અધૂરાશ Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરાશ

*** અધૂરાશ ***

શયનખંડની મસમોટી બારીમાંથી ફ..ર...ર..ર.. કરતીકને ચકલી ઉડતી આવીને આદમકદના અરીસા પર બેસી ગઈ.

“પંખામાં આવી જઈશ તો બાપડી મરી જઈશ..!! ચલ, શી.. શી.. ઊડી જા.. જોઉં..!!” શરીરમાં હતું એટલું જોર લગાવીને ઊભી થતાં સરિતા બોલી.

ચકલીને ઉડાડવાના પ્રયાસમાં અરીસામાં સરિતાને અનાયાસે પોતાનું પ્રતિબિંબ દેખાઈ ગયું. “કેટલા દિવસે આમ પોતાની જાતને નીરખીને જોઉં છું નહીં..?? આંખોની આસપાસ કાળા કુંડાળા થઈ ગયા છે, ચામડી લબડવા મંડી છે અને આ શું..?? વાળની લટમાં સફેદી..!! સરિતા... તું તો બુઢ્ઢી થઈ ગઈ બુઢ્ઢી.. હવે કોણ જોશે તારી સામે..?? તે પહેલાએ કોણ જોતું’તું..?? કોને ફુરસદ છે ઘડી બે ઘડી મારી પાસે બેસવાની, મારી સાથે બે વાત કરવાની, મને સમજવાની.... હાં....!!” હળવા નિશ્વાસ સાથે સરિતા મનોમન તર્કવિતર્ક કરવા લાગી.

એના શરીરમાં કળતર થતી હતી. ઝીણો તાવ હોય એવું લાગી રહ્યું હતું. ઘણીવાર સુધી અરીસા સામે ઊભા રહ્યા બાદ સરિતા પલંગની બાજુમાં રહેલી કોતરણીવાળી આરામ ખુરશીમાં ફસડાઈ પડી.

“હું તો જાણે ઓળખાતી જ નથી. મારું રૂપ જાણે આખું બદલી ગયું છે. આજે પણ મને યાદ આવે છે કે, બાળપણમાં મારા બાપુ મને ‘પરી’ કહીને બોલાવતાં ત્યારે બા કહેતી કે, પરી વગર તો એના બાપુનો પાટલોએ નહીં પડે... પણ.... અહિંયા આવ્યા બાદ આ ઘરમાં અને ઘરનાં તમામ સભ્યોની નજરમાં મારી કોઈ કિંમત જ નથી. વાતે વાતે તોછડાઈ, અપમાન, મજાક ઉડાડવી અને મારી અધૂરાશો અંગે બોધ આપવો એ તો જાણે બા અને સુબોધ માટે દિનચર્યાનો એક ભાગ બની ચૂક્યો હતો એમાં ઉમેરો થયો પલક અને તીર્થનો... મારી કૂખે જન્મેલા મારા જ જોડિયા સંતાન...” વિચાર કરતાં કરતાં સરિતાની આંખોમાં આસુંના ઘોડાપુર ધસી આવ્યા.

હ્રદયમાં ધરબાયેલી વેદનાને ખાળવા સરિતાએ ટેબલ ઉપર રાખેલા જગમાંથી ગ્લાસમાં પાણી લેવાનો પ્રયત્ન કર્યો પણ એમાં પાણીનું ટીપુંએ નહોતું. એના ગળે ખારાશ બાઝી ગઈ. વર્ષોની વેદનાને પોતાના હોઠ ઉપર લાવીને છલકાતી આંખે પલંગની બરાબર સામેની દિવાલ પર ટિંગાળેલી મુરલી મનોહરની છબી સામે જોતાં સરિતા બોલી, “આવડા મોટા ઘરમાં મારું કહી શકાય એવું કોઈ નથી, કોઈ કરતાં કોઈને મારી જરૂર નથી. આજે મારી તબિયત જરાયે સારી નથી છતાં એવું કોઈ નથી કે જે મારું ધ્યાન રાખી શકે... હું રહું કે ન રહું કોઈને ફરક નહીં પડે.... મને પણ નહીં.. હે.. મારા મુરલી મનોહર..!! હવે તું જ મારો ફેંસલો કર, બોલાવી લે મને તારી પાસે... બોલાવી લે... મને.. મા..રા.. વા..લા....”

અને અચાનક.... કૃષ્ણ ભગવાનની છબીને એકીટશે નિહાળી રહેલી સરિતાની દ્રષ્ટિ ધૂંધળી પડવા લાગી, આંખો બિડાવા લાગી અને એના શરીરનું સમતોલન ખોરવાતાં તે પલંગની ડાબી બાજુ ફસડાઈ પડી.

પણ..... “આ શું...?? આ તે વળી કેવો પ્રકાશ...??? કોણ... કોણ છે ત્યાં..??? સરિતાની આંખો સામે પ્રકાશનો પૂંજ ફેલાઈ ગયો.

“મૈયા... ઓ.. મૈયા...” સરિતાને પડઘાતો અલૌકિક ધ્વનિ સંભળાયો.

