Jamo, Kamo ne Jetho - 2 books and stories free download online pdf in Gujarati

૨. ન્યૂ સેન્સેશન (જામો, કામો ને જેઠો)

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

Work @Navajivan Trust

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ

લાસ્ટ ‘જામો’ કંઇક આવો હતો,

(દોસ્તીની ઝલક – પ્રાથમિક પૂરું કરીને માધ્યમિકમાં એડમિશન – સ્કૂલનો પહેલો દિવસ – રેખામે’મ (રેખા બાડી)ની સ્ટોરી – પહેલા દિવસે મારું પકડાવું – ટાઈ અને શૂઝ બાબતે ફટકાર પડવી – અમારું ઇન્ટ્રોડકશન થવું – શિસ્ત અને સભ્યતાની વાતો – બીજા દિવસે પ્રાર્થના પહેલા જ એક ડિમ્પલ કાકડિયા નામની ‘સેન્સેશનલ દિવા’નું વેલકમ)

ત્યારબાદનો જામલેટિયો પાડવા આગળ....


૨. ન્યૂ સેન્સેશન

એ ડિમ્પલ કાકડિયાની વાત આજે બધાને કહેવાની હતી. સ્કૂલમાં ‘ન્યૂ સેન્સેશન’ની વાત કરીને ફાંકાઠોક કરવાની હતી. ‘એ મારા ક્લાસમાં છે’ એમ કહીને વાહ-વાહી લૂંટવાની હતી.

સ્કૂલથી છૂટીને બપોરે અઢી વાગ્યે અમે ટ્યૂશન ક્લાસ પર ગયા. નવા શિક્ષકો અને નવું ટ્યૂશન. પરંતુ, છોકરાઓ બધા જુના. જીગરી ભાઈબંધો. હજુ ઘણા નવા મિત્રો બનવાના હતા. અમે બધા નજીક-નજીક ગોઠવાયા. સાથે બેસવા માટે ઘણાને અમારી બેંચ પરથી ઉભા કર્યા. જાણે ટિકિટ બૂક થઇ ગઈ હોય તેમ અમે એકબીજા માટે જગ્યાઓ સાચવતા.

એક બીજી મીઠી મૂંઝવણ એ હતી કે ટ્યૂશન ક્લાસ કેવું હશે? ટ્યૂશનના બ્રોશરમાં તો એ.સી. ક્લાસ, મિનરલ કે આર.ઓ વોટર, ડેઈલી-વિકલી એકઝામ્સ, મેસેજ દ્વારા વાલીને રિઝલ્ટ, હવા-ઉજાસ ધરાવતા વર્ગો, ક્વોલીફાઈડ સ્ટાફ, સીટી કે સ્કૂલમાં અમુક વિદ્યાર્થીઓનો નંબર, પૂરતું ધ્યાન...અને ઘણું બધું. આ બધું હશે?

પહેલા દિવસે અમે બધા ટ્યૂશનની આગળ જઈને અડધો કલાક વહેલા ઉભા રહી ગયા. કોઈક વળી રસ્તામાં બરફનો ગોળો, ટીકડીઓ, ચ્યુઇન્ગમ કે પછી દિલ્લગી / મજા જેવી મીઠી સોપારીઓ લેતું આવ્યું. આઠ-આનાની દિલ્લગી અથવા મજા થેલામાં હોય જ ! જે બરફનો ગોળો ખાઈને આવ્યો હોય તે હોઠ ઘસ્યા કરતો હોય, જેથી લાલ કલર નીકળી જાય.

જેવા ટ્યૂશન પાસે પહોંચ્યા કે, એક સર ડંડો લઈને ઉભા હતા. ટ્યૂશનની બહાર જ કદંબનું વૃક્ષ હતું. તેની જ તાજજી નવી-નક્કોર છોલેલી લાકડી હતી. પગમાં ઘસાયેલી ચપ્પલ અને ચપોચપ માથામાં નાખેલું તેલ. ચહેરો રંગે કાળો ‘ને અવાજ તો બાપ ઘાટો. મોઢામાં એનો ’૩૫નો માવો ‘ને જાતે એ ‘ચોયો’.

“આ તો લ્યા ‘બોકડો’.”

“શું? બોકડો? એટલે?”

જેમના મોટા ભાઈ કે બહેન આ સર પાસે ભણી ગયા હોય તેમણે નાના ભાઈઓને તેમનું હુલામણું નામ કહેલું. એ બધાને ખબર હતી કે કનુભાઈનું હુલામણું નામ ‘બોકડો’ છે.

“અચ્છા, કનુભાઈ નામ છે એમ ને?”

જેમને કનુભાઈ વિષે જાણ હતી તેમને અમારી જેવા પૂછવા લાગ્યા, “કેવો’ક છે? કડક છે કે ભળી જાય એવો? મારે છે ખરો?” એકસાથે કેટલાયે પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા હોય.

જેને માત્ર હુલામણું નામ જ ખબર હોય એ વળી પાછો હવા મારવા માટે થોડા ફાંકા ઝીંકે, “બૌ, બૌ મારે સાલો. જો, ને ! હાથમાં લાકડી નથી દેખાતી?” પેલો જવાબ આપીને ‘હાશશશ...!’ અનુભવે અને બીજો સાંભળીને ટેન્શનમાં આવી જાય. અંદર-અંદર ઘૂસર-પૂસર ચાલતી હતી.

ત્યાં જ કનુભાઈ બધાને બોલાવીને બોલ્યા, “શ્યુ ટાઈમ છે ક્લાસ પર આવવાનો? હં?”

કોઈ બોલ્યું નહિ. કનુભાઈ ફરી બોલ્યા, “એય સુતરિયા, આ બાજુ આવ.”

નિકુંજ એ તરફ ગયો. તેને તેના પપ્પાના નામ ‘બાબુ’થી બોલાવવામાં આવતો.

“બોલ જ્યોંઉ, શ્યુ ટાઈમ છે?”

“અઢી.”

“કેટલા થયા? જો તો ઘડિયાળમાં?”

“અઢી વાગવા આવ્યા !” સરની મજાક ઉડી એટલે બધા હસ્યા.

બોચી પકડીને હસતા-હસતા, “શું બોલ્યો? જો તો જરા, બાપાએ જોતા નથી શીખવાડ્યું?”

“જોતા કોણ શીખવાડે? એ તો જાતે શીખ્યા.” એકદમ ધીરેથી બોલ્યો, ડબલ મિનીંગમાં ! અને, અમે બધા હસ્યા. છોકરીઓ દૂર ઉભેલી હતી.

“હજુ તો ઉગીને ઉભો નથી થયો ત્યાં જીભ આટલી ચલવવાની? કાલથી મારે અહી અઢી વાગ્યા પહેલા કોઈ ન જોઈએ. બધા ખાલી પાંચ જ મિનીટ પહેલા આવશે. ઉભા રહીને અહી ગપ્પા નથી મારવાના ! સમજ્યા? (બધાએ ડોકું ધુણાવ્યું.) શું સમજ્યા?”

“અઢી વાગ્યા પછી આવવાનું એમ !”

“અઢી વાગ્યા પછી નહિ લ્યા ડોબાઓ, અઢીમાં પાંચ બાકી હોય ત્યારે ! આજે બેસો ચાલો ફટાફટ.”

હજુ તો કનુભાઈ આટલું બોલી રહ્યા ત્યાં જ અમે બધા દોડ્યા, ક્લાસમાં જગ્યા રોકવા માટે !

“ઓ, કમલા ! રોકજે આપણી જગ્યા.

“એય, ત્યાં અમારે બેસવાનું છે. આવે ઓલો ! ઓય, લુખ્ખા. જલદી આવને ! જતી ‘રે જગ્યા તો પછી કે’તો નઈ કે નો’તી રોકી.”

“પોગી ગ્યો. જોઈ લે. એય બેટરી ! ઉભો થયા ભાઈ. પાછળ જતો ‘રે ને યાર. હમણાં આવશે હજુ એક.”

“ઓ ગાંગાણી ! પ્રતલો ક્યાં રહી ગયો? આવે છે કે? કલ્પો ક્યાં બેઠો છે?”

“એ છોકરીઓની બાજુમાં બેઠો હશે બહારની સાઈડ.”

ટ્યૂશન ક્લાસમાં બે વિભાગો હતા. એક છોકરાઓ માટે અને બીજું છોકરીઓ માટે. બંને પાર્ટીશન વચ્ચે માત્ર અડધો ફૂટની જગ્યા હોય. કોઈ પણ વ્યક્તિ સીધો ચાલીને છેલ્લે સુધી ક્યારેય પણ ન જઈ શકે. પ્રશ્ન હંમેશા એ આવતો કે કઈ બાજુ ફરીને ચાલવું? કુલ્લા છોકરીઓની સાઈડ રાખીને ચાલવું કે પછી ચેઈન?

પણ, આજે છોકરીઓને પહેલી વખત જ ફુલ્લી કલરફૂલ જોઈ. એમ પણ, ૧૩-૧૪ વર્ષની ઉંમરે હોર્મોન્સ એક્ટિવેટ થઇ ચુક્યા હોય છે. આકર્ષણ નામની સ્ત્રી હવસનો પીછો કરતો હોય છે. પોર્ન મુવિઝ બતાવવા કોઈને કોઈ દોસ્ત હંમેશા સેટિંગ કરી રાખતો હોય. બહારથી પચાસ રૂપિયા ડિપોઝીટ આપીને પણ પોર્ન મુવિઝની CDs લાવવા માટે કોઈક તૈયાર જ હોય. VCR કે DVD પ્લેયર કોઈ ઘરે ન હોય ત્યારે હંમેશા હેરાન જ થતું.

તેથી આજે ‘ગર્લ ફેક્ટર’ ખાસું એટ્રેક્ટિવ લાગતું હતું. સ્લીવલેસ ટોપ્સ અને જીન્સ કે લેગિન્સ હંમેશા જોયા કરવાનું જ મન થતું. ક્યારેક કોઈની ક્લીવેજ દેખાઈ જાય તો ઊંઘ ન આવતી. ‘આશિક બનાયા હૈ આપને’ હજુ નવું – નવું આવ્યું હતું. હિમેશના ગીતોમાં મજા જ આવ્યે રાખતી હતી. ગમે ત્યારે કોઈકના હોઠે હિમેશના ગીતો હોય જ ! વળી, ઇમરાન હાશ્મી એ ઘણું બધું કામ આસાન કરેલું. એ પિરીયડ જ એવો હતો કે જેમાં ઇન્ટેન્સ લવ અને અમુકઅંશે ઈરોટિક કહી શકાય તેવી ફિલ્મો આવવાની શરુ થઇ હતી.

એ રંગબેરંગી ટોપ્સ પસંદ હતા. ‘ઇનોસન્સ’ એટ્રેક્શન હતું. એ બદલાયા કરતુ. એ પ્રેમ નહોતો ! બસ, પોતાને યુવાન કહેવા માટેનું પ્રૂફ પોતાને જ આપતા હતા.

જેના ‘સેટિંગ’ હોય કે પછી જેને-તેના ‘માલ’ પટાવવાના બાકી હોય / પટી ચુક્યા હોય તે લોકો હંમેશા આગળનો ભાગ આગળ જ રાખતા. જેથી ‘તેને’ જોઈ શકાય. એ એક સેકંડની નજરની કિંમત ટ્યૂશન ક્લાસમાં લેકચર દરમિયાન ‘વેસ્ટેજ મિનિટો’માં ચૂકવવી પડતી. એમાં પણ, ટ્યૂશનનો પહેલો દિવસ હોય એટલે ક્યુરિયોસિટી વધારે હોય.

બધા એ જગ્યા કરી લીધી અને પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. સ્કૂલના પહેલા દિવસનું ગણગણ ચાલુ હતું. કોણ કોના ક્લાસ ટીચર કોણ છે? કેવા છે?

પ્રાથમિકમાં હોઈ તેવી ડિમાન્ડેબલ છોકરીઓ ક્યાં ક્લાસમાં આવી?

પેલાનો ‘માલ’ કોના ક્લાસમાં આવ્યો? “એલા એય, અલગ થઇ ગયા બંને?” “તો, પછી ઓલો બાબલો બાજી મારી જશે. ગઈ એ તો !”

આજે કોઈને પહેલા જ દિવસે માર પડ્યો કે નહિ?

પેલી વિરુમતી ગેંડી એ તો પહેલે જ દિવસે ‘વિ.સી. ખત્રી’ ઇંગ્લિશ માટે લઈને આવવાનું કહી દીધું.

આવી બધી વાતો ચાલતી હતી ત્યાં જ ‘સતાણી સર’ આવ્યા.

કનુભાઈ, ભરતભાઈ સતાણી અને ભરતભાઈ ગોહિલ સમર્થ ટ્યૂશન કલાસિસના કર્તાહર્તા વ્યક્તિઓ હતા. પણ, ત્રણેયનો સ્વભાવ બધાથી ઉત્તર – દક્ષિણ. કનુભાઈ હંમેશા એવું કહેતા કે, “મને મીઠું – મીઠું બોલીને ‘ડાયાબિટીસ’ કરવું ન ફાવે. કડવું જ બોલવાનું ! સાચું જ બોલવાનું.” આ ટોન્ટ તેઓ હંમેશા સતાણી સર વિષે બોલતા.

સતાણી સર એટલે બોલવામાં મીઠા. પ્યોર માર્કેટર. ‘પાટ’ લેવડાવીને બધું જ યાદ કરાવી દે. એકની એક વ્યાખ્યા દસ-બાર વખત બોલાવડાવે એટલે એમને પણ આવડી જાય અને અમને પણ ! એ વિજ્ઞાન લેતા. આઠમાં ધોરણમાં પહેલું ચેપ્ટર આવતું, ‘નેનોટેકનોલોજી’. લગભગ બે-અઢી મહિના સુધી તેઓ આ ચેપ્ટર જ ભણાવ્યા કરે. એટલે કનુભાઈ કહે, ‘જ્યાં સુધી સતાણી બધા છોકરાઓને સ્કૂલમાંથી આપણા ટ્યૂશનમાં ઢસડી નહિ લે ત્યાં સુધી આનું જ આ જ ભણાવ્યા કરશે. બે મહિના સુધી બધું નેનો-નેનો જ ચાલવાનું. કદાચ, કોઈક પૂછે કેટલો કોર્સ ચાલ્યો હશે? ત્યારે તરત જ કહેવા થાય ને, કે હજુ તો પહેલું ચેપ્ટર જ ચાલે છે. મોકલી દો તમારા બાળકને !’ ઉપરાંત, એમની ‘ડ્રેસિંગ સેન્સ’ જોરદાર હતી. હંમેશા હિરો બનીને જ આવતા.

ગોહિલ સર, શાંત માણસ. ધીરે-ધીરે દાદાગાડીની જેમ બોલવાનું. એમાં સપ્તકના સૂર પણ ભળી જાય એવી રીતે લાંબા લહેકે બોલ્યા જ કરે. કોણ ભણે છે, કોણ અવાજ કરે છે, કોણ નથી લખતું, કોણ મજાક ઉડાવે છે ! આ દરેક પ્રશ્નો તેના માટે ગૌણ હતા. તેઓ બોર્ડ પર ગણિતના ચિહ્નો લખ્યા જ કરતા. જયારે એ શાંત જીવને તકલીફ પડે ત્યારે સમગ્ર ક્લાસમાં ‘સોલિડ’ ભારે પડે બોસ ! ક્યા મારવું? કોને મારવું? આ કોઈ બાયફર્કેશન જ નહિ. છોકરી – છોકરી દરેકને સમાન ‘ભાવ’થી રસપૂર્વક મારતા.

ક્લાસમાં સતાણી સર આવ્યા. બધા શાંત બેસી ગયા. હજુ ક્યાંક ચટર-પટર ચાલતી હતી.

“એય, ચંબુ. છેલ્લે. ચૂપ ! પહેલો દિવસ છે આજે. આપણે ઇન્ટ્રોડકશન કરીશું.” તરત જ બધાનો મૂડ ફરી ઓફ. હજુ આજે સવારે સ્કૂલમાં બધાએ એ જ કરાવ્યું. કેટલીક વાર હોઈ પછી?

“ખબર છે, આજે તમે બધાએ સ્કૂલમાં એ જ કર્યું છે. પણ, મારે તમને ઓળખવા હોય તો નામ તો ખ્યાલ હોવા જોઈએ ને ! તમારે ખાલી તમારું નામ, સ્કૂલનું નામ અને સાતમાં ધોરણના પર્સન્ટેજ બોલવાના છે.”

અને એક પછી એક બધા પોતાની અણી કાઢવા લાગ્યા. હવે તો બધા મન ફાવે એ પર્સન્ટેજ બોલવા લાગ્યા. ખબર જ હતી કે આટલા બધાના પર્સન્ટેજ કોઈને યાદ ના જ રહે ! એ પછી ભાષણબાજી ચાલુ કરી. સતાણી સરની ભાષણબાજી એટલી જોરદાર હતી કે તરત જ એમ થઇ જતું કે, “ટ્યૂશનથી છૂટીને દોડવા માંડીએ. ટકા લાવી જ દેવા છે અને મહેનત કરી જ લેવી છે.” તેઓ હંમેશા ગણતરીઓ કરાવતા. મમ્મી-પપ્પાને જયારે-જયારે વચ્ચે લાવીએ કોઈ પણ સ્પીચમાં ત્યારે તમે પ્રભાવ પાડી જ શકો, તેવું અમને ખબર પડતી ગઈ.

“તમારા મમ્મી-પપ્પા કઈ રીતે ફી ભરે છે એ અમને ખબર છે? અહી ઓફિસમાં આવીને અમારી સામે રીતસર આજીજી કરતા હોય એ અમને ખબર છે.” આવું બોલે ત્યાં તો બધાને એવું લાગે કે ભણી જ લઈએ. હા, સતાણી સરનું કામ કોન્ફિડન્સ બૂસ્ટર જેવું કામ હતું. ખિજાય બહુ ઓછા, મજાક કરે. ક્યારેક મારેય ખરા, પણ હંમેશા ‘લાઈટ એટ્મોસ્ફિઅર’ બનાવી રાખે. એટલે એમનો ક્લાસ ભરવાની મજા આવતી.

પહેલા દિવસના ઇન્ટ્રોડકશન પછી બધા ટ્યૂશનથી ઘરે જવા નીકળ્યા. અમે હંમેશા લાઈન બનાવીને ચાલતા. ઉભી નહિ આડી. એટલે, ગાડી ચલાવનાર વ્યક્તિને હોર્ન મારવો જ પડે. એ ૧૦ ફૂટ દૂરથી હોર્ન મારે તોયે એ જયારે એકદમ નજીક આવી જાય અને બે-ત્રણ ગાળો આપે પછી જ રસ્તો આપીએ. સામે અમને પણ ગાળો બોલવાનો મોકો મળી જતો.

મારા મનમાં હવે પેલી ડિમ્પલ કાકડિયા વાળી વાત ફરતી હતી. મને થયું થોડોક મરી-મસાલો નાખીને બોલું. જો કે, ઓલરેડી એ છોકરી મરી-મસાલો નાખીને જ આવી હતી. તેના વિષે કોઈ પ્રકારનું વધારાનું બોલવાની જરૂર જ નહોતી. કારણ કે, ડિમ્પલને જોઇને તેના જેટલી ફોરવર્ડ લાઈફ અમે કોઈએ આજ સુધી જોઈ પણ નહોતી કે એક્સ્પેકટ પણ નહોતી કરી. અમે એવા હતા કે ગણી શકાય એટલી વખત કારમાં બેઠા હોઈશું. દરેકની કહાની સૌરાષ્ટ્રમાંથી સ્થાનાંતરિત થઈને આવેલા પપ્પાઓની ૨૦-૨૦ વર્ષની મજૂરીમાં જ છુપાયેલી હતી.

ત્યારબાદ મે વાત શરુ કરી.

“આજે લ્યા, મોજ પડી ગઈ. ગાંગાણી તું જોતો રહી જા એવો માલ આવ્યો છે, સ્કૂલમાં.”

“કોણ? કોણ?”

“ડિમ્પલ કરીને છે કોઈક છોકરી. કોઈકે કહ્યું એ પહેલા દર્શકમાં હતી.” (સમર્થની બાજુમાં જ આવેલું ટ્યૂશન ક્લાસ એટલે દર્શક.)

“અચ્છા ! એવી તે વળી કેવી દેખાય છે?”

“પહેલા જ દિવસે શોર્ટ સ્કર્ટ અને પિંક ટોપ પહેરીને આવી. એકદમ ફટકો ! આજ સુધી આપણી સ્કૂલમાં એવી કોઈ નહિ હોય. અથવા તો અપને બધી ને હંમેશા સ્કૂલ ડ્રેસમાં જ જોઈ છે એટલે ખબર નહિ હોય. પણ, આ સળી છે જોરદાર. આનું સેટિંગ તો હશે જ કોઈક જોડે ! એક્ટિવા લઈને આવે છે પાછી, એટલે મોટા બાપની ઓલાદ જ હશે.”

ત્યાં તો મિલન બોલ્યો, “અમારા સ્નેહમિલનમાં હોય જ દર વખતે !”

બધા જ મિલન તરફ જોઈ રહ્યા. જાણે મિલનનું કઇંક સેટિંગ તો નથી ને? અપરાધભાવ સાથે બધા તેના સામે જોઈ રહ્યા.

મિલને તેના વિષે આખી સ્ટોરી કહી.

“પણ, જે હોય તે યાર. જોરદાર છે. આપણે આજ સુધી ક્યારેય સિટીમાં મૂવી જોવા એ નથી ગયા. આપણે બહુ ખબર ન હોય એ બધી. છતાં, વરાછામાં આવું રસ્તા પર જતી એક્ટિવા પર જ જોવા મળે. એ પણ બહુ જવલ્લે. કોક ‘દિ દેખાય આવું.”

“પણ પ્રતિક, આજે જોયું?”

“શું?”

“ટ્યૂશનમાં બધી છોકરીઓ જોરદાર તૈયાર થઇને આવી હતી. ટી-શર્ટ અને જીન્સ તો બાકી. જોરદાર દ્રાક્ષ. હવે જુદા ન પાડે તો સારું. અલગ કરશે બધાને તો આપણે તો છોકરીઓના ક્લાસમાં જ આવવા જોઈએ.”

ફરીથી વાત અટકી ડિમ્પલ પાસે જ !

“કંદર્પ, કાલે બતાવજે તો ખરા ! રિસેસમાં બધા તારા ક્લાસમાં મળીએ. પહેલા નાસ્તો કરીને પછી તારા ક્લાસમાં બેસીશું. કાલે આપણે પેલા દેરાસરની સામે કોર્નર પર જે ગલ્લો છે ત્યાં જઈશું પફ ખાવા. એ બહુ મસ્ત બનાવે છે. નાગરાજની સેન્ડવિચ પણ મસ્ત આવે છે. ત્યાં જ જઈશું !” બધાએ કલ્પેશની વાતમાં સૂર પૂરાવ્યો.

“હા, એમાં પૂછવાનું શું હોય ! મારા ક્લાસમાં જ મળીએ. ભગવાન કરે કે કાલે ય એનો સ્કૂલ-ડ્રેસ ન સિવાયો હોય અને ફરીથી જીન્સ પહેરીને આવે.” હું બીજી લાઈન મનમાં બોલ્યો.

ચાલતા-ચાલતા ઘરે જતા હતા ત્યાં જ ખબર પડી કે રંગઅવધૂતના કોર્નર પર મઢુલી વાળા એ ફાસ્ટ ફૂડ શરુ કર્યું છે અને તેનું વડાપાવ બહુ મસ્ત મળે છે. બે પ્રકારની ચટણી આપે છે અને ઉપરથી સોસ તો ખરો જ ! અમે તો બધા ઉભા રહી ગયા વડાપાવ ખાવા માટે ! અમારો એક નિયમ રહેતો. બધા પાસે જેટલું ચિલ્લર હોય તેટલું ભેગું કરવાનું અને તેમાંથી જેટલું ખવાય એટલું ખાવાનું. કડકડતી ૧૦ રૂપિયાની નોટ કાઢતા એ જીવ બળી જતો. બધા એ વડાપાવ ખાધું અને ૩ રૂપિયા ઘટ્યા. એ ત્રણ રૂપિયા માટે ગાંગાણી એ પાંચ રૂપિયાનું મોટું ચિલ્લર કાઢેલું. એમાં, એક રૂપિયાના હિસાબે એક ગાળ પણ આપેલી. એ સમયે પાંચ રૂપિયામાં ૨ વડાપાવ હજુ મળતા હતા.

*****

Contact: +919687515557

E-mail:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED