Asmanjas Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Asmanjas

*અસમંજસ* (૧) અઢી અક્ષર (નવલિકા)

“જિંદગીકા ના ટૂટે લડી.... પ્યાર કરલે ઘડી દો ઘડી.....” મનસુખરાયની એકલતામાં મોબાઈલની રિંગટોને વિક્ષેપ પાડયો. સ્ક્રીન પરનું નામ જોઈને એમણે ગુસ્સાથી ફોન ઉપાડતાં કહ્યું, “કેટલીવાર કીધું છે કે એની સાથે વાત કરવાં મારા ફોન પર......”

“હં....અં.....એ.....એ મરી રહી છે.”

“..............”

“સાંભળ્યું.... તમે... એ... મરી રહી છે, મરી..... વિચારવાયુ અને અસમંજસના વમળમાં અટવાયેલી મારી સ્નેહાનો ગંભીર અકસ્માત થયો છે..... માણસાઈ બાકી રહી હોય તો સીટી હોસ્પિટલ આવી જજો તાબડતોબ.” ચોધાર આંસુએ રડતાં-રડતાં પૂજા દ્વારા કહેવાયેલી એ વાતને સાંભળ્યા બાદ પાષાણ હ્રદયના સ્વામી મનસુખરાય પણ હબક ખાઈ ગયા.

ક્લાકેક બાદના આંતરદ્વંદ્વ અને મનોમંથન બાદ મનસુખરાયે હૉસ્પિટલની અંદર પ્રવેશ કર્યો. વર્ષોથી જેની સામે પણ નહોતું જોયું એની સામે જવામાં એમને અજબ પ્રકારના અજંપાનો અનુભવ થઈ રહ્યો હતો. ત્રીજામાળનો દાદરો ચડતા જ I.C.C.Uની બહારના સોફા પર બેઠેલી પૂજાના ચહેરા પરથી જ પરિસ્થિતિનો ચિત્તાર મળી રહ્યો હતો. હજુ તેઓ પૂજાને કંઈ પૂછે તે પહેલા જ સામેથી ડૉકટર આવતાં દેખાયા.

“ડૉ. કેમ છે એની તબિયત??? કંઈક તો કહો ને સર કેમ છે મારી સ્નેહા.....???તરડાયેલા ગળે પૂજા માંડમાંડ બોલી.પણ મનસુખરાયે એક હરફ સુંધ્ધાં ન ઉચ્ચાર્યો.

“વેલ, એકસીડેંટ મેજર હતું એટલે.... કંઈ કહી તો ન... શકાય. જોકે અમે અમારા તરફથી પૂરેપૂરી કોશિશ તો કરી જ રહ્યા છીએ, but we can’t understand કે પેશન્ટ respond કેમ નથી કરી રહ્યા?? આઈમીન, એને અંદરથી જીવવાની જ કોઈ ઈચ્છા રહી ન હોય એવું લાગી રહ્યું છે તોય ખબર નહીં કઈ આશમાં એનો જીવ...........”

“સર.... સર.... I.C.C.U. ના પેશન્ટ…. She is sinking..”

“Oh….no… come fast excuse me….”

પૂજાના ડૂસકાએ હૉસ્પિટલના શાંત વાતાવરણને ખળભળાવી નાખ્યું અને ભાંગેલા હૈયે તે સોફા પર ફસડાઈ પડી. નર્સોની દોડાદોડી અને ઓક્સિજનની હેરાફેરી વચ્ચે ડૉકટર દ્વારા બોલાયેલા શબ્દો પૂજાના મનોમસ્તિષ્ક્માં ઊંડો ઘા પાડી રહ્યા હતા. ‘…..આશ.......’ અને તે ભૂતકાળમાં સરી પડી.

“અરે! સ્નેહુ, એક વખત કહી તો જો, હું નથી માનતી કે કોઈ વ્યકિત આટલી પથ્થરદિલ હોય.....”

“પણ મને તો એમના વર્તન પરથી કાયમ એવું જ લાગ્યું છે. અને....”

“.....એકવાર તમારા સંબંધની આણ આપીને કહી......”

