Tribhet Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Tribhet

***ત્રિભેટ***

*(૧) ઊડાન *

આજે ફરી પાછા એજ ભારેખમ ચહેરે વેણુએ ઘરમાં પ્રવેશ કર્યો. દફતર અને વોટરબેગને ખુરશી પર પછાડયા અને બૂટનો દરવાજાના બાજુનાં ખૂણામાં છૂટ્ટો ઘા કરીને કાન ઉપર હાથ દબાવતાં તે પોતાના રૂમમાં દોડી ગઈ.

“શું હું કયારેય મમ્મી-પપ્પાનો પ્રેમ નહીં પામી શકું?? કાયમ વધારાની થઈને જ રહીશ આ ઘરમાં.....???”

“વે...ણુ...તું કયારે સુધરીશ..??? આવડી મોટી બાર વર્ષની થઈ ગઈ તોય તારું વર્તન તો જો, બે વર્ષના બાળકને પણ શરમાવે એવું છે. કયાં છો?? અહિંયા આવ જોઉં....!” વેણુની વિચારધારામાં વિક્ષેપ કરતાં રોજિંદા વાક્યો એની મમ્મીના મોઢેથી પડઘાયા.

ફરી પાછા એણે બંને હાથ કાન ઉપર દાબી દીધા. “બસ... શરૂ થઈ ગઈ મમ્મીની રામાયણ, હવે દી ને પપ્પા આવશે એટલે શરૂ થશે મહાભારત.....” વેણુએ જવાબ આપવાને બદલે બાથરૂમ ભણી પ્રયાણ કર્યું.

આમ પણ હમણાં પંદરેક દિવસથી એનું બાથરૂમ ગમન વધી ગયું હતું. ના...ના... કોઈ બિમારી જેવું નહીં પણ વેણુની કુમળી માનસિક્તામાં અચરજ ઉતપન્ન કરે એવું કંઈક હતું બાથરૂમમાં.... અને એ હતો .... ચકલીનો માળો.... એની બાથરૂમની બારીમાં ચકલી દ્વારા બનાવાયેલો માળો...

પંદર દિવસ પહેલા જયારે ચકલીએ પોતાના માળામાં ત્રણ ઈંડા મૂક્યા ત્યારથી જ વેણુની કુતુહલતા ઉત્સુકતા બંને વધી ગઈ હતી. એણે ઘણી વખત પોતાની બંને બહેનો માં સાથે ચકલીના ઈંડા અને ઈંડામાંથી નીકળેલા બચ્ચાની દિનચર્યા વિષે વાત કરવાનો પ્રયત્ન કરેલો પણ એની વાતો સાંભળવાનો કે એને સમજવાનો કોઈ પાસે સમય જ કયાં હતો...?? અને સમય કરતાંયે કોઈની ઈચ્છાએ કયાં હતી....?? કારણકે... એ....તો વધારાની હતી ને......!!!

આજે જ્યારે એણે બાથરૂમમાં પ્રવેશ કર્યો ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. પંદર દિવસ પહેલા મૂકાયેલા ઈંડામાંથી બનેલા અને આજના દિવસે અદ્લોદ્લ એની માં જેવા જ દેખાતા એ ત્રણ બચ્ચામાંથી બે બળૂકા બચ્ચા પાંખો ફફડાવીને ઊડવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યાં તો એની માં ચાંચમાં ખાવાનું લઈને આવી. કાયમની જેમ બે બળૂકા બચ્ચાઓએ ત્રીજા અશક્ત બચ્ચાને ચાંચ મારીને પાછળ ધકેલી દીધું.

“બિચારું બચ્ચું....” એ અશક્ત બચ્ચાના દયામણા ચહેરાને એકીટશે જોતા વેણુના કાનમાં આજે સંભળાયેલા શબ્દો પડઘાવા લાગ્યા, “બેન ખરું કે’વાય આ જમાનામાં ત્રણ-ત્રણ છોકરી....???”

“અરે!! આ તો વધારાની છે. એની માં એ કાંઈ ઓછી કોશિશ કરી’તી એને પેટમાં જ પતાવી દેવાની, તોય પણ.....”