“તું.. તું.. મારો મુરલી મનોહર તો નહીં...?? મારો કાનો તું.. તું.. જ છે ને..??” સરિતા આંખો ચોળતાં ચોળતાં બોલી.

“હાં... મૈયા, ચાલ મારી સાથે હું તને અહીંથી લઈ જવા આવ્યો છું. તેં મને સાચા હ્રદયથી યાદ કર્યો ને હું હાજર છું મૈયા... વર્ષોથી હું તારી દયામણી હાલતનો સાક્ષી રહ્યો છું. તું મારી સાચી ભક્ત છે એટલે તારા મન પર પડેલા તમામ ઘા મારા હ્રદયને પણ ડંખી રહ્યા છે. અત્યાર સુધી તું જે સુખની હક્કદાર હતી છતાં તને મળ્યા નથી એ તમામ સુખો હું તારા ચરણે ધરી દઈશ બસ, હવે બહુ થયું અહિંયા તો કોઈનેય તારી જરૂર નથી. માટે તું મારી સાથે ચાલ મૈયા... હું તને લેવા આવ્યો છું ” સરિતાના કાને પડઘા પાડતો અવાજ સંભળાયો.

“અં.. હં.. હે મારા પ્રભુ, મને તારી સાથે આવવું તો છે પણ...., હું તારી સાથે કેમ કરીને આવું..?? હું એક માં છું મારા વા’લા, તું ભલે દેવ છો પણ માં ના હ્રદયને સમજવું તારા માટે પણ મુશ્કેલ છે. મારા પલક અને તીર્થ હમણાં કૉલેજથી આવતાં જ હશે ને મારે એમના માટે ગરમા ગરમ નાસ્તો બનાવવો છે એટલે.... ના.. ના... હું ન આવી શકું..”

“હાં.. પણ નાસ્તો તો કામવાળી પણ બનાવી શકે ને એમાં માં ની ક્યાં જરૂર આવી..?? બસ, તું ચાલ મારી સાથે” પડઘાતો અવાજ વધુ ઉગ્રતાથી સંભળાયો.

“હા.. એ વાત તો તારી સાચી પણ મારા વા’લા હું માતાની સાથે સાથે એક પત્નિ પણ છું ને...!! પતિ પરાયણતા મારી નસે નસમાં વહે છે. જેમની સાથે સાત જનમનો સંબંધ બાંધ્યો છે, જેમની સાથે હું સાત વચને બંધાણી છું એવા મારા પરમેશ્વરને આમ અધવચ્ચે મૂકીને હું તારી સાથે કેમ આવી શકું...??” સરિતાથી દ્રઢતાથી બોલી.

“પણ મૈયા, તારા પતિને તો તારી અધૂરાશો શોધવામાંથી અને અધૂરાશો અંગે બોધ આપવામાંથી ફુરસદ જ ક્યાં છે..?? એને તારી ક્યાં કોઈ જરૂર છે..?? માટે મોડું ન કર, હું તારા ચરણે સ્વર્ગના તમામ સુખો ધરી દઈશ. હવે તો ચલ...” પડઘાતા અવાજે વધુ મક્કમતાથી સમજાવ્યું.

“જો કાના, એક પત્નિને સાચું સુખ એના પતિની સાથે અને પતિના ચરણોમાં મળે છે નહીં કે તારા સ્વર્ગમાં... આજે ભલે એમને મારી જરૂર ન હોય તેમ છતાં હું તો મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મારા પતિ, સંતાન અને મારા પરિવારની જરૂરિયાત પૂરી કરવામાં પાછી પાની નહીં કરું માટે મારે નથી આવવું તારી સાથે.....”

“પણ મૈયા, તારી વિનવણીને કારણે જ હું તને તમામ સુખો આપવા..... ”

અવાજની દિશામાં સરિતા ખેંચાવા લાગી. “હા... મારી વારંવારની વિનવણીઓને કારણે જ તું મને લેવા આવ્યો છે, એ કબૂલ... પણ મને નથી આવવું તારી સાથે અને હા.. જો તું મને ખરા અર્થમાં સુખ આપવા માંગતો જ હોય તો મારા પરિવારની નજરમાં મારી અધૂરાશો પૂરી કરીને આપ મારા વા’લા...”

સરિતાને લાગ્યું કે, જાણે એનું શરીર રૂના પૂમડાં જેવું હલકું બની રહ્યું છે અને તે સૂક્ષ્મ રૂપે એ પડઘા પાડતાં અવાજ તરફ ખેંચાઈ રહી છે, એનો શ્વાસ ધમણની જેમ ફૂલી રહ્યો છે, એના માથાની નસેનસ ખેંચાઈ રહી છે, એનું શરીર ઝટકા ઉપર ઝટકા સહન કરી રહ્યું છે અને એનો હાથ જાણે સખતાઈથી ખેંચાઈ રહ્યો છે. સરિતાએ હતું એટલું બળ એકઠું કરીને પોતાનો હાથ છોડાવવા પ્રયત્ન કર્યો.