“સંબંધ....??? જો પૂજા, અમારા વચ્ચે સંબંધ તો છે પણ... સંવાદિતા, હૂંફ કે પોતિકાપણું છે ખરાં??? અરે! અમારા વચ્ચે તો સંબંધોની ભીનાશ પણ કયાં છે? એમના ગુસ્સા અને તિરસ્કારના તાપે એનું બાષ્પીભવન થઈ ગયું છે. તેમ છતાંય મારા હ્રદયના એક ખૂણે એવી ‘આશ’ પાંગરી રહી છે જે મને પળે પળે એજ વિશ્ર્વાસ આપેછે કે, એક દિવસ એવો જરૂર ઊગશે જ જ્યારે એ અઢી અક્ષરના અમી ભરેલા છંટકાવને પગલે બાષ્પીભવન થયેલી ભિનાશ જ મારા જીવનમાં હેતની હેલી વરસાવશે.......”

“હં..અં.. પણ... એને ક્યાં ખબર હતી કે, એની આશ પૂરી થાય એ પહેલા એના શ્ર્વાસ ખૂટી જાશે.” આંતરદ્વંદ્વ કરતાં-કરતાં પૂજાથી મોટેથી બોલી જવાયું. પણ મનસુખરાયની પાષાણતામાં કોઈ ફેરફાર ન થયો.

“સિસ્ટર, ડૉ. પંડ્યાને ઈમીજેટલી અહીં બોલાવો. It’s an emergency.” નર્સને સૂચનો આપતાં ડૉ. I.C.C.U.ની બહાર આવ્યા.

“ડૉ. સાહેબ કેમ છે એને??” મનસુખરાયના હ્રદયમાં કશુંક પીગળી રહ્યું હતું કે પછી......

“વેલ, અમારી કોશિશો તો ચાલુ જ છે પણ પેશન્ટનું ઈન્ટરનલ બ્લીડીંગ બંધ જ નથી થતું. In that case, હું તમને કોઈ ખોટી બાહેંધરી આપવા નથી માંગતો. I Think, એની પાસે બહુ સમય નથી. I Mean તમે એને વારાફરથી મળી લ્યો તો સારું.... Excuse me.”

પૂજાના ગળે ડૂમો બાઝી ગયો. તે અપલક નયને I.C.C.U.ના બંધ દરવાજાને તાકતી રહી.

ડૉ.ના ગયા બાદ મનસુખરાયે ધીમેથી અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો પણ...... ‘ક્સ્તુરીના અકાળ અવસાન માટે એ જ જવાબદાર છે એટલે આજથી એનું મોઢું હું કયારેય નહીં જોઉં અને ફક્ત મોઢું જ નહીં એનું નામ પણ મારી જીભ પર કયારેય નહીં આવે.....’ સોળ વર્ષ પહેલા લીધેલી ભીષ્મ પ્રતિજ્ઞા યાદ આવી જતાં મનસુખરાય પીછેહઠ્ઠ કરવા માટે મજબૂર થયા. તેઓ સોફા પર ફસડાઈને બેસી ગયા પણ પૂજાની વેધક નજર એમના અંતરાત્માને વીંધતી હ્રદય સોંસરવી ઉતરી ગઈ. એટલે નામરજી છતાં એમણે ફરી પાછા મક્કમતાથી I.C.C.U.ની અંદર જવા ડગ ઉપાડયા.

નિર્લેપ ભાવે હળવેકથી દરવાજો ખોલીને તેઓ અંદર આવ્યા. પરંતુ અંદરનું દ્રશ્ય જોઈને તેમનું પથ્થર દિલ પણ વિચલિત થઈ ગયું. સફેદ ચાદરથી છાતી સુધી ઢંકાયેલો દેહ,માથા ઉપર બાંધેલો પાટો, સફેદ પૂણી જેવો ચહેરો, નિશ્ર્તેજ થવાની ઉતાવળ માં હોય એવી આંખો અને ટૂટતા જતાં શ્ર્વાસ....... સ્નેહાના ભાવવાહી ચહેરાને સોળ વર્ષના વનવાસ બાદ જોયા છતાં એમની આંખોમાં એક ચમક આવી ગઈ અને અનાયાસે જ એમના મોઢામાંથી નીકળી ગયું, “ કસ્તુરી.....” એ સાથે જ એક હળવી ટીસ એમના હ્રદયમાં ઊઠી, “ના... ના.... એ.... તો.....” અને એમની દ્રષ્ટિ ધૂંધળી પડી ગઈ.

મનસુખરાયના ગરમ અશ્રુ સ્નેહાના ગાલ ઉપર પડતાં અર્ધ બિડાયેલી આંખે એમને નિહાળ્યા અને મહામહેનતે પોતાના હોઠ ફફડાવ્યા. બંને વચ્ચે ‘એ’ અઢી અક્ષરની આપ-લે થઈ. અત્યાર સુધી જે અઢી અક્ષર બોલવા માટે સ્નેહા તડપી હતી અને જે અઢી અક્ષરથી મનસુખરાય દૂર રહ્યા હતા એને સાંભળ્યા પછી એમની રહી સહી નિષ્ઠુરતા પણ પીગળવા લાગી.

સ્નેહાના ઘાયલ શરીરને હળવા આલિંગનમાં લેતા તેઓ બોલ્યા, “આજથી ‘કસ્તુરી’ નામનું મકાન ફરી પાછું ઘર બની જશે. આપણા મુખેથી બોલાયેલા એ શબ્દો દ્વારા આપણાં સંબંધમાં નવો પ્રાણ ફૂંકાઈ જશે. મોડે તો મોડે પણ આજે મારી આંખો પરથી નફરતની પટ્ટી ઊતરી ગઈ છે. ‘કસ્તુરી’ના અકાળ અવસાન માટે તને કસૂરવાર ઠેરવીને મેં તારો હમેંશા તિરસ્કાર કર્યો. તને કાયમ દુ:ખ અને તકલીફો જ આપ્યા. હું તારો ગુનેગાર છું, તારી આવી હાલત માટે પણ હું જ જવાબદાર છું. લાયક તો નથી પણ શક્ય હોય તો મને માફ કરી દે.... મને.... માફ.... માફ... કરી.... દે.... સ્ને....હા...”

નિષ્પ્રાણ થઈ ગયેલા સ્નેહાના દેહને ઢંઢોળવાની નિષ્ફળ કોશિશમાં બહાવરા બનેલા અને સ્નેહા... સ્નેહાનો પોકાર કરી રહેલા મનસુખરાયના કાનમાં સ્નેહા દ્વારા જિંદગીમાં પહેલી અને છેલ્લી વખત બોલાયેલા એ અઢી અક્ષર પડઘાવા લાગ્યા........ “પ...પ્પા.... પ...પ્પા... પ....પ્પા.....”.

********************અસ્તુ*********************

(૨) નુસ્ખો (લઘુવાર્તા)

“હે! મારા પરભુ, ઓલી મારકીટમાં બોમ્બ ફૂયટો એના કરતાં હું બકાલું વેંસવા બેસુ’સુ ન્યાં ફૂયટો હોત તો.....???”

“ઓય હંતુડી, હું બોલે’સે એનું કાંઈ ભોન-બોન સે કે નંઈ...??”

“અલી, તે હાંભળ્યું નથ કે હું??? કે બોમ્બ ફૂયટો એમાં જે મૂઆ એના ઘરનાને પચ્ચાહજાર દેવાણાં... પચ્ચા..... ને પાસું ઘરનાને લીલા’લેર થાય એવો નુસ્ખો સે મારી બૂન...”

“લે, તો હું આવો નુસ્ખો અજમાવાનો ને રૂપિયા કમાવા હારૂ મરવાનું એમ....???”

......શહેરમાં હજુપણ વિસ્ફોટ થવાનો ભય હોવાને કારણે કોઈ સંદિગ્ધ વસ્તુ કે વ્યકિત દેખાય તો નજીકના પોલીસ-સ્ટેશનમાં જાણ કરવી. જાણ કરનારને રૂI. પાંચહજારનું ઈનામ આપવામાં આવશે...

......ટીન...... ટીન...... ટીન.......

જાહેરાતના સૂરો વહાવતી રિક્ષા પસાર થઈ તે સાથે સંતુના ઠેલા પરથી આઠ-દસ ટમેટાંનો અને ભચીના ઠેલા પરથી બે ખાન ડઝન કેળાનો સોથ વાળતી ગઈ. પણ તે બંનેનું ધ્યાન તો ક્યાંક બીજે જ હતું. એક વ્યકિત છેલ્લા આઠેક દિવસથી દરરોજ આમથી તેમ ખાલી હાથે આંટા માર્યા કરતો પણ.... આજે એના હાથમાં એક નાનકડી બેગ પણ હતી.

“ઓ.... તારી...ની...” અસમંજસમાં ડૂબેલી સંતુ અને ભચીના મગજમાં એકી સાથે ઝબકારો થયો. બંનેની આંખોમાં અજબની ચમક આવી ગઈ.

“અલી... મુને નુસ્ખો ઝડી ગ્યો...”

“મુને... પણ....”

બંને પોતપોતાના ઠેલેથી ઊઠીને ચાલવા લાગી. અલબત્ત વિરુધ્ધ દિશામાં..........

સંતુ માર્કેટ તરફ અને ભચી પોલીસ-સ્ટેશન તરફ.........

*********************અસ્તુ************************