Featured Books
શ્રેણી
શેયર કરો

જામો, કામો ને જેઠો (૬ - કુબેરનું પોપડું)

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

Work @Navajivan Trust

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(ઉગમનગરના મેદાનમાં કિશોર સાથે જવાનું નક્કી થયું – મનજી પોળો, કિશોર અને મારી જુગલબંધી – ડિમ્પલના ભાઈને હેરાન કરવા માટેની ટેક્નિક – નિષ્ફળ પ્રયાસ – ડિમ્પલનું મેદાન પર આવવું – અદ્દલ હિરોઈન લાગવી – કિશોર અને ડિમ્પલનું કનેક્શન – ડિમ્પલના ઘરે જઈને સામાન મૂકી આવવું)

આગળ મોજ કરીએ ચાલો,


-: મોજ – ૬ : કુબેરનું પોપડું :-

રેશમ ભવન એપાર્ટમેન્ટની સામે કુબેરનું મેદાન હતું. અમે તેને તળપદી કાઠિયાવાડીમાં પોપડું કહેતા. ‘મેદાન’ તો આજ સુધી કદી કહ્યું જ નથી. અમે એ ‘પોપડાં’ ના પ્યારા ‘પોપડાંપુત્ર’. ડિમ્પલને પાઠ ભણાવવા ઉગમનગરના મેદાનમાં કિશોર જોડે ગયો તો હતો, પણ જે રમવાની મજા આવે તેવી આવી નહિ. ડિમ્પલના ચક્કરમાં ક્રિકેટનો આટલો કિંમતી સમય થોડો વેસ્ટ કરી શકાય? છેવટે એ ડિમ્પલવાળું પ્રકરણ પડતું મુક્યું. ડિમ્પલ તો ન્યૂ એડમિશન હતી. અને, હજુ કેટલીયે બ્યૂટીફૂલ બાર્બી’ઝ વર્ષોથી અમારા જોડે ભણતી હતી. નવા માં માથું મરવું અને પસ્તાવું તેના કરતા ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’ની ફોર્મ્યુલા અપનાવી. જો કે, સ્કૂલથી છૂટીને ટ્યૂશન – ટ્યૂશનથી છૂટીને ૧-૨ ઇનિંગ મેદાનમાં ખેલી આવવાની ! આ નિયમ રહેતો.

સ્કૂલ હાફ-ગ્રાન્ટેડ હતી એટલે કોઈ હોમવર્ક ખાસ રહેતું નહિ. કારણ કે, શિક્ષકોના શરીરના એક-એક વાળમાં જ એટલી આળસ ભરી હોય કે ન પૂછો વાત ! આવીને ક્લાસમાં ખુરશી પર બેઠા એટલે પત્યું, પછી ઉભા થાય એ ક્લાસના છોકરાઓ ! અને, નજર તો એવી ટગર-ટગર માંડી રાખે કે જાણે એમના છોકરાને કિડનેપ કરીને ખંડણી માંગવાના હોઈએ ! ટૂંકમાં, શિક્ષકોનો બિઝનેસ જ આ હતો. ક્લાસમાં આવો, ફોર્સફૂલી ‘ગૂડ મોર્નિંગ’ કહેવડાવો, ૧૦-૧૫ મિનીટ મેક્સિમમ ભણાવો, ૫-૧૦ મિનીટ છોકરાઓની ઉડાવો, અવાજ કરો, ઘૂરકિયા કરો, અમુકને બહાર કાઢીને ક્લાસ શાંત રાખવાની ફોર્મ્યુલા અપનાવો, પ્રિન્સિપાલ ને આવતા જોઈ જાઓ તો ૫-૧૦ મિનીટ બીજા શિક્ષકના લેકચરની ખેંચી લો, ઇન્ટરેસ્ટ જાળવી રાખવા એક-બે જોક્સ કહો, બૈરી / ઘરવાળા એ - ચા ન બનાવી / મારી લાગે બરાબર ની, આવું છોકરાઓના મગજમાં આવવું, થોડી અમથી ગાળો આપવી, અમુક શિક્ષકને સારું લગાડવા મોનિટર-ગીરી કરવી, કોઈકને પાણીનો ગ્લાસ લેવા મોકલવો, ચોકનું બોક્સ લેવા બાજુના ક્લાસમાં ફર્સ્ટ બેંચ વાળાને ઓર્ડર કરવો, બીજા ક્લાસમાંથી શિક્ષક ડસ્ટર આપવાની મનાઈ કરે, પાછળની બેન્ચમાં બેઠેલા વિદ્યાર્થીઓને આગળની બેન્ચમાં બોલાવવા, વાતો કરતા હોય તેને પાછળ ફરીને ચોકના ટૂકડા કરીને મારવા, ગમે તેને ઉભા કરીને અજીબ પ્રકારના ગરીબ પ્રશ્નો પૂછવા, ન આવડે તો છેલ્લી ધૂળ ભરેલી બેન્ચમાં ઉભા રહેવા કહેવું, અમુક હોશિયાર ‘ટોપા’ઓના વખાણ કરવાં અને છતાં, છેલ્લી બેંચ વાળો અને ક્લાસની બહાર ઉભેલો ગમે તેમ કરીને કોન્ટેક્ટ કરી જ લે ! આ સામાન્ય રૂટિન હતું. જે લગભગ કોઈ સ્પીડ-બ્રેકર વિના ચાલ્યા કરતુ હતું.

