અલ્લાહ કે બંદે
ચીલ્ડ્રન ઍટ વોર (૨૦૧૦)
ગુંડાગીરીમાં વેડફાતા બચપણનું પ્રતિબિંબ
નવી સદીમાં ફિલ્મોને નવો ટચ મળ્યો. વિષયો બદલાયા. ફિલ્મો વાસ્તવવાદ તરફ ઢળવા લાગી. આવી જ એક ફિલ્મ અલ્લાહ કે બંદે. આ ફિલ્મમાં ગુનાખોરીના રસ્તે જતાં બાળકોનું જીવન અને એમનું મનોજગત કંડારાયું છે. ફિલ્મના આરંભમાં મારીયા મોન્ટેસોરીનું એક વાક્ય છેઃ ઇફ હેલ્પ એન્ડ સાલ્વેશન આર ટુ કમ, ઘે કેન ઓન્લી કમ ફ્રોમ ધ ચીલ્ડ્રન, ફોર ધ ચીલ્ડ્રન આર મેકર્સ ઑફ મેન. લેખક-દિગ્દર્શક ફારૂક કબીરે એક નવી જ દિશા ઉઘાડી છે.
નિર્માતા : રવિ વાલીયા
કલાકાર : નસીરૂદ્દીન શાહ-શર્મન જોશી-ફારુક કબીર-અતુલ કુલકર્ણી-અન્જાના સુખાની-રૂખસર ઝાકીર હુસેન-વિક્રમ ગોખલે-સુહાસીની મુલે-સક્ષમ કુલકર્ણી
ગીત : શરીમ મોમીન
ગાયક : કૈલાશ-ચિરંતન ભટ્ટ-તરૂણ-વિનાયક-હમઝા ફારૂકી
સીનેમેટોગ્રાફી : વિશાલ સિન્હા
ઍડિટર : સંદીપ ફ્રાન્સીસ
લેખન-પટકથા-દિગ્દર્શન : ફારૂક કબીર
દેશના આર્થિક મહાનગર મુંબઇમાં એક વિશાળ ઝૂંપડપટ્ટી છે. એ ભૂલભૂલામણીના નામે પણ ઓળખાય છે. અહીં બધા જ પ્રકારના ગેરકાયદેસર ધંધા થાય છે. આ ઝૂંપડપટ્ટીમાં બારેક વર્ષની વયના વિજય કાંબળે અને યાકુબ અન્સારી રહે છે. તેઓ ગાઢ મિત્ર છે. વિજય ઠંડા દિમાગનો છે જ્યારે યાકુબ ઝનૂની અને જ્વાળામુખી જેવો છે. યાકુબના માતા-પિતા ટ્રેન નીચે કચડાઇ મરણ પામ્યા બાદ વિજયની માતા યાકુબનું પુત્રની જેમ લાલનપાલન કરે છે. બન્ને શાળાએ જવાનો દેખાવ કરે છે પણ ગેરકાયદેસર ચરસના ધંધામાં સંડોવાયેલા છે. બોસ માખનભાઇ સુધી ચા પહોંચાડતાં તેઓ ચરસના ધંધામાં ગોઠવાઇ જાય છે. બન્નેને બોસની જેમ શક્તિશાળી અને અમીર બનવું છે. આની શરૂઆત તેઓ એમનાથી નાના છોકરાંઓથી કરે છે. તેઓ દરબાર ભરે છે અને છોકરાંઓનો ન્યાય તોળે છે. એક દિવસ ત્યાં ખૂન થયું. ઇજાગ્રસ્તને બન્ને દોસ્તો લૂંટી લે છે. લૂટફાટ સાથે તેઓ લોકોને સ્ત્રીના ફંદામાં ફસાવીને લૂંટવાના ધંધા પણ કરે છે.
એમની માતા બિમાર પડી છે. એનું લીવર સડી ગયું છે. મોટી હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર કરવાની છે. આ સંજોગો બન્નેને પુખ્ત બનાવી દે છે. એમને આગળ વધવાની તમન્ના થાય છે. બોસના ટેકા સાથે તેઓ એક ઝવેરીની દુકાન લૂંટે છે. લૂંટના પચાસ ટકા બોસને આપવાના છે. બોસ માલ લેવા આવે છે ત્યારે ભાગ બાબતે ઝગડો થાય છે. વિજય બોસ પર ગોળી ચલાવે છે. બોસ ઘાયલ થાય છે. બન્ને મિત્રો ભાગી જાય છે. બોસનો માણસ બોસને ઠાર કરે છે. બે દિવસ રહીને બન્ને પકડાય છે. ખૂન અને લુંટના આરોપસર એમને સજા થાય છે. એમને બાળ-જેલમાં મોકલવામાં આવે છે. તેઓ જેલમાં પહોંચે એ પહેલા એમની ખ્યાતિ પહોંચી જાય છે.
બાળ-જેલનો વોર્ડન(નસીરૂદ્દીન શાહ) શરાબી અને ક્રુર છે. કે.ટી. નામના બાળ ગુનેગાર સાથે એ જેલમાં નકલી નોટો છાપવાનો, ચરસનો વગેરે ધંધા કરે છે. વિજયને આ જેલ ક્રાઇમ સ્કૂલ જેવી લાગે છે. વિજય-યાકુબ પણ જેલમાં ચરસનો ધંધો શરૂ કરે છે. કે.ટી.ના માણસો એમને મારે છે. વોર્ડન એમને ગરમ ફર્શ પર ઊભા રાખે છે. બન્ને ધૂધવાય છે. કે.ટી. સામે બદલો લેવા મોકો શોધતા રહે છે. આ દરમિયાન વિજયની માતા મરણ પામે છે. બન્ને દોસ્તો જેલમાં કસરત કરી પોતાના શરીરને ફીટ રાખે છે. કે.ટી. સમલીંગી છે. એક દિવસ એને ફસાવીને બન્ને એનું ખૂન કરી નાખે છે.
આ ખૂન થતાં સરકાર જેલમાં ઇન્કવાયરી શરૂ કરે છે. વોર્ડન ગુમાનમાં સીધા જવાબ નથી આપતો. સરકાર એને સસ્પેન્ડ કરે છે. જેલમાંથી જતાં પહેલાં વોર્ડન વિજય અને યાકુબને ખુન્નસભરી નજરે નિરખતો રહે છે. બન્ને જેલમાં ટોળી બનાવીને કે.ટી.ની ટોળીને પરાસ્ત કરે છે. જેલમાં એમનો ડંકો વાગે છે. જેલમાં તેઓ છ લાખ જેટલા રૂપિયા કમાય છે. અગિયાર વર્ષ પછી સજા પૂરી થતાં તેઓ બહારના જગતમાં પગ મૂકે છે.
હવે એમનો ધ્યેય છે ભૂલભૂલૈયા વિસ્તાર પર સંપૂર્ણ અંકુશ. તેઓ જૂના સાગરીત રમેશ જાદવને મળે છે. ભૂલભૂલૈયા પર જેમનું રાજ ચાલે છે એમની માહિતી મેળવે છે. અહીં બે જણનું રાજ ચાલે છે. એક છે નાના ચૌહાણ. એનો ધંધો હથિયારનો છે. બાલા શેટ્ટી એનો સાથીદાર છે. બીજો છે સુલેમાન પટની. એ અહીં જ રહીને ડ્રગના ધંધા પર અંકુશ ધરાવે છે.
એ કોકેનનો વ્યસની છે. વિજય અને યાકુબ બન્ને ગુંડાઓને પરાસ્ત કરવાનો પ્લાન બનાવે છે. તેઓ એ જ વિસ્તારના બાળકોની
ેંગેંગ બનાવી એમને શસ્ત્રોની તાલીમ આપે છે. એક રાત્રે તેઓ સુલેમાનના બંગલા પર ત્રાટકે છે. સુલેમાનને બંગલાની બહાર ઢસડી લાવી શૂટ કરે છે. એમની ગેંગનો છાકો પડે છે. વિસ્તારના અન્ય નિદરેષ બાળકો પણ ગેંગમાં જોડાવા આવી પહોંચે છે.
આ વિસ્તારમાં એક સ્કૂલ ચાલે છે. એનો શિક્ષક આદર્શવાદી છે. એ બાળકોને સદગુણના પાઠ ભણાવે છે. એ બાળકોમાં રહેલી શક્તિઓ પીછાણીને એમને આગળ વધવા પ્રેરે છે. વિઠ્ઠલ એનો એક વિદ્યાર્થી છે. વિઠ્ઠલ સારો ચિત્રકાર છે. એના ચિત્રોનું પ્રદર્શન ભરાવાનું છે. પ્રદર્શનની તૈયારી કરવાને બદલે એ ગેરહાજર રહે છે. શિક્ષક એને શોધવા નીકળે છે. એને ખબર પડે છે કે વિઠ્ઠલ ગુંડાઓની ગેંગમાં ભળી ગયો છે. શિક્ષક વિઠ્ઠલને તેડવા અડ્ડા પર જાય છે. એનો સામનો વિજય અને યાકુબ સાથે થાય છે. શિક્ષક એમનાથી ડરતો નથી. આ ઘટના દ્વારા યાકુબ-વિજય પર શિક્ષકનો પ્રથમ નૈતિક વિજય થાય છે. શિક્ષકની પત્નીને બાળક જોઇએ છે પણ એને વિચાર આવે છે ‘‘બાળકોને જન્મ આપવા દુનિયા સુરક્ષિત જગ્યા છે ખરી ?’’ શિક્ષક વિઠ્ઠલના ઘરે જઇ એને મળે છે. વિઠ્ઠલને સમજાવે છે. એનું પેઇન્ટીંગ પૂરું કરવાનું કહે છે. વિઠ્ઠલ સરની માફી માગે છે.
વિજય-યાકુબનું ગજું વિસ્તરે છે. તેઓ રાજકારણીઓના સંપર્કમાં આવે છે. વિજય પાટર્ીઓમાં જતો થાય છે. એક પાટર્ીમાં એને સંધ્યાનો પરિચય થાય છે. પરિચય પ્રેમમાં પરિણમે છે. એકાંતમાં બન્ને વચ્ચેની સંયમની દિવાલ તૂટી જાય છે. વિજય યાકુબ પાસે એના પ્રેમની વાત કરે છે. યાકુબ ખુશ થઇ જાય છે. સંધ્યા ગર્ભવતી થાય છે. એક દિવસ એક રેસ્ટોરાંમાં વિજય વોર્ડનને જુએ છે. વોર્ડનને ગરીબાઇ, બિમારી અને વૃદ્ધાવસ્થા ઘેરી વળી છે. વિઠ્ઠલ ફરીથી ગેંગમાં જોડાય છે.
વિઠ્ઠલના પેઇન્ટીંગના પ્રદર્શનમાં એના બધા જ પેઇન્ટીંગ વેચાઇ જાય છે. સર એને સારા ખબર આપવા જવાની તૈયારી કરે છે. પણ વિઠ્ઠલ ગેંગવોરનો શિકાર બને છે. ગોળી વાગતાં એ ઘાયલ થાય છે. એ ઘાયલ હાલતમાં સરના ઘરે જાય છે. સરની માફી માગીને આંખો હમેશ માટે મીચી લે છે. વિઠ્ઠલના દેહને સર હાથલારી પર રાખી, મશાલ સરઘસ કાઢી વિજય-યાકુબના ઘરે જાય છે. વિજય-યાકુબ અને રમેશ અવાચક થઇ જાય છે. વિઠ્ઠલનો અગ્નિદાહ સર ત્યાં જ કરે છે. ચિતા ઠરતાં વિજય રાખમાંથી કશુંક પામવાનો પ્રયત્ન કરે છે.
વિજયને મળવા સૂરજ આવે છે. વિજય એને ગેંગ છોડી જવાની સલાહ આપે છે. ત્યાં જ શૂટ આઉટ થતાં સૂરજ મરણ પામે છે. બધા ગટર રસ્તે ભાગે છે. ઘરમાં બચેલા બાળકો પર નિર્મમ ત્રાસ ગુજારાય છે. વિજય-યાકુબ ઘેરાઇ જાય છે. રમેશ ભાગી જવાની સલાહ આપે છે જે યાકુબને માન્ય નથી. પ્રેસ અને મિડીયાના ડરથી રાજકારણીઓનો ટેકો પણ હટી જાય છે. વિજય મિડિયા સાથે વાત કરીને નાસી જવાનો પ્લાન બનાવે છે. એ મિડિયાની બીજા દિવસે ભૂલભૂલામણીમાં બોલાવે છે. રાત્રે એ શિક્ષક પાસે જઇ મિડીયાની ટીમને વસ્તીમાં લાવવા વિનંતી કરે છે. સર વાત માન્ય રાખે છે. વિજયને જગત સમક્ષ પોતાના ગુનાઓનો એકરાર કરવો છે. મિડીયા ભૂલભૂલામણીમાં થતા અત્યાચારોનું રેકોડર્ીંગ કરી પ્રસારણ કરે છે. રાજકારણના જગતમાં ધરતીકંપ થાય છે. મીનીસ્ટ્રીમાંથી વિજય-યાકુબ સહિત બધા જ ગુંડાઓને ખતમ કરવાના હુકમ છૂટે છે.
વિજય અને યાકુબ વચ્ચે મતભેદ થાય છે. વિજય આ બધા ધંધા છોડીને ઘર વસાવી શાંતિની જીંદગી જીવવાની વાત કરે છે. રીસાયેલા યાકુબના ગળે આ વાત કમને ઉતરે છે. મિડીયાના સાથમાં નાસી જવાનો વિજયનો પ્લાન સફળ થવાની અણી પર છે. પોલીસ રેડ કરે છે. યાકુબ પ્લાનથી વિરૂદ્ધ જઇને વિજયથી છૂટો પડી, પોલીસનો સામનો કરે છે. એ ઘેરાઇ જતાં સ્કૂલના બાળકોને બાનમાં લે છે. શિક્ષક બાળકોને છોડાવે છે. શિક્ષક યાકુબને શરણે જવાની સલાહ આપે છે. યાકુબ માનતો નથી. યાકુબની ગેંગમાં જોડાયેલો એક છોકરો યાકુબને શૂટ કરી દે છે.
ભાગી જવાન પ્લાન પ્રમાણે ટી.વી. ઇન્ટરવ્યુ પૂરો થતાં રમેશ આવીને વિજયને શૂટ કરવાનો દેખાવ કરે છે. વિજય મરણ પામવાનો દેખાવ કરે છે. ટી.વી.માં યાકુબ અને વિજયના મરણના સમાચાર પ્રસારીત થાય છે. આ દરમિયાન ભૂલભૂલામણીમાંથી વિજય સલામત બહાર નીકળી જાય છે. રમેશ એને યાકુબના મરણના સમાચાર આપે છે. વિજય ભીતરથી તૂટી જાય છે. એને એક વાતનો અફસોસ રહે છે કે એ એના સાથી મિત્ર યાકુબને દફનાવી પણ ન શક્યો.
મિડિયાના સમાચાર અને વિજયના ઇન્ટરવ્યુને લીધે બહારના જગતમાં હલચલ મચી જાય છે. યુનીસેફ અને અન્ય સંસ્થાઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોની વહારે આવે છે. સરકાર ગુંડાઓ સામે કડક પગલાં લે છે. ગરીબીમાં સબડતા જુલમી વોર્ડનની લાશ ફૂટપાથની ધારેથી મળે છે. વસ્તીમાં એક જ સલામત સ્થાન રહી જાય છે સ્કૂલ. વિજય એનો દેખાવ બદલી મુંબઇથી દૂર નીકળી જાય છે. એ પિતા બને છે. એના બાળકની આંખોમાં એ નવાં સપનાં જૂએ છે.
ગીત-સંગીત : ફિલ્મમાં ગીતોની એકાદ બે કડી જ અપાઇ છે. બેકગ્રાઉન્ડ સંગીત અને ગીતો ખરાબ રેકોડર્ીંગ હોવાથી કર્કશ લાગે છે. પિયાનોના સંગીતનો સાથ લેવાયો હોવા છતાં એના સૂર કાનમાં ખૂચતા હોય એવા લાગે. એક સ્થાને વહ સુબહ કભી તો આયેગી ગીતના હાર્દનો ઉપયોગ થયો છે.
દિગ્દર્શન : આ અંડરવર્લડ જગત આધારીત એકશન અને હિંસાની ફિલ્મ હોવાથી દિગ્દર્શકને ભાગે નવા વિચાર સિવાય કશુંક નવું આપવાનો મોકો જ નથી મળ્યો. હા, એક ટચ સારો છે. વિઠ્ઠલની ચિતાની રાખમાંથી કશુંક શોધવા ઇચ્છતો વિજય. ઘટનાઓની ઘટમાળ એટલી ઝડપથી પસાર થતી રહે છે કે પ્રેક્ષકને કશું વિચારવાનો મોકો મળતો નથી. ફોટોગ્રાફીમાં પણ કૅમેરા પાત્રો સાથે પ્રેક્ષકની આંખો અને મન થાકી જાય ત્યાં સુધી સતત દોડતો રહે છે. ફિલ્મ પૂરી થતાં સુધીમાં તો ફિલ્મના પાત્રોની જેમ પ્રેક્ષક પણ થાકી ગયો હોય છે. ફિલ્મની ભાષા તદ્દન ટપોરીછાપ નથી રખાઇ. હા, એક શોટમાં સો રૂપિયાની નોટને ગાંધી કહેવાઇ છે. ફિલ્મનું ઍડીટીંગ ચુસ્ત છે.
આ ફિલ્મમાં શર્મન જોશીનું તદ્દન નવું સ્વરૂપ જોવા મળે છે. કોમેડી ફિલ્મોમાં, હીરોને સાથ આપતા હળવા રોલ નિભાવતા શર્મનને અહીં અભિનય માટે મોકળું મેદાન મળ્યું છે. ઠંડા દિમાગના વિચારશીલ ગુંડાનું પાત્ર એ સફળતાપૂર્વક નિભાવે છે. એનો ગેટ અપ પણ દાદ માગી લે એવો છે. એની આંખોના ભાવ સુંદર ઝીલાયા છે. શર્મન અહીં છલકાતા પૌરૂષત્વને તાદૃશ કરે છે. એનો સાથ નિભાવે છે ફરૂક કબીર. બન્નેના અભિનયની જુગલબંધી માણવા જેવી છે. એક ઠરેલા મગજનો અને એક ઝનૂની. બાળ વિજય અને યાકુબનો અગત્યનો રોલ પણ બાળ કલાકારો સારી રીતે નિભાવી જાય છે. નસીરૂદ્દીન શાહ ઓછા સમય માટે પરદા પર આવે છે પણ અભિનયની અમીટ છાપ છોડી જાય છે. શિક્ષકના પાત્રમાં અતુલ કુલકર્ણી વેધક આંખો દ્વારા અસર ઊભી કરે છે.
કહે છે કે ફિલ્મ સમાજનું દર્પણ છે. આ ફિલ્મમાં સમાજની બીજી બાજુ રજુ થઇ છે. સભ્ય સમાજની સમાંતર ગુંડાઓનું પણ સામ્રાજ્ય છે. આ પહેલા ઍન્કાઉન્ટર ધ કીલીંગમાં પણ સમાજનો વરવો ચહેરો પ્રગટ થયો હતો. મનુષ્ય જન્મથી ગુંડો નથી હોતો પણ જ્યારે એ ગુંડો બને છે ત્યારની મથામણ; અને ગુંડામાંથી મનુષ્ય બનવાની મથામણ આ ફિલ્મનું કેન્દ્ર છે. જગતમાં બઘા જ મનુષ્યોને કુટુંબ સાથે શાંતિથી જીવન જીવવું છે પણ સંજોગો એને ક્યાં લઇ જાય એની ખબર પડતી નથી. જ્યારે ખબર પડે છે ત્યારે મોડું થઇ ગયું હોય છે. ગુંડાગીરીના જીવનનો એક રસ્તો અકાળ મૃત્યુ સુધી જાય છે. ખૂબ ઓછા ભાગ્યશાળીઓ એ રસ્તાને બદલે સાચા રસ્તે જઇ શકે છે. અહીં કરો એવું પામોનો સિદ્ધાંત વણાયો છે. યાકુબ બચપણમાં બોસને શૂટ કરે છે. એ જ રીતે યાકુબનો બાળ ચેલો યાકુબને શૂટ કરે છે. જુલમી વોર્ડન પણ કૂતરાના મોતે ગરીબાઇથી રીબાઇને મરે છે. વિજય એની સાત્વિક વિચારધારાને લીધે બચી જાય છે.
ફિલ્મના શિર્ષક અને ફિલ્મના હાર્દ વચ્ચે મેળ નથી બેસતો. આમાં નથી અલ્લાહની વાત કે નથી એના બંદાઓની વાત. હા, શિક્ષક એક બંદો છે પણ ઓછા ફૂટેજ ધરાવતો. શિર્ષકને ધ્યાનમાં લઇને ફિલ્મ જોઇએે તો છેતરાઇ જવાની લાગણી થાય. કદાચ માર્કેટીંગને ધ્યાનમાં રાખીને ધાર્મિક જેવું લાગતું શિર્ષક અપાયું હશે ‘‘અલ્લાહ કે બંદે.’’ એક અનુમાન એ પણ થઇ શકે કે બાળકો ઇશ્વરના દૂત હોય છે. એ સંદર્ભે પણ ટાઇટલ આવું રખાયું હશે. એકંદરે શર્મન-ફારૂકનો અભિનય અને કથાનું હાર્દ આ ફિલ્મનું જમા પાસું છે.
-કિશોર શાહ kishorshah9999@gmail.com