Jamo, Kamo ne Jetho - 4 books and stories free download online pdf in Gujarati

જામો, કામો ને જેઠો ( ૪ - ઝઘડીયો ન્યાય)

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

Work @Navajivan Trust

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(રિસેસમાં નાસ્તો કરીને મારા ક્લાસમાં ગયા – ડિમ્પલને નાસ્તામાં સેન્ડવિચ ખાતા જોઈ – બીજા દિવસે ગ્રીન-બોર્ડ પર અવાજ કરવાના ગુના માટે નામ લખવા માટે તેને ઉશ્કેરી – રેખા મે’મ એ આપેલી પનીશમેન્ટ – પનીશમેન્ટનું કારણ ડિમ્પલ)


-: મોજ – ૪ : ઝઘડીયો ન્યાય :-

હજુ ધૂંધવાયેલો હતો. રોજ ડિમ્પલને જોઉં ને ધૂમાડા નીકળે. કેમ હું જ દર વખતે? મને જ ટાર્ગેટ કેમ કરતી હશે એ? એકબાજુ ક્યારેક એ હસતી, ત્યારે તેના તરફ જોવું ગમતું. પરંતુ, ગઈ કાલે રેખા મે’મની પનીશમેન્ટ પછી તો હસવું પણ નહોતું આવતું. તે દિવસે ઘરે જઈને હું આવતીકાલે જે ક્લાસની બહાર બેસવાનું હતું એ વિચારતો હતો.

મને પ્રશ્નો એ થતા હતા કે, આવતી કાલે બેગ લઇ જાઉં કે નહિ? કારણ કે, એમ પણ સ્કૂલે જઈને આખો દિવસ બહાર જ બેસવાનું હતું. શું કરીશ આખો દિવસ બહાર બેસીને? કોઈ જાણીતા શિક્ષક જોઈ જશે તો? આવતી કાલે ફરીથી માર પડશે તો? શિયાળામાં પીઠ પર સોળ પડી જશે તો મમ્મીને શું કહીશ? અંતે, બેકઅપ પ્લાન ડિસાઇડ કર્યો.

એક સ્વેટર પહેર્યું. એના નીચે સ્કૂલ શર્ટ અને અંદર ટી-શર્ટ. આનાથી બે ફાયદા થયા. શિયાળામાં સ્કૂલમાં ક્લાસની બહાર લોબીમાં બેસવાનું એટલે ઠંડી ઓછી લાગે. જો રોજની જેમ આજે પણ બહાર બેસતા પહેલા રેખા મે’મના હાથના સપાટા પડે તો વાગે નહિ. ઉપરાંત, એવું નક્કી કર્યું કે સ્કૂલબેગ ન લઇ જવું. થોડી દિલ્લગી પેન્ટની ખીચીમાં લઈને જવું જેથી બહાર બેસીને ટાઈમપાસ થઇ શકે. અંતે, પ્લાન તૈયાર કાર્ય પછીની મીઠી ઊંઘ લીધી.

સવારે ઉઠીને પ્લાન પ્રમાણે તૈયાર થયો. બેગ લીધા વિના જ નીચે ઉતરીને શૂઝ પહેર્યા. પછી યાદ આવ્યું કે, કદાચ મૂડ સારો હોય અને રેખા મે’મ ક્લાસમાં બેસાડે તો? અને, કદાચ બેસવા ન મળે તો પણ સ્કૂલબેગ વિનાનો જોઇને મને ન ફટકારવાના હોય છતાં લાફે-બાજી કરે તો? હું ફરીથી ઉપર ઘરે ગયો. મમ્મીની નજર ચૂકવીને નીચે ઉતાર્યો હતો, કદાચ એ પૂછી લે કે ‘બેગ ક્યાં છે?’ ફરીથી ઉપર આવતો જોઇને મમ્મીએ પૂછ્યું, “કેમ પાછો આવ્યો?”

“અરે, મમ્મી...! જરા સ્કૂલબેગ લેવાનું રહી ગયું અને તે ડોર બંધ કરી દીધો.”

મમ્મી તરફ જોયા વિના જ બેગ લઈને ફટાફટ સ્કૂલે ગયો. મમ્મી પાસે આજે પાંચ રૂપિયા વધુ માંગ્યા હતા, દિલ્લગી લેવાની હતી ને...! સ્કૂલે પહોંચીને રામકૃષ્ણ સ્ટેશનરીમાંથી પાંચ રૂપિયાની ૧૦ દિલ્લગી લીધી. ક્લાસમાં જઈને બે મૂક્યું અને સામેથી રેખા મે’મને આવતા જોઇને હું અને બાકીના મારા બે દોસ્ત ક્લાસની બહાર નીકળીને ઉભા રહી ગયા. રેખા મે’મ સાડી ઉંચી પહેરતા. એ બહુ વિયર્ડ લાગતું. ઉપરથી પાછા સુરતી ભાષામાં બોલે ત્યારે તેનો ફાંદો વાઈબ્રેટ કરે..! જાણે, નગારા પર દાંડી પડે ‘ને તે સ્પંદન કરે તેમ જ. આ જોઇને મને બહુ હસવું પાવતું. રેખા મે’મ લોબીમાં બીજા ક્લાસના છોકરાને પણ સપાટા બોલાવીને આવી રહ્યા હતા.

“બાડી, પોતાના ક્લાસમાં તો ઠીક – બીજે બધે પણ ગામની મારે છે.” હું બોલ્યો.

“નક્કી, આજે ચા નહિ પીધી હોય. આપણે પણ તૈયાર જ રહેજો. અહી આવીને આપણને તોડવાની જ છે.” બીજો બોલ્યો.

“છે જ એવી ! મને એવું લાગે છે કે એણે એના વરને ચા નહિ પાઈ હોય ! અને, પેલાએ જોરથી ઢીક્કો માર્યો હશે, તેમાં બહુ ચરબી કરે છે.” હજુ આટલું બોલી રહ્યો ત્યાં તો બાજુમાં આવીને ઉભી રહી ગઈ.

“સાની ચડબી ચય્ડી છે? ઉટારટી છું જોમ તમારી ચડબી.” મને થયું મારી લાઈન એને કેમ સંભળાઈ? ચરબી વાળી વાત હું આટલી જોરથી તો નહોતો જ બોલ્યો. અને, દે ધનાધન. કાન ને લગભગ પૂર્ણત: વાળીને વિરુદ્ધ ગાલ પર જે લાફા-વર્ષા થઇ છે, તે હજુ બરાબર યાદ છે. ચશ્માં પાડી દીધા એટલું માર્યો મને ! વળી, એ જ ચશ્માં ઉઠાવીને મને પહેરાવ્યા. ‘ને વળી પાછો એક જોરદાર તમાચો ચોડી દીધો.

હું વિચારું, આને કાઈ દયા જેવું હશે કે નહિ?

“કેમ રહેતો હશે આના જોડે એનો ભાયડો?”

ત્યાં પાછી બોલી. એટલો ગુસ્સો આવતો હતો કે રેખા મે’મનો હાથ પકડીને સામે એક તમાચો મારી દઉં ! પણ, અંદરથી કોઈએ રોક્યો. આ તો સંસ્કાર નહિ, હજુ એટલી હિંમત નહોતી – ફાટતી હતી.

“ટેવર ટો જોમ એમ કે, કોઈ સરમ જેવું ની મલે ! ભા’ર ઉભા રાય્ખા છે ટોયે હિધ્ધા ઉભા રે’ટા ની આવડતું. ભા’ર નીકડી ને બી મજાક જ કરવાની? હવે, એક ડિવસ નહિ ! (થોડી વારના મૌન પછી ડબલ ગુસ્સા સાથે) રોજ્જે-રોજ અહી જ ભા’ર જ બેસવાનું છે. જ્યાં સુઢી ટારા પેડેન્ટસ મલવા ની આવે ટિયાં હુધી અંડર ની આવવા મલે.”