સ્કૂલથી છૂટીને ટ્યૂશન અને ત્યાંથી કુબેર. લગભગ અમુક બજેટ સાથે અમે રવિવારનો આખો દિવસ કુબેરના પોપડાંમાં કાઢતા. ખેંચી – ખેંચીને છક્કા લગાવવા, ટીમને પોતે છેલ્લે આવીને જીતાવવી, સારી ફિલ્ડીંગ કરવી, અઘરા કેચ પકડવા, બોલને ક્લાસિક ‘સ્પિન’ કરાવવો, સાઈકલના પાછલા ટાયરને ‘હીટ’ કરે તેવો થ્રો મેદાનના કોઈ પણ છેડેથી કરવો – આ બધી રમ્યા પહેલાની લાક્ષણિકતાઓ હતી, જે રમવા જતા પહેલા મનમાં દોડ્યા કરતી હતી. અમારી ટીમ એટલે હું (લગભગ નકામો), કલ્પેશ (બેટિંગ), પ્રતિક – દ્રવિડ (કેપ્ટન બનવું વધુ ગમે – બોલિંગ), ગાંગાણી (ખેંચીને ‘આઉટ ઓફ ગ્રાઉન્ડ’ બોલ ફટકારનાર જેક સ્પેરો), મિલન (હોશિયાર છોકરો રમવા ઓછો આવે), નિર્મળ – મેકગ્રા (ઓછું બોલવાનું – વધુ રમવાનું), ધવલ – વાયડાઈ (એ ઉગમનગર વાળો, કુબેરનગરના મેદાનમાં ન ફાવે), કમલેશ – જોન્ટી રહોડ્ઝ (ઓલ-રાઉન્ડર અને ક્લાસિક ફિલ્ડર), હિરો (અડધેથી જોડાય અને ક્યારેક રમે પણ ખરો !) આ બધી અમે નોટો. આ ટીમ દોસ્તીમાં પણ સાથે અને રમવામાં પણ ! એ સમયે તો જીંદગીના જંગમાં પણ સાથે રહીને કામ કરવાની દુહાઈઓ આપતા હતા.