“હા..હા.. એટલે જ તો કાળોમેશ રંગને ઓછી બુધ્ધિ લઈને જન્મી છે....હા....હા....હા.....” વેણુથી સહન ન થયું એણે પોતાના દાંત ભીંસ્યા ને માથાના વાળ બંને હાથથી ખેંચ્યા પણ અસહ્ય દુ:ખાવો થતાં એની આંખ ભરાઈ આવી.

ચીં...ચીં….ચીં... ચકલીના બચ્ચાઓના કલરવે વેણુની વિચારધારા અટકાવી. પોતાની મનોવેદના કોરાણે મૂકીને તે બચ્ચાઓની હરકતને પલક ઝબકાવ્યા વગર નિહાળવા લાગી. એક પછી એક બંને બચ્ચાઓએ માળામાંથી સહેજ બહાર આવીને પોતાની પાંખ ત્રણ વખત ફફડાવી અને બારીમાં જડાયેલા ચોથા નંબરના કાચ ઉપર બેઠા અને આ....શું.....?? પળવારમાં બારીની બહાર આવેલા ખુલ્લા આકાશમાં ઊડી ગયા.

“હે, ભગવાન! આ બે બળિયા તો ઊડી ગયા હવે આ ત્રીજાનું શું થાશે..?? આમેય એની માં તો પે’લેથી જ એના માટે ખાવાનું કયાં લઈ આવતી’તી?? કયાંક મરી ન જાય તો હારું...!”

ચકલીના બચ્ચાની ચિંતામાં વેણુએ સાંજનો નાસ્તો અને રાત્રિનું ભોજનપણ બરાબર ન કર્યું. એનું કુમળું મન વારંવાર એ બચ્ચાની સરખામણી પોતાની જાત સાથે કરી રહ્યું હતું. આખરે.... અનેક વખત પડખા ફેરવ્યા છતાં ઊંઘ ન જ આવી ત્યારે એ કોઈ જાગી ન જાય તેની તકેદારી લઈને બાથરૂમમાં પહોંચી ગઈ. બારી પર લગાડેલી જાળીને ઊંચી કરીને જોયું. ચકલીનું એ અશક્ત બચ્ચું પોતાની માં ની હૂંફમાં લપાઈને બેઠું હતું અને એની માં પોતાની ચાંચ વડે બચ્ચાના શરીરને પંપાળી રહી હતી. પણ લાઈટ ચાલુ થવાના કારણે ચકલીએ ચીં....ચીં.... કરીને કલબલાટ મચાવી દીધો. પોતે સેવેલી શંકા ખોટી પડતાં વેણુ ગદગદિત થઈ ગઈ. આનંદ અને સંતોષની અનુભૂતિ સાથે એણે જાળી નીચી કરીને લાઈટ બંધ કરી દીધી.

આજે સમજણી થયા પછી વેણુ પહેલીવાર શાંત ચિત્તે ઊંઘવા જઈ રહી હતી. અત્યાર સુધી પોતાના અસ્તિત્વને લગતાં વિચારો એના મનમાં ઘૂમરાઈ રહ્યા હતા જેને આ બે બચ્ચાની ઉડાને શાતા આપી હતી. હવે તો બસ.........એને પણ એવી જ ઉડાનની રાહ જ જોવાની હતી ને.......!!!

****************અસ્તુ*****************

*(૨) સરપ્રાઈઝ *

બેડરૂમની બારીમાં લગાડેલા ઝાલરવાળા પડદાની આડશમાંથી સૂર્યનો પ્રકાશ વધુ તીવ્રતાથી મોં પર પડતાં કરૂણાથી પરાણે પથારીમાં બેઠા થઈ જવાયું. છેલ્લા દોઢેક મહિનાથી માંદગીમાં ઘેરાયેલી કરૂણાના શરીરમાં રહેલી અશક્તિ એની આંખોની નીચે બનેલા કાળા કુંડાળા દ્વારા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

ખુશી....ઓ....ખુશી કયાં ગઈ બકા??” છેલ્લા ત્રણેક મહિનાથી પડી ગયેલી આદતથી મજબૂર થઈને કરૂણાએ પોતાનાથી પંદરેક વર્ષ નાની બહેન ખુશીને બૂમ પાડતાં કહ્યું.

