વેદના Jyoti Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેદના

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843

શીર્ષક : વેદના

શબ્દો : 2049

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

વેદના

વેદનાની વાદળી મને ચારે તરફથી ઘેરી રહી હતી. હું ભીતર ને ભીતર ગૂંગળાયા કરતી હતી, વૈશાખી વાયરાની બપોરી લૂ ની જેમ મારા ઝખ્મો મને દઝાડતા હતા. મારી આસપાસ, મારી ચારેતરફ એક ન સમજાય, ન કહેવાય, ન સહેવાય તેવી દૈવાલ બનીને ખડી હતી હતાશા, કેવળ હતાશા...
મારી નજર સમક્ષ કેવળ નિઃસ્તબ્ધતા પથરાયેલી હતી. એમ થતું હતું કે ભાગી જાઉં ક્યાંક દૂર... દૂ..ર... પણ જાઉં તોયે ક્યાં જાઉં ? કેવી રીતે જાઉં ? અને જાઉં તોયે શું જવાબ દઉં ? કોઈ શું કહેશે ? કોઈ કહેશે એક સ્ત્રી ઉઠીને આમ ભાગી જાય ખરી ? શું એક સ્ત્રી ઊઠીને આવું કરી શકે ખરી ? નહીં એનાથી તો આવું થાય જ નહીં. સ્ત્રી એ તો પોતાની વેદનાને ભીતર ધરબાવી દેવી જોઈએ, વેદનાને પચાવી જવી જોઈએ ને તો જ સ્ત્રી ને સ્ત્રી કહેવાય.


હું કાંઈ થોડી લેખક છું કે મારી વેદનાને શબ્દોનું માળખું પહેરાવી વ્યક્ત કરી શકું ? અરે! ઈશ્વરે મને ચિત્રકાર બનાવી હોત ને તોય કેનવાસ પર વેદનાનાં ચિત્રો દોરી મારી અમૂર્ત વેદનાને વ્યક્ત કરી હળવી ફૂલ થઈ જીવી શકત.પણ અફસોસ....


શું આવી હોય આ વેદના ? જે માણસને જીવતેજીવ મારી નાંખે ? વેદના ને વાચા ફૂટે ખરી ? વેદનાને હાથ - પગ હોય ખરાં? વેદનાને પાંખ ઉગે ખરી ? જો એવું થતું હોત તો કેવું સારું થતું હોત ? તો મારી વેદના લોકો સમજી શકત. અરે આખા જગત પર મારી વેદનાનું આવરણ છવાઈ જાત અને હું હળવી બનીને આરામથી જીવી શકત, પણ શું કરું ? નથી વેદનાને વાણી, નથી વેદનાને આંખ કે નથી તો વેદનાને હાથ કે પગ. વેદનાની તો છે માત્ર અને માત્ર અનુભૂતિ જે સતત માણસને ભીતરથી કોરી ખાય છે.
આ સામે રહેલું ઝાડ કેવું સુખી છે ! તેનાં મૂળ ઊંડે ઊંડે સુધી ખૂંપાવી,પૂરતું પોષણ મેળવી, ઘટાદાર વૃક્ષ બની પોતાનો શીળો છાંયો પાથરી શકે છે અને ફળ પણ કેવાં મીઠાં અને મજેદાર આપી શકે છે.


અરે ! દૂર સાગરમાં વિહરતી માછલી પણ કેવી સુખી છે, પોતાની કાયાને સાગરની છાતી પર તરતી મૂકી પોતે સતત ભીંજાતી રહે છે.