રસ્તામાં નક્કી થતું જતું હોય કે આજે ટીમ કોણ પાડશે? બધા આવશે તો ખરા ને? નહિ આવે તો બીજા સાથે મેચ રાખવી છે કે? આ બધી વાતો સાથે મેદાન પર પહોંચીએ. કોઈક સાઈકલના કેરિયરમાં ભરાવેલ બેટ (પાટિયું) કે સ્ટમ્પ સાથે દેખાય. કોઈકના ખિસ્સાનો ઉભાર જોઇને બોલ કોના જોડે છે એ ખ્યાલ આવી જાય. આવીને તરત જ કોઈક વળી, પાણીના પાઉચ લેતા હોય. રમવાનું હોય એટલે બગડવાના જ છીએ, એવું માનીને હિરો હંમેશા નાહ્યા વિના જ આવતો. સ્ટમ્પ મેદાન પર ઉભા કરવા માટે પાણી જોઈએ. ઘણી વાર એવું બનતું, કે કોઈની પાસે ખિસ્સામાં પૈસા ન હોય. બે-પાંચ રૂપિયા હોય તો એ પાણીના પાઉચ માટે બચાવીને રાખવાના હોય. ત્યારે જે ઘરેથી પાણી પી ને આવ્યું હોય તે મૂત્રમાર્ગે જ્યાં સ્ટમ્પ ઉભા કરવાના હોય ત્યાં નિકાલ કરે. ટૂંકમાં, જમીન ભીની કરે. ઉનાળામાં તરત ઉડી જાય એટલે ૨-૩ જણ એ તૈયાર રહેવું પડતું. કુબેરનું મેદાન એકદમ ઉબડ-ખાબડ હતું. તેથી જો તેની સામે રહેલી સરકારી સ્કૂલમાં રમવાનું મળે તો એ અમે વધુ પ્રિફર કરતા. મેદાનમાં એક બાજુ ટ્રાવેલ્સની બસો પડી રહેતી. બીજી તરફના છેડે કોલસાનું કામ ચાલતું હોય. છતાં, વચ્ચેના મેદાનમાં લગભગ મિનીમમ ૫૦ થી પણ વધુ પીચ હોય. તેનો મતલબ, કે બે પીચ વચ્ચેનું અંતર લગભગ ૩ ફૂટથી વધુ ન હોય.

યક્ષ પ્રશ્ન આવે કે કેપ્ટન કોણ બનશે? બધાને અભરખા ચડે કેપ્ટન બનવાના, પણ જે પહેલા બોલી જાય કે, ‘હું કેપ્ટન છું ભાઈ. કોઈને ન બનવું હોય તો કઈ નહિ.’ એ કેપ્ટન બનવા એલીજીબલ કેન્ડીડેટ. પછી ઘણાને ધખારા હોય કેપ્ટન બનવાના પણ એ ધીરે-ધીરે ઉતારી દે. અથવા કેપ્ટન તરીકે પ્રતિક એક તરફથી ફાઈનલ જ હોય. બીજા કેપ્ટન તરીકે કલ્પેશ અથવા ગાંગાણી રહેતા. કારણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. કલ્પેશ માનવ પૂરવઠાથી માંડીને રમવા માટેની સાધન-સામગ્રી બધી એ જ લઈને આવતો. જયારે ટીમમાં સભ્યો ઓછા હોય ત્યારે તેના ઘરેથી સંબંધીઓના છોકરાઓને સાથે રમવા લેતો આવતો. બે સ્ટમ્પ અને એક પાટિયું પણ એ જ લઈને આવતો. વળી, રમીને છૂટા પડીએ ત્યારે ઘરે સાચવવાની જવાબદારી કલ્પેશની જ હોય ! ટીમ પાડવા એકને વાંકો ઉભો રાખવાનો. એના પર બેટ મુકીને એક પહેલેથી જ સોગઠાબાજી ખેલેલી હોય એ મુજબ (ફિક્સિંગ) થી નંબર પડે. આ સિસ્ટમનું અમલીકરણ જયારે અમુક લોકો ‘હું રમવા આવીશ, પાક્કું !’ એવું કહીને દગો દઈ જાય અને ઓછા ટીમ મેમ્બર હોય ત્યારે જ કરવામાં આવતું. અથવા, કોઈ રમવા ન આવે અને ઉત્સાહી વ્યક્તિઓ મળ્યા હોય ત્યારે મેદાનમાં જવાને બદલે પ્રતિકના ઘરની આગળ રમવાનું નક્કી થાય ત્યારે આવી રીતે નંબર પાડતા. એમાં પણ જે નંબર પડતો હોય એનો શરૂઆતમાં જ છેલ્લો કે એનાથી આગળનો નંબર પડે એટલે ભાઈ કહે, ‘ઉભા રહો, આપણે તો ભગવાનનો નંબર તો રાખતા જ ભૂલી ગયા.’ જો ૭-૮ વ્યક્તિ હોય એટલે સિક્કો ઉછાળીને ૩-૩ ની ટીમ અને એક ‘ડબલ્યુ’ રાખવાનો. ‘ડબલ્યુ’ બનવાનો ફાયદો એ કે બંને ટીમમાં બેટિંગ આવે અને સ્ટમ્પની પાછળ ઉભા રહેવા મળે. આ નબળો ખેલાડી જ બને. જેમાં મને ઘણી વખત ‘ડબલ્યુ’ બનવાનો ફાયદો મળી ચુક્યો છે. આ વ્યક્તિ એવો હોય કે જે બે વખત દાવ લે ત્યારે માંડ બધાના એક વારના દાવની બેટિંગ સુધી પહોચી શકતો હોય.