લગભગ પહેલી જ વાર આવું મારી સાથે થઇ રહ્યું હતું. પ્રાથમિકમાં કદીયે આ પ્રકારનું વર્તન કોઈ શિક્ષક દ્વારા મારી સાથે થયું નહોતું. ઉપરાંત, કોઈ વાંક-ગુનો પણ નહોતો. પહેલી જ વખત આવી પરિસ્થિતિ મારા શિક્ષણ-કાળ દરમિયાન આવી હતી. પપ્પા તો હંમેશા કહેતા, વાંક ન હોય ત્યારે કદી પણ સહન નહિ કરવાનું. અહી, એપ્લાય કરવું એ અઘરી વાત હતી.

છતાં, અમે તો ઉભા રહ્યા. પ્રાર્થના ક્લાસની બહાર કરી. એ દિવસે ગેરહાજરી પૂરાઈ. જેટલા દિવસો સુધી આવું ચાલતું રહેશે ત્યાં સુધી અમારી કોઈની હાજરી નહોતી પૂરવાની એ નક્કી જ હતું. કારણ કે, મોનિટરે અંદરથી મને ઈશારો કરી દીધો હતો કે અમારી ગેરહાજરી મૂકાઈ છે. છતાં, એ દિવસે તો ચાર પિરિયડ માંડ નીકળ્યા. આવતા-જતા શિક્ષકો જુએ. વળી, અમુક ચહેરો મગજમાં સેવ કરી લે. કોઈક શિખામણો આપે. રેખા મે’મના વિરોધી પ્રતિસ્પર્ધી શિક્ષકો, ‘એવા જ છે એ...! ધ્યાન રાખવાનું’ એવું કહેતા જાય. અલ્ટીમેટ, જરૂર હતી મદદની ! કોઈક આવે અને ક્લાસમાં બેસાડી જાય. પરંતુ, એવો કોઈ નહોતું. શરૂઆતના ચાર પિરિયડ બહુ ગિલ્ટી ફિલ થયું. લાવેલી દિલ્લગી પણ હજમ ન થઇ.

રિસેસ પડી. હજુ મગજ ઘૂમરી ખાઈ રહ્યું હતું. સ્કૂલ બહાર સમોસું ખાવું હતું. એ દિવસે ચાર સમોસા ખાઈ ગયો. પ્રતિક અને હું એ સમયે સાથે હતા. ગઈ કાલની વાત બધાને ખબર જ હતી. રોજે-રોજ અમે એકબીજાનો હિસાબ રાખતા. લગભગ કંઇક નવીન થયું હોય તો એ વાત બધાને ખ્યાલ જ હોય. તેથી આજ સવારથી કાલની ‘પોઝ’ થયેલી વાત ‘રિઝયુમ’ કરી.

“હવે શું કરીશ? બોલાવવાનો ઘરેથી?”

“ઘરેથી થોડા બોલાવવાના હોય? એવું તો ચાલ્યા કરે. ઘરે ખબર પણ ન પાડવા દેવાની હોય આ બધી વાતોની...!”

“તો પણ કરીશ શું? રોજે બહાર જ બેસવાનો પ્રોગ્રામ બનાવી દીધો છે કે શું?”

“ના ભાઈ ના..! એક-બે દિવસ પછી કંટાળીને ક્લાસમાં બેસાડી જ દેશે એમ પણ..!”

એવી આશા સાથે રિસેસમાં પાછો ગયો અને ક્લાસની બહાર ઉભો રહ્યો. ત્યાં રેખા મે’મ આવ્યા.

“ઉભા રહીને ઠાકી જાવહો. નીચે પલાંટી વાડીને બેસો શાંતિથી...! તિયાં જ બેસવાનું છે રોજ્જે.”