પણ....ખુશીનું નામ જીભે આવતાં જ ગઈકાલે સાંજે તેના કાને પડેલી અધૂરી-પધૂરી વાત ફરી તેના મનોમસ્તિષ્ક્માં ગુંજાવા લાગી, “જોયું!! કેવી સહી કરાવી લીધી અને દી ને ખબર સુધ્ધાં ન પડી કે તે કયા કાગળ ઉપર સહી કરેછે... સો ટેલ જીજુ જ્યારે આ વાત.....

“....જો ફરી પાછું જીજુ ??? તને કહ્યું છે ને કે હવે તારી આ જીજુ-જીજુ કહેવાની આદત સુધાર અને પ્લીઝ મને જીજુ કહેવાનું બંધ કર. તું હવેથી મને પ.......”

આગળની વાત કરૂણા તેના ધડકતાં હૈયા, છલકાતી આંખ અને ફફડતાં હોઠને કારણે સાંભળી ન શકી ને હતપ્રભ થઈને કેટલીએ વાર આમને આમ બેસી રહી હતી.

ગઈકાલની વાત યાદ આવી જતાં કરૂણા ફરી અસ્વસ્થ બની ગઈ. તે મનોમન બબડવા લાગી, “આમ જોવા જઈએ તો પરિક્ષિતનો પણ કયાં વાંક છે? લગ્નને વર્ષો વીતવા છતાં એક બાળકની ખુશી પણ એમને હું કયાં આપી શકી છું??? જો કે મેં એમને બીજા લગ્ન કરી લેવા માટે કેટલીએ વખત સમજાવ્યા હતા પણ ત્યારે તે એકના બે નહોતા થયા અને આજે મારી જ નાની બે’ન સાથે....??? હશે બાપલા! જેવી તારી મરજી ને જેવી એમની ખુશી....”

એવું એ નહોતું કે, આ પહેલી જ વખત કોઈ વાત કરૂણાના કાને પદી હતી ને તેણે મન પર લઈ લીધી. છેલ્લા દોઢેક મહિનાથી પોતાના પતિ પરિક્ષિત અને નાની બહેન ખુશી દ્વારા પોતાની હાજરીને ન ગણકારવી, દરેકે દરેક વાત છુપાવવી અને તેમની વધી રહેલી નિકટતાને કારણે કરૂણા અંદરથી તૂટી રહી હતી અને કળી ન શકાય તેવી બિમારીની ઝપેટમાં આવી ગઈ હતી.

“દી...... હું જરાક તારા પતિદેવ સાથે બહાર જાઉંછું. તારી દવા ટેબલ પર રાખી છે, તે ચાય-નાસ્તો કરીને લઈ લેજે. બાય......”

કરૂણા પોતાની નાની બહેન ખુશીને જતાં જોઈ રહી. પોતે જયારે લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે પાંચવર્ષની ખુશીને પોતાની વિધવા માં અને નાના ભાઈ સાથે રડતી મૂકીને આવી હતી. ચારેક મહિના પહેલા માં નું અવસાન થયું અને ભાઈ પણ વિદેશમાં સેટલ થયેલો હોવાથી ખુશીની જવાબદારી પરિક્ષિતે હોંશભેર ઉપાડી લીધી ત્યારે કરૂણા કેટલી ખુશ થઈ ગઈ હતી.....

“પણ..... મને કયાં ખબર હતી કે મારી ખુશી જ મારા દુ:ખનું કારણ બની જશે. મેં મારી જાતે જ કુહાડા પર પગ મૂકી દીધો ખુશીને હોંશભેર આ ઘરમાં લાવીને.... હં....” હળવા નિશ્વાસ સાથે કરૂણા બોલી.

આખો દિવસ કરૂણા પોતાના રૂમમાં જ ભરાઈ રહી. તેનું તન અને મન વિશ્વાસઘાતના વિચાર માત્રથી તૂટી રહ્યું હતું.

“કરૂણા, કેમ છે તારી તબિયત?? લે આ નવી સાડી. ખુશી ખાસ તારા માટે લાવી છે. જલ્દીથી જલ્દી તે પહેરીને તૈયાર થઈ જા અને બહાર આવ તને જબરજસ્ત સરપ્રાઈઝ આપવાની છે.” હંમેશ કરતાં કાંઈ જુદા જ સ્વરે પરિક્ષિત બોલીને બહાર નીકળી ગયો.