બાજુનાં બંગલાનું પૉમેરિયન પણ કેટલું સુખી છે ! શેઠાણીનાં પગ ચાટી, પૂંછડી પટપટાવીને તેમનો પ્રેમ મેળવે છે. માલિકનાં સ્નેહાળ સ્પર્શથી જ તે કેવું પુલકિત બની માલિકનાં ખોળામાં બેસી ગેલ કરવા લાગે છે, તે કેવું સુખી છે કે તેને સુંદર મજાનો ખોળો મળે છે, આલિશાન બંગલો મળે છે, અને બ્રેડ બિસ્કિટનાં તો તેને માટે ઢગલા છે, અરે સૌથી વધુ સુખ તો તેનું એ ચે કે તેનાં પર કોઈકનો માલિકી હક્ક તો છે.
જગતનું સર્વોત્તમ બળ જો કોઈ હોય તો તે છે સ્નેહ, આ એક શબ્દ પર જ આખી દુનિયા ખડી છે, આ સારુંયે વિશ્વ પ્રેમનાં તાંતણે બંધાઈને તો ચાલી રહ્યું છે, અને એય પાછું નિયમિત રીતે, નાનકડા એવા આ એક શબ્દનું સમસ્ત સૃષ્ટિ પર કેવડું મોટું સામ્રાજ્ય છે !!!


જ્યાં પ્રેમ નથી ત્યાં મીલની કોઈ ચીમનીમાંથી નિકળતા ગરમ ગરમ ધુમાડા જેવાં ઉનાં ઉનાં નિઃસાસા સર્યા કરે છે અવિરત, પ્રેમ વિહોણાં માનવનું એક એક આંસુ આંખો વાટે છલકાઈને કેટકેટલી અણકહી વાતો કહી જાય છે વગર કહ્યે જ, પ્રેમ વગરની જિંદગી એટલે સૂક્કીભઠ્ઠ ધરતી. કૂણાં કૂણાં લીલાં લીલાં પાન વગરનું પાનખરનું વૃક્ષ એટલે પ્રેમ વગરની માણસની જિંદગી.


માણસ કદાચ બધા વગર જીવી શકે પણ પ્રેમ વગર જીવવું તેનાં માટે દુષ્કર છે, અને એટલે જ તો તે દોડે છે સતત પ્રેમ પાછળ, ક્યાંક તેને મળે છે ખારો દરિયો તો ક્યાંક વળી તેને સાંપડે છે મીઠું તોય નર્યું મૃગજળ અને એટલે જ તેની દોડ અવિરત ચાલુ જ રહે છે.


જેટલો પ્રેમ માલેતુજારનાં બંગલામાં શોભતાં ને માલેતુજારનાં ખોળામાં ખૂંદતા શ્વાનને મળે છે ઓટલો, અરે ! તેનાથી ચોથા ભાગનો પ્રેમ પણ ઘરનો નોકર અરે નોકર તો શું ઘરનો સભ્ય પણ મેળવી શકતો નથી,
પોતાનાં પાળેલાં શ્વાનને બુચકારી, પાસે બોલાવી, વહાલથી ઊંચકી, ખોળામાં બેસાડી તેને દૂધ પીવરાવતો અને બિસ્કીટ ખવરાવતો શેઠિયો રસ્તે રઝળતા નાંગા - પૂંગા, ભૂખથી પેટ અને પીઠ એક થઈ ગયેલા બાળકને ધુત્કારે છે. દુકાનમાં ગાદી તકિયા પર શરીર લંબાવી આરામથી બેસતાં શેઠિયાને ભિખારીને બે પૈસા આપતાં કે કોઈ લારીવાળા પાસેથી ગાંઠિયા કે ભજીયાં લઈ તેની ભૂખ ભાંગવામાં ખચકાટ થાય છે. તિરસ્કારથી તેનાં મોં નાં નસકોરાં ફૂલી જાય છે, અને " ચ..લ દૂ..ર હટ્ટ.... સા...લા.... ક્યાં ક્યાંથી આવા હાલ્યા આવે છે..." એમ બોલતાં એ લગીરેય અચકાતો નથી. જ્યારે એ જ શેઠિયો પોતાનાં લાડકવાયા શ્વાનને પંપાળતા પંપાળતા કે ખોળામાં બેસાડતાં પોતાનું સફેદ દૂધ જેવું ધોતિયું બગડવાની પણ સ્હેજ પણ પરવાહ કરતો નથી, પોતાનાં શ્વાન માટે તો નહાવાનો સ્પેશિયલ સાબુ, સૂવા માટે સુંદર મજાનો બેડ, તેને દૂધ પીવડાવવા અને ખવરાવવા જુદો જુદો સ્પેશિયલ વાટકો, અરે ! મોંઘીદાટ દવાઓ ખવડાવી શ્વાનને હૃષ્ટપુષ્ટ બનાવવાની અનેક તરકીબો અજમાવતા પણ તે ક્યાં અચકાય છે ? હરખાતે હૈયે પોતાનાં શ્વાનનાં ગુણગાન ગાનારા શેઠિયાઓ કદીયે માણસની, માણસની લાગણીની, માણસની મજબૂરીની કે માણસની કંગાલિયતની સ્હેજ પણ પરવાહ કરતા નથી.


આવા માણસની કૃપા મેળવવી હોય તો આંખો અને મ્હોં બંધ રાખી તેની સિફારીશ કરવી પડે, સતત તેનાં ગુણગાન ગાવા પડે, એટલું જ નહીં પણ આપણને ન ગમતી વાત પણ તે કહે ત્યાં સુધી અને કહે એટલી વાર સાંભળ્યા જ કરવી પડે. અને બદલામાં ? જાણે ઉપકાર કરતાં હોય એમ હાથમાં દસ પંદર રૂપિયા પકડાવી દે અને બદલામાં કમ્મરતોડ કામ કરાવી લે તે વધારાનું.


કાશ ! મને ઈશ્વરે શ્વાન બનાવી હોત !!!


કદાચ મિત્રેશનો અહમ પોષવા તેનાં ગુણગાન ગાયા કર્યા હોત તોયે એક કામવાળી જેવું સુખ તો જરૂર ભોગવી શકી હોત. કામનાં બદલામાં બે ટંક ખાવાનુંય જરૂરથી મળી રહેત.


મને હજુયે યાદ છે, જ્યારે એણે પહેલીવાર મને જોઈ, વડીલોની હાજરીની પરવાહ કર્યા વગર જ સતત મને ટગર ટખર જોયા જ કરતો હતો. તેને ઘેલું લાગ્યું હતું મારાં રૂપનું, અને જતાં જતાં તેનાં માતાપિતા તેનાં માતા પિતા કહેતા ગયા, - " અમારા મિત્રેશને તમારી રીમા પસંદ છે." અરે લગ્નની પણ કેટલી ઉતાવળ કરી, એકાદ મહિનાનો સમય તો માંડ મળ્યો મારાં માતા પિતાને, માતા પિતા તો ખુશ હતાં, આવો સારો જમાઈ મેળવીને તેઓ તો જાણે ધન્ય થઈ ગયાં હતાં, રૂડી રૂપાળી એકની એક દિકરી, અને સોહામણો, નવયુવાન અને એમાંય પાછો બિઝનેસમેન જમાઈ... જોડી ખરેખર શોભી ઊઠી.


કયા એવા માતાપિતા હોય જે દિકરીનું સુખ નીચ્છે ? મારાં માતાપિતાએ પણ મારું સુખ ઈચ્છવામાં કંઈ બાકી ન રાખ્યું. સોહામણો નવયુવાન અને વળી પાછો બિઝનેસમેન.. આવો સારો વર તો ભગવાનને પાંચ આંગળીએ પૂજ્યાં હોય તેને જ મળે એમ માનીહરખાતાં હૈયે પિતાએ મારું કન્યાદાન કર્યું.
ઊટી, મહાબળેશ્વર, જેવા રમણીય સૌંદર્યમાં પંદર દિવસ તો ક્યાંયે વીતી ગયા, હા મિત્રેશને બિઝનેસની ચિંતા સતત રહ્યા કરતી એટલે જ પંદર દિવસમાં અમે પાછા ફર્યા, હું સતત અનુભવતી કે મિત્રેશ સતત તણાવગ્રસ્ત રહે છે, પણ અવનવી ભેટોથી મારું મન જીતી લેવામાં તે ઊણો નથી ઉતરતો, આખો દિવસ બિઝનેસને લઈને બહાર રહેનારો મિત્રેશ રાત્રે મારાં રૂમમાં પાગલ થઈ જતો અને છતાં તે સતત મારાથી દૂર જ લાગતો. મને સતત એવું લાગતું કે મિત્રેશ મારા રૂપનો જ ભૂખ્યો છે પણ પછી મન મનાવતી કે હશે.... યુવાન છે....


આમ ને આમ એક વર્ષ વીતી ગયું, અચાનક જ મારી તબિયત બગડવા લાગી, ચક્કર... ઉલટી તો ક્યારેક ક્યારેક થોડોક તાવ પણ આવી જતો, મિત્રેશ પૈસા આપી દેતો અને કહેતો - " ડૉક્ટરની અપૉઈન્ટમેન્ટ મેં લઈ લીધી છે, ઓફિસ જઈને ગાડી મોકલી આપીશ, તું ડૉક્ટર પાસે જઈ આવજે..." પાછાં ફરતાં હું તો ખૂબ હરખાઈ હતી, "હાંશ, હવે હું એકલી નથી... નવ મહિના પછી તો હું મા...બનીશ... મિત્રેશ ભલેને આખો દિવસ બહાર રહે, તેથી શું ? હવે તો મારું બાળક અને હું.... હવે મને એકલું નહીં લાગે." ખૂબ આનંદમાં હતી તે દિવસે... આનંદથી ઉછળતી હતી અને મિત્રેશની રાહ જોતી હતી... ક્યારે મિત્રેશ આવે અને ક્યારે એને આવા આનંદનાં સમાચાર આપું...


એ દિવસે મિત્રેશ ખૂબ મોડો આવ્યોહ અને આવ્યો એ પણ કેવી હાલતમાં, લથડતાં પગલે અને અર્ધ બેભાન અવસ્થામાં. તે આવ્યો, ને અવ્યો એવો જ સૂઈ ગયો, બીજા દિવસની સવારે તેનો નશો ઊતરી ગયો હતો.. મને

કહે - " મારે ડૉક્ટર સાથે વાત થઈ ગઈ છે, આજે જઈને મળી આવજે.."


પણ હજુ ગઈકાલે તો મળીને આવી છું.

તોય આજે જવાનું છે.

પણ શા માટે ?

એબોર્શન માટે


મિ..ત્રે..શ આ તમે શું કહો છો ? શું તમે ખુશ નથી ?


મેં કહ્યું ને કે તારે જવાનું છે, તો બસ જવાનું છે કોઈ દલીલ નહીં જોઈએ..


પણ મારે મા બનવું છે તેનું શું ?


તારે મા બનવું હશે પણ હું હમણાં બાપ બનવા નથી માંગતો.


પણ કારણ ?


તું ભણેલી છે... સમજી શકે તેમ છે...


એમાં સમજવાનું શું હોય ?


હજી આપણાં લગ્નને એક જ વર્ષ થયું છે.. કમ સે કમ પાંચ હાત વર્ષ તો મારે બાળક ન જ જોઈએ...
હું આ વાતમાં સહમત ન થાઉં તો ?

જો રીમા, બાળક થાય પછી પત્ની પત્ની ન રહેતાં માત્ર મા જ બનીને રહે છે... અને હું આટલી જલ્દી તને પત્ની માંથી મા બનાવવા નથી માંગતો.


દરેક સ્ત્રીને માતા બનવું ખૂબ ગમતું હોય છે.


ભલે દરેક સ્ત્રીને માતા બનવું ગમતું હોય, પણ દરેક પુરુષને પિતા બનવું ગમતું હોતું નથી.
આખર શા માટે ?


એક સુવાવડ થતાં જ સ્ત્રી ફ્રીજીડ બની જાય છે, ભાતા બન્યા પછી તે પતિનું પુરું ધ્યાન રાખતી નથી.


આ તમારી માન્યતા છે.


આ માન્યતા નહીં હકીકત છે.


હું મા બનીશ... જરૂર બનીશ.


જો તારે મારી વાત ન જ માનવી હોય તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે... હજી મારે ઘણાં સુખ ભોગવવાનાં બાકી છે સમજી ?


અને ન છૂટકે મારે મિત્રેશની વાત માનવી જ પડી, પણ મારો આત્મા એ પછી જાણે મરી પરવાર્યો... રાત્રીની નિરવતામાં મિત્રેશ માત્ર પુરુષ બની રહેતોઅને મારો સ્ત્રી દેહ તેને સંતોષતો.... બાકી એબોર્શન પછી મને ક્યારેય મિત્રેશ ન જ ગમ્યો. હું તેને તે પછી ક્યારેય પ્રેમ ન જ આપી શકી. મને વારંવાર એવું લાગતું કે જોહું રૂપાળી ન હોત તો કદાચ મિત્રેશે મને પસંદ જ ન કરી હોય.


પાંચ વર્ષ આમ જ પસાર થઈ ગયે. મારી માતા બનવાની ઈચ્છા પ્રબળ બની રહી પણ મિત્રેશની જીદ્દની આગળ મારું કંઈ જ ન ચાલતું.


ધીમે ધીમે મિત્રેશનાં ઘરે આવવાનાં સમયમાં ફેરફાર થવા લાગ્યો.. ક્યારેક બાર વાગે, ક્યારેક બે વાગે તો ક્યારેક વળી સાવ ન જ આવતો... બહુ પૂછપરછ કરતાં એટલું જ કહેતો... "અચાનક જ એક મિટીંગ ગોઠવાઈ ગઈ, બહુ મોડું થઈ ગયું પછી મિત્રનાં ઘરે જ રોકાઈ ગયો - તને મોડી રાત્રે ડિસ્ટર્બન કરવી એટલે જ રોકાઈ ગયો હતો. આજે સમયસર આવી જઈશ ચોક્કસ બસ ?


બીજાં બે વર્ષ પણ આમ જ પસાર થઈ ગયા, બધું જ સુખ મારાં હાથમાં જ હતું પણ રેતી છેવું સરકતું. મારાં આલીશાન બંગલાની દિવાલૉ મને જાણેકે ખાવા ધાતી હતી. મારી જ એકલતા મને સતત ડંખ્યા કરતી હતી. પણ ફરી ઈચ્છવા છતાંય ન ક્યારેય મને ઉબકાં આવ્યાં કે ન તો મને ફરી ક્યારેય થઈ ઊલટી... ક્યારેક મોડી રાત્રે મિત્રેશ મને કહેતો - 'રીમા, તારામાં ચેતન કેમ નથી રહ્યું ? તું ઉષ્માવિહીન અને ઉદાસ કેમ લાગે છે ?' પણ હું તેને ક્યારેય એ ન સમજાવી શકી કે મારાંમાંની સ્ત્રી અકાળે મુરઝાવા લાગી છે, મિત્રેશને સ્ત્રી જોઈતી હતી અને મારે જોઈતું હતું બાળક.


પછી તો મિત્રેશને ય બાળક હોવાની ઘેલછા જાગી, તે વારંવાર કહેતો... 'રીમા, એક બાળક હોય તો ઘર કેવું ભર્યું ભર્યું લાગે નહીં? ' તેની આ વાતથી હું ફરી સજીવન થઈ ઊઠી, પછી તો ડૉક્ટરી અપૉઈન્ટમેન્ટ, દવાઓનાં લાંબા લાંબા પ્રિસ્ક્રીપ્શન્સ પણ રે કિસ્મત !


હવે હું મા બનવાને લાયક નહોતી, મારી હતાશા અને મારી નિરાશા... અને મેં કરાવેલાં અબોર્શને મારાં ગર્ભાશયને નકામું બનાવી દીધું હતું, ઘર હતું પણ તેમાં માણસ વસી શકે.. શ્વસી શકે તેવું નહોતું રહ્યું, એ ઘર હવે કાયમને માટે ઉજ્જડ બની ગયું હતું, ફળદ્રુપ ધરતીને એબોર્શનનાં શ્રાપે હંમેશ માટે વંધ્ય બનાવિ દીધી હતી.


ધીમે ધીમે મિત્રેશ મારાથી વધુ અને વધુ દૂર થતો ચાલ્યો. અને અચાનક.. અચાનક એક દિવસ આભ ફાટ્યું, ભારાં હાથમાં આવ્યા મિત્રેશની સહી કરેલાં છેણૂટાછેડાનાં કાગળો.. એકમાત્ર મા ન બની શકવાની મારી ઊણપે મને મિત્રેશનાં જીવનમાંથી કાયમ માટે દૂર ફંગોળી દીધી.


તે મને બધાં જ સુખો આપવા તૈયાર હતો પણ મારાંમાંના તેના માટેનાં નફરતનાં બીજે મને કશું જ ન લેવા મજબૂર કરી, થોડાં સમયમાં તો મેં નોકરી શોધી લીધી, ભાડે ઘર પણ શોધી લીધું. ભાઈ બહેન તો હતાં જ નહીં, અને માતા પિતાને માથે બોજ બનવાનું યોગ્ય ન લાગતાં જ આ પગલું લીધું હતું, એકલાં જીવન જીવવાની મને તો જાણે આદત જ પડી ગઈ હતી... પણ મિત્રેશ ?


આજે નોકરી સ્વીકાર્યે સાત વર્ષ થઈ ગયા, મિત્રેશે તો ઈઅયારનાંય બીજે લગ્ન કરી લીધાં હતાં. આજે તેનાં ઘરે એક નાનકડું સુંદર મજાનું બાળક પણ છે અને તે ખંબ સુખી પણ છે, મારી સાથે કરેલ અન્યાય તેણે તેની બીજી પત્ની સાથે નહોતો કર્યો, તેની પુરુષ સહજ ભૂખથી કદાચ તે હવે ઉબાઈ ગયો હશે, ધરાઈ ગયો હશે અને એ સર્વનાં પરિણામ સ્વરૂપ જ આદર્શ ખૃહસ્થ જીવન જીવતાં શીખી ગયો હશે, પણ મારું... મારું શું ?


જીવવાની જીજીવિષા હવે રહી નથી, અને મરતાં મને આવડતું નથી. કાશ ! કાશ થોડીક ખોટી પ્રસંશા અને થોડોક ખોટો દેખાડા પૂરતો પ્રેમ કરતાં શીખી ગઈ હોત... તો આજે.. આજે આ દશા ન હોત. આજે નથી તો હું મિત્રેશની પત્ની, કે નથી તેનાં ઘરની નોકર, નથી બની શકી એક મા કે નથી બચી એક જીવંત ઉષ્માસભર વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી, અંદર અને અંદર રોજ ને રોજ બસ ખવાતી જ જાઉં છું. અને અજંપો, હતાશા, નિરાશાની ખાઈમાં ગડથોલિયાં ખાતી ખાતી બસ જીવ્યે જાઉં ચું. કાશ... મારી વેદનાને પાંખો હોત... કાશ....

નામ : જ્યોતિ ભટ્ટ

ઈમેઈલ :

મોબાઈલ નંબર – 9898504843