મૂડ બગાડવા પાછી આવી. એ જ સમયે મેં ક્લાસની અંદર નજર કરી. ડિમ્પલ જોઈ જ રહી હતી. મને લાગતું હતું કે તે કંઇક કહેવા માંગે છે. હું તેથી વારંવાર બારીમાંથી અંદર નજર કરવા લાગ્યો. એ તેની બધી ફ્રેન્ડ્સ જોડે બેઠેલી હતી ત્યાંથી દૂર થઈને લાસ્ટ બેંચ પર ગઈ.

તેની આજુ-બાજુ કોઈ હતું નહિ. બસ, રિસેસ પૂરી થવાની રાહ હતી. ધીરે-ધીરે ક્લાસમાં બધા આવ્યે જતા હતા. હજુ આખો ક્લાસ ભરાયો નહોતો. ડિમ્પલ કાન પકડીને ‘સોરી’ બોલી અને તરત પાછી પોતાની ફ્રેન્ડસ જોડે વાતો કરવા લાગી. આ વાત લાગી આવી. ખબર નહિ, ખુશીનું કારણ પણ એ જ બની અને જે બની રહ્યું હતું તેનું કારણ પણ એ જ હતી. છતાં, ખબર નહિ કેમ તેના પરથી ગુસ્સો દૂર થઇ ગયો અને બધો જ રેખા મે’મ પર ટ્રાન્સફર કરી દીધો.

એ લગભગ, ૧૩ વર્ષની ઉંમરે હોર્મોન્સ હજુ આકાર લઇ રહ્યા હતા. હજુ વિજાતીય આકર્ષણનું સોફ્ટવેર ‘માસ્ટરબેશન’ વડે ઇન્સ્ટોલ થયું તેને અમુક મહિનાઓ જ થયા હતા. કોઈક મિત્ર પોર્ન મૂવી બતાવવા લઇ જાય તો તેનું આકર્ષણ રહેતું. અલગ-અલગ સ્ટાઈલ ધરાવતા હેરકટિંગ કરાવવાના વિચારો આવતા હતા. શર્ટની સ્લિવ વાળીને બોડી બતાવવાનું ગમતું હતું. ચશ્માની દાંડી પર ‘તેરે નામ’ સ્ટાઈલના ચિપકું વાળ ઓળીને સ્કૂલ-ટ્યૂશનમાં જવાની મજા આવતી હતી. બૂટ-કટ પેન્ટ લેવા માટે રીતસરની આજીજી મમ્મી-પપ્પા પાસે થતી. જીન્સનું પેન્ટ થોડું નીચું પહેરીને નિકરના સ્ટ્રેપ્સ બતાવવાનું મન થતું હતું. છુટ્ટા હાથે સાઈકલ ચલાવીને થોડી ‘હિરોગીરી’ની ઝલકનું પ્રદર્શન થતું હતું. ફાસ્ટ સાઈકલ ચલાવીને ચપ્પલ ઢસડીને બ્રેક લગાવવામાં વધુ આનંદ મળતો હતો. કોઈ છોકરી વિષે વાત કરવામાં મજા જ આવ્યે રાખતી હતી. કદાચ, ભૂલમાં કોઈ માત્ર ફ્રેકશન ઓફ સેકંડ પૂરતા જોઈ લે તો આખા ક્લાસમાં એક્સ્ટ્રા મિર્ચ-મસાલો એડ કરીને બધાને કહેવાની મજા હતી.

જો કે, બીજા ચાર પિરિયડ બહુ જલદી નીકળી ગયા. હવે તો જાણે રીઢા ગુનેગાર હોઈએ તેમ બિંદાસ બેઠા હતા. ક્યારેક, લાંબો ટેકો લઈને દીવાલે પીઠ ઘસતા. પહેલી બેંચ પર બેઠેલ દોસ્ત-મંડળી સાથે મજાકો ચાલ્યા કરતી. સવારમાં ઠંડીને લીધે સ્વેટરની અંદરથી ઇઅર-પ્લગ્સના વાયર કાઢીને આઈ-પોડ્સમાં સોંગ્સ સાંભળતા. વળી, કાનમાં પ્લગ્સ ન દેખાય તે માટે મોં પર રૂમાલ બાંધી દેતો. લગભગ, સવારે ૨ કલાક જ્રેટલો સમય ઠંડીના બહાને સોંગ્સ સાંભળવા મળે. ત્યાંથી નીકળતા કોઈ શિક્ષક પૂછે, તો તેને એવું લાગે કે શરમના માર્યે ઊંચું માથું પણ નથી કરી રહ્યા અથવા તો ઠંડી લાગી રહી હશે.

ખેર ! લગભગ ૨ દિવસ સુધી આ પરિસ્થિતિ રહી. રોજ સવારે શરમ-લેસ બનીને સાંભળવાનું, શરમ રાખીને બેસવાનું અને ‘શ’ ને કઈ નહિ – ‘ર’ ને કઈ નહિ – તો ‘મ’ ને શું છે? એમ કર્યા કરવાનું. હજુ નોકિયાના મોબાઈલ માર્કેટમાં નવા-નવા આવેલા. બ્લેક & વ્હાઈટ. કોઈકની પાસે મોટોરોલાના ફ્લિપ હેન્ડસેટ્સ જોવાઈ જાય તો એવું લાગે કે, પૈસાવાળી પાર્ટી હશે ! કિંમત કરતા નહોતી આવડી, માણસની કે વસ્તુની ! જે અજાણ્યું પણ ફાયદાકારક હતું. પ્રભાવિત થઇ જવાની વાત જ નહોતી. જેની પાસે વધુ હોય એ વધુ મોજ-શોખ કરે આવું જ ખબર હતી. જેથી અમે ક્યારેય મોટી-મોટી વસ્તુઓ માટે અમારા મમ્મી – પપ્પા જોડે માંગણીઓ નથી કરી.

રેખા મે’મ દ્વારા ત્રીજા દિવસે પણ બહાર બેસવાનું ફરમાન જાહેર થયું. હવે જે થઇ રહ્યું હતું એ યોગ્ય નહોતું. બે દિવસ પાંચ-પાંચ કલાક ક્લાસની બહાર બેસી રહેવું એ ખરેખર યોગ્ય સજા તો નહોતી જ ! છેવટે, મારી હિંમતે દાદ આપી દીધી.

કૌશિકભાઈ અમારા પ્રિન્સિપાલ હતા. સાતમા ધોરણમાં એમના કહેવાથી જ સ્કૂલ ચેન્જ નહોતી કરી. છેવટે, હું પ્રિન્સિપાલની ઓફિસમાં ગયો. તેઓ પોતાનું કામ કરી રહ્યા હતા.

“ગુડ મોર્નિગ, સર ! કંદર્પ પટેલ.”

“યસ. બોલો. શું કામ પડયું આટલી વહેલી સવારમાં?”

“સર, થોડું કામ છે. વાત કરવી છે. કેટલીક બાબતો વિષે જાણવું છે.”

“હા, પૂછો ને !”

“સર, છેલ્લા બે દિવસથી હું સ્કૂલ પર આવું છું. મારી ગેરહાજરી પૂરાઈ રહી છે. હું આખો દિવસ ક્લાસની બહાર બેઠો છું. દરેક શિક્ષક આવતા-જતા ટીકા-ટિપ્પણીઓ કરે છે. વળી, ફર્સ્ટ છ-માસિક એકઝામમાં ક્લાસમાં ફર્સ્ટ છું. મને આં સજા ક્યાં કારણોસર કરવામાં આવી છે તેનું કારણ પૂછવામાં આવે તો શિક્ષક વધુ જોરમાં પોતાનો ગુસ્સો મારા ગાલ પર ઉતારે છે. ફાઈનલ સબમિશન વખતે મૂકવામાં આવતા ૨૦ માર્ક્સ કાપીને ફેઈલ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. જે સમયે મને સજા કરવામાં આવી છે તે સમયે ક્લાસમાં ગ્રીન બોર્ડ પર મારું નામ નહોતું. એવું પણ નહોતું કે કોઈ મોનિટરે મારું નામ આપ્યું હોય. કારણ વિના જ કોઈને આટલી સજા કરવાની વાત મારા ગળે બેસે તેમ નથી.”

“ક્યાં શિક્ષકે એવું કર્યું? આપણે જોઈએ. હું બધી વાત સાંભળું અને પછી નક્કી કરીશ.”

“ઓકે, સર.” એમ કહીને હું ઉભો થયો.

“અત્યારે જઈને જ ક્લાસની અંદર બેસ અને ભણવાનું શરુ કર. મેડમ ને કહેજે કે પ્રિન્સિપાલ સર એ બેસવાનું કહ્યું છે.”

બીજા દિવસે ભૂપત ફર્સ્ટ પિરિયડમાં જ ક્લાસમાં આવ્યો.

આ ભૂપત એટલે ‘મિનિ પ્રિન્સિપાલ’. એ પટ્ટાવાળો હતો. આખી સ્કૂલમાં એવા રુઆબથી ફરે કે જાણે એ પોતે જ સ્કૂલનો પ્રિન્સિપાલ હોય ! એ તો ઠીક, પણ રિસેસ પૂરી થયા પછી પણ જો કોઈ લોબીમાં દેખાય તો સીધો મારવા જ માંડે. કૌશિકભાઈ એ જબરજસ્ત પાવર આપેલો હોય એવું લાગતું હતું.

“ટીચર...! તમને અને કાલે જે છોકરો આવેલો ને કૌશિકભાઈની ઓફિસમાં, એ બંનેને પ્રિન્સિપાલ સર બોલાવે છે.”

આ વાત કાનમાં પડી ત્યાં તરત જ રેખા મે’મની નજર ક્લાસની બહાર ગઈ. ત્યાં હું નહોતો. પછી, એવું લાગ્યું કે હું આજે નહિ આવ્યો હોઉં. પરંતુ, ત્યાં જ હું ક્લાસ વચ્ચેથી ઉભો થયો. રુઆબભેર બહાર નીકળ્યો. ભૂપત પાસે જઈને કહ્યું, “ચાલો.”

રેખા મે’મ તો મને એવી રીતે તાકી-તાકી ને જોઈ રહ્યા જાણે મેં અક્ષમ્ય ગુનો કર્યો હોય. એ રીતસરના ધૂંધવાઈ ગયા હતા.

કૌશિકભાઈની ઓફિસમાં અમે બંને એન્ટર થયા. પહેલા, કૌશિકભાઈ એ રેખા મે’મ ને મને સજા કરવાનું કારણ પૂછ્યું.

“સર, આખો દિવસ એ ધમાલ જ કરતો હોય છે. ટાઈ સરખી નથી હોતી. શૂઝ આગળથી તૂટેલા પહેરે છે. બોર્ડ પર હંમેશા નામ હોય છે.”

“મે’મ, એ દિવસે આમાંથી કઈ જ નહોતું.” હું વચ્ચે અભિમાનથી બોલ્યો. જાણે, ચુકાદો મારા પક્ષમાં જ આવવાનો હોય ને !

“એ બધું બરાબર છે મે’મ. પરંતુ, ક્લાસની બહાર માત્ર તમારા લેક્ચરમાં ઉભા રાખો એ અલગ વાત છે અને આખો દિવસ ઉભા રાખવા એ પણ ગંભીર બાબત છે. કોઈ પણ વિદ્યાર્થી અવાજ કરતો હોય તો તેમને હોમવર્ક વધુ આપો અથવા તો ક્રિએટીવ વર્ક આપો. જેનાથી એને ફાયદો થાય. આવી પ્રવૃત્તિઓ સ્કૂલ માટે જરાયે શોભે તેવી નથી. જે વિદ્યાર્થી અવાજ કરે અથવા તોફાન કરે છે તેમના માટે કોઈ ને કોઈ અલગ પ્રવૃત્તિઓ આપો. પ્રોજેક્ટ વર્ક આપો. કોઈ ટોપિક પર વધુ જાણીને લાવવાનું કહો. આવી રીતે વિદ્યાર્થીના મનમાં શાળા અને શિક્ષકો પ્રત્યે હંમેશને માટે નફરત અને ધૃણા પેદા થાય છે. આવી પ્રવૃત્તિ બીજી વાર ન થાય તેનું હંમેશા ધ્યાન રાખો.”

એમ કહીને રેખા મે’મ ને પ્રિન્સિપાલ સરે મોકલી દીધા. પછી મને ચેર પર બેસવાનું કહ્યું.

“જો કંદર્પ, આપણે અહી ભણવા આવીએ છીએ. સરસ્વતીના મંદિરમાં આવીએ છીએ. તું તો તારા ક્લાસમાં ટોપર છે. જેમ બને તેમ તોફાન ઓછા થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. ઘણા છોકરાઓ તારા જેટલા માર્ક્સ લાવવા પ્રયત્ન કરતા હોય છે. આવી બાબતો હવે ફરીથી ન થાય તેનું ધ્યાન રાખવું. અને હા, હિંમત કરીને તે અહી વાત કરી તે બદલ મને ઘણું ગમ્યું છે. હવે ક્લાસમાં બેસ. ટેન્શન રાખ્યા વિના ભણવામાં ધ્યાન પરોવો.”

“થેંક યુ, સર.” કહીને બહાર નીકળ્યો. આજે હું કોઈ જંગમાં જીત્યો હોઉં એટલી ખુશી હતી.

ક્લાસમાં ગયો ત્યારે રેખા મે’મ ભણાવતા હતા. લગભગ હાથમાં એક સફરજન સમાઈ જાય એટલો ગેપ આંગળી – અંગૂઠા વચ્ચે રાખીને તેઓ બોલ્યા, “એક ઘઉં ના દાના જેટલો પાર્ટ બહુ એફેક્તીવ હોય છે.” અને મને હસવું આવ્યું. મનમાં કહ્યું, “આમાં આખુ સફરજન અઆવી જાય, ને શેર ઘઉંના દાણા આવી જાય.”

છતાં, હસવાનું રોકીને મેં પૂછ્યું, “મે આઈ કમ ઇન મે’મ?”

કઈ જ બોલ્યા વિના માત્ર ડોકું હલાવ્યું. હું મારી જગ્યાએ જઈને બેસી ગયો. આજુબાજુ વાળા બધા પૂછવા લાગ્યા. શું થયું? કોણ હાર્યું? કોણ જીત્યું? વિગેરે..વિગેરે.

સોલિડ અભિમાનથી બોલ્યો, “તારી બાજુવાળો. બીજું કોણ જીતે? લઇ લીધી રેખા બાડી ને તો કૌશિક ‘ટાલ’ એ !” બોલ્યો પણ થોડું વધુ ઉમેરીને જ તો વળી !

છેવટે, માંડ હાશકારો થયો અને ૩ દિવસથી ચાલતી વાત આજે છેક પૂરી થઇ. વાત હતી ડિમ્પલની ! એક તરફ તેણે ‘સોરી’ કહીને માફી માંગી લીધી હતી. બીજી તરફ ગુસ્સો પણ એટલો જ આવતો હતો. આ ગુસ્સો ઉતારવા માટે સૌથી વધુ મોકાની જગ્યા ઉગમનગરનું મેદાન હતું. મનમાં નક્કી કર્યું કે, ‘ઉગમનગરના મેદાનમાં તે આવે ત્યારે બરાબર ગુસ્સો ઉતારી દેવો.”

*****

(ક્રમશ:)

Contact: +919687515557

Email:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED