબેન ની જમાવટ જ કંઇક ઔર હતી.

એક વાર્તા એવી ચાલેલી કે,

એક દિવસ વિરુમતી મે’મ ને તેના યુવાની કાળમાં છોકરો જોવા માટે આવેલો. શારીરિક સ્થૂળતા અને મેદસ્વિતાને લીધે તેનું થઇ શક્યું નહિ. પરંતુ, તેની નાની બહેન રેખાનું એ છોકરા જોડે થઇ ગયું. ત્યારથી બંને વચ્ચે ‘કટ્ટી’ થઇ છે. આજ સુધી બંને એકબીજા જોડે બોલતા નથી.

આ વાર્તા અમને ઘણી યોગ્ય લાગેલી.

‘હા, એવું જ હશે. વાંઢી એ જ લાગ ની છે.’ કોઈ પણ રીતે વિરુમતીને ગાળ તો રિલેટ કરવી જ પડે.

આ બધી મજા અને અસમંજસ વચ્ચે માધ્યમિક શરુ થયું. સમર્થ ટ્યુશન ક્લાસ એ સ્કૂલના જ શિક્ષકોનું હતું તેથી જીંદગીમાં પહેલી વખત ટ્યુશનમાં પગ મુક્યો. સ્કૂલ ગ્રાન્ટેડ છે એટલે કોર્સ ક્યારેય પૂરો નહિ થાય અને શિક્ષકો સરખું ભણાવશે નહિ તેવું સમજીને મેં ટ્યુશન રખાવી લીધું. પ્રાથમિકમાં સ્કૂલનો સમય બપોરનો હતો તેથી સવારે મોડા ઉઠીએ તો ચાલી જતું. હવેથી સવારમાં સાત વાગ્યે સ્કૂલમાં હાજરી આપવી જરૂરી હતી. જો સવારે પહોંચવામાં લેટ થઇ જાય તો પ્રાર્થના પૂરી થાય અને તેના પછી પહેલો એક પિરિયડ જતો રહે ત્યારબાદ ક્લાસમાં એન્ટ્રી મળે. નિયમો બધા નવા હતા. ઉપરાંત, શિક્ષકોને ‘ગૂડ મોર્નિંગ’ કહીને સંબોધન આપવાનું એ નવું આવેલું. રોજ પ્રાર્થના માટે ઉભું થવાનું અને હાથ ફરજીયાત જોડવાના. ટાઈનું સમોસું સરખું બંધાયેલું હોવું જોઈએ. ઉપરનું એક બટન ખુલ્લું રાખીને ઢીલી ટાઈ બાંધેલી દેખાય તો ‘રેખા બાડી’ સવાર-સવારમાં મેથીપાક આપે. ગાલ પર જ મારવાનું અને એ પણ જોરમાં. જાણે એના બાપ-દાદાની ભૂલની સજા આપણા પર ન ઉતારતી હોય...! આ બધું શરૂઆતના પહેલા અઠવાડિયામાં સમજાયું.

સ્કૂલનો પહેલો દિવસ હતો. અમે બધા જ મોજમાં હતા. અમે માધ્યમિકમાં આવી ગયા હતા. થોડી હવા પણ ભરાયેલી હતી. ઘરેથી પૈસા પણ હવે વધુ વાપરવા મળતા હતા. ટિફિન બોક્સ અને વોટરબેગ લઇ જવી હવે શરમ લાગતી.

મને ટાઈ બાંધતા નહોતું આવડતું. પપ્પા એ છેક પોતાના મેરેજમાં કોઈકના જોડે બંધાવી એ પછી ક્યારેય ટાઈ નહોતી બાંધી. હું પહેલી જ બેંચમાં બેઠો. અમને કોઈને એવી નહોતી ખબર પડતી કે, કોઈ ટીચર ક્લાસમાં આવે તો તેને ઉભા થઈને ‘ગુડ મોર્નિંગ’ કહેવાનું.

રેખા મે’મની એન્ટ્રી થઇ. મે તરત જ ટાઈ જેમ-તેમ કરીને ફિટ બાંધી ‘ને બેસી ગયો. શૂઝ હજુ લેવાના બાકી હતા. એટલે ચપ્પલ પહેરેલા. ક્લાસ ટીચર આવ્યા છતાં પૂરા ક્લાસમાંથી કોઈ ઉભું થયું નથી.

“કોમન સેન્સ જ નથી. અક્ખા ક્લાસ માંઠી કોઈને એવી ખબડ ની પડી કે કોઈ ટીચર ક્લાસમાં આવે તો તેમને ગુડ મોર્નિંગ કહીને વેલકમ કરીએ. પ્ડાથમિક માં હું શીખીને આવિયા? તમારા મંજુબેન એ કઈ ની શીખવેલું? અમ્ઠા તો બો બોલ્ટા છે ને એમ કે ! હું આવું કે બીજા કોઈ સિક્ષક આવે એટલે તરત ઉભા થિય જવાનું અને ‘ગુડ મોર્નિંગ’ કહેવાનું.” મંજુબેન એટલે અમારા પ્રાથમિકના પ્રિન્સીપાલ. હંમેશા માધ્યમિકના શિક્ષકો એમની ઉડાવ્યા કરતા. જે, પરંપરાગત રીતે ‘રેખા બાડી’ એ પણ કર્યું.

મૂડ ઓફ કરીને મે’મ ક્લાસની બહાર નીકળ્યા. બહારથી એક બીજા ટીચર નીકળ્યા. એમની જોડે વાતો કરી. કહેતા હતા કે, “મેનર્સ જેવું કંઈ ની મલે આ છોકરાઓ માં ! ક્યારે શું બોલવું? કેવું બોલવું? એ કંઈ ખબર ની પડતી.”

બંને શિક્ષકો આખા ક્લાસની સામે જોઇને હસ્યા.

ફરીથી રેખા મે’મ અંદર આવ્યા. પ્રાર્થનાનો સમય થયો. અમે તો બધા જ ક્લાસમાં બેસી રહ્યા. કોઈ ઉભું ન થયું પ્રાર્થના વખતે ! અને, ક્લાસ ટીચર રેખાના મગજનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો.

“ઉભા થવાની ખબર પડે કોઈને કે ની? એકદમ કમજાત છો બધા ! મા-બાપ લોકો એ તમને કઈ હિખ્વાડેલું કે ની? પ્રાર્થના હોઈ તો ઉભા થવાય એટલી બી બુદ્ધિ ની કે તમને?”

તરત જ આખો ક્લાસ ઉભો થઇ ગયો. હું પહેલી બેંચમાં બેઠો હતો. પ્રાથમિકની જેમ જ માધ્યમિકમાં પણ ટીચરો જોડે સારા-સારી રાખવાનું વિચારી રાખેલું. હજુ હું એ ટીચરને ઈમ્પ્રેસ કરવાના બહાના વિચારતો હતો ત્યાં જ, એ મારી પાસે આવ્યા.

“આ શું લારિયું બાંધ્યું છે ગળામાં?”

મારી ટાઈ ખેંચી રેખા મે’મ એ તો ! હું તો થોડી વાર હેબતાઈ ગયો. પહેલા જ દિવસે મને પકડ્યો?

“અને, શૂઝ કાં છે? ક્લાસમાં કેવી રીતે આવવું એ ખબર નથી પડતી? ડિસીપ્લીન એટલે શું એ અર્થ ખબર બી છે કે?”

“મે’મ, શૂઝ લેવાના બાકી છે અને ટાઈ બાંધતા નથી આવડતી સરખી હજુ ! શીખી લઈશ હું.”

“આ પ્ડાથ્મિકમાં ડબલ પટ્ટા વારા લારિયા આપી ડે એમાં જ કસું ની સીખતા આ છોકરાઓ ! કાલથી મને બધું જ ડિસીપ્લીનમાં જોઈએ. આજે બધા પોતપોતાના ઇન્ટ્રોડકશન આપશે. પોતાનું નામ, કઈ સ્કૂલમાં હતા એ સ્કૂલનું નામ અને સાતમાં ધોરણમાં આવેલ પર્સન્ટેજ.”

“ચાલ, તું જ સ્ટાર્ટિંગ કર. શું નામ તારું?”

“કંદર્પ.”

“હા. તો કંડર્પ થી આપને શરૂઆત કરીએ.”

“કંદર્પ તુલસીભાઈ પટેલ. રામકૃષ્ણ વિદ્યાભવન. પર્સન્ટેજ ૯૩.૩૩ %”

જાણે મેં બહુ ગંભીર ગુનો કર્યો હોય તેવી રીતે રેખા મે’મ એ મારી તરફ જોયું.

“આટલા પર્સન્ટેજ લાવ્યા પછીયે આવું ડીસ-બિહેવ?” હસીને બોલ્યા.

આખો ક્લાસ મારી સામે જોઇને હસ્યો. હું પણ હસ્યો. એ પછી કોઈક નવું આવ્યું હોય (ખાસ તો ગર્લ્સમાં) એ ધ્યાન રાખવાનું શરુ કર્યું. ઇન્ટ્રો વખતે નામ પણ જાણી લેવાય ને !

લગભગ કોઈ નવું લાગ્યું નહિ અને ગમ્યું પણ નહિ. અમુક લઠ્ઠાઓ નવા હતા. એ પહેલો દિવસ રહ્યો જોરદાર.

બીજા દિવસે ફરીથી એ જ સમયે ગોઠવાઈ ગયા બધા જ ! જેમ રેખા મે’મ એ ઈન્સ્ટ્રકશન આપી હતી તે જ રીતે બધા એ તે ફોલો કર્યું. આજે ટીચરની કોઈ જ ફરિયાદ નહોતી. પપ્પાએ શૂઝ લઇ આપ્યા નવા એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો. પરંતુ, ટાઈનો પ્રોબ્લેમ હજુ તેનો તે જ હતો. ફાવ્યું જ નહિ ! પછી ગમે તેમ કરીને બટન ન દેખાય તે રીતે ટાઈ ફિટ કરી દીધી. લગભગ પ્રાર્થનાનો સમય થયો. બધા ઉભા થવા જતા હતા જ ત્યાં દરેક છોકરાઓના શિશ્ન તંગ થયા.

એક છોકરી પિંક ટોપ સાથે બ્લુ સ્કર્ટ પહેરીને ક્લાસમાં આવી. હાથમાં ટપરવેરની બોટલ હતી. તેણે ડાબા ખભા પર લેધરનું બેગ લટકાવ્યું હતું. બીજા હાથમાં મોટું ફિશનું કી-ચેઈન હતું. તેમાં અલગ-અલગ ત્રણ ચાવીઓ હતી. બેગના બહારના ભાગમાં એક નાનું શાઈની કોફી રંગનું પર્સ હતું. માથામાં હેર-બેન્ડ અને લાઈટ પિંક લિપસ્ટિક સાથે હોઠ જોઇને એ મને અદ્દલ ‘શયનેષુ રંભા ||’ લાગી. લગભગ અમારા પ્રાથમિકમાં કોઈ છોકરી ફિગર-વાઈઝ આટલી પરફેક્ટ નહોતી. આ છોકરી ન્યૂ એન્ટ્રી હતી. લગભગ ઘૂંટણની નીચેના લાંબા સેક્સી લેગ્ઝ જોઇને આંખોના ડોળા બહાર નીકળી જ પડ્યા હતા. એકદમ અલ્લડ અને બેફિકરાઈથી આજુ-બાજુ જોયા વિના સીધી લાસ્ટ બેંચમાં જઈને એ બેસી ગઈ. પ્રાર્થના શરુ થઇ અને રેખા મે’મ એ ‘ન્યૂ સ્કૂલ ગર્લ’ને જોઇને ઉભા કરતા રોકાયા.

પ્રાર્થનામાં કોઈનું ધ્યાન નહોતું. બધાને એ લાસ્ટ બેંચ તરફ પાછળ ફરીને જોવું હતું. ત્યાં જ રેખા મે’મ બોલ્યા,

“લાસ્ટ ટુ સેકન્ડ બેંચ, સ્ટેન્ડ અપ. શું નામ છે? સ્કૂલમાં આવી રીતે આવવાનું? આ કોલેજ છે? ફરવા નીકળી છે તું બજારમાં?” આ સૌથી સારો મોકો હતો. દરેકને પાછળ જ જોવું હતું. જે ટીચરે તેને ઉભી કરીને આપ્યો.

“મારું નામ ડિમ્પલ કાકડિયા. સોરી મે’મ. એકચ્યુઅલી, મારા જોડે જીન્સ & ટોપ્સ જ છે. હું સ્કૂલના ક્લોથ્સ કાલે જ સીવડાવવા નાખ્યા છે. મારું લેટ એડમિશન છે એટલે થોડું લેટ થયું.” આટલું બોલી ત્યાં તો આખો ક્લાસ લટ્ટુ.

“ઓકે. આવતીકાલથી આવું નહિ ચલાવી લેવામાં આવે.”

ટીચર પર બધાને ગુસ્સો આવતો હતો. એ આ ક્લોથ્સ પહેરીને આવી તેમાં તેમને શું તકલીફ પડી ગઈ હશે? પણ, તે દિવસે એવું લાગ્યું કે વિજાતીય વ્યક્તિને જોયા પછી કંઇક અજીબ ફીલિંગ આવતી તો થઇ છે. તેથી હવે બાળકમાંથી કિશોર તરફ તો આગળ વધાયું છે તેનું પ્રૂફ મળી ગયું,

(ક્રમશ:)

Contact: +91 9687515557

E-mail:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED