જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જામો, કામો ને જેઠો

કંદર્પ પટેલ

Patel.kandarp555@gmail.com

www.kparticleworld.wordpress.com

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

છેલ્લે એ મોજ કરી કે,

( ગામડે જવા માટે ટિકિટ લેવાઈ ચૂકી હતી – ગામડે જવા પહેલાના અમુક દિવસોમાં આખો દિવસ TV પર સિરિયલો અને અન્ય શોઝ જોયા કરવા – પપ્પાની પોતાના કૉલેજ સમય દરમિયાનની વાતો – પપ્પા અને મમ્મીનું દાદા-દાદી બનીને નાટક કરવું – દાદા અને દાદીને તમના પૌત્રો આવવાની કેટલી ખુશી હશે એ વાતનું બખૂબી વર્ણન કરવું )

આગળ મોજ કરીએ ચાલો,

-: મોજ – ૧૫ : છકડો :-

અંતે, દિવસ આવી ગયો. ગામડે જવાની ઉતાવળ હતી તે શાંત થઇ રહી હતી. ત્યાં જઈને કરવાની મોજનું લિસ્ટિંગ કરી રાખ્યું હતું. પપ્પા એ ખિસ્સામાં પાંચ સો રૂપિયા મુક્યા. ૧૦૦ રૂપિયાના છુટ્ટા આપ્યા. વેકેશનમાં મોજ કરવા માટે ખર્ચો માત્ર ડિપાર્ચર ટિકિટનો જ હોય છે. ‘અરાઈવલ ટિકિટ’નો ખર્ચ જે-તે સગા-સંબધીના ઘરેથી છેલ્લે નીકળીએ તેમને જ ભોગવવાનો હોય છે. ઉપરાંત, જ્યાં રોકાયા હોઈએ તેઓ આપણા ખિસ્સામાંથી એક પણ રૂપિયો ઓછો ન થવા દે ! જીભના ટેસ્ટથી માંડીને સૂવા માટેની ચાદર સુધીનો ખ્યાલ સગા-સંબંધીઓ રાખે. ઉપરાંત, જે ખર્ચ કરવા પૈસા પપ્પાએ આપ્યા હોય તેમાં વધારો થાય – તેનું કારણ જે-તે સંબંધીના ઘરેથી નીકળતી વખતે મિનિમમ ૫૦ રૂપિયા અને નેક્સ્ટ ડેસ્ટીનેશન સુધી પહોંચવાની ટિકિટ ! આટલી સગવડ દરેક કુટુંબીજનો કરી જ આપતા હોય છે.

પરંતુ, આ વખતે મજાનો સમયગાળો લાંબો હતો. ૧૧-૧૨ સાયન્સમાં એડમિશન પ્રોસેસ થતા હજુ ચારેક મહિનાનો સમયગાળો હતો. તેથી બા-દાદા જોડે વધુ સમય વિતાવવાનું નક્કી કર્યું હતું. પપ્પા અને મમ્મી આ વખતે સાથે નહોતા આવી રહ્યા. હું પહેલી જ વખત એકલો સૌરાષ્ટ્રમાં જઈ રહ્યો હતો. તેથી અમુક નીતિનિયમોનું લિસ્ટ પપ્પા મને કહી રહ્યા હતા.

 • બસની બહાર માથું કાઢવું નહિ.
 • બસ ઉભી રહે ત્યાં નાસ્તો કરવો નહિ. ઘરેથી આપેલ થેપલા અને અથાણું ખાવું.
 • પાણી જ્યાં-ત્યાં પીવું નહિ. બેગના ડાબા ખાનામાં પાણીની બોટલ છે, તેમાંથી જ પાણી પીવું.
 • બને ત્યાં સુધી હોલ્ટ સમયે ઉતરીને તરત જ ફરીથી બસમાં બેસી જવું.
 • કોઈના ઘરે જઈએ ત્યારે તોફાન મસ્તી કરવા નહિ. જે બનાવે તે જમી લેવું.
 • તડકામાં બહુ રમવા જવું નહિ. તને કંઇક થશે તો બા-દાદા બિચારા તને લઈને ક્યાં દોડશે?
 • આવી અનેક શિખામણો સાથે મને બસમાં બેસાર્યો. જેટલું કહેવામાં આવ્યું હતું, તેનાથી બધું ઉલટું કર્યું. ભરૂચનો ટ્રાફિક જામ પસાર કર્યા પછી બસ આણંદની તારાપુર ચોકડી પાસે ઉભી રહી. તારાપુર ચોકડી પાસે ડાકોરના ગોટા અને ભજીયા બહુ મસ્ત મળે છે – આ વાત અમારા ઘરે ઘણી વખત થયેલી. ઉપરાંત, જયારે નાનો હતો ત્યારે મમ્મી સાથે ગામડે જતો ત્યારે રસ્તામાં દર વખતે બસ ત્યાં જ ઉભી રહેતી અને મમ્મી દર વખતે ગોટા લઇ આપવાની મનાઈ ફરમાવતી. તેથી પપ્પાએ આપેલ ૧૦૦ના છુટ્ટામાંથી દસ રૂપિયાની નોટ કાઢી અને ગોટાની એક ડિશ લીધી. ગરમાગરમ તીખા ગોટા સાથે જાડી પીળી કઢી ! મીઠાથી આવરિત થયેલ તીખી મરચીઓ ! એ પેટમાં પધરાવતા મેક્સિમમ ત્રણ જ મિનિટ થઇ હશે ! ઘરેથી આપેલા થેપલા તો અથાણાં જોડે બસમાં બેસતાની સાથે જ ‘હફ્ફા’ થઇ ચૂક્યા હતા. અંતે, સવારે ‘નારી ચોકડી’ની બૂમ સંભળાઈ. નારી ચોકડીથી શિહોર-સોનગઢ તરફના વાહનો મળી રહે.

  મારે મારા ગામ બજુડ જવાનું હતું. તેના માટે નારી ચોકડીથી શિહોર કે સોનગઢના છકડામાં બેસવાનું. ત્યાંથી બજુડના પાટિયે ઉતરવાનું. બજુડનું પાટિયું ‘ગરબો’ તરીકે ઓળખાય. ભાવનગર - રાજકોટ હાઈ-વે પર આંબલાથી આગળ નીકળીએ એટલે ‘બજુડ -> 5 km’ લખેલું બોર્ડ આવે. વચ્ચે અમરગઢ (જીથરી)ની પ્રખ્યાત ટી.બી.ની હોસ્પિટલ આવે. ત્યાંથી આગળ મારું ગામ બજુડ ! બજુડના પાટિયે એક નાની નિરાંત ઠેકાણું જેવી હોટલ અને વીર જટા અલકારાનો ઈતિહાસ લઈને અડીખમ ઉભેલી તેની ખાંભી ! બજુડના પાટિયેથી છકડો ભરાય નહિ ત્યાં સુધી તે ચાલે નહિ ! માત્ર ત્રણ-ચાર છકડાઓ જ ત્યાં ઉભા રહેતા. તેઓ પણ પોતાની મરજીના માલિક ! મન થાય તો જ છકડો ઉપાડવાનો ! લગભગ પાંચેક કિલોમીટરનો રસ્તો એકદમ કાચો અને ઉબડ-ખાબડ ! ભગવાને માણસને આપેલ ગાદી જેવા શહેરી ‘બમ’ અને ‘ચિક્સ’નું ‘બંજી જમ્પિંગ’ માત્ર અહી જ થાય. અંતે, હું સોનગઢ સુધી રિકશો (રિક્ષાનો હસબન્ડ)માં આવ્યો. ત્યાંથી મને બજુડના પાટિયા સુધીનો છકડો મળી ગયો. બજુડના પાટિયાથી અંદર પાંચ કિલોમીટર જઈએ ત્યારે ગામ અને રહેણાંક વિસ્તાર શરુ થાય. બજુડના પાટિયે છકડો ભરાય તેની રાહે ત્યાં બેઠો. પહેલા હું છકડામાં નીચે બેઠો.

  ત્યાં જ છકડાચાલક ભાઈ આવ્યો અને બોલ્યો, “કોનો સોકરો ?”

  “તુલસીભાઈ, ડોક્ટરનો !”

  “ક્યાં રે’વાનું ?”

  “સુરત.”

  “તાર દદાનું નામ હું?”

  “દેવરાજભાઇ ...”

  “કેવા ?”

  “મોરડિયા.”

  “ઠેક તંઈ ! દેવરાજ દદાના નાના સોકરાનો સોકરો !”

  “હા. હું કરે ડાક્ટર શાઈબ ? બોવ દિ થ્યા એન આઇવા એને તો ! કારે’ક તારા બાપાને ય મોકલ ! હું ને તારા બાપા બેય એક ઝ નીહાળે ઝાતા. મને કોઈ દિ કાંઈ નો આવડ્યું ! તારો બાપો ને હું બે’ય ફિશિયારીઓ જ ઠોકતા. પણ, વખત આવ્યે સોપડીયું વાંશી લેતો ! ઈમાં હંધી યે પરક્ષામાં પાશ થઇ ઝાતો. બોવ વરહ થ્યા ! જેના ભાય્ગમાં જે હતું એ હૌવને મળે ભાઈ. તું ભણે સો ને પાસો ? ઝોયામાં તો હુશિયાર લાગે સ !”

  “હા. દસમાં ધોરણની એક્ઝામ આપી. રિઝલ્ટ આવવાને હજુ વાર છે.”

  “એમ ? બોવ હારું લે તંઈ ! કેટલા આવહે ?”

  “ખબર નહિ ! એ તો રિઝલ્ટ આવ્યે ખબર પડે.”

  “રિજલ્ટ આવે ત્યાં હુધી તો આયાં જ સો ને ?”

  “હા, કાકા ! હમણાં ૨ મહિના અહી જ છું.”

  “હા, તે રિજલ્ટ આવે એટલે કે ! પેંડા ખવડાવું સોક્ખા દૂધના ! અંદર ગામમાં જ હું રવ સુ ! જઈં ઝાય ઈ પેલા મને કેજે. તારા બાપા હાટુ પેંડા લેતો ઝાઝે !”

  આટલી વાત થઇ ત્યાં જ એકસાથે ચાર-પાંચ વ્યક્તિઓ આવતી દેખાઈ. તરત જ, છકડામાં બધા ગોઠવાઈ ગયા. મને એ છકડાવાળા કાકાએ કહ્યું,

  “પાળીએ બેહવું સે ને ?”

  “ચડી જા, ઉપેર ! કાઈ નો થાય ! હોળ વરહનું સોકરું થાય પશી બધે બેહાય અને ચડાય !” છેલ્લી લાઈન મને તરત ન સમજાઈ. મને સમજાઈ રહે ત્યાં બીજા બધા હસવા લાગ્યા. હું યે હસ્યો પણ ખબર ન પડવા દીધી.

  છકડાનું એન્જીન ચાલુ કરવા માટે એક દોરડું જમણી બાજુ વીંટાળ્યું. પછી જોરથી છકડાની આડશે પગ રાખ્યો અને જોરથી ખેંચ્યું. ‘ફટ...ફટ....ફટટટ..’ કરતું એન્જીન ચાલુ થયું. તરત જ દોરડું વીંટાળીને છકડામાં મૂક્યું અને ઠેકડો મારીને સીધા સીટ પર બેઠા. ખોડિયાર માતાજીની મૂર્તિ સ્પીડોમીટરના બંધ થઇ ગયેલા કાંટા પર ચોટાડી હતી. લાલ રેશમી કપડાંના લીરા જ્યાં-ત્યાં બધે જ બાંધેલા હતા.

  આ છકડાઓમાં બેસાડવાની પણ ખાસિયત હોય છે. મહિલાઓ પોતાના કાપડાના થેલાઓ લઈને વચ્ચે બેસે. બાળકોને ખોળામાં બેસાડવામાં આવે અને પુરુષો છકડાની પાળી પર બેસે. છકડો શ્વાસ ન લઇ શકે તેટલા વ્યક્તિઓને ભરવામાં આવે ત્યારે તેનું રિ-એક્શન જયારે રસ્તામાં મોટો બમ્પ અથવા ઢાળ આવે ત્યારે મળે. જયારે ઢાળ ચડવાનો હોય ત્યારે પાળી પર બેઠેલ પુરુષોને નીચે ઉતરી જવાનું ! ઉપરાંત, જયારે બમ્પ આવે ત્યારે દરેકે આગળની તરફ ઝૂકવાનું, જેથી પાછળના ભારને લીધે આગળથી પલટી ન મારી જાય !

  અંતે, છકડામાં બેઠેલા બધા એ મારા વિષે પૂછ્યું અને છકડો ચલાવતા-ચલાવતા દરેકને મારો પરિચય કરાવ્યો. જયારે કોઈ ઢાળ ચડાવવાનો હોય કે પછી બમ્પ પસાર કરવાનો હોય ત્યારે “જે મા ખોડિયાર !” કહીને જ તેઓ છકડો ચલાવતા. પાંચ કિલોમીટરના રસ્તામાં વચ્ચે ‘નેરો ગેજ’ ટ્રેઈન ટ્રેક આવે છે. ત્યાં જંકશન પર એ ટ્રેઈન ઉભી રહે. રોજ રાત્રે અને સવારે એ ટ્રેઈન આવે. જેને ‘ધોળાગાડી’ અથવા ‘મેલગાડી’ કહેતા. ધોળા ગામ જંકશનથી ટ્રેન ઉપડતી એટલે તેનું નામ ‘ધોળાગાડી’ રાખેલું

  ત્યાં જ મારી સાથે બેઠેલા એક ભાઈ બોલ્યા, “રઘા, જલ્દી હંકાવ ! તારો દાદો ધોળાગાડીનો ટેમ થ્યો ! ટેમ પર નઈ પૂગાય તો અડધો કલાક ન્યાં ને ન્યાં ખોડાઈને ઉભું રે’વું પડશે !”

  “હા, તારો ડોહો ! બોવ ડોઢો, આઈ આટલી ફાસ્સ હાંકુ સુ ઈ નથ દેખાતું ? ‘ને આ સકડો કે’વાય ! દાદું પલેન નથી આ ! તાર બાપને ‘કે આભે ઉડે એવું વિમાનિયું ઘડી દેય !” આવી બધી મસ્તીભરી વાતોથી રસ્તો કપાઈ રહ્યો હતો. ધોળાગાડી આવે અને ફાટક બંધ થાય એ પહેલા જ છકડો સામે કાંઠે કાઢી લીધો. . અંતે, ‘બજુડ જંકશન’ પછી મોટો ઢાળ ઉતરીને છકડો ગામના પાદર તરફ દોડવા લાગ્યો. હવે ત્રણેક કિલોમીટરનો રસ્તો બાકી હતો. હવે ‘વિટામીન D’ એ ‘વિટામીન અસહ્ય’ બની રહ્યું હતું. છતાં, વન-વગડામાંથી આવી રહેલો પવન ઠંડક આપતો હતો.

  આ દૃશ્યો જોઇને મને ‘ગિલાનો છકડો’ યાદ આવ્યો. જયંતીલાલ ગોહેલ દ્વારા લિખિત આ ટૂંકી વાર્તા દસમાં ધોરણમાં જ ભણવામાં આવતી હતી. વળી, ગુજરાતીના પેપરમાં આ જ પાઠના લેખકનું નામ પૂછયું હતું, તેથી બધું યાદ હતું. અદ્દલ આ જ વાર્તાનું જીવંત દૃશ્ય હું જોઈ રહ્યો હતો.

  વચ્ચેથી અમુક પેસેન્જરને પોતાની વાડી સુધી બેસવા માટે ફ્રી લિફ્ટ મળતી. તેઓ બહારની બાજુ ટીંગાઈને ખીંટીની જેમ ઉભા રહેતા. પોતાનું ખેતર કે વાડી નજીક આવે એટલે છકડાચાલકને થોડી હાંકલ કરે. છકડો થોડો ધીમો પડે અને ચાલુ છકડાએ પોતે ઉતરી જાય.

  અંતે, પાદર તરફ નજર મળી. પાદરે બા-દાદા ઉભા હતા. છકડો ઉભો રહે અને દોડીને તરત જ તેમની પાસે જવું હતું. મૂળિયાભાઈની પંચરની દુકાન આગળ તેને છકડો ઉભો રાખ્યો. પાનના ગલ્લાના બાંકડા પર દાદા અને બા બંને બેઠા હતા. છકડો આવ્યો એટલે તેઓ તરત જ ઉભા થયા. છકડાની પાળી પર મને બેઠેલો જોઇને તેઓ છકડા તરફ આવ્યા. ફાઉન્ટન સોડા, આઈસક્રીમની દુકાન અને બસ-સ્ટેન્ડ. તેની આગળ કુલ્ફીની દુકાન. ડાબી તરફ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને હનુમાન દાદાની દેરી ! દેરીમાંથી સતત વાગી રહેલી રામધૂન. વાતાવરણ સંપૂર્ણપણે જીવંત હતું. કોઈ મસાલો ચોળી રહ્યું હતું તો કોઈ ડોબા લઈને ખેતર ભણી જઈ રહ્યા હતા. હું ફટાફટ નીચે ઉતાર્યો. તરત જ બા-દાદાને પગે લાગ્યો. છકડાના પૈસા ચૂકવીને હું, દાદા અને બા ઘર તરફ ગયા.

  ઘરમાં પ્રવેશતાની સાથે જ ગાર-માટીના લીંપણે સ્વાગત કર્યું.

  “આરામથી પૂગી ગ્યો ને, લાલા ?”

  “હા, બા. સ્લિપિંગ બસમાં બીજી શું તકલીફ પડે ?”

  “થેલો મૂકી દે સામેના ઘરમાં ! નાહીને તૈયાર થઇ જા. તારા માટે આજે તને ભાવતી વસ્તુ બનાવી છે.”

  “શું બનાવ્યું છે, બા ? જલ્દી કહો ને !”

  “તું ફટાફટ તૈયાર થઇ જા. ત્યાં સુધી તારા દાદા હમણાં ગામ ભણી ફેરો મારીને આવે !”

  પપ્પા ડોક્ટર બન્યા પછી ઢોર-ઢાંખરને ઘરમાંથી વિદાય આપી હતી. તેની જગ્યાએ બે રૂમ બનાવી હતી. જેમાં કપાસ અને અન્ય સામગ્રીઓ રહેતી. તે રૂમમાં મેં સામાન મૂક્યો. એર કન્ડિશનર કરતા વધુ ઠંડક આ રૂમમાં હતી. ફ્રેશ થઈને હિંચકે બેઠો. ત્યાં જ બા ગળ્યું દૂધ લઈને આવ્યા. બા એ રકાબીમાં છાલિયું મૂક્યું, જેથી તે ગરમ ન લાગે. સુરત વસતા તમામ કુટુંબીજનો અને તેમના ખબરઅંતર બા એ પૂછ્યા.

  થોડીવારમાં જ દાદા ખમણ અને જલેબી લઈને આવ્યા. અમારા ગામમાં એ સમયે ત્રિરંગી ખમણ બનતા હતા. અને, કૂઈની આગળ જ જલેબીની દુકાન હતી. સફેદ સ્વચ્છ પહેરણ અને ફાળિયું – આ દાદાની ઓળખ હતી. જે ઓળખ દરેક સૌરાષ્ટ્રના વ્યક્તિની હોય છે. પછી હું અને દાદા હિંચકે બેઠા. બા બપોરે જમવાનું બનાવવા ગયા. ખમણ અને જલેબી જોઇને મોં માંથી રસ છૂટી રહ્યો હતો.

  અંતે, બપોરે ગરમાગરમ ફૂલેલી રોટલીઓ સાથે બા એ બટાટાની સૂકીભાજી બનાવી. સાથે કેરીની કટકીનું અથાણું તેમજ શેકેલ પાપડ ! એકદમ જાડી લસ્સી જેવી છાસ સાથે ડુંગળીનો દડબો ! બાજુમાં રહેતા લક્ષ્મણ કાકાના ઘરેથી તપેલીમાં જમાવીને રાખેલ બરફ !

  બા એ ઝામરના પાંદડિયાવાળી પિત્તળની પડઘી મૂકી. પડધી પર કાંસાની તાંસળી મૂકી. બાજુમાં છાસની બોઘરડી, ખમણ હાર્યે ઝપટ બોલાવવા માટે દહીનું તપેલું, શાક, ઘી ની વાઢી, ખાંડેલા મરચા અને જલેબી મૂકી.

  દાદા ને બાયપાસ સર્જરી તેમજ ઉંમરને વાંકે પલાંઠી વાળીને ભોંયતળિયે નહોતા બેસી શકતા. તેથી તેઓ હિંચકે બેસતા. હિંચકાની બાજુમાં એક ટિપોઈ પર તેમની થાળી ગોઠવવામાં આવતી. બા એ દાદાની થાળી પીરસી અને મને પીરસવાનું શરુ કર્યું. મેં જેવું મોં માં પહેલો કોળિયો મૂક્યો ત્યાં જ બા બોલ્યા,

  “ઉભો રે છોરા ! તારા માટે એક વસ્તુ બનાવી છે, તને ભાવતી વસ્તુ !”

  “અરે હા બા ! શું બનાવ્યું છે ? જલ્દી બોલો.”

  બા એ એક થાળી પરના રૂમાલને હટાવ્યો. થાળીમાંથી બે કણીદાર સફેદ દૂધ જેવા પેંડા મારી થાળીમાં મૂક્યા. પછી આખી થાળી જ મારી સામે મૂકી દીધી. મોં ની બખોલ લાળરસથી ભરાઈને છલકાઈ ઉઠે એ હદ સુધી મને પેંડા પ્રત્યે લગાવ હતો. ગરમાગરમ માવો જયારે બનતો ત્યારે હું સૌથી પહેલા ખાતો. તેમાં કોઈ જ ડ્રાયફ્રૂટ્સ કે અન્ય પદાર્થો નહોતા. પરંતુ, એ છેલ્લા દસ દિવસમાં દૂધ બચાવીને બનાવેલા ઘી ની સુગંધ હતી. પોતાને જરૂરી દૂધ ન આરોગીને બાળકો માટે રિઝર્વ્ડ રાખેલ પ્રેમની મીઠાશ હતી. મારા માટે મીઠાઈનું સમાનાર્થી પેંડા જ હતું. એકદમ તાજા અને લાગણીનું મોણ ધરાવતા પેંડા મને અતિપ્રિય હતા. ખૂબ પ્રેમપૂર્વક બા એ મને જમાડ્યો.

  છેવટે, દાદા એ રોજ લેવાની દવા લીધી. બા વાસણ ધોઈને મારી પાસે આવ્યા. હું અને દાદા સાથે બેઠા હતા. દાદા એ ખૂબ આગળ વધવાની અને છેક સુધી ભણીને અનેક ડિગ્રીઓ મેળવવાનું કહ્યું. સાથે-સાથે અનેક જીવનલક્ષી વાતો પણ કરી.

  ત્યાં જ બા આવ્યા અને કહ્યું, “બોલ લાલા ! મજા આવી ? ભાવ્યું ?”

  “મજા જ આવે ને બા ! એમાં પણ તમે પેંડા બનાવ્યા હોય એટલે વાત પૂરી !”

  “હવે સાંજે શું ખાવું છે ?” બા એ સહજતાથી પૂછ્યું.

  “જે બનાવો તે બા !”

  “સારું ! કંઇક તને ભાવતું બનાવું.”

  “મને તો બધું જ ભાવે છે બા ! તમે જે બનાવો એ ભાવશે !”

  પછી થોડી વાતો કરીને અમે બપોરે રૂમમાં સૂતા. મને બહુ સળવળ થતી હતી, કારણ કે મારે બહાર બધા લંગોટિયા વેકેશન મિત્રોને મળવા જવું હતું. પરંતુ, પહેલો દિવસ હતો એટલે દાદાની વાત માનીને સૂઈ ગયો. બપોરે પાંચેક વાગ્યે ઉઠીને બહાર આવ્યો ત્યાં ફળિયામાં પ્રશાંત અને અંકિત બેઠા હતા. બા એ ફરીથી મને સરપ્રાઈઝ આપી. બાજુમાં રહેતા લક્ષ્મણ દાદાના પૌત્રો એટલે આ બંને ! તેમની જોડે વાતો કરી અને શૈતાની દિમાગોમાં ખુરાફાતી આઈડિયાઝ આવવા લાગ્યા. આવતીકાલે કરવાની મજાનું લિસ્ટ તે દિવસે બનાવ્યું. અંતે, બીજે દિવસે સોનગઢ આર.કે. ની પાઉભાજી ખાવા જવાનું નક્કી કર્યું. વાત કરતા ખબર પડી કે, બંને ભાઈઓ હજુ હમણાં જ ટુ-વ્હિલર ચલાવતા શીખ્યા હતા. એટલે બીજે દિવસે ત્રિપલ સવારીમાં સોનગઢ જઈને જલસા કરવાનું નક્કી થયું.

  બા સાંજનું જમણ બનાવવામાં પ્રવૃત્ત થયા. અગ્નિખૂણામાં રહેલા ચૂલાને જગાવીને તાવડી ગરમ કરવા મૂકી. કાળી માટી, રેતી, કુંવળ અને લાદના મિશ્રણનો ચૂલા પર બનતી રસોઈનો સ્વાદ અપ્રતિમ હોય છે. એવી એક કહેવત પણ હતી કે, ‘ચૂલા છીછરાં, આગવોણ ઊંડી ‘ને બેડ બમણી !’. બાજરાના રોટલા માટે બા કહે કે, ‘સાત પાણીનો રોટલો ‘ને એક પાણીનું શાક.’ કથરોટમાં પાવલીભાર મીઠું ઓગાળે, એક ટોયું લોટ નાખે અને ચૂલે મુકેલું પાણી કથરોટમાં નાખે. એ પછી લોટને કૂણવાનું શરુ થાય અને લોટ કઠણ થાય. છેવટે, પાણીનો એ છંટકારો લાગે અને ફરી વખત પાણી આપે. એમ સાત વખત પાણી અપાય અને લોટ કૂણવાય. એકસરખો રોટલો ટિપાયા પછી ઝડપથી તાવડીમાં એવી રીતે મૂકે કે જેથી હવા ન રહી જાય. હવા રહી જાય તો ભમરા પડે. ચપ્પુ, આંગળી કે તાવેથા વડે ભાત પાડીને તેમાં ઘી ભરીને બાજરાનો રોટલો તૈયાર થાય. ત્રાંબિયા જેવો રોટલો ભાંગવાનું મન ન થાય તેવો મનોહર રોટલો ઘડાય. બા એ રોટલા સાથે સરગવાની કઢી બનાવી. રાત્રે સૂતી વખતે ખાવા માટે બનાવેલ દૂધપાકને એક તપેલીમાં ભરીને તેને લાકડાના માંચડે કાથીના લટકણમાં મૂકી. ઠંડા પવનો એ તપેલીને ઠંડી કરતા રહે .

  લગભગ સાતેક વાગ્યા અને બા એ સાંજનું જમણ બનાવી નાખ્યું.

  “હાલો છોકરાઓ, આવી જાઓ વાળું કરવા !”

  દાદા અને હું ફરીથી ત્યાં પહોંચી ગયા. બા એ કહ્યું, “આજે તો રોટલા છે. ‘ને હાર્યે હરગવાની કઢી છે.” બધું તૈયાર થઇ ગયું અને બા એ ફરીથી બધાને પીરસ્યું.

  સાંજે દસ વાગ્યે દૂધપાક ખાઈને બા એ ફળિયામાં ખાટલો ઢાળી દીધો. દાદા ખડકી ખુલ્લી રાખીને મેડી નીચે સૂતા. તારાઓ ગણતા-ગણતા ક્યારે ઊંઘ આવી ગઈ એ જ ખ્યાલ ન રહ્યો.

  (ક્રમશ:)

  Contact: +91 9687515557

  E-mail: patel.kandarp555@gmail.com