હ્રદય જોરથી ધડકી રહ્યું હતું ને માથું ફાટફાટ થઈ રહ્યું હતું. શરીરમાં કળતર થઈ રહી હતી. તેમ છતાં વર્ષોથી જે પતિનું પડખું સેવ્યું હતું એની ઈચ્છાને માન આપવા કરૂણા તૈયાર થઈને બહાર આવી.

“અરે...આ..શું...?? આટલી બધી સજાવટ, આટલા બધા મહેમાન...?? તો..શું.... આ બંનેની સરપ્રાઈઝ એમના લગ્ન...??? ના....ના....” શંકા-કુશંકા કરતી કરૂણા વિસ્મયતાથી બધું જોઈ રહી.

“આજે અમે આ ઉપસ્થિત સર્વે મહેમાનોની હાજરીમાં અને સાક્ષીમાં તને એક જબરજસ્ત સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છીએ. પણ એના માટે તારે પહેલા આંખો બંધ કરવી પડશે.” ખુશીના હાથમાં હાથ પરોવીને હૉલમાં પ્રવેશતાં પરિક્ષિત બોલ્યો.

પરિક્ષિતની સરપ્રાઈઝ શું છે એની ગળા સુધીની ખાતરી હોવા છતાંપણ કરૂણાએ ધડકતાં હૈયે આંખો બંધ કરી. તેના હાથને કોઈ ઠંડો સ્પર્શ થયો. એણે ફટાક દઈને આંખો ખોલી.

“આ..શું..?? આ શેના કાગળ છે?” કરૂણાએ આશ્ચ્રર્યથી પૂછયું ત્યાં અચાનક એને ખુશી દ્વારા કરાવાયેલી સહી યાદ આવી ગઈ. એના ગળે ડૂમો બાઝી ગયો. તે માંડમાંડ બોલી શકી, “આ...બધું શું... છે પરિક્ષિત???”

“આપણી ખુશી.... ખોલીને તો જો.....”

કરૂણાએ છલકાતી આંખે કાગળ ખોલીને જોયા. “આ.... તો... અડોપ્શન... પેપર છે. એટલે તમે ખુશીને......????”

“તમે નહીં ગાંડી, આપણે. આજે આપણી એનીર્વસરીના વિશેષ દિવસે હું આપણા વેરાન દામ્પત્ય જીવનને ખુશી રૂપી દીકરીના આગમનથી લીલુંછમ્મ બનાવી દેવા માંગુંછું. સો હાઉ વોઝ ધ સરપ્રાઈઝ....???”

ઉપસ્થિત સર્વે મહેમાનોના તાળીઓના ગડગડાટ વચ્ચે કરૂણા ફાટી આંખે પરિક્ષિત અને ખુશીને તાકી રહી.

***************અસ્તુ***************

*(3) સુખનું સરનામું *

ઑટોરિક્ષા મંદગતિએ આગળ ધપી રહી હતી પણ મારું હ્રદય તેજગતિએ ધડકી રહ્યું હતું. એક નવી જગ્યા, નવા લોકો, શું ખરેખર મારે ત્યાં જવું જોઈએ ??? હું નક્કી જ નહોતી કરી શક્તી.

“હજુ કેટલું દૂર છે? શહેર તો પૂરૂં થવા આવ્યું ને ભાઈ?”

“બસ, દસેક મિનિટમાં પહોંચી જઈશું આ તો શું શહેરના છેવાડે છે ને એટલે જરા....”

“શહેરને છેવાડે....!!! સાચી વાત છે, કચરો તો હમેંશા ગામને છેવાડે જ નખાય ને...!!!”

લાંબી રિક્ષાયાત્રા બાદ મુક્ત વાતાવરણને સ્પર્શીને એક અનોખા ઉમંગનો સંચાર મેં મારા હ્રદયમાં અનુભવ્યો. અહીંની હવામાં જ કાંઈ એવું હતું કે અહીં આવ્યા પછી મારા મનને શાંતિ અને હ્રદયને શાતા મળી ગઈ.

ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલું ‘પ્રિયધામ’નું બાંધકામ ખરેખર કોઈ કાબેલ શિલ્પીની મહેનતના નિચોડ સમાન હતું. બાથરૂમ અને નાનકડા રસોડા વડે સુસજ્જ એવા ૩૦ રૂમો, પ્રાર્થનાખંડ, ધ્યાનખંડ, સંગીતખંડ, પુસ્તકાલય, નાનકડું મંદિર અને વિશાળ ભોજનાલય વડે શોભાયમાન થયેલું ‘પ્રિયધામ’ જે કોઈપણ રીતે વ્રૃધ્ધાશ્રમ તો કહી જ ન શકાય એવું રૂપકડું હતું.

જો કે છ જણના સ્ટાફ સાથે વ્રૃધ્ધાશ્રમના કર્તાધર્તા બનીને અહીં રહેતા ત્રીસ વડીલોની સેવા કરતા મને ચારેક મહિનાનો સમય થઈ ગયો હોવા છતાં આટલી સગવડતા ભરેલી જગ્યામાં પણ જાતને અગવડતા ભોગવવી પડેછે એવું મને સતત લાગ્યા કરેછે જાણે પરાણે પુણ્ય કરતી હોઊં એવો ભાવ મારા મનમાં અંકુરિત થાયછે.

પરંતુ..... ધીરે ધીરે મારા મન ઉપર જડાયેલા આડંબરના આવરણને તોડવામાં આ વડીલો સફળ થયા. સૌભાગી દીકરા... સૌભાગી બેટા...., સૌભાગી... સૌભાગી... ને બસ સૌભાગી... આટલો પ્રેમ, આટલું માન... હું તો ગદ્દ્ગદ થઈ ગઈ અને મારા ભૂતકાળને વિસારે પાડવા લાગી.

ભૂતકાળ..... એટલે જાણે કે કાળ જ જોઈ લ્યો. આટલા વર્ષે પણ પોતાનું મોં ફાડીને મને આખેઆખો ગળી જવા તૈયાર હોય એવો મારો ભૂતકાળ....!!! નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી, માં એ પારકાં કામ કરીને ઉછેરી એમાં સારું ખાવું, પહેરવું કે ભણવું એવી તો વાત જ કયાં આવી??? નસીબની બલિહારીએ બેતાલીસ લખણાં પતિનો પાનારો, લગ્નબાદ થોડા સમયમાં જ લાઈલાજ બિમારીમાં તેનું મ્રૃત્યુ, કશોય વાંક ન હોવા છતાં દોષના ટોપલાનું ઢોળાવું અને ત્યાં સુધી તો ઠીક પણ મોટાભાઈ સમાન જેઠની નજર..... જે જીવનને નષ્ટ કરવા સુધી લઈ ગઈ હતી, પણ... જીવન સાથેની લેણા-દેણી બાકી રહી ગઈ હશે એમ ‘પ્રિયધામ’ના ટ્રસ્ટી શ્રી બાબુભાઈની રહેમ નજરે આજે હું અહિંયા છું.

જો કે ભૂતકાળ તો અહીં આવતા અને રહેતાં વડીલોનો પણ છે જ ને!!!! એટલે જ આજે મેં નિશ્ર્ચ્ય કર્યો છે કે, મારા ‘પ્રિયધામ’માં વસતાં દરેક વડીલો કે, જે કોઈ પુત્રના, કોઈ પરિવારજનોના, કોઈ મિત્રોના કે કોઈ પોતાના સ્વજનોના દગાથી પરેશાન થઈને અહીં આવ્યા છે એમને સ્વજનોથી વધારે હૂંફ, પ્રેમ, પોતિકાપણું, માન, સન્માન, લાગણી, સગવડ અને હેત આપીને એમના તમામ પ્રશ્રનો, તકલીફો, કઠિનાઈઓ અને દુ:ખને કોરાણે મુકાવીશ અને આ સુખના સરનામે આવનાર તમામ વડીલોને ધન્યતા અર્પીશ અને જન્મથી જ અભાગી એવી હું સૌભાગી, મારા વિશ્ર્વાસને શ્ર્વાસે-શ્ર્વાસે સંપાદિત પણ કરીશ.

ઠક.... ઠક...... ઠક.....

“સૌભાગીબેન આવું કે?”

“અરે! એમાં પૂછવાનું હોય ભાઈ??”

“સૌભાગીબેન, આ પત્ર બાબુભાઈએ મોકલાવ્યો છે. એમના જણાવ્યા મુજબ એક દુ:ખી વડીલ આપણા ‘પ્રિયધામ’માં જોડાવવા આવી રહ્યા છે.આ પત્ર વાંચીને પછી એમને આવકારવાનો કે જાકારો આપવાનો નિર્ણય તમારે લેવાનો છે.”

“એવું કેમ બોલો છો ભાઈ?? જાકારો.... અને એ પણ

‘પ્રિયધામ’માંથી.....” ભારે અવઢવ વચ્ચે મેં એ પત્રને ખોલીને વાંચ્યો અને જાણે મારા પગ તળેથી જમીન સરકી રહી હોય એવું મને લાગ્યું પત્રમાં વડીલનું નામ અને એમના વિષે લખાયેલી વિગતે મને દિ:ગ્મૂઢ કરી નાખી. તેમના લખવા પ્રમાણે એમના નાનાપુત્રનું વર્ષો પહેલા પુત્રવધુના ભારે પગલે મ્રૃત્યુ થયું હતું.ત્યારબાદ સ્વછંદ એવી એમની પુત્રવધુ એમને નોધારા મૂકીને ચાલી ગઈ હતી. તાજેતરમાં મોટાપુત્રનું માર્ગ અકસ્માતમાં અવસાન અને તેના આઘાતમાં વડીલની પત્નિનું હ્રદયરોગના હુમલામાં નિધન થયેલ હોતાં આ તમામ દુ:ખોને જીરવી ન શકવાથી પોતે લક્વાગ્રસ્ત બનીને ‘પ્રિયધામ’માં આશરો મેળવવા ઈચ્છતા હતા.

હે! મારા પ્રભુ! ભારે પગલે...,નોધારા.....??? હજુ તારે મારી કેટલી પરીક્ષાઓ લેવાની બાકી છે?? માંડમાંડ મારા ભૂતકાળમાંથી મારી જાતને બહાર કાઢીને મને આ સુખનું સરનામું મળ્યું ત્યાં ફરી પાછો એજ ભૂતકાળ મારી સમક્ષ કાળોત્તરા નાગની જેમ ફેણ ઉપાડીને મને ડસવા.....

“સૌભાગીબેન, એ વડીલ કરગરે છે, એમની તબિયત જરા.... જો કે આખરી નિર્ણય તમારો જ હશે. આ તો હું......”

વાસ્તવિક્ત્તાનું ભાન થતાં હું મારી જાત સાથેના દ્વંદ્વ યુધ્ધમાંથી બહાર આવી ગઈ. નિર્ણય મારે લેવાનો છે, મારે..... થોડી ગડમથલ બાદ મેં દ્રઢ નિર્ધાર કર્યો કે, જો હું પારકાંને પોતાના બનાવી શકું તો આ વડીલ તો મારા શ્ર્વસુર છે, મારું મન સ્વીકારે ન સ્વીકારે તો ય તે મારા પોતાના છે અને રહી વાત એમના ભૂતકાળના વર્તનની તો... જેવા સાથે તેવા થવું એ મારા સ્વભાવ અને સંસ્કાર બંન્નેમાં નથી તો પછી હું આ સુખના સરનામે આવેલા વડીલને ધુત્કારીને પાછા તો ન જ વાળી શકું. એમનું સ્થાન મારા હ્રદયમાં ભૂતકાળના મારા ‘સ્વજન’ તરીકેનું ભલે ન રાખી શકું પરંતુ વર્તમાનના મારા ‘પ્રિયજન’નું તો રાખી જ શકું ને...??

અને...... એ ‘પ્રિયજન’ને આવકારવા મેં હોંશભેર ડગ માંડયા.

*********************અસ્તુ***********************

આશા આશિષ શાહ

ભુજ-કચ્છ

૯૧૭૩૨૨૧૨૩૪