દર રવિવારે આખો દિવસ રમવાનો પ્લાન હોય. બાય ડિફોલ્ટ, બધાને યાદ રાખવાનું જ ! લગભગ એક-દોઢ વાગ્યા સુધીમાં ત્રણથી ચાર ઇનિંગ્સ રમાઈ જાય. વળી, તડકો ઓછો થાય એટલે ઘરેથી ૪ વાગ્યા પછી નીકળી પડીએ. સાંજે સાત વાગ્યા સુધી ક્રિકેટનો કાર્યક્રમ ચાલ્યા રાખે. મોટેભાગે, સાયકલના વ્હિલને જ સ્ટમ્પ તરીકે રાખવામાં આવતું. નીચી સાયકલ હોય તો કેરિયર સુધી અને ઉંચી સાઈકલ હોય તો વ્હિલનો ઉપરનો પંખો, એ આઉટ થવાની નિશાની રહેતી. સાઈકલનું કયું વ્હિલ રાખવું એ નિર્ણય સાઈકલ-માલિકનો જ ! જે વ્હિલમાં આરા ઓછા તૂટેલા હોય એ તરફનું વ્હિલ સ્ટમ્પ તરીકે રાખતા. જો આરો કોઈ તૂટે તો પૈસા આપી દેવાની શરતે સાઈકલ મુકવામાં આવતી.

મેચ શરુ થાય એટલે અમ્પાયર કોણ બનશે? મહાન પ્રશ્ન. કોઈને બનવું જ ના હોય. પણ ત્યારે જ એક રમતી-રમતી ગપચિક શીરાની જેમ ગળે ઉતરી જાય એટલી મીઠી રિશ્વત આવે, ‘જે અમ્પાયર બનશે તે વન ડાઉન બેટિંગમાં આવશે.’ તરત જ અમ્પાયરની તો લાઈન થાય. ‘લેંઘો’(લેગ બાય) અને ‘થર્ડ’(થર્ડ અમ્પાયર) પણ દોડતા દોડતા આવે પ્રિ-બુકિંગ માટે ! પાછો બીજો પ્રશ્ન. એ પણ આગળના સવાલો કરતા વધુ ભયંકર ! ‘પહેલા બોલિંગ કોણ કરશે? પહેલી ઓવર નાખનારને બેટિંગ છેલ્લી મળશે.’ એટલે પહેલા તો બોલ ૨-૩ ના હાથમાંથી પાસ થાય અને કોઈ એક જેને પોતાની બેટિંગ પર કે બોલિંગ પર કોન્ફિડન્સ ન હોય તે પહેલી ઓવર નાખવા માટે તૈયાર થાય. તેના મનમાં એ પણ ચાલતું હોય કે, ‘ઓપનિંગમાં આવીશું અને તરત આઉટ થઇ જઈશ તો પછી બીજાની બેટિંગ જોવાની મજા તો આવવાની જ નથી.’ ઘણી વાર બોલ સાયકલના કેરિઅરને અડે તો ‘આઉટ’ કે ‘નોટ આઉટ’ એ ગંભીર પ્રશ્ન બની જાય ! ત્યારે સાયકલવાળો આવે અને પોતે જે ટીમમાં હોય એ ટીમ તરફી પોતાની સાયકલના કેરિયરની ઉંચાઈ પ્રમાણે નિર્ણય લેવામાં આવે. એમાં પણ ક્યારેક આગળ – પાછળ જવામાં મનદુ:ખ થાય. જો એ જ કેરિયરની ઉંચાઈ નક્કી થયા પછી એ જ નડી જાય અને હારી જવાય તો જેને આમ-તેમ થયું હોય તે ગાળાગાળી કરે પણ ખરા.

પણ એ પછી, પાછા સાથે ભેગા થઈને બપોરે ૧૧-૧૨ વાગ્યે પેલા કલરફૂલ ગોળાની ડીશ ખાવા ચારે બાજુ ઉભા રહીએ. અને બજેટ ૩ રૂપિયાનું હોય સવારનું. ૧ રૂપિયો પાણીના પાઉચનો અને ૨ રૂપિયા ગોળાની ડીશના. રોડ પર ઉભા રહીને બપોરના તડકામાં ગોળા-ડીશ ખાવાની મજા તો સ્વર્ગના વૈભવ કરતા પણ વધુ છે. એ પણ અઝીઝ દોસ્તોની ટોળી સાથે. એમાં પણ , ‘કાકા, એ કાકા..! થોડોક કલર નાખો ને..!’ અને કાકો દાઝનો માર્યો ઢોળી દે, તોય આપણે તો પૂરી મોજ સાથે જ ખાવાનો. પછી જતી વખતે પાછા બપોર પછીના સેશનમાં કેટલા વાગ્યે મળવું એની રસ્તા પર ચાલતા – ચાલતા ફોર્મલ મીટીંગ થાય. કેરિઅરમાં પાટિયું ભરાવી અને સાયકલના પાછળના પંખાની ઉપર અને કેરિયરની વચ્ચે બોલ ભરાવીને સાયકલ ધૂમ સ્ટાઈલમાં ઘર બાજુ દોડાવી મૂકવાની.

ઉનાળાના ભરબપોરે તડકે ફરીથી ટોળકી ભેગી મળે. કેરીનો રસ અને ૮-૧૦ રોટલીનું પેટ-પૂજન કર્યા પછી બપોરે ઘસઘસાટ ઊંઘ લઈને ચારેક વાગ્યા પછી મળીએ. બપોર પછી પછી કોઈ હરીફ ટીમ સાથે ૫-૫ ની મેચ રાખવાની કે નહિ એ સવારે નીકળતી વખતે નક્કી કરી દીધું હોય. વળી, જો તે દિવસે કોઈનું પર્સ ભારે હોય અને એની પાસે ૧૫-૨૦ સુધીની ‘ફર’(વ્યવસ્થા) હોય તો એ મેચ રાખે અને બાકીના એને જોઇને કહે, ‘એને ક્યાં તાણ છે ! રાખે એ તો મેચ.’ અને જીતીએ તો પાછું ટીમનું પર્સ ભારે થાય, અને ખેલાડીઓના ‘પગ ભારે’ થાય. કારણ કે, એ ૨૫-૩૦ રૂપિયા થાય એટલે પાછું રંગઅવધૂતના ખૂણા પર સરકારી સ્કુલ પાસે દરેકને વડાપાવ ખાવાના હોય, એટલે પેટ ભારે થાય અને ઇનડાઈરેકટલી ‘પગ ભારે.’ દિવસના ૧૦ રૂપિયામાંથી ક્યારેક ૨-૩ વધે તો બીજા દિવસે એ ફંડ ‘કેરી ઓવર’ થાય, અને જો કોઈ ધુરંધર એ બોલ ખોઈ નાખ્યો કે ફાડી નાખ્યો હોય તો તેને દેવું પણ થઇ જાય. સાંજે પાછું નાહીને ફ્રેશ થઈને ચડ્ડો ચડાવીને ચોપાટીમાં ક્યારે મળવું એ રસ્તા પરની મીટીંગમાં નક્કી થાય. કેરીના ચીરીયા સાથે અથાણું અને ભાખરીની લિજ્જત ઉડાવ્યા પછી પબ્લિક પાછું ચોપાટી (ગાર્ડન) માં ભેગું નું ભેગું. સોનપરી જોવા મળી જાય ક્યારેક ચોપાટીમાં તો મજા બાકી બીજા દિવસનું પ્લાનિંગ કેમ કરવું એ વાત ચાલતી હોય.

