ગ્રહણ - પ્રકરણ ૧ Asha Ashish Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ગ્રહણ - પ્રકરણ ૧

“ગ્રહણ......”

(પ્રકરણ-૧)

છેલ્લા ચોવીસેક કલાકથી અવિરત પડી રહેલા ને વરસાદી માહોલ બરાબર જમાવી ચૂકેલા મેઘરાજાએ હમણાં જ પોરો ખાધો હતો. કાળા ડિબાંગ વાદળાઓ પણ ધીરે ધીરે વિખેરાઈ રહ્યા હતા. છતાં કુદરતના અદભૂત નજારા સમાન જેમ સૂર્ય ગ્રહણને કારણે ભરબપોરે પણ અવનિ ઉપર જાંબુડી અંધકાર છવાઈ રહ્યો હતો એમ ધરતીના જીવનમાં થયેલી ઉથલ-પાથલને કારણે એના રોમેરોમમાં નિરાશાનો અંધકાર છવાઈ ગયો હતો.

શહેરના છેવાડાના ભાગે આવેલ ધરતીનું ઘર ખાસ્સું એવું મોટું તો નહોતું. ત્રણ બૅડરૂમ, હૉલ, વરંડો, કિચન અને કિચનગાર્ડનથી સુશોભિત એવું ઘર એની કોઠાસૂઝથી તરબતર તો જરૂર હતું . ઘરમાં ફક્ત ચાર જ તો વ્યકિત હતી જેમાંથી એક શહેરથી બહાર રહેતી હતી અને એક હવે હમેંશા હમેંશાને માટે ખામોશ થઈ ગઈ હતી અને એના ગયા પછી ધરતીએ પણ ચૂપકી સાધી લીધી હતી. આ ચૂપકીને તોડી શકે એવું રહ્યું જ કોણ હતું??

માતા-પિતા તો વર્ષો પહેલાં અનંત યાત્રાએ ઉપડી ગયા હતાં અને બીજા બધાં સ્વજનોએ વર્ષો પહેલા પોતાની ભૂલને કારણે જ તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. બસ એક દીકરીની જ આશ હતી જે બીજા શહેરની હૉસ્ટેલમાં રહીને ભણતી હતી. અને એટલે જ ઘરમાં બનેલા પ્રસંગને અઠવાડિયા જેટલો જ સમય પસાર થયો હોવા છતાં ધરતી યુગો-યુગોની એકલતાનો ઝુરાપો વેઠી રહી હોય એવું એના વદન પરથી સ્પષ્ટ ભાસતું હતું.

“બેનબા, થોડું તો ખાઈ લિઓ નહીંતો બી.પી.ની ગોળી તમે ચ્યંમ લઈ હક્શો?” આ તો છેલ્લા આઠ દિવસનો જાણે નિત્યક્રમ બની ગયો હતો. એ મુજબ ધરતી જેમને પિયરથી પોતાની સાર-સંભાળ માટે પોતાની સાથે લઈ આવી હતી એ માસીબાએ ચોથી વખતનો નિષ્ફળ પ્રયાસ કરતાં કહ્યું.

“થાળી લઈ જાઓ, મને ભૂખ નથી માસીબા. તમતમારે જમી લ્યો. મારી ચિંતા ન કરો.” ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ધસી આવેલાં આસુંને ખાળતાં ધરતી માંડમાંડ બોલી શકી.

“પણ દીકરી બી.પી.ની ગોળી ખાધા-પીધા વગર ચ્યંમ લેવાસે કે’જોઉં......”

“હં..ઉં.. બી.પી.ની ગોળી... એ ન લેવાથી વધુમાં વધુ શું થઈ જવાનું છે?? અત્યાર સુધીની જિંદગીમાં મારી સાથે જે થયું એનાથી વધારે તો કંઈ નહીં થાયને???” હળવા નિ:શ્ર્વાસ અને ચહેરા પર કડવાશના ભાવ સાથે ધરતી બોલી અને પોતાનું મોઢું સાડીના પાલવમાં છુપાવીને ડૂસકાં ભરવા લાગી. માસીબા એને રડતી જોઈ ન શક્યા એટલે એમની આંખમાં પણ પાણી આવી ગયા અને કમને થાળી લઈને તેઓ રસોડા તરફ ચાલવા લાગ્યા.

“મો...મ...” માસીબાના ગયા બાદ રાજધાનીની ગતિએ નીશા ધસમસતી આવી પહોંચી. “મોમ…. મોમ..., આ બધું શું થઈ ગયું મોમ...??? મને ડેડનું અંતિમ વખત મોં પણ જોવા ન મળ્યું... કેમ મોમ કેમ તેં મને પહેલા જાણ કેમ ન કરી??? મોમ પ્લીઝ!!! સે સમથીંગ” નીશાએ આવતાંવેત પ્રશ્નોની ઝડીઓ વરસાવી દીધી.

બંને માં-દીકરી એક્બીજાને ભેટીને કેટલીએ વાર સુધી રડતાં રહ્યાં. જયારે મનનો ઊભરો થોડો શાંત થયો ત્યારે નીશાએ મૌન તોડ્યું, “મોમ, તે આજે પણ ખાધું નથીને?? મને માસીબાએ ફોન પર બધું જ કહી દીધું છે. આમ થોડું ચાલે?? એની નજર એના ડેડની મંદમંદ મુસ્કુરાતી આદમકદની છબિ ઉપર ગઈ. એના મધુર હાસ્ય સામે જોઈને એ બોલી, “મોમ, ડેડની વિદાયને આઠ દિવસનો સમય પસાર થઈ ગયો છે. આઈ નો કે, તું ડેડના આકસ્મિક નિધનનો આજે પણ સ્વીકાર કરવાની હાલતમાં નથી બટ મોમ, ગયેલા કયારેય પાછા આવતા નથી એ વાત પણ એટલી જ ટ્રુ છે ને??. એન્ડ આઈ એમ વેરી મચ શ્યોર કે, તારા ન જમવાથી ડેડને બહુ જ દુ:ખ થશે. બીકોઝ ડેડ તને ક્યારેય આ હાલતમાં જોઈ જ ન શકે. તને યાદ છે ને નાના- નાનીના ડેથ વખતે તારી ન જમવાની જિદ્દને મારા ડેડની દલીલો સામે કેવી માત મળી’તી.” ફિક્કું હાસ્ય મોં પર લાવતાં નીશા બોલી. સો, હું થાળી લઈ આવુંછું આજે આપણે બંને એક જ થાળીમાંથી સાથે જમીશું જેમ હું ને ડેડ હંમેશા સાથે જમતાં એ...” અને આંખોમાંથી આંસુ છલકાઈ ન જાય એની તકેદારી રાખવા નીશા “માસીબા... ઓ...માસીબા…” એમ બોલતાં બોલતાં રૂમની બહાર નીકળી ગઈ.

ધરતી એકીટશે નીશાને જોઈ રહી. પોતાની પ્રતિકૃતિ સમાન નીશા ફ્ક્ત એના ગાલના ખંજન અને હેઝલ બ્રાઉન આંખોને કારણે એનાથી જુદી પડતી. બાકી ચાલ-ઢાલ અને જિદ્દમાં તો એ પોતાના કરતાંએ ચાર ચાસણી વધી જ જાય. એટલે જ ધરતીને એની જિદ્દ આગળ નમતું જોખવું પડ્યું ને!!! જોકે નીશાની આંખોમાંથી ડોકતા આંસુ એનાથી અજાણ ન રહી શક્યા. પણ એ આંસુ વહાવતી આંખો.... એ આંખોને કારણે જ તો ધરતીએ પોતાના હ્રદય ઉપર પથ્થર મૂકીને નીશાને પોતાનાથી દૂર રાખી હતી કારણકે, એ જ આંખો હતી જે એને એના અતીતની વરવી યાદ અપાવી જતી અને આજે ફરી પાછી એ આંખોએ જ એને પોતાના ભૂતકાળમાં સરી પડવા મજબૂર કરી દીધી.

**************************

બ્લુ આંખો, ગુલાબી હોઠ, રતુમડાં ગાલ અને કાળા ભમ્મર વાળ સાથે આછા ગુલાબી રંગના શરીરે ચપોચપ બેસતાં સલવાર –કમીઝ ધરતીની કાયાના વળાંકોને વધુ સ્પષ્ટ બનાવી રહ્યા હતા અને ઉપરથી ઓઢેલી ડાર્ક ગુલાબી રંગની ઓઢણી તેની ગૌર ત્વચાને વધુ માદક બનાવી રહી હતી.

“અરે! મારા દિલની રાણી, આ તારી કાયા, આ તારું જોબન ઊફ....!!! હું તો લગ્ન પછી તને એક મિનિટ માટે પણ મારી બાહુપાશમાંથી કયાંય જવા નહીં દઉં.” ધરતીના હોઠ ઉપર તસતસતું ચુંબન કર્યા બાદ ધરતીના શરીરના ઉભાર પર તરસી નજર નાખતાં આકાશ બોલી ઉઠ્યો.

“એ બધું તો સમજ્યા મારા રુદિયાના રાજ્જા, પણ ખાટલે મોટી ખોડ તો એ છે કે તારા પરિવારજનોની સંમતિ હજુ મળી છે ક્યાં.....???” પોતાની કાયાને આકાશની બાહુપાશમાંથી છોડાવવાનો નબળો પ્રયત્ન કરતાં ધરતી બોલી.

“ઓ.. હો... એમાં કયો મોટો મીર મારવાનો છે મારી જાન??? બસ કે’વાનું જ છે ને જસ્ટ. અને હાં... જો કહી દઉં છું તને માય વુડી વાઈફ કે, મારા ઘરના કદાચ ના પણ પાડશે ને તો પણ આ બંદા પીછેહઠ્ઠ કરે એમ નથી. તને મારી બનાવવાનો ઈરાદો પથ્થરકી લકીર સમાન છે પછી ભલે ને ઘરેથી ભાગીને જ કેમ લગ્ન ન કરવા પડે???” શર્ટના ઉપરથી ખુલ્લા બે બટનની બહાર ડોકાતાં છાતીના ઘુંઘરાળા વાળ ઉપર હાથનો મુઠ્ઠો પછાડતાં આકાશ બોલ્યો.

“ઓ.કે. બેબી ઓ.કે.!! તો આજે જ આ શુભકાર્ય પાર પાડી દ્યો એટલે આપણે ખુશ!!” ચૉકલેટની કટકી પોતાના મોઢાથી આકાશના મોંમાં મુક્યાં બાદ ધરતી બોલી.

“બસ ખુશને તો પછી અમને ખુશ કરવાનો તમારો કોઈ ઈરાદો છે કે પછી....”

આકાશને અધવચ્ચે જ અટકાવતાં અને મીઠું શરમાતાં ધરતીનાં રતુમડાં ગાલ આકાશની પહોળી પૌરૂષી છાતીમાં ભિંસાઈ ગયા.

**************************

“ફટાક….!!!” જોરદાર પવનની પાંખે બારીઓ ભટકાવા લાગી. એના કારણે ધરતીની વિચારધારામાં વિક્ષેપ પડ્યો. પવનદેવના રૌદ્ર સ્વરૂપે ધરતીને જાણે બારી બંધ કરવાની ફરજ પાડી દીધી. ઊભા થઈને બારી બંધ કરવા જતાં તેની નજર ગ્રહણને કારણે પોતાનું તેજ ગુમાવી ચૂકેલાં સૂર્યદેવ પર પડી. જાણે આ ગ્રસ્ત સૂર્ય પોતાની હાલતને સુપેરે વર્ણવી રહ્યો હોય એવું ધરતીને લાગ્યું. હળવા નિશ્ર્વાસ અને ફિક્કા હાસ્ય સાથે સૂરજ સામે તાક્તા તાક્તા એનું મન ફરી એક વખત એના નાદાનિયત ભર્યા ભૂતકાળમાં સરી પડયું.

*******************

“કહે જોઉં કોણ હશે??” ધરતીની આંખો પર પાછળથી હથેળી અને ખુલ્લી પીઠ પર હોઠ મૂક્તો ચિત્ત-પરિચિત અવાજ સંભળાયો.

(ક્રમશ:)