“આ શું...??” સરિતા ફાટી આંખે તાકી રહી. “પ્રકાશનો પૂંજ... ક્યાં.. ક્યાં... ગયો..?? પડઘાતો અવાજ ઓચિંતાનો શાંત કેમ થઈ ગયો...??? ક્યાં છું.. હું...?? મારા મુરલી મનોહર તું.. ક્યાં...?? આ તું મને ક્યાં લઈ આવ્યો મારા વા’લા....??” સરિતા મનોમંથન કરતાં બોલી.

“સ....રિ...તા....”

“મો..મ.... મો..મ, આર યુ ઓલ રાઈટ..??”

સરિતાએ આજુબાજુ નજર ફેરવીને જોયું તો, એ પોતાના જ પલંગ ઉપર હતી. એ જ રૂમ, એ જ બારી, એ જ પંખો અને સામે મુરલી મનોહરની એ જ છબી. “કેમ... મ..ને.. શું… આ..હ...” હાથમાં ભરાવાયેલી સોય ખેંચાતા સરિતા દર્દથી કણસી ઉઠી.

“સરિતા... તું છેલ્લા બે દિવસથી બેભાન છો પણ થેન્ક ગોડ, નાઉ યુ આર પરફેક્ટલી ઓલરાઈટ.” ડૉકટરની સાથે સાથે સરિતાના પરિવારના મિત્ર એવા ડૉ. દોશી બોલ્યા.

“ઓ. કે. સુબોધ, હવે સરિતાને આરામ કરવા દઈએ. હું કાલે સવારે ચેકીંગ કરવા આવું છું. ત્યાં સુધી મારા પૅશન્ટને સંભાળવાની ટોટલી જવાબદારી તારી. તને યાદ છે ને મેં શું કહ્યું હતું...?? જો સરિતા ફરી પાછી ડિપ્રેશનમાં આવી જશે તો મે બી પોસિબ્લીટી ઓફ કોમા..... કેન યુ અંડર સ્ટેન્ડ વોટ આઈ મીન ટુ સે...??” જતાં જતાં ડૉ. દોશી સુબોધને સરિતાની નાજુક તબિયત વિષે વાકેફ કરતા ગયા.

“બા.. બા.. ક્યાં..??” બેઠા થવાની કોશિશ કરતાં સરિતા બોલી.

“તું આરામ કર મોમ. બા હમણાં આવતા જ હશે. તું જલ્દીથી સાજી થઈ જા એટલે મંદિરમાં પ્રાર્થના કરવા ગયા છે.” તીર્થ સરિતાને ચાદર ઓઢાળતા બોલ્યો.

મનોમન ગડમથલ કરતો સુબોધ, સરિતાના પલંગની ધાર ઉપર બેસી ગયો. સરિતાના હાથને પોતાના હાથમાં લઈને ગળગળા સાદે બોલ્યો. “સરિતા... અમને માફ કરી દે. હું અમારા બધા વતી તારી માફી માગું છું. અમારા બધાની બેકાળજી અને બેધ્યાનપણાને કારણે આજે કદાચ અમે તને ખોઈ બેઠા હોત...” સુબોધના ગળે ડૂમો બાઝી ગયો અને એનાથી ડૂસકું નખાઈ ગયું એટલે વાતનો દોર પલકે સાધી લીધો.

“મો..મ, આ છેલ્લા બે દિવસમાં અમે બધાએ તારા વગર અમારા જીવનમાં જે અધૂરાશનો અનુભવ કર્યો છે એને શબ્દોમાં વર્ણવો લગભગ અશક્ય જ છે. આજે અમને તારું અમારા જીવનમાં શું સ્થાન છે એ પણ અમે સુપેરે સમજી ચૂક્યા છીએ.”

“સરિતા...” ગળું ખંખેરતા સુબોધ બોલ્યો, “આજ સુધી મેં તારામાં ફક્તને ફક્ત અધૂરાશો જ શોધી છે પણ આજે મને એ સમજાઈ ગયું છે કે, અધૂરાશ તારામાં નહીં પણ મારી નજરમાં જ હતી, અધૂરી તું નહીં પણ તારા વગર અમે અધૂરા છીએ.”

“મોમ, વી આર રીયલી સોરી, હવે અમે તને ક્યાંય જવા નહીં દઈએ.. નો... નેવર..”

પલક, તીર્થ અને સુબોધ ત્રણે જણાં સરિતાને આલિંગનમાં લેતાં બોલ્યા. પતિના સુમધુર સાથ અને સંતાનોની મધુર વાણીથી અભિભૂત સરિતાની નજર અનાયાસે મરક મરક હાસ્ય વેરાવી રહેલી મુરલી મનોહરની છબી પર પડી અને એની આંખોમાંથી આભારવશ થતી અશ્રુની ધારા વહેવા લાગી જે સરિતાની સાથે સાથે એના પરિવારજનોને પણ ભીંજવી રહી.

******************** અસ્તુ ***********************