કુબેરનું મેદાન જ એક એવું હતું કે જે અમારી દોસ્તીનું પ્રૂફ આપતું હતું. ત્યાં અમે તમામ રંગોને જીવનમાં ઉતરતા હતા. એકબીજાના ઘરમાં ચાલી રહેલા સુખ – દુઃખની વાતો પણ થતી. એ મેદાનની પાછળના ભાગમાં મજૂરીકામ કરતા લોકો તંબુ બાંધીને રહેતા હતા. તે લોકો રોજ સવારે મેદાનની દીવાલ પાસે મળ - મૂત્ર કરી જતા હતા. અનાયાસે જે વ્યક્તિ બાઉન્ડ્રી પાસે ઉભો હોય તેને ઘણું સહન કરવાનું આવતું. પ્લાસ્ટિકના ઘસી ગયેલા ડટ્ટી વિનાના ચપ્પલ હોય ત્યારે એ મળ એ કાણામાંથી ઉપર ચડીને ચપ્પલ બગડતું પણ ખરું ! છતાં, કોઈ રાગદ્વેષ નહોતો. ક્યારેક, પગના અંગૂઠા કે આંગળી પર કોઈનો પગ પડે કે લોહી નીકળી જાય તો એ દુઃખતું નહિ. હાથ છોલાઈ જાય કે પડી જવાય તો પાછું તરત એ જ હિંમતથી ઉભું થઇ જવું જોઈએ એ કોઈએ શીખવ્યું નહોતું. દુઃખના અવાજો કરતા નહોતું આવડતું. ‘એ તો બધું થાય !’ આમ સ્વીકારીને જ લાઈફ એન્જોય થયે જતી હતી. પણ એક વાત કહું દોસ્ત, આ દિવસોમાં જવાબદારી નહોતી, ખુલ્લા મન હતા, પરસ્પર દ્વેષ નહોતો, છીછરી બુદ્ધિમાં પણ દોસ્તીની પરિપક્વતા હતી, સ્ટ્રેસફૂલ લાઈફને બદલે ‘સ્ટ્રેસ’ ને ‘ફૂલ’ જેવું હળવું બનાવતા આવડતું હતું, ‘ફૂલપ્રૂફ’ કંડીશનને મિત્રતાની એરણ પર વારે ઘડીએ ‘પ્રૂફ’ આપતા અચકાતા નહોતા, એકબીજાને મદદ કરવામાં કોઈ ‘છોછ’ નહોતો અનુભવાતો.

ઘણીવાર, આવી રમતો મિત્રતામાં ઉંજણ પૂરવાનું કામ કરતી હોય છે. એક દિવસ એવું જ કંઇક થયું. અમે, રજાના દિવસે કુબેરનગરના મેદાનમાં સવારે રમવા માટે ગયા. તે દિવસે ઘણા બધા પ્લેયર્સ હતા. માહોલ જામ્યો હતો. એ દિવસે કલ્પેશની સોસાયટીમાં રહેતો નિરજ પણ આવ્યો હતો. લગભગ, તે ક્યારેય રમવા માટે આવતો નહિ. જો કે, તે ‘શેરીપુત્ર’ હતો. નાનું શરીર અને એકદમ ટીટી-મીટી. એનું હુલામણું નામ અમે ‘કીડી’ રાખેલું. જરા એવી તેની ચામડીને છેડો ત્યાં તો લોહીનો કોટો ફૂટી જાય. ટીમ પાડી ને રમવાનું શરુ થયું. લગભગ ત્રીજી-ચોથી ઓવર ચાલતી હતી. મિલને એક ગોળી ઉછાળી. નિરજ અને પ્રતિક બંને એ કેચ ઝડપવા માટે દોડ્યા. એકબીજા તરફ તેમનું ધ્યાન નહોતું. ખરેખર, એ કેચ નિરજ બાજુ જ હતો. છતાં, પ્રતિક એ કેચ લેવા માટે દોડ્યો. બંને એકબીજા સાથે અથડાયા. નિરજ નીચે પડી ગયો. છતાં, એ ઉભો થઈને પાછો રમવા લાગ્યો.

થોડા સમય પછી પ્રતિક આવ્યો અને કહ્યું, “આ યાર, હાથ કંઇક ઉંચો-નીચે થાય છે કાંડાથી ! કઈ થયું નહિ હોય ને ?” અમે બધા અસમંજસમાં હતા.

“મેં, આવી રીતે હાથને કાંડેથી ચડાવ્યો છતાં ઉંચો-નીચો થતો નથી.” હવે અમે ટેન્શનમાં આવ્યા. ખરેખર, કંઇક થયું હોય તેવું લાગ્યું. ટેન્શન વધતું જતું હતું.

શું થયું હશે? ઘરે લઇ જવો કે દવાખાને? વધુ કંઇક થયું હશે તો જવાબ શું આપીશું?

*****

(ક્રમશ:)

Contact: +91 9687515557

